Saturday, May 30, 2020
છાણના દેવ, કપાસિયાની આંખો : જેવી સરકાર, તેવા સૉલિસિટર જનરલ
મોડે મોડેથી
સર્વોચ્ચ અદાલતે શ્રમિકોની અવદશા ભણી જોયું છે અને સામે ચાલીને,
સુઓ-મોટો, કેસ દાખલ કર્યો છે. તેનું નામ છેઃ ‘પ્રૉબ્લેમ્સ એન્ડ મિઝરીઝ ઑફ માઇગ્રન્ટ વર્કર્સ’. જસ્ટિસ
અશોક ભૂષણ, જસ્ટિસ એસ કે. કૌલ અને જસ્ટિસ એમ. આર. શાહની
બનેલી બૅન્ચે ૨૮ મે, ૨૦૨૦ના રોજ આ કેસની સુનાવણી દરમિયાન
સરકારને ઘણા સવાલ કર્યા અને નિર્દેશો પણ આપ્યા. તેમાંથી કેટલીક વિગતો પ્રસાર
માધ્યમોનાં મથાળાંમાં આવી છે. પરંતુ સુનાવણી દરમિયાન સરકારનો પક્ષ રજૂ કરનાર
સોલિસિટર જનરલ તુષાર મહેતાની રજૂઆતો ખાસ જાણવા જેવી છે. આટલી મોટી મહામારી અને
શ્રમિકોની સરકારસર્જિત કારુણી પછી, સોલિસિટર જનરલ (હવે પછી SG) કઈ ભાષામાં વાત કરી રહ્યા છે અને શ્રમિકોની પીડા અંગે દાદ માગનાર સામે
સહાનુભૂતિને બદલે સતત શેરીયુદ્ધછાપ વળતા પ્રહારની મુદ્રામાં જ પેશ આવે છે, એ જોવા જેવું છે. હોદ્દાને ભાગ્યે જ શોભે એવા તેમના આ મિજાજ પરથી તેમના
સાહેબોની માનસિકતાનો પણ ઠીક અંદાજ મળી રહે એમ છે.
સૌથી પહેલાં તેમના કેટલાક સંવાદ જોઈએ,
જે ‘લાઇવ લૉ’ વેબસાઇટના સૌજન્યથી અહીં
ટાંક્યા છે. (મૂળ સંવાદમાંથી ધ્યાન ખેંચવા માટે આ લેખ પૂરતા કેટલાક શબ્દો અને
શબ્દપ્રયોગોનો રંગ બદલ્યો છે)
SG: મારી એક ફરિયાદ છે. કેટલાક મીડિયા રિપોર્ટ અને કેટલાક લોકો વિશે—હું બે ફરિયાદ નોંધાવવા માગું છું. એવા કેટલાક લોકો છે—‘પ્રૉફેટ ઓફ ડૂમ’ (કાળવાણી
કાઢનારા) —જે ખોટી માહિતી ફેલાવે છે. દેશ માટે જરાય વિવેક
દર્શાવતા નથી. આ લોકો સોશિયલ મીડિયા પર લખ્યા કરે છે ને ઇન્ટરવ્યૂ આપતા ફરે છે. (સરકાર
દ્વારા) જે થાય છે તેની સાદી પહોંચ સુદ્ધાં તે આપી શકતા નથી..રાજ્ય સરકારો અને
મંત્રીઓ રાત જાગીને કામ કરી રહ્યા છે. તેની નોંધ લેવા જેટલો દેશપ્રેમ પણ તેમનામાં (ટીકાકારોમાં) નથી. માનવજાત સૌથી
કઠણ પડકારનો સામનો કરી રહી છે. છે. કેન્દ્ર સરકાર કોવિડ-૧૯ને અટકાવવા માટે ઘણું
કરી રહી છે, પણ આપણા દેશમાં રહેલા પ્રોફેટ્સ
ઓફ ડૂમ નકારાત્મકતા, નકારાત્મકતા અને નકારાત્મકતા જ ફેલાવી રહ્યા છે. આ આર્મ ચેર ઇન્ટલેક્ચુઅલ્સ રાષ્ટ્રના
પ્રયાસોને જોઈ શકતા નથી.
એક ફોટોગ્રાફર ૧૯૮૩માં સુદાન ગયો. ત્યાં
એક બાળક બેહાલ અવસ્થામાં પડ્યું હતું અને ગીધ બાળકના મૃત્યુની રાહ જોતું બેઠું
હતું. ફોટોગ્રાફરે એ ફોટો પાડ્યો. ન્યૂ યોર્ક ટાઇમ્સમાં એ ફોટો છપાયો અને
ફોટોગ્રાફરને પુલિત્ઝર પ્રાઇઝ મળ્યું. ચાર મહિના પછી તેણે આત્મહત્યા કરી લીધી. એક
પત્રકારે તેને પૂછ્યું હતું, ‘પછી બાળકનું શું થયું?’ ફોટોગ્રાફરે કહ્યું, ‘મને ખબર નથી. હું તો ઘરે આવી
ગયો હતો’. એટલે પત્રકારે તેને પૂછ્યું, ‘ત્યાં કેટલાં ગીધ હતાં?’ ફોટોગ્રાફરે કહ્યું ‘એક’. પત્રકાર કહે, ‘ના,
બે હતાં. એકના હાથમાં કૅમેરા હતો’.
આ આર્મચેર
એક્ટિવિસ્ટોને ન્યાયાધીશો તો જ તટસ્થ લાગે, જો તે સરકારની
ઝાટકણી કાઢે. મુઠ્ઠીભર લોકો જ આખી સંસ્થા પર કબજો કરવા માગશે તો એડીએમ જબલપુરના
કિસ્સા જેવું થશે. (શ્રમિકોના મામલામાં) દરમિયાન થવા
માગતા બધા લોકોએ બાળક અને ગીધવાળી વાત યાદ રાખવા જેવી છે.
પૂછવા જેવો સવાલ તો એ છે કે તેમણે શું પ્રદાન કર્યું? અદાલતે
તેમને તેમના પ્રદાન વિશે એફિડેવિટ ફાઇલ કરવા કહેવું જોઈએ? સોશિયલ
મીડિયા પર લખવા સિવાય, લેખો લખવા સિવાય કે ઇન્ટરવ્યૂ આપવા
સિવાય? સફાઈ કર્મચારીથી માંડીને વડાપ્રધાન સુધીના લોકો અણથક
કામ કરી રહ્યા છે.
કોઈને આ પ્લેટફોર્મ રાજકીય ઉપયોગ માટે
વાપરવા ન દેતા. (શ્રમિકોનો મુદ્દો લઈને) અદાલતમાં આવનારા લોકોને પહેલાં એમના
પ્રદાનની એફિડેવિટ ફાઇલ કરવા દો.
જસ્ટિસ સંજય કૃષ્ણ કૌલઃ
સંસ્થાના હિસ્સારૂપ વ્યક્તિઓ જ માનતી હોય કે તેં સંસ્થાને ઉતારી પાડી શકે છે, તો
તે કમનસીબ છે. આપણે આપણા અંતરાત્મા પ્રમાણે વર્તવું જોઈએ.
SG: કેટલીક
હાઇ કોર્ટો સમાંતર સરકાર ચલાવી રહી છે.
***
આગળની વાતો
સોલિસિટર જનરલે અદાલત સમક્ષ કરેલી આરંભિક રજૂઆતમાંથી લીધી છે. તેમાંથી ધ્યાન ખેંચે
એવી કેટલીક બાબતોઃ
૧) સરકારના
અણઘડ-અસંવેદનશીલ મૅનેજમૅન્ટની ટીકા કરનારા સામે SG પ્રાથમિક ધોરણે દેશ, દેશપ્રેમ, દેશ માટેનો વિવેક વચ્ચે લઈ આવે છે અને
એવું સિદ્ધ કરવા માગે છે કે સરકારની ટીકા કરનારા બધા દેશવિરોધી છે અથવા તેમને દેશ
માટે લાગણી નથી. આ તરકીબ જૂની ભલે થઈ, પણ સરકારને લાગે છે કે
તે હજુ અસરકારક નીવડી શકે છે—ખાસ કરીને સરકારને વર્તમાન શરમજનક સ્થિતિમાંથી ઓછામાં
ઓછા રાજકીય નુકસાન સાથે બહાર કાઢવામાં.
૨) બીજું શસ્ત્ર
એટલે સચ્ચાઈને નકારાત્મકતા તરીકે ખપાવી દેવી અને પછી નકારાત્મકતાની ટીકા કરવી. આવી
કહેવાતી, સગવડિયા અને કુશાસન પ્રત્યે આંખમીંચામણાંના પર્યાય જેવી
હકારાત્મકતા વિશે આ પાનાં પર અગાઉ ઘણું આવી ચૂક્યું છે. તેના પુનરાવર્તનની જરૂર
નથી.
૩) કરુણ સચ્ચાઈ
બતાવતા પત્રકારો ને તસવીરકારો ખૂંચે છે. એટલે તેમને ગીધ તરીકે બદનામ કરી દેવાય તો
નિરાંત થાય. જેમનાં પોતાનાં નાક કપાયેલાં હોય તેમને ખબર હોય છે કે પોતાનું નાક તો
સાંધી શકાય તેમ નથી. એવા સંજોગોમાં શરમ કેમ છુપાવવી અને કેમ કરીને લાજવાને બદલે
ગાજતા ફરવું? સિમ્પલઃ નાકવાળા લોકોનાં નાક પણ કાપવા માંડો. એટલે આપોઆપ બધા
સરખા લાગશે, પછી રહેશે ફક્ત
નકટાઓ અને તેમાં તો આપણને કોણ પહોંચે એમ છે? બાકી, સરકાર રાતદિવસ જાગે છે તો પત્રકારો પણ રાતદિવસ એક કરીને પરિસ્થિતિ ઉજાગર
કરી રહ્યા છે અને ઘણા કિસ્સામાં કોરોનાગ્રસ્ત પણ બની રહ્યા છે. પણ પોતાનું કામ
નિષ્ઠાથી કરવા બદલ તેમને દેશના SG તેમની સરખામણી ગીધ સાથે
કરવી જોઈએ, એવો ઈશારો કરે છે—અને હા,
કાશ્મીરના ફોટોગ્રાફરોને પુલિત્ઝર પ્રાઇઝ મળ્યું તેની બળતરા પણ કાબૂમાં રહી શકતી
નથી અને આવા ઠેકાણે પણ ફૂટી નીકળે છે.
૪) શ્રમિકોની
મુશ્કેલી માટે અદાલતમાં આવનારાને સરખા જવાબ આપવાને બદલે તમે શું કર્યું?
એવું દેશનો સોલિસિટર જનરલ પૂછે તે ‘વૉટઅબાઉટરી’ એટલે કે ‘ત્યારે-તમે-ક્યાં-હતા’ માનસિકતાનો કનિષ્ઠ નમૂનો છે. આ સરકારને કોઈ સવાલ પૂછે તેની એટલી બધી ચીડ
હોય એમ લાગે છે કે પોતે લોકોને ઉત્તરદાયી છે એ વાત તેના વર્તનમાં ક્યાંય દેખાતી જ
નથી. અદાલતો કાંઠલા પકડીને પૂછે નહીં, ત્યાં સુધી તો તે
પ્રશ્ન પણ સાંભળતા નથી-સીધા વળતા પ્રહાર માટે મચી પડે છે અને અદાલત પૂછે ત્યારે
સાચા જવાબ આપવાને બદલે બીજાં તિકડમ લડાવે છે.
૫) પાછા અદાલતને
પણ યાદ અપાવી દે છે કે આ લોકો તો તમારા વિશે પણ ખરાબ બોલે છે. (મતલબ,
તમે આવા લોકોની વાત ગણકારશો?) પરંતુ કેટલાંક રાજ્યોની હાઇ
કોર્ટે સરકારની ઝાટકણી કાઢતા આદેશ આપ્યા એ તેમનાથી સહન થતા નથી અને બખાળાબાજીમાં
બોલી જાય છે કે કેટલીક હાઇ કોર્ટો સમાંતર
સરકાર ચલાવે છે. તેમની આ વાત પરથી તેમના મનમાં અદાલતો માટે કેવો ભાવ છે, તે પણ સ્પષ્ટ થઈ જાય છે.
***
હવે કેટલીક
વ્યક્તિઓ સાથે આ દેશના સોલિસિટર જનરલનો દલીલ કરવાનો અંદાજ જુઓઃ
અદાલતઃ શ્રમિકોની
નોંધણી, પરિવહન અને ભોજન-પાણીની વ્યવસ્થામાં ઘણાં ગાબડાં અમારા ધ્યાને
આવ્યાં છે. નોંધણી પછી પણ પોતાના વારા માટે શ્રમિકોએ બહુ વખત સુધી રાહ જોવી પડે
છે.
ધારાશાસ્ત્રી ઇન્દિરા જયસિંઘઃ ચાર
કરોડ સ્થળાંતરિત શ્રમિકો પાછા જવાની રાહ જોઈને બેઠાં છે. SG
કહે છે કે આવશ્યક ચીજવસ્તુઓની હેરફેર માટે વપરાતી ટ્રેનો બીજે વાળી શકાય નહીં. પણ
અત્યારે કુલ ૩ ટકા ટ્રેનો વપરાઈ રહી છે.
SG: તમે જેમને પાછા જવું નથી એવા બાકીના શ્રમિકોને પાછા જવા
માટે ઉશ્કેરી રહ્યા છો?
ઇન્દિરા જયસિંઘઃ
(ટ્રેનોનું પ્રમાણ) અમે રેલવેની અખબારી યાદીમાંથી સંખ્યા આપી છે અને સ્થળાંતરિત
શ્રમિકોનો આંકડો કેન્દ્ર સરકાર દ્વારા સુપ્રત કરાયેલા એક અહેવાલમાંથી ટાંક્યો છે.
ધારાશાસ્ત્રી કપિલ સિબ્બલઃ વર્તમાન
સ્થિતિમાં બધા શ્રમિકોને ઘરે પહોંચતાં ત્રણ મહિના લાગી જશે.
SG: એ લોકો ઘરે જવા માગતા નથી, એ સમજાય છે તમને?
સિબ્બલઃ એવું તમે શી
રીતે કહી શકો?
SG: મેં કહ્યું ને કે
લોકો સ્થાનિક ઉશ્કેરણીને કારણે પગપાળા નીકળી પડ્યા હતા.
સિબ્બલઃ આ
હ્યુમેનિટેરિઅન (લોકહિતને લગતી) કટોકટી છે. તેને રાજકારણ સાથે કશી લેવાદેવા નથી ને
તેને અંગત રીતે લેવાની જરૂર નથી.
SG: આ રાજકીય મંચ ન
બનવો જોઈએ.
સિબ્બલઃ આ
હ્યુમેનિટેરિઅન કટોકટી છે.
SG: આ કટોકટીમાં તમારું શું યોગદાન છે?
સિબ્બલઃ ચાર કરોડ રૂ. એ
મારું યોગદાન છે.
અદાલતઃ (બિહારના
સરકારના ધારાશાસ્ત્રીને) તમારું રાજ્ય એક માત્ર એવું રાજ્ય છે,
જે ટિકિટના રૂપિયા પાછા આપે છે. પણ માણસ પાસે (ટિકિટ ખરીદવાના) રૂપિયા તો હોવા
જોઈએ ને. કોઈ શ્રમિક પાસેથી ભાડું વસૂલવાનું નથી..એ ખર્ચ માટે રાજ્યો વચ્ચે ગોઠવણ
થવી જોઈએ.
બિહાર સરકાર વતી ધારાશાસ્ત્રી મનીષ કે. સિંઘવીઃ મેં તો
સાંભળ્યું છે કે ટિકિટના રૂપિયા કેન્દ્ર-રાજ્ય ૮૫ ટકા-૧૫ ટકાના ધોરણે ચૂકવવાનાં
છે.
SG: દરેક રાજ્યનું જુદું આયોજન છે.
***
સુનાવણીની
શરૂઆતમાં અદાલતે વતન પાછા ફરતા શ્રમિકોના રેલવેના ભાડા બાબતે શી સ્થિતિ છે તેની
ચોખવટ પૂછી. SGનો જવાબ હતોઃ શ્રમિકો જ્યાંથી બેસે
તે રાજ્ય ટિકિટનો ખર્ચ ભોગવે છે કે પછી શ્રમિકો જ્યાં પહોંચ તે રાજ્ય એ ખર્ચ ભોગવે
છે. કેટલાક કિસ્સામાં, શ્રમિકો
જ્યાં પહોંચે છે તે રાજ્યો તેમને ટિકિટના રૂપિયા ચૂકવી આપે છે...શ્રમિકોનું
ટિકિટભાડું કેન્દ્રસ્તરેથી નક્કી કરી શકાય નહીં. માટે એ રાજ્યો પર છોડી દેવાયું
છે. (આપણને સવાલ થાય કે શ્રમિકો પાસેથી ભાડું લેવું જ નહીં, એવું તો કેન્દ્ર નક્કી કરી શકે કે નહીં? રેલવે તો કેન્દ્રની માલિકીની છે.) અદાલતે કહ્યું કે ‘શ્રમિકોને ખબર ન હોય કે કયું રાજ્ય ભાડું ચૂકવશે કે તેમની
પાસે પરિવહનની કોઈ સુવિધા ઉપલબ્ધ છે કે નહીં. માટે આ બાબતે એકસરખી નીતિ હોવી જોઈએ.
નહીંતર ગુંચવાડા થશે.’ ત્યાર
પછી અદાલતે બધા સ્થળાંતરિતોને તેમના વતન પહોંચાડવા માટે કેટલો સમય લાગશે અને
પ્રવાસ માટે નોંધણી કર્યા પછી તેમને કેટલો સમય રાહ જોવી પડે છે, તે પૂછ્યું. અદાલતના વધુ કેટલાક સવાલ હતાઃ ‘જેમને હજી લઈ જવાના બાકી છે,
તેમની પાસેથી કોઈ પણ તબક્કે કોઈ પણ પ્રકારની રકમની માગણી કરવામાં આવી છે? ફુડ કૉર્પોરેશન ઑફ ઇન્ડિયા પાસે અનાજનો પૂરતો જથ્થો છે, એવા સંજોગોમાં પાછા જવાની વાટ જોતા લોકોને અન્ન પૂરું
પાડવામાં આવે છે? તેમને
જ્યાં જવું છે ત્યાં પહોંચાડવામાં કેટલો સમય લાગશે?
તેમની અન્ન અને પ્રાથમિક જરૂરિયાતો સંતોષાય તેની દેખરેખ માટે શી વ્યવસ્થા
ગોઠવવામાં આવી છે?’ અદાલતે
કહ્યું કે કેન્દ્ર સરકાર કશું કરતી નથી એવું અમે કહેતા નથી. પણ હજુ ‘બીજાં પગલાં લેવાની જરૂર છે.’
SGએ જવાબ
આપતાં કહ્યું કે આશરે ૧ કરોડ સ્થળાંતરિતોને અત્યાર લગીમાં તેમના સ્થાને પહોંચાડી
દેવાયા છે. છે. ઘણા ઠેકાણે આર્થિક પ્રવૃત્તિઓ ફરી શરૂ થતાં શ્રમિકોએ પાછા જવાની ના
પાડી છે. તેનો અંદાજ રાજ્યો વધુ સારી રીતે આપી શકશે.
અદાલતે ફરી પૂછ્યું, ‘સ્થળાંતરિતોને તેમના સ્થાને
પહોંચાડવામાં કેટલો સમય લાગશે? તે માટે
શી વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે? તેમને
ખબર છે કે તેમને પાંચમા કે સાતમા કે દસમા દિવસે લઈ જવામાં આવશે? એક માણસને કહેવામાં આવ્યું હોય કે તેને પાછો લઈ જવામાં આવશે
તો કંઈક તો ઠેકાણું હોય ને કે તેને અઠવાડિયામાં કે દસ દહાડામાં લઈ જવાશે. એ
સમયગાળો કેટલો છે?’
SGએ કહ્યું
કે તેને લગતી ચોક્કસ માહિતી રાજ્યો પાસે હશે અને રાજ્યો તેને લગતો અહેવાલ સુપ્રત
કરી શકે. ‘હું માહિતી એકત્ર કરીને પાછો આવીશ. એ
વ્યવસ્થા રાજ્યસ્તરે ગોઠવાયેલી છે. એટલે તેમની પાસેથી માહિતી મેળવવી પડશે. હું
જવાબદારી તેમના માથે નાખી રહ્યો નથી. રાજ્યો એકબીજા સાથે મળીને કામ કરી રહ્યાં છે.’
અગાઉ SGએ
અદાલતને માહિતી આપતાં કહ્યું હતું કે ટ્રેનો થકી રોજના ૧.૮૫ લાખ શ્રમિકોને લઈ
જવાયા છે. એ પ્રમાણે, ૫૦ લાખ
શ્રમિકો ટ્રેનથી અને ૪૭ લાખ શ્રમિકોને સડકરસ્તે લઈ જવાયા છે. તેમણે કહ્યું કે
ભારતીય રેલવે તરફથી ૮૪ લાખ ભોજન મફત આપવામાં આવ્યાં છે. ‘રેલવે દ્વારા ભોજન અને પાણી મફત અપાય છે. પહેલું ભોજન રાજ્ય
સરકાર તરફથી હોય છે. એક વાર ટ્રેન ચાલુ થાય ત્યાર પછી રેલવે ભોજન આપે છે. મુસાફરી
ટૂંકી હોય તો એક ભાણું ને લાંબી હોય તો બે ભાણાં.’
SGએ કહ્યું
કે શ્રમિકોને પડેલી મુશ્કેલીઓના કેટલાક ‘છૂટાછવાયા
બનાવો’ને મીડિયામાં વારંવાર બતાવવામાં આવે
છે. ‘છૂટાછવાયા બનાવો વારંવાર બતાવવાને
કારણે ઘેરી અસર પડે છે.’ તેમણે
કહ્યું કે ‘ઘણા કિસ્સામાં સ્થાનિક ઉશ્કેરણીને
કારણે શ્રમિકો ચાલતા જવા પ્રેરાયા. ચાલતા લોકો વિશે સરકારને (રાજ્યને) જેવી ખબર
પડે કે તરત બસ તેમની પાસે પહોંચે છે અને તેમને નજીકના રેલવે સ્ટેશને લઈ જાય છે.’
***
ટૂંકમાં,
સોલિસિટર જનરલની આક્રમક રજૂઆત પરથી એવું લાગે કે છૂટાછવાયા બનાવો સિવાય બધા
શ્રમિકોનું સરકાર બરાબર ધ્યાન રાખી રહી છે, શ્રમિકોની પીડાને
લગતા જે સમાચાર આવે છે તે નકારાત્મકતા કે પુનરાવર્તનનું પરિણામ છે. પીડિતોનાં
વિરોધ પ્રદર્શન જ નહીં, દેશભરમાંથી લાખો લોકો સડક પર ચાલતા
વતન જવા નીકળી પડે તેમાં સોલિસિટર જનરલને સ્થાનિક ઉશ્કેરણી જવાબદાર લાગે છે. શું
અમદાવાદ કે શું દેશ, આ સરકારનું મિથ્યાભિમાન તેના કેટલાક
અફસરોમાં એવું ઉતરી આવ્યું છે કે એ લોકો સચ્ચાઈનો ધરાર અને મક્કમતાપૂર્વક અસ્વીકાર
કર્યે જ જાય છે.
(નિરીક્ષક વેબવિશેષ, ૩૦-૦૫-૨૦)
Thursday, May 28, 2020
જય 'માતાજી' (પ્રહ્લાદ જાની) નહીં, જય અંધશ્રદ્ધા
મિત્ર-સાથી પ્રણવ અધ્યારુ સાથે ‘માતાજી’ પ્રહ્લાદ જાનીને મળ્યા પછી લખેલો લેખ, (’આરપાર’ ૮ ડિસેમ્બર,૨૦૦૩) જ્યારે દસ દિવસના કહેવાતા અને અવિશ્વસનીય ટેસ્ટિંગના આધારે માતાજી ૬૮ વર્ષથી અન્નજળ વિના જીવતા હોવાનાં પ્રમાણપત્રો ડૉક્ટરોએ ફાડી આપ્યાં અથવા તેમના નામે તે ચાલવા દીંધાં ને અખબારોએ સવાલ કરવાને બદલે તે છાપી માર્યાં.
અફસોસની વાત છે કે આપણાં છાપાં અને પ્રસાર માધ્યમો પણ ધંધા ખાતર કે અંધશ્રદ્ધાળુઓની નારાજગીની બીકે અંધશ્રદ્ધાનાં હોંશીલાં ખેપિયાં બને છે. અહીં મૂકેલા લેખનાં ત્રણ પાનાં ફોટો તરીકે સેવ કરીને, એન્લાર્જ કરીને વાંચી શકાશે.
***
થોડાં વર્ષ પહેલાં સ્ટેન લીની સિરીઝ ‘સુપરહ્યુમન્સ’ જોઈ હતી. તેમાં કોઈ કહે તો માન્યામાં ન આવે એવી વિશિષ્ટ શક્તિ ધરાવતા લોકોની વાત દર અઠવાડિયે રજૂ થતી હતી. દર હપ્તે રજૂ થનાર વ્યક્તિની વિશિષ્ટ શક્તિની એક પછી એક, અઘરામાં અઘરી કસોટીઓ લેવામાં આવે અને છેલ્લે તેમની એ શક્તિનું વૈજ્ઞાનિક ઢબે પૃથક્કરણ કરવામાં આવે.
શરીર બહુ કમાલની ચીજ છે. ડીએનએનાં મ્યુટેશન સહિત બીજાં પરિબળોને કારણે કોઈ કોઈ જણમાં વિશિષ્ટ શક્તિઓ નીપજી આવે એવું બિલકુલ શક્ય છે. પણ એ સિરીઝમાં આવતા લોકો એટલા ઈમાનદાર હતા કે તે પોતાની શક્તિને ચમત્કાર ગણાવતા ન હતા ને અંધશ્રદ્ધાનું પ્રદૂષણ ફેલાવતા ન હતા.
ધારો કે, પ્રહ્લાદ જાની આવી કોઈ શક્તિ ધરાવતા પણ હોય (જેના કશા શ્રદ્ધેય પુરાવા હજુ સુધી મળ્યા નથી અને હવે મળે એમ નથી) તો પણ, તે માતાજીના નામે ચલાવવામાં આવે ત્યારે તૂત જ બની રહે છે. તેમની આવી કથિત શક્તિથી સમાજને કશો ફાયદો થતો નથી. ઉલટું, અંધશ્રદ્ધાની લાંબી પરંપરામાં વધુ એક મણકો ઉમેરાય છે અને એ રીતે સમાજની કુસેવા જ થાય છે. એ કુસેવામાં પોતપોતાના ક્ષેત્રના નિષ્ણાતો પણ ભળે ત્યારે ‘એ દેશની ખાજો દયા..’ સિવાય બીજું શું યાદ આવે?

ગઈ કાલે 'માતાજી' ના અવસાનના સમાચાર આવ્યા ત્યારે તેમને અંજલિ આપતાં મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ લખ્યું
"ચૂંદડીવાળા માતાજી ( શ્રી પ્રહલાદભાઈ જાની ) ના નિધનથી દુઃખની લાગણી અનુભવું છું. વર્ષો સુધી અન્ન અને જળ ન લેનાર ચૂંદડીવાળા માતાજી વૈજ્ઞાનિકો માટે પણ સંશોધનનો વિષય હતા. પરમકૃપાળુ પરમાત્મા એમના આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના. જય અંબે..."
માનનીય મુખ્ય મંત્રીએ ફોડ ન પાડ્યો કે વૈજ્ઞાનિકોએ સંશોધન કર્યું કે નહીં અને કર્યું તો શું પરિણામ આવ્યું. પંદર વર્ષમાં નેતાઓ ન જ સુધર્યા. અને હવે તો નહીં સુધરવાનો લાભ એટલો મોટો છે કે 'હમ નહીં સુધરેંગે' એ માત્ર જડતા નહીં, વ્યૂહરચના પણ હોય છે.
Labels:
gujarat politics,
media,
superstition
Monday, May 11, 2020
ગુજરાત મૉડેલની વાર્તા
એક હતું ગુજરાત મૉડેલ/Gujarat Model. એના જનક તો એને રૂડુંરૂપાળું ને દેશદુનિયાની નજર લાગી જાય એવું ગણાવતા હતા. તે અસ્તિત્વમાં આવ્યું ત્યારથી તેના સાજશણગાર થાય, તેનાં ગીતડાં ગવાય, મોટા મોટા માણસો આવીને તેને રમાડે ને હાથમાં કવર આપીને જાય. ગુજરાત મૉડેલ નામના એ બાળકનું માથું બહુ મોટું ને બાકીનું શરીર અવિકસિત. માથું પણ બહારથી જ વિકસિત. પણ ચહેરા પરનો મેક-અપ એવો જોરદાર કે ભલભલા ફિલ્મી હીરોને ટક્કર મારે. તેને ગળથૂથીમાં જૂઠાણું પીવડાવેલું ને શરીર નકરું લોચા જેવું. નક્કર હાડકું મળે જ નહીં.
તેના જેવું જ બીજું એક બાળક હતું. તેનું નામ ગુજરાત. એ ગુજરાત મૉડેલથી બહુ જુદું. અપટુડેટ-ચકાચક નહીં ને નબળું-પોલું પણ નહીં. ગુજરાત નામના એ બાળકની હાલત જન્મ વખતે ઘણાને નાજુક લાગતી હતી, પણ પછી તે વધતું ગયું. એનાં માવતર અસલના જમાનાનાં. પરિવાર બહોળો. તેમાં બધા હોય. લાડ લડાવનારા પણ હોય અને લપડાક મારનારા પણ હોય. એ બધાની વચ્ચે તંદુરસ્ત બાળકમાંથી ગુજરાત કિશોર, યુવાન અને પ્રૌઢ બન્યું. તેનો સંસાર વિસ્તર્યો. વાસણ હોય એટલે ખખડે તો ખરાં જ. કુટુંબમાં બધાં પ્રકારના સભ્યો હતા. તેમની વચ્ચે અનેક મુ્દ્દે હિંસક-શરમજનક ઝઘડા પણ થતા. અંદરોઅંદરના ભેદભાવ પણ બહુ. છતાં, ઉછેરનો પાયો મજબૂત હતો, એટલે તે પટકાઈને ફરી બેઠું પણ થઈ જતું હતું.
એક વાર કુટુંબના એક સભ્ય બહારથી ‘નયા ગુજરાત’ નામનું એક બાળક લઈ આવ્યા અને જાહેર કર્યું કે આ આપણા જ પરિવારનું સભ્ય છે અને તે આપણી સાથે રહેશે. એ હતું તો બાળક, પણ તેને જોઈને વહાલને બદલે વિચિત્ર લાગણી જાગતી. તે બાળકને કોઈ પણ વાત બઢાવીચઢાવીને કરવાની ટેવ હતી. ઘણી વાર તે વેન કરતું ને તેની જિદ પૂરી ન થાય તો તોડફોડ ઉપર ઉતરી આવતું. પણ તેની ઉપર તેને લઈ આવનારના એવા ચાર હાથ હતા કે એ તેનાં બધાં તોફાન માફ કરી દેતા અને ઉપરથી તેની ટીકા કરનારને દોષી ઠરાવીને ઠપકો આપતા. એ માટે તેમણે બહુ નિરાળી પદ્ધતિ શોધી કાઢી હતી. તેમના આણેલા ‘નયા ગુજરાત’ની ગમે તેવી અવળચંડાઈની કે દુષ્ટતાની કોઈ ફરિયાદ કરવા આવે ત્યારે તે કહેતા હતા, તમે તો ‘ગુજરાતવિરોધી’ છો.
શરૂઆતમાં તો કોઈ તેમનો કાંઠલો પકડીને કહે કે ‘હું આપણા ગુજરાતની નહીં, તમારા નયા ગુજરાત નામના વંઠેલા બાળકની વાત કરું છું’, ત્યારે તે સાંભળતા. પણ ધીમે ધીમે તેમણે કહેવા માંડ્યું, ‘કુટુંબમાં ખોટેખોટા ભાગલા પડાવવાની કોશિશ ન કરશો. ગુજરાત અને નયા ગુજરાત—બધું એકનું એક જ છે.’ તેમનું નયા ગુજરાત નાની વયે હિંસાખોરી કરતું ને રૂપિયાના ગોટાળા કરતું થઈ ગયેલું, તેને લાવનાર સભ્યનો દબદબો ઓસરી ગયા પછી ને તેમનું અવસાન થયા પછી, ‘નયા ગુજરાત’ ખોવાઈ ગયું. એ ક્યાં ગયું તેની કોઈને ખબર ન પડી ને કોઈએ તે જાણવાની દરકાર પણ ન લીધી.
તેના બે-એક દાયકા પછી, બીજા એક વડીલ, લેખની શરૂઆતમાં જેની વાત કરી છે તે ગુજરાત મૉડેલ લઈ આવ્યા. તે હતું તો બાળક, પણ ભગવાનના રૂપ જેવું નહીં, હોરર ફિલ્મોમાં આવતાં બિહામણાં બાળકો જેવું. તેને જોઈને જ લાગે કે આ કોણ જાણે કેટલાના ભોગ લઈને આવ્યું હશે ને કેટલાના ભોગ લેશે. કુટુંબમાં નવા આવેલા ગુજરાત મૉડેલને અગાઉના ગુજરાત સાથે કશી લેવાદેવા ન હતી. ખરેખર તો વડીલને પણ અગાઉના ગુજરાતની પરંપરા સાથે કશી લેવાદેવા રાખવી ન હતી. તેમને પરિવારમાં પોતાનું વર્ચસ્વ જમાવી દેવું હતું. એટલે જ તે આ બાળક લઈ આવ્યા હતા. ધીમે ધીમે વડીલે કહેવા માંડ્યું કે ‘આ ઘરમાં લાઇટ કોણ લાવ્યું, ખબર છે? આ મારું ગુજરાત મૉડેલ. આ ઘરના ધંધારોજગાર કોણ ચલાવે છે? મારું ગુજરાત મૉડેલ. દેશદુનિયામાં આ ઘરનો વટ કોના લીધે છે? અલબત્ત, મારા ગુજરાત મૉડેલને લીધે.’
વડીલના દાવાનો કોઈ વિરોધ કરે ત્યારે તે બમણા જોરથી કહેતા, ‘તમે ગુજરાતના વિરોધી છો. એટલે આવી વાત કરો છો.’ કુટુંબનાં માણસ કહે, ‘અલ્યા ભાઈ, અમે ગુજરાતના નહીં, તારા શેખીબાજ, હિંસક, તોડફોડીયા, જૂઠા, ખોખલા, ખિસ્સાં ખાલી ભપકા ભારી એવા ગુજરાત મૉડેલના વિરોધી છીએ.’ પણ સાંભળે જ કોણ? અગાઉ નયા ગુજરાત વખતે પણ આવું જ થયું હતું ને આ વખતે તો બદલાયેલા જમાનાનો લાભ પણ મોટો હતો. એટલે બિચારું અસલી ગુજરાત બાજુ પર રહી ગયું ને ગુજરાત મૉડેલના ઠેકઠેકાણે ડંકા વાગ્યા. ડંકા વગાડવા માટે મોટી ફોજ હંમેશાં તૈયાર રહેતી. તેનું કામ જ ગુજરાત મૉડેલનો જયજયકાર કરવાનું અને અસલી ગુજરાત તરફ ધ્યાન દોરનારને ‘ગુજરાતવિરોધી’ તરીકે ખપાવી દેવાનું હતું.
ગુજરાત મૉડેલ નામનું યુવાનીમાં પ્રવેશેલું બાળક કેવું બલિષ્ઠ ને કેવું મહાન ને કેવું તેજસ્વી ને કેવું દેવાંશી ને દેશદેશાવરની કુંવરીઓનાં તેના માટે કેવાં માગાં આવે...આ બધું મહિમાગાન બહુ ચાલ્યું. એવામાં એક દિવસ કોરોના વાઇરસ આવ્યો.
પછી શું થયું તે આખ-કાન-મગજ ખુલ્લાં હોય એવાં સૌ કોઈ જાણે જ છે ને કોરોના કરતાં પણ ખતરનાક વાઇરસનો શિકાર બની ચૂક્યા હોય એવા લોકોને જણાવવાનો અર્થ નથી.

Wednesday, May 06, 2020
...તારા કોરોનાનો કોઈ પાર નથી
કોરોના વિશે અલગથી હાસ્યલેખ લખવાનું સહેલું નથી. ચિંતન કૉલમોમાં કાયમી ગ્રૅવીમાં જે રીતે આવડતાનુસાર કોરોના-મસાલાની ભેળવણી થઈ રહી છે તે જોતાં, એવાં લખાણ વાંચતાં આવડે તો ઉત્તમ હાસ્યલેખની ગરજ સારે એવાં હોય છે. આવાં લખાણ થકી જાણેઅજાણે ગુજરાતી હાસ્યસાહિત્યમાં થયેલું પ્રદાન—એ એકાદ ડેઝર્ટેશનનો વિષય બને એમ છે. (ડેઝર્ટેશનના વિષય પોતે જુદા હાસ્યલેખનો વિષય છે, પણ એ વળી જુદી વાત થઈ.) કોરોનાએ સંદેશો આપ્યો છે કે ચાહે આભ તૂટી પડે યા ધરતી ફાટી પડે, પણ ચિંતન લખનારાને કોઈ બદલી (એટલે કે સુધારી) શકે તેમ નથી અને તેમના ચાહકો તેમને (આથી વધુ) બગાડી શકે તેમ નથી.
એક મહિનાથી પણ વધુ સમય સુધી લૉક ડાઉનમાં રહ્યા પછી, કોરોનાએ ઉભારી આપેલાં કેટલાંક સત્યની અછડતી યાદી બનાવીએ, તો તેમાં કઈ બાબતો હોઈ શકે? થોડી અહીં આપી છે, બાકીની તમે તમારા અનુભવથી ઉમેરી શકો.
એક મહિનાથી પણ વધુ સમય સુધી લૉક ડાઉનમાં રહ્યા પછી, કોરોનાએ ઉભારી આપેલાં કેટલાંક સત્યની અછડતી યાદી બનાવીએ, તો તેમાં કઈ બાબતો હોઈ શકે? થોડી અહીં આપી છે, બાકીની તમે તમારા અનુભવથી ઉમેરી શકો.
- કોરોનાકાંડ હજુ ભલે ચાલુ હોય, પણ તેણે એટલું તો આ તબક્કે જ શીખવાડી દીધું છે કે માણસજાત કશું શીખતી નથી.—ચાહે તે પર્યાવરણ અને પ્રકૃતિજગતની વાત હોય કે રાજકારણની.
- સ્મશાનવૈરાગ્યની જેમ ‘કોરોનાવૈરાગ્ય’નો હુમલો ઓછીવત્તી માત્રામાં દરેકને આવ્યો હશે. આ સંસાર ફાની છે, શું સાથે લઈ જવાનું છે, કલ હો ન હો....બધું બરાબર, પણ તેથી શું? તેથી સારાં કામ કરવામાં મચી પડવાનું? ના ભાઈ, ના. ફાની જિંદગી છે તો જે સૅલ્ફી કાલે લેવાની હતી તે આજે ને અત્યારે કેમ નહીં? જે વાનગીની કે (ગુજરાતબહાર શરાબના જામની) તસવીર કાલે સોશિયલ મીડિયા પર મૂકવાની હતી તે આજે કેમ નહીં? ઘરમાં ને ઘરમાં બનીઠનીને ફરવાનું સિરિયલોવાળા બતાવતા હતા, ત્યારે લોકો નાકનું ટીચકું ચડાવતા હતા. હવે ખબર પડીને કે ઘરમાં પણ એક યા બીજી ચૅલેન્જના બહાને ફુલફટાક રહી શકાય? બલ્કે, એમ જ રહેવું જોઈએ? કોરોનાનો શો ભરોસો?
- કોરોના જેવી આફતની ગંભીરતામાં સડેડાટ વહી ન જવું. કોરોના તો આજ છે ને કાલે તેની રસી શોધાઈ જશે, પણ કોમવાદ કાયમ રહેવાનો છે ને એની રસી કોઈ શોધવાનું નથી. અરે, કોઈ શોધી કાઢે તો પણ કેટલા લોકો લે એ સવાલ. કોરોનાગ્રસ્તોનો જીવ બચાવવા આવતા મૅડિકલ સ્ટાફ પર હુમલા થાય, ત્યારે લોકોને નવાઈ લાગે છે. પ્રજાકીય માનસિકતા પિછાણતાં, ખરેખર તો લોકોને નવાઈ ન લાગવી જોઈએ. કોમવાદના વાઇરસથી ગ્રસ્ત લોકોની સારવાર માટે તેમને સૌહાર્દ-સહઅસ્તિત્વ-મધ્યમ માર્ગ જેવાં રસાયણોની રસી આપવા જઈએ, ત્યારે એ ગ્રસ્તો પણ શાબ્દિક રીતે સામા હુમલા કરવા નથી ધસતા? પોતાને વળગેલા વિવિધ વાઇરસની રસી લેવાને, તેને પોતાની અસ્મિતા સમજીને જડતાથી વળગી રહેનારાએ ઘણાએ દર્શાવી આપ્યું છે કે તે ફક્ત બૌદ્ધિક વાઇરસ નહીં, વાસ્તવિક વાઇરસના મામલે પણ આવી રીતે વર્તી શકે છે.
- મહેનત કોઈ કરે ને જશ કોઈ લઈ જાય, એવું સામાન્ય સંજોગોની માફક કોરોનાકાળમાં પણ બને છે. પહેલાં આ સમીકરણ ફક્ત વિજ્ઞાન અને (દરેક ધર્મના) ભગવાન માટે લાગુ પડતું હતું. હવે તેમાં નેતાઓ ઉમેરાયા છે. સેંકડોની પેઇડ-અનપેઇડ લોકોની ભક્તિના ભાજન એવા નેતાઓ કોઈનાં કફનમાંથી પણ પોતાનાં નામ લખેલા સૂટ સિવડાવી શકે એમ છે. રાહત સામગ્રીનાં પૅકેટ પર રાજનેતાઓ કે રાજકીય પક્ષોનાં ચિહ્નોની તસવીરો તેનો પુરાવો નથી? કોરોના જેવી અણજોયેલી આપત્તિ અને તેમાં વહીવટી અરાજકતા છતાં, આપત્તિના સંજોગોમાં ફક્ત ઇષ્ટ દેવ તરફના નહીં, ઇષ્ટ નેતાઓ પ્રત્યેના ભક્તિભાવમાં પણ વધારો થાય છે, તે કોરોનાએ દર્શાવી આપ્યું છે.
- એક જમાનામાં ગરીબોની સંખ્યા ઘટાડવા માટે ગરીબી હટાવવાનો લાંબો રસ્તો લેવાની માથાકૂટ ચાલતી હતી. ધીમે ધીમે સરકારોને એ પ્રયાસો પાછળ રહેલી પોતાની મૂર્ખામી સમજાઈ. તેમને થયું કે લોકોને તો ચબરાકીયાં સૂત્રો, આક્રમક પ્રચાર, લાગણી સાથે ખેલથી બહેલાવી શકાય છે. આપણે મત લેવાથી વધારે એમનું કામ પણ શું છે? એટલા માટે કંઈ ગરીબી દૂર કરવાની મહેનત થોડી કરાય? ગરીબીરેખા ઊંચી હોય તે થોડી નીચી લાવી દેવાની. એટલે જે ગરીબો પહેલાં રેખાની નીચે હોય, એ બધા રેખાની ઉપર આવી જાય અને ગરીબી ચપટીમાં દૂર. આ બોધપાઠ સનાતન છે અને તે કોરોના જેવી વૈજ્ઞાનિક આફતમાં પણ પ્રયોજી શકાય છે, એ પણ જોવા મળ્યું. કોરોનાના કેસની સંખ્યા ભયજનક રેખાથી નીચે રાખવા માટે તેને અંકુશમાં લેવાના ધમપછાડા કરવાની જરૂર નથી. એ બધું વ્યક્તિગત ધોરણે કોઈ અફસર કરતા હોય તો ભલે, પણ તેની પર આધાર રાખીને બેસી રહેવાને બદલે, ટેસ્ટ જ ઓછા કરવાના. ટેસ્ટ ઓછા થશે એટલે દર્દીઓની સંખ્યા આપોઆપ માપમાં રહેશે અને થોડો સમય પસાર થઈ શકશે. દરમિયાન લોકોને મનોરંજન સાથે કંઈક કર્યાનો ઠાલો સંતોષ મળે એવું આગળનું પગલું વિચારી લેવાનું. એ માટે વહીવટી આવડતની જરૂર નથી, ઇવેન્ટ મૅનેજમૅન્ટની આવડત ચાલી જશે—અને એ પ્રતિભાની તો દેશના શાસનતંત્રમાં ક્યાં ખોટ છે? અમૃત ‘ઘાયલ’નો એ મતલબનો શેર કે પીતાં આવડે તો, હે મૂર્ખ મન મારા, એવી કઈ ચીજ છે, જે શરાબ નથી? એવી રીતે, લોકોને ભરમાવતાં આવડે તો એવી કઈ આફત છે, જે ઇવેન્ટ નથી?
Labels:
Corona,
COVID-19,
humor-satire/હાસ્ય-વ્યંગ
Tuesday, May 05, 2020
આરોગ્યકર્મીઓને માન તો આપીએ, પણ એ અમારી આસપાસ ન હોવા જોઈએ
Pooja Marwaha / પૂજા મારવાહા
પ્રાણીચિકિત્સા (વેટરિનરી)માં માસ્ટર્સના અભ્યાસ માટે હું આસામ આવી, ત્યારે મને ખ્યાલ નહીં કે માનવજાત માટે સદીની સૌથી મોટી આફત ગણાવાયેલા કોવિડ-૧૯નો સામનો મારે ઘરેથી દૂર રહીને કરવાનો આવશે. છેલ્લા દોઢેક મહિનાથી હું દેશના એક ખૂણે ગૌહત્તીમાં આવેલી મારી હૉસ્ટેલના રૂમમાં સહીસલામત બેઠી છું. સલામત જ વળી. કેમ કે, ઇશાન ભારતનાં સેવન સિસ્ટર્સ તરીકે ઓળખાતાં સાતમાંથી ચાર રાજ્યો કોવિડ-૧૯ મુક્ત છે—અને કેમ ન હોય? કાતિલ સચ્ચાઈ ધરાવતી એક ટિપ્પણી વાંચી હતીઃ ‘બાકીના દેશે તો ઇશાન ભારત સાથે પહેલેથી જ સોશિયલ ડિસ્ટન્સિંગ નથી રાખ્યું?’
મારું ઘર ત્રણેક હજાર કિ.મી. દૂર મુંબઈમાં છે—વધારે ચોક્સાઈથી કહું તો દક્ષિણ મુંબઈમાં. હાલમાં હું દેશના સૌથી સલામત ખૂણે છું, જ્યારે મારો પરિવાર બરાબર ‘તોફાનના કેન્દ્રમાં’ છે. તેથી તેમના વિશે સતત ચિંતા રહે તે સ્વાભાવિક છે. ‘સોબો’ (સાઉથ બોમ્બે) તરીકે વિખ્યાત દક્ષિણ મુંબઈમાં ભદ્ર, વગદાર, ભણેલાગણેલા—ટૂંકમાં, સમાજના સૌથી ઉપલા વર્ગના કહેવાય એવા લોકો રહે છે. (ભણતરને સમજ કે નૈતિકતા સાથે સાંકળવાની ભૂલ આપણે હંમેશાં કરતાં હોઈએ છીએ.) એક ઉદાહરણ પરથી ખ્યાલ આવી જશેઃ અમારા બિલ્ડિંગથી ચાર-પાંચ બિલ્ડિંગ છોડીને મુકેશ અંબાણીનું ‘એન્ટિલા’ છે.
તેના આધારે એવું માની લેવાનું મન થાય કે દક્ષિણ મુંબઈના લોકો વર્તમાન ખતરા સાથે અને તેનાથી થનારા નુકસાન સાથે પનારો પાડવા માટે એક કરતાં વધારે અર્થમાં સજ્જ હશે. સીધી વાત છેઃ સમાજ તરીકે આપણે સત્તા, સામાજિક મોભો અને સંપત્તિને બુદ્ધિ, સમાનુભૂતિ અને વ્યવહારુપણા સાથે સાંકળતાં હોઈએ છીએ. પણ ત્યાંનું વાસ્તવિક ચિત્ર કંઈક જુદું જ છે. અમારા બિલ્ડિંગની કો-ઑપરેટિવ સોસાઇટીમાં એક યુરોલૉજિસ્ટનું દવાખાનું છે. આરોગ્ય સેવાઓને ‘આવશ્યક’ જાહેર કરવામાં આવી છે એ ખરું, પણ આરોગ્ય એટલે કોનું આરોગ્ય, એની ચોખવટ કરવાની રહી ગઈ. એટલે આરોગ્યની ચિંતાઓ વચ્ચે સામસામી ટક્કર થાય છે.
આવા સમયે ડૉક્ટરો સામાન્ય રીતે અનિવાર્ય હોય એવા દર્દીઓ સિવાય બીજા લોકોને તપાસતા નથી. તેમાં અપવાદ હશેઃ ઓળખીતાં કે ઓળખીતાંનાં ઓળખીતાં. છતાં, એક ડૉક્ટર દર્દીને તપાસે તેમાં શો વાંધો હોઈ શકે? પણ, લોકોની વાત થાય?
એક દિવસ અમારી સોસાઇટીના ડૉક્ટરે દર્દીઓને જોવા માટે દવાખાનું ખોલ્યું. તેમની પાસે આવેલા દર્દીઓ કોવિડ-૧૯ના ન હતા. છતાં અમારા બિલ્ડિંગમાં રહેતા કેટલાકને લાગ્યું કે આવું કેવી રીતે ચાલે? ડૉક્ટરે તેમની પરવાનગી લેવી જોઈએ. કેટલાકે તો બિલ્ડિંગના ચોકીદારને બોલાવીને દર્દીઓને રોકવાનું સૂચવ્યું. વાત તો પોતાની સંકુચિતતાને સાવચેતીનું મહોરું પહેરાવીને રજૂ કરવાની હતી. થોડું બૂમરાણ મચ્યું, ચર્ચા ને વાદવિવાદ થયાં. છેવટે મૅનેજિંગ કમિટીએ કાનૂની મુદ્દો આગળ કરીને વિવાદનો વીંટો વાળવો પડ્યો.
ઘરે વાત થઈ ત્યારે મને આ કિસ્સો જાણવા મળ્યો. પણ એ જાણ્યા પછી મારી પિન ત્યાં અટકી ગઈ છે. જેમ સમય વીતે, તેમ મને એ વધુ ને વધુ વિચિત્ર લાગતું જાય છે. આ લોકો એટલું કેમ નહીં સમજતાં હોય કે તબિયતના પ્રશ્નો પેદા થવાના જ છે, મહામારી હોય કે ન હોય. રોગો કંઈ પિત્ઝા પરના ટૉપિંગ જેવા નથી કે આપણે તેની પસંદગી કરી શકીએ. કોરોનાની સમાંતરે બીજા રોગો અને તેની સાથે સંકળાયેલું જીવન-મૃત્યુનું ચક્કર પણ ચાલુ જ રહેવાનું છે. શું આ બધું એ લોકોને તે પોતે કે તેમનાં કોઈ સ્વજન આ સ્થિતિમાં મૂકાય ત્યારે જ સમજાશે? હું તો એટલું જ ઇચ્છું કે એવું થાય ત્યારે પણ એ લોકો સાથે કોઈ એવો વ્યવહાર ન કરે, જેવો તેમણે બીજા દર્દીઓ સાથે કર્યો હતો.
અને એ પણ કહી દઉં કે ડૉક્ટર દર્દીઓને તપાસે તેનો વિરોધ કરનારામાંથી ઘણા લોકો એવા હતા, જે વડાપ્રધાનની અપીલ પ્રમાણે ડૉક્ટરોને બિરદાવવા તાળીઓ-થાળીઓ વગાડવામાં જોડાયા હતા.પોતીકી સુખસુવિધાને ઘસરકો સરખો પડવા દીધા વિના તમે કહો તેવું માન આપીએ. શરત એટલી કે આરોગ્યનું કામ કરનારા બીજે ક્યાંક, કમ સે કમ અમારી નજરથી દૂર હોવા જોઈએ.
મને આઘાત એ વાતનો લાગે છે કે આવી ચિંતા કરનારા લોકો કોણ છે? આ રહી તેમની બીજી કેટલીક ચિંતાઓઃ કામવાળાં ક્યારે પાછાં આવશે ને ક્યાં સુધી આપણે (આપણા જ) ઘરનું કામ ઢસડવું પડશે? આજકાલ નેટફ્લિક્સ પર સડસડાટ જોઈ પાડવા જેવી કઈ સિરીઝ છે? જિમ ક્યારથી શરૂ થશે? શરાબની દુકાનો ફરી ક્યારથી ખુલશે?... અને આ લોકો પોતાના બિલ્ડિંગમાં એક ડૉક્ટર અનિવાર્ય હોય એવા કોવિડ-૧૯ સિવાયના દર્દીઓને તપાસે, તેનો પણ વિરોધ કરે છે. આ વિચારે મને ત્રાસ પડે છે ને રોષ ચઢે છે. સાથોસાથ, ઊંડે ઊંડે એવી આશા પણ જાગે છે કે આ લોકોમાં ક્યારેક, નજીકના ભવિષ્યમાં, સમાનુભૂતિ જેવી કોઈ લાગણી જાગે. દયા, ઉદારતા કે આર્થિક સહાય નહીં, સમાનુભૂતિ.
આવું કંઈ થાય ત્યારે મને હંમેશાં લાગે છે કે આપણે ‘અભણ’ શબ્દને ફક્ત અક્ષરજ્ઞાનના અભાવ સાથે જ સાંકળવો જોઈએ અને તેને વ્યાપક નકારાત્મક અર્થમાં વાપરવાનું બંધ કરી દેવું જોઈએ અને તેનાથી વ્યક્તિનું માપ કાઢવાનું પણ છોડી દેવું જોઈએ. કહેવાતા ભણેલા લોકોની આવી માનસિકતા સૂચવે છે કે તેમણે જ હજુ કેટલું બધું શીખવાનું બાકી છે.
છેલ્લી વાતઃ મહામારીના સમયમાં ‘ફિઝિકલ ડિસ્ટન્સિંગ’ શબ્દ કેટલો યોગ્ય છે ને ‘સોશિયલ ડિસ્ટન્સિંગ’ અનેક રીતે કેટલો અનર્થકારી છે, તે પણ સમજાય છે. સોશિયલ ડિસ્ટન્સિંગ—સામાજિક રીતે અંતર—રાખવાનું મન તો જરૂર થાય છે, પણ એ કોરોનાગ્રસ્તોથી નહીં, પેલા કહેવાતા ભણેલાઓની માનસિકતાથી. કેમ કે, કોરોના કરતાં આવી માનસિકતાનો વાઇરસ વધારે ખતરનાક છે.
(સગપણમાં પિતરાઈ અને એકદમ નજીકનાં મિત્રો એવાં પૌલા અને કપિલ મારવાહાની દીકરી પૂજાના અંગ્રેજી લેખનો અનુવાદ અને તે વધારે લખે તેવી આશા-અપેક્ષા)
Labels:
Corona,
COVID-19,
Urvish Kothari/ઉર્વીશ કોઠારી
Subscribe to:
Posts (Atom)