Friday, October 10, 2025
હોર્ડિંગબાજી અને મસ્કાબાજી
રાજકારણીઓના હોર્ડિંગનો ત્રાસ છેલ્લા ઘણા સમયથી બહુ વધી ગયો છે. હમણાં જગદીશ પંચાલ (વિશ્વકર્મા) નામના એક મંત્રીને ભાજપના પ્રદેશપ્રમુખ બનાવવામાં આવ્યા, ત્યાર પછી તેમને અભિનંદન આપતાં હોર્ડિંગોનું ઘોડાપૂર આવ્યું છે.
બે દાયકા પહેલાં હોર્ડિંગ અને મોટાં કટ આઉટનું ચલણ દક્ષિણ ભારતના રાજકારણમાં ઘણું હતું. તેનું એક કારણ એ હતું કે ત્યાંના ઘણા નેતા (MGR, NTR, જયલલિતા, કરુણાનિધિ) ફિલ્મલાઇનમાંથી આવતા હતા. નરેન્દ્ર મોદી મુખ્ય પ્રધાન બન્યા, એટલે તેમણે પર્સનાલિટી કલ્ટ--પોતાનો સંપ્રદાય ઊભો કરવાના આક્રમક પ્રયાસ તરીકે, હોર્ડિંગબાજીનો (પણ) સહારો લીધો. મોદી મુખ્ય મંત્રી બન્યા તેનાં થોડાં વર્ષ પછી, મૂળ અમદાવાદની પણ દક્ષિણ ભારતમાં કામ કરતી એક મિત્ર મળવા આવી હતી. તેને રાજકારણ સાથે ખાસકંઈ લેવાદેવા નહીં, પણ તેણે પૂછ્યું હતું કે 'આપણે ત્યાં સાઉથ જેવું ક્યારથી થઈ ગયું? જ્યાં ને ત્યાં ચાર રસ્તે નરેન્દ્ર મોદીનાં જ હોર્ડિંગ લાગ્યાં છે...'
હવે લોકો જગદીશભાઈ પંચાલને મસકાબાજી કરવા માટે તેમનાં અઢળક હોર્ડિંગ લગાડી રહ્યા છે. ત્યારે નાગરિક તરીકે ખાસ બે સૂચન છેઃ
1. દરેક હોર્ડિંગ પર તેના ભાડાનો આંકડો એક ખૂણે, મોટા અક્ષરે જાહેર કરવામાં આવે.
2. તે ભાડું ચૂકવાયું હોય તો તે કોણે અને કયા ખાતામાંથી ચૂકવ્યું છે, તે પણ હોર્ડિંગ પર જ જાહેર કરવામાં આવે, જેથી પ્રજાને ખબર પડે કે આ જયજયકાર કેવી રીતે થઈ રહ્યો છે.
આ સિવાય બીજી બે આડવાતઃ
1. જગદીશભાઈનું નામ હજુ ગુજરાત સરકારના GAD વિભાગની વેબસાઇટ પર રાજ્યકક્ષાના મંત્રીમંડળની યાદીમાં 'જગદીશ પંચાલ' તરીકે જ બોલે છે. (જુઓ સ્ક્રીન શોટ). તો પછી મહામંત્રી બન્યા પછી તેમનું નામ જગદીશ વિશ્વકર્મા શી રીતે થઈ ગયું? તેનો જગદીશભાઈ કે પક્ષ તરફથી કોઈ ખુલાસો થયો હોય તો તે જોવામાં આવ્યો નથી. માટે, જો હોય તો અહીં લિન્ક આપવા વિનંતી.
એક મિત્રે આપેલું તાર્કિક કારણ એવું છે કે 'વિશ્વકર્મા' અટક લખાવવાથી જ્ઞાતિનાં સમીકરણોમાં પંચાલ ઉપરાંતના બીજા સમુદાયો પણ આવરી શકાય છે. કારણ જે હોય તે, પણ તે જગદીશભાઈએ કે તેમને રાજ્યકક્ષાના મંત્રીપદેથી ઉપાડીને પ્રદેશપ્રમુખપદે બેસાડી દેનારાએ જાહેર કરવું જોઈએ.
2. જગદીશ વિશ્વકર્માનો ગુજરાતીમાં આદરયુક્ત ઉલ્લેખ કરવો હોય તો શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા કહેવું પૂરતું છે, પણ રાજકારણમાં ચમચાગીરીની બોલબાલા હોય છે. એટલે કેટલાં બધાં હોર્ડિંગમાં તેમનો ઉલ્લેખ 'જગદીશભાઈ વિશ્વકર્માજી' તરીકે કરવામાં આવે છે.
હવે કલ્પના કરો, જગદીશભાઈ કાલે ઉઠીને 'વિશ્વકર્મા'ને બદલે 'સોનેજી' અટક અપનાવે, તો હોર્ડિંગમાં તેમની ચમચાગીરી માટે શું લખવાનું? જગદીશભાઈ સોનેજીજી?
ટૂંકમાં, હે નેતાઓ, મસ્કા મારવામાં ને અભિનંદન આપવામાં પાછળ ન રહી જવાય કે મોળા ન દેખાઈ જવાય તેની હડી કાઢવામાં થોડું, સાદું ભાષાકીય વિવેકભાન તો રાખો.
--અને પેલું, હોર્ડિંગનો ખર્ચ જાહેર કરવાનું ભૂલતા નહીં.
Labels:
gujarat politics
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment