Thursday, February 29, 2024

ડબલ સીઝનનું દુઃખ

 ગુજરાતમાં અત્યારે કઈ ઋતુ ચાલે છે?

ના. આવી રહેલી ચૂંટણીની કે રામના નામે ચાલેલા રાજકારણની ઋતુની અહીં વાત નથી. બીજા પક્ષોમાંથી પક્ષપલટો કરીને, પાપી જેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે એવા ભાજપમાં જોડાઈ જવાની મોસમ તો હવે કાયમી બની ચૂકી છે. તેની અસરો ગ્લોબલ વોર્મિંગની જેમ જ ગંભીર છે, છતાં ગ્લોબલ વોર્મિંગની જેમ તેની ગંભીરતા કોઈને સ્પર્શતી નથી. બધા તેને નજરઅંદાજ કરીને જાણે કશું બનતું જ નથી, તેમ હંકાર્યે રાખે છે. ચૂંટણી આવે ત્યારે એ પ્રવૃત્તિ વધુ જોર પકડે છે. તેના માટે (અલ નીનો જેવું) અલ નમો પરિબળ કારણભૂત મનાય છે. અલ નીનોની જેમ અલ નમોની અવળી અસરો સુવિદિત છે, પણ તેને લગભગ કુદરતી જેવી ગણીને, તેને રોકવા-અટકાવવા માટે નક્કર વિચાર કે કાર્યવાહી થતાં હોય એવું જણાતું નથી.

ઉન્માદની ઋતુ ચાલે છે, એમ કહેવું સાચું નહીં ગણાય. કારણ કે, ઋતુઓ તો થોડા થોડા સમય પછી બદલાય પણ છે. વિષુવવૃત્તના પ્રદેશોમાં રોજ વરસાદ પડે, એવું ભૂગોળમાં આવતું હતું. આપણો દેશ વિષુવવૃત્ત પર નથી. છતાં, અહીં દરરોજ વોટ્સએપ સહિતના સોશિયલ મિડીયા પર જૂઠાણાંનો અને ટીવી ચેનલો પર દુષ્પ્રચારનો અનરાધાર વરસાદ વરસે છે. તેના લીધે અનેક સામાજિક-માનસિક રોગો ફેલાય છે, પરંતુ કોરોનાની જેમ તેમને કોઈ મહામારી તરીકે જાહેર કરતું નથી.

એ બધું ઘડીભર ભૂલીને ફક્ત કુદરતી ઋતુની વાત કરીએ તો, ગુજરાતમાં ડબલ સીઝન ચાલે છેઃ સવારે શિયાળા જેવી ઠંડી અને બપોરે ઉનાળા જેવો તાપ. આ વાત સાચી, પણ બહુ જાહેર છે. છતાં, અત્યારે ડબલ સીઝન ચાલી રહી છે, એવું કહેનાર ઘણાખરા લોકોને લાગે છે કે તેમણે કેટલી અદભૂત, અભ્યાસપૂર્ણ, મહત્ત્વની અને મૌલિક વાત કરી દીધી. એટલું જ નહીં, તેમણે આ નિદાન ન કર્યું હોત તો ગુજરાતના લાખો લોકો મોસમના બેવડા સ્વભાવ વિશે અંધારામાં જ રહી જાત. કેટલાકને પોતે લખતાં પહેલાં કેટલી મહેનત કરે છે એની ટચૂકડી જાહેરખબર મોટા પાયે કરવાનો શોખ હોય છે. તેમનો ઇરાદો નેક હોય છેઃ વાચકને લેખ વાંચવાથી નહીં તો કમ સે કમ લેખકની સ્વઘોષણાથી ખબર તો પડે કે લેખક કાયમ વેઠ જ ઉતારે છે એવું નથી. તે ક્યારેક મહેનત પણ કરે છે અને મહેનત કરે ત્યારે જાણ કરવાનું ચૂકતો નથી. આ પ્રકારની માનસિકતા ધરાવનારા કહી શકે છે કે તે દુનિયાભરની શ્રેષ્ઠ યુનિવર્સિટીઓનાં આ વિષય પર થયેલાં સંશોધનોની એડિબલ (ખાઈ શકાય એવા કાગળ પર કાઢેલી) પ્રિન્ટના ટુકડા તપેલીમાં મુકીને, તેને ખાંડના પાણીમાં ઓગાળીને પી ગયા હતા. આમ વિષયને શબ્દાર્થમાં પી જવાને કારણે તેમણે તો ક્યારનું કહી દીધું હતું કે દુનિયામાં ડબલ સીઝન ચાલે છે.

ડબલ સીઝનને હજુ કોઈએ સ્યુડો-શિયાળો કે સ્યુડો-ઉનાળો કહી નથી. કારણ કે, તે હજુ રાજકીય મુદ્દો બની નથી અને તેના થકી લોકોને ઉશ્કેરીને પોતાના ભણી વાળી શકાય, એવી જરૂર ઊભી થઈ નથી. ડબલ સીઝન જાહેર ચર્ચાઓ અને પ્રસાર માધ્યમોના પત્રકારો માટે ઘણી ઉપયોગી નીવડે છે. કૂતરું માણસને નહીં, માણસ કુતરાને કરડે તે સમાચાર છે—એવી વ્યાખ્યાની રૂએ, શિયાળામાં ઠંડી પડે કે ઉનાળામાં ગરમી પડે તે નહીં, શિયાળામાં ગરમી (કે ઉનાળામાં ઠંડી) પડે તે સમાચાર છે. એટલે, કોઈ મોટા સમાચાર ન હોય—એટલે કે, ઉપરથી કોઈ ખરેખર મોટા કે નાનામાંથી મોટા કરવાના સમાચાર આવ્યા ન હોય અથવા ખરા અર્થમાં મોટા સમાચાર હોય તેમને મોટા બનાવવાના ન હોય--ત્યારે ડબલ સીઝન અને તેની આડઅસરો તે જગ્યા પૂરે છે. ડબલ સીઝન અને તેમાં ફેલાતી બિમારીના સમાચાર વાંચીને દરેક વાચકને લાગે છે કે ઓહો, મને પણ આવું જ લાગે છે.

જૂના ભારતમાં ડબલ સાથે ટ્રબલ સંકળાયેલી હતી. નવા ભારતમાંડબલ સાથે  ‘એન્જિન સંકળાયેલું છે. એ જુદી વાત છે કે ઘણાને એ બંનેના અર્થ સરખા જ લાગે છે, ડબલ સીઝન ડબલ ટ્રબલ છે કે ડબલ એન્જિન, તેનો આધાર માણસના આરોગ્યની મજબૂતી પર રહે છે, પણ આસપાસ જોતાં અને અહેવાલો પરથી સાબીત થાય છે કે તબીબી વ્યવસાય માટે ડબલ સીઝન ડબલ એન્જિન પુરવાર થાય છે. તેમાં તાવ-શરદી-ખાંસી વગેરે જૂઠાણાં-ધીક્કાર અને ભ્રષ્ટાચારની જેમ વ્યાપક પ્રમાણમાં ફેલાયેલાં જોવા મળે છે.

અત્યાર લગી ફક્ત ડબલ સીઝનના મામલે સરકાર બિચારી શું કરે?’—એવી લાગણી વ્યાપેલી હતી. હવે તે લાગણી મોંઘવારી, બેરોજગારી, ભ્રષ્ટાચારથી માંડીને ધિક્કાર અને જૂઠાણાંના ફેલાવાની ચર્ચામાં પણ વપરાય છે. પંદર-વીસ વર્ષ પહેલાં પેટ્રોલના ભાવથી માંડીને સરેરાશ મોંઘવારી-ભ્રષ્ટાચારના વિરોધમાં સરકારની (વાજબી) ટીકા કરનારા અને તેની સામે મોરચા કાઢનારા હવે માસુમિયતથી કહી દે છે, પણ એમાં સરકાર શું કરે?’ સરકારની નિષ્ફળતાઓ બદલ તેની આકરી ટીકા કરવાના મુદ્દે દેશમાં ઘણાં વર્ષથી ડબલ સીઝન ચાલે છે. પરંતુ આ તમામની યાદીમાં સૌથી ચિંતાજનક ડબલ સીઝન છે લોકશાહી અને આપખુદશાહીની. તેમાં વિચારધારા અને વિચારવિહીનતા—એમ બે ઘાતક પ્રકારના તાવની બીમારી એટલી પ્રસરે છે કે તે બીમારી ગણાતી બંધ થઈ જાય છે અને તંદુરસ્તીનું, દેશભક્તિનું, ધાર્મિકતાનું પ્રતીક ગણાવા લાગે છે.

1 comment:

  1. really very nice satire , how many things you can think at a time ? Amazing , you are marvellous.
    thanks,
    Manhar Sutaria

    ReplyDelete