Tuesday, June 04, 2024
2024ની ચૂંટણીનાં પરિણામઃ શાંતિથી વિચારતાં--
પરિણામ લગભગ સ્પષ્ટ થઈ ગયાં છેઃ અત્યારે (સાંજે સાત વાગ્યે) ઇન્ડિયન એક્સપ્રેસ બતાવે છેઃ એનડીએ-296, યુપીએ-229, અન્ય-18.
મતલબ, ભાજપ એકલપંડે સ્પષ્ટ બહુમતીથી 30-35 બેઠકો દૂર રહેશે, પણ એનડીએની સરકાર સહેલાઈથી બની જશે. હા, તેના માટે નાણાંકોથળીઓ ઢીલી કરવી પડશે અને સત્તાના થોડા ટુકડા આપવા પડશે.
આ પરિણામોથી ભાજપ-સંઘ પરિવારનાં આંતરિક સમીકરણોમાં સળવળાટ અને ફેરફાર થાય, તો ભવિષ્યમાં સરમુખત્યારશાહી માનસિકતામાંથી મુક્તિ માટેની આશા વધારે ઉજળી બને.
વર્ષો પછી વિપક્ષો સારો સરવાળો લાવ્યા છે, એટલે આગળ ઉપર તે લોકોને સ્પર્શતા મુદ્દા ઉઠાવવાનું ચાલુ રાખશે અને મોદી તથા તેમની ટ્રોલસેના દ્વારા ચાલતી ઝેરી ઝુંબેશો સામે એક કાઉન્ટર નેરેટિવ--વાસ્તવિકતાનું બયાન કરતી પ્રચારધારા--ચાલુ રાખશે, તો સંઘર્ષ પણ વધશે.
જોવાનું એ છે કે ત્રીજી મુદતને આજ સાંજના ભાષણમાં નહીં, પણ અમલીકરણમાં નરેન્દ્ર મોદી અને અમિત શાહ કેવી રીતે લે છે. એટલે કે, યુટ્યુબ ચેનલો પર સકંજો કસતો કાયદો કે એક ચૂંટણીની જોગવાઈ જેવી સરમુખત્યારશાહી તરફ ધકેલતી બાબતો તે ઉતાવળે આણી દે છે? હવે લોકસભામાં ખરડા પસાર કરાવતાં તેમને તકલીફ તો પડશે, સિવાય કે અમિત શાહનું રાબેતા મુજબનું ફ્લોર મેનેજમેન્ટ અને અન્ય મેનેજમેન્ટ સફળ થતું રહે.
ચૂંટણી પહેલાં સુધી લગભગ એકતરફી લાગતું વાતાવરણ કેવી રીતે બદલાઈ ગયું, એ સમજવું અઘરું છે. ફક્ત યોગેન્દ્ર યાદવ એવા હતા, જેમણે ભાજપ માટે 240થી 260 બેઠકોની આગાહી કરી હતી. ઉત્તર પ્રદેશમાં ભાજપ માટે બધું બરાબર નથી એવું પણ તેમણે કહ્યું હતું. તે સાચા પડ્યા છે અને બોલવે-મિજાજે-અહંકારમાં ભાજપના પ્રવક્તા જેવા ભાસતા પ્રશાંત કિશોર ખોટા પડ્યા છે.
ગોદી મિડીયા તરીકે ઓળખાતા બેશરમ અને કરોડરજ્જુ વગરના એન્કરોએ આખો વખત આરતી ઉતારવાને બદલે અને કોમવાદી-વિભાજનકારી એજેન્ડા ચલાવવાને બદલે, થોડુંઘણું પત્રકારત્વ કર્યું હોત તો મોદીને અઘરું પડ્યું હોત. ગોદી મિડીયાની આજે હાર થઈ છે અને સોશિયલ મિડીયા તથા બીજાં માધ્યમોથી સરકારની અનીતિ-અત્યાચારો-દુશાસન સામે અવાજ ઉઠાવનારા લોકોને નવું બળ મળ્યું છે.
બળાત્કારી પ્રજ્વલ રેવન્ના કર્ણાટકની હાસન બેઠક પરથી હારી ગયો છે, પણ સરકારી સુરક્ષાછત્રપ્રાપ્ત છેડતીબાજ બ્રિજભૂષણશરણ સિંઘનો છોકરો ઉત્તર પ્રદેશની કૈસરનગર બેઠકથી જીતી ગયો છે.
બદતમીજી અને બદમિજાજીના પૂતળા જેવી સ્મૃતિ ઇરાની હારી ગઈ છે, પણ છીછરાપણાનું, અફાટ ભક્તિનું અને મોદીભક્ત-સ્પેશ્યલ અહંકારનું પ્રદર્શન કરનાર કંગના રનૌત મંડીથી જીતી ગઈ છે. કનૈયાકુમારની સામે મનોજ તિવારી જીતી જાય, એ કેવી કરુણતા છે, તે જોવા માટે મનોજ તિવારીના એક-બે ઇન્ટરવ્યૂ જોવા બસ થઈ પડશે.
નોન-બાયોલોજિકલ મહાપુરુષ વારાણસીથી 1.52 લાખ મતે જીત્યા છે. 2014માં તેમની સરસાઈ હતીઃ 3.72 લાખ મત. 2019માં 4.79 મત. અને આ વખતે 1.52 લાખ મત.
ભગવાન નામના રામે બેશરમીથી ચરી ખાધા પછી, તેમને ઘર અપાવ્યાનો ઘનચક્કર જેવો દાવો કર્યા પછી, અયોધ્યા જે મતવિસ્તારમાં આવે છે તે ફૈઝાબાદમાં ભાજપની હાર થઈ છે. ઉત્તર પ્રદેશમાં બુલડોઝરની ગતિ અવળી થઈ છે અને ભાજપને સૌથી મોટો અને આકરો ફટકો પડ્યો છે. ભાજપને 80માંથી અત્યારે 32 બેઠકો બતાવે છે. 2019માં તેને 62 બેઠકો મળી હતી.
રાયબરેલીમાં રાહુલ ગાંધીની અંદાજિત સરસાઈ છેઃ 3.90 લાખ મત. ગુજરાતમાં ગેનીબહેન આશરે 30 હજાર મતથી આગળ છે અને હવે તે સરસાઈ કપાઈ શકે એમ નથી.
ઘણાબધાએ એવી આશા વ્યક્ત કરી છે કે હવે મોદી-શાહ એન્ડ કંપનીનું બેફામપણું ઓછું થશે, બંધારણીય સંસ્થાઓના જીવમાં જીવ આવશે અને તે નિર્ભીકતાથી કામ કરી શકશે, એજન્સીઓનો ઉઘાડેછોગ બેફામ દુરુપયોગ ઓછો થશે, મોદીની આત્મમુગ્ધતા ઓછી થશે વગેરે...
આવું થાય તો બહુ આનંદની વાત છે.
આવું થવાની શક્યતા અત્યારે ઊભી થઈ છે, તે આજ પૂરતું હાશકારાનો અનુભવ કરાવે છે.
કાપવાનો રસ્તો ઘણો લાંબો છે, પણ વચ્ચે આવેલો આટલો વિસામો રાહત આપનારો છે.
Labels:
election 2024,
politics
Subscribe to:
Post Comments (Atom)
Short and subjective analysis of the election results. This sentence tells a lot about the ruling party and some of its ministers: બદતમીજી અને બદમિજાજીના પૂતળા જેવી સ્મૃતિ ઇરાની હારી ગઈ છે.
ReplyDeleteસરસ બ્લોગ વાંચવા મળ્યો. મોટાભાગના બુદ્ધિશાળી લોકો કે જેઓ સ્વતંત્ર રીતે વિચારી શકે છે તે બધા આમ જ વિચારે છે અને સમજે છે. આના કરતાં BJP (ભ્રષ્ટાચારી જમાત પક્ષ) અને તેના શિરમોર મોદીજીની હાર થઇ હોત તો તે વધારે માન પૂર્ણ ગણાત. આ તો તેમના જુના કટ્ટર વિરોધીઓ પાસે લળી લળીને સલામો ભરવી પડે છે અને પડતી રહેશે. 'નાક કટ્ટા તો કટ્ટા મગર ઘી તો ચટ્ટા' જેવી હાલત તેમની થઇ છે. આમ જોઈએ તો પોતાને પરમાત્મા સમાન ગણાવનાર અને રાવણ કરતાં પણ વધારે અભિમાનીને આ સજા મળે તે કુદરતી ન્યાય જ છે. ઈશ્વરકૃપાથી આ વખતે ભારતની લોકશાહી બચી ગઈ છે. બાકી હવે આ ધર્માંધ પ્રજા જેમાં અનેક કહેવાતા બુદ્ધિજીવીઓ પણ સામેલ છે, તેક્યાં સુધી આ લોકશાહીને જાળવી , સાચવી રાખી શકશે તે એક મોટો યક્ષપ્રશ્ન છે.
ReplyDelete