Sunday, June 09, 2024

ચૂંટણી 2024, ઇવીએમ અને ચૂંટણી પંચ

ચૂંટણીનાં પરિણામો દુઃખી ભક્તો કહે છે, ઇવીએમ વિશે વાત કરો. ભક્તોનો તો સાવ ગયેલો કેસ હોય છે. તેમને તથ્યો સાથે કે હકીકત સાથે કશી લેવાદેવા નથી હોતી. એટલે, તેમને કશું કહેવાની જરૂર નથી.

બીજું, ઇવીએમ હેક થઈ શકે એ વાતમાં મને કદી વિશ્વાસ પડ્યો નથી. ભૂતકાળમાં એકથી વધારે વાર એ વિશે ચોખ્ખા શબ્દોમાં લખી ચૂક્યો છું. ઘણા વાંચનારને તે યાદ પણ હશે. મોદીના બીજા ટીકાકારો ઇવીએમની વાત લાવે, ત્યારે તેમની સાથે પણ અસંમતિ જ રહી છે. કારણ કે ઇવીએમ હેક કરવા માટે, તેના એકેએક યુનિટમાં રહેલી ચીપ હેક કરવી પડે. તે ચીપ પ્રી-પ્રોગ્રામ કરીને અંદર મુકી શકાય, પણ એકએક ઇવીએમમાં તે કરવું અશક્યની હદે અઘરું છે.

હા, આખેઆખાં ઇવીએમની હેરફેર થઈ શકે. સ્થાનિક વહીવટી તંત્ર ખિસ્સામાં હોય ત્યારે તો ખાસ. અલબત્ત, એ સહેલું જરાય નથી. છતાં, એકથી વધારે વાર વાહનોમાં રેઢો પડેલો ઇવીએમનો જથ્થો શંકા ઉપજાવનારો હતો. અને તેના કદી સંતોષકારક ખુલાસા મળ્યા નથી તે હકીકત છે.

પરંતુ આ વખતે કરવા જેવી વાત ઇવીએમ અને આખી ચૂંટણીનો વહીવટ કરતા ચૂંટણી પંચની છે. આ વખતે આખેઆખું ચૂંટણી પંચ હેક થઈ ગયું હતું. ભક્તોને તો તે ન દેખાય, બલ્કે તેમને તો હેક થયેલું ચૂંટણી પંચ જ સારું લાગે, પણ પરિણામ પછી અત્યારે તેની વાત ખાસ કરવા જેવી છે.

ગયા વર્ષ સુધી ચૂંટણી કમિશનરોની નિમણૂંક સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ, વડાપ્રધાન અને વિપક્ષના નેતા—એમ ત્રણ જણની સમિતિ કરતી હતી. તેમાં સંતુલન જળવાયેલું હતું, પણ બધી સત્તા પોતાની પાસે લઈ લેવા હરાયા થયેલા મોદીએ ગયા વર્ષે કાયદામાં ફેરફાર કરીને સમિતિમાંથી સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશને કાઢી નાખ્યા. તેમની જગ્યાએ કેન્દ્રીય મંત્રીને મુકી દીધા. એટલે સરકાર ઇચ્છે તે જ અધિકારી ચૂંટણી કમિશનર બની શકે.

આ વર્ષે માર્ચમાં એક ચૂંટણી કમિશનરે વહેલી નિવૃત્તિ લઈ લીધી. એ માટે તેમણે અંગત કારણો આગળ કર્યાં હતાં, પણ ત્યાર પછી ચૂંટણી કમિશનરોનું જે સરકારતરફી વલણ રહ્યું તે જોતાં એવું ધારી શકાય કે પેલા કમિશનરને એ બધું પોતાનાથી નહીં થાય એવું લાગ્યું હશે. એ ધારણા છે, પણ સાવ નિરાધાર નથી.

પછી ચૂંટણી જાહેર કરવામાં આવી ત્યારે એવી રીતે સાત તબક્કામાં તેને વહેંચવામાં આવી કે જેથી વડાપ્રધાન બધે પ્રચાર પર પૂરતું ધ્યાન આપી શકે—તેમને પૂરતો સમય મળે અને મહત્ત્વનાં રાજ્યોમાં એક સાથે, એક સમયે ચૂંટણી ન હોય.

ચૂંટણીનું સમયપત્રક તો સૌથી નાનામાં નાનું, ઓછામાં ઓછું અને ક્ષમ્ય ગણાય એવું કારસ્તાન હતું. ત્યાર પછી ચૂંટણી પંચે જે રીતે ચૂંટણીની આચારસંહિતાનો મોદી એન્ડ કંપની દ્વારા મોટા પાયે ભંગ ચૂપચાપ થવા દીધો તે અક્ષમ્ય હતું. નૈતિકતા-ફૈતિકતા છોડો, સાદા કાયદાની-આઇપીસીની દૃષ્ટિએ પણ ઘણી બાબતો ગુનો બને તેમ હતી.

મોદી તેમનાં ભાષણોમાં હડહડતાં જૂઠાણાં ફેલાવતા હતા. ઉદાહરણ તરીકે, કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરામાં ક્યાંય લખ્યું ન હોય એવું તેમનાં ભાષણોમાં પ્રચારતા હતા. દેશનો વડોપ્રધાન કહે કે કોંગ્રેસના ઢંઢેરામાં આવું લખ્યું છે—અને એ સાવ જૂઠાણું હોય, તો તેની ગંભીરતા કેટલી કહેવાય? પણ ચૂંટણી પંચે કશાં પગલાં ન લીધાં.

મોદી તેમનાં ભાષણોમાં આ દેશના નાગરિક એવા મુસલમાનો વિરુદ્ધ બેફામ બોલતા હતા અને લોકોને ઉશ્કેરતા હતા. આઇપીસીની કલમો પ્રમાણે એ ગુનો થાય, પણ મોદીરાજમાં એ વાત એટલી સામાન્ય થઈ ચૂકી હતી કે ચૂંટણી પંચે પણ તે ચાલવા દીધી.

એ સિવાય સડકછાપ ભાષણો માટે તો મોદી જાણીતા છે જ. તેમાં પણ આ વખતે બધી હદો વટાવી. તેમ છતાં, બહાદુરીના દાવા કરીને મોદીની ભક્તિ કરી લેતા લોકોએ આ બધી બાબતોને એ તો રાજકારણ હોય. તેમાં આવું બધું જ હોય. એ તો આવું જ ચાલે—એમ કહીને આ બાબતોને છાવરવાનો પ્રયત્ન કર્યો અને હજુ આજે પણ કરે છે.

અગાઉ કોઈ વડાપ્રધાન બંધારણીય હોદ્દે રહીને આટલા લાંબા સમય સુધી (ચૂંટણી પ્રચાર દરમિયાન) આટલી મોટી માત્રામાં, આટલું બેફામ કે આટલું જૂઠું બોલ્યા નથી. પણ પ્રગટ ભક્તો કે સલુકાઈથી સરકારવિરોધી તરીકેની છાપ ઉભી કર્યા પછી મોદીની ભક્તિ કરી લેનારાઓ—તે બધાને તેમાં કશું ખોટું ન લાગ્યું. એ તો ઠીક, પણ ચૂંટણી પંચે પણ મોદીના બેફામ, બેકાબૂ વિષવમનને નજરઅંદાજ કર્યું.

સામાન્ય રીતે ચૂંટણીપ્રચારમાં કોઈ ઉમેદવાર હદ વટાવે તો ચૂંટણી પંચ તેને વ્યક્તિગત નોટીસ આપે. મોદીએ અનેક વાર હદ વટાવી. તેમાંથી એક વાર પગલાં લેવાનું દબાણ ઊભું થયું, ત્યારે ચૂંટણી પંચે શું કર્યું? તેણે નોટીસ તો આપી, પણ મોદીને નહીં, ભાજપના પક્ષપ્રમુખને—અને સાથે કોંગ્રેસના પક્ષપ્રમુખને પણ આપી દીધી. અને કહ્યું કે તમારા સ્ટાર પ્રચારકોને કહો, બોલવામાં ધ્યાન રાખે. બસ, પગલાં લેવાઈ ગયાં.

આટલું ઓછું હોય તેમ, ચૂંટણી પંચે સર્વોચ્ચ અદાલતમાં મતગણતરીનો ડેટા જાહેર કરવામાં અખાડા કર્યા. પહેલા બે કે ત્રણ તબક્કામાં જાહેર કરેલી ટકાવારીમાં પાંચ ટકાનો વધારો કેવી રીતે થયો, તેનો ચૂંટણી પંચે કર્યો નહીં. તેમાં કશો ગોટાળો ન હોય ને ગણતરીની ભૂલ હોય તો પણ જવાબ આપવાની ચૂંટણી પંચની ફરજ છે. તેને બદલે ચૂંટણી પંચે પણ મોદીની માફક અકડાઈભર્યું વલણ લીધું. છેવટે સર્વોચ્ચ અદાલતે દરમિયાન થવું પડ્યું.

ચૂંટણી પંચના આવા વલણને કારણે, મતગણતરી વિશ્વસનિય રીતે થશે કે નહીં, તેની વાજબી શંકા ઊભી થઈ. ચૂંટણી પંચે તબક્કા પૂરા થતા જાય તેમ મતદાનના આંકડા આપવાનું રાખ્યું હોત તો આટલી શંકા ન પડત. પણ એક વાર વિશ્વસનિયતા ગઈ એટલે પૂનમ અગ્રવાલ નામનાં એક પત્રકારે અને ત્યાર પછી બીજા ઘણા લોકોએ ફોર્મ 17 (સી)નો મુદ્દો ઊભો કર્યો. મતદાનના દિવસે સાંજે કુલ મત અને પડેલા મતની વિગતો ઇવીએમના નંબર સાથે પોલિંગ એજન્ટોને આપવાની હોય છે. તે વિગતોનો જાહેર થયેલાં પરિણામોના આંકડા સાથે તાળો બેસાડીને ગરબડ થઈ હોય તો જાણી શકાય. એટલે, ઘણા લોકોએ ફોર્મ  17 (સી) ભેગાં કર્યાં. પરંતુ તેમાં કોઈ ગરબડ થયાની ફરિયાદ નથી મળી. એટલે 17 (સી)ની જરૂર ન પડી. પણ ચૂંટણી પંચે ડેટા આપવાનો ઇન્કાર કરીને સામે ચાલીને પોતાની વિશ્વસનિયતા પર કુહાડો માર્યો હતો.

આમ, આ ચૂંટણીમાં મોદીના અહંકારથી પહેલાં ચૂંટણી પંચની વિશ્વસનિયતા ગઈ છે. તે પાછી લાવવા માટે સૌથી પહેલાં ચૂંટણી કમિશનરોની નિમણૂકનો કાયદો પહેલાં જેવો કરવો જોઈએ. તેનાથી કમ સે કમ ઇરાદાની યોગ્યતા વિશે તો ખ્યાલ આવશે.

બાકી, મોદી આમ તો મહાન છે અને નાનીમોટી તકલીફ તો દરેક નેતામાં હોય—એવા જુદા પ્રકારના ભક્ત-આખ્યાનોથી બચજો. મોદીનો અહંકાર, સ્વમોહ અને સત્તાનું ભયંકર કેન્દ્રીકરણ કરવાની તેમની લાલસા તેમને બીજા ખરાબ નેતાઓ કરતાં અનેક ગણા વધારે ખતરનાક બનાવે છે—દેશ માટે અને સમાજ માટે. દેશની બંધારણીય સંસ્થાઓ અને સામાજિક પોતથી માંડીને મિડીયાની તેમણે જે દુર્દશા કરી છે, એ જોઈને પણ તમને સમજાતું ન હોય, તો હજુ તમારે કેટલા પુરાવા જોઈએ? ના, તેનો અર્થ તો એવો છે કે તમને ગમે તેટલા પુરાવા કે હકીકતોથી કશો ફરક નથી પડતો. કારણ કે, તમારા માટે તો તમારો સ્વાર્થ અથવા તમારી ભક્તિ જ સર્વસ્વ છે.

Saturday, June 08, 2024

થોડું પરિણામોથી હટીને, થોડું અંગત...

ચૂંટણી પહેલાં, દરમિયાન કે પછી, તેનાં ચર્ચા-વિગતો-આંકડા-વિશ્લેષણો-સર્વેક્ષણોમાં વર્ષો પહેલાં, દૂરદર્શનના જમાનામાં રસ પડતો હતો. પક્ષીય રાજકારણમાં એક હદથી વધારે રસ કદી પડ્યો નહીં. કોઈ રાજકીય નેતાની હારથી પહેલવહેલી વાર આનંદ આવ્યો હોય તો તે વી.પી.સિંઘ સામે રાજીવ ગાંધીની હારથી. કારણ કે વી.પી. તે વખતે લડવૈયા લાગતા હતા--અન્ડરડોગ અને રાજીવ સત્તાધીશ. તે વખતની ચૂંટણીજાહેરાતો અને કાર્ટૂનનાં કટિગ હજુ સચવાયેલાં છે.

ત્યાર પછી રાજકારણમાં રસ ફક્ત સામાન્ય જ્ઞાન પૂરતો રહ્યો. 1992માં બાબરી મસ્જિદ તૂટી કે ત્યાર પછી રમખાણો થતાં, ત્યારે પણ પક્ષીય રાજકારણ કદી અડ્યું નહીં. રાજકારણમાં કઈ હદે રસ ન હતો, તેનું એક ઉદાહરણઃ પત્રકારત્વમાં આવ્યા પછી મારી પહેલી સ્ટોરી 'અભિયાન'ના જે અંકમાં છપાઈ, તે જ અંકમાં પ્રિય મિત્ર અનિલ દેવપુરકરની શંકરસિંહના બળવા વિશેની સનસનીખેજ સ્ટોરી છપાઈ હતી. પણ તે મારા મનમાં રજિસ્ટર જ ન થઈ. વિધાનસભામાં સ્પીકર ચંદુ ડાભીએ કળા કરી, ત્યારે મને તો અમારા તંત્રી વિનોદ પંડ્યાએ શોધીને રમેશ પારેખની કવિતા 'ચંદુડાયણ' છાપી, એ જ યાદ રહ્યું હતું. શંકરસિંહે નવો પક્ષ સ્થાપ્યો તેના રિપોર્ટિંગ માટે પ્રશાંત દયાળની સાથે હું પણ ગયો હતો અને આખા કાર્યક્રમનો માહોલ વર્ણવતો રિપોર્ટ પણ મેં લખ્યો હતો. છતાં, તે દિશામાં કદી રસ પડ્યો નહીં. હા, પહેલેથી મૂળભૂત વલણ સત્તા-એસ્ટાબ્લિશમેન્ટથી વિરોધી ખરું.
ધીમે ધીમે એવી માન્યતા દૃઢ થતી ગઈ કે 'સહિતો' (Haves) પાસે-પામતાપહોંચતા લોકો પાસે તો તેમની આખી સિસ્ટમ હોય, આપણે આપણી તાકાત પ્રમાણે 'રહિતો' (Have nots) સાથે--તેમની ન્યાયી લડાઈઓના સમર્થનમાં, માથે ભાર રાખ્યા વિના, જ્યારે જ્યાં જેટલું શક્ય હોય તેટલું રહેવાનું હોય.
*
રાજકીય ફાયદા માટે રાજકારણની ઝાળ પહેલી વાર 2002માં અડી. ભાજપનો કોમવાદ ખટકતો હતો, પણ મારા ગામમાં તેનું બહુ ચલણ ન હતું. તે 2002માં પહેલી વાર જોવા મળ્યું અને પછી તો મારા ગામ જેવાં ગુજરાતનાં અનેક ગામમાં તેને મોટા પાયે, પદ્ધતિસર વકરાવવામાં આવ્યું.
ભાજપના કોમવાદની સાથે નરેન્દ્ર મોદીનો હદ બહારનો અહંકાર જોઈને થયું કે બધા પક્ષો ખરાબ, પણ ભાજપ અને મોદીનું સંયોજન લોકો માટે, રાજ્ય માટે, દેશ માટે સૌથી ખતરનાક છે. રેકોર્ડ ખાતર નોંધવું જોઈએ કે આજ સુધી માંડ બે કે ત્રણ વાર કોંગ્રેસવાળાએ પણ મને બોલવા માટે બોલાવ્યો હતો. તેમને કદાચ એમ હશે કે હું નરેન્દ્ર મોદીને ધોઈ નાખીને તેમને મઝા કરાવી દઈશ. પણ ત્યારે તેમને મેં પૂછ્યું હતું કે મોદી તો જે છે તે છે અને એ વિશેના મારા અભિપ્રાયો જાહેર છે, પણ મારે તમને પૂછવાનું છે કે 2002 અને પછીના ગાળામાં તમે શું કર્યું? મને હંમેશાં એવો અંદેશો (હંચ) રહ્યો છે કે કેટલાક કોંગ્રેસી નેતાઓ સાથે મોદીએ ગોઠવી લીધું, તેને કારણે મોદી કાયદાની પકડથી બચી શક્યા, જ્યારે અમિત શાહને થોડો વખત સાબરમતી જેલ સેવવાની આવી. આ અંદેશો છે ને તેના કોઈ પુરાવા નથી, એ ખરું.
2002થી શરૂ થયેલી કોમવાદ અને અહંકારના સંયોજનની યાત્રા ઉપર વિકાસના વાઘા પહેરાવાય કે અસ્મિતાના, મને મારી સીધીસાદી સમજથી સ્પષ્ટ દેખાતું હતું કે આ માણસ ગુજરાતના બહુમતી લોકોને મૂરખ બનાવી રહ્યો છે. મૂરખ બનનારો પણ મોટો સમુદાય હતો. તેમાંથી જે સ્વાર્થ ખાતર મૂરખ બનતા હતા, તેમના માટે મારા મનમાં આશ્ચર્ય કે સવાલ ન હતા. ખરો ખેદ જેમને હું મારા જેવા-આપણા જેવા લોકો ગણતો હતો, તેવાએ જાણેઅજાણે મોદીના ડાબલા પહેરી લીધા તેનો થયો.
ડાબલા પહેરવાના કારણમાં કોંગ્રેસ પ્રત્યેના વાજબી અભાવથી માંડીને ડાબેરીઓની આત્યંતિકતા પ્રત્યેના વાજબી અભાવ જેવાં ઘણાં કારણ હશે, પણ છેવટે એ બધા હરીફરીને મોદીના ખોળામાં જ લાંગર્યા, ઠર્યા અને મોદીની ખરાબમાં ખરાબ ચેષ્ટાઓના અને પગલાંના કંઠીબંધા બચાવકર્તા બની રહ્યા. પછી તો મોદી સાથે તેમણે જાતને એવી એકરૂપ કરી દીધી કે મોદીની ટીકાને તે પોતાનું અપમાન સમજવા લાગ્યા. મોદીનાં બચાવને તેમણે વધુ ને વધુ માત્રામાં પોતાની આબરૂ સાથે સાંકળી લીધો અને તેમાં-એટલી બાબત પૂરતા, ભક્તિપ્રેરિત દુર્બુદ્ધિના તમામ રેકોર્ડ તોડી નાખ્યા.
રાહુલ ગાંધી મહાન નેતા નથી. પણ તેમનાં પ્રવચનોની દુષ્ટતાપૂર્વક એડિટ કરેલી વિડીયો મોટા પાયે બતાવી બતાવીને તેમને ડફોળ સાબીત કરી દેવામાં આવ્યા. હજુ પણ કેટલાક લોકો માને છે કે રાહુલ ગાંધીએ બટાટા છીણો ને સોનું નીકળે એવું કહ્યું હતું. પરંતુ દેશના વડા તરીકે, વાદળો હોવાથી રડારમાં વિમાન નહીં પકડાય, એવી વાત હોંશિયારી મારવા કરનાર કેવડો મોટો ને દેશ માટે કેટલો નુકસાનકારક ડફોળ કહેવાય તે આ ભકતોને નહીં દેખાય. ભક્તોની દરેક દલીલના તાર્કિક જવાબ હોય છે, પણ તેમને તર્ક સાથે કશી લેવાદેવા હોતી નથી. ઘણાને તો જે લખ્યું છે તે વાંચવા-સમજવા જેટલી પણ પરવા હોતી નથી. ભક્તિનું ભૂત જ માથે સવાર હોય છે. એટલે, ઘણા સમયથી ભક્તોને જવાબ આપવાનું બંધ કર્યુ છે.
*
2002થી 2024 સુધી મોદી વિશેનું મૂલ્યાંકન બદલાય એવું કશું તેમણે કર્યું નથી. ભપકાબાજી, રેકોર્ડબ્રેક સ્વમોહ, આસમાનને આંબતો અહંકાર, સડકછાપ ભાષણો, નક્કર મુદ્દા વિશેની સમજ કે સમજવાની ઇચ્છાનો અભાવ અને કોઈનું નહીં સાંભળવાની જિદ-- આ બધાને કારણે નરેન્દ્ર મોદી જે કંઈ કરે તે સમજવું મારા માટે બહુ સહેલું બની જતું. તે સ્ટેચ્યુ ઓફ યુનિટી કરે કે નોટબંધી, સૌથી પહેલાં તેમાં પોતાની જાતનો જયજયકાર હોય-ઇતિહાસપુરુષ બનવાની ખદબદતી, અફાટ લાલસા હોય. બીજું બધું પછી.
સત્તાધીશ તરીકેની પ્રાથમિક ફરજોમાં પણ હદ બહારની બેશરમથી જશ લૂંટવાનું મોડેલ મોદી મોડેલનો એક હિસ્સો છે. શિક્ષકોને અપોઇન્ટમેન્ટના કાગળ પહેલાં ટપાલી આપતા હતા. મુખ્ય મંત્રી તરીકે મોદીએ ગાંધીનગરમાં કાર્યક્રમો યોજીને શિક્ષકોને અપોઇન્ટમેન્ટ લેટર આપવાના શરૂ કર્યા, કેમ જાણે તેમની કૌટુંબિક પેઢીમાં નોકરી આપતા હોય. આવાં તો એટલાં બધાં ઉદાહરણ છે કે લખતાં થાક લાગે. જાતનો જયજયકાર કરવા માટે અને સતત ચર્ચામાં રહેવા માટે કંઈક મોટું તો કરવું પડે. અને તે કંઈક કરવાથી લોકોને થોડોઘણો ફાયદો થાય. એટલે ભક્તપ્રજા ગુણગાન ગાવા બેસી જાય અને પંડિત વિશ્લેષકો પોતાના પાંડિત્યના માપદંડથી તેને માપવા બેસી જાય. ભક્તો તે ફાયદો ગણાવ્યા કરે ને મને તે ફાયદા પાછળનો મૂળ આશય તથા મિસમેનેજમેન્ટ દેખાય. લાંબા ગાળે ભક્તોને પણ કદાચ તે દેખાય, પણ દેખાય તોય સ્વીકારે નહીં તેનું નામ તો ભક્ત. બાકી, બીઆરટીએસ જાતના જયજયકાર માટે નહીં, પણ લોકો માટે બનાવી હોત તો અમદાવાદની બસ વ્યવસ્થાની આવી હાલત ન થઈ હોત. સ્ટેચ્યુ ઓફ યુનિટી સરદાર માટે બનાવ્યું હોત તો લોકો ત્યાંથી પાછા આવીને સરદારની મહાનતાની વાતો કરતા હોત—ત્યાંના બગીચા ને ઝૂની અને મોંઘી ફીની નહીં.
એક મોટા ઉદાહરણથી વાત કરીએ તો, નોટબંધી થઈ ત્યારે અમારા પરિચિત-આદરણીય સ્નેહીઓથી માંડીને સ્વામિનાથન અંકલેસરિયા-ઐયર જેવા એકંદરે સારા લેખકો પણ મોદીએ કેવું મહાન પગલું લીધું અને તેનાથી દેશને કેટલો ફાયદો થશે, તેનાં અર્થશાસ્ત્રીય ગણિતો સમજાવવા બેસી ગયા. પહેલી વાર નોટબંધી જાહેર કરી ત્યારે મને પણ થયું કે ભલું થયું, ભાંગી જંજાળ. કારણ કે મોટી રકમની નોટો ભ્રષ્ટાચાર માટે બહુ સુવિધારૂપ બનતી હોય છે. પણ પછી તો મોદીએ બે હજારની નોટ જારી કરી. એટલે બહુ ઝડપથી, કશી આંતરસૂઝ કે ઊંડી પંડિતાઈથી નહીં, પણ મોદીના અહંકારી, સ્વમુગ્ધ અને નિતાંત સ્વાર્થી સ્વભાવ વિશેની પાકી ખાતરીને કારણે, તે વખતે મિત્રોને કહ્યું હતું કે તમે ખોટાં ચકલાં ચૂંથો છો. તમે જે ગણતરી કરો છો તેની મોદીને કશી પરવા નથી. તેમને તો છાકો પાડવો હતો અને બીજા પણ કેટલાક હેતુ હતા. તપાસી લેજો, તેમણે તે વખતે જાહેર કરેલો એક પણ હેતુ બર આવ્યો નથી--અને મહેરબાની કરીને તેનાથી ડિજિટલ પેમેન્ટ વધ્યું છે એવું ન કહેતા. કારણ કે, તે તો નોટબંધીની જાહેરાતની બહુ પછી આવેલો વિચાર હતો.
એડીસી બેન્કમાં જમા થઈ ગયેલા અઢળક રૂપિયાથી માંડીને કંઈ કેટલીય સ્ટોરીઓ ફોલો અપ વગર દબાઈ ગઈ. પણ ભક્તિ કોને કહી છે? નહીં સ્વીકારવાનું એટલે નહીં સ્વીકારવાનું. મોદીના રાજમાં ગુજરાતમાં ભ્રષ્ટાચાર અભૂતપૂર્વ માત્રામાં વધ્યો --અને આવું હું નથી કહેતો. સરકાર સાથે કામ પાડનારા અનેક લોકોએ કહ્યું છે. તમે પણ તપાસ કરી જોજો. સરકારી રાહે ચાલતા શિક્ષણ અને આરોગ્યની ઉપર રહીને ઘોર ખોદી નાખવામાં આવી--અને તો પણ તેની ગંભીરતા સમજ્યા-સ્વીકાર્યા વિના, ભક્તો વિકાસ-વિકાસના મંજિરા વગાડતા રહ્યા. અલ્યાઓ, શિક્ષણ ને આરોગ્ય વિના કેવો વિકાસ? આ બંને ક્ષેત્રોની શી સ્થિતિ છે તે એ ક્ષેત્રો સાથે સંકળાયેલા કોઈ પણ માણસને પૂછી જોજો.
*
સો વાતની એક વાત એક જ છે કે શાસક ગમે તે હોય, તેને માપમાં રાખવાનો હોય. તેને યાદ અપાવવાનું હોય કે તું અમારો રાજા નથી. ચૂંટાયેલો પ્રતિનિધિ છું. તારી સત્તાનો મદ કાબૂમાં રાખજે. આવો સંદેશો મોદી જેવા અહંકારીઓને તો ખાસ આપવાનો હોય. પણ ભક્તોએ આંખે પટ્ટી બાંધીને મોદીનો અહંકાર પોષ્યો. દસ વર્ષમાં એક પ્રેસ કોન્ફરન્સ કરવાની હિંમત ન હોય તેવા અહંકારી ડરપોક માણસમાં કેટલીય મહાનતાનું આરોપણ કરી નાખ્યું ને છેલ્લે છેલ્લે તો પ્રેસ કોન્ફરન્સ ન કરી તે કેમ સારું છે, તે પણ શોધી કાઢ્યું. આવા ભક્તો જેને મળે તેનું શું થાય? અખાએ કહ્યું હતું તેમ, ઓછું પાત્ર ને અદકું ભણ્યો, વઢકણી વહુએ દીકરો જણ્યો...વાળો ઘાટ થયો. એટલે જ, છેલ્લે છેલ્લે તો તેમણે પોતે જાહેર કરી દીધું કે તે ભગવાને ખાસ કામ માટે મોકલેલા જણ છે. બાયોલોજિકલ એટલે કે માના પેટે જન્મેલા નથી. ભક્તો પણ એવા કે તેમને રામ અને મોદી વચ્ચે પસંદગી કરવાની આવે, તો તે મોદીની પસંદગી કરે. આ કલ્પના નથી. મોદીની આંગળી પકડીને ચાલતા રામનું ચિત્ર જોઈને કેટલા ભક્તોએ ટીકા કરી હતી?
આવા અહંકારી અને ઝેર ફેલાવનારા શાસકને એક મોટા વર્ગ તરફથી સતત મળેલા સતત પોષણ અને પ્રોત્સાહન લીધે દેશની અને સમાજની દશા બેઠી. આઇટી સેલનાં જૂઠાણાં, કોમી ઝેર અને ટ્રોલિંગ દેશભક્તિ ગણાવા લાગ્યાં. આપણા દેશની બંધારણીય સંસ્થાઓને, શાસકોના ઉત્તરદાયિત્વ સહિતનાં અનેક લોકશાહી મૂલ્યોને અને ખાસ તો સમાજના પોતને ગંભીર નુકસાન પહોંચ્યું છે. હવે મોદીની ત્રીજી મુદત શરૂ થઈ છે. તે જે ઉંમરે પહોંચ્યા છે, તે જોતાં હવે તેમની સુધરવાની શક્યતા નહીંવત્ છે. પ્રાણ અને પ્રકૃતિ ભેગાં જ જાય.
ભક્તો ભક્તિપરંપરામાં વિચારે છે કે મોદી જીત્યા છતાં તેમના ટીકાકારોને મઝા કેમ આવે છે. પણ તેમને ક્યાંથી સમજાય કે આજકાલ નીતિશ અને નાયડુ સામે મોદી જે રીતે અહંકારને અભરાઈ પર ચડાવીને, બોલે તો વિનમ્ર હોકે, વાત કરે છે તે જોવાની અને બદલાયેલી બોડી લેન્ગ્વેજ જોવાની મઝા આવે છે. મોદી સરકારને બદલે એનડીએ સરકાર બોલતા અહંકારના પોપડા ખરી ગયેલા પૂતળાને જોવાની મઝા આવે છે. પોતાના ફોટામાંથી બધાને દૂર કરતા જણને ચડી ચડીને ગ્રુપ ફોટા પડાવતા જોવાની મઝા આવે છે.
આવતી ચૂંટણી બહુ દૂર છે. પણ ગુજરાતે 26માંથી 25 બેઠક આપી છે--ભલે થોડી લીડ ઘટાડી છે--ત્યારે આટલી વાત ફરી એક વાર શેર કરવા જેવી લાગી. મારું કામ મોદીને હરાવવાનું નથી. મોદી હારે તો આગળ લખેલાં કારણસર મને બહુ આનંદ થાય, પણ મારા કે કોઈના લખવાથી-બોલવાથી તે હારે, એવા ભ્રમમાં હું કદી નહોતો અને નથી. એટલે 'તમે ગમે તે લખો, પણ આવશે તો મોદી'—એવી ભક્તસહજ દલીલની મારી પર સ્વાભાવિક રીતે જ કશી અસર નથી થતી.
મોદી નહીં તો કોણ, એ દલીલ ભક્ત ન હોય એવા લોકોમાં પણ બહુ ચાલે છે. મોદી ગુજરાતના મુખ્ય મંત્રી તરીકે આવ્યા ત્યારે ગુજરાતના મુખ્ય મંત્રી બની શકે એવા પાંચ-સાત નેતાઓ હતા—અને હું ફક્ત ભાજપનો આંકડો આપું છું. તે વડાપ્રધાન બન્યા ત્યારે પણ ભાજપમાંથી વડાપ્રધાન બની શકે એવા બીજા નેતાઓ હતા. તે બધાનું શું થયું, તે સૌ જાણે છે. હકીકત તો એ છે કે ગુજરાતમાં અને દેશમાં અનેકવિધ મોરચે મોદીના શાસનકાળમાં જેટલું નુકસાન થયું છે, એટલું નુકસાન બીજું કોઈ કરી શકે એમ નથી. પોતાનો સિક્કો જમાવવાની લ્હાયમાં ને બધી સત્તા પોતાની પાસે કેન્દ્રિત કરવાની લ્હાયમાં તેમણે સ્થાપિત માળખાંનો અંત આણ્યો છે, તે એકાદ દિવસના સમાચાર બનીને રહી જતું હોય છે.
ચૂંટણી પંચ જેટલું દબાયેલું ને આજ્ઞાંકિત આ ચૂંટણી વખતે દેખાયું, એટલું કદી નજીકના ભૂતકાળમાં ન હતું. તેનું કામ ચૂંટણીની કેવળ માળખાકીય સુવિધાઓ ગોઠવવાનું ને સાચી ગણતરી કરવાનું નથી. ચૂંટણીની આચારસંહિતાનું રોજેરોજ ચીરહરણ કરનારા સામે આંખ આડા કાન કરીને ચૂંટણી પંચે પોતાની વિશ્વસનિયતાની ઘોર ખોદી છે. તે હકીકતમાં આવેલાં પરિણામોથી કશો ફરક પડતો નથી.
સત્તાની ટીકા કરવાની વાતને હું કદી બહાદુરી કે તેજાબી કલમ સાથે સાંકળતો નથી. મારા માટે તે સાદી સમજ અને પ્રતીતિ—કોમન સેન્સ અને કન્વિક્શન—નો મામલો છે. પણ કોરોના કે રાજકોટ કે મોરબી જેવું કંઈક થાય ત્યારે સરકારની બેધડક ટીકા કરનારા તરીકેની વાહવાહ લૂંટનારા મોદી અને અમિત શાહની વાતમાં કેવા લાઇનમાં ઊભા રહી જાય છે, લાગ આવ્યે કેવાં ભક્તિગીતો ગાઈ નાખે છે—અને છતાં લોકો પર વીર-સરકારથી-નહીં- બીવાવાળાની છાપ ઉપસાવી શકે છે. એ જોઈને થાય છે કે આપણી પ્રજાનો અમુક વર્ગ મૂર્ખ બનવા માટે જ સર્જાયેલો છે. આ લોકો તેને મૂર્ખ નહીં બનાવે તો તે બીજા કોઈ મૂર્ખ બનાવનારને શોધી લેશે.
ઝાઝું લખ્યું છે, થોડું કરીને વાંચજો અને વિચારજો.

Tuesday, June 04, 2024

2024ની ચૂંટણીનાં પરિણામઃ શાંતિથી વિચારતાં--

પરિણામ લગભગ સ્પષ્ટ થઈ ગયાં છેઃ અત્યારે (સાંજે સાત વાગ્યે) ઇન્ડિયન એક્સપ્રેસ બતાવે છેઃ એનડીએ-296, યુપીએ-229, અન્ય-18.

મતલબ, ભાજપ એકલપંડે સ્પષ્ટ બહુમતીથી 30-35 બેઠકો દૂર રહેશે, પણ એનડીએની સરકાર સહેલાઈથી બની જશે. હા, તેના માટે નાણાંકોથળીઓ ઢીલી કરવી પડશે અને સત્તાના થોડા ટુકડા આપવા પડશે.
પોતાની માના પેટે નહીં જન્મેલા, પણ ભગવાને સીધા મોકલેલા ભાઈ દુનિયાભરનું ઝેર, ધિક્કાર અને જૂઠાણાં ફેલાવ્યા પછી પણ જીત્યા તે ખેદની વાત છે, પણ (અત્યારની વ્યાપક માન્યતા પ્રમાણે) તેમના અભિમાનને ફટકો પડ્યો છે, તે આનંદની વાત છે.
આ પરિણામોથી ભાજપ-સંઘ પરિવારનાં આંતરિક સમીકરણોમાં સળવળાટ અને ફેરફાર થાય, તો ભવિષ્યમાં સરમુખત્યારશાહી માનસિકતામાંથી મુક્તિ માટેની આશા વધારે ઉજળી બને.
વર્ષો પછી વિપક્ષો સારો સરવાળો લાવ્યા છે, એટલે આગળ ઉપર તે લોકોને સ્પર્શતા મુદ્દા ઉઠાવવાનું ચાલુ રાખશે અને મોદી તથા તેમની ટ્રોલસેના દ્વારા ચાલતી ઝેરી ઝુંબેશો સામે એક કાઉન્ટર નેરેટિવ--વાસ્તવિકતાનું બયાન કરતી પ્રચારધારા--ચાલુ રાખશે, તો સંઘર્ષ પણ વધશે.
જોવાનું એ છે કે ત્રીજી મુદતને આજ સાંજના ભાષણમાં નહીં, પણ અમલીકરણમાં નરેન્દ્ર મોદી અને અમિત શાહ કેવી રીતે લે છે. એટલે કે, યુટ્યુબ ચેનલો પર સકંજો કસતો કાયદો કે એક ચૂંટણીની જોગવાઈ જેવી સરમુખત્યારશાહી તરફ ધકેલતી બાબતો તે ઉતાવળે આણી દે છે? હવે લોકસભામાં ખરડા પસાર કરાવતાં તેમને તકલીફ તો પડશે, સિવાય કે અમિત શાહનું રાબેતા મુજબનું ફ્લોર મેનેજમેન્ટ અને અન્ય મેનેજમેન્ટ સફળ થતું રહે.
ચૂંટણી પહેલાં સુધી લગભગ એકતરફી લાગતું વાતાવરણ કેવી રીતે બદલાઈ ગયું, એ સમજવું અઘરું છે. ફક્ત યોગેન્દ્ર યાદવ એવા હતા, જેમણે ભાજપ માટે 240થી 260 બેઠકોની આગાહી કરી હતી. ઉત્તર પ્રદેશમાં ભાજપ માટે બધું બરાબર નથી એવું પણ તેમણે કહ્યું હતું. તે સાચા પડ્યા છે અને બોલવે-મિજાજે-અહંકારમાં ભાજપના પ્રવક્તા જેવા ભાસતા પ્રશાંત કિશોર ખોટા પડ્યા છે.
ગોદી મિડીયા તરીકે ઓળખાતા બેશરમ અને કરોડરજ્જુ વગરના એન્કરોએ આખો વખત આરતી ઉતારવાને બદલે અને કોમવાદી-વિભાજનકારી એજેન્ડા ચલાવવાને બદલે, થોડુંઘણું પત્રકારત્વ કર્યું હોત તો મોદીને અઘરું પડ્યું હોત. ગોદી મિડીયાની આજે હાર થઈ છે અને સોશિયલ મિડીયા તથા બીજાં માધ્યમોથી સરકારની અનીતિ-અત્યાચારો-દુશાસન સામે અવાજ ઉઠાવનારા લોકોને નવું બળ મળ્યું છે.
બળાત્કારી પ્રજ્વલ રેવન્ના કર્ણાટકની હાસન બેઠક પરથી હારી ગયો છે, પણ સરકારી સુરક્ષાછત્રપ્રાપ્ત છેડતીબાજ બ્રિજભૂષણશરણ સિંઘનો છોકરો ઉત્તર પ્રદેશની કૈસરનગર બેઠકથી જીતી ગયો છે.
બદતમીજી અને બદમિજાજીના પૂતળા જેવી સ્મૃતિ ઇરાની હારી ગઈ છે, પણ છીછરાપણાનું, અફાટ ભક્તિનું અને મોદીભક્ત-સ્પેશ્યલ અહંકારનું પ્રદર્શન કરનાર કંગના રનૌત મંડીથી જીતી ગઈ છે. કનૈયાકુમારની સામે મનોજ તિવારી જીતી જાય, એ કેવી કરુણતા છે, તે જોવા માટે મનોજ તિવારીના એક-બે ઇન્ટરવ્યૂ જોવા બસ થઈ પડશે.
નોન-બાયોલોજિકલ મહાપુરુષ વારાણસીથી 1.52 લાખ મતે જીત્યા છે. 2014માં તેમની સરસાઈ હતીઃ 3.72 લાખ મત. 2019માં 4.79 મત. અને આ વખતે 1.52 લાખ મત.
ભગવાન નામના રામે બેશરમીથી ચરી ખાધા પછી, તેમને ઘર અપાવ્યાનો ઘનચક્કર જેવો દાવો કર્યા પછી, અયોધ્યા જે મતવિસ્તારમાં આવે છે તે ફૈઝાબાદમાં ભાજપની હાર થઈ છે. ઉત્તર પ્રદેશમાં બુલડોઝરની ગતિ અવળી થઈ છે અને ભાજપને સૌથી મોટો અને આકરો ફટકો પડ્યો છે. ભાજપને 80માંથી અત્યારે 32 બેઠકો બતાવે છે. 2019માં તેને 62 બેઠકો મળી હતી.
રાયબરેલીમાં રાહુલ ગાંધીની અંદાજિત સરસાઈ છેઃ 3.90 લાખ મત. ગુજરાતમાં ગેનીબહેન આશરે 30 હજાર મતથી આગળ છે અને હવે તે સરસાઈ કપાઈ શકે એમ નથી.
ઘણાબધાએ એવી આશા વ્યક્ત કરી છે કે હવે મોદી-શાહ એન્ડ કંપનીનું બેફામપણું ઓછું થશે, બંધારણીય સંસ્થાઓના જીવમાં જીવ આવશે અને તે નિર્ભીકતાથી કામ કરી શકશે, એજન્સીઓનો ઉઘાડેછોગ બેફામ દુરુપયોગ ઓછો થશે, મોદીની આત્મમુગ્ધતા ઓછી થશે વગેરે...
આવું થાય તો બહુ આનંદની વાત છે.
આવું થવાની શક્યતા અત્યારે ઊભી થઈ છે, તે આજ પૂરતું હાશકારાનો અનુભવ કરાવે છે.
કાપવાનો રસ્તો ઘણો લાંબો છે, પણ વચ્ચે આવેલો આટલો વિસામો રાહત આપનારો છે.