Monday, September 30, 2019

ગાંધી-150 : સ્વચ્છતા-પદયાત્રાઓથી આગળ

જૂનાં વાસણની જેમ મહાન વ્યક્તિત્વોની સ્મૃતિને પણ સમયાંતરે માંજવી પડે છે. તેની પર ચડેલાં કાળનાં ને ઉપેક્ષાનાં, ઇરાદાપૂર્વકની અને અજ્ઞાનવશ ફેલાયેલી ગેરસમજણોનાં આવરણ દૂર કરવાં પડે છે. ગાંધીજીના જન્મને દોઢસો વર્ષ પૂરાં થવાના ટાણે સરકાર તરફથી મોટા પાયે ઉજવણાંનું આયોજન છે. પરંતુ ગાંધીજીનું વ્યક્તિત્વ- તેમનું જીવનકાર્ય એટલાં વ્યાપક હતાં અને તેમણે ચીંધલાં ઘણાંખરાં મૂલ્યો એટલાં શાશ્વત છે કે તેમની સ્મૃતિ જાળવી રાખવાનું કામ સરકારોના ભરોસે છોડી શકાય નહીં. સરકારોની આદત સ્વાર્થનું તારવી લેવાની અને પોતાનો ધંધો આગળ ચાલે એવાં સગવડીયાં અર્થઘટન કરવાની હોય છે. ભૂતકાળમાં કાર્લ માર્ક્સ જેવા વિચારકના નામે રશિયન સરકારે ને નિત્શે જેવા ફિલસૂફના નામે હિટલરની નાઝી સરકારે એવાં અનર્થઘટનો કર્યાં હતાં કે એ બંને મહાનુભાવો જાણે તો આઘાતથી મૃત્યુ પામે. ગાંધીજીના નામે પણ ઓછા દંભ નથી આચરાયા ને ઓછાં 'પાપ' નથી થયાં. છતાં, ગોડસેપૂજાના--અથવા 'ગમે તે કહો, પણ ગોડસે હતો તો દેશભક્ત’ એવી છેતરપીંડીના જમાનામાં, ગાંધીજીના અનર્થઘટનની સંભાવના ઘણી વધી જાય છે.

ગાંધીજીની ટીકા થઈ જ શકે અને તેનો સામેનો ગાંધીજીનું દૃષ્ટિબિંદુ સમજાવતો પક્ષ પણ રજૂ થઈ શકે. પરંતુ ગાંધીજીને માળીયે ચડાવી દેવાની હવે જૂની બનેલી નવી રીત વધારે ચબરાક છે. તેમાં ગાંધીજીના અત્યારે આકરા પડે એવા સ્વરૂપને સિફતથી ભૂલાવી દેવામાં આવે છે--એવું સ્વરૂપ, જે સરકારોને તથા ધીક્કારની વિચારધારામાં માનતા સૌ કોઈને આયનો દેખાડી શકે, તેમને ભીંસમાં મૂકી શકે. તેના બદલે, કેટલીક 'નિર્દોષ' બાબતોને ગાંધીજીના પર્યાય તરીકે પ્રચારવા-પ્રસારવામાં આવે છે.

સાયબર સેલના આસુરી પ્રચારયંત્રથી માંડીને સ્ટાર પ્રચારકો કહેવા માંડે કે 'ગાંધીજી એટલે સ્વચ્છતા' , એટલે વાત પૂરી.  ત્યાર પછી નિશાળોથી માંડીને જાહેરખબરોનાં હોર્ડિંગ સુધી 'ગાંધીજી એટલે સ્વચ્છતા’નું સમીકરણ ફરી વળે. સ્વચ્છતા બાબતે ભારતના નાગરિકોએ પોતાની માનસિકતામાં પાયાનો બદલાવ આણવાની જરૂર છે. તેના માટે વડાપ્રધાન અને સરકાર પ્રયાસ કરે તે સારી વાત છે. પરંતુ આખેઆખા ગાંધીજીના જીવનકાર્યને સ્વચ્છતા જેવી 'નિર્દોષ' પૂરતું સીમિત કરી દેવાથી બે ફાયદા થાય છેઃ ગાંધીજીની ઉપેક્ષાનું મહેણું ટળી જાય છે અને સરકારોને કે શાસક પક્ષોને અળખામણા લાગતા ગાંધીજીના વિચારોને અભરાઈ પર ચડાવીને, ગાંધીજીના નામે નિરાંતે ચરી શકાય છે. જે ગાંધીજી પહેલાં દુશ્મન લાગતા હતા, તે હવે દોસ્ત અને મદદગાર લાગે છે. કારણ કે, તેમના મૂળભૂત વિચારોને ઉજવણીની લાલ જાજમ તળે હડસેલી દીધા છે. ઉપર જે રહી છે એ તો 'સ્વચ્છતા' અને 'પદયાત્રા' જેવી નિર્દોષ ડુગડુગીઓ છે, જેના તાલે બીજાને તો ઠીક, આંખ આડા કાન કરવા ઇચ્છુક ગાંધીપ્રેમીઓને પણ નચાવી શકાય છે.

વાંધો સ્વચ્છતા ઝુંબેશનો નહીં, સ્વચ્છતા ઝુંબેશના ડબ્બામાં ગાંધીજીના વિરાટ-વ્યાપક સ્વરૂપને પૂરીને ઉપરથી ઢાંકણું બંધ કરી દેવાનો છે. ૧૯૧૫માં ગાંધીજી ભારત આવ્યા, ત્યારથી તેમની હત્યા સુધી તેમનાં મુખ્ય ત્રણ જીવનકાર્યો રહ્યાંઃ અસ્પૃશ્યતાનિવારણ, હિંદુ-મુસલમાન એકતા અને સ્વરાજ. રાજકીય આઝાદી આવી ગયા પછી પણ ગાંધીજીની કલ્પનાનું સ્વ-રાજ દૂર જ રહ્યું, જેમાં સમાજના સૌથી છેવાડાના માણસના હિતની ચિંતા હોય અને લોકો સરકારની બીક કે મદદ વિના સ્વાવલંબી બને, જવાબદારીપૂર્વક વર્તે અને પશુબળ કે યંત્રબળના નહીં, નીતિબળના આધારે દેશનું ઘડતર કરે. બાકી રહેલાં અસ્પૃશ્યતાનિવારણ (વ્યાપક અર્થમાં દલિત-બિનદલિત ભેદભાવ, આભડછેટ) અને હિંદુ-મુસલમાન સુમેળને ગુપચાવીને ગાંધીજીની વાત કરવી, એટલે ગાંધીવિચારને (બદ)ઇરાદાપૂર્વક મોળો પાડી દેવો-તેને લગભગ નકામો બનાવી દેવો.

ગાંધીજીએ છેક ૧૯૩૧માં કેટલાક પ્રચાર વિશે ચોખવટ કરતાં લખ્યું હતું, ‘કહેવાય છે કે હિંદુસ્તાનમાં જ્યારે સ્વરાજ આવશે ત્યારે જે કોમની સંખ્યા મોટી હશે તે કોમનું રાજ થશે. આના કરતાં મોટી ભૂલ બીજી કઈ હોઈ શકે? જો આ વાત સાચી હોય તો આજે મારામાં એટલી શક્તિ છે કે હું એકલો એ રાજ્ય સામે લડું. એ રાજ્યને હું તો સ્વરાજ ન જ કહું. મારું હિંદ સ્વરાજ એટલે સૌનું રાજ્ય છે, ન્યાયનું રાજ્ય છે.’ અત્યારે વાત તો 'સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ'ની થાય છે, પણ 'ગરીબી હટાવો'ની જેમ આવાં સૂત્રોને વાસ્તવિકતા સાથે કશી લેવાદેવા હોતી નથી. ગાંધીજી સૂત્રોથી ભોળવતા ન હતા ને ભોળવાતા પણ ન હતા. 

તેમના જીવનદર્શનની બાબતમાં અસ્પૃશ્યતાનિવારણ અને હિંદુ-મુસલમાન સુમેળથી આગળ વધવું હોય તો તેમનાં એકાદશ (અગીયાર) વ્રત યાદ કરવાં પડે. કોઈ ધર્મગ્રંથનાં હોઈ શકે એવાં આ વ્રત હતાંઃ સત્ય, અહિંસા, બ્રહ્મચર્ય, અસ્વાદ, અસ્તેય (પારકી વસ્તુ પ્રત્યે નિસ્પૃહતા), અપરિગ્રહ, અભય, સ્પર્શભાવના, શરીરશ્રમ, સર્વધર્મસમભાવ અને સ્વદેશી. જોઈ શકાય છે કે આ વ્રતોમાં પણ સ્વચ્છતાને સ્થાન મળ્યું ન હતું. પરંતુ છેલ્લા એક વર્ષનાં ઉજવણાંને ધ્યાનમાં રાખીને નક્કી કરવાનું હોય તો એવું જ લાગે, જાણે ગાંધીજી  સ્વચ્છતાને જ સૌથી વધારે પ્રાધાન્ય આપતા હશે. એ જ તો નવી રીત છે ગાંધીજીના અસલી પ્રદાનને અને જીવનસંદેશને ભૂંસવાની. પ્રચારનાં ઢોલ વગાડીને 'સ્વચ્છતા' કે 'પદયાત્રા'ની લીટી એટલી બધી લાંબી કરી દેવાની કે બીજું બધું આપોઆપ બાજુ પર રહી જાય.

એનો અર્થ એમ નથી કે ગાંધીજી સ્વચ્છતાના આગ્રહી ન હતા. તેમના સફાઈના આગ્રહ પાછળનું મુખ્ય પ્રેરક બળ સફાઈકામ સાથે સંકળાયેલા ઊંચનીચના ભેદભાવને દૂર કરવાનું હતું. એ સમયે ગટરવ્યવસ્થા ન હોય ત્યારે શૌચાલયની સફાઈ મોટું અને લોકોનાં નાકનાં ટીચકાં ચડાવનારું હતું. ગાંધીજીએ તે કામને પોતાનું કર્યું અને દરેકે પોતાના શૌચાલયની સફાઈ જાતે કરવી એવું ઠરાવ્યું. ફોટોગ્રાફરો અને કેમેરામેનોના ઝુંડ સાથે હાથમાં ઝાડુ લઈને (કેટલાક કિસ્સામાં તો પહેલાં ચોખ્ખા રસ્તા પર 'સારો’ કચરો નંખાવીને) સફાઈઝુંબેશ કરતા આપણા નેતાઓને એવાં અઘરાં સફાઈકામ શી રીતે ફાવે? 

સત્યને કેન્દ્રસ્થાને રાખવાથી નીપજતા ગુણોમાંનો એક એટલે અભય. ગાંધીજીની માન્યતાના સ્વરાજમાં અસત્યની સાથોસાથ ભયને અને ધીક્કારને કોઈ સ્થાન ન હતું. તેને બદલે હવે તો ચૂંટણી જીતવાની ને લોકશાહીને તોડવામરોડવાની આખેઆખી રણનીતિઓ જ ટ્રોલિંગ, જૂઠાણાં અને મોબ લિન્ચિંગને સીધા કે આડકતરા પ્રોત્સાહનના પાયા પર રચાય છે. લોકોને સલામતી આપવાને બહાને બીવડાવવામાં આવે છે અને સંસ્કૃતિનાં ગૌરવગાનના નામે મિથ્યાભિમાનના કસુંબા પીવડાવવામાં આવે છે. કાયદો ગજવામાં લઈને ફરનારા વગદારો સિવાય બીજું કોઈ હવે અભય અનુભવતું નથી. તો પછી ગાંધીજીની સ્મૃતિમાં અભયને શી રીતે યાદ કરી શકાય? તેમને સ્વચ્છતા જેવી બાબતોમાં જ પુરી દેવા પડે ને?

Monday, September 23, 2019

બજારની ઝાકઝમાળમાં ખોવાયેલું વનરાજનું સંગીત

(L to R) Preeti Sagar, Shyam benegal, Smita Patil, Vanraj Bhatia
ગયા સપ્તાહે સમાચાર આવ્યા કે ૯૨ વર્ષના સંગીતકાર વનરાજ ભાટિયા મુંબઈમાં આર્થિક બેહાલી વચ્ચે દિવસો વીતાવી રહ્યા છે. તેમની સહેલી ઓળખ માટે ‘નેશનલ એવોર્ડવિજેતા’ અને ‘પદ્મશ્રી’ જેવાં લટકણિયાં ખપમાં લેવાયાં હતાં.  અહેવાલ પ્રગટ થયા પછી ફિલ્મઉદ્યોગના કેટલાક લોકો અને કલાકારોના હકોનું જતન કરતી સંસ્થા સળવળ્યાં. વનરાજ ભાટિયાની આર્થિક સંભાળ માટે તેમના તરફથી હિલચાલ થઈ હોવાનું પણ સોશ્યલ મિડીયા દ્વારા જાણવા મળ્યું.

ફિલ્મઉદ્યોગની લોકપ્રિય હસ્તીઓની ગુમનામી અને આર્થિક બેહાલીની કરુણ કથાઓ એક સમયે સામાન્ય ગણાતી હતી.  કલાકાર પોતાના સમયમાં પ્રખ્યાત બન્યા હોય, કમાયા હોય, પણ યોગ્ય આયોજનના અભાવે કે ઉડાઉ પ્રકૃતિના કારણે અને લાંબા આયુષ્યના પ્રતાપે છેલ્લાં વર્ષોમાં મુશ્કેલી પડી જાય એવું બને. એ વખતે સારસંભાળ રાખનાર તો ઠીક, મળવા આવનાર પણ કોઈ ન હોય.  એ પ્રકારના સમાચાર વનરાજ ભાટિયા વિશે વાંચ્યા, તેના ૧૧ વર્ષ પહેલાં મોટા ભાઈ બીરેન સાથે ભાટિયાને મળવાનું થયું હતું.

ખાસ તેમનો સમય લઈને તેમને મળવા મુંબઈના તેમના ઘરે પહોંચ્યા ત્યારે મનમાં અનેક સંગીતસભર સ્મૃતિઓ ઊભરાતી હતીઃ શ્યામ બેનેગલની 'અંકુર'થી 'સરદારી બેગમ' સુધીની ફિલ્મોમાં ભાટિયાનું સંગીત હતું. પણ 'મારો ગાંવ કાંઠા પારે' (‘મંથન’), ‘તુમ્હારે બિન જી ના લગે ઘરમેં’ (‘ભૂમિકા’) જેવાં પ્રીતિ સાગરે ગાયેલાં ગીતો સવિશેષ રીતે મનમાં ગુંજતાં હતાં. ગોવિંદ નિહલાણીની યાદગાર ટીવી શ્રેણી ‘તમસ’નું, કારુણીનો માહોલ ખડો કરી દેતું આક્રંદમય ટાઇટલ મ્યુઝિક,  બેનેગલની ‘ભારત એક ખોજ’ શ્રેણીનું મંત્રમુગ્ધ કરી નાખે એવું ટાઇટલ મ્યુઝિક તથા તેના કેટલાય હપ્તાનું મનમાં અંકાઈ ગયેલું સંગીત... https://www.youtube.com/watch?v=Yx21N-kb4uU

વનરાજ ભાટિયાએ જેમાં સંગીત આપ્યું, એવી સમાંતર ધારાની ‘આર્ટ’ ફિલ્મોમાં મોટે ભાગે ગીતો જ ન હોય અથવા એટલાં ઓછાં હોય કે તેની અલગ રેકોર્ડ ભાગ્યે જ બહાર પડે. 'અમુલ'ની સહકારી ક્રાંતિની કથા પરથી બનેલા ‘મંથન’ના ગુજરાતી છાંટ ધરાવતા ગીત ‘મારો ગાંવ કાંઠા પારે’ની એક ઇ. પી. રેકોર્ડ બહાર પડેલી, જેની એક બાજુ ગીતનો એક ભાગ હતો ને બીજી બાજુ બીજો. ‘ભૂમિકા’ની લોંગ પ્લે રેકોર્ડની પાછળ ભાટિયાનો પ્રૌઢ વયનો ફોટો જોવા મળ્યો. બાકી, સંગીતકાર તરીકે આટલા પ્રતિભાશાળી હોવા છતાં તેમની એકલદોકલ તસવીર માંડ જોવા મળતી હતી. એટલે રૂબરૂ મુલાકાત વખતે જિજ્ઞાસાની શરૂઆત તેમના શારીરિક દેખાવથી થતી હતી અને પછી તેમની કારકિર્દી-વ્યાવસાયિક સફળતા-સર્જકતા-કદર જેવી ઘણી બાબતો વિશે સવાલ કૂદકા મારતા હતા.

‘ભાટિયા’ હોવાથી વાતો ગુજરાતીમાં થઈ શકશે, એ ધારણા તો સાચી પડી. પરંતુ એ સિવાયની મોટા ભાગની ભવ્ય ધારણાઓને તે એક પછી એક ખોટી પાડતા ગયા. ફિલ્મોમાં તેમની કારકિર્દી ભલે ૧૯૭૦ના દાયકામાં શરૂ થઈ, પણ જન્મતારીખ ૩૧ મે, ૧૯૨૭. એટલે ધાર્યાં કરતાં તેમની ઉંમર ઘણી વધારે નીકળી. સમાંતર ફિલ્મો બનાવનાર નામી નિર્દેશકોના પ્રિય સંગીતકાર તરીકે તેમની ઓળખ ભલે અપાતી હોય, પણ તેમને પોતાને તે ઓળખ બહુ પ્રિય ન હતી.  ‘એનએફડીસીવાળા’ (‘આર્ટ ફિલ્મો’ના) નિર્દેશકો વિશે તેમણે કહ્યું, ‘એ લોકોને આખું ગીત પિક્ચરાઇઝ કરતાં ફાવતું જ નથી. વધુમાં વધુ એકાદ અંતરો તે પિક્ચરાઇઝ કરી જાણે. ’ એટલે વનરાજ ભાટિયાએ બનાવેલું ઉત્તમ ગીત ફિલ્મમાં અધવચ્ચેથી કટ થઈ જાય અથવા તેને ટુકડા સ્વરૂપે આખી ફિલ્મમાં વિખેરી નખાય. એ જ નિર્દેશકો એ. આર. રહેમાન જેવા સંગીતકાર સમક્ષ ‘કેવા ડાહ્યાડમરા થઇને ફિલ્મોમાં ગીતો નાખે છે’ એવું પણ તેમણે કહ્યું.

ફિલ્મો અને ટીવી શ્રેણીઓ ઉપરાંત તેમણે ભારતીય અને પાશ્ચાત્ય સંગીતના ઉત્તમ સંમિશ્રણ જેવાં ઘણાં આલ્બમ તૈયાર કર્યાં છે. તેમાં ભગવદ્ ગીતા અને ઉપનિષદનો સમાવેશ થાય છે. જાપાનની પહેલથી બનેલી રામાયણ વિશેની આંતરરાષ્ટ્રીય એનિમેશન ફિલ્મ હોય કે જુદાં જુદાં સ્થાપત્યો વિશે નામી વિદ્વાનો સાથે મળીને નામી નિર્દેશકોએ બનાવેલી ડોક્યુમેન્ટરી હોય, આવા પ્રતિષ્ઠિત અને ઊંચી ગુણવત્તાની અપેક્ષા ધરાવતા પ્રોજેક્ટમાં સંગીતકાર તરીકે વનરાજ ભાટિયા જ હોય. બેનેગલ-નિહલાણી ઉપરાંત કેટકેટલા નિર્દેશકોની પ્રયોગશીલ ફિલ્મો (જેમ કે, કુંદન શાહની 'જાને ભી દો યારોં’, અપર્ણા સેનની '૩૬, ચૌરંઘી લેન')માં સંગીતકાર તરીકે તેમનું જ નામ વાંચવા મળે.

'ભારત એક ખોજ' શ્રેણીના ૫૩ હપ્તામાં તેમણે આપેલું સંગીત ભારતીય ટીવીજગતના ઇતિહાસમાં આવું સંગીત 'ન ભૂતો, ન ભવિષ્યતી' છે. કેમ કે, પંડિત નહેરુના ગ્રંથ પરથી બનેલી આ શ્રેણીમાં ૫૩ હપ્તામાં ભારતનો પાંચેક હજાર વર્ષનો ઇતિહાસ આવરી લેવાનો હતો. એ સમયગાળા દરમિયાન બદલાતા યુગ, બદલાતી સંસ્કૃતિ, પાત્રો, પ્રભાવો અને તેની સંગીતમય પ્રસ્તુતિનું કામ દરેકેદરેક હપ્તે નવો પડકાર લઈને આવતું હોય. પૃથ્વીરાજ ચૌહાણના કે જોતિરાવ ફુલેના હપ્તા વખતે બેકગ્રાઉન્ડ મ્યુઝિકની સાથે ગીતો પણ આવે.

આવું કપરું કામ આટલી ઉત્તમ રીતે કરવા બદલ વનરાજ ભાટિયાની કેવીય કદર થઈ હશે ને કેટલો જયજયકાર થયો હશે, એવી ધારણા ઉપર પણ તેમણે ઠંડું પાણી રેડ્યું. ‘આના માટે મળવા આવનારા તમે પહેલા છો’ એવું તેમણે કહ્યું ત્યારે લાગ્યું કે તે સારું લગાડવા કહે છે. પણ તેમની આખી વાતના સૂર પરથી લાગ્યું કે બીજા ઘણા કામની જેમ ‘ભારત એક ખોજ’ના તેમના કામની કદર ન થઈ, એનો પણ તેમને વાજબી રંજ છે. 

દર અઠવાડિયે આટલું વૈવિધ્યપૂર્ણ અને ઊંડાણભર્યું કામ આપવા માટે કેટલાં વર્ષ રીસર્ચ કર્યું હતું?--એવા સવાલના જવાબમાં ખડખડાટ હસીને તેમણે કહ્યું,‘વર્ષ? અરે એટલો સમય જ ક્યાં હતો? એક અઠવાડિયામાં એક એપિસોડનું મ્યુઝિક કરવાનું હોય. એક તરફ શ્યામ શૂટિંગ કરતો જાય અને શૂટ થયેલી ફિલ્મ મને મોકલી આપે. એ જોઈને બે દિવસમાં બેકગ્રાઉન્ડ અને બે-ત્રણ દિવસમાં ગીતોનું રેકોર્ડિંગ કરી દેવાનું. એટલે હપ્તો તૈયાર.’

યુટ્યુબના જમાનામાં 'ભારત એક ખોજ'ના બધા હપ્તા સહેલાઈથી જોવા મળે છે. https://archive.org/details/HindSwaraj-BEK-00 શ્રેણી તરીકે તો તે ઉત્તમ છે જ, પણ તેનો એકાદ હપ્તો જોવાથી સંગીતકાર તરીકે વનરાજ ભાટિયાની ઊંચાઈનો ખ્યાલ આવશે--અને એવો વિચાર પણ આવશે કે આવું કામ ભૂલાઈ કેવી રીતે શકે? ગયા સપ્તાહે આવેલા અહેવાલોમાં ભાટિયાનું સંગીત ધરાવતી ઘણી ફિલ્મોનો અને ‘તમસ’ જેવી સિરીયલનો ઉલ્લેખ હતો, પણ ‘ભારત એક ખોજ’ની વાત ન હતી.

વનરાજ ભાટિયાને આર્થિક મદદ તો અલગ વાત છે, તેમના ઉત્કૃષ્ટ પ્રદાનની પૂરતી નોંધ લેવાય-કદર થાય એ પણ એટલું જ જરૂરી લાગે છે. 

Tuesday, September 17, 2019

ગાંધીજીનું 'નવજીવન' : ગુજરાતી પત્રકારત્વનું સીમાચિહ્ન

Courtesy : gandhiheritageportal.org

ગાંધીજીની દોઢસોમી જન્મજયંતિનાં સત્તાવાર ઉજવણાં વચ્ચે અન્ય એક શતાબ્દિટાણું આવ્યું ને જતું રહ્યું.  સમાચારોમાં ખાસ નહીં ચમકેલી એ શતાબ્દિ ગાંધીજીએ ચલાવેલા સાપ્તાહિક 'નવજીવન'ની હતી. ગાંધીજીના તંત્રીપદ હેઠળ 'નવજીવન'/Navjivan નો પહેલો અંક સપ્ટેમ્બર ૭, ૧૯૧૯ના રોજ પ્રગટ થયો હતો. ૧૯૩૨માં તેનું પ્રકાશન આટોપાયું ત્યાં સુધીમાં તે ગાંધીજીના અનેક પ્રયોગોનું સાક્ષી અને લોકો સુધી તેમની વાત પહોંચાડવાનું માધ્યમ બન્યું. ગાંધીજીનાં જોમવંતાં છતાં ઉશ્કેરણીજનક નહીં, વિચારપ્રેરક છતાં ગળચટ્ટાં ચિંતનખોર નહીં એવાં લખાણો 'નવજીવન’ માટે લખાયાં. અસહકારની ચળવળ અને ખિલાફત આંદોલનથી માંડીને દાંડીકૂચ જેવી દેશને ઉપરતળે કરનારી અનેક ઘટનાઓ 'નવજીવન'ના પાને ઝીલાઈ. ગાંધીજીની લેખનશૈલી ઘડાઈ અને શીલમાંથી શૈલી શી રીતે નીપજી શકે તેનું ઉત્તમ ઉદાહરણ બની. 'નવજીવન' ફક્ત ગાંધીવિચારનું જ નહીં, જાણે દેશમાં પ્રસરેલી નવી આબોહવાનું મુખપત્ર બની રહ્યું.

'નવજીવન' અસલમાં ઇંદુલાલ યાજ્ઞિક, શંકરલાલ બેન્કર અને કનૈયાલાલ મુનશી જેવા તરવરિયા જુવાનિયાઓની કલ્પનાનું સાકાર સ્વરૂપ હતું. એ લોકો ત્યારના વિખ્યાત અંગ્રેજી માસિક 'મોડર્ન રીવ્યુ'ની ઢબ પર ગુજરાતીમાં માસિક શરૂ કરવા ઇચ્છતા હતા.  તેમાંથી શંકરલાલ બેન્કરને ઇટાલિયન કવિ દાન્તેનો શબ્દપ્રયોગ Vita Nova ખૂબ પસંદ હતો,  જેનો અર્થ હતોઃ નવું જીવન. તેની પરથી ગુજરાતી સામયિકનું નામ પાડવામાં આવ્યું 'નવજીવન'. (કેટલાક સંદર્ભોમાં Viva Nova છે, પણ દાન્તેએ વાપરેલો-'જીવન' માટેનો લેટિન શબ્દ Vita છે.)  એ જ અરસામાં બંધ થયેલા 'સત્ય’ સામયિકને ભેળવી દઈને મુંબઈથી ઇંદુલાલ યાજ્ઞિકના તંત્રીપદે શરૂ થયુંઃ 'નવજીવન અને સત્ય'.

૧૯૧૯ આવતાં સુધીમાં ભાવનાપ્રધાન ઇંદુલાલના તંત્રીપદ હેઠળ 'નવજીવન અને સત્ય' અનિયમિત બની ચૂક્યું હતું. બીજી તરફ, ગાંધીજીની આગેવાની રાષ્ટ્રીય સ્તરે નવા યુગનાં એંધાણ આપી રહી હતી. તે પારખીને ઇંદુલાલની મિત્રમંડળીએ પહેલાં ગાંધીજીને અંગ્રેજી સામયિક 'યંગ ઇન્ડિયા'નું સુકાન સોંપ્યું. પછી ગાંધીજીને ગુજરાતી સામયિકની જરૂર લાગતાં, 'નવજીવન અને સત્ય' પણ ગાંધીજીને આપી દેવામાં આવ્યું.  તેમાં ગાંધીજીએ ત્રણ મોટા ફેરફાર કર્યાઃ તેને માસિકમાંથી સાપ્તાહિક બનાવ્યું, મુંબઈને બદલે અમદાવાદ લઈ આવ્યા અને તેના નામમાંથી 'સત્ય’ કાઢીને ફક્ત 'નવજીવન' રહેવા દીધું.

ગાંધીજીએ ફક્ત સામયિકના નામમાંથી જ 'સત્ય'ની બાદબાકી કરી હતી. બાકી બધી રીતે સામયિક સત્યનિષ્ઠ રહ્યું અને ગાંધીજીના સત્યના પ્રયોગોનું માધ્યમ બન્યુંઃ તેમણે કરેલા પ્રયોગોનું અને તેમણે આત્મકથાના સ્વરૂપમાં આલેખેલા 'સત્યના પ્રયોગો'નું પણ. કેમ કે, તેમની જગવિખ્યાત આત્મકથાનાં પ્રકરણો 'નવજીવન'માં હપ્તાવાર છપાતાં હતાં. સામયિકની લેખનસામગ્રીની જવાબદારી ગાંધીજીની હતી, પણ તંત્રની કામગીરી ઇંદુલાલે ઉપાડવી એવું ઠર્યું હતું. આજે પણ ગાંધી આશ્રમના gandhiheritageportal.org પર ઉપલબ્ધ 'નવજીવન'ના લગભગ તમામ અંકોમાંથી પહેલો અંક જોતાં, તેમાં વાંચવા મળે છેઃ "આ પત્ર અમદાવાદમાં જમાલપુર રોડ પર નટવર પ્રીંટીંગ પ્રેસમાં ભોગીલાલ નારણદાસ બોડીવાળાએ છાપ્યું અને ઇન્દુુલાલ કનૈયાલાલ યાજ્ઞિકે તેજ સ્થળે પ્રકટ કર્યું છે.”

ગાંધીજી 'નવજીવન'ના તંત્રી થયા છે, તે જાણીને આશરે અઢી હજાર લોકો તેના નવા ગ્રાહક બન્યા. પહેલા અંકની પાંચ હજાર જોતજોતાંમાં ખપી ગઈ. ફરી પાંચ હજાર છાપવી પડી ને એ પણ વેચાઈ ગઈ. ત્રીજા અંકમાં વાચકોને જણાવવામાં આવ્યું કે "અમે બનતી મહેનતે જેટલા ઘરાકો લખે છે તેને 'નવજીવન' પહોંચાડવા પ્રયત્ન કરીએ છીએ, પણ એટલો અણધાર્યો દરોડો 'નવજીવન' ઉપર પડે છે કે માગણીને પહોંચી વળવું અશક્ય થઈ પડ્યું છે. આ અઠવાડીયે અમે ૧૨,૦૦૦ નકલ છપાવી છે, છતાં નકલો ઓછી છે એમ જાણીએ છીએ.”

સામયિક પોતાની રીતે કાઢવા માટે ગાંધીજીને પ્રિન્ટિંગ પ્રેસની જરૂર જણાતાં, તેમના સાથી-આશ્રમના કુશળ સંચાલક મગનલાલ ગાંધી અનસૂયાબહેન સારાભાઈ સાથે શહેરમાં પ્રેસ શોધવા નીકળ્યા. તેમણે ચૂડીઓળના નાકે ગલીમાં આવેલું મનહર પ્રિન્ટિંગ પ્રેસ છ હજાર રૂપિયામાં ખરીદ્યું અને તેને નામ આપ્યુંઃ નવજીવન મુદ્રણાલય.  મુદ્રક અને પ્રકાશક તરીકે શંકરલાલ બેન્કરનું નામ હતું. તેના સરપાવ તરીકે ૧૯૨૨માં લેખક ગાંધીજીની સાથોસાથ મુદ્રક-પ્રકાશક તરીકે શંકરલાલસામે પણ રાજદ્રોહના આરોપ હેઠળ કેસ ચાલ્યો અને બંનેને સજા થઈ હતી.

ગાંધીજી ઉપરાંત મહાદેવભાઈ દેસાઈ, કાકાસાહેબ કાલેલકર, સ્વામી આનંદ જેવા ગાંધીયુગના ઉત્તમ કોટિના ગદ્યકારોની કલમનો લાભ 'નવજીવન' થકી ગુજરાતી વાચકોને મળ્યો. ગાંધીજીએ અસહકારની ચળવળ ઉપરાંત તેમના પ્રિય વિષયો હિંદુ-મુસલમાન એકતા અને અસ્પૃશ્યતાના વિરોધ માટે 'નવજીવન'માં પાનાં ભરીને લખ્યું, માહિતી આપી, રોષભર્યા કે ટીકાત્મક પત્રોમાંથી ગરમી અને કડવાશ ગાળીને, તેમાંથી ચર્ચવાલાયક મુદ્દા વિશે લંબાણથી ચર્ચા કરી. પુષ્કળ જથ્થામાં લખવા માટે 'બે હાથે લખવું’ એવો પ્રયોગ થાય છે. ગાંધીજી તો બંને અર્થમાં બે હાથે લખ્યું. 'નવજીવન'માંથી નફો કરવાની તેમની જરાય વૃત્તિ ન હતી. એટલે નફો થાય તો તે વાચકોને સામયિકનાં વધારાનાં પાનાં આપીને સરભર કરી દેવાતો હતો.

કેવો હતો અસહકારયુગમાં 'નવજીવન'નો સપાટો? 'નવજીવનની વિકાસવાર્તા'  પુસ્તકમાં નોંધાયા પ્રમાણે, એ ગાળામાં 'નવજીવન'નું વેચાણ ચાળીસ હજાર નકલોની આસપાસ પહોંચી ગયું. (એ વખતનાં--અને અત્યારનાં--ઘણાંખરાં લોકપ્રિય સામયિકો પણ આટલી નકલે પહોંચી શકતાં નથી. ) ગુજરાતીમાં તો ઠીક, ઑગસ્ટ,૧૯૨૧થી શરૂ થયેલા હિંદી 'નવજીવન'ની પણ પંદર-અઢાર હજાર નકલ વેચાવા લાગી. 'નવજીવન' કામગીરીનો માહોલ આ શબ્દોમાં આલેખાયો છેઃ “આ વર્ષ દરમ્યાન 'નવજીવન' લગભગ અર્ધસાપ્તાહિક થઈ પડ્યું હતું. સાંકડી ગલીમાં ખંડેર જેવી વખારોની ઓરડીઓમાં લગભગ ૯૦ માણસો રાત અને દિવસ ચોવીસે કલાક કામ કરતા. એક જ ભાગેલો છાપવાનો સંચો હતો તે આખું અઠવાડિયું રાત અને દિવસ કલાકના હજારની ઝડપે...નકલો છાપ્યા કરતો...છાપાં વેચનારા છોકરાઓને માટે એક વખારના પાછલે બારણે ટિકિટ ઓફિસ જેવી બારી બેસાડી હતી અને મુખ્ય દરવાજો બંધ રાખવો પડ્યો હતો. ફેરિયાઓ બારીબારણાં ભાંગી નાખવામાં પણ અચકાતા નહીં ને આખા મહોલ્લાની વસ્તીને આખી રાત ભાગ્યે જ ઊંઘ મળતી.”

દાંડીકૂચ પછીના અરસામાં સરકારે 'નવજીવન'નું પ્રેસ જપ્ત કર્યું, ત્યારે ટાઇપ કરેલા 'નવજીવન'ની કોપી મશીન પર છાપેલી નકલો વહેંચાતી હતી. પરંતુ ૧૯૨૧-૨૨ના અસહકાર આંદોલન સમયનો સુવર્ણયુગ પાછો ન આવ્યો. લડતની ગરમી ઓસરી એટલે 'નવજીવન'નું વેચાણ પણ ઘટી ગયું. ૭ સપ્ટેમ્બર, ૧૯૧૯ની તારીખ સાથે પ્રગટ થયેલા 'નવજીવન'ના પહેલા અંકનાં ૧૬ પાનાં હતાં અને તેની છૂટક કિંમત એક આનો રાખવામાં આવી હતી. તેનો છેલ્લો અંક ૧૦ જાન્યુઆરી, ૧૯૩૨નો નીકળ્યો સોળ પાનાં અને કિંમત સવા આનો. 

જમાના પ્રમાણે આનામાં કિંમત ધરાવતું 'નવજીવન'  ગાંધીજીની લડત, તેમનું પત્રકારત્વ, તેમની અભિવ્યક્તિ અને એ સમયને સમજવા માટે અમૂલ્ય દસ્તાવેજ છે. 

Thursday, September 12, 2019

લદ્દાખ, ‘જિપ્સી’ અને હર્ષલ પુષ્કર્ણાઃ ગુજરાતી પત્રકારત્વની વિશિષ્ટ ઘટનાઓનો સંગમ

સારા કાર્યક્રમોને મોટે ભાગે ચોક્કસ લાગણી સાથે સાંકળી શકાતા હોય છે. સાડા છ વર્ષ પહેલાં થયેલા સાર્થક પ્રકાશનના આરંભના કાર્યક્રમને યાદ કરતી વખતે મનમાં થતી પહેલી લાગણી રોમાંચની છે. તેની પણ પહેલાં ૨૦૦૮માં અનેક ગુરુજનો-પ્રિયજનોની સક્રિય સહભાગિતા સાથે યોજાયેલી મારી મોક કોર્ટ સાથે સંકળાયેલો છેઃ અંતરના ઊંડાણ સુધી ટાઢક પહોંચાડનારો સંતોષ. હમણાં યોજાયેલી પ્રકાશભાઈ (ન. શાહ)ની મોક કોર્ટ યાદ કરું ત્યારે મનમાં આવતો પહેલો શબ્દ છેઃ ‘ધમાલ’ એવી જ રીતે, ૧ સપ્ટેમ્બર, ૨૦૧૯ની સાંજે હર્ષલ પુષ્કર્ણાએ યોજેલા કાર્યક્રમના અંતે ફક્ત મારા મનમાં જ નહીં, મોટા ભાગના લોકોના મનમાં ઉભરી આવેલી લાગણી હતીઃ ગરિમા. ગ્રેસ.

નિમંત્રણમાં કરાયેલી જાહેરાત પ્રમાણે કાર્યક્રમ ત્રેવડી ઉજવણીનો હતોઃ 1) પત્રકારત્વમાં હર્ષલનાં ત્રીસ વર્ષ 2) ગુજરાતના એકમાત્ર અને અનન્ય પ્રવાસ માસિક 'જિપ્સી'નું એક વર્ષ 3)  નવા પુસ્તકનું પ્રાગટ્ય.

નવજીવન ટ્રસ્ટના પરિસરમાં આવેલા જિતેન્દ્ર દેસાઈ સ્મૃતિ હોલમાં રવિવારની સાંજે નજીકથી તેમ જ દૂર દૂરથી ચાહકો-સ્નેહીઓ-શુભેચ્છકો આવવા માંડ્યા હતા અને છેવટે તો હોલ ભરચક થઈ ગયો. શરૂઆતમાં પાંચ-સાત મિનીટ હર્ષલની પત્રકારત્વની યાત્રા અને બાવીસ-ત્રેવીસ વર્ષ પહેલાં નગેન્દ્રભાઈ થકી અમારો નાતો શી રીતે જોડાયો તેની, ૧૯૯૮માં અમદાવાદના ‘સીટીલાઇફ ન્યૂઝ’ મેગેઝીનમાં સાથે કામ કરવાના અનુભવોની અને બીજી થોડી વાતો થઈ.  ત્યાર પછી હર્ષલે તેની સ્ટાઇલના, સંપૂર્ણપણે ટેકારૂપ અને જરાય નડતરરૂપ નહીં એવા પાવરપોઇન્ટ પ્રેઝન્ટેશનથી દોઢેક કલાક સુધી વિગતે વાત કરી.
યાદગાર પ્રસંગનું સ્મૃતિ-અંકનઃ હર્ષલ પુષ્કર્ણા, હમસફર ફાલ્ગુની અને પુત્ર પરંતપ
L to R : Harshal Pushkarna, wife Falguni and son Parantap

કૌટુંબિક પરંપરા, દાદા વિજયગુપ્ત મૌર્ય તરફથી પિતા નગેન્દ્ર વિજયને અને પિતા નગેન્દ્ર વિજય તરફથી પોતાને મળેલા વાચનના સંસ્કાર અને વાતાવરણ, શાળાકીય ઔપચારિક અભ્યાસમાં અરુચિ,  ‘ભૌતિક વિજ્ઞાન એટલે શું?’ એવો પાયાનો સવાલ પૂછવા બદલ સ્કૂલમાં મળેલી સજા અને સાથે વિજ્ઞાનમાસિક ચલાવતા પિતાના ચિરજીવીને આટલી પણ ખબર નથી‘ એવો ટોણો, પિતાજીની વિગતવાર અને ચકિત કરનારી સમજૂતી, જિજ્ઞાસાનો આરંભ..... ધીમે ધીમે ‘સફારી’ની ઓફિસે જવાનું શરૂ થયું. પહેલાં તો સ્ટાફ માટે ચા લઈને. પછી ઓફિસકામ. સાયકલ કે લુના પર બેસીને ફેરિયાઓને મેગેઝીન પહોંચાડવાં, ઉઘરાણી કરવી...ભૂતકાળની આ બધી વાતો હર્ષલ કરતો હતો, ત્યારે સામે બેઠેલાંમાંથી ઘણાંને ફક્ત સાંભળવાની નહીં, જોવાની અનુભૂતિ પણ થઈ હશે.

 ‘સફારી’ ઓફિસના માહોલમાં લખવાની ઇચ્છા ન થાય તો જ નવાઈ. બીજા લોકોને ગઝલ લખવાની ઇચ્છા થાય, તે વયે હર્ષલને વિજ્ઞાનલેખ લખવાનું મન થયું. નગેન્દ્રભાઈએ પહેલાં તો બે-ચાર વાર કહ્યું, ‘હજુ વાંચ.’ પછી એક વાર લખવાની હા પાડી. રજા તો મળી ગઈ, પણ પછી વાચન વિના લેખ લખતાં કેવો પરસેવો પડી ગયો અને તેના પગલે વાચનનું મહત્ત્વ સમજાયું, તેની વાત હર્ષલે સરસ રીતે કરી. એવી રીતે, પહેલો લેખ લખવામાં અને શરૂઆતના તબક્કામાં દાદા વિજયગુપ્ત મૌર્ય તરફથી મળેલા ઉપયોગી માર્ગદર્શનનું પણ ભાવસ્મરણ કર્યું.

‘સફારી’માં તંત્રીના પુત્ર હોવું એ લાયકાત ગણાતી ન હતી. કશું હોદ્દાની કે સગપણની રૂએ ન મળે. તેના કારણે દરેક તબક્કે તેનું ઘડતર થયું-નગેન્દ્રભાઈનાં લખાણ વાંચીને, તેમને કામ કરતા જોઈને અને બહારના સંજોગોથી-વાસ્તવિકતાથી ટીપાઈને પણ. ‘સફારી’માં દાખલ થયા પછી, તેની સામગ્રી આટલી મજબૂત હોવા છતાં બે પાંદડે થવાને બદલે આર્થિક સંઘર્ષનો છેડો કેમ આવતો નથી, તેનું પ્રાથમિક કારણ હર્ષલે શોધ્યું, તોતિંગ વ્યાજે લીધેલાં નાણાં ચૂકતે કર્યાં અને ‘સફારી’ ને આર્થિક સ્થિરતા આપવામાં મહત્ત્વની ભૂમિકા અદા કરી. નગેન્દ્રભાઈ તેમની બધી શક્તિ લખવામાં કેન્દ્રીત કરી શકે, એવું વાતાવરણ સર્જવાની તેની નેમ હતી અને એમાં તે સફળ પણ થયો.  મેગેઝીન ઉપરાંત થયેલાં અનેક પ્રકાશનોએ ‘સફારી’નો વાવટો ફરકાવી દીધો. ત્યારથી શરૂ થઈ સફળતાના રાજમાર્ગ પરની સફર. પરંતુ તેમનું ધ્યેય આર્થિક સફળતાથી ઓડકાર ખાઈને બેસી જવાને બદલે, વાચકોને વધુ ને વધુ શું આપી શકાય એ વિચારવાનું હતું.

નગેન્દ્રભાઈએ ૧૯૯૮માં એક બિલ્ડર-ફાઇનાન્સરના પ્રેમાગ્રહથી 'સિટીલાઇફ ન્યૂઝ' પાક્ષિક કાઢ્યું.  મારા માટે તે ત્રણ વર્ષ પહેલાં શરૂ થયેલી કારકિર્દીનો પહેલો અને મહત્ત્વનો-સુખદ ટર્નિંગ પોઇન્ટ હતો. હર્ષલ માટે તે સ્વતંત્ર અસાઇન્મેન્ટ હતું. મોટે ભાગે અમે બંને એ કાઢતા. શરૂઆતના અંકો પછી તંત્રી તરીકે નગેન્દ્રભાઈનું નામ આવતું હોવા છતાં, અમારો સ્વતંત્ર હવાલો રહેતો. હર્ષલે 'સીટીલાઇફ'ના દિવસો યાદ કરીને એ વખતની અમારી એક યાદગાર સમુહ તસવીર બતાવીને કહ્યું કે 'સીટીલાઇફ' ભલે થોડું ચાલ્યું, પણ તેમાંથી એ તનાવને બદલે હળવાશથી કામ કરવાનું શીખ્યો.

'સીટીલાઇફ' પછી તરતના અરસામાં હર્ષલે સ્વતંત્ર રીતે કરેલું પહેલું પ્રકાશન હતુંઃ 20th Century: ઐતિહાસિક સદીની પચાસ અજોડ ઘટનાઓ. તેના લેખનમાં હર્ષલ સાથે હું અને હિમાંશુ કીકાણી સંકળાયા હતા. એકાદ લેખ નગેન્દ્રભાઈના 'ફ્લેશ'ના સમયના સાથી (હવે દિવંગત) દિવ્યેશભાઈ વ્યાસે પણ લખ્યો હતો. સંપાદન સંપૂર્ણપણે હર્ષલનું. એ પ્રકાશન ઘણું સફળ થયું અને હજુ પણ તેની માગ ઓસરી નથી. એવી જ રીતે, આઠેક વર્ષ સુધી હર્ષલે અંગ્રેજી 'સફારી' સફળતાપૂર્વક પ્રગટ કર્યું. પ્રકાશન વ્યવસાયનાં બદલાયેલાં સમીકરણો અને મોટા ખેલાડીઓ દ્વારા અપનાવાતી તરકીબોને કારણે, ખાસ્સો સંઘર્ષ વેઠ્યા પછી, પણ અંગ્રેજીમાં અંગ્રેજીના વાચકોને ગમે તેવું માસિક ગુજરાતમાંથી કાઢ્યાનો સાર્થક સંતોષ લઈને આઠેક વર્ષ પછી હર્ષલે તેનું પ્રકાશન આટોપી લીધું.  હવે એ તેના ત્રીજા અવતારમાં ફરી પ્રગટ થયું છે.

ઉત્તરોત્તર સફળતાનાં અને આર્થિક સ્થિરતાનાં નવાં શીખરો સર કરવાની નગેન્દ્રભાઈ અને હર્ષલની યાત્રા કોઈ પણ વાચનપ્રેમીની-જ્ઞાનવિજ્ઞાનપ્રેમીની આંખ ઠારે એવી હતી. પરંતુ થોડા સમય પહેલાં તેમાં ખટકો આવ્યો. એવા સંજોગો નિર્માયા કે હર્ષલે લગભગ ત્રણ દાયકા જ્યાં સૂઝ-સજ્જતા અને સંપૂર્ણ સમર્પણથી કામ કર્યું, એ જ 'સફારી' છોડવાનું કહેવામાં આવ્યું.  માત્ર 'સફારી' જ નહીં, ઘર અને ઓફિસ પણ.  ત્રણ દાયકાની કામગીરીની જે કંઈ ભૌતિક ઉપલબ્ધિ હતી, તે છીનવાઈ ગઈ. આ હકીકત જીરવવાની ને જીવવાની કઠણાઈની તો વાત જ ક્યાં, તે શબ્દોમાં મૂકવી પણ કેટલી કાઠી પડે?
હર્ષલ પુષ્કર્ણા / Harshal Pushkarna
પરંતુ કાર્યક્રમમાં આ વાત કરતી વખતે હર્ષલે રજમાત્ર કડવાશ વિના, આશ્ચર્યજનક લાગે એટલી સ્વસ્થતાથી અને શાલીનતાથી વાસ્તવિકતાનું વર્ણન કર્યું. અફસોસ પ્રગટ કર્યો તો પણ એ વાતનો કે આવા આઘાતજનક બનાવને લીધે 'સફારી'ની બીજી ભાષાની આવૃત્તિ કાઢવાથી માંડીને બીજાં કેટલાંક વાચકલક્ષી આયોજનો વિચાર્યા હતાં, તે રહી ગયાં.

૪૪ વર્ષની વયે, પોતે પણ જેમાં મહત્ત્વની ભૂમિકા અદા કરી હોય તે છોડી દેવું પડે અને ભાડાના ઘરમાં, ભાડાની ઓફિસમાં, આર્થિકથી માંડીને કારકિર્દીની રીતે નવેસરથી એકડો ઘૂંટવાનો આવે તે સ્થિતિની કલ્પના કરવી અઘરી છે. પરંતુ છેલ્લા એકાદ વર્ષથી તેને આ સ્થિતિમાંથી પસાર થતો અને છતાંય ફરિયાદ કે કડવાશના કોઈ ભાવ વિના, ગજબની સ્થિતપ્રજ્ઞતાથી હંમેશની જેમ કામ કરતો જોયો છે. નથી કોઈ પ્રત્યે અનાદર, નથી હરાવી-હંફાવી દેવાનું ઝનૂન. એટલે જ આવા વિપરીત સંજોગોમાં તેને  ગુજરાતનું પહેલું પ્રવાસ સામયિક કાઢવા જેવો મૌલિક આઇડીયા આવી શક્યો છે. તેની ઝીણવટભરી બ્લુ પ્રિન્ટ તૈયાર કરવા અને તેને ઉત્તમ રીતે અમલમાં મૂકવા સિવાય બીજી ચર્ચામાં જાણે તેને રસ જ નથી.  'જિપ્સી'ની ઓફિસમાં એક ઓફિસ આસિસ્ટન્ટ સિવાય બીજું કોઈ નથી. હર્ષલની અડીખમ સાથી ફાલ્ગુની અને હવે કોલેજમાં ભણતો પુત્ર પરંતપ તેની પડખે છે અને એ સિવાય સેંકડોની સંખ્યામાં વાચકો-શુભેચ્છકો. એ બધાનો હર્ષલે કાર્યક્રમમાં ખરા દિલથી આભાર માન્યો. કપરા સંજોગોમાં સાથ આપવા બદલ કૃતજ્ઞતા પણ વ્યક્ત કરી.

***
વર્ષ ૨૦૧૪ની દિવાળીમાં માં હર્ષલ લદ્દાખ ફરીને, તેના પ્રેમમાં પડીને આવ્યો, ત્યારે એ પ્રવાસ અંગે અમારે વિગતે વાત થઈ હતી. તેના આધારે મેં હર્ષલને 'સાર્થક જલસો' માટે લદ્દાખના પ્રવાસની વાત લખી આપવા આગ્રહ કર્યો. પોતાનો ઉલ્લેખ આવતો હોય એવાં લખાણ લખવામાં તેને કેટલી તકલીફ હતી એ હું જાણતો હતો. અમારી ઘણીખરી મિત્રમંડળી પણ એ માટે બહુ ઉત્સાહી નથી હોતી. પણ તેને 'સાર્થક જલસો'ની સમજ વિશે વાત કરીઃ 'આપણો વાંધો આઇ કેપિટલ રાખવા સામે છે. એમ કરવાથી લેખ આપવડાઈથી ગંધાઈ ઉઠે. પણ આઇ સ્મોલ રાખીએ તો એ જ વાત લેખની તાકાત બની જાય છે. કેમ કે, લેખમાં અધિકૃતતા ઉમેરાય છે. ' આવી ચર્ચા પછી તેણે તેની કારકિર્દીનો એ પ્રકારનો કદાચ પહેલો લેખ સાર્થક જલસો-૪ માં લખ્યો.  'જલસો'રીતિ પ્રમાણે, તે પૂરાં પચીસ પાનામાં પથરાઈને પ્રગટ થયો. આમ, હર્ષલનાં સ્મોલ આઇ કેન્દ્રી લખાણો અને લદ્દાખના લેખ સાથે એક પ્રકારનો અનુબંધ હતો. તેથી કાર્યક્રમમાં પ્રગટ થનારું પુસ્તક લદ્દાખ વિશેનું છે, તે જાણીને વિશેષ આનંદ થયો. (ત્યાં સુધી મને પણ ખબર ન હતી કે પુસ્તક શાના વિશેનું છે.) ત્યાર પહેલાં હર્ષલે તેના જ નહીં, ભારતીય પત્રકારત્વ-લેખનમાં અનન્ય કહી શકાય એવા પુસ્તક 'આ છે સિઆચેન’, તેના જ વિસ્તાર તરીકે શરૂ કરેલી 'સિઆચેન જનજાગૃતિ ઝુંબેશ' અને બીજા ખ્યાતિપ્રાપ્ત પુસ્તક 'પરમવીર ચક્ર'ની પણ વાત કરી. પરમવીર ચક્ર બાના સિંઘ સાથેની તેની મુલાકાતની વિડીયો પણ જોવા મળી.

પુસ્તકના વિમોચન માટે હર્ષલે યોગ્ય રીતે જ, લદ્દાખ કરતાં પણ વધારે કઠણ સફરમાં સરખા હિસ્સાનો સાથ આપનાર પત્ની ફાલ્ગુનીને બોલાવી. બંનેએ મળીને ‘ચાલો લદ્દાખ’ પુસ્તકનું અનાવરણ કર્યું, ત્યારે મારા જેવા ઘણાની આંખ આનંદથી ભીની થઈ હશે. એવી જ રીતે હર્ષલે 'જિપ્સી'નો બારમો અંક પણ ઝાઝી ઔપચારિકતા વિના રજૂ કર્યો અને છેલ્લે 'જિપ્સી' આઉટડોર્સની વાત કરી.  (પુસ્તક અને જિપ્સીના અંકો મેળવવા માટેની લિન્કઃ http://iamgypsy.in/)
હર્ષલ પુષ્કર્ણા- ફાલ્ગુની પુષ્કર્ણા

Harshal Pushkarna- Falguni Pushkarna releasing a book
on Ladakh

અંતે ફરી એક વાર તેણે દાદા અને પિતા પાસેથી મળેલા વારસાનો કૃતજ્ઞતાપૂર્વક ઉલ્લેખ કર્યો અને ભવિષ્યમાં પણ નવું-અવનવું કરતા રહેવાની ખાતરી આપી. કેમ કે, તેનું ચાલકબળ નાણાં નહીં, પણ પ્રવૃત્તિ અને તેમાંથી પેદા થતી સાર્થકતાની લાગણી છે.

કાર્યક્રમના અંતે જોવા મળેલા, કાર્યક્રમની ગરિમાને અનુરૂપ એવા એક દૃશ્યથી સમાપન કરવું જોઈએ, એક બાજુ ગરમાગરમ દાળવડાંનું ટેબલ હતું ને બીજી તરફ 'જિપ્સી'ના બારમો અંક તથા 'ચાલો લદ્દાખ' પુસ્તકનું. ક્યાં વધુ ગીરદી થઈ હશે. તમે કલ્પી શકો છો. છતાં, જોઈને તેનો આનંદ માણવા માટે આ તસવીરો.
કાઉન્ટરઃ દાળવડાનું...

કાઉન્ટરઃ પુસ્તકોનું-સામયિકનું

Sunday, September 08, 2019

ચંદ્રનો દક્ષિણ ધ્રુવઃ અવકાશયાત્રાનું 'હોટ સ્પોટ'

બધું સમુસૂતરું પાર ઉતર્યું હશે તો 'ઇસરો'એ મોકલેલા ચંદ્રયાન-૨માંથી છૂટું પડેલું માળખું 'વિક્રમ'  ગઈ કાલે ચંદ્ર પર ઉતરી ચૂક્યું હશે. પહેલી સમાનવ ચંદ્રયાત્રાને આ સાલ પચાસ વર્ષ પૂરાં થયાં. તેમ છતાં ચંદ્રયાન-૨ના મિશન માટે નવેસરથી રોમાંચ જાગવાનું કારણ છે તેનો આખરી મુકામ એટલે કે ચંદ્રનો દક્ષિણ ધ્રુવ.

એ જાણીતું છે કે પૃથ્વીની સામે ચંદ્રનો એક જ ભાગ સતત તકાયેલો રહે છે. ચંદ્રની બીજી બાજુ પૃથ્વી પરથી કદી જોવા મળતી નથી. ચંદ્રયાત્રાની શરૂઆત થઈ, ત્યારથી માંડીને (અમેરિકાનાં) એપોલો અને બીજાં યાન એ વિસ્તારોમાં જ ઉતરતાં રહ્યાં છે. કેમ કે, એ વિસ્તાર ટેલીસ્કોપ થકી જોઈ શકાતો હોવાથી, તેના વિશેની ઘણી માહિતી ઉપલબ્ધ હતી. ઉપરાંત, ત્યાંથી પૃથ્વી સાથેના સીધા સંપર્કમાં રહી શકાય અને પૃથ્વી પર પાછા ફરતી વખતે સરળતા પણ રહે.

પરંતુ છેલ્લાં થોડાં વર્ષથી પૃથ્વીવાસીઓની નજરથી ઓઝલ રહેલા ચંદ્રના વિસ્તારનું આકર્ષણ ઊભું થયું છે. અંગ્રેજીમાં 'ફાર સાઇડ’ તરીકે ઓળખાતો એ દૂરનો વિસ્તાર એટલે ચંદ્રનો દક્ષિણ ધ્રુવ અને તેની આસપાસનો પ્રદેશ.  છેક ૧૯૯૮માં અમેરિકાની અવકાશ સંશોધન સંસ્થા 'નાસા’એ મોકલેલા તપાસયાનને માહિતી મળી હતી કે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર હાઇડ્રોજનનો મોટો જથ્થો છે. સાદી ધારણા પ્રમાણે, વધુ હાઇડ્રોજન એટલે વધુ પાણી. અને પૃથ્વી સિવાય બીજે ક્યાંય પાણી મળે એટલે માણસજાતને લોટરી લાગી ગણાય.

દસ વર્ષ પછી, ૨૦૦૮માં ભારતનું ચંદ્રયાન-૧ સફળતાપૂર્વક ચંદ્ર સુધી પહોંચ્યું અને તેનું 'ઇમ્પેક્ટ પ્રોબ' તરીકે ઓળખાતું માળખું આયોજન મુજબ દક્ષિણ ધ્રુવની નજીકના વિસ્તારમાં ખાબક્યું. એ ટક્કર અને વિલોપન દરમિયાન તેણે મોકલેલી વિગતોના વિશ્લેષણ પરથી પહેલી વાર ચંદ્ર પર પાણી હોવાના પ્રાથમિક પુરાવા મળ્યા. પછીના વર્ષે, ૨૦૦૯માં નાસાએ ચંદ્રના પ્રદક્ષિણા કરતો એક ઉપગ્રહ મોકલ્યો. તેનું મુખ્ય કામ દૂર રહીને પણ શક્ય એટલી ઝીણવટથી ચંદ્રની તપાસ કરવાનું હતું.

ચંદ્રની 'રેકી' કરતા નાસાના એ ઉપગ્રહને ચંદ્રની ભ્રમણકક્ષામાં ગોઠવતી વખતે એક વિશિષ્ટ અખતરો કરવામાં આવ્યોઃ સામાન્ય રીતે ઉપગ્રહને પૃથ્વીના ગુરુત્વાકર્ષણના બંધનથી પાર કરાવી દીધા પછી, તેને ધક્કો મારનારાં રોકેટનો ભંગાર ખરી પડે છે. પણ નાસાના એ મિશનમાં છેલ્લા તબક્કાના રોકેટનું બળતણ ખાલી થઈ ગયા પછી તેનું ખોખું સાથે રખાયું અને ઉપગ્રહ ચંદ્રની ભ્રમણકક્ષામાં પહોંચ્યો, એટલે પેલા ખાલી ખોખાને ચંદ્રના દક્ષિણ ધ્રુવ નજીકના વિસ્તારમાં ફેંકવામાં આવ્યું. કહો કે, ઉપગ્રહે ખોખાનો છૂટો ઘા કર્યો. તેના કારણે જે ધૂળ ઉડી તેનો પણ ઉપગ્રહમાં રહેલાં સાધનોએ અભ્યાસ કર્યો. વખત જતાં પૃથ્વીની મોં છુપાવીને બેઠેલા ચંદ્રના દક્ષિણ ધ્રુવ સહિતના તમામ વિસ્તારનું નાસાના એ ઉપગ્રહે મેપિંગ કર્યું અને અત્યંત ચોક્સાઈપૂર્વકનો નકશો તૈયાર કર્યો.  એ ઉપગ્રહ હજુ સક્રિય છે અને માહિતી મોકલ્યા કરે છે. સૌથી લાંબા સમય માટે ચંદ્રની પ્રદક્ષિણા કરવાનો રેકોર્ડ પણ તેના નામે છે. ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર બરફ (એટલે કે પાણી)ની હાજરીના વધુ ને વધુ નિર્દેશો આ ઉપગ્રહ તરફથી મળતા રહ્યા છે.

પચાસ વર્ષ પહેલાં ચંદ્ર પર પહોંચવામાં વિશુદ્ધ વૈજ્ઞાનિક જિજ્ઞાસાની સાથોસાથ શીતયુદ્ધમાં સરસાઈ મેળવવાનો રાજકીય હેતુ પણ ભળેલો હતો. હવેનાં મિશનમાં ચંદ્ર પર પહોંચવું એ ફક્ત ગૌરવ લેવાની કવાયત રહી નથી. ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર પાણી મળી આવે અને તેનો ઉપયોગ કરી શકાય, તો ભવિષ્યમાં મંગળ કે બીજા ગ્રહો સુધીની મુસાફરીમાં વચ્ચેના સ્ટેશન તરીકે ચંદ્ર પર ઉતરી શકાય અને ત્યાંથી બળતણપાણી ભરીને સફર આગળ વધારી શકાય. એચટુઓ સ્વરૂપે પાણી મળે, તો તેમાંથી હાઇડ્રોજન-ઓક્સિજન છૂટા પાડીને, હાઇડ્રોજનનો ઉપયોગ આગળની સફરના બળતણ માટે કરી શકાય. (ઘણા નિષ્ણાતો માને છે કે માણસજાતે જે રીતે પૃથ્વીની ખાનાખરાબી કરી છે, તે જોતાં 'ઢૂંઢ લે અબ કોઈ ઘર નયા' નો સમય આવી ચૂક્યો છે.) 

દક્ષિણ ધ્રુવ પર સૂર્ય માથે રહેતો નથી, ક્ષિતિજ પર હોય છે. એટલે ધ્રુવ પ્રદેશમાં આવેલા કેટલાક વિસ્તારો ઢળેલા સૂરજના લાંબા પડછાયાથી ઢંકાયેલા રહે છે. સૂર્યનો સીધો તાપ ત્યાં પહોંચતો ન હોવાથી, બરફ અને બીજા જ્વલનશીલ પદાર્થોનો ભંડાર ત્યાં હોવાની સંભાવના છે.  ઉપરાંત ચંદ્રની ભૂમિનું બંધારણ, તેમાં પડેલા તોતિંગ કદના ગોબા, એ ગોબાનું આયુષ્ય, ચંદ્રની જમીનમાં આવતા આંચકા (ધરતીકંપ-અર્થક્વેકની જેમ ચંદ્રકંપ-મૂનક્વેક), ચંદ્રનું વાતાવરણ, તેની પર સૂર્યપ્રકાશની અસરો જેવી અનેક બાબતોનો અભ્યાસ પણ દક્ષિણ ધ્રુવ પરથી થવાનો છે.

દક્ષિણ ધ્રુવ પર પાણી મળે તો તેનું વિશ્લેષણ કરવાથી, ભૂતકાળમાં સૂર્યમાળા સર્જાઈ ત્યારે કયા સંજોગોમાં પાણી બન્યું હશે, તેનો પણ અંદાજ મેળવી શકાય. નાસાએ નોંધ્યું છે કે દક્ષિણ ધ્રુવના વિસ્તારમાં આવેલાં કેટલાંક પહાડી શીખરો પર કાયમ સૂર્યપ્રકાશ આવતો હોય છે. એવા કોઈ ઠેકાણે સૌર ઊર્જાથી ચાલતી વસાહત સ્થાપી શકાય. પૃથ્વીની જેમ ચંદ્રના પેટાળમાં પણ ખનીજો હોવાની સંભાવના છે. પાણી હોય ત્યાં વસાહત હોય, તો વસાહત હોય તેની આસપાસના વિસ્તારમાં ખાણકામ પણ કરી શકાય.

આ બધું વાંચવામાં શેખચલ્લીના સપના જેવું લાગતું હોય તો એ પણ જાણી લેવું જોઈએ કે નાસા આગામી પાંચેક વર્ષમાં ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સમાનવ યાન મોકલવાની વેતરણમાં છે. યુરોપની સ્પેસ એજન્સીએ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર યાન મોકલવાનો મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ હાથ ધર્યો હતો. તેમની ગણતરી વર્ષ ૨૦૧૮ના અંત ભાગ સુધીમાં 'લુનાર લેન્ડર'  નામનું તેમનું યાન ઉતારી દેવાની હતી. પણ નાણાંભીડને કારણે તેમને પ્રોજેક્ટ માંડી વાળવો પડ્યો. દરમિયાન ચંદ્રના પૃથ્વી પરથી નહીં દેખાતા ભાગ પર યાન મોકલવાની પહેલ ચીને કરી અને આ વર્ષના જાન્યુઆરીમાં તેનું લેન્ડર ચંદ્રના દક્ષિણ ગોળાર્ધમાં ફરતા યાંત્રિક ગાડી જેવા રોવર સાથે ઉતરી ચૂક્યું છે. ચીની લેન્ડર દક્ષિણે ૪૫.૫ અંશ અક્ષાંશ પર છે, જ્યારે ચંદ્રયાન-૨નું લેન્ડર 'વિક્રમ' ધાર્યા પ્રમાણે ઉતર્યું હશે, તો તે દક્ષિણે આશરે ૬૭ અંશથી ૭૦ અંશ અક્ષાંશની વચ્ચે એટલે કે છેક દક્ષિણે હશે. ચંદ્રની આટલી દક્ષિણે કેટલાંક યાન આત્મવિલોપન કરીને માહિતી મોકલવા પૂરતાં ખાબક્યાં છે ખરાં, પણ કોઈ યાનને ત્યાં રહીને કામ કરવા માટે મોકલાયું નથી. માટે, ચંદ્રયાન-૨ની સફળતાથી ચંદ્ર વિશેના માણસજાતના જ્ઞાનમાં નોંધપાત્ર વધારો થશે

--અને કોઈ કારણસર ચંદ્રયાન-૨ ધાર્યું પરિણામ ન આપે, તો પણ ચંદ્રના દક્ષિણ ધ્રુવ તરફની અવકાશી દોટ હવે અટકવાની નથી.