Tuesday, September 23, 2025
પ્રાણીઆલમના પ્રતિભાવ
ગયા સપ્તાહે વડાપ્રધાનની 75મી વર્ષગાંઠની ઉજવણી કરવામાં આવી. ફિલ્મ-વેપારઉદ્યોગ અને રમતગમતથી માંડીને ઘણાં ક્ષેત્રોના લોકોએ સાચી, ખોટી, ભયપ્રેરિત, લાલચપ્રેરિત, કૃપાવાંચ્છુ, (હૃદયસ્પર્શીની જેમ) ચરણસ્પર્શી...એમ અનેક રંગઝાંયવાળી શુભેચ્છા વડાપ્રધાનને પાઠવી-- અથવા ઘણાએ, કેટલાકના મતે, આઇટી સેલ તરફથી મોકલાયેલી રેડીમેડ શુભેચ્છા પોતાના સોશિયલ મિડીયા અકાઉન્ટ પર શેર કરી.
શુભેચ્છા આપવામાં ‘વનતારા’નાં પ્રાણીઓનો પણ સમાવેશ થતો હતો—એવી
સ્ટોરી હજુ સુધી કોઈએ કરી ન હોય, તો તેનો અર્થ એટલો જ થયો કે રિપોર્ટરો આળસુ થઈ ગયા
છે અને તેમનું કામ, આ બાબતમાં પણ, સરખી રીતે કરતા નથી. અનંત અંબાણીએ ઊભું કરેલું પ્રાણી
સંગ્રહાલય કમ સારવાર કમ પુનર્વસન કમ...કમ...કમ...કેન્દ્ર ‘વનતારા’ સામાન્ય માણસની પહોંચની
બહાર હોય અને તે કેન્દ્રની તો ઠીક, તેનાં પ્રાણીઓની વાત કરતી વખતે પણ કેસ થઈ જવાની
બીક લાગે, એવો શાનદાર હુકમ અદાલતે જારી કરી દીધો હોય, ત્યારે ‘વનતારા’નાં પ્રાણીઓને
મળવાનો મોહ જતો કરવો પડ્યો. તેને બદલે બીજાં કેટલાંક પ્રાણીઓની લાગણી જાણવાનો વિચાર
કર્યો.
પછી સવાલ આવ્યો ભાષાનો. તે માટે આંખ મીંચીને ધ્યાન ધરવાનો પ્રયાસ
કરતાં, મનના આકાશમાં આકાશવાણી થઈ. પહેલાં તો લાગ્યું કે ક્યાંક આકાશવાણીમાં પણ વડાપ્રધાનને
શુભેચ્છા ન સંભળાય. પછી યાદ આવ્યું કે આ ‘પ્રસારભારતી’વાળી સરકારી આકાશવાણી નથી. એટલે
તેને એવી જરૂર નહીં પડે.
પછીનો ટૂંકસાર એટલો કે કામચલાઉ ધોરણે પશુપક્ષીઓની બોલી સમજવાનો
મેળ પડી ગયો અને શરૂ થઈ મુલાકાતો.
આપણે ત્યાં ઘરની બહાર નીકળ્યા પછી, જેને મળવા માટે નહીં, પણ
ન મળવા માટે પ્રયત્ન કરવો પડે એવું પ્રાણી એટલે ગાય. સામે જ એક ગાય દેખાઈ એટલે સંવાદ શરૂ થઈ ગયો.
લેખકઃ હાય ગાય.
ગાયઃ હું તો, ગાય્ઝવાળી નહીં, ખરેખર ગુજરાતીવાળી ગાય
છું, પણ વાંધો નહીં. બોલો...
લેખકઃ તમને ખબર છે કે 75મી...
ગાયઃ તમે પણ વર્ષગાંઠની વાત કરવા આવ્યા છો? અરેરે...જન્મદિનની
શુભેચ્છાવાળાં છાપાંનાં પાનાં હજુ સુધી પચ્યાં નથી. સખ્ખત ઓવરઇટિંગ થઈ ગયું. પેડમાં
ગુડગુડ બોલે છે. કેટલાં બધાં પાનાં હતાં.
લેખકઃ એ તો ઠીક છે, પણ બીજું કંઈ?
ગાયઃ હા, મને અખબારોની બહુ ચિંતા થાય છે.
લેખકઃ એ તો જોઈ-વિચારી શકતા દરેક જણને થાય છે.
ગાયઃ એમ નહીં, પણ ડિજિટલ મિડીયાને કારણે અખબારો સાવ બંધ
જ થઈ જશે, તો અમારું શું થશે? (નીચે પડેલો છાપાનો ટુકડો બતાવીને, એકદમ ટોલ્સ્ટોય-અંદાજમાં)
ત્યારે ચાવીશું શું?
ગાયને ચિંતા કરતી મુકીને આગળ જતાં સામેથી ભૂંડ આવતું દેખાયું.
તેને કશું પૂછું તે પહેલાં જ તે મારી તરફ ધસ્યું અને પડકાર કર્યો, ‘ખબરદાર, 75 વર્ષ
વિશે એક શબ્દ પણ બોલતાં પહેલાં મારી સાથે ચર્ચા કરવી પડશે ને તેમાં મને હરાવવો પડશે.’
તેને કહેવું પડ્યું કે મને સોશિયલ મિડીયા પર અગાઉનો બહોળો અનુભવ
છે. એટલે હવે તેમાં પડવા માગતો નથી.
‘એમ કહો ને કે તમે મારી સામે હાર કબૂલો છો અને હું જે મહિમાગાન
કરું છું એવું સ્વીકારો છો.’ અને જવાબ સાંભળવાની તસ્દી લીધા વિના, વિજયી ઉત્સાહ સાથે
તે ભૂંડોની એક ટોળીમાં ભળી ગયું.
થોડે આગળ જતાં એક ઊંટનો ભેટો થયો. મને જોઈને તે ઊભું રહ્યું.
ઊંટ (ગુસપુસ અવાજે) : તમને ખબર છે, 75મી વર્ષગાંઠની
ભવ્ય ઉજવણીને ઉતારી પાડવા માટે લોકો કેવાં કેવાં જૂઠાણાં ફેલાવે છે, કેવા ખોટેખોટા
દાવા કરે છે કે સેલિબ્રિટીઓએ લખેલી વાતો ખરેખર તેમણે લખી જ નથી. ઉપરથી તૈયાર થઈને આવેલી
કથાઓ પરથી પોતાનું નામ કાઢી નાખીને બાકીનો ભાગ તેમણે સોશિયલ મિડીયા પર ચોંટાડી દીધો.
બોલ, આ ટીકાખોરો કેટલા હળાહળ જૂઠા છે. કોઈને નીચા પાડવા માટે આટલું બધું જૂઠું ને બેફામ
બોલાય? આપણા ભારતીય સંસ્કારો આવું શીખવાડે છે?
લેખકઃ આ તો અવળું થયું. મારે તમને સવાલ પૂછવાનો હતો એને
બદલે તમે મને પૂછી રહ્યા છો. પણ તમે તમારા પૂર્વજ વિશેની પેલી કવિતા તો સાંભળી જ હશે
ને...અન્યનું તો એક વાકું...
ઊંટ (ઉત્સાહથી સૂર પુરાવતાં) : અન્યનું તો એક વાંકું,
આપનાં છપ્પન છે...
લેખકઃ અઢાર નહીં?
ઊંટઃ એ આંકડો જૂનો થયો. આ નવો આંકડો છે.
આવું બધું સાભળીને હું ગુંચવાતો હતો, ત્યાં સામેથી શાણી બકરી
આવી.
લેખકઃ હેલો બકરીબેન, તમને તો ખબર હશે 75મી...
બકરીઃ (સવાલ પૂરો થવા દીધા વિના): તમારું ગુજરાતી બહુ
કાચું લાગે છે. બાકી, તમે મને ઓળખી કાઢી હોત. હું પેલી નવલરામની બકરી છું, જેને બેટડો
પરણાવવાનો બહુ હરખ હતો ને હોંશે હોંશે જાન કાઢી હતી.
લેખકઃ હા, હા, એમાં છેલ્લે એવું કંઈ આવતું હતું ખરું
કે 'ભેંસ, ભુંડણ ને ઊંટડી, ઘેટી, ઘોડી, ગધેડી/ ગાય, બિલાડી, ઊંદરડી ને એક કૂતરીયે તેડી/
વાંદરીઓ નથી વીસર્યાં; દસ-વીસ આ કૂદે/ માથે સામટાં થઈ સૌ, સાત સૂરને છૂંદે.’
બકરીઃ બિલકુલ બરાબર. આટલી ખબર છે તો એ પણ ખબર હશે કે
નવલરામે કંઈ તે ખરેખર મારા બેટડાની જાન માટે થોડું લખ્યું હતું? એ તો અનેક પ્રસંગે
લાગુ પાડી શકાય.
નવલરામે 'ધન ધન બકરી! ન કોઈની, જાન તારા તો જેવી!’ કહ્યું હતું.
મારે બકરીને કઈ જાન વિશે 'ધન ધન' કહેવાનું, તેનો જવાબ આપ્યા વિના બકરીએ ચાલતી પકડી.
No comments:
Post a Comment