Saturday, August 28, 2021

મેઘાણી વિશે બે દહાડામાં ઘણું બધું લખાઈ ગયા પછી...

ઝવેરચંદ મેઘાણી ('ઊર્મિ અને નવરચના' મેઘાણી સ્મૃતિ અંકમાંથી)

ઝવેરચંદ મેઘાણી કવિ, વાર્તાકાર, નવલકથાકાર, લોકસાહિત્યના સંશોધક, નાટ્યકાર, વિવેચક, આસ્વાદક, અનુસર્જન કરનાર, પત્રલેખક, પત્રકાર, કટારલેખક, તંત્રી, ગાયક, સ્વતંત્રતા સેનાની...આ બધું જ હતા. ગુજરાતી સાહિત્ય-લેખનમાં આટલી બધી વૈવિધ્યપૂર્ણ સર્જકતા જૂજ લોકોને મળી હશે. બે-એક દિવસથી તેમના વિશે ઘણી વાત થઈ અને થઈ રહી છે ત્યારે, તે શું ન હતા તે પણ નોંધવા જેવું છે. કદાચ તેમના વિશેની સમજમાં થોડા વધુ મુદ્દા ઉમેરાય.

  • ઝવેરચંદ મેઘાણીની કવિતાઓ અને ગાન ગાંધીજીને ખૂબ પસંદ હતાં. પરંતુ તેમણે ઝવેરચંદ મેઘાણીને ‘રાષ્ટ્રિય શાયર’ કહ્યા હોય એવો કોઈ અધિકૃત ઉલ્લેખ ગાંધીસાહિત્યમાંથી કે ગાંધીજીના નિકટના સાથીદારના લખાણમાંથી હજુ સુધી જોવા મળ્યો નથી. તેમના અવસાન પછી સરદારે દિલ્હીથી લખેલા પત્રમાં પણ 'રાષ્ટ્રિય શાયર'નો કોઈ ઉલ્લેખ નથી. હકીકતમાં મેઘાણીની મહાનતાને ‘રાષ્ટ્રિય શાયર’ જેવા કોઈ છોગાની જરૂર નથી. આવાં છોગાં અખબારી મથાળાં માટે ઉપયોગી બને, પણ તેનાથી મેઘાણીની બીજી ઘણી પ્રતિભાઓ અનાયાસે ઢંકાઈ જાય છે. 
    ઝવેરચંદ મેઘાણીના અવસાન નિમિત્તે સરદાર પટેલનો પ્રતિભાવ

  • ‘મેઘાણી એટલે ચારણી-કાઠિયાવાડી સાહિત્ય-તળ સૌરાષ્ટ્રના શબ્દો’—એ માન્યતા પણ બહુ અધૂરી છે. તેનો એક જ નમૂનો છે 'માણસાઈના દીવા'માં મેઘાણીએ આત્મસાત્ કરેલી મહી કાંઠાના ભાષા. રવિશંકર મહારાજ જેવા મહાન સેવકની કામગીરી મેઘાણીએ જે રીતે ઝીલી છે, તેમાં નકરું આલેખન, રિપોર્ટિંગ, દસ્તાવેજીકરણ કે ભાષાના ભભકા નથી. તેમાં માનવમનનાં ઊંડાણની અને તેના પ્રવાહોની સમજ તથા સમસંવેદન છે. આ પુસ્તકની 1947થી 1967 સુધીમાં ત્રણ આવૃત્તિ અને પછી દસ પુનઃમુદ્રણ થયાં હતાં. કારણ કે ત્યારના ગુજરાતની રવિશંકર મહારાજ અને શ્રી શ્રી રવિશંકર વચ્ચે ગોટાળો થાય એવી અવદશા ન હતી.
  • મેઘાણી મુખ્યત્વે મધુર ગીત-કવિતાઓ, ભભક ધરાવતી શબ્દાવલિના કવિ-લેખક કે શૌર્ય પ્રેરતાં કાવ્યોના રચયિતા—એવી માન્યતા પણ યોગ્ય નથી. આપણા સમાજનાં છેવાડાનાં ગણાતા લોકોના જીવનસંઘર્ષને વ્યાપક સ્વરૂપે રજૂ કરતી તેમની ઘણી કવિતાઓ અને કૃતિઓ છે, જે યાદ કરાતી નથી.
  • મેઘાણી એટલે હિંદુ-મુસલમાન એકતાના પ્રખર સમર્થક અને ધાર્મિક લાગણીના આટાપાટા વીંધીને અંદરના માણસનું દર્શન કરાવનાર. સંઘર્ષને બદલે સહઅસ્તિત્વના ઇતિહાસમાંથી બોધ ખેંચનાર અને તેની સુદૃઢતા માટે કોશિશ કરનાર જણ. તેમના આ પાસા વિશે આપણા કહેવાતા રાષ્ટ્રવાદીઓ જાણે કે વાંચે, તો મેઘાણી તત્કાળ ડાબેરી, સેક્યુલર, લિબરલ, હિંદુવિરોધી વગેરેમાં ખપી જાય. (તસવીરમાં ફૂલછાબની ભેટ પુસ્તિકા તરીકે તેમણે તૈયાર કરેલી કેટલીક પુસ્તિકોનાં પૂંઠાં મૂક્યાં છે.) 
    મેઘાણી અને સતીકુમારે તૈયાર કરેલી 'ફૂલછાબ'ની કેટલીક ભેટ પુસ્તિકાઓ
  • મેઘાણી એટલે સાહિત્યમાં અને સાહિત્ય થકી, સામાન્ય માણસમાં રહેલી અસામાન્યતા પ્રગટાવવાની મથામણ કરનાર, તેમનામાં ટમટમતા માણસાઈના દીવાની વાટ સંકોરનારા સર્જક. મુદ્દે, મેઘાણી એટલે લોકના માણસ. તેમનું સાહિત્ય અઘરું નહીં. લોકને સમજાય એવું. લોકભોગ્ય ખરું, પણ લોકરંજક નહીં. લોકને ગલગલિયાં કરાવે એવું બિલકુલ નહીં.
  • ગઈ કાલે એવું વાંચવામાં આવ્યું કે ‘આપણે જે ભાષા બોલીએ છીએ, આપણી નવગુજરાતી પેઢી જે ભાષા સમજે છે એનો પાયો ઝવેરચંદ મેઘાણી, ચંદ્રકાંત બક્ષી જેવા અનેક લેખકોએ નાખ્યો. ન સમજાય એવું ભદ્રંભદ્રિય ગુજરાતી બોલવાને બદલે એમણે આપણને શીખવ્યું કે આપણી જ ભાષાના ભૂલાઈ ગયેલા શબ્દપ્રયોગો અને અન્ય ભાષાઓના સારા શબ્દોને આપણી ભાષામાં ઉમેરવાથી ભાષાનું શબ્દભંડોળ અને સમૃદ્ધિ વધે છે.’ 
  • આ વિશ્લેષણમાં બે-ત્રણ પાયાના પ્રશ્નો છે.
    . (1) ભદ્રંભદ્રિય ન હોય એવી ભાષાના અસંખ્ય પેટાપ્રકાર છે. તેમાં ગલગલિયાંથી ગહન ઊંડાણ સુધીનું વૈવિધ્ય છે. ગાંધીયુગના અને ત્યાર પછીના મોટા ભાગના લેખકો ભદ્રંભદ્રિય ન હોય એવી ભાષામાં જ લખતા રહ્યા છે. તેમાં મેઘાણીને અલગ તારવી શકાય નહીં. અને એવા બહુ બધા લેખકો હોય તો 'બે અને બીજા ઘણા' એવું કહેવાથી કશો અર્થ ન સરે. વિશેષ ઉલ્લેખ હોય વિશેષતાનો જ હોય. (2) તેમને, ભલે આ બાબત પૂરતા પણ, બક્ષીની હરોળમાં મુકવાની ચેષ્ટા વિશે કંઈ ન કહેવામાં જ સાર છે. (3) આપણી ભાષાના ભૂલાઈ ગયેલા શબ્દપ્રયોગો વાપરવાનું મેઘાણીમાંથી કયા ‘નવગુજરાતી’ શીખ્યા? છેલ્લા બે-ત્રણ દાયકાથી તો લખનારામાં પ્રચલિત-રૂઢ શબ્દોની જગ્યાએ અંગ્રેજી ઠઠાડવાની હોડ જામેલી હતી અને હવે તો એ પ્રક્રિયા લગભગ પૂરી થવાના આરે છે. (4) મેઘાણી પ્રચંડ સર્જકતા ધરાવતા હોવાથી, અભિવ્યક્તિની તાલાવેલીમાં તે ઘણા મૌલિક શબ્દો નીપજાવતા હતા. 
  • નકરા શબ્દોના સાથિયા પૂરનારાં, શબ્દાળુ, દૂધમાં ને દહીંમાં પગ રાખનારાં, અપ્રામાણિક, શાસકોની-સત્તાસ્થાનોની ચાપલૂસી કરનારાં લખાણ ન લખવાં, એ મેઘાણીની એક મોટી ખાસિયત હતી. એવાં લખાણ સામેનો તેમનો આક્રોશ અને અભિપ્રાય તેમના અનેક પત્રો-લેખોમાં જોવા મળે છે.

મેઘાણીની અનેકવિધ પ્રતિભાઓ અને વિશાળ પ્રદાન મૂકીને તે જે નથી અને તેમણે જે નથી કર્યું, તે આગળ કરવામાં આવે, ત્યારે કમ સે કમ આટલું યાદ કરવું રહ્યું.

'ઊર્મિ અને નવરચના' (એપ્રિલ 9, 1947) ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ અંકમાં પ્રગટ થયેલી મેઘાણીનાં 83 પુસ્તકોની યાદી 



Tuesday, August 24, 2021

જાહેરખબરમાં ફોટો

કાર્યક્રમોમાં હદ બહારનો સમય બગાડતા સંચાલકો વિશે સુરેશ દલાલે તેમની શૈલીમાં કહ્યું હતું કે આ તો ડ્રોઇંગ રૂમ કરતાં બાથરૂમ મોટો હોય એવી વાત છે. પરંતુ કેટલાક લોકો જેને ન્યૂ ઇન્ડિયા કહે છે તે નવા, પોસ્ટ ટ્રુથ, સત્યને આખરી ગણવાને બદલે તેને ક્યાંય પાછળ છોડીને નીકળી ગયેલા ભારતમાં બાથરૂમ ફક્ત ડ્રોઇંગ રૂમ કરતાં જ નહીં, બધા રૂમ કરતાં મોટો હોય, તે ન્યૂ નૉર્મલ છે. એટલું જ નહીં, આખા ઘરમાં બીજો એકેય રૂમ જ ન હોય અને જ્યાં જ્યાં નજર તમારી ફરે, ત્યાં ઘરમાં ફક્ત ને ફક્ત બાથરૂમો જ જોવા મળે એવી પરિસ્થિતિ છે. લોકોના એક મોટા વર્ગે સચ્ચાઈના નામનું નાહી નાખ્યું છે અને તેમને વારંવાર સચ્ચાઈના નામનું નાહી નાખવાની જરૂર પડે છે, એટલે આવું હશે? એ સંશોધનનો વિષય છે—અને અધ્યાપક આલમનો આંતરિક-અંતરંગ પરિચય ધરાવતા લોકો જાણતા હશે કે લખાણોમાં જેમના માટે આ તો અલગ સંશોધનનો વિષય છે—એવું જાહેર કરવામાં આવે, તે વિષયો પર કદી સંશોધન થતું હોતું નથી.

ન્યૂ ઇન્ડિયાની ડ્રોઇંગ રૂમ કરતાં બાથરૂમ મોટો—એ સ્કીમ સરકારી જાહેરખબરોનાં હોર્ડિંગને પણ લાગુ પડે છે.  તેનો તાજો પરચો ઑલિમ્પિક વિજેતાઓના અભિવાદન અને સન્માન માટે યોજાતા કાર્યક્રમોમાં જોવા મળ્યો. પરદેશથી આવેલાને તો એવો જ સવાલ થાય કે તમારા બધા ઑલિમ્પિક મૅડલ વિજેતા ખેલાડીઓ અને મહિલાઓ સુદ્ધાં એક સરખા કેમ લાગે છે અને બધા આટલી લાંબી સફેદ દાઢી કેમ રાખે છે?’ થોડા વખત પહેલાં વૅક્સિન સર્ટિફિકેટના મામલે આવું થયું હોવાનો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. તે ખરેખર બન્યો હતો કે નહીં, તેની ખબર નથી, પણ તે બન્યો હોય તો નવાઈ કે આશ્ચર્ય ન ઉપજાવે એટલો તાર્કિક હતો.

થયું એવું કે પરદેશના એક એરપોર્ટ પર ભારતીય પ્રવાસી માટે વૅક્સિન સર્ટિફિકેટ માગવામાં આવ્યું. તેમણે એ બતાવ્યું, તો પ્રમાણપત્રો તપાસનાર અધિકારીએ કહ્યું કે તમારો પાસપોર્ટનો ફોટો અને વૅક્સિન સર્ટિફિકેટ ઉપરનો ફોટો મળતા આવતા નથી, માટે તમારું પ્રમાણપત્ર માન્ય નહીં ગણાય. ત્યાર પછી પ્રવાસીએ તેમને ધીરજથી, વિશ્વગુરુની અદાથી જ્ઞાન આપવું પડ્યું કે વૅક્સિન સર્ટિફિકેટ પર તમે જેમનો ફોટો જુઓ છો, તે દાઢિયલ જણ તો અમારા સ્વનામધન્ય વડાપ્રધાનશ્રી છે. ત્યાર પછી, કહે છે કે, એરપોર્ટ પરના અધિકારીએ પોતાનાં બીજાં સહકાર્યકરોને ભેગાં કર્યાં અને આપણું વૅક્સિન સર્ટિફિકેટ બતાવીને તેમને ભરપૂર મનોરંજન પૂરું પાડ્યું. 

એવું જ ઑલિમ્પિકમાં વિજેતા ભારતીય ખેલાડીઓ માટે પણ થઈ શકે એમ હતું. સન્માન સમારંભ ગોલ્ડ મૅડલ જીતનાર ખેલાડી નીરજ ચોપરાનો હોય અને ચોતરફ મોટી મોટી તસવીરો વડાપ્રધાનની જોવા મળે. ખેલાડીઓના ફોટા તો નાનાં ગોળાકારમાં મુકી દીધા હોય. સીધી વાત છે ભાઈ. તમે ગમ્મે તેવા મૅડલ જીતો, કંઈ દેશથી મોટા થોડા થઈ જાવ? અને દેશ એટલે વડાપ્રધાન, એવું ફક્ત સાયબર સૅલ જ નહીં, ભક્તો પણ માને છે. તેમાં ઔચિત્યની વાત વચ્ચે લાવવી નહીં. કેમ કે, ન્યૂ ઇન્ડિયામાં ઔચિત્યભંગની વાત કરનારા માટે હળવામાં હળવો ઠપકો છેઃ તમે તો બહુ નૅગેટિવ છો. તેનાથી આગળ તો લિબરલથી માંડીને અર્બન નક્સલ સુધીની લાંબી યાદી છે.

વડાપ્રધાન જો દિખતા હૈ વો બિકતા હૈના સિદ્ધાંતમાં માને છે, એવું તેમની વીસ વર્ષની કાર્યપદ્ધતિના આધારે કહી શકાય. છેલ્લાં એક-બે વર્ષમાં તે જો દિખતા હૈ, વહ બેચતા હૈનું સૂત્ર ચરિતાર્થ કરવા લાગ્યા હોય એવું પણ લાગે છે. તેમની દેખાવાની શક્તિ વધારે છે કે જોઈ લેવાની, તે વિશે તેમને નજીકથી જાણનારા લોકો અવઢવમાં છે. પરંતુ એ બંને તેમના રસના વિષયો અને આવડતનાં પ્રિય ક્ષેત્રો છે, એ વિશે સર્વસંમતિ છે. બંને પ્રકારનાં કામ વચ્ચે એક સામ્ય એ પણ છે કે તેમને જાહેર ધોરણે કરવામાં આવે, તો જ તેમની મહત્તમ અસર નીપજે છે. કોઈને જોઈ લેવાના થાય, ત્યારે તે કામ એવી રીતે કરવામાં આવે છે કે જેથી બીજા લોકો બીએ અને તેમની નજરમાં ન આવી જવાય, એ માટે આઘાપાછા થઈ જાય. એવી જ રીતે, દેખાવાનું કામ પણ લાજશરમ મુકીને જ કરવું પડે. ક્રેડિટ છીનવવા જવું ને દોણી સંતાડવી—એ જમાનો વીતી ગયો. હવે બીજા કોઈનો ફોટો ન છૂટકે મૂકવો પડે, તો પોતાનો ફોટો તેનાથી બે-ત્રણ ગણો મોટો તો મૂકી જ દેવો પડે. દૂરથી જોનારને સમજાઈ જવું જોઈએ કે આ દેશમાં જે કંઈ (ખાનાખરાબી સિવાયનું) થઈ રહ્યું છે તેના કર્તા કોણ છે. ખાનાખરાબીનો કર્તા કોણ છે, એ જણાવવા માટે તો ફોટો મુકવાની પણ ક્યાં જરૂર છે?

એકનો એક ફોટો જોઈને લોકોને કંટાળો આવશે ત્યારે સાહેબના જુદાં જુદાં પશુપંખીઓ સાથેના ફોટા પણ આવશે. જુદા જુદા પોશાકમાં, દરેક વખતે અલગ માસ્ક સાથે, દાઢીની અલગ અલગ પ્રકારની કર્તનકલા સાથેના, વિવિધ મુદ્રાના એમ કંઈક ફોટા આવી શકે છે. હા, એક બાબતે પ્રજા આશ્વસ્ત રહી શકે છેઃ આ વૈવિધ્યમાં બીજા કોઈ માણસનો ફોટો કદી નહીં આવે અને તે ધારો કે અનિવાર્ય કારણોસર આવે તો પણ તે એવી રીતે આવશે કે જેથી કોનો ફોટો રાષ્ટ્રહિત માટે વધારે અનિવાર્ય છે તે પ્રજાને તરત સમજાઈ જાય.

Monday, August 16, 2021

તાલિબાનો વિશેની શ્રેણી : વીસ વર્ષ પહેલાં

(ફેસબુક પરની પોસ્ટ- જૂના લેખના કટિંગ સાથે)

 અફઘાનિસ્તાનમાં તાલિબાનોએ પહેલી વાર ઉપાડો લીધા પછી, 2001માં 'સંદેશ'માં તેમના વિશે ત્રણ ભાગની લેખમાળા લખી હતી  તેના બે ભાગનાં કટિંગ અહીં નમૂના ખાતર મુક્યાં છે. (ત્રીજો ભાગ સચવાયો હોત તો સારું થાત. પણ તે કોઈ કારણસર સચવાયો નથી.) ત્યારે તાલિબાનો વિશે થોડુંઘણું વાંચ્યા પછી જે અભિપ્રાય હતો, તે 2021માં પણ બદલાયો નથી--તે બદલવા માટેનું કોઈ કારણ મળ્યું નથી.

ઇસ્લામનું સૌથી વરવું-સૌથી ભયંકર અર્થઘટન અમલમાં મુકતા તાલિબાનો ખરેખર તો ઇસ્લામના અને માનવ અધિકારના નામે કલંકરૂપ છે. તેમની લોહીયાળ રૂઢિચુસ્તતા કમકમાટી ઉપજાવે એવી રહી છે.  અમેરિકાની ગમે તેટલી દુષ્ટતાથી તાલિબાની આતંકવાદ વાજબી કે ક્ષમ્ય ઠરતો નથી.

'તાલિબાનોને એક તક આપવી જોઈએ' અથવા 'અમેરિકાએ અફઘાનિસ્તાન પર આક્રમણ કર્યું, ત્યાર પહેલાં તે શાસકો હતા. એટલે તે પણ અફઘાનિસ્તાની શાસનના પક્ષકાર (સ્ટેક હોલ્ડર) છે'--આવી દલીલો ગમે તેટલા પાંડિત્ય સાથે કરવામાં આવે તો પણ, તેમાં તાલિબાની આતંક સામે અફઘાનિસ્તાનના સ્થાનિક લોકોની દુર્દશા નજરઅંદાજ થઈ જાય છે. તાલિબાનોની ભયંકરતાનો કોઈ પણ ફુદડી વિના, જો અને તો વિના, બિનશરતી વિરોધ જ કરવાનો હોય. તેમના ખૂણાખાંચરાના ગુણ શોધી કાઢવા, એ તો હિટલરના શાકાહારીપણાના વખાણ કરવા જેવું થાય.

ધર્મનાં વરવાં અર્થઘટન કરતાં, ધાર્મિક લાગણીઓ બેફામ બહેકાવતાં તત્ત્વોના હાથમાં રાજસત્તા આવે, તો કેવું પરિણામ આવે, સતેનો બોધપાઠ તાલિબાનમાંથી લઈ શકાય છે. તાલિબાનો જે શીખરે પહોંચી ચૂક્યા છે, તે દિશાની ધીમી ગતિ પણ આપણા માટે ઉજવણાંનું અને ગૌરવનું નહીં, ચિંતાનું અને આત્મખોજનું કારણ હોવી જોઈએ. સવાલ માત્રાભેદ કરતાં વધારે પ્રકારનો અને દિશાનો હોય છે. એ દિશામાં ગતિ શરૂ થાય અને આગળ વધે, ત્યારે યોગ્ય પગલાં ન લેવાય તો ઘણી વાર બહુ મોડું થઈ જતું હોય છે. પછી થતી દુર્દશામાં કોઈ મદદ કરી શકતું નથી.

 

Tuesday, August 10, 2021

એક જંગલની વાર્તા

એક જંગલ હતું. તેમાં એક શિયાળ રહેતું હતું. તેને જંગલના રાજા થવાના બહુ કોડ હતા. એ જંગલમાં વાઘ-સિંહની વસ્તી ન હતી. થોડા ઉંમરલાયક હાથીઓ હતા. તેમાંથી કેટલાક ઉંમરને કારણે ધોળા થઈ ગયા હતા. તે થોડુંઘણું કામ કરતા હતા. તેમને પાલવવાનો ખર્ચ બહુ મોટો હતો. છતાં, તેમનાથી વધારે તાકાતવાન કોઈ ન હોવાથી, બીજાં પ્રાણીઓ સાથે મળીને તે જંગલનો વહીવટ ચલાવતા હતા.  શિયાળોને હાથીરાજ સામે બહુ વાંધો હતો. તેમને થતું હતું કે પહેલેથી શિયાળવાંની ઉપેક્ષા થતી આવી છે. તેમને લુચ્ચાં, કિન્નાખોર, દુષ્ટ ગણવામાં આવ્યાં છે. વર્ષોથી તે જંગલમાં પોતાની હાજરી—જે ઘણાને ન્યૂસન્સ વૅલ્યુ લાગતી હતી—પુરાવતાં રહ્યાં છે. છતાં જંગલમાં તેમના પ્રદાનની કોઈએ કદર કરી નથી. કેટલાંક વૃદ્ધ શિયાળ જંગલના ઇતિહાસમાં પોતાના વડવાઓના પ્રદાન વિશે—એટલે કે પ્રદાન ન હોવા વિશે--શરમ અનુભવતાં હતાં. પણ બદલાયેલાં સમયનાં શિયાળો એમ ગાંજ્યાં જાય એવાં ન હતાં. તેમાંથી એક શિયાળને થયું કે હાથીઓ સાથે તેમની પીચ પર રમવા જઈશું, તો સાત જનમેય આપણો વારો નહીં આવે. એને બદલે હાથીઓ આપણી શરતે રમવા આવે, એવું કંઈક કરવું જોઈએ.  

મુખિયા બનવા માગતા શિયાળે પસંદ કરેલા કેટલાક સાગરીતો સમક્ષ આ વાત મૂકી, ત્યારે પહેલાં તો સન્નાટો છવાઈ ગયો. કારણ કે ત્યાર પહેલાં શિયાળાઓએ એક જ દિશામાં કામ કર્યું હતું. જંગલમાં વિવિધ પ્રાણીઓ વચ્ચેની દુશ્મનાવટ કેમ કરીને વધે, તે માટે તે પ્રયત્નશીલ રહેતાં. આમ કરવામાં તેમને ફાયદો એ હતો કે ધીમે ધીમે પ્રાણીઓનો એક સમુહ કાળા-ધોળા હાથીઓની નેતાગીરી પ્રત્યે અવિશ્વાસ સેવતો થઈ ગયો હતો. તેમને થવા લાગ્યું હતું કે હાથીઓ નકામા છે. એટલું જ નહીં, ઘણા પ્રાણી સમુદાયોની અવદશા માટે તે સીધેસીધા જવાબદાર છે. તેમના કારણે જંગલની દશા બેઠી છે અને આવું જ ચાલ્યું તો જંગલમાંથી અમુક પ્રાણીઓની પ્રજાતિઓનું નામોનિશાન એવી રીતે મટી જશે, જેમ ડાયનોસોર પૃથ્વીના પટ પરથી ભૂંસાઈ ગયાં.

આમ, વાતાવરણ થોડુંઘણું તૈયાર થયેલું હતું. તેમાં મુખિયા બનવા માગતા શિયાળે આયોજન રજૂ કર્યું, એટલે શિયાળો વિચારમાં પડી ગયાં. પ્લાન અત્યંત મહત્ત્વાકાંક્ષી હતો અને સફળ થાય તો જંગલમાં શિયાળરાજ સ્થપાઈ જાય, તે નક્કી હતું. પણ તેના માટે જંગલના જે કંઈ ધારાધોરણો છે તે બધાં સદંતર નેવે મૂકી દેવાં પડે. શિયાળ સમુદાયને અમસ્તો પણ ધારાધોરણો માટે ખાસ પ્રેમ ન હતો. છતાં, તેમને લાગતું હતું કે તેમને સાવ નેવે મૂકી દેવાય? મુખિયા થવા માગતા શિયાળે સમજાવ્યું કે આ તો થોડા સમયનો સવાલ છે. એક વાર જંગલમાં શિયાળરાજ થઈ ગયા પછી આપણે નવેસરથી, આપણને અનુકૂળ પડે એવી રીતે ધારાધોરણો લાવીશું અને તેનો કડકાઈથી અમલ પણ કરાવીશું.

એક વૃદ્ધ શિયાળ આ બધું સાંભળી રહ્યું હતું. તેણે વર્ષોથી મુખિયા થવાનું સપનું જોયું હતું, પણ તે કદી પૂરું થયું ન હતું. તેને લાગ્યું કે કદાચ શિયાળરાજ આવી જાય તો તેનું સપનું સાકાર થાય. એટલે તેણે પણ મહત્ત્વાકાંક્ષી શિયાળને ટેકો આપ્યો. ત્યારે તેને ખ્યાલ ન હતો કે શિયાળ સમુદાયની અને જંગલના હિતની વાત કરી રહેલા શિયાળના મનમાં શી ગણતરી હતી. મુખિયા બનવા થનગનતા શિયાળે પણ પોતાની મુખિયાગીરી જાહેર કરવાને બદલે, શિયાળ સમુદાય વતી, તેના હિત માટે આખું આયોજન હોવાનો ડોળ ચાલુ રાખ્યો. ઝરખ જેવાં કેટલાંક હિંસક પ્રાણી સમુદાયોનો શિયાળ સમુદાયને બિનશરતી ટેકો હતો. કારણ કે તેમને લાગતું હતું કે જંગલમાં હાથીરાજ જશે અને શિયાળરાજ આવશે તો તેમના પણ સારા દિવસો શરૂ થશે.

કેટલાંક જિજ્ઞાસુ શિયાળોએ મુખિયા બનવા માગતા શિયાળને પૂછ્યું કે આ બધું તો બરાબર, પણ આપણે કરવાનું શું? તેનો જવાબ હતોઃ આપણે જે કંઈ કરીએ તે જંગલના હિતમાં છે, એવું ગાઈવગાડીને કહેતા રહેવું પડશે. હાથીઓએ જંગલને કેટલું બરબાદ કર્યું છે અને જંગલમાંથી હાથીઓને શા માટે હાંકી કાઢવા જોઈએ, તે સમજાવવા મચી પડવાનું રહેશે. તે માટે હજારોની સંખ્યામાં પોપટોને કામે લગાડવા પડશે, જે આખો દિવસ આપણું પઢાવેલું રટ્યા કરે. આપણે ભૂલથી કે ઉંઘમાં પણ, કોઈ પણ હિસાબે સાચું ન બોલી જઈએ તેનું ધ્યાન રાખવું પડશે અને જૂઠાણું શક્ય એટલા વધારે જોરથી બોલવાનું રહેશે. આ કામ માટે અઢળક સામગ્રીની અને સાગરીતોની જરૂર પડશે. જંગલમાં જુદા જુદા ઠેકાણે શિયાળ-ઝરખ-વરૂ જેવાં પ્રાણીઓની ટુકડીઓ ઊભી કરવી પડશે, જે જંગલના કોઈ પણ ખૂણે આપણા વિશે વાત થતી હોય ત્યાં જઈને આતંક મચાવે અને આપણો કક્કો ખરો કરાવીને જંપે. કોઈ વાત ન કરતું હોય ત્યાં જઈને પણ તેમણે દરેકેદરેક બાબતમાં શિયાળોનું મહિમાગાન કરવું પડશે. જંગલમાં વરસાદ પડે તો શિયાળોને કારણે પડ્યો અને દુકાળ પડે તો તે હાથીઓને કારણે, એવું બધું લોકોને સતત ઠસાવ્યા કરવું પડશે. જંગલનાં બધાં પ્રાણીઓને લાગવું જોઈએ કે શિયાળ જ ઉદ્ધારક છે અને શિયાળરાજ આવશે તો જંગલનો ઉદ્ધાર થઈ જશે. પણ એવું ન થયું તો જંગલનું નામોનિશાન મટી જશે.

આ પ્રમાણેનું આયોજન સફળતાપૂર્વક અમલમાં મુકાયું. ત્યાર પછી શિયાળની વાર્તા ચાલુ છે, પણ જંગલની વાર્તા પૂરી થઈ ચૂકી છે.

Tuesday, August 03, 2021

જૂઠું બોલવાના ક્લાસ

મથાળું વાંચીને કોઈ રાજકીય પક્ષમાં જોડાવાની વાત હોય એવું લાગી શકે છે. એટલે પહેલી સ્પષ્ટતા એ કે આ કોઈ પક્ષની કે ‘સાંસ્કૃતિક સંગઠન’ની જાહેરખબર નથી. ત્યાં તો થિયરીનો નહીં, પ્રૅક્ટિકલનો મહિમા હોય છે. જૂઠું બોલવા માટે તેમને તાલીમ નથી લેવી પડતી કે અભ્યાસ નથી કરવો પડતો. તેમનાં વૈવિધ્યપૂર્ણ, મૌલિક જૂઠાણાં પરથી થિયરીબાજો થિયરી બનાવીને અભ્યાસક્રમ તૈયાર કરી શકે છે. ગાંધીજી જેમ સત્યાગ્રહ થકી નવો ઇતિહાસ રચવાની અભિલાષા સેવતા હતા, તેમ વર્તમાન ભારતીય આગેવાનો અસત્યાચરણ દ્વારા નવો ઇતિહાસ સર્જી રહ્યા છે—અને તેમાં સફળતાના મામલે તેમણે ગાંધીજીને પાછળ છોડી દીધા છે.

સામાન્ય સ્થિતિનો છોકરો કે છોકરી મોટી સફળતા મેળવે, તેનાથી બીજા સેંકડો છોકરા-છોકરીઓના મનમાં પણ એવી સફળતાની ઇચ્છા જાગે છે. એટલું જ નહીં, પહોંચની બહાર લાગતી સફળતાની તેમને આવા કિસ્સા જાણ્યા પછી પહોંચમાં લાગવા માંડે છે. એવું જ રાજકારણમાં થાય તો? અત્યારે રાજકારણમાં કારકિર્દી બનાવવા માટે અઢળક નાણાં વાપરવાની, વાપરવા માટે સંઘરવાની અને સંઘરવા માટે ઉઘરાવવાની-ખંખેરવાની આવડતની જરૂર પડે છે. પરંતુ કેટલાક નેતાઓની સફળતાની કથાઓ સાંભળીને સામાન્ય સ્થિતિનાં છોકરા-છોકરીઓને ચા કે પકોડા કે કેરી વેચતાં વેચતાં ઉપર સુધી પહોંચવાનાં અરમાન જાગે તો શું? તેમની આર્થિક સ્થિતિ એવી હોય નહીં કે તે રૂપિયાનો રાજમાર્ગ બનાવીને આગળ વધી શકે. પરંતુ આસપાસ જોતાં અને થોડો વધુ અભ્યાસ કરતાં તેમને સમજાશે કે અત્યારે જૂઠું બોલવાનો જબરો મહિમા છે. જે રીતે, ઠંડા કલેજે, પેટનું પાણી પણ ન હાલે ને કપાળે કરચલી સરખી ન પડે એ રીતે, ટાંટિયા ઢીલા ન થાય કે ધ્રુજે નહીં એમ, છાતી કાઢીને, મુઠ્ઠી પછાડીને, ગળું ફાડીને જૂઠું બોલાઈ રહ્યું છે, તે જોતાં રાજકારણમાં જવા માટે જૂઠાણામાં માસ્ટરી હોવી એ તેમને અનિવાર્ય શરત પણ લાગે.

જે અભ્યાસક્રમો કર્યા પછી પણ કશો શક્કરવાર વળવાનો નથી, તેમની પ્રવેશપરીક્ષામાં પાસ થવા માટે મોંઘાદાટ ક્લાસ ચાલતા હોય તો, અબજો રૂપિયાનો મામલો જેની સાથે સંકળાયેલો છે એવા રાજકારણના ક્ષેત્રમાં જવા માટે ક્લાસ ન હોવા જોઈએ? ના, એ ક્લાસમાં નાગરિકશાસ્ત્ર કે રાજ્યશાસ્ત્ર શીખવવાની કશી જરૂર નથી. કોઈ પણ ચબરાક વિદ્યાર્થીને તે સમયનો અને શક્તિનો બગાડ લાગશે. ઉત્સુક વિદ્યાર્થીઓની અપેક્ષા એવી જ રહેવાની કે ‘દેશની ટોચની નેતાગીરી જે પ્રકારે, જે માત્રામાં અને જે કક્ષાનું જૂઠું બોલે છે, તે સ્તરે અમારે પહોંચવું છે. ત્યાર પછી બાકીનું અમે ફોડી લઈશું. ત્યાં પહોંચી ગયા પછી ડિગ્રીઓ વિશે પણ જૂઠું ક્યાં નથી બોલી શકાતું?’ 

જે વિદ્યાર્થીઓ આગળ જણાવ્યા પ્રમાણે જૂઠાણાંનો મહિમા સમજી-સ્વીકારી શકે, તે ઉદારમતવાદીઓ જેવા ચોખલિયા, સરકારવિરોધી, હિંદુવિરોધી, દેશવિરોધી, અર્બન નક્સલ નહીં હોવાના. કેમ કે, દુષ્ટ ઉદારમતવાદીઓ કોઈ પણ મુદ્દાને અવળી રીતે રજૂ કરવામાં માહેર હોય છે. એ ડાબેરી, નક્સલ, રાજદ્રોહના કેસને લાયક દેશવિરોધીઓ પૂછશે, ‘મંત્રી થઈને જૂઠું કેમ બોલો છો?’ આ સવાલમાંથી દેશભક્તિનો હળહળતો અભાવ છલકાય છે. કોઈ પણ રાષ્ટ્રવાદી વ્યક્તિ હશે તે એવી રીતે વિચારશે કે ‘આ નર-નારીઓ કેવાં ઉન્નત, કેવાં ઉમદા, કેવાં લાયક હશે કે તે નરાતળ જૂઠું બોલતાં હોવા છતાં તેમને મંત્રીમંડળમાં સામેલ કરવાં પડ્યાં છે. નક્કી તેમના જૂઠાણા પાછળ પણ એવું કોઈ રહસ્ય હશે, જે દેશહિતમાં જાહેર કરી શકાતું નહીં હોય.’

વર્તમાન બ્રાન્ડનો રાષ્ટ્રવાદ રગેરગમાં, ખાસ કરીને મગજમાં, ચઢી ગયો હોય એ તો વિચારશે, ‘આ કેવા મહાન આત્માઓ છે, જે રાષ્ટ્રના હિતમાં આટલું ઉઘાડેછોગ જૂઠું બોલી રહ્યાં છે. બાકી, આપણને પણ ખબર પડી જાય કે તે જૂઠાણું છે, તો શું તેમને નહીં ખબર પડતી હોય? પણ રાષ્ટ્રના હિતમાં ભવ્ય ત્યાગ કરવાની પરંપરામાં તેમણે સત્યનો ત્યાગ કરીને પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું છે.’

આમ, સફળતાના રાજમાર્ગ તરીકે અથવા રાષ્ટ્રના સર્વોચ્ચ હિત માટે જૂઠાણું અનિવાર્ય ગણાતાં, તેની પદ્ધતિસરની તાલીમ જરૂરી બની શકે. આ ક્ષેત્રનાં ટોચનાં નામો પાસે ક્લાસ ચલાવવાનો સમય હોય નહીં. તે ક્લાસ ચલાવે કે દેશ? એટલે શિક્ષણની જેમ અહીં પણ ‘જૂઠાણાં-સહાયકો’થી કામ ચલાવવું પડશે. વર્તમાન રિવાજ પ્રમાણે સૌથી પહેલાં કોર્સની સામગ્રી નહીં, પણ તેની ફી નક્કી કરવી પડે અને ક્લાસ જૂઠાણાંના હોવાથી, ફી પહેલેથી લઈ લેવી પડે. બાકી, ક્લાસમાં તેજસ્વી નીવડનારા વિદ્યાર્થીઓ પોતે આવા કોઈ ક્લાસ કર્યા છે તે માનવાનો જ ઇન્કાર કરી દે. બીજા શિક્ષણક્લાસની પરંપરામાં જૂઠાણાના ક્લાસના સંચાલકો પણ વિઝિટિંગ ફૅકલ્ટી તરીકે જાહેર જીવનના જાણીતા નિષ્ણાતોની પ્રતિભાનો અને ખાસ તો તેમના હોદ્દાનો લાભ લઈ શકે. તે હોર્ડિંગમાં જણાવી શકે કે ‘કોવિડના બીજા વેવમાં ગુજરાતમાં ઑક્સિજનના અભાવે એક પણ મૃત્યુ થયું નથી, એવું જાહેર કરનારા મહાનુભાવ અમારા ક્લાસના વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવા આવશે અને ઓછા રસીકરણ માટે રાહુલ ગાંધી જવાબદાર છે, એવું કહેનાર અમારાં વિઝિટિંગ ફૅકલ્ટી છે.’

જૂઠાણાંના ક્લાસને સામાજિક સ્વીકૃતિ મળતાં જરાય વાર નહીં લાગે, એવું વર્તમાન પરિસ્થિતિ જોતાં કહી શકાય. જો આ દિશામાં યોગ્ય કામ થશે તો ભવિષ્યમાં મંત્રીમંડળોની આખેઆખી સમુહ તસવીરને ક્લાસના સંચાલકો ‘અમારા ક્લાસના તેજસ્વી તારલા’ તરીકે ખપમાં લઈ શકશે.