Monday, November 10, 2025

ઉપમાઃ નાસ્તો કે ભોજન?

ચીન, મેક્સિકો, ઇટાલી જેવા દેશોની ખાણીપીણીએ ગુજરાતી ભોજનરસિયાઓ પર કામણનાં આક્રમણ કર્યાં તે પહેલાં દક્ષિણ ભારતીય વાનગીઓ મોભાનું સ્થાન ભોગવતી હતી. ત્રણ-ચાર દાયકા પહેલાં બહાર જઈને ઢોંસો ખાવો, એ ઇટિંગ આઉટનો એટલે કે બહારની ખાણીપીણીનો પર્યાય હતો. કોઈ દક્ષિણ ભારતીય કે દક્ષિણની પરંપરાથી પરિચિત જણ અગાઉનું વાક્ય વાંચશે તો તે ભડકો થઈ ઉઠશે. કારણ કે, દક્ષિણમાં તે વાનગીને દોસા કે દોસ્સા કહેવામાં આવે છે. ગુજરાતીઓને તેનો સ્વાદ તો અનુકૂળ આવ્યો, પણ ઉચ્ચાર જરા મોળો લાગતો હશે. એટલે તેમણે વાનગી ખાતાં પેટ ભરાય તેનાથી પણ પહેલાં, વાનગીનું નામ બોલવાથી મોઢું ભરાઈ જાય, એ માટે નામ પાડ્યું, ઢોંસા. ઉત્તપ્પમ કે અપમની તરાહ પર કોઈએ ઢોંસમ્ નથી કર્યું એ જ ગનીમત.

પ્રકાશ ન. શાહનો કોપીરાઇટ ધરાવતી એક રમૂજ પ્રમાણે, એક સંશોધકે જાહેર કર્યું કે મહાકવિ કાલિદાસ દક્ષિણ ભારતના હોવા જોઈએ. કોઈએ તેના દાવાનો આધાર જાણવા માગ્યો ત્યારે તેનો જવાબઃ સંસ્કૃતમાં કહ્યું છે ને, ઉપમા કાલિદાસસ્ય. આમ તો આ પ્રકાશભાઈની રમૂજ હતી, પણ ઓસ્ટ્રેલિયાનું નામ અસ્ત્રાલય હોઈ શકે, તો કાલિદાસ દક્ષિણી પણ કેમ ન હોઈ શકે? આમ પણ, ભારતે તક્ષશીલા-નાલંદા યુનિવર્સિટીનો વારસો ક્યાંય પાછળ છોડીને વોટ્સએપ યુનિવર્સિટીનો ચીલો પકડ્યો છે, ત્યારથી ઇતિહાસની વાત કરવામાં રાજદ્રોહ લાગવાનું કે આઇટી સેલમાં હોદ્દેદાર બની જવાનું જોખમ સમાયેલું હોય છે.

એટલે વાત ફક્ત ઉપમાની. ઇડલી-દોસા (ઢોંસા) બહાર જઈને ખાવાની વાનગી, તો ઉપમા ઘરે બનાવાતી ચીજ. પહેલાં તેનું લોકપ્રિય ગુજરાતી નામ હતું તીખો શીરો. તે નામ સફેદ મેશ જેવું પરસ્પર વિરોધી (વદતોવ્યાઘાત) લાગતું હતું. કદાચ એ જ કારણે તેની નવીનતા અને વિશેષતા પણ ઊભી થઈઃ ગળ્યો શીરો તો સૌ કોઈ બનાવે, આ તીખો શીરો છે, તીખો. ઉપમા નાસ્તો કહેવાય કે ભોજન, તે વિશે જેટલાં પેટ, તેટલા અભિપ્રાય છે. કેટલાક લોકો ઉપમાને ભોજન ગણવાના ઉલ્લેખ માત્રથી તાડુકીને કહે છે,ઉપમા સરસ આઇટમ છે. સારી લાગે. ભાવે, પણ ખાવામાં?’ પછી તે એવી તુચ્છકારસૂચક ચેષ્ટા કરે છે, જેનો અર્થ થાય, તમારી સાથે વાત શરૂ કરી, એ જ ભૂલ થઈ.

આવા લોકોને સમજાવવાનો પ્રયાસ કરવામાં આવે ત્યારે તે માનવતાનો હવાલો આપતાં કહેશે કે જેમને સરખું ખાવા જોઈતું હોય તેમને ગમે તેટલી ઉપમા ખવડાવો તો પણ તેમનું પેટ ન ભરાય. એટલે ભોજનમાં ઉપમા આપવી તે હકીકતમાં માણસને ભૂખ્યો રાખવા બરાબર છે અને ભૂખ્યા જનોનો જઠરાગ્નિ જાગશે તો શું થશે તે હવે બધાને ખબર છે—કશું નહીં થાય, ભૂખ્યો જન કોઈ પક્ષ કે નેતાની ઉશ્કેરણીના રવાડે ચડીને હુલ્લડખોરી કરશે અથવા કોઈકની ઉશ્કેરણીનો ભોગ બનશે અને લાઠી-ગોળી ખાઈને પેટ ભરી લેશે.

ઉપમાની વાત લાઠી-ગોળી સુધી પહોંચેલી જોઈને ઉપમાપ્રેમીઓ ખળભળી ઉઠશે. કેમ કે, તે ઉપમાને શ્રેષ્ઠ આહાર માને છે. તેમની માન્યતાના સમર્થનમાં તે યુટ્યુબ પર ફાટી નીકળેલા આરોગ્યનિષ્ણાતોની જેમ, ઉપમા કેવી રીતે સૌથી આરોગ્યપ્રદ હોઈ શકે છે, તેમાંથી કયાં ફાયદાકારક તત્ત્વો મળશે ને કયાં નુકસાનકારક તત્ત્વો નહીં મળે તેની વાતો વિજ્ઞાનના આધારો આપીને કરશે.

દલીલ ખાતર તેમની વાત સાચી માનવામાં આવે તો પણ, એક મહત્ત્વની સચ્ચાઈ તે ભૂલી જાય છેઃ ભોજનપ્રીતિ અને ભોજનપસંદગીનો સંબંધ વિજ્ઞાન સાથે નહીં, મનોવિજ્ઞાન સાથે વધારે હોય છે. આરોગ્યઘેલા થઈને પોતાનું શારીરિક અને બીજાનું માનસિક આરોગ્ય બગાડી શકતા આરોગ્યપ્રેમીઓને બાદ કરતાં, સામાન્ય-સ્વસ્થ લોકો કેલરી ગણીગણીને અને પોષક તત્ત્વો વીણી વીણીને ભોજન કરતા નથી. તેમને માટે સ્વાદ અને જથ્થો બંનેનું મહત્ત્વ હોય છે. એવા વર્ગ માટે ઉપમાને ભોજન ગણવી, તે ફિલ્મફેર એવોર્ડને ઓસ્કાર એવોર્ડ ગણવા જેવું લાગી શકે.

કેટલાક કદરદાનો ઉપમાની સાહિત્યિકતા પર ફીદા હોય છે. તે કહે છે,વાનગીઓનાં બીજાં નામોની સરખામણીમાં ઉપમા નામ જ કેટલી મધુર અનુભૂતિ પેદા કરે છે. તેનામાં સાહિત્યનો રણકાર છે. અમને તો ઉપમા ઉપ મા જેવી લાગે છે—જેમ ઉપરાષ્ટ્રપતિ હોય, ઉપપ્રમુખ હોય એમ ઉપમા. તેનાથી માની રસોઈની અને માની યાદ આવી જાય છે.

ઉપમા બનાવતી વખતે તેમાં મરચાના ટુકડા, મીઠો લીમડો વગેરે અનેક એવી ચીજો નાખવામાં આવે છે, જે સ્વાદ માટે જરૂરી, પણ ખાઈ જવાની હોતી નથી. એટલે ઉપમા ચમચીમાં ભરતાં પહેલાં, તેમાંથી આ બધી બિનજરૂરી સામગ્રી દૂર કરીને ઉપમાને ચોખ્ખી કરવી પડે છે. તે પ્રક્રિયા ભાષા-સાહિત્યના કેટલાક પ્રેમીઓને પ્રૂફરીડિંગ જેવી લાગે છે. જેમ લખાણમાંથી ભૂલોરૂપી કાંકરા દૂર કર્યા પછી તે છાપવાલાયક બને છે, તેમ ઉપમાનું પણ પ્રૂફરીડિંગ કર્યા પછી જ તે ખાવાલાયક બને છે અને યોગ્ય રીતે તેનું પ્રૂફરીડિંગ ન થાય તો મરચું ચવાઈ જવાનો સંભવ રહે છે.

આટલા વર્ણન પરથી કોઈ રખે માને કે ઉપમા એક તકરારી કે સાહિત્યિક ગૂંચ ધરાવતી ખાદ્યસામગ્રી છે. હકીકતમાં તે બીજી ઘણી ચીજો કરતાં સાત્ત્વિક અને પૌષ્ટિક છે. તકરાર તો ફક્ત તેને ભોજન ગણવી કે નાસ્તો, તેની જ હોઈ શકે છે. તે ચર્ચામાં પડવાને બદલે, જમવા બેસીએ ત્યાં સુધી ઉપમા ચાલશે—એવી સમાધાનકારી ભૂમિકા પર આવી ગયા પછી, બંને પક્ષો ઉપમાનો પૂરો આનંદ લઈ શકે છે.