Tuesday, June 11, 2019

ઉદાર મતઃ ભારતીયતાનો પર્યાય કે વિરોધી?

ચૂંટણીનાં પરિણામથી રાજકીય સિવાયની, ખાસ કરીને સામાજિક બાબતો વિશે મોટા પાયે ચર્ચા છેડાય એવું ઓછું બનતું હોય છે. એવાં પરિણામ પણ ભાગ્યે જ આવતાં હોય છે. ચૂંટણીઓ ભ્રષ્ટાચાર, ગરીબી, રાષ્ટ્રવાદ, ઉદ્ધારકની ખોજ જેવા વિવિધ મુદ્દે લડાતી હોય છે. આ વખતની ચૂંટણી પ્રચારના તબક્કે એવી જ લાગતી હતી. પરંતુ પરિણામ આવ્યા પછી કેટલીક નવી (ગેર)સમજો પ્રચલિત બની રહી છે, જે જાહેર જીવન માટે ચિંતાજનક છે. કેમ કે, તેમાં એક શબ્દની સાથે ભારતીયતાના અર્ક જેવા જીવનમૂલ્યને ઉચ્ચ વર્ગીય, દેશવિરોધી, સામાન્ય જનતાનું વિરોધી અને હારી ગયેલું ગણાવવાનું ચાલી રહ્યું છે. એ મૂલ્ય એટલે સહિષ્ણુતા, ઉદાર મત. આ મૂલ્યમાં વિશ્વાસ ધરાવનાર માટેનો અંગ્રેજી શબ્દ છે ‘લિબરલ’.

એક વાત સૌથી પહેલાં સ્પષ્ટ કરી લેવી જોઈએ. ઉદાર મત અથવા સહિષ્ણુતા એ જીવનમૂલ્ય,ગુણ કે લક્ષણ ચોક્કસ છે, પણ તે સામ્યવાદ કે સમાજવાદ કે મૂડીવાદ કે રાષ્ટ્રવાદ જેવો કોઈ વાદ કે સિદ્ધાંત નથી. એટલે તેની સમજ કે વ્યાખ્યા જડ નથી ને કોઈના વિરોધમાં પણ નથી. ‘ઉદાર મત’ એ શબ્દપ્રયોગમાં ‘ઉદાર’ શબ્દને મહાનતા સાથે નહીં, રોજબરોજના સામાન્ય જીવનમાં જોવા મળતા માનવીય અભિગમ સાથે સાંકળવાનો છે. એટલે કે, એવી ‘ઉદારતા’, એવી વ્યવહારુ માનવતા મોટા ભાગના લોકોમાં મૂળભૂત રીતે જ મોજુદ હોય. આવી માનવતા એટલે અવિશ્વાસ, ધીક્કાર, દ્વેષ, ભોગ બન્યાની લાગણી, ગૌરવ, અસ્મિતા—આ બધું માપમાં, ભયજનક સપાટીથી ઘણું નીચે હોય એવી સ્થિતિ. સોશ્યલ મિડીયા પહેલાંના સમયમાં મોટા ભાગના લોકોની માનસિક સ્થિતિ આવી રીતે ‘ઉદાર’ રહેતી હતી. એવી માનસિકતા વ્યાપક હોય ત્યારે લડાઇઝગડા-તકરારો થાય તો ખરાં, પણ એકંદરે બધા એવું સ્વીકારીને ચાલતા હોય કે વાસણ છે. ખખડે. છેવટે રહેવાનું તો ઘરમાં (ગામમાં-દેશમાં) સાથે જ છે. આ થયો વ્યવહારુ, થિયરીના ભાર વગરનો, રાજકીય અભિપ્રાયોથી સ્વતંત્ર એવો ઉદાર મત.

બીજા ધર્મો પ્રત્યેનો સમભાવ નહીં, તો અભાવ પણ નહીં, બીજા પ્રત્યેનો પ્રેમ નહીં, તો અવિશ્વાસ પણ નહીં, પારકાં માટે કુટુંબી જેવો ભાવ નહીં, તો દુશ્મનાવટની લાગણી પણ નહીં, બીજા માટે દેશવાસી તરીકેનો ઉમળકો નહીં, તો દેશવિરોધી તરીકેનો ધીક્કાર પણ નહીં—આવી માનસિકતા, આવો ઉદાર મત મોટા ભાગના લોકો માટે સહજ હતો અને કદાચ હજુ પણ હોઈ છે. આવો ઉદાર મત ધરાવતા લોકો અત્યાર સુધી ‘લિબરલ’ તરીકે ઓળખાતા ન હતા. કેમ કે, તેમના માટે એ સામાન્ય (નૉર્મલ) માણસ હોવાનો જ અર્થ હતો. તે બોલકા ન હતા. પોતે જે સ્વાભાવિક લાગણી સાથે જીવી રહ્યા છે, તેને ઉદાર મત કહેવાય એવી પણ સભાનતા તેમને નહીં હોય. એટલે તે ઉદાર મતના સિદ્ધાંતશાસ્ત્રી પણ ન હતા અને પોતાની જાતને ઉદાર મતના પ્રતિનિધિ તરીકે પણ ગણતા ન હતા.

ધ્રુવીકરણના રાજકારણે આ પરિસ્થિતિ બદલવાનું શરૂ કર્યું. ભારતભરનાં અનેક સ્થળોએ હિંદુ-મુસ્લિમો ભાઈભાઈ તરીકે ભલે નહીં, પણ શાંતિથી-સંપીને ઊંડી દુશ્મનાવટ કે અવિશ્વાસ વિના રહેતા હતા અને એને ‘સેક્યુલરિઝમ’ કહેવાય એની તેમને ખબર ન હતી-પરવા પણ ન હતી. રાજકીય પક્ષોએ પહેલાં સેક્યુલરિઝમની વ્યાખ્યાને વિકૃત કરી. બંને મુખ્ય રાષ્ટ્રીય પક્ષોએ તેમાં મજબૂત ફાળો આપ્યો. તેના પગલે ચાલેલા દુષ્પ્રચારમાં દેખીતો વાંધો ‘દંભી સેક્યુલરિઝમ’ હોવાનું કહેવાયું. એ સાચું હોત તો દંભનો કચરો કાઢીને સેક્યુલરિજમને શુદ્ધ બનાવવાની દિશામાં કામ થયું હોત. એને બદલે, દંભી સેક્યુલરિઝમની સામે સાચા સેક્યુલરિઝમને નહીં, બે મોઢાળા કોમવાદને પ્રતિષ્ઠિત કરવામાં આવ્યો. અને સમીકરણ એવું બેસાડી દેવાયું કે સેક્યુલરિઝમ દંભી જ હોય. જે લોકો સેક્યુલરિઝમના સિદ્ધાંતમાં પડ્યા વિના, સ્વાભાવિક રીતે શાંતિથી સંપીને રહેવામાં માનતા હોય, તેવા લોકો પણ સેક્યુલર તરીકે ખપાવી દેવાયા—અને બદલી કઢાયેલી વ્યાખ્યા પ્રમાણે, સેક્યુલર તો દંભી, હિંદુવિરોધી, દેશવિરોધી જ હોય. બીજા શબ્દોમાં કહીએ તો, કોમવાદની પ્રતિષ્ઠામાં જે સામેલ ન થાય, તે સૌને દંભી સેક્યુલરિસ્ટ ઠેરવી દેવાયા.

સેક્યુલરિઝમનું ઉદાહરણ એટલા માટે જરૂરી હતું કે સેક્યુલરિઝમને જે રીતે શુદ્ધ કરવાને બદલે, તે મૂલ્યને જ શૂળીએ ચડાવી દેવાયું અને કોમવાદને રાષ્ટ્રવાદ સહિતનાં વિવિધ વસ્ત્રોમાં વીંટાળીને તેની પ્રતિષ્ઠા કરવામાં આવી, એવું જ હવે ‘લિબરલ’ શબ્દ માટે થઈ રહ્યું છે. ઉદાર મતવાદની બોલકી તરફેણ કરતા લોકોના ઘણા પ્રશ્નો હોઈ શકે છે. તેમની વાજબી ટીકાને પૂરો અવકાશ છે. તેમના સતત વિરોધ છતાં સત્તાધારી પક્ષ ફરી ચૂંટાઈ આવ્યો, તેનાથી લિબરલ પંડિતો-વિશ્લેષકોએ ઘણું વિચારવાનું રહે છે. પણ એ મૂળભૂત મૂલ્ય વિશે નહીં. વિશાળ જનસમુદાયમાં રહેલા સ્વાભાવિક ઉદાર મતને છાવણીબદ્ધ થતો કેવી રીતે અટકાવવો એ વિચારવાનું છે. એ રીતે, સંઘર્ષ જેટલો જમણેરી વિચારધારા સામેનો છે, એથી પણ વધારે તે સ્વાભાવિક ઉદાર મતના રક્ષણ-સંવર્ધન-મજબૂતીકરણ માટેનો હોવો જોઈશે.

બીજી તરફ, અણુમતીમાં રહેલા બોલકા અને ટીકાકાર એવા ‘લિબરલ’ને ચૂંટણી પરિણામો પછી હારેલા જાહેર કરીને, તેમની સાથોસાથ આખેઆખા ઉદાર મતને નકામો ઠરાવી દેવાનો પ્રચાર ચાલી રહ્યો છે. કેટલાક બોલકા લિબરલ પણ આ જાળમાં બે રીતે ફસાયા છેઃ 1) જે લોકો જીવન વ્યવહારમાં ઉદાર મત ધરાવે છે, છતાં બીજાં અનેક કારણોસર જેમણે શાસક પક્ષને મત આપ્યો હોવાનો સંભવ છે, એવા લોકોને કોમવાદી કે અણસમજુ જાહેર કરીને. આમ કરવાથી તે સાહજિક રીતે ઉદાર મત ધરાવતા મોટા સમુદાયને વિમુખ કરી રહ્યા છે અને ધ્રુવીકરણની પ્રક્રિયામાં મદદ કરી રહ્યા છે. 2) કેટલાક બોલકા લિબરલ પોતાની જ બિરાદરીના બીજા લોકોનાં મૂલ્યોમાં- વલણોમાં રહેલી મર્યાદાઓને સૂક્ષ્મદર્શક યંત્ર વડે જોઈ-દેખાડીને, સીધી કે આડકતરી રીતે આખેઆખા ઉદાર મત નકામો, દંભી અને હારવાને લાયક ગણાવી રહ્યા છે. તેમના મતે, તે ચૂંટણી પરિણામોને આદર આપી રહ્યા છે, પણ હકીકતમાં તે ચૂંટણી પરિણામોના દબાણ સામે ઝૂકીને કે ચતુરાઈનો દેખાવ જાળવી રાખવા માટે પોતાનાં મૂલ્યો સાથે છેડછાડ કરી રહ્યા છે.

ઉદાર મત માટેની સૌથી મોટી આશા લિબરલ તરીકે જાણીતો ન હોય તેવો વિશાળ જનસમુદાય છે અને સૌથી મોટો પડકાર અત્યાર સુધી છાવણીમાં ન વહેંચાયેલા ને એકજૂથ નહીં એવા સમુદાયને ઘણી હદે છાવણીબદ્ધ-એકજૂથ કરી રહેલી ધ્રુવીકરણની પ્રક્રિયાનો છે. તેમાં સોશ્યલ મિડીયા અને આઇટી સેલોએ શરમજનક રીતે નોંધપાત્ર ફાળો આપ્યો છે.

ઉદાર મતની સ્થિતિ સેક્યુલરિઝમ જેવી થતી અટકાવવાનો અને ‘તમે ઉદાર મતના છો કે દેશપ્રેમી?’ એવું વિભાજન સંપૂર્ણ બનતું અટકાવવાનો આ છેલ્લો મોકો લાગે છે. 

1 comment:

  1. All the voters or supporters of BJP are not communal,they are voting on the basis of some other reason also. Few of my friends are against subsidy and reservation policy of Congress Some are voting for capitalism etc

    ReplyDelete