Wednesday, April 16, 2025
પ્રેરણાનાં ખાબોચિયાંમાં છબછબિયાં
એમનું નામ તો પરેશભાઈ, પણ તેમને થોડુંઘણું ઓળખનારા ઘણી વાર તેમને પ્રેરકભાઈ કહીને બોલાવતા. તે સાંભળીને નામબગાડાથી નારાજ થવાને બદલે, ખિતાબ મળ્યો હોય એમ પરેશભાઈ હરખાતા. ચહેરા પર સ્થિતપ્રજ્ઞતા જાળવવી જોઈએ. એટલે તે જળવાતી. પણ તેમના હોઠના ખૂણા હસું હસું થઈ જતા. ક્યારેક તે નમ્રતાનો તકાદો જાળવવા કહેતા,‘અરે...અરે... તમારી કદર સર આંખો પર, પણ હું પરેશ જ ઠીક છું...આટલું બધું ન હોય.’
જવાબમાં સામેવાળા તરફથી પ્રશંસાનાં
બે-ચાર વાક્યો વધુ આવતાં અને જોનારને લાગતું, જાણે પરેશભાઈ ક્ષોભસંકોચથી ઓગળીને વહેવા
માંડશે.
લોકોની જીભે સરસ્વતી હોય છે.
પરેશભાઈની જીભે પ્રેરણાદેવીનો વાસ હતો. પ્રેરક વક્તા, અંગ્રેજીમાં કહીએ તો
મોટિવેશનલ સ્પીકર, તરીકે તેમનો ડંકો વાગતો હતો. સામાજિક ક્લબોથી માંડીને પોલીસ
વેલફેર સુધીની એકેય સંસ્થા એવી નહીં હોય, જ્યાં પરેશભાઈ બોલી ન આવ્યા હોય.
સિનિયર સીટીઝન-જુનિયર ચેમ્બર,
મહિલા મંડળો-કીટી પાર્ટીઓ, લગ્ન સમારંભો ને પ્રાર્થનાસભાઓ, નવી પેઢી-જૂની પેઢી,
એનઆરઆઇ-આરઆઇ, ઓડિયન્સ ગમે તે હોય, પરેશભાઈની પ્રેરણાની પાઇપલાઇનમાંથી પુરવઠો કદી
ખૂટતો નહીં.
વહેલામાં વહેલી તકે કરોડપતિ બનવા
માગતા લોકોને સંબોધીને પરેશભાઈ કહેતા ‘તમે ઇચ્છો તો આવતી કાલે ધીરુભાઈ
અંબાણી બની શકો એમ છો.’ તે બોલતી વખતે તેમના અવાજમાં રહેલો રણકો સાંભળનારને એવો અડી જતો કે તે પોતાની
જાતને રિલાયન્સની મુખ્ય ઓફિસની મુખ્ય ખુરશી પર બેઠેલા જણ તરીકે જોવા માંડતો.
હકડેઠઠ ભરાયેલા હોલમાં પરેશભાઈ
પૂછતા,‘કોને કોને મર્સિડીઝ લેવી છે?’
સવાલ સાંભળતાં ફી ભરીને હોલમાં
ખુરશીઓ પર બેઠેલા તો ઠીક, દરવાજે ઊભેલા ગાર્ડની આંગળી પણ ઊંચી થઈ જતી હતી. એ દૃશ્ય
જોઈને પરેશભાઈ પોરસ ચઢાવતા,‘વાહ, મારા મર્સિડીઝમાલિકો, તમે
અહીં આંગળી ઊંચી કરીને જે તીવ્રતાથી ઇચ્છા વ્યક્ત કરી છે, તેનું બહુ મહત્ત્વ છે.
તેના લીધે તમે મર્સિડીઝથી એક ડગલું નજીક ગયા છો. તમારી અને મર્સિડીઝ વચ્ચેના
અંતરમાંથી એક ડગલું ઓછું થયું છે.’ પરેશભાઈ એકેએક શબ્દ એવો છૂટો
પાડીને, મમળાવીને બોલતા કે તેમના મોઢેથી મર્સિડીઝ સાંભળનારને મર્સિડીઝ આંખ સામે દેખાવા
લાગતી.
‘પણ બાકીનાં પગથિયાં સહેલાં નથી’ પરેશભાઈ કહેતા. એ સાથે જ ઊંચી થયેલી બધી આંગળીઓ,
પવનમાં ઉંચે ઉડ્યા પછી નીચે આવી પડતાં કાગળિયાંની જેમ, નીચે આવીને, લપાઈ જતી. નિરાશ
થવાનો સવાલ ન હતો. ખબર હતી કે સહેલું નથી. એટલે તો પરેશભાઈના શરણે આવ્યા હતા.
પરેશભાનો પાવર એવો કે બુદ્ધના
જમાનામાં થયા હોત અને બુદ્ધ રાજકુમાર-અવસ્થામાં હતા ત્યારે તેમને ભેટી ગયા હોત, તો
તેમણે રાજકુમાર સિદ્ધાર્થને પણ સમજાવી દીધું હોત કે બુદ્ધ બનવા માટે ઘરબાર છોડવાની
જરૂર નથી. મીન્સ કે, ઘર છોડવું પડે, પણ એ તો ઠેકઠેકાણે, શહેરે શહેરે વ્યાખ્યાનો આપવા
માટે—કાયમ માટે ને બૈરાંછોકરાંને તજીને નહીં.
પરેશભાઈ નમ્ર હતા અને તેની સાબિતી
એ હતી કે તે પોતે આવું માનતા હતા. એટલે, રજનીશની જેમ તેમણે પોતાની જાતને બુદ્ધ કે
ઓશો કે એવું કશું નામ આપ્યું ન હતું. પરંતુ તેમને એટલી ખબર હતી કે આ દુનિયાને
તેમની પ્રેરણાની બહુ જરૂર છે અને એ નહીં મળે તો લોકો બિચારા શું કરશે? તેમના વિધ્નસંતોષી ટીકાકારો કહેતા, ‘ધરમ-સંપ્રદાયના નામે લોકોને છેતરાવાનાં ઠેકાણાં ઓછાં હતાં, તે પરેશભાઈએ તેમાં પ્રેરણાનું નવું તૂત ઘૂસાડ્યું?’ અલબત્ત, પ્રેરકભાઈ, એટલે કે પરેશભાઈ, તેમાંથી પણ હકારાત્મક અર્થ તારવીને એ
બાબત પર ભાર મૂકતા કે આ વાક્ય હકીકતમાં તેમને પ્રેરણાવિશ્વના આદિપુરુષ તરીકે
સ્થાપિત કરે છે અને સૂચવે છે કે પ્રેરણાવિહોણી આ ધરતી પર પ્રેરણાની ગંગાના ભગીરથ જો
કોઈ હોય તો તે પરેશભાઈ હતા.
પરેશભાઈ જે પ્રતીતિથી બુલંદ અવાજે
કહેતા કે ‘નથિંગ ઇઝ ઇમ્પોસિબલ ઇન ધ વર્લ્ડ’, તે સાંભળીને લાગતું કે ઉપરથી નેપોલિયન બેઠો બેઠો પરેશભાઈ પર ફૂલ વરસાવતો
હશે. એને પણ થશે કે ફ્રાન્સમાં નહીં તો ગુજરાતમાં, મારો કો’ક વારસદાર નીકળ્યો ખરો.
‘હું એસએસસીમાં નાપાસ થયો ત્યારે
મારાં માબાપને લાગ્યું હતું કે આ છોકરો હવે શું કરશે?’ એ પરેશભાઈની પ્રિય પ્રેરક કથા હતી—પોતાની હતી એટલે નહીં, પણ ખરેખર પ્રેરક હતી
એટલે. શૂન્યમાંથી સર્જનની કે અંગ્રેજીમાં જેને રેગ્સ ટુ રીચીઝ—રંકમાંથી રાય બનવાની
કથાઓ કહે છે, એમાં કશી ધાડ મારવાની હોતી નથી. એવી કથાઓમાં મોટે ભાગે તો માણસ ઊંધો
પડીને મહેનત કરે કાં કોઈ હાથ પકડનાર મળી જાય કાં હાથ મારવાની તક મળી જાય, એટલે કામ
પત્યું. તેમાં પરેશભાઈવાળી પ્રેરણાની કશી જરૂર નહીં.
પરેશભાઈની કમાલ એ હતી કે તેમણે એક
શૂન્યમાંથી અનેક શૂન્યોનું સર્જન કર્યું. ફક્ત બેન્ક બેલેન્સમાં દેખાતાં એકડા
પછીનાં શૂન્યોનું જ નહીં, ભવ્ય રીતે નિરર્થક હોય એવાં પ્રેરણાનાં શૂન્યોનું પણ. તેમને
સાંભળનારા અશ્રદ્ધાળુઓ કહેતા કે ‘આવું તો સામાન્ય બુદ્ધિ ધરાવતો કોઈ
પણ માણસ કહી શકે. તેમાં નવું શું છે?’ ખુદ પરેશભાઈ કહેતા કે સફળ થવામાં કશું રોકેટ સાયન્સ કે કોકા કોલા જેવી સિક્રેટ
ફોર્મ્યુલા નથી. તમે ઇચ્છો તે ક્ષેત્રમાં તમે પણ સફળતા મેળવી શકો—એવી સફળતા કે
દુનિયા જોતી રહી જાય.
જોકે, શ્રોતાઓને અમેરિકાના પ્રમુખપદે શી રીતે પહોંચાય તેનો નકશો સુદ્ધાં આંકી આપતા પરેશભાઈ એક કારકિર્દીની દિશા ને તેના દરવાજા શ્રોતાઓ માટે સદા બંધ રાખતા હતા.
તે કારકિર્દી વિશે ફોડ પાડીને
કહેવાની જરૂર ખરી?
Tuesday, April 08, 2025
સંભવામિ સ્વાર્થે સ્વાર્થે
(દિવંગત વાર્તાકાર રજનીકુમાર પંડ્યાની ‘બિલોરી’શ્રેણીની કથાઓને અંજલિ તરીકે આ વ્યંગકથા)
‘મરનારનું સ્થાન મારા જીવનમાં ઇસુ ખ્રિસ્ત જેવું હતું.’ બોલીને વાલ્મિક ભટ્ટે લાંબો પોઝ લીધો. ઊંડો શ્વાસ ભર્યા પછી, સ્ટીમ એન્જિન વરાળ કાઢે તેવા અવાજ સાથે શ્વાસ બહાર કાઢ્યો અને એક નજરે ઓડિયન્સ તરફ જોયું.
ઓડિયન્સ આ નવીન ઉપમાથી ચકિત થઈ
ગયું. તાળીઓનો ગડગડાટ થયો. એકાદ ખૂણેથી અવાજ આવ્યો, ‘ક્યા બાત હૈ...’
પણ એમાં ઓડિયન્સનો કે દાદ આપનારનો
વાંક નહીં. વાલ્મિક ભટ્ટ તેમનાં લખાણમાં આવતી મૌલિકતાના ચમકારા—ના, ઝગારા-- માટે
બ્રહ્માંડવિખ્યાત હતા. મંગળ પર જીવસૃષ્ટિ નથી તેનો સૌથી મહત્ત્વનો પુરાવો એ ગણાતો હતો
કે મંગળ પરથી વાલ્મિકભાઈના કોઈ ચાહકનો પત્ર, કે હવેના જમાનામાં વોટ્સએપ સંદેશો,
આવ્યો ન હતો. લેખકઆલમમાં છૂટક સંવેદનના જથ્થાબંધ વેપારી તરીકે તેમની નામના હતી.
મેં મનોમન વિચાર્યું, ‘તેમના જેવા મહાન માણસ માટે વેપારી જેવો શબ્દ વપરાય? એ તો શબ્દોના... શબ્દોના..શબ્દોના સોદાગર? ના, સહેલાણી? ના, સારથી. શબ્દના સારથી. હા, આ
બરાબર છે.’
વાલ્મિક ભટ્ટ શબ્દોના સારથી હતા
અને શબ્દો તેમના ઘોડા. તે ઇચ્છે ત્યારે શબ્દો રેસના ઘોડા થઈ જાય ને ઇચ્છે ત્યારે
વરઘોડાના ઘોડા. શબ્દો પરની તેમની માલિકી જોઈને લોકો ‘ક્યા બાત હૈ...’ કરી ઉઠતા હતા.
‘પણ ઇસુ ખ્રિસ્ત જેવું સ્થાન એટલે
એક્ઝેક્ટલી શું?’ એવો મુદ્દાનો સવાલ આવી સભાઓમાં ન
થવો જોઈએ. છતાં થયો.
જાણે અંતર્યામી હોય તેમ, વાલ્મિક
ભટ્ટના મોઢેથી બીજું વાક્ય નીકળ્યું, ‘આપણે સમયના બે ભાગ કેવી રીતે પાડીએ
છીએ?’
હોલના અંધારમાંથી કોઈ હળવેકથી
બોલ્યું,‘તમારા ભાષણ પહેલાં ને તમારા ભાષણ પછી.’ પણ તે એટલું ધીમેથી બોલાયું હતું કે ઓડિયન્સ તરીકે મને સંભળાય. મંચ પરથી લાગણીની
લહાણી કરી રહેલા વાલ્મિક ભટ્ટ સુધી ન પહોંચે.
‘સમયને આપણે બે તબક્કામાં વહેંચીએ
છીએ’ ઓડિયન્સના કૂતૂહલનું શમન કરતાં વાલ્મિક ભટ્ટ બોલ્યા,
‘ઇસુ પહેલાં અને ઇસુ પછી. બી.સી. અને એ.ડી. એવી રીતે, મારા જીવનના પણ બે ભાગ
પાડી શકાયઃ દીક્ષિતસાહેબને મળતાં પહેલાં અને તેમને મળ્યા પછી.’
‘ઓહો. તો આમ વાત છે.’ ઓડિયન્સમાં રહસ્યોદ્ઘાટન થયું. વાલ્મિક ભટ્ટે આગળ ચલાવ્યું,‘હું તો વકીલ હતો. તમે જે વાલ્મિક ભટ્ટને ઓળખો છો તેને બનાવનાર તો
દીક્ષિતસાહેબ.’
‘શું વાત છે? આવડો મોટો લેખક અને પાછો આવડો મોટો વકીલ ને એને લેખક બનાવનાર આ દીક્ષિતસાહેબ?’ મને નવેસરથી અહોભાવનો એટેક આવ્યો. વાલ્મિક ભટ્ટનાં લખાણોમાં તો કદી ઉલ્લેખ વાંચ્યો નથી. તેમની ચોપડીઓનાં બધાં ફંક્શનમાં જોશી મને લઈ જતો હતો. તેમાં પણ કદી વાલ્મિકના મોઢે દીક્ષિતસાહેબનો દ સરખો સાંભળ્યો નથી. કદાચ જોશીને ખબર હશે. એ વાલ્મિક ભટ્ટનો અઠંગ વાચક છે
—અને સભામાં દીક્ષિતસાહેબનું નામ
લેતી વખતે વાલ્મિક ભટ્ટના ચહેરા પર કંઈક અજબ પ્રકારનો ભાવ નહોતો આવ્યો? આમ તો હું બેઠો હતો એટલે પાછળથી ન દેખાત. પણ મોટા
સ્ક્રીન પર વાલ્મિકના ચહેરાનો ક્લોઝ અપ ટપકાં ટપકાં સ્વરૂપે દેખાતો હતો. એ
ટપકાંનાં લીધે એવું લાગ્યું હશે? ખબર નથી. હોય તો હોય પણ ખરું. જેના
માટે બહુ આદર હોય એવા જણ માટે ભૂતકાળમાં વાત કરવાનું સહેલું છે કંઈ? શોભા હજુ મને નથી કહેતી કે તમારા બાપાની વાત નીકળે
ત્યારે હજુ તમે બાળક થઈ જાવ છો?
કાર્યક્રમના થોડા દિવસ પછી એક બેસણામાં જોશી મળી ગયો. મેં તેના પ્રિય લેખક વિશે તેને પણ ખબર ન હોય એવી માહિતી આપવાના ભાવથી કહ્યું,‘ જોશી, એક સવાલનો જવાબ આપઃ વાલ્મિક ભટ્ટના જીવનમાં ઇસુ ખ્રિસ્તના સ્થાને કોણ છે?’
જોશી બેસણામાં ભજનની વચ્ચે વચ્ચે
અધ્યાત્મ વચનો ઉચ્ચારતા સંચાલકની શબ્દાળુતા વિશે વિચારી રહ્યો હોય એવું તેના ચહેરા
પરથી લાગ્યું. એટલે, મારો સવાલ સમજ્યા વિના, લગભગ પ્રતિક્રિયારૂપે તેણે કહ્યું, ‘વાલ્મિક તો હિંદુ છે. તેના જીવનમાં ઇસુ વળી ક્યાંથી આવ્યા?’ પણ મને તેની સામે તાકી રહેલો જોઈને તે બેસણાની તકલાદી
અધ્યાત્મસૃષ્ટિમાંથી બહાર આવ્યો.‘અરે, તું વાલ્મિકની ક્યાંક પેલી
કાલખંડ ને સમયના ભાગ ને ઇસુ પહેલાં-પછીની વાત તો નથી કરતો ને?’
મને થયું, જણ છે તો પાકો. એને બધી
ખબર છે. પણ હવે પૂછ્યું જ છે તો તેના મોઢે નામ પણ જાણી લઉં.
જોશી નામ મમળાવતો હોય એમ બોલ્યો, ‘વાલ્મિકના જીવનમાં ઇસુ... ઘોઘારીસાહેબ? મીરચંદાણીસાહેબ? પારેખસાહેબ? સાગઠિયાસાહેબ?’
‘ના.’ મેં વિજયી સ્મિત સાથે કહ્યું, ‘દીક્ષિતસાહેબની શોકસભામાં વાલ્મિકે
કહ્યું હતું કે તેના જીવનમાં ઇસુ ખ્રિસ્તના સ્થાને દીક્ષિતસાહેબ છે. તેના જીવનને
બે ભાગમાં...’
‘ખબર છે...ખબર છે, હવે...’જોશી મને વચ્ચેથી અટકાવીને બોલ્યો. ‘વાલ્મિકના ઇસુ ખ્રિસ્તો સમય,
સંજોગો ને સ્વાર્થ પ્રમાણે બદલાયા કરે. વિમાન એક વાર રન વે પર દોડ્યા પછી ઉડે
ત્યારે રન વેને સાથે લઈને ઉડે છે?’
અચાનક, હોલમાં દીક્ષિતસાહેબનું નામ
લેતી વખતે વાલ્મિકના ચહેરા પર દેખાયેલો ભાવ મનમાં તાજો થયો અને ઝબકારો થયોઃ વાલ્મિક
ભટ્ટના જીવનસમયને નહીં, તેમના જીવનસંબંધને બે ભાગમાં વહેંચવા પડેઃ કોઈને પોતાના
જીવનના ઇસુ ખ્રિસ્ત જાહેર કરતી વખતે અને જાહેર કરીને ભૂલી ગયા પછી...’
એ સાથે મનમાં અનેક ક્રોસ ખોડાયેલા દેખાયા, જેની પર વાલ્મિક ભટ્ટના ‘ઇસુ ખ્રિસ્તો’ની લાઇન પડી ગઈ હતી.
Wednesday, March 26, 2025
રજનીકુમાર પંડ્યાઃ મનની માયાનગરીના ભોમિયા
(ગુજરાતમિત્ર, દર્પણ પૂર્તિ, 26-3-25)
વાર્તાકળા અને માનવમનના પ્રવાહોનો અભ્યાસ જેમના રોજિંદા જીવન સાથે વણાયેલાં હતાં, એવા સાહિત્યકાર-સંગીતમર્મજ્ઞ રજનીકુમાર પંડ્યાએ 15 માર્ચ 2025ના રોજ 86 વર્ષની વિદાય લીધી. ‘ઝબકાર’ શ્રેણીમાં આવતાં તેમનાં વ્યક્તિચિત્રો-સંસ્થાચિત્રો હોય કે ‘બિલોરી’ શ્રેણીમાં પ્રગટ થયેલી તેમની કથાઓ કે પછી ‘શબ્દઠઠ્ઠા’ અને ‘તીરછી નજર’ શીર્ષકો હેઠળની હાસ્યકથાઓ—એ દરેકમાં કલ્પનાનું તત્ત્વ કેવળ કૃતિને ઘાટ આપવા જ વપરાયું હોય એવું લાગે. બાકીની બધી સામગ્રી આસપાસના જીવાતા જીવનમાંથી જોગવી શકે, એવો રજનીકુમારનો જીવન સાથેનો નિકટનો નાતો હતો.એટલે જ, સંપૂર્ણપણે કલ્પનાનો પ્રદેશ કહેવાય એવી નવલકથાઓમાં પણ રજનીકુમારે સત્ય ઘટનાઓને આધાર બનાવીને, તેની પરથી કલ્પનાની ઉડાન ભરી હતી. તથ્યો તેમની સર્જકતા માટે બેડી બનવાને બદલે કે તેમની સર્જકતાની ઉડાન રુંધવાને બદલે, પાંખમાં જોર પૂરતાં હોય એવું લાગતું હતું. તથ્યમાં ક્યાં, કેવો ને કેટલો રંગ પૂરવો એ મામલે તેમનો આંતરિક વિવેક અડીખમ રહ્યો. ક્યારેય તે લાગણીવેડામાં સરી ન ગયા. છતાં તેમનાં કેટલાં બધાં લખાણ એવાં હતાં કે જે વાંચનારમાં સમસંવેદન પ્રેરે અને તેને સાહિત્યતત્ત્વની ઉચ્ચ અનુભૂતિ કરાવે.
નાટકીય ઘટનાઓના અવિરત સિલસિલા જેવા જીવનમાં રજનીકુમાર સુખદુઃખના અંતિમો પર અને કેટલીક વાર બંને અંતિમો પર સમાંતરે ઝૂલતા રહ્યા. માણસ હતા, એટલે વ્યથિત અને હતાશ થતા, રોષે ભરાતા અને જરાસરખા અન્યાયબોધ સામે તીવ્ર પ્રતિક્રિયા આપતા હતા. પરંતુ તેમનામાં રહેલી કુદરતી બક્ષિસને કારણે, લાગણીના બધા આવેગો અનુભવ્યા પછી અને ઘણી વાર તેનાથી દોરવાયા પછી પણ, આખરે તેમાંથી તે મનના ચિત્રવિચિત્ર પ્રવાહો અને જીવનનાં ચિરંતન સત્યોનો અર્ક તારવી શકતા હતા અને તેને પોતાનાં લખાણોમાં યથાતથ ઉતારી શકતા હતા.
અનેકરંગી જીવનમાં મળેલાં અવનવાં પાત્રોમાંથી સાહિત્યિક મૂલ્ય ધરાવતો ઘટક તારવીને, તેને સાંધા કે રેણ વિના કૃતિમાં પરોવવાની તેમની ફાવટ ગજબની હતી. તેમનાં લખાણોમાં ભભરાવેલી ફિલસૂફી કદી ન મળે, પણ જિંદગીના ઉતારચઢાવની વચ્ચે વ્યક્ત થતી રહેતી ઉદાત્તતા, અધમતા અને તેની વચ્ચેનાં લક્ષણોની આખી રેન્જ તેમના લખાણને અનોખું પરિમાણ આપતી હતી. તેમના એક સ્નેહી પુસ્તકોના જબ્બર પ્રેમી અને સંગ્રાહક. ઝટ પુસ્તક વાંચવા ન આપે અને આપે તો તેની સાચવણીની કેટલીય સૂચનાઓ આપે. એક વાર રજનીભાઈએ તેમની કસોટી કરવા પૂછ્યું,’તમારી બધી વાત બરાબર, પણ ધારો કે આ પુસ્તક મારાથી ખોવાઈ ગયું તો?’ પેલા ભાઈએ ક્ષણના પણ વિલંબ વિના, એકદમ શાંતિથી કહ્યું,’ગયું તો ગયું.’ રજનીભાઈના મનના અમર્યાદ ડેટાબેઝમાં સંઘરાયેલી આ વાત ‘કુંતી’ નવલકથામાં હરિરાજ સ્વામીના પાત્રાલેખન દરમિયાન ઉભરી આવી અને એક સ્વસ્થ-રેશનલ સન્યાસીની સ્વસ્થતા દર્શાવવા માટે પ્રયોજાઈ હતી.
લગભગ અઢી દાયકા પહેલાં એક શીઘ્રકોપી સંગીતપ્રેમી મિત્ર સાથે રસ્તે ચાલતાં કોઈ મુદ્દાની ચર્ચામાં ગરમાગરમી થઈ. પેલા મિત્ર તેમની લાક્ષણિકતા પ્રમાણે એકદમ ઉશ્કેરાઈ ગયા અને ઝનૂનથી રજનીભાઈની ફેંટ પકડી. તે પ્રસંગની વાત કરતાં રજનીભાઈએ કહ્યું હતું,’તેમણે મારી ફેંટ પકડી હતી, ત્યારે હું તેમના ચહેરાના હાવભાવ જોતો હતો અને તેમના મનમાં શું ચાલતું હશે, તે સમજવાનો પ્રયત્ન કરતો હતો.’
માણસના મનમાં ઊંડે, તેના સબકોન્શ્યસમાં ચાલતા ઘણા પ્રવાહ એવા હોય, જે બહાર આવે તો બહુ વસમું પડી જાય. રજનીભાઈ એવા પ્રવાહોને પારખીને, જરાય ન્યાયાધીશની ભૂમિકામાં આવ્યા વિના, ફક્ત માણસ અને જીવન વિશેની સમજના ભાગરૂપે તેને પોતાની કૃતિઓમાં લાવી મુકતા હતા. એટલે જ, વાર્તાકળામાં રજનીકુમાર જેમને ગુરુ માનતા હતા તે મહંમદ માંકડે એક વાર તેમને એ મતલબનું લખ્યું હતું કે ‘તમે બહુ ક્રૂર છો. માણસને આખો ને આખો ઉઘાડો કરી નાખો છો.’
એક ઉદાહરણઃ મિત્રનું આકસ્મિક મૃત્યુ થતાં માણસ સાચેસાચા શોકમાં ડૂબી જાય છે અને વિચારે છે કે ગામલોકોને આટલા કરુણ સમાચાર તે શી રીતે આપશે. પરંતુ ગામે પહોંચીને તેને ખ્યાલ આવે છે કે રસ્તામાં એક સાઇકલસવાર સાથે થયેલી વાત પછી, એ સાયકલસવાર ગામમાં પહોંચીને સમાચાર આપી ચૂક્યો છે. ત્યારે મિત્રના મૃત્યુનો સાચો શોક ઘડીભર બાજુ પર હડસેલાઈ જાય છે અને કંઈક વ્યગ્રતાથી તે ગામલોકોને કહે છે, ‘તમને ભલે પેલા સાયકલવાળાએ કહ્યું હોય, પણ એને તો આ સમાચાર મેં જ આપ્યા હતા.’ આ પ્રકારની, સહેલાઈથી કોઈ ખાનામાં મુકી ન શકાય એવી માનસિકતાનું આલેખન માણસોના વાચનમાંથી આવતું હતી. સાથોસાથ, આ વાત કહેવા માટે તે જે પાત્રોની સૃષ્ટિ, વર્ણનો અને બોલીનો ઉપયોગ કરતા હતા, તે પણ અત્યંત આસ્વાદ્ય અને મૂળ હાર્દ સાથે એકરૂપ-એકરસ બની જતાં હતાં.
માનવમનના ઊંડા અભ્યાસી હોવા છતાં, સ્વભાવગત મદદરૂપ થવાની વૃત્તિ અને ભલમનસાઈને કારણે કેટલાય લોકોથી તે છેતરાતા હતા. ઘણી વાર થતું કે તમે તો માણસના ફોટોની સાથોસાથ તેનો એક્સ-રે પણ જોઈ લેનારા. તમારી સાથે આવું કેમ થાય? પરંતુ લાંબા સહવાસને કારણે જવાબ પણ જાતે જ મળી જતો હતોઃ માણસને વાંચી લેવાની શક્તિ કુદરતી બક્ષિસ હતી અને જાતે ઘસાઈને બીજાને મદદરૂપ થવાની વૃત્તિ એ તેમની પ્રકૃતિ. તેમાંથી મોટે ભાગે પ્રકૃતિનો વિજય થતો હતો. તેના કારણે અંગત ઘા તેમણે ઘણા વેઠ્યા, પણ વાચકોને જે મળ્યું, તેની ગુણવત્તા પર કશી અસર ન પડી. જીવનના છેલ્લા અઠવાડિયા સુધી લખતા રહ્યા અને તેમના જીવનના લગભગ અઢી દાયકાના એક ખંડની આત્મકથાનું લખાણ પૂરું કરીને તે ગયા.
Thursday, March 13, 2025
મોદી-ટ્રમ્પ સંવાદ
થોડા વખત પહેલાં વડાપ્રધાન મોદી અમેરિકાની મુલાકાતે જઈ આવ્યા અને નવેસરથી અમેરિકાના પ્રમુખ તરીકે ચૂંટાયેલા ટ્રમ્પને મળી આવ્યા.આ વાક્યરચનાથી કોઈને ‘હીરો ઘોઘે જઈ આવ્યો ને ડેલીએ હાથ દઈ આવ્યો’—એવી કહેણી યાદ આવે, તો તેને કેવળ સંયોગ ગણવો. ટ્રમ્પ બેફામ અને આડેધડ બોલવા માટે તથા એ બંને વિશેષણોને લાયક એવાં જૂઠાણાં બોલવા માટે જાણીતા છે. એ તો ગિનેસ બુકવાળા ‘ડીપ સ્ટેટ’ના (દેશોની સરકારોને નુકસાન પહોંચાડે એવી ગુપ્ત કાર્યવાહી કરનાર ટોળકીના) માણસો છે. એટલે, રેકોર્ડ બુકના વિવિધ વિભાગોમાં જૂઠાણાંનો વિભાગ રાખ્યો નથી. તેમને થતું હશે કે રેકોર્ડ બુકમાં જૂઠાણાંનો પ્રકાર ઉમેરવામાં આવે તો સર્વોચ્ચ હોદ્દે રહીને સૌથી વધુ જૂઠું બોલવા બદલ આ મહાનુભાવો સહેલાઈથી જીતી જાય. અલબત્ત, બંને વચ્ચે હરીફાઈ થાય અને શક્ય છે કે ટ્રમ્પ 100 મીટર તેમ જ 200 મીટરનાં જૂઠાણાંના રેકોર્ડ તોડે, તો તેમના ભારતીય મિત્ર 10 કિલોમીટરના મેરેથોન જૂઠાણાંના રેકોર્ડમાં અતૂટ વિક્રમ સ્થાપી દે.
મોદી ટ્રમ્પના ખાસમખાસ મિત્ર છે એવી (વધુ એક ખોટી) છાપ મોદીપ્રચારકોએ અગાઉ ઉભી કરી હતી. મોદી ટ્રમ્પને મોદી સ્ટેડિયમમાં લઈ આવ્યા હતા અને અમેરિકામાં એક સભામાં તેમણે ‘અગલી બાર...’નો નારો આપ્યો હતો, જે ઓડિસન્યમાંથી ‘ટ્રમ્સ સરકાર’ના નાદ સાથે પૂરો થયો હતો. ટ્રમ્પ હજુ એટલા નમ્ર છે કે મોદીએ સરદાર સ્ટેડિયમને મોદી સ્ટેડિયમ નામ આપી દીધું એવી રીતે, ટ્રમ્પે અમેરિકામાં લિંકન મેમોરિયલને ટ્રમ્પ મેમોરિયલનું નામ આપ્યું નથી અને ત્યાં મોદીનો તમાશો કર્યો નથી. બંનેની દોસ્તી વિશે ટીવી ચેનલો અને સોશિયલ મિડીયા પર એવી છાપ ઊભી કરવામાં આવી હતી, જાણે મોદી ને ટ્રમ્પ વડનગરમાં જોડે ગિલ્લીદંડા રમ્યા હશે. પરંતુ મોદીની ગઈ મુલાકાત દરમિયાન ટ્રમ્પ અને મોદી વચ્ચેનું સમીકરણ જોતાં, ટ્રમ્પ અત્યારે મોદી સાથે ગીલ્લી-દંડા નહીં, ફક્ત દંડા દંડા રમ્યા હોય એવું લાગે છે.
મોદીનો ટ્રમ્પ માટેનો પ્રેમ કેવો હશે કે ભારતમાં દસ વર્ષના શાસનમાં જે તેમણે કદી નથી કર્યું એ બહાદુરીભર્યું, હિંમતભર્યું, વીરરસપ્રધાન કામ તેમણે અમેરિકાની ધરતી પર કર્યુઃ પ્રેસ કોન્ફરન્સમાં પત્રકારના સવાલના જવાબ આપ્યા. ભલે ટેલીપ્રોમ્પ્ટરની મદદ લીધી, ભલે જવાબ કંઈક ભળતો આપ્યો. પણ આપ્યો તો ખરો. પત્રકાર પરિષદમાં તેમ જ ટ્રમ્પ અને તેના ગોઠિયા મસ્ક સાથે વાત કરવામાં નરેન્દ્ર મોદીને ભાષાની તકલીફ નડે એ સમજાય એવું છે. દુભાષિયા એ દુભાષિયા. માતૃભાષામાં ગબડાવવાની જે મઝા આવે, તેનો અંગ્રેજી અનુવાદમાં શો સ્વાદ રહે? અને ટ્રમ્પ જોડે ધરાર હિંદી કે ગુજરાતીમાં બોલવા જતાં, તે અમેરિકામાં હિંદી કે ગુજરાતી બોલવા પર ટેરિફ નાખી દે તો?
સવાલ એ નથી કે મોદીને સડસડાટ અંગ્રેજી આવડતું હોત તો શું થાત. કલ્પનાનો વિષય એ છે કે ટ્રમ્પ અને મસ્કને ગુજરાતી આવડતું હોત, તો વડાપ્રધાન મોદી સાથેનો તેમનો સંવાદ કેવો ચાલ્યો હોત?
*
ટ્રમ્પઃ આવો, આવો, બાળનરેન્દ્ર.
મોદીઃ (સમજણ ન પડવાથી ગુંચવાય છે અને બીજું કંઈ ન સૂઝતાં હસે છે)
ટ્રમ્પઃ અરે, હું તો મજાક કરતો હતો. મને કોઈકે કહ્યું કે બાળનરેન્દ્ર તરીકે તમે બહુ પરાક્રમો કર્યાં હતાં. મગરનું બચ્ચું ઘરે લઈ આવ્યા હતા. એ વખતના મગરનું બચ્ચું ઘરે લઈ આવવા બદલ તમારા દેશમાં કેટલો ટેક્સ હતો?
મોદીઃ (શો જવાબ આપવો એ વિચારે છે અને ત્યાં સુધી ટાઇમપાસ કરવા કહે છે) અમારો દેશ તો વસુધૈવમ કુટમ્બકમ એ સિદ્ધાંત પ્રમાણે ચાલે છે. માણસ હોય કે મગર, અમે કોઈનો પણ અમારા રાજકીય ફાયદા માટે ઉપયોગ કરી શકીએ છીએ. અમારે ત્યાં તો બાળકો મગરથી નથી બીતાં, પણ સરકારી રેઇડથી બીએ છે. એ વખતે મારું રાજ હોત તો મગરના બચ્ચા પર 18 ટકા જીએસટી નાખ્યો હોત.
મોદીઃ હા, એવું જ સમજોને. આવા સવાલોમાં તો જીભે ચડે તે જવાબ અને એક વાર અપાયેલા જવાબને પછી વળગી રહેવાનું, એવી સ્પષ્ટ સૂચના આપેલી જ છે.
ટ્રમ્પઃ એક વાત તો છે. તમારે ત્યાં પ્રેસનું બહુ સુખ છે. મને ઘણી વાર એવું થાય છે કે કાશ હું ભારતનો વડાપ્રધાન હોત.
મોદીઃ લે કર વાત. મને ઘણા એવું કહે છે કે તમે તો અમેરિકાના પ્રમુખ થાવ એમ છો. કહે છે કે તમે ને ટ્રમ્પ વૈકલ્પિક સત્યો ઉચ્ચારવામાં એકબીજાની હંફાવો એમ છો.
ટ્રમ્પઃ તેમ છતાં, મારે ત્યાં પ્રેસ હજુ પૂરેપૂરું ગોદી મિડીયા બન્યું નથી.
મોદીઃ (વિજયી સ્મિત સાથે) એના માટે તમારે મસ્ક નહીં, અમારા અમિતભાઈ જોઈએ.
ટ્રમ્પઃ ઓહ યસ, મેં પણ સાંભળ્યું છે એમના વિશે. આપણે ટેરિફની વાત થઈ પછી મને પણ કોઈએ કહ્યું હતું કે હમણાં થોડા દિવસ મોર્નિંગ વોક માટે ન જતા...બોલો, કરવી છે અદલાબદલી? તમે મને અમિત આપો ને હું તમને મસ્ક આપું.
મોદીઃ (હસતાં હસતાં) ના ભાઈ ના. મસ્કનું મારે શું કામ છે? તેમની હારોહાર ઊભા રહી શકે એવા એક નહીં, બબ્બે મારી પાસે છે—અને એ તેમનાં છોકરાં ને છોકરાંની આયાઓને લઈને મારી ઓફિસમાં નથી આવી પડતા.
(એ સાંભળીને ટ્રમ્પ ઊભા થઈ જાય છે અને ચીનના પ્રમુખને ફોન જોડે છે, એટલે સંવાદનો અંત આવે છે.)
Thursday, February 27, 2025
મહાભીડભાડ પછીની મહામિટિંગ
ભારતમાં જન્મ લેનારને સૌથી ઓછી નવાઈ કોઈ ચીજની હોય તો તે ભીડ અને ગીરદીની. મહાકુંભ નિમિત્તે સર્જાયેલી મહાભીડ અને અનવસ્થાને કારણે તો, ભીડમાં કચરાઈ ગયેલાં લોકોનાં મૃત્યુની પણ જાણે નવાઈ નથી રહી. એકથી વધારે વાર એવા સમાચાર આવ્યા-ન આવ્યા ને હવામાં ઉડી ગયા. ન તેનો કશો ભારે ઊહાપોહ થયો, ન સરકારે સરખા જવાબ આપ્યા. અરે, મૃતકોના આંકડા સુદ્ધાં આપવાની તસ્દી સરકારે ન લીધી. કરુણ ઘટનાઓ પ્રત્યે સરકારની ગુનાઇત બેશરમી અને કાતિલ ઢાંકપિછોડો કરવાનું વલણ જોઈને એવો વિચાર આવ્યો કે આવી કોઈ ઘટના પછી સરકારી અધિકારીઓની મિટિંગ ભરાતી હશે, તો તેમાં કેવા સંવાદ થતા હશે? થોડી કલ્પનાઃ
Wednesday, February 26, 2025
ઊંધિયું, તેલ અને અસ્મિતા
‘ગુજરાતની અસ્મિતા’ની જેમ ‘સુરતની અસ્મિતા’ જેવો પ્રયોગ ચલણમાં હોત તો તેના કેન્દ્રસ્થાને રહેલી ચીજોમાં ઊંધિયાનો સમાવેશ ચોક્કસપણે થતો હોત. છેલ્લા થોડા દાયકાથી જાહેરાતોમાં વપરાતો શબ્દ ‘સુરતી ઊંધિયું’ ખરેખર તો ‘એલિસબ્રિજ પુલ’ જેવો કહેવાય. ‘ઊંધિયું’ લખ્યા પછી ‘સુરતી’ લખવાની જરૂર ન હોય. ઊંધિયું તો સુરતી જ હોય ને. પરંતુ છેલ્લા થોડા દાયકામાં વધેલા ઊંધિયાના વ્યાપને કારણે, અસલી ઊંધિયાની ઓળખ માટે ‘સુરતી’નું લટકણિયું લગાડવામાં આવે છે. જોકે, માર્કેટિંગની પ્રજા દ્વારા વપરાતાં ઘણાંખરાં વિશેષણોની જેમ, આ વિશેષણ પણ ગેરરસ્તે દોરનારું અને મોટે ભાગે સચ્ચાઈથી વેગળું હોય છે.
ઊંધિયાનો પ્રચારપ્રસાર ગુજરાતબહાર
ઓછો છે, બાકી દિલ્હીમાં રચાતી મિશ્ર સરકારો ‘ખીચડી સરકાર’ને બદલે ‘ઊંધિયા સરકાર’ કહેવાતી હોત. કારણ કે, બંનેનો ગુણ
સરખો જ છે. તેમાં એકથી વધુ ચીજોનું સ્વાદિષ્ટ મિશ્રણ હોય છે. જોકે, ખીચડીને
વાનગીનો દરજ્જો આપવા વિશે તીવ્ર મતભેદ હોઈ શકે છે—અને તેને ઊંધિયાની હરોળમાં
મુકવાથી સુરતી સિવાયના સ્વાદપ્રેમીઓની લાગણી પણ દુભાઈ શકે છે. હોંશીલા
ખીચડીપ્રેમીઓ કહેશે કે ખીચડીમાં બહુ વૈવિધ્ય આવે છે—અરે ‘રજવાડી ખીચડી’ પણ આવે છે. તેમને જણાવવાનું કે
ઊંધિયા માટે ‘રજવાડી’ જેવું વિશેષણ અલગથી લગાડવું પડતું
નથી. તેનું બંધારણ મૂળભૂત રીતે ‘રજવાડી’ હોય છે.
ઊંધિયાની સામગ્રી વિશે વાત કરતાં
પહેલાં, એક તાત્ત્વિક સવાલ વિશે ભૂમિકા સ્પષ્ટ કરી દેવી જરૂરી લાગે છેઃ કેટલાક
લોકો કહે છે કે ઊંધિયું એટલે મિશ્ર શાકમાં પૂરતું તેલ હોવું જોઈએ. બીજો વર્ગ
ભારપૂર્વક કહે છે કે ના, ઊંધિયું એટલે તેલમાં પૂરતું શાક હોવું જોઈએ. આ આખી ચર્ચા,
જીવમાં શિવ છે કે શિવમાં જીવ—એ સ્તરની છે. તે ઉચ્ચ આધ્યાત્મિક ભૂમિકાએ રહીને જ,
એટલે કે ઊંધિયું ખાતાં ખાતાં, કરી શકાય.
મામલો ફક્ત મિશ્ર શાકનો નથી.
દિવાળી વખતે ઘણા લોકો પંચરઉ તરીકે ઓળખાતું મિશ્ર શાક બનાવતા હોય છે. ગુજરાતી ભોજન
પર થયેલા પંજાબીના ધુંઆધાર આક્રમણ પછી મિક્સ વેજની સબ્જી ગુજરાતી નથી તે યાદ
રાખવું અઘરું પડે છે. છતાં, ઊંધિયામાં થતું શાકનું મિશ્રણ આ બધાથી જુદું ને તેમનાથી
ઊપર છે. તેમાં રીંગણ નથી આવતાં તેથી રીંગણદ્વેષીઓ હર્ષ પામે છે અને કંદ (રતાળુ)
આવે છે, તેનાથી રતાળુરસિકો હરખાય છે. સુરત સિવાયના પ્રદેશોમાં ઊંધિયા માટે વપરાતા
દાણા વાલોળ-પાપડી-તુવેર જેવા ગમે તે શાકના હોઈ શકે, પણ સુરતના અસલી ઊંધિયામાં ટચલી
આંગળી જેટલું કદ અને અમુક દાણા ધરાવતી પાપડીમાંથી જ દાણા વાપરી શકાય છે. બટાટા અને
શક્કરિયાં માટેના નિયમ એટલા આકરા નથી, પણ તેના ટુકડા કેટલા મોટા રાખવા, એ
ચોક્કસપણે વિચારવાલાયક પ્રશ્ન હોય છે.
દક્ષિણ ગુજરાતમાં જેવાં રતાળુ બીજે
મળતાં નથી—એવું દક્ષિણ ગુજરાતના લોકો જ નહીં, બીજા પણ કેટલાક સ્વાદરસિકો માને છે.
ફક્ત રતાળુ જ શા માટે, તેમને તો લાગે છે કે અસલી ઊંધિયું બનાવવું હોય તો તેમાં
સુરતનું પાણી જ વાપરવું પડે. અમદાવાદની સાબરમતીમાં સરકાર ઘણા વખતથી નર્મદાનું પાણી
ભરે છે, એને બદલે તાપીનું પાણી ભરતી હોત તો કદાચ એ શક્ય બનત. પણ વો દિન કહાં...
અને પ્રખ્યાત ઠેકાણે ચિત્રવિચિત્ર સ્વાદવાળું ઊંધિયું ખાઈને, ફક્ત અઢળક રૂપિયા
ખર્ચીને આનંદ માણી લેતી અમદાવાદની, અને હવે તો સમસ્ત ગુજરાતી, પ્રજાને તેનાથી કશો
ફરક પડે કે કેમ એ પણ સવાલ.
ઊંધિયાને મિશ્ર શાક કરતાં ઊંચો
દરજ્જો આપવામાં કારણભૂત કેટલીક બાબતોમાં એક છે તળેલાં મુઠિયાં. તે એક સ્વતંત્ર
વાનગી તરીકે ચાલી શકવાની ક્ષમતા ધરાવે છે—અને ઘણા લોકો તેનો એ રીતે ઉપભોગ કરતા હોય
છે. છતાં, તેની ખરી સાર્થકતા ઊંધિયામાં બીજાં શાક સાથે ભળી જવાની છે. બીજાં શાક
સાથે તેની એકરૂપતા જોઈને ઘણી વાર એવું લાગે કે ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ તરીકે ખરેખર તો ઊંધિયાનું એક
શિલ્પ તૈયાર કરવું જોઈએ. કેમ કે, તેમાં દરેક શાક ને મુઠિયું સુદ્ધાં પોતાની આગવી
ઓળખ અને આગવો સ્વાદ ગુમાવ્યા વિના, એકબીજાને કચડીને ‘સમરસ’ કર્યા વિના, સ્વાદિષ્ટ સહઅસ્તિત્વ ધરાવે છે.
ઘણા સ્વાદપ્રેમીઓને નારાજ કરવાનું
જોખમ વહોરીને પણ કહેવું જોઈએ કે ઊંધિયા સાથે જલેબીની જોડી મારીમચડીને બનાવેલી હોય
એવી લાગે છે. સંસારી જીવનની પરિભાષામાં તેને કજોડું કહેવામાં ખાસ અતિશયોક્તિ નથી.
એ જોડીના આશકો કહે છે કે તે ગળ્યા અને તીખાનું સરસ સંયોજન છે. એવી રીતે વિચારતાં
ઊંધિયા સાથે મોહનથાળ કે બીજી કોઈ પણ ગરમ મીઠાઈ ખાઈ શકાય. પણ ઊંધિયા સાથે બીજા
કશાની જરૂર પડે છે અથવા જલેબી જેવી સાથી વિના ઊંધિયું લાગે, એ વાત જ વાંધાજનક છે.
હા, ચટણીઓ કે સેવની વાત અલગ છે. તેમનું અસ્તિત્વ ઊંધિયામાં સમાઈ જાય છે. તે
જલેબીની જેમ ઊંધિયાની સમાંતરે અલગ ચોકો ઊભો કરતાં નથી.
સવાલ જલેબીપ્રેમનો નથી. ધારો કે આ લેખ જલેબી વિશેનો હોત તો તેમાં જલેબીની સાથે ઊંધિયાને ઠઠાડી દેવામાં આવ્યું છે, તે વિશે વાંધો પ્રગટ કરવામાં આવ્યો હોત. જેવી જલેબી, એવું ઊંધિયું. કેટલાંક સ્ત્રીપુરુષોની જેમ તે બંને પોતપોતાની રીતે સરસ છે, પણ એટલા માટે તેમને ધરાર ભેગાં કરવાનો લોભ ટાળવા જેવો હોય છે. પરંતુ તેલમાં તરતા ઊંધિયામાં આવા કંઈક મહત્ત્વના બોધપાઠ ડૂબી જાય છે એ ઊંધિયાની નહીં, માણસોની કઠણાઈ છે.
Monday, February 10, 2025
(ઉપ)નામરૂપ જૂજવાં
એક સમય હતો, જ્યારે બાળકનું નામ પાડવાનો વિશેષાધિકાર તેની ફોઈનો ગણાતો હતો અને તેના માટે ક્યારેક સામાજિક યુદ્ધો પણ થતાં. નામ પાડવાનું કામ એટલું ગંભીર ગણાયું કે પછી તો તેનાં પુસ્તકો બહાર પડવા લાગ્યાં અને ધૂમ વેચાયાં પણ ખરાં. પશુપક્ષીપ્રેમી તરીકે જાણીતાં મેનકા ગાંધીએ પણ નામોનું એક પુસ્તક તૈયાર કર્યું હતું.
આપણે ત્યાં ઉપનામો યથેચ્છ પાડવામાં આવે છે. એક-બે દાયકા પહેલાં સુધી, નામનો અર્થ અચૂક હોય, પણ ઉપનામનો અર્થ હોવો બિલકુલ ફરજિયાત નહીં. તમે જ વિચારો, કોઈ બાળકનું નામ ‘લાલિયો’ કયો ગુણ જોઈને પાડ્યું હોય? કોઈ બાળક બોલતું થાય તે પહેલાં સામ્યવાદી શી રીતે ઘોષિત કરી શકાય? માટે જ, ભારતમાં નામોમાં જેટલી મૌલિકતા જોવા મળતી હતી, એટલી કે તેનાથી પણ વધારે મૌલિકતા ઉપનામોમાં જોવા મળતી હતી. તેમને અર્થસભર હોવાનાં બંધન નડતાં ન હતાં અને ઉપનામ પાડવાં એ ફોઈનો ઇજારો ન હતો. ઉપનામ-ફોઈની ભૂમિકા પુરુષો પણ એટલા જ ઉત્સાહથી ભજવી શકતાં હતાં.
એ કેવળ એક સંયોગ છે કે નાનપણમાં, જ્યારે ઉપનામ પડવાની સૌથી વધારે શક્યતા હતી ત્યારે પણ, મારું કોઈ ઉપનામ પડ્યું નહીં. તેનું ગૌરવ પણ નથી ને શરમ પણ નહીં. મારા બાળપણમાં એક સ્નેહી કોઈ અગમ્ય કારણસર મને ‘જોનભાઈ’ કહીને બોલાવતા હતા અને મેં પણ રમૂજ સાથે એ સ્વીકારી લીધું હતું. પણ એ મારું સત્તાવાર કહેવાય એવું ઉપનામ ન હતું. કારણ કે, એ તેમની સર્જનાત્મકતાની પેદાશ હતું અને એ અમારા બંને વચ્ચેનો જ વ્યવહાર હતો. મારા પિતાજી મને થોડો સમય ‘પટૌડી’ કહેતા હતા, તે પણ મારું ઉપનામ ન ગણાય. કારણ કે, એ કોઈ રીતે મારી ઓળખ ન હતું. એ અમારા બે વચ્ચેની વાત હતી. મારાં બીજાં પરિવારજનો કે સ્નેહીજનોએ બાળપણથી હજુ સુધી મારું કોઈ ઉપનામ પાડ્યું નથી. હા, મોટપણે મારા રાજકીય વિચારોના વિરોધીઓમાંથી કેટલાકે મારી ઉપનામફોઈ બનવાના પ્રયાસ કર્યા છે, પણ એ તેમની લાગણીની અભિવ્યક્તિ ગણાય અને એના માટે તે સ્વતંત્ર છે, પણ તેને કોઈ પણ ધોરણે મારું ઉપનામ ગણાવી શકાય નહીં. કોઈ નરેન્દ્ર મોદીને ધોળી દાઢી, અમિત શાહને કાળી દાઢી ને વણઝારાને લાલ દાઢી તરીકે ઓળખાવે તો તે એમનાં ઉપનામ ન ગણાય.
ઉપનામ
અને પેન-નેમ (તખલ્લુસ) અથવા વ્યાવસાયિક નામ પણ અલગ બાબત છે. ઘણા કવિ-લેખકો તખલ્લુસ
રાખે છે અને ઘણા તખલ્લુસ રાખીને કવિ-લેખકમાં ખપવા મથે છે. એ સિવાય, પત્રકારત્વમાં
ઘણી વાર ઉપનામ કે તખલ્લુસ નહીં, એવાં બીજાં નામ વાપરવાનાં થાય છે. એક જ પ્રકાશનમાં
એકથી વધારે લેખ લખવાના થાય ત્યારે એક જ નામનું પુનરાવર્તન ટાળવા માટે બીજાં નામ
વાપરવાનાં થાય. એવાં નામ મેં પણ વાપર્યાં છે. છતાં, તેને ઉપનામ ન કહી શકાય.
બાકી,
ઉપનામ પાડવામાં ઉત્સાહી એવા એક વડીલ સાથે કામ કરતી વખતે એ કળાનો પ્રત્યક્ષ પરિચય
મળ્યો હતો. ચશ્મા પહેરતા એક કમ્પ્યુટર ઓપરેટરનું ઉપનામ તેમણે ‘લોઇડ’ પાડ્યું હતું-- વેસ્ટ ઇન્ડિઝની
ક્રિકેટ ટીમના ચશ્માધારી, પ્રતાપી કેપ્ટન ક્લાઇવ લોઇડ પરથી. એ નામ એટલું સ્વીકાર્ય બન્યું કે એ
ભાઈ પછી તેમનાં મિત્રો-સ્નેહીઓમાં પણ લોઇડ તરીકે ઓળખાવા લાગ્યા અને તેમણે પણ એ
પ્રેમથી સ્વીકારી લીધું હતું. એવી જ રીતે, અન્ય એક વ્યક્તિની મોટેથી ઓડકાર ખાવાની
લાક્ષણિકતાને કારણે તેમનું નામ ‘ડકારસિંઘ’ પાડ્યું હતું. જોકે, સ્વાભાવિક
કારણોસર અત્યંત મર્યાદિત વર્તુળ પૂરતું જ રહ્યું અને ઉપનામનો દરજ્જો હાંસલ કરી
શક્યું નહીં.
ઉપનામો
હજુ પડે છે, પરંતુ નામો જ ઉપનામ જેવાં થઈ ગયાં હોય—એટલે કે, તેમનો કશો અર્થ હોવો
જરૂરી ન ગણાય—ત્યારે ઉપનામનો મહિમા ઓસરતો જાય છે. ચિત્રવિચિત્ર નામ ધરાવનારને
નમ્રતાપૂર્વક, પોતાના અજ્ઞાનના થોડા અહેસાસ સાથે તેમના નામનો અર્થ પૂછીએ ત્યારે તે
પૂરા આત્મવિશ્વાસથી અને લગભગ વિજયી સ્મિતથી કહી શકે છે,‘આ નામ? એ તો પપ્પાએ પાડ્યું હતું. એમને બહુ
ગમતું હતું. એનો મીનીંગ કશો નથી, અમારી જનરેશનમાં હવે અમે મીનીંગની ને ગ્રામરની ને
એવી બધી પંચાતમાં પડતા નથી. પણ તમે જ કહો, નામ યુનિક છે કે નહીં?’
Monday, January 20, 2025
વાળ ઓળવા વિશે
જેમ કેટલાંક સરનામાં કેવળ સરનામાં નહીં, સત્તાકેન્દ્ર હોય છે, તેમ કેટલીક ક્રિયાઓ ફક્ત ક્રિયાઓ નહીં, પુખ્તતાસૂચક કસોટી હોય છે. પોતાના વાળ જાતે ઓળવા તે એવી જ એક ક્રિયા છે. અગાઉ બાળપણમાં મા કે મોટાં ભાઈબહેન વાળ ઓળી આપતાં હોય, ત્યારે બાળકને કોઈ પૂછે કે મોટો થઈને તું શું કરીશ? તો એકાદ વાર તે એવો જવાબ પણ આપી શકે, ‘જાતે મારા વાળ ઓળીશ.’
કેમ કે, માતાઓ, ખાસ કરીને જૂના સમયની માતાઓ બાળકના વાળ ઓળવાની ક્રિયાને ખાસી કષ્ટપ્રદ બનાવી શકતી હતી અને ભૂલેચૂકે જો બાળક કષ્ટની બૂમ પાડે તો જીવનમાં કષ્ટના મહિમા વિશે એક લઘુવાર્તા પણ પ્રસારિત કરી શકતી હતી. ઘણી માતાઓ બાળકના વાળ ઓળતાં પહેલાં તેના માથામાં તેલ નાખતી હતી. અલબત્ત, તેલનો જથ્થો ધ્યાનમાં રાખતાં, તે તેલ નાખવાને બદલે તેલ રેડતી હતી તેમ કહેવાનું વધારે ઠીક ગણાય.
બાળકનું માથું એક વાર તૈલી પદાર્થ બની ગયા પછી માના એક હાથની હથેળી સકંજો બની જતી અને બાળકનું મોં તે સકંજામાં ભીડીને બીજા હાથે તે વાળમાં કાંસકો ફેરવતી. એ રીતે વાળ ઓળાઈ ગયા પછી શરૂઆતમાં બાળકોને સમજાતું નહીં કે વાળ ઓળાવ્યા પછી માથાને બદલે ગાલ કેમ દુખે છે. કેટલાક છોકરાઓની અને સરેરાશ છોકરીઓની સ્થિતિ વધારે ખરાબ હતી. કારણ કે, તેમના મગજમાં વિચારોનો ગુંચવાડો હોય, એના કરતાં પણ વધારે ગુંચવાડો તેમના વાળમાં લટોનો રહેતો.
‘લટ ઉલઝી હૈ, સુલઝાદે મોરે બાલમા’ સુધી પહોંચવાને ઘણાં વર્ષોની વાર હોય, ત્યારે ગુંચવાયેલી લટોવાળું માથું આઝાદી પહેલાંના ભારતના નકશા જેવું બની જતું. રજવાડાં એટલી ગૂંચો અથવા તો જાણે, ગૂંચો એટલાં રજવાડાં. તેમાંથી કોઈ સીધી રીતે ઉકલી જાય ને કોઈ સાથે કાંસકા વડે પેચ લડાવવા પડે. હળવા ઉંહકારા તો ચાલતા રહે, પણ કોઈ લટ (કે રાજ્ય)માં એવું પણ થાય કે હળવા હાથે કામ ન ચાલે.
માતા કાંસકાના થોડા દાંતાથી, બાળકને આંચકો ન લાગે એવી રીતે ગુંચ ઉકેલવાની કોશિશ કરી જુએ, પણ તે સમયની માતાઓ પાસે ઝાઝો ટાઇમ ન હોય—બાળકો માટે તો ન જ હોય. એટલે પછી હૈદરાબાદ-જૂનાગઢની જેમ અમુક પ્રકારની ગૂંચો ઉકેલવા માટે કાંસકા વડે લશ્કરી બળ વાપરવાની ફરજ પડે. બળપ્રયોગ સાથે જ બાળકના મનમાંથી ઊંહકારો કે ભેંકડો નીકળી જાય. ત્યારે આશ્વાસન આપવાને બદલે માતા તરફથી ઠપકો મળે કે આવા કેવા વાળ કરી નાખ્યા છે? સરખી રીતે ઓળાતા જ નથી. ઘણી વાર સ્થિતિ એવી હોય કે વાળમાં ગૂંચ છે એમ કહેવાને બદલે, ગૂંચોમાં વાળ છે એવું જ કહેવું પડે. કઠણ લડાઈ માટે શસ્ત્રો સજતા યોદ્ધાની જેમ, માતાઓ કાંસકા-કાંસકી અને જરૂર પડ્યે કાતર જેવાં અસ્ત્ર ધારણ કરીને, અઘરી ગૂંચો ઉકેલવા મેદાને પડે ત્યારે બેક ગ્રાઉન્ડમાંથી શંખના આવાજ સંભળાવા જ બાકી રહે.
ગૂંચ એ વાળનો આંતરિક મામલો છે, પરંતુ માથામાં (એટલે કે વાળમાં) જૂ પડે ત્યારે આખો તખ્તો વિદેશી આક્રમણનો અને તેનાથી માથાની સ્વભૂમિને બચાવવાનો થઈ જતો હતો. તેના માટે કેવળ તેલ નાખવાથી કે વાળ ધોવાથી કામ ચાલતું નહીં. કેટલીક માતાઓ બપોર પડ્યે બાળકના માથાના જંગલમાં જૂઓના શિકારે ઉપડતી હતી અને કામ પૂરું થયા પછી, કેટલી જૂઓનો શિકાર કર્યો તેનો આંકડો ગૌરવભેર જાહેર કરતી હતી.
વાળની દેખભાળ અને તેમને લાડ કરવા માટે હવે શેમ્પૂ, હેર કન્ડિશનર અને બીજી કંઈક જાતની બોટલો ને ઉત્પાદનો વાળની સારસંભાળ માટે મળે છે અને તેમનો વપરાશ વરણાગીપણાનો ભાગ ગણાતો નથી. બાકી, વર્ષો સુધી વાળ ઓળવા એ સભ્યતાથી માંડીને સ્ટાઇલ સુધીનાં અર્થઘટનો આવરી લેતી ચેષ્ટા હતી. વાળ ઓળવાનું કામ પણ કેટલીક બાબતોમાં ન્યાય તોળવાની સમકક્ષ ગણી શકાય. તે થયું હોય એટલું પૂરતું નથી. તે થયું છે એવું સામેવાળાને લાગવું જોઈએ. એટલે કે, માણસે વાળ ઓળ્યા છે કે નહીં, તે એ પોતે નક્કી કરી શકે નહીં.
ઘરના અરીસા સામે પાંચ મિનિટ સુધી કાંસકા અને માથાનું યુગલગાન ચાલ્યું હોય, અથવા સમાજવાદી ઉપમા આપીને કહીએ તો, માથાના ખેતરમાં કાંસકાનું હળ ફર્યું હોય, તેમ છતાં સામે મળેલો માણસ એવું કહી શકે છે,‘ઉંઘમાંથી ઉઠીને આવ્યા કે શું? વાળ પણ ઓળ્યા વિના દોડ્યા છો.’ અથવા ‘વાળને શું થયું? માથામાં કૂતરાં સામસામાં લડ્યાં હોય એવા વાળ થઈ ગયા છે.’ તેમની સરખામણીમાં કેટલાક લોકો માથાની અંદર નહીં, માથાની બહાર-ઉપર પણ લોકશાહીમાં શ્રદ્ધા ધરાવે છે અને તેના પરિણામે આવી પડતી અરાજકતાને લોકશાહી પ્રક્રિયાનું અનિવાર્ય પરિણામ ગણે છે.
વ્યવસ્થિતતાનો આગ્રહ તો સમજાય, પણ ટાપટીપના પ્રેમીઓનું કામકાજ ચેઇન સ્મોકર જેવું. વીર સાંકળેશ્વર સીગરેટવાળા (ચેઇન સ્મોકર) એક કંડિકા પૂરી થઈ નથી કે બીજી સળગાવે. એવી રીતે, કેટલાક લોકો વાળ ઓળ્યા પછી પણ વાળ ઓળે ને વાળ ઓળતાં પહેલાં તો વાળ ઓળેલા જ હોય. તેમના મનમાં સતત એવો સરમુખત્યારી અજંપો રહ્યા કરે કે વાળને સહેજ પણ છૂટ આપીશું તો તે સામો વિદ્રોહ કરશે. તેમને કતારબદ્ધ અને ‘સાવધાન’ મુદ્રામાં રાખેલા જ સારા.
પરંતુ કેટલાકને, સરમુખત્યારોની જેમ જ, સમજાય છે કે બધા વાળને બધો સમય કચડીદબાવીને રાખી શકાતા નથી. એમ કરવા જતાં સરવાળે ટાલ પડી શકે છે. હા, તેનો એટલો ફાયદો ખરો કે વાળના વિદ્રોહની બીક ટળી જાય છે.