Sunday, January 12, 2020
યે કહાં આ ગયે હમ, યું હી સાથ સાથ ચલતે...
લગભગ બે દાયકાના રાજકીય લેખન પાછળની ભૂમિકા, સમજ અને તેને ઘડનારાં પરિબળો વિશે શાંતિથી લખેલી ને શાંતિથી વાંચવા જેવી કેફિયત.
ભાજપની જેપી ચોક, ખાનપુરમાં આવેલી ઓફિસ અમદાવાદમાં વર્ષો સુધી પત્રકારોનું મિલનસ્થાન હતું. ત્યારે ધીમે ધીમે સત્તા આવી હતી, નેતાઓના પગ જમીન પર હતા. મંત્રીઓનો સહેલાઈથી સંપર્ક થઈ શકતો. રીપોર્ટિંગ મારો મુખ્ય વિષય નહીં. છતાં મુંબઈથી આવ્યા પછી ઘણી વાર આ દુનિયા જોવા માટે હું પ્રશાંત દયાળ સાથે જતો. (અમે બંને પહેલાં ‘અભિયાન’માં અને પછી ‘સંદેશ’માં સાથે કામ કરતા.) ભાજપ ઓફિસે જવાનું થાય કે સૌમ્ય વ્યક્તિત્વ ધરાવતા તે સમયના ભાજપના કાર્યાલય મંત્રી ભરત પંડ્યા જેવા લોકો સાથે દોસ્તી થાય એ સાવ સાહજિક હતું.
મારી પેઢીના અમદાવાદના (અને કદાચ ગુજરાતના) ઘણા પત્રકારો સ્વાભાવિક રીતે ભાજપતરફી ઝુકાવ ધરાવતા થયા હતા. કેમ કે, એ વખતે ભાજપ શેરીમાં લડતો-નવેનવો સત્તામાં આવેલો પક્ષ હતો ને કોંગ્રેસ જૂનો, ખાઈબદેલો. કેન્દ્ર માટે ‘એક તક ભાજપને’ એવું સૂત્ર ચાલતું હતું.
![]() |
| ભરત પંડ્યા (ફોટોઃ ગૌતમ ત્રિપાઠી) |
બાબરી મસ્જિદ ત્યારે તૂટી ચૂકી હતી. પણ પક્ષીય રાજકારણમાં મારી જાગૃતિ અને રસ નહીંવત્. કોમી ધ્રુવીકરણની અસરો મહેમદાવાદ સુધી પહોંચી ન હતી. એટલે મારી ‘નિર્દોષતા’ ટકી રહી હતી. રામશીલા નિમિત્તે આજુબાજુનાં ગામડાંમાં કોમી તંગદીલીના સમાચાર આવ્યા, ત્યારે પણ મહેમદાવાદ તેનાથી અસ્પૃષ્ટ રહ્યું હતું. સિદ્ધાંતચર્ચા કે આયાસ વગરના, સ્વાભાવિક, સહજ શાંતિપૂર્ણ સહઅસ્તિત્વનો મહેમદાવાદનો વારસો (બીજાં ઘણાં ગામ-શહેરની જેમ) જળવાઈ રહ્યો હતો. કોમી તોફાનો થાય ત્યારે તે ગણ્યાંગાંઠ્યાં શહેરોના અમુક વિસ્તાર પૂરતાં મર્યાદિત રહેતાં. એ અરસામાં રસના અભાવે ને ‘અસરગ્રસ્ત’ નહીં બનવાના કારણે, કોંગ્રેસ-ભાજપના રાજકારણ વિશે ખાસ કંઈ જાણવા-સમજવાનું બન્યું નહીં.
સામાન્ય જ્ઞાન તરીકે કટોકટી વિશે ખબર હતી, કાશ્મીરના પંડિતો વિશે થોડો ખ્યાલ હતો. ૩૭૦મી કલમ, કોમન સિવિલ કોડ જેવા શબ્દો ભાજપના પ્રચારમાં ભીંતે ચીતરાયેલા વાંચ્યા હતા. પણ વધારે ખ્યાલ ન હતો. સ્વાભાવિક ઝોક સત્તાવિરોધી હતો. એટલે બોફર્સ કૌભાંડ વખતે કાર્ટૂનિસ્ટો અને લેખકો રાજીવ ગાંધીનાં છોંતરા કાઢતા હતા, એ જોઈને મઝા પડતી હતી. (તેમાંનાં ઘણાંખરાં કાર્ટૂન હજુ સંઘરાયેલાં છે) ‘બિચ્ચારા નરેન્દ્ર મોદીની કેટલી બધી ટીકા થઈ’—એવી વાત તેમને ‘અન્યાયનો ભોગ બનનાર’—‘વિક્ટિમ’ તરીકે રજૂ કરવા માટે ચલાવાઈ, પણ રાજીવની કે ત્યાર પહેલાંના-પછીના નેતાઓની જે આકરી ટીકા થતી એ તો મારા જેવા બિનરાજકીય, કાર્ટૂનપ્રેમી માણસને પણ યાદ છે. (ફરક લાગતો હોય તો તે મુખ્યત્વે વધેલાં પ્રસાર માધ્યમોનો.) બોફર્સ કૌભાંડ વખતે બીબીસી રેડિયોની હિંદી સેવામાં વાજપેયીનું છટાદાર હિંદી સાંભળવાની મઝા આવતી હતી. વી. પી. સિંઘ જીત્યા ત્યારે રાજકારણની કશી સમજ ન હોવા છતાં, તે રાજીવ ગાંધીને-કોંગ્રેસને હરાવીને જીત્યા હતા તેનો આનંદ થયો હતો. અનામત વિશે ખાસ કશો અભિપ્રાય ન હતો. સમજ પણ ન હતી.
પત્રકારત્વમાં આવ્યા પછી પણ ઠીક ઠીક વખત સુધી આ સ્થિતિ રહી. કેટલાક મુદ્દાની જાણકારી વધી, પણ રાજકારણમાં રસ ન પડ્યો. જે ઇન્ટરવ્યુથી પત્રકારત્વમાં પ્રવેશ થયો, તેમાં પૂછવામાં આવ્યું કે ‘રાજકારણમાં રસ છે?’ ત્યારે મેં પ્રેમથી, કશા ક્ષોભસંકોચ વિના કહ્યું હતું, ‘રસ તો નથી. તમે કહેશો તો લઈશ.’ (આ હકીકતના ‘તાજના સાક્ષી’ : દીપક સોલિયા, નીલેશ રૂપાપરા. કેમ કે અભિયાનના તંત્રી વિનોદભાઈ પંડ્યાની સાથે એ બે જણ પણ, અનુક્રમે ચીફ રીપોર્ટર અને સંપાદકની રૂએ, મારો ઇન્ટરવ્યુ લેવામાં હતા.) મારો રસ ફક્ત રાજકીય કાર્ટૂન સમજવા-માણવા પૂરતો મર્યાદિત હતો.
કેશુભાઈ પટેલની સરકારમાં શંકરસિંહ વાઘેલાનો બળવો—એ બધું મારા પત્રકારત્વમાં આવ્યા પછીની ઘટનાઓ. ‘અભિયાન’માં સહકર્મી-મિત્રો અનિલ દેવપુરકર અને પ્રશાંત તેમાં ગળાડૂબ. પણ મને તેનો કશો રોમાંચ કે પત્રકારસહજ ‘કીક’ ન હતાં. શંકરસિંહની રાષ્ટ્રીય જનતા પાર્ટીની સ્થાપનાના સંમેલનનું તો મેં રીપોર્ટિંગ પણ કર્યું હતું, પરંતુ એ અહેવાલમાં રાજકીય જીવનો ચટાકો નહીં, મજેદાર આલેખનનો આનંદ મુખ્ય હતો.
રાધનપુરમાં મુખ્ય મંત્રી શંકરસિંહ વાઘેલાની ચૂંટણી વખતે (‘સંદેશ’માં પ્રશાંતની અને મારી જોડી હોવાને કારણે) હું પણ પ્રશાંત સાથે પાંચ-છ દિવસ રાધનપુર ગયો હતો. ત્યાં પ્રાથમિક સુવિધાઓ ધરાવતા ભાજપના મિડીયા સેન્ટરમાંથી જ અમે સાંજે સ્ટોરી લખીને ફેક્સ કરતા. એક દિવસ પ્રશાંતે ઓફિસમાં થોડે દૂર બેઠેલા એક જણ પ્રત્યે આંગળી ચીંધીને કહ્યું, ‘આ નરેન્દ્ર મોદી છે.’ પછી ઉમેર્યું,‘…એક નંબરનો અભિમાની.’ (શબ્દોમાં આમતેમ હોઈ શકે, પણ ભાવ આ જ હતો). મેં જોયું, પણ તેમની પીઠ મારા તરફ હતી. એટલે મોઢું ન દેખાયું. મને થયું, ‘હશે, મારે જોઈને શું કામ છે?’ કેમ કે, મારા માટે એ દૂરની ને ‘પારકી’ સૃષ્ટિ હતી.
![]() |
| રાજપની સ્થાપના રેલીનું રીપોર્ટિંગ |
રાધનપુરમાં મુખ્ય મંત્રી શંકરસિંહ વાઘેલાની ચૂંટણી વખતે (‘સંદેશ’માં પ્રશાંતની અને મારી જોડી હોવાને કારણે) હું પણ પ્રશાંત સાથે પાંચ-છ દિવસ રાધનપુર ગયો હતો. ત્યાં પ્રાથમિક સુવિધાઓ ધરાવતા ભાજપના મિડીયા સેન્ટરમાંથી જ અમે સાંજે સ્ટોરી લખીને ફેક્સ કરતા. એક દિવસ પ્રશાંતે ઓફિસમાં થોડે દૂર બેઠેલા એક જણ પ્રત્યે આંગળી ચીંધીને કહ્યું, ‘આ નરેન્દ્ર મોદી છે.’ પછી ઉમેર્યું,‘…એક નંબરનો અભિમાની.’ (શબ્દોમાં આમતેમ હોઈ શકે, પણ ભાવ આ જ હતો). મેં જોયું, પણ તેમની પીઠ મારા તરફ હતી. એટલે મોઢું ન દેખાયું. મને થયું, ‘હશે, મારે જોઈને શું કામ છે?’ કેમ કે, મારા માટે એ દૂરની ને ‘પારકી’ સૃષ્ટિ હતી.
૨૦૦૨ની કોમી હિંસામાં કોમવાદી રાજકારણનો વરવો ચહેરો, આખા ઘટનાક્રમમાં ખલ પાત્ર તરીકે ઉપસતી મુખ્ય મંત્રીની મુદ્રાઓ, હાવભાવ, ઉચ્ચારણ, ઉદ્ધતાઈ, લોકોમાં રહેલા ધીક્કારને માન્યતા અને હવા આપવાની તરકીબો, હિંસાને સામાન્ય ઠરાવવાના ને તેનો રાજકીય લાભ લેવાના સફળ પ્રયાસ...આ બધું જોવા મળ્યું—અને એ રાજકારણના અભ્યાસી કે પત્રકાર તરીકે નહીં, મહેમદાવાદમાં શાંતિથી રહેતા એક માણસ તરીકે. નરેન્દ્ર મોદીના રાજમાં ચાલેલા કોમવાદી રાજકારણ-કોમી ધ્રુવીકરણની ઝાળ મારા જેવા અનેક બિનરાજકીય માણસોના બારણે પહોંચી ગઈ અને દઝાડવા લાગી. રોજિંદા જીવનની આસપાસ છવાયેલા ધીક્કારના વાતાવરણમાં સરકારની ભૂમિકા અપેક્ષાથી સાવ વિપરીત હતી. એટલે સામાન્ય સમજ ધરાવતા વ્યથિત નાગરિક તરીકે, શું ચાલે ને શું ન ચાલે, શું ચલાવાય ને શું ન ચલાવાય, એ ભૂમિકાએ લખવાનું શરૂ કર્યું. ‘લખવું પડ્યું’—એમ કહું તો કદાચ વધારે સાચું ગણાય.
***
૨૦૦૨ની કોમી હિંસા પછી ધીમે ધીમે પ્રશાંત જેવા જૂજ મિત્રો સિદ્ધાંતચર્ચાની ભૂમિકાએ નહીં, પણ સીધીસાદી માનવતાના ધોરણે ભાજપના અને ખાસ તો નરેન્દ્ર મોદીના રાજકારણ વિશે ફેરવિચાર કરવા લાગ્યા. ત્યારે નરેન્દ્ર મોદીની ટીકા કરનારા કેટલાક પત્રકાર એવા પણ હતા, જેમને લાગતું હતું કે (૨૦૦૨ વખતે અને પછી) નરેન્દ્ર મોદી હોવા જોઈએ એટલા આક્રમક નથી. પરંતુ એ બધાની વચ્ચે, બહુ વિલક્ષણ અને ભાગ્યે જ જોવા મળે એવા આત્મવિકાસથી પ્રશાંત એ ચોકઠામાંથી બહાર નીકળવા લાગ્યો હતો.
બહાર નીકળીને એ કંઈ કોંગ્રેસ તરફ ઢળી રહ્યો ન હતો. ભાજપની કોમવાદી નીતિના ટીકાકાર બનતાં પહેલાં કે ત્યાર પછી, મારા મનમાં કોંગ્રેસ માટે કદી ખેંચાણ કે પ્રશંસાનો ભાવ જાગ્યાં ન હતાં. પક્ષીય રાજકારણમાં રસ જ નહીં. એટલે કોઈ પક્ષ પ્રત્યે એવો ભાવ જાગવાનો સવાલ પણ ન હતો. મામલો ફક્ત કોમન સેન્સ અને માનવતાકેન્દ્રી સમજનો હતો. પરંતુ ભાજપની ટીકા કરનારાને કોંગ્રેસી તરીકે ખપાવી દેવાથી, તેમની મુદ્દાસર ટીકાના જવાબ આપવાની જરૂર રહેતી નહીં. આ યુક્તિ હજુ પણ ચાલ્યા કરે છે ને એ વાપરનારને લાગે છે કે તે ‘જોરદાર લઈ આવ્યા’.
રોજિંદા જીવનમાં કોમવાદી રાજકારણનો પ્રવાહ ૨૦૦૨ અને ત્યાર પછીના અરસામાં ઘોડાપૂરની જેમ ફરી વળ્યો. બીજા ઘણા જાગ્રત લોકો માટે એ ઘડી ઘણી વહેલી પણ આવી હશે. આજે મોદી-શાહની ટીકા બદલ જેમને ‘લેફ્ટ લીબરલ’ ગણાવીને ભાંડવામાં આવે છે, તેમાંના ઘણાએ સલમાન રશદી સામેના ફતવા વખતે કે શાહબાનુ ચુકાદાના રાજકારણ વખતે કોંગ્રેસની કડક ટીકાઓ કરી હતી અને પ્રકાશભાઈ જેવા ઘણાએ કટોકટી વખતે જેલવાસ પણ વેઠ્યા હતા. પરંતુ આજે સરકારની કે વડાપ્રધાનની ટીકા કરનારા બધા પર ‘લેફ્ટ લીબરલ’ જેવું એકરંગી લેબલ લગાડી દેવાય છે.
એવાં વિશેષણ વાપરનારાને આગળપાછળનું વિચાર્યા વિના ધ્રુવીકરણના પ્રવાહમાં સડેડાટ ઘસડાતા જોઈને તેમના માટે દુઃખ થાય છે અને મારે એ જોવાનું થયું એની મનોમન પીડા થાય છે.
***
લખતાં લખતાં સમજાયું કે બીજા વિષયોની જેમ રાજકારણ—અથવા મને જે સ્પર્શે છે તે જાહેર બાબતો (પબ્લિક અફેર્સ)—માટે રાજકીય દાવપેચની આંટીઘૂંટીમાં ઉતરવાનું કે રાજકીય રસમાં ડૂબકીઓ મારવાનું અનિવાર્ય નથી. કોમન સેન્સ અને મૂળભૂત માનવતા ધરાવતા નાગરિક તરીકેની જમીન ઊભવા માટે પૂરતી છે. સાથોસાથ, એ પણ જોયું કે અભ્યાસીઓને અને વિદ્વાનોને તેમની વિદ્વત્તા ગોથું ખવડાવે એવી ઘણી સંભાવના હોય છે. કટોકટી વખતે આચાર્ય વિનોબા ભાવેની ભૂમિકા અંગે સ્વામી આનંદે એવી ટીપ્પણી કરી હતી કે ‘વિનોબાને તેના વેદાંતે ગોથું ખવડાવ્યું’. (સૌજન્યઃ પ્રકાશ ન.શાહ) વિદ્વાન કે ચિંતક કે રાજ્યશાસ્ત્રના અભ્યાસી નહીં એવા પ્રશાંતને ખબર પડતી હતી કે ગુજરાતનાં નકલી એન્કાઉન્ટરોમાં કશી જાંબાઝી નથી કે કશો દેશપ્રેમ નથી. એ તો રાજકીય લાભ માટે કરાયેલાં ને એ હેતુ માટે સફળતાથી વપરાયેલાં એન્કાઉન્ટર છે. પરંતુ બીજા ઘણા માટે એટલી સાદી સમજ દુર્લભ બની ગઈ. તેમાં ન સમજનારા હતા ને ધરાર સમજવા ન માગનારા પણ હતા. સમય જતાં આ પ્રકારભેદ ગૌણ બનતો ગયો. (તેમાંથી થોડાને મોડેથી સમજાયું પણ છે)
નરેન્દ્ર મોદી મુખ્ય મંત્રી બન્યા ત્યાર પહેલાંના સમયમાં, ઘણા લોકો માટે ભાજપને ટેકો આપવાની શરૂઆત કોંગ્રેસ માટેના અભાવથી થઈ હતી. અભાવનાં વાજબી કારણો પણ હતાં. ૨૦૦૨ પછી પોતે હળહળતા કોમવાદી ન હોય એવા લોકો પણ ‘ગુજરાતગૌરવ-વાઇબ્રન્ટ તમાશા-હિંદુગૌરવ-‘એમાં ખોટું શું છે?’- ‘નરેન્દ્ર મોદીની આટલી બધી ટીકા થતી હશે?’ આવાં એક કે વધુ કારણોસર નરેન્દ્ર મોદીના ટેકેદાર બન્યા. આ સિવાય, ધંધાદારી ફાયદા મેળવવા માટે સરકારના પક્ષે રહેવાનું પસંદ કરનારા તો ખરા જ.
ગુજરાત પછી નરેન્દ્ર મોદીએ સદભાવના કાર્યક્રમો સાથે રાષ્ટ્રીય રાજકારણ પર નજર ઠેરવી અને વિકાસની વાતને આગળ કરી, ત્યારે ‘મુસ્લિમોને પાઠ ભણાવનાર’ નરેન્દ્ર મોદીને ટેકો આપવાનું નવું અને ખુલ્લેઆમ કોમવાદી દેખાયા વિના કહી શકાય એવું કારણ ઘણા લોકોને મળ્યું. સાથોસાથ, તેમના ટેકેદારોમાં એવા લોકો પણ ઉમેરાતા ગયા, જે યુપીએ સરકારની આર્થિક નીતિ અને ઢીલાશથી દુઃખી હતા. ઉપરાંત યુપીએની બીજી મુદતમાં એક પછી એક બહાર પડેલાં આર્થિક કૌભાંડ તો ખરાં જ.
આમ, નરેન્દ્ર મોદીના ઘણાખરા ચાહકોમાં ઓછોવત્તો મુસ્લિમદ્વેષ ઘણી હદે સામાન્ય પરિબળ હોવા છતાં, તેમના બધા પ્રેમીઓ મુસ્લિમદ્વેષી ન હતા. તેમાં ભોળવાયેલા, આશાવાદી, ‘જરા જોઈએ તો ખરા’ પ્રકારના, કોંગ્રેસથી દુઃખી, ડાબેરી ઇતિહાસકારો-વિશ્લેષકોથી દુઃખી, લોકપ્રિયતાની વહેતી ગંગામાં નાવડું તરાવી લેનારા, અર્થશાસ્ત્રના પોતાના ખ્યાલોને નરેન્દ્ર મોદી થકી સાકાર કરવા માગનારા (મારી પ્રિય ઉપમા વાપરીને કહું તો, ‘ચંદ્રગુપ્ત’ની શોધમાં રહેતા ‘ચાણક્યો’) ને એવા બીજા ઘણા પ્રકારના લોકો હતા. કોંગ્રેસની કે ડાબેરીઓની આકરી ટીકા કરતાં કરતાં કરતાં, પોતાની જાણબહાર મોદીછાવણીમાં પહોંચી ગયેલા અને પછી ત્યાં જ રહી પડેલા લોકો પણ ખરા. એ સિવાય પેઇડ પ્રચાર તરીકે કામ કરનારા અથવા એવું કામ મેળવવાની અપેક્ષા રાખનારા ધંધાદારીઓ પણ તેમાં આવી જાય.
આ સૌએ પોતપોતાના કારણસર નરેન્દ્ર મોદીને સાથ આપ્યો. પછી તેમણે પોતાના વ્યક્તિત્વને-આશાઓને-કુંઠાઓને-અહમને દેશભક્તિના નામે કે રાષ્ટ્રવાદના નામે કે ભ્રષ્ટાચારના વિરોધના નામે વ્યક્તિ નરેન્દ્ર મોદી સાથે જોડી દીધાં-નરેન્દ્ર મોદી સાથે એકરૂપ કરી દીધાં. ત્યાર પછી નરેન્દ્ર મોદીની ટીકાથી તેમને પોતાની ટીકા જેવો ગુસ્સો આવવા લાગ્યો. મોદી પોતાની ટીકાને દેશની ટીકા ગણાવવા લાગ્યા, ત્યારે તેમના પ્રેમીઓએ સ્વાભાવિક રીતે જ તે પ્રચાર હોંશે હોંશે ઝીલી લીધો.
પરંતુ આ સમુદાયમાંથી નરેન્દ્ર મોદીના પાટા બાંધેલા પ્રેમી ન હોય એવા ઘણા લોકો હતા. તે કોંગ્રેસ-ડાબેરીઓ-‘લેફ્ટ લિબરલ’ની (ઘણી વાર વાજબી) ટીકા કરતાં કરતાં નરેન્દ્ર મોદી-અમિત શાહની કામગીરી પર નજર રાખવાનું અને તેને તપાસવાનું ચૂકી જ ગયા. તેમણે જ વારંવાર મોદીની ટીકા કરનારા માટે એક ઝાટકે કોંગ્રેસી-સ્યુડો સેક્યુલર-ડાબેરી-‘આપ’વાળા-લેફ્ટ લિબરલ-દેશદ્રોહી ને એવાં બધાં વિશેષણ વાપર્યાં હતાં. ટીકાની ગુણવત્તા કે ટીકાના મુદ્દાની ગંભીરતા પારખ્યા વિના,મોદીના બધા ટીકાકારોને એક રંગે રંગી નાખવામાં તેમની સક્રિય ભાગીદારી હતી. આ સૌની માન્યતા-કમ-મૂંઝવણ કદાચ એવી હશે કે ‘ધારો કે નરેન્દ્ર મોદી ખોટું કરતા હોય—તોતિંગ રીતે ખોટું કરતા હોય—તો પણ, આપણે તેમની ટીકા કરીએ તો આપણે સામેની છાવણીના હાથા ન બની જઈએ? અને આપણાથી કોઈના હાથા થોડું બનાય?’
પહેલી નજરે તાર્કિક લાગતા આ સવાલમાં તેમને એ વાતનો ખ્યાલ ન રહ્યો કે મુદ્દાને બદલે પક્ષોનો વિરોધ કરવામાં તે જાણેઅજાણે નરેન્દ્ર મોદીની છાવણીના હાથા બની જ ચૂક્યા છે. એટલે, એક તરફ નરેન્દ્ર મોદી-અમિત શાહની જુગલબંદીએ બંધારણીય સંસ્થાઓનો ઘડોલાડવો, જાહેર જીવનમાં જૂઠાણાંની પ્રાણપ્રતિષ્ઠા અને સર્વસમાવેશક ભારતના મૂળભૂત ખ્યાલ પર ઘા કરવા જેવાં અનેક ગંભીર પગલાં આચર્યાં, ત્યારે પોતાની જાતને મોદીભક્ત નહીં ગણનારા ઘણા લોકો પણ નરેન્દ્ર મોદીની તરફેણમાં જ રહ્યા (‘આપણે સામેની છાવણીના હાથા ન બની જઈએ?’) અને મોદીના ટીકાકારોની ટીકામાંથી છિદ્રો શોધીને પોતાની સ્વસ્થતા વિશે-પોતાની સ્વતંત્ર વિચારશક્તિ વિશે આશ્વાસન મેળવતા રહ્યા. સત્તાધીશ એવા મોદી-શાહનાં આપખુદશાહીયુક્ત-લોકશાહીવિરોધી પગલાં તેમને રાઈ જેવાં લાગ્યાં ને ટીકાકારોની ટીકામાં રહેલો ઉત્સાહ, આક્રમકતા કે વિગતદોષ તેમને પહાડ જેવાં લાગ્યાં. આટલો સાદો ધડો કરવાનું ભલભલા ચૂક્યા.
તેમની સફર તો કોંગ્રેસવિરોધ, ડાબેરીવિરોધ કે ભ્રષ્ટાચારવિરોધથી શરૂ થઈ હતી. પણ મોદી-શાહે ફેલાવેલા ધીક્કાર અને ધ્રુવીકરણના વાતાવરણમાં, એ લોકો મોદી-શાહની જોડીના કાળા અક્ષરે લખનારા નિર્ણયોને મૂક કે પ્રગટ ટેકો આપવા સુધી પહોંચી ગયા. સત્તાધીશોની ઘાતક અસહિષ્ણુતા-આપખુદશાહીનો વિરોધ કરવાને બદલે, મુખ્યત્વે માત્ર તેમના ટીકાકારોનો જ વિરોધ કરવાના સ્તરે તે પહોંચી ગયા.
***
મોદીના ટીકાકારો પવિત્ર ગાય નથી. તેમની ટીકા થઈ જ શકે અને થવી પણ જોઈએ. કેમ કે, તેમાં પણ અનેક પ્રકારના, અનેક મર્યાદાઓ ધરાવતા લોકો છે. સાથોસાથ, એ પણ સમજવું-સ્વીકારવું પડે કે નરેન્દ્ર મોદીના પ્રેમીઓમાંથી બધા નહીં, પણ તેમાંથી મોટો ભાગ મહદ્ અંશે એક પ્રકારની વૃત્તિઓ, દ્વેષભાવના કે વ્યક્તિપૂજાથી દોરાતો સમુદાય છે, તેની સરખામણીમાં ટીકાકારોની ભૂમિકાઓમાં, ખાસિયતોમાં અને મર્યાદાઓમાં ઘણું વૈવિધ્ય છે. તે કોઈ એક પક્ષ કે એક વિચારધારાથી જોડાયેલા નથી.
પરંતુ તેમાંથી કોઈ એક પ્રકારના ટીકાકારોની મર્યાદાઓ આગળ આણીને, તેને બધા ટીકાકારો પર ઓઢાડી દેવી અને બધાને ‘લેફ્ટ લીબરલ’ જાહેર કરીને તેમને જ સતત ડફણાં માર્યાં કરવામાં પ્રમાણભાનની મોટા પાયે ચૂક થાય છે. લિબરલો કેટલા અસહિષ્ણુ છે તેની વાત કરતી વખતે કે લિબરલોની અસહિષ્ણુતાની ટીકા કરતી વખતે, મોદી-શાહ છાવણીની અસહિષ્ણુતા અને લિબરલોની અસહિષ્ણુતા એકસરખું વજન ધરાવતાં લાગે,તો ત્રાજવાં તપાસી લેવાં રહ્યાં. (કેમ કે, એવું લાગે ત્યાર પછી, પ્રગટપણે કે મનોમન, ‘લિબરલો સરકારી આપખુદશાહીને જ લાયક છે’—ત્યાં સુધી પહોંચી જતાં વાર નથી લાગતી.)
‘મોદી એન્ડ કંપની તો જે છે તે છે, પણ સહિષ્ણુતાનો દાવો કરતા લિબરલો શી રીતે અસહિષ્ણુ થઈ શકે?’ એવી દલીલ વાજબી છે, પણ એ કરનારે અને સતત એવું માનતા રહેનારે વારેઘડીએ એ જોતા-તપાસતા રહેવું પડે કે તે હિતેચ્છુ ટીકાકાર છે અને મોદીછાવણીનો હાથો ન બની જવાય એ માટે જાગ્રત પણ, તેમનો વિરોધ અસહિષ્ણુતા સામે છે અને અસહિષ્ણુતાની ચરમસીમા જેવી મોદી-શાહછાવણી સામે તો તેમને અનેક ગણો વધારે વાંધો છે, એની ચકાસણી અને ખાતરી તેમણે કમ સે કમ પોતાની જાત સમક્ષ વખતોવખત કરવી પડે.
પરંતુ ઘણી વાર બને છે એવું કે કથિત લેફ્ટ લિબરલોની ટીકા કરતાં કરતાં, ધીમે ધીમે સત્તાધીશોનાં મસમોટાં કરતૂતો નજરઅંદાજ કરવાની કે ‘એ તો છે જ એવા’ એમ કહીને તેમને કંઈક હળવાશથી લેવાની વૃત્તિ મનમાં પેસે છે. ત્યાર પછી મહત્ત્વના મુદ્દે સત્તાધીશોની કડક ટીકા કરવાને બદલે તેમનો વિરોધ કરનારની ટીકામાં જ ધ્યાન કેન્દ્રીત થઈ જાય છે અને મોટા અનિષ્ટની સામે અવાજ ઉઠાવવાનું ચૂકાઈ જાય છે.
***
જે લોકો પેઇડ પ્રચાર કરે છે તેમની તો વાત જ નથી. એ બિચારા ધંધાદારી છે. કોઈ ઝેરી લઠ્ઠાની ખેપ કરે, કોઈ ઝેરીલા અભિપ્રાયોની-વિચારોની-વિચારધારાઓની. જેવો જેનો ધંધો. પણ જે લોકો ઝેરની ખેપ કરવા નહોતા આવ્યા, એ લોકો જાણેઅજાણે ઝેરની ખેપ કરતા અથવા ઝેરના ખેપિયાઓના બચાવ કરતા થઈ ગયા છે. તેમનો કોંગ્રેસવિરોધ, ડાબેરીવિરોધ, ભ્રષ્ટાચારવિરોધ જે અનિષ્ટોને કારણે હતો, એ જ અનિષ્ટોના તોતિંગ વટવૃક્ષની છત્રછાયામાં તે અત્યારે નિરાંતે બિરાજીને મોદીના ટીકાકારો પર તીર ચલાવી રહ્યા છે, એ સૌથી દુઃખદ વાસ્તવિકતા છે. ‘લિબરલો આવા ને લિબરલો તેવા’ની ટીકાઓ ભલે થતી રહે, પણ એ કર્યા પછી સત્તાધીશોની આપખુદશાહીને જોઈ-ન જોઈ કરતા નાગરિકો ખરી ચિંતાનો વિષય છે. પેઇડ પ્રચારકો કે પોતાની લોકપ્રિયતાના કેદીઓની વાત નથી. પણ એ સિવાયના, કંઈક મુદ્દાસર કોંગ્રેસનો કે ડાબેરીઓનો વિરોધ કરનારાની આવી દશા આપણી સૌની સહિયારી કમનસીબી છે.
***
આવી વાતો કરવાને કારણે ‘ડાબેરી’નો ઇલ્કાબ મળે ત્યારે રમુજ થાય છે. કારણ કે મારી સમજ સંપૂર્ણપણે મહેમદાવાદમાં જીવાયેલી સહઅસ્તિત્વની જિંદગીને અને ગાંધીજી પ્રત્યેના ભાવને આભારી છે. ડાબેરી વિચારધારાઓમાં રહેલું રોમેન્ટિઝિમ મુગ્ધ વયે કદાચ અડ્યું હોત, પણ રાજકારણની અસરો વિશે ફરજિયાતપણે લખવાનું આવ્યું ત્યારે એ વય વટાવી ચૂક્યો હતો. ઉપરાંત, હિંસાને માન્યતા આપતી એકેય વિચારધારામાં મને કદી શ્રદ્ધા પડતી નથી. એટલે, કેટલાક મિત્રોની નારાજગી વહોરવાની સંભાવના સાથે પણ કહેવું જોઈએ કે ‘લાલ સલામ’ મારા માટે બીજા નારા જેવો જ એક નારો છે. જોશ ચડાવવા બોલાય ત્યાં સુધી ઠીક.પણ એથી વધારે તેનો કશો અર્થ કે અપીલ વ્યક્તિગત રીતે મને લાગ્યાં નથી. ગમે તેવા મહાન, ગરીબલક્ષી આદર્શના દાવા ધરાવતા નક્સલવાદ-માઓવાદનું સમર્થન કદી કરી શક્યો નથી. કારણ કે તેમાં સરકારની બંદૂકની સત્તા ઉખેડીને પોતાની બંદૂકની સત્તા સ્થાપવાની વાત છે. અને બંદૂકની સત્તા ગમે તેની હોય, સામાન્ય માણસને તેમાં કદી ‘હખ પડતું નથી.’ (સુખ મળતું નથી) ગાંધીજીને થોડા સમજવાથી ખ્યાલ આવી જાય એમ છે કે ડાબેરી બન્યા વિના કે કોઈ ‘વાદી’ બન્યા વિના, ગરીબ-વંચિતની લાગણી જાણતા-અસમાનતા ને અન્યાય સામે યથાશક્તિ-યથામતિ લડતા કેવી રીતે રહી શકાય.
તટસ્થ રહેવામાં મને કશો રસ નથી. પ્રકાશભાઈએ એક વાર બહુ સરસ રીતે કહ્યું હતું કે તેમની ‘તટસ્થતા’ પિઝાના મિનારા જેવી છે, જે સામાજિક ન્યાય ભણી ઝૂકેલો છે, પણ ઊભો રહી શકે એટલો સ્થિર છે. મારા મનમાં આદર્શ આ છે. સામાજિક ન્યાય ભણી ઝૂકતી ન હોય એવી કહેવાતી તટસ્થતા કે માર્કેટ જોઈને તૈયાર કરાયેલી મૂલ્યહીન, વેચાઉ હકારાત્મકતા મને ખપતાં નથી.
એટલે જ, આટલાં વર્ષો પછી મારી મુખ્ય ભૂમિકા આંતરિક સામાન્ય સમજથી દોરવાતા, અસમાનતાની અને ધીક્કારની બોલબાલાથી દુઃખી નાગરિક તરીકેની રહી છે અને એવી જ રહે, એમ ઇચ્છું છું.
Labels:
bjp,
gujarat politics,
media,
politics,
Urvish Kothari/ઉર્વીશ કોઠારી
Monday, January 06, 2020
એક સાચી-જૂઠી વાર્તા
એક નગર હતું. તેનું મૂળ નામ તો ઇન્દ્રપુરી,
પણ લોકો તેને લાડમાં જૂઠનગર કહેતા હતા. કેમ કે, એ નગરમાં
જૂઠનું રાજ હતું. રાજા એક નંબરનો જૂઠો, તેનો દીવાન બે નંબરનો
જૂઠો અને બધા દરબારીઓ પણ જૂઠા. રાજ્યનો જૂનો મુદ્રાલેખ ‘સત્યમેવ
જયતે’ હતો. જૂઠું તો ત્યારે પણ
બોલાતું. પરંતુ નવા રાજાએ આવીને સાચજૂઠની ઝંઝટ જ દૂર કરી દીધી. તેણે રાજનો
મુદ્રાલેખ ‘ગર્વથી કહો, અમે જૂઠા છીએ’ કરી નાખ્યો. તેના રાજમાં જૂઠું બોલવું એ રાજધર્મ ગણાતો અને એ જૂઠાણાની
કોઈ ટીકા કરે તો તેની સામે બાઝવું, એ દેશભક્તિ. દાંતીયા કરતા
ત્રણ વાંદરાની પ્રતિમા સાથે ‘જૂઠું બોલવું, જૂઠું સાંભળવું અને જૂઠું જોવું’, એવો સંદેશ રાજનું
પ્રતિકચિહ્ન હતો. ઠેકઠેકાણે આ વાંદરાની પ્રતિમા, તસવીરો, હોર્ડિંગ ઉપરના સૂત્ર સાથે જોવા મળતી.
દાવો એવો હતો કે ત્રણ વાંદરા ને તેમનો સંદેશ અસલમાં તો અગાઉ
થઈ ગયેલા એક મહાત્માએ આપ્યો હતો. નવા રાજાને એ મહાત્મા માટે બહુ આદર હોવાનું કહેવામાં
આવતું હતું. એ મહાત્માની યાદમાં રાજાએ તેમના ત્રણ વાંદરા અને તેમનો સંદેશો
રાજ્યવ્યાપી બનાવ્યો. રાજની નવી પરંપરા પ્રમાણે, રાજાનો મહાત્મા
પ્રત્યેનો ભાવ અને મહાત્માના સંદેશાનું તેણે કરેલું અર્થઘટન—બંને જૂઠાં હતાં.
પરંતુ રાજના ઘણા બધા લોકોને એ જાણીને જરાય આઘાત લાગતો ન હતો. ઊલટું, કેટલાક કહેતા હતા કે એ બહાને ભૂલાયેલા મહાત્માને યાદ તો કર્યા. બાકી, તેમનો અત્યારે કોણ ભાવ પૂછતું હોત?
જૂઠનગરના રાજા દરબારમાં આવે ત્યારે તેમની છડી આ રીતે
પોકારાતીઃ ’શ્રીમાન મહારાજ જૂઠજૂઠેશ્વર, જૂઠાધિપતિ, જૂઠાણાંબહાદુર, જૂઠસેનાધિપતિ,
જૂઠકુલશિરોમણી, સકલજૂઠસંપન્ન,...’ અંગ્રેજીમાં તેમના માટે ‘હિઝ હાઇનેસ’ને બદલે ‘હિઝ લાઇનેસ’ જેવો
પ્રયોગ થતો હતો. આટલી મહત્તા છતાં જૂઠાધીશને કોઈ જૂઠું બોલવા માટે અભિનંદન આપે કે
એ બાબતમાં તેમની સિદ્ધિઓનું વર્ણન કરે, ત્યારે તે અકળાઈ ઉઠતા
હતા. કેમ કે, તેમને જૂઠાણાંના મેદાનમાં પોતે દેખાડેલાં
પરાક્રમો અને મેળવેલી સિદ્ધિઓ માટે ઘમંડ ન હતો. તે અત્યંત નમ્ર હતા. ભલે તે
મોંઘાંદાટ વસ્ત્રો પહેરતા હોય, તેમની સલામતી પાછળ લાખો ને
તેમના પ્રચાર માટે કરોડો સોનામહોરો ખર્ચાતી હોય, પણ તે હતા
સાદગીમાં માનનારા. પોતાની જાતને તે હંમેશાં સામાન્ય ગણાવતા અને પોતે સર કરેલાં
જૂઠાણાંનાં અનેક શીખરોની વાત સુદ્ધાં ટાળતા. તેમનું કહેવું હતું કે એ સિદ્ધિઓ તો
તેમણે અંગત આધ્યાત્મિક ઉન્નતિ માટે હાંસલ કરેલી છે. તેની જાહેર ચર્ચા શા માટે થવી
જોઈએ? જૂઠાણાંના દરેક ડુંગર પર તેમના ડાયરા હતા. તેમ છતાં
સામાન્ય માણસની જેમ તે ‘બહુ થયું? હવે
ક્યાં સુધી?’ એવા મામુલી વિચારોથી દોરવાતા ન હતા.
જૂઠાણાંની
બાબતે તેમણે ઓલિમ્પિક સ્પર્ધાઓનો ધ્યેયમંત્ર અપનાવ્યો હતોઃ ફાસ્ટર, હાયર, સ્ટ્રોંગર. આ મંત્રમાં
પોતાના તરફથી તેમણે એક શબ્દ ઉમેર્યો હતોઃ લાઉડર. વીતતા સમયની સાથે તે જૂઠાણાંમાં ‘હજુ ઝડપી, હજુ ઊંચું, હજુ
મજબૂત, હજુ મોટેથી’નો મંત્ર સાકાર કરવા
સદા પ્રયત્નશીલ રહેતા હતા.
રાજધર્મના ભાગરૂપે સતત જૂઠું બોલવું પડતું હોવાથી,
રાજાને સવાલોની બહુ ચીડ હતી. મોટી સંખ્યામાં લોકો તો રાજાનાં જૂઠાણાંને
રાષ્ટ્રધર્મસમકક્ષ ગણીને તેને પી જતા હતા. પણ કેટલાકને જૂના વખતથી સવાલ પૂછવાની
ટેવ પડેલી. તેમનો આરોપ હતો કે રાજા તો સવાલના પૂછવા દેતા નથી ને પરાણે પૂછીએ તો જવાબ
આપતા નથી. કેટલાકને લાગતું હતું કે જવાબ આપવાના આવે ત્યારે રાજા મૂંગો થઈ જાય છે.
હકીકતમાં, રાજાને બોલવાનો બહુ શોખ હતો.
તે રાજનાં મળે એટલાં સાધનો પર બોલ્યા કરતો. તેને વાંધો સાંભળવા સામે હતો. તેને ખબર
હતી કે જૂઠરાજમાં સહેજે ધીમા કે ઢીલા, ધોરણસરના કે સજ્જન, ન્યાયી કે વાજબી રહેવા ગયા તો માંડ મેળવેલું રાજપાટ જતું રહેશે.
જૂઠું બોલવું એ રાજા માટે રાજપાટનો સવાલ હતો. બિચારો જૂઠું
ન બોલે તો તેના માટીના પગ ઉઘાડા પડી જાય ને રાજપાટ જતું રહે. થોડા દરબારીઓને પણ એ
રાજપાટમાં કશો લાભ મળતો હશે. પણ બાકીના લોકોને રાજના જૂઠાણાની જાનમાં જોડાઈ જવાથી
શો ફાયદો? એવો સવાલ ઘણાને થતો. તેમાં જોકે કશું ગૂઢ રહસ્ય ન હતું. રાજાએ
ઘણા બધાને ઠસાવી દીધું હતું કે તે રાજા હશે, તો જ દેશનો
ઉદ્ધાર થશે. એટલું જ નહીં, અત્યારે ભોગવવા મળતી બધી સુવિધાઓ
પણ રાજાને જ આભારી છે, એવો પ્રચાર લોકોના મનમાં ખડકી દેવાયો
હતો. પરિણામે, રાજના ઘણા લોકો માનતા કે ‘આ રાજા ન હોત તો હજુ ડાયનોસોર આપણી આસપાસ ફરતાં હોત અથવા પૃથ્વીનો પોપડો
ઠરીને રહેવાલાયક થયો જ ન હોત અથવા વાનરમાંથી આપણી ઉત્ક્રાંતિ ન થઈ હોત અને વાતાવરણમાં
ઑક્સિજન હોત કે કેમ, કોને ખબર? ભલું
થજો આ ટ્રોલટ્રોલેશ્વર, જૂઠસમ્રાટનું. તેના પ્રતાપે આપણું બધું
છે.’ ઘણા લોકો પોતાની સમૃદ્ધિથી માંડીને દુશ્મન (ઘણી વાર કાલ્પનિક
દુશ્મન) પરની કાલ્પનિક જીતનો વાસ્તવિક જશ પણ રાજાને આપતા હતા.
તેમ છતાં, કેટલાક લોકો થાક્યા કે હાર્યા વગર જૂનાં
મૂલ્યોની વાતો ઉખેળતા, સવાલ પૂછતા અને લોકોને સાચી પરંપરાની
યાદ અપાવવાની કોશિશ કરતા..
***
આવી (અધૂરી) વાર્તા વાંચીને થાય કે કાશ,
એ વાર્તા જ હોત...
Labels:
humor-satire/હાસ્ય-વ્યંગ,
politics
Friday, December 20, 2019
CAA + NRCના વિરોધ નિમિત્તે થોડી વાતો
- પથરાબાજી કે બંધનાં એલાનોથી વિરોધને મદદ નહીં મળે, વિરોધના માર્ક ઘટશે ને તોફાનની વાજબી ટીકાના પૂરમાં મુદ્દો તણાઈ જશે.
- સરકારે શાંતિપૂર્ણ ઢબે તેની નીતિનો વિરોધ કરવાની રજા આપવી રહી. (અમદાવાદમાં પોલીસ પરવાનગી આપવામાં આઘીપાછી થાય છે, પણ ડીટેઇન કરેલા લોકો સાથે અત્યાર સુધી સારી રીતે વર્તી છે.)
- સરકાર શાંતિપૂર્ણ વિરોધની રજા ન આપે ૧૪૪મી કલમ લગાડ્યા કરે, તો શાંતિપૂર્ણ છતાં અસરકારક ઢબે વિરોધ વ્યક્ત કરતા લોકોએ શું કરવું? સરકાર તો સત્તાના નશામાં જવાબ આપવાનું ભૂલી જ ગઈ છે. એ સંજોગોમાં સરકારની તરફેણ કરતા લોકો આનો જવાબ વિચારી શકે છે.
- કાયદામાં ધર્મ આધારિત ભેદભાવ ઘુસાડવાનો ધંધો સરકારે કર્યો છે. માટે, ધર્મને વચ્ચે લાવવાનો આરોપ કાયદાનો વિરોધ કરનારા પર ન મૂકો. તમે એવો આરોપ મુકશો તો તમારી સમજ, સ્પષ્ટતા કે દાનત માટે સવાલ થશે.
- કેટલાક વળી એવા ઉત્સાહી હોય છે કે ‘ક્યાં સુધી ધીક્કાર ફેલાવશો?’ એવું કાયદાનો વિરોધ કરનારને પૂછે છે. તેમનો સવાલ તો વાજબી છે, પણ તે વડાપ્રધાન-ગૃહમંત્રીને પૂછાય ત્યારે.
- કાયદાનો વિરોધ કરનાર કોઈ એવું નથી કહેતા કે પાકિસ્તાની મુસ્લિમોને નાગરિકતા આપો. પાકિસ્તાનમાં બિનમુસ્લિમોને તેમના ધર્મને લીધે વેઠવું પડે છે એ હકીકત છે. પાકિસ્તાનનું ખાતું એવું છે કે ત્યાં શિયા અને અહેમદીયા મુસ્લિમોને પણ તેમના ધર્મને લીધે વેઠવું પડે છે.
- અફઘાનિસ્તાન અને ભારત વચ્ચે ક્યારેય ધર્મના આધારે વસ્તીની અવરજવર થઈ નથી કે નથી તેની સાથે કોઈ તથાકથિત ‘વિભાજનનો અધૂરો એજેન્ડા’. અને ‘એક જમાનામાં અફઘાનિસ્તાન ભારતનો ભાગ હતું’—એવી દલીલ કરતી વખતે એટલું વિચારજો કે એક જમાનામાં પૃથ્વીના સાત ખંડ ન હતા, જમીનનો આખો, સળંગ એક જ ભાગ હતો.
- ઇશાન ભારત સિવાયનાં રાજ્યોમાં થતા વિરોધનો મુદ્દો અને માગણી એ છે કે નક્કી થયેલી તારીખ સુધીમાં ભારતમાં આવેલા ને ગેરકાયદે રહેતા લોકોને નાગરિકત્વ આપવું કે નહીં, તેનો નિર્ણય ધર્મના આધારે ન થાય. જો એવું જો કાયદેસર ઠરાવવામાં તો એ કાયદો અન્યાયી કહેવાય.
- કાલે ઉઠીને અમેરિકા એવું નક્કી કરે કે તેને ત્યાં જેટલા લોકો ગેરકાયદેસર રહે છે, તેમાંથી ચોક્કસ તારીખ પહેલાં આવેલા ખ્રિસ્તી, યહુદી, મુસ્લિમ, બૌદ્ધ લોકોને કાયદેસર નાગરિકત્વ આપી દેવામાં આવશે અને બાકીના ધર્મીઓ (હિંદુઓ) ગેરકાયદેસર ગણાશે. તો આપણી શી પ્રતિક્રિયા હશે? કોઈ એવી ઠાવકાઈ બતાવશે કે ‘ચિંતા ન કરો. એ તો નાગરિકો માટે નથી, ઘૂસણખોરો માટે છે?’
- કોઈએ એવું માની લેવાની જરૂર નથી કે આ સરકાર અમુક કોમની વિરોધી છે. આ સરકારને એ બધા સામે વાંધો પડી શકે છે, જે તેની આંખે જોતા નથી, તેની યોજનાઓમાં વચ્ચે આવે છે, ને જાહેર હિત અંગે પાયાના સવાલો કરે છે, સરકારી જૂઠાણાંને-આપખુદ નિર્ણયોને પડકારે છે. તેમાં બંધારણીય સંસ્થાઓ પણ હોઈ શકે, સરકારી હોદ્દેદારો હોઈ શકે અને વ્યક્તિઓ કે સમુદાયો પણ હોઈ શકે.
- આજે તમને લાગતું હોય કે કોઈની સાથે કાયદેસર અન્યાય થાય, તેનાથી તમને શો ફરક પડે છે? પણ લોકોમાં અંદરોઅંદર ભાગલા પાડીને, તેમની વચ્ચે વેરઝેર વધારીને ચૂંટણીઓ જીતી લેવામાં માનતી અને ચૂંટણીઓ ન જીતાય તો પછી ભ્રષ્ટાચારવિરોધની વાતો કરતાં કરતાં વિરોધ પક્ષના સભ્યોને ખરીદી લઈને ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર આચરતી સરકારોને પોતાની સત્તા સિવાય કોઈ વહાલું નથી હોતું.
- તમને કશું નથી થયું, તેનો અર્થ એ છે કે તમે તેના સ્વાર્થમાં હજુ નડતરરૂપ નથી બન્યા અથવા (નોટબંધી જેવા ઘણા પ્રસંગે) તમારી સાથે જે થવાનું હતું તે થયું હોવા છતાં, તમે તેને અવગણ્યું છે.
- સત્તાકીય કે બીજો સ્વાર્થ સાધવાનો થશે, ત્યારે તમારી ગમે તેટલી વફાદારીની કશી કિંમત નહીં આવે ને સરકારો તમારું પણ નહીં જ સાંભળે. કારણ કે તેને સાંભળવાની ટેવ રહી જ નથી અને તે જ્યારે ટીકાકારોનું સાંભળતી ન હતી-તેમને ધુત્કારી કાઢતી હતી, ત્યારે તમે જ તેના ચીઅર લીડર બન્યા હતા. (અર્નબ ગોસ્વામી આ જ્ઞાનના તાજા લાભાર્થી છે. તવલીન સિંઘને તેમના કરતાં થોડું વહેલું એ જ્ઞાન મળ્યું.)
- તમને જ્યારે લાગતું હતું કે એ તમારું સાંભળે છે, ત્યારે એ તો ખરેખર તમારો ભ્રમ હતો. સરકાર તમારું પણ સાંભળતી ન હતી, તમે એના પડઘા પાડતા ફરતા હતા ને એના પડઘાને પોતાનો કે દેશનો અવાજ ગણીને રાજી થતા હતા.
- વિચારવામાં ક્યારેય મોડું થયું નથી. સવાલ ફક્ત સરકારની બદદાનતનો નથી. દેશ તરીકે આપણા સૌના દેશવાસીઓના શક્ય એટલા શાંતિપૂર્ણ સહઅસ્તિત્વનો છે, ભારતની ઉજ્જવળ સાંસ્કૃતિક પરંપરાનો છે, ‘યુનાનો મિસ્ર રોમાં સબ મિટ ગયે જહાં સે’, ત્યાર પછી પણ જે ટકી રહ્યું તે હિંદ સર્વસમાવેશક છે. તે ટક્યું તેમાં બધાને પોતાનામાં સમાવી લેવાના તેના ગુણનો મોટો ફાળો છે. તેની એ તાકાતને નબળાઈમાં ખપાવવી ને તેને પાછી દેશભક્તિ ગણવી, એ ખોટનો સોદો છે.
- ‘એક દેશ, એક---‘ આ પ્રકારનાં સૂત્રોથી ભરમાશો નહીં. કેમ કે, તેનો સાદો અર્થ થાય છેઃ 'એક દેશ, (અમારી) એકહથ્થુ સત્તા'. દેશના લોકોને વહેંચીને એક દેશ બનાવવાની વાતો કરનારાથી ચેતજો.
- આપણને સર્વસમાવેશક ભારત ખપે છે. આપણને ધર્માંધ પાકિસ્તાનના રવાડે ચડવા થનગનતું હોય એવું ભારત નહીં.
Tuesday, December 17, 2019
સિટીઝન અમૅન્ડમૅન્ટ બિલ (CAB), ૨૦૧૯ : અગત્યના મુદ્દા
( ઉર્વીશ કોઠારી, 'નિરીક્ષક', ૧૬ ડિસેમ્બર, ૨૦૧૯માંથી)
ભારતીય નાગરિકતાના એક નિયમમાં પાયાનો ફેરફાર કરતો ખરડો લોકસભા પછી રાજ્યસભામાં પણ પસાર થઈ ગયો છે.સંસદીય લોકશાહીની કલ્પના થાય ત્યારે તેમાં એક ભયસ્થાન હોય છેઃ Brute Majority/આંકડાકીય બહુમતીનું નકરી દાદાગીરી જેવું જોર. વર્તમાન સરકાર પાસે એવી બહુમતી છે. રાજીવ ગાંધી વડાપ્રધાન બન્યા ત્યારે એમની પાસે પણ એવી બહુમતી હતી. આવી બહુમતી હોય ત્યારે, કેવળ સંખ્યાના જોરે (અલબત્ત લોકોના નામે) સરકાર ઇચ્છે તેવો કાયદો બનાવી શકે. તેમાં બે જ અડચણ હોયઃ ૧) રાષ્ટ્રપતિ સહી કરે તો જ ખરડો કાયદો બને. રાષ્ટ્રપતિ પોતાના નીમેલા હોય, તો આ અડચણ રહેતીનથી. ૨) કાયદો ઘડવાની સર્વોપરી સત્તા સંસદ પાસે છે. છતાં, તે બ્રુટ મેજોરિટીના જોરે બંધારણના હાર્દથી વિપરીત કાયદા ઘડે તો સર્વોચ્ચ અદાલતમાં તેને પડકારી શકાય છે અને સર્વોચ્ચ અદાલત તે કાયદાને રદબાતલ કરી શકે છે. (યાદ આવે છે ત્યાં સુધી, રાજીવ ગાંધીની સરકાર ડીફેમેશન બિલ લાવી હતી. પણ તેનો વ્યાપક લોકવિરોધ થતાં એ ખરડો પડતો મૂકવો પડેલો. તેનું એક કારણ એ પણ હતું કે તેમાં રેલો સીધો છાપાં-મેગેઝીન પર આવતો હતો.) ત્રીજી સંભવિત અડચણ હોઈ શકે લોકોનો વિરોધ.
વર્તમાન સરકારે નાગરિકતાને લગતા કાયદામાં ફેરફાર બંને ગૃહોમાંથી પસાર કરાવી દીધો, તેનો ઠીક ઠીક વિરોધ થયો છે—અને વર્તમાન સરકારની કાર્યપદ્ધતિની ખાસિયત પ્રમાણે, એ વિરોધનો પણ વિરોધ થઈ રહ્યો છે. એ સંજોગોમાં આ ખરડાનો વિરોધ કેમ થયો એ સમજવું જરૂરી બની જાય છે. આ ખરડા થકી પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાંથી ડિસેમ્બર, ૨૦૧૪ સુધી ભારતમાં વસેલા અને ભારતની નાગરિકતા ન ધરાવતા હિંદુ, ખ્રિસ્તી, શીખ, જૈન, બૌદ્ધ લોકોને ભારતનું નાગરિકપદું આપવામાં આવશે. આ યાદીમાંથી મુસ્લિમોની બાદબાકી કરવામાં આવી છે.
કાયદામાં થયેલા આ ફેરફાર (અમૅન્ડમૅન્ટ) પ્રત્યે વાંધાનાં મુખ્ય બે સાવ જુદા જુદાં કારણ છેઃ
૧) બીજા દેશોમાંથી આશ્રય લેનાર કે ઘૂસણખોરી કરનારને ધર્મના આધારે નાગરિકતા આપવાનો નિર્ણય. ભારતના બંધારણ પ્રમાણે અને ભારતની પરંપરા પ્રમાણે ધર્મ એ નાગરિકતાનો આધાર બની શકે નહીં અને બનવો પણ જોઈએ નહીં. એ પાકિસ્તાન કે અફઘાનિસ્તાનમાં બનતો હોય તો ભલે, પણ ભારતમાં તો નહીં જ. માટે, આ બાબતની ઉગ્ર ટીકા થઈ રહી છે.
૨) ઇશાન ભારતનાં રાજ્યોમાં પ્રશ્ન જુદો છે. ત્યાંની મુખ્ય ચિંતા સ્થાનિક સંસ્કૃતિ અને સ્થાનિક વસ્તીનું પ્રમાણ જાળવવાની છે. બીજા શબ્દોમાં કહીએ તો, તેમને (દા.ત. આસામને) મુસ્લિમ બાંગ્લાદેશીઓ જેટલો જ વાંધો હિંદુ બાંગ્લાદેશીઓ સામે પણ છે. કેમ કે, સવાલ ફક્ત હિંદુ-મુસ્લિમનો નહીં, આસામી સંસ્કૃતિ વિરુદ્ધ બંગાળી સંસ્કૃતિનો પણ છે. એવી જ રીતે, ઈશાન ભારતમાં બીજે, બિનમુસ્લિમોને નાગરિકત્વ આપવામાં આવે તેના કારણે, સ્થાનિક જાતિઓ અને સમુદાયોના પ્રમાણમાં નોંધપાત્ર ફેરફાર થશે અને સરવાળે સ્થાનિકોનું મહત્ત્વ ઘટી જશે, એવી બીક વિરોધનું મુખ્ય કારણ છે. મણિપુરમાં નવી જોગવાઈ લાગુ નહીં પડે, તેવી સ્પષ્ટતા છતાં ત્યાંના લોકોને સરકાર પર ભરોસો નથી. એટલે તે પણ વિરોધ કરી રહ્યા છે.
આમ, કહી શકાય કે સરકારે જુદાં જુદાં કારણ, જુદી જુદી ગંભીરતા અને જુદી જુદી અસરો ધરાવતા બે મોરચા એક સાથે ખોલી નાખ્યા છે. આવું કરવાની શી જરૂર હતી? તેના બે-ત્રણ જવાબ છે.
*
બાંગલાદેશી ઘુસણખોરો એ ભાજપનો-સંઘ પરિવારનો પ્રિય મુદ્દો છે. અલબત્ત, તેમની ઘુસણખોરોની વ્યાખ્યામાં ફક્ત મુસ્લિમ ઘુસણખોરો આવે છે, જ્યારે આસામી લોકોને બાંગલાદેશથી ગેરકાયદે આવેલા મુસ્લિમ અને હિંદુ બન્ને ઘુસણખોરો સામે વાંધો છે. મુસ્લિમોની સંખ્યા ઘણી મોટી છે, એટલે અને પરંપરાગત કારણોસર તેમની સામે વાંધો પણ મોટો હોય. હિંદુઓની સંખ્યા નાની છે. એટલે ‘બધા મુસ્લિમ ઘુસણખોરોને નાગરિકતામાંથી બાકાત કરી નાખો, તો અમે થોડા હિંદુ ઘુસણખોરોને સ્વીકારી પણ લઈએ’—એવું સમાધાન આસામમાં અમુક વર્ગને લોકોને કદાચ સ્વીકાર્ય બને.
ભાજપ સરકારે આસામમાં નેશનલ રજિસ્ટર ઑફ સિટિઝન્સ (NRC) નો કાર્યક્રમ ઉપાડીને રાજ્યના લોકોની નાગરિકતાની તપાસ ચલાવી અને નાગરિકોની નવેસરથી યાદી બનાવી, ત્યારે આસામના લોકોની અને ભાજપના સમર્થકોની અપેક્ષા ઉપર પ્રમાણે બને એવી હશે. તેને બદલે થયું એવું કે આસામમાં 3.11 કરોડ લોકોનાં નામ કાયદેસર નાગરિક તરીકેની યાદીમાં આવ્યાં અને આશરે 19 લાખ લોકો તેમાંથી બાકાત રહી ગયા.તેમાંથી આશરે 12 લાખ હિંદુ હતા.
અપેક્ષાથી વિપરીત, આટલી મોટી સંખ્યામાં હિંદુઓ કાયદેસરની નાગરિકતાથી બાકાત રહી ગયા, એટલે ભાજપશાસિત રાજ્ય સરકારના મંત્રીઓથી માંડીને સંઘ પરિવાર સુધીના બધાએ NRCની આખરી યાદીનો વિરોધ કર્યો. હવે આ બારેક લાખ હિંદુઓને કાયદેસરના નાગરિક બનાવવા હોય—અને એ સિવાયના પાંચેક લાખ મુસ્લિમોને નાગરિકતા ન આપવી હોય તો—તો નાગરિકતાના કાયદામાં ધર્મઆધારિત ફેરફાર કરવો પડે. તે આ ફેરફાર કર્યો.
આમ કરોડોના ખર્ચે થયેલી કવાયત અને અનેક લોકોની હેરાનગતિ પછી (નોટબંધીની જેમ જ) આસામમાં સિટિઝન રજિસ્ટરનો હેતુ સિદ્ધ થયો નહીં. ઊલટું, ગેરકાયદે જાહેર થયેલા હિંદુઓનો પ્રશ્ન ઊભો થયો, જેના માટે મુસ્લિમોને બાકાત રાખીને બીજા બધાને નાગરિકતા આપવાનો ફેરફાર કરવાનો વારો આવ્યો.
*
ફરી સિટિઝન અમૅન્ડમૅન્ટ બિલ અંગેના મુખ્ય વાંધાની વાત (જે ઇશાન ભારતમાં થઈ રહેલા વિરોધ કરતાં પણ વધારે વ્યાપક, વધારે પાયાની છે). હવે તો રાષ્ટ્રપતિએ તેની પર સહી કરી દીધી હોવાથી તે ફેરફાર કાયદાનો હિસ્સો બની જશે. તેમાં પહેલી વાર ચોક્કસ સંજોગોમાં ભારતના નાગરિકત્વ માટે ધર્મને માપદંડ તરીકે રાખવામાં આવ્યો છે અને મુસ્લિમો પ્રત્યેના વિરોધને, ભલે ગમે તેટલું નિર્દોષ કે અવિરોધી લાગે એવું મહોરું પહેરાવીને પણ, કાયદાનું સ્વરૂપ આપવામાં આવ્યું છે.
- સાંસદોમાં જે ખરડો વાચન માટે વહેંચવામાં આવ્યો તેમાં અને ત્યાર પહેલાંની ચર્ચામાં એક શબ્દ બહુ અગત્યનો હતોઃ ‘પર્સીક્યુશન’. એટલે કે, સતામણી. ભારત, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાંથી સતાવાયેલા બિનમુસ્લિમો માટે આ ફેરફાર થઈ રહ્યો છે. પરંતુ પસાર થયેલા ખરડામાં ‘પર્સીક્યુશન’નો ઉલ્લેખ જ નથી. (https://www.telegraphindia.com/india/persecution-hole-in-citizenship-amendment-bill-fuels-theories/cid/1726169) તેનું એક સંભવિત કારણ એ હોઈ શકે છે કે ૨૦૧૪ પહેલાંના અરસામાં પાકિસ્તાન, બાંગલાદેશ કે અફઘાનિસ્તાનમાં ધાર્મિક કારણોસર સતામણી થઈ હતી, એવું પુરવાર શી રીતે થઈ શકે? સામાન્ય સંજોગોમાં તેના પુરાવા શી રીતે હોય? એટલે, ખરડાની ચર્ચામાં ધાર્મિક સતામણી કેન્દ્રસ્થાને રહી, પણ કાયદામાં એ શબ્દની, ખરું જોતાં એ માપદંડની, બાદબાકી થઈ ગઈ.
- ભાગલા ને પાકિસ્તાન-બાંગ્લાદેશમાં ધાર્મિક સતામણી પામેલા બિનમુસ્લિમો—આટલે સુધીનો સરકારી એજેન્ડા તેમની અત્યાર લગીની ચાલચલગત પ્રમાણેનો હતો. પણ પાકિસ્તાન, બાંગ્લાદેશની સાથે અફઘાનિસ્તાનનો ઉમેરો કરીને આ સરકારે તેમની વિભાજનકારી નીતિ તથા હિંદુ રાષ્ટ્રના એજેન્ડામાં નવું પરિમાણ ઉમેર્યું. ભાગલા પછીના કોઈ પણ તબક્કે અફઘાનિસ્તાન સાથે ભારતની સરહદ મળતી નથી. પરંતુ ત્યાં ઇસ્લામી રાજ્ય છે, એટલે ત્યાં સતાવાયેલા બિનમુસ્લિમ અહીં આવ્યા હોય તો તેમને પણ આશરો આપવો—એવું નક્કી કરવામાં આવ્યું.
તેનો આડકતરો સંદેશો એ થાય કે જેમ સતાવાયેલા યહુદીઓ માટે ઇઝરાઇલ છે, તેમ સતાવાયેલા હિંદુઓ (અને સાવ ચોખ્ખેચોખ્ખું હજું કહેવાતું નથી એટલે, સાથે શીખો, ખ્રિસ્તીઓ, જૈનો, બૌદ્ધો) માટે ભારત છે. આવો ભેદભાવ ત્યારે વાજબી ગણાય, જ્યારે સતાવાયેલા ભારતીયોને (હિંદુઓને કે બીજાઓને)અન્ય કોઈ દેશ સંઘરતો ન હોય અથવા બધે તેમની ધર્મના લીધે અમુક પ્રકારેસતામણી થતી હોય(જેવું યહુદીઓના કિસ્સામાં હતું). પરંતુ હિંદુ અને બાકીના ધર્મી ભારતીયો પશ્ચિમી દેશોથી માંડીને ઇસ્લામી શાસન ધરાવતા અખાતી દેશોમાં બધે વસે છે. એવા સંજોગોમાં હિંદુ રાષ્ટ્રનો આભાસ આવા ભેદભાવથી આપી શકાય અને તેનો રાજકીય લાભ ખાટી શકાય.
કાયદામાં ફેરફાર કરનારાને ખબર છે કે સર્વોચ્ચ અદાલતમાં આ ફેરફારને પડકારવામાં આવશે અને કદાચ અદાલત તેને રદ પણ કરી દે. એવું થાય તો, નાક તો છે નહીં, એટલે એ ચિંતા નથી. પણ પોતે આવો ફેરફાર કરીને હિંદુ હિતનું (ને મુસ્લિમોને બાકાત રાખવાનું) મહાન કામ કર્યું, એવા સંદેશાના ઢોલ વગાડીને હિંદુ-મુસ્લિમ ધ્રુવીકરણ તો ઊભું કરી જ શકાશે (બલ્કે, એવું ધ્રુવીકરણ ઊભું થઈ જ રહ્યું છે. તેમાં પંખો નવેસરથી ચાલુ કરવાનો તો છે નહીં, એક-બે પર ચાલતો હોય તેને જ છ પર લઈ જવાનો હોય) રામ મંદિર-૩૭૦નો કાર્યક્રમ પૂરો થયા પછી પણ મંદી પીછો ન છોડતી હોય, ત્યારે નાગરિકતાના નિયમમાં ફેરફાર અને નાગરિકતાનું રજિસ્ટર આવતી ચૂંટણી માટે કોમી ધ્રુવીકરણના નવા મુદ્દા તરીકે બહુ કામના બની શકે છે—અદાલત ફેરફાર રદ કરે તો પણ. અને કોઈ કારણસર અદાલત ફેરફાર બહાલ રાખે, તો કથિત હિંદુહિત અને અકથિત મુસ્લિમવિરોધના મુગટમાં વધુ એક પીછું.
*
નાગરિકતાના કાયદામાં ફેરફાર કરીને અમિત શાહ આસામમાં તેમની જ સરકારની નાગરિકતા ચકાસણી કવાયતમાં નાપાસ થયેલા બારેક લાખ હિંદુઓને નાગરિકતા અપાવી દેશે. કારણ કે તે હિંદુ છે. તેનાથી રાષ્ટ્રીય સ્તરે હિંદુ-મુસ્લિમ ધ્રુવીકરણનો તેમનો એજેન્ડા તો સચવાઈ જશે, પણ હિંદુ-મુસ્લિમ બંને ધર્મના બાંગલાદેશી ઘુસણખોરોનો વિરોધ કરતા આસામીઓના અજંપાનું શું? તેમને બાર લાખ હિંદુઓને નવા કાયદા પ્રમાણે નાગરિકતા મળે તેની સામે વાંધો ન હોય તો પણ, તે એનાથી ઘણી મોટી સંખ્યામાં મુસ્લિમોને ઘુસણખોર જાહેર કરીને તેમને બહાર કાઢવા માટે દબાણ નહીં કરે? અથવા સરકારે આસામીઓને રીઝવવા માટે નવેસરથી, મુસ્લિમ ઘૂસણખોરો સામે ચીપીયા પછાડવાના બાકી રહેશે.
આસામના અનુભવ પછી પણ અમિત શાહ ભારતભરમાં સિટિઝન રજિસ્ટર લાગુ કરવા માગે છે, એ તેમની ધ્રુવીકરણ માટેની પ્રતિબદ્ધતા સૂચવે છે. તે જાણે છે કે નાગરિકોને બે ભાગમાં વહેંચી દઈએ અને ઠીક ઠીક માત્રામાં હિંદુઓના મનમાં મુસ્લિમવિરોધનું તાપણું ગમે તેમ કરીને સળગતું રાખીએ, તેને હવા આપ્યા કરીએ, તો (તો જ) આપણું રાજકીય ભવિષ્ય સુરક્ષિત છે. બાકી, નબળામાં નબળા વિપક્ષ છતાં આર્થિક સમસ્યાઓના સ્ટીમ રોલર નીચે કચડાઈ જવાનો વારો આવશે. એટલે તે અને હવે તેમની પાછળ અદૃશ્ય હાથ તરીકે કામ કરતા તેમના સાહેબ દેશની એકતાના નામે દેશના નાગરિકોને વિભાજિત કરી રહ્યા છે અને અસ્થિરતા ફેલાવી રહ્યા છે. સમસ્યા ઉકેલવાના નામે નવી સમસ્યાઓ ઊભી કરીને, તેમાંથી પોતાનો ફાયદો કેવી રીતે કાઢી લેવો, તેની વેતરણ કરવી એ ચાણક્યબુદ્ધિ નથી, નીતાંત દુષ્ટ બુદ્ધિ છે.
માટે CAB અને NCRના વિરોધનો વિરોધ કરતી વખતે, સરકારી ટીકાકારોની ટીકામાં રહેલાં છીંડાં જરૂર બતાવીએ ને એ બાબતે તેમની ટીકા કરીએ, તેમનો રાજકીય એજેન્ડા હોય તો જરૂર ખુલ્લો પાડીએ,પણ વ્યાપક અનિષ્ટની ગંભીરતા પરથી નજર હઠાવ્યા વિના.
વિરોધીઓની ટીકામાં રહેલાં (વાજબી) છીંડાં દર્શાવવામાં, આપણે વ્યાપક અનિષ્ટને નજરઅંદાજ કરી બેસીએ કે તેની ગંભીરતાને વિરોધીઓની મર્યાદા સામે મૂકીને, સામસામો છેદ ઉડાડી દેવામાં આપણે જાણેઅજાણે સરકારના સાથીદાર તો નથી બની જતા ને? એ વિચારવાનું છે.
નોંધઃ આ લેખ લખાયા પછી ખરડો કાયદો બની જતાં તે હવે બિલને બદલે એક્ટ તરીકે ઓળખાય છેઃ CAB નહીં, CAA.
કાયદાના આ ફેરફારના વિરોધમાં જામીયા મિલીયા યુનિવર્સિટીથી શરૂઆત થયા પછી દેશભરમાં અલગ અલગ ઠેકાણે તેનો વિરોધ થઈ રહ્યો છે. ગમે તેવા વિરોધમાં હિંસા ભળે, તો તે વિરોધના મુદ્દાને મોળો પાડી નાખે. એટલે હિંસાથી તો દૂર જ રહેવા જેવું છે. સાથોસાથ, હિંસાની ટીકા કરવા જતાં, વિરોધના મૂળ મુદ્દાને વખોડી કાઢવા જેવો નથી. બલ્કે, કાયદાના ફેરફારની વિરોધમાં સાથે ઊભા રહેવા જેવું છે. કેમ કે, તેમાં જે થયું ને જે થઈ શકે એમ છે, એ બંનેનો વિરોધ છે.
Subscribe to:
Posts (Atom)




