Tuesday, January 23, 2024

રામરાજ્યનું સપનું

વાત જાણે એમ છે કે એક દિવસ રાવણને લંકામાં રામરાજ્ય સ્થાપવાનું મન થયું. રામરાજ્ય વસ્તુ જ એવી છે કે બધાને તે સ્થાપવાનું તો નહીં, પણ સ્થાપ્યાનો જશ લેવાનું મન ચોક્કસ થાય. લોકોને થાય કે રામરાજ્ય સ્થાપવાનો જશ લેવાથી પોતે પણ રામ સમકક્ષ કહેવાશે.

મન થયા પછી રાવણને તો સપનાં આવવાં લાગ્યાં. સપનામાં તેને દેખાય લંકા અને તેનાં મંદિરો, પણ અંદર ભગવાનની મૂર્તિને બદલે તેને પોતાની મૂર્તિ દેખાય. મંદિરની બહાર દર્શનાતુર એવાં લંકાનાં પ્રજાજનોની લાંબી લાઇન પડી ગઈ હોય. એક પછી એક બધાં અંદર જાય, પણ બહાર આવે ત્યારે તેમના ચહેરા પર થોડી આઘાતની લાગણી હોય. (કેમ કે, અંદર રામને બદલે રાવણનાં દર્શન થયાં હોય) છતાં, કોની મગદૂર છે કે હરફ સરખો પણ ઉચ્ચારે? બહાર રાવણની બિનસત્તાવાર સેનાના સભ્યો ઉભેલા જ હોય. તે બહાર નીકળનારાને પૂછે પણ ખરા,બરાબર દર્શન થયાં ને?’

દર્શન તો થયાં જ હોય, પણ રાવણનાં. એટલે, દર્શનકર્તાથી સરખી હા પણ ન પડાય અને હેમખેમ ઘરે પહોંચવાનું હોય, એટલે ખોંખારીને ના પણ ન પડાય. ઘણા દર્શનાર્થીઓ એવા શાણા કે પોતે આશ્વાસન લે અને રાવણની મૂર્તિ જોઈને દુઃખી થયેલા લોકોને પોરસ ચઢાવે,એમ કહો ને કે મંદિરમાં રાવણની જ મૂર્તિ હતી. વાલીની કે સુગ્રીવ કે જાંબુવંતની મૂર્તિ હોત તો શું થાત? લંકાપતિ તેમનાં દર્શન કરવા બદલ તમને જેલમાં નાખત અને લંકા(પતિ)ના ન્યાયાધીશો તમારો કેસ ચલાવત જ નહીં.

જોકે, રાવણને સપનામાં આ બધું એડિટ થઈને દેખાયું. તેને ખાતરી થઈ કે લંકામાં રામરાજ્યનું સ્થાપન હાથવેંતમાં છે અને રામના નવા અવતાર તરીકે તેનું નામ ગણાતું થઈ જશે. પરંતુ લંકાની ન્યૂસ(ન્સ) ચેનલોવાળા રાવણને સમજાવવા લાગ્યા કે સાહેબ, રામરાજ્ય લાવવાનું કામ અધૂરું રહ્યું હોય કે શરૂ પણ ન થયું હોય તો ભલે, પણ રામ તરીકે સ્થાપિત થવાના પ્રયત્નો કાચા કે અધૂરા ન રખાય.

તેમની સલાહથી પ્રેરિત અને ઉત્સાહિત થયેલા રાવણને વળી કેટલાંક સપનાં આવ્યાઃ એકમાં તે શ્રી રામના સૈન્યે લંકા સુધી પહોંચવા માટે બાંધેલા પુલ પર તે એકલો એકલો સ્લો મોશનમાં ચાલી રહ્યો હતો અને હાથ હલાવીને દરિયાનાં મોજાંનું અભિવાદન ઝીલી રહ્યો હતો. બીજા સપનામાં તે (અ)ઘોર તપસ્યા કરી રહ્યો હતો. તેની તપસ્યામાં કમી રહી જાય એટલા માટે કેટલાક વિરોધીઓ લંકાની વાસ્તવિક પરિસ્થિતિનાં અને ગરીબ જનતાની સ્થિતિનાં આંકડાસ્ત્રો છોડી રહ્યા હતા. તેમને લાગતું હતું કે રાવણ રામ સમકક્ષ બની જશે તો પછી લંકા રામભરોસે થઈ જશે. પણ તે રાવણને કશું નુકસાન પહોંચાડી શકતા ન હતા. કારણ કે આજુબાજુ તેની વાનરસેના ઢાલ બનીને ઊભી હતી.

હા, રાવણની પોતીકી વાનરસેના હતી, જે જન્મે નહીં, પણ કર્મે એ ઓળખ પામેલી હતી. લંકામાં રામરાજ્ય સ્થાપવા માટે વાનરસેના જરૂરી છે, એવો રાવણનો અને તેના ભાઈ કુંભકર્ણનો દૃઢ મત હતો. કુંભકર્ણની ભારપૂર્વકની સલાહ હતી કે રામરાજ્ય સ્થપાતાં પહેલાં વાનરરાજ સ્થપાવું જોઈએ. એવું થઈ જાય, તો પછી રામરાજ ક્યારથી શરૂ થશે તેની મુદતો પાડતા રહેવાનું. રાવણને એ દલીલ ગળે ઉતરી હતી ને તેની વાનરસેના લોકોને સમજાવવા લાગી હતી કે વાનરરાજ એ રામરાજ્યનું જ એક અંગ છે.

રાવણ જે કહે તે સાચું માની લેનારા લંકામાં ઘણા હતા. રાવણે તેમને ઠસાવી દીધું હતું કે તેનું રાજ આવ્યું તે પહેલાં લંકામાં ડાયનોસોર ફરતાં હતાં. તેમાંથી માંસાહારી ડાયનોસોરોનો નાશ કરીને, શાકાહારી ડાયનોસોરોને બળદની જગ્યાએ જોતરીને ખેતી કરીને તેણે લંકાને સોનાની બનાવી હતી. તેણે એમ પણ કહ્યું હતું કે ડાયનોસોર અને માણસ આ પૃથ્વી પર કદી સાથે રહ્યાં નથી, એવું જૂઠાણું લંકાવિરોધીઓનું કાવતરું હતું, જે અત્યાર સુધી ચાલી ગયું, પમ હવે રાવણના રામરાજ્યમાં તેમની ખેર નથી.

રાવણરાજ્યને રામરાજ્ય તરીકે સ્વીકારવાની અને તેનો જયજયકાર કરવાની ના પાડતા લોકોને ખાતરી હતી કે રામરાજ્યની તો ખાલી વાતો હતી. અસલમાં રાવણે એવી વ્યવસ્થા ગોઠવી દીધી હતી કે તે ફક્ત પોતાનાં સપનાંની મોટી મોટી વાતો કરે અને ફુલફટાક થઈને પુષ્પક વિમાનમાં ફર્યા કરે. ટીકાકારોને જવાબ આપવા માટે આખી વાનરસેના દિવસરાત તૈયાર રહેતી હતી. ટીકાકારો કહે કે રામરાજ્યમાં તો મર્યાદાનો મહિમા હતો. રામ મર્યાદાપુરુષોત્તમ હતા, તો રાવણની વાનરસેના કહેતી, રાવણ પણ મર્યાદાપુરુષોત્તમ જ છે. તેમણે પોતાના સિવાય બીજા બધા પર કેટલી બધી મર્યાદાઓ નાખી છે? થાય છે કોઈ આઘાપાછા?’

ટીકાકારો કહે કે રામ પ્રજાવત્સલ રાજા હતા. ધોબીની ટીકા પણ ગંભીરતાથી સાંભળતા હતા, જ્યારે રાવણ તો સવાલોના જવાબ આપતો જ નથી. ત્યારે રાવણની વાનરસેના કહેતી, રામાયણના સેંકડો પાઠ છે. તેમાં ક્યાંય તમે એવું વાંચ્યું કે શ્રી રામે પ્રશ્નો પૂછનારાને એક જગ્યાએ ભેગા કરીને, તેમના પ્રશ્નો સાંભળ્યા અને વારાફરતી તેમના જવાબ આપ્યા? રામરાજ્યમાં એવું કશું થયું નથી. એનો અર્થ એ કે એવું કશું ન થાય, તે રામરાજ્ય હોવાની જ સાબિતી છે.

ગમે તે હોય, પણ રાવણને રામરાજ્ય સ્થાપવાની બહુ ઉતાવળ હતી. એટલે, એક દિવસ સપનામાં તેણે લંકાનું નામ બદલીને અયોધ્યા કરી નાખ્યું.

--અને તેની આંખ ખુલી ગઈ.

સપનાંનું આ સુખ હોય છે. આંખ કદીક ખુલે તો ખરી.

1 comment:

  1. અહીં તો વાનરસેનાનાં (આભાસી) ખેતરોમાં સપનાંનાં વાવેતર એવાં ઊંડાં કરી દીધાં છે કે આંખો ખૂલવાની જ નથી.

    ReplyDelete