Sunday, June 09, 2019

શબ્દના રસ્તે સંચરીને 'હનીફ’, આ ગઝલમાંહે રાતવાસ થયો

જાણીતા ગઝલકાર હનીફ સાહિલે ગઈ કાલે રાત્રે સાડા બારની આસપાસ (એટલે તારીખની રીતે આજે) ૭૩ વર્ષની વયે વિદાય લીધી. ફક્ત ગઝલ સાથે જ નહીં, શબ્દ સાથે પણ લેવાદેવા ઊભી કરવાના પાયામાં જે થોડા લોકો ગણી શકાય, તેમાં હનીફ સાહિલનું નામ આવે. જીવનનો મોટો હિસ્સો તેમણે મહેમદાવાદની શેઠ જે. એચ. સોનાવાલા હાઇસ્કુલમાં બાયોલોજી ભણાવ્યું.  ધોરણ અગિયાર-બારમાં બીરેનના ક્લાસને અને છ વર્ષ પછી મારા ક્લાસને પણ. મહેમદાવાદ તેમને 'પઠાણસાહેબ' તરીકે ઓળખે. મયંક ઓઝા જેવા સાહિત્ય-સંગીતપ્રેમી અને બિપીનભાઈ શ્રોફ જેવા અભ્યાસી- પોતપોતાના ક્ષેત્રમાં બહારની દુનિયા સાથે સંકળાયેલા થોડા લોકોને બાદ કરતાં મહેમદાવાદમાં પઠાણસાહેબ શિક્ષક તરીકે જાણીતા. ૧૯૮૫માં તેમનો પહેલો ગઝલસંગ્રહ 'પર્યાય તારા નામનો’ સાહિત્ય પરિષદે પ્રકાશિત કર્યો, ત્યારે મહેમદાવાદના માર્કેટ યાર્ડના હોલમાં જાણીતા કવિઓનો મુશાયરો યોજાયો હતો. મહેમદાવાદમાં મુશાયરો અકલ્પનીય ઘટના હતી. તેના સાક્ષી બનવાનો રોમાંચ પછી તો પૂર્વવર્તી અસરથી વધ્યો હતો.
હનીફ સાહિલનું પહેલું પુસ્તક 

એ જ વર્ષે (૧૯૮૫માં) અગીયારમા ધોરણમાં સાયન્સ લીધા પછી પઠાણસાહેબનું ટ્યુશન શરૂ કર્યું.  બીજા પાંચ-છ વિદ્યાર્થીઓ હતા. પરેશ પ્રજાપતિ પણ ખરો. પઠાણસાહેબ ક્લાસમાં ભણાવે તે બધું અદ્ધરથી જાય, પણ ટ્યુશનમાં થોડી ખબર પડતી. પઠાણસાહેબનો ચાર જણનો પરિવાર ભાડાના નાનકડા ઘરમાં રહે. સાંકડમાંકડ બધું ચાલતું હોય. પણ પુસ્તકોના ખડકલા ખરા. ત્યાં ખાસ્સો વખત રહ્યા પછી તે વોરા સોસાયટીના બંગલામાં રહેવા ગયા.

જેને પછી સેક્યુલરિઝમ અને સ્યુડો-સેક્યુલરિઝમ તરીકે બદનામ કરવામાં આવ્યું, તે મહેમદાવાદી (અને ભારતીય) સહઅસ્તિત્વના મોડેલમાં અમારા અતિનિકટના સ્નેહી પાઉલભાઈના ખ્રિસ્તી હોવાનું કે પઠાણસાહેબના મુસ્લિમ હોવાનું આત્મીયતા અને સ્નેહની દૃષ્ટિએ ગૌણ હતું. પઠાણસાહેબના ઘરે અમે ભણવા જતાં ત્યારે અમારાથી થોડાં નાનાં તેમનાં સંતાનો શકીલ અને સાજેદા પણ અમારી સાથે સહેલાઈથી હળતાંભળતાં. તેમનાં પત્ની ફરીદાબહેનને સાહિત્ય સાથે કશી લેવાદેવા નહીં. પઠાણસાહેબની અમુક બાબતો પર તે પત્નીસહજ રીતે ખિજાય પણ ખરાં. છતાં, અમારી સાથે તે સરસ રીતે વર્તતાં. પછીનાં વર્ષોમાં પણ મળવાનું થાય ત્યારે તે પઠાણસાહેબની જેમ, તેમના જેટલા પ્રેમથી બોલાવતાં.

પઠાણસાહેબના ટ્યુશનમાં બાયોલોજી તો ચડ્યું નહીં, પણ ધીમે ધીમે તેમની ગઝલપ્રવૃત્તિમાં રસ પડવા લાગ્યો. બારમું ધોરણ અને ટ્યુશન પૂરું થઈ ગયા પછી પણ તેમની સાથેનો સંપર્ક અને તેમના ઘરે બેસવા જવાનું ચાલુ રહ્યું. ટ્યુશન ચાલુ રહ્યાં. વિષય બદલાયો. તે ગઝલની-ગઝલકારોની વાત કરતા. તેમના સુરતના ગઝલકાર મિત્રો મનહરલાલ ચોક્સી, ડો. દિલીપ મોદી અને બીજા. મનહરલાલનો દીકરો મુકુલ પણ સરસ ગઝલ લખે છે તેની વાત કરતા. પ્રિય ગઝલકાર મુકુલ ચોક્સીનું નામ પહેલી વાર પઠાણસાહેબ પાસેથી સાંભળ્યું અને સમય જતાં મુકુલભાઈના બંને સંગ્રહો પણ પઠાણસાહેબે અમને આપી દીધા. ભૂલતો ન હોઉં તો તેમનાં ઘર બદલતી વખતે તેમને ઘણાં પુસ્તક કાઢવાં પડે તેમ હતાં. તે વખતે હું ઘણાં પુસ્તક લાવ્યો હતો. એ પુસ્તકોનાં પૂંઠાં અને મુકુલભાઈના ગઝલસંગ્રહની ઘણી ગઝલો-તેના શેર એ ઉંમરે મન પર કાયમી છાપ પાડી ગયા. આજે પણ તેમાંના કેટલાક શેર(નો ધ્વનિ) યથાપ્રસંગે યાદ આવતો રહે છે.



પઠાણસાહેબનો ગુજરાતી અને ઉર્દુ પર મજબૂત કાબુ હતો. મહેમદાવાદ આવતાં પહેલાં તે પેટલાદમાં શિક્ષક હતા. મોટે ભાગે એ અરસામાં તે આદિલ મન્સુરીના પરિચયમાં આવ્યા હતા. ત્યાર પછી ચિનુ મોદી અને બીજા લોકોના પણ સંપર્કમાં આવ્યા. સાહિલ તેમનું તખલ્લુસ હતું, પણ એ વખતે બીજા એક ગઝલકાર 'સાહિલ' નામે લખતા હોવાથી પઠાણસાહેબે હનીફ 'સાહિલ' નામે લખવાનું રાખ્યું. પઠાણસાહેબ અમારા માટે સ્થાનિક વ્યક્તિ હતા. તેમનો ગઝલક્ષેત્રે મોટાં ગણાતાં નામ સાથે સંપર્ક-પરિચય-ઘરોબો હોય તેની અમને બહુ નવાઈ લાગતી. તેમને એવા સંપર્કોની બડાઈ કરવાની ટેવ ન હતી. પણ ક્યારેક કિસ્સા-પ્રસંગો કહેતા. ગઝલના પ્રાથમિક બંધારણની, રદીફ-કાફિયાની-છંદની સમજ તેમણે આપી હતી. આજે પણ બરાબર યાદ છે કે 'બાત ફૂલોંકી’વાળી મકદુમ મોઈયુદ્દીનની ઉર્દુ ગઝલ પરથી ગુજરાતીમાં તેમણે ગઝલ લખી.  ટ્યુશનના અંદાજમાં, લાકડાના પાટીયામાં ભરાવેલા લીટીવાળા કાગળના જથ્થામાંથી એક કાગળ પર તેમણે લખ્યું.

ફૂલ શા હોઠ, ફૂલ શો ચહેરો
એ કરે છે વાત ફૂલોની.

યાદ છે ત્યાં સુધી તેમાં 'લાગણી શીઘ્રપાત ફૂલોની' એવું પણ આવતું હતું. પઠાણસાહેબ પોતે ટૂંકી જમીનની (બહરની) ગઝલોમાં ખીલતા અને ગઝલ એટલે પ્રેમનો વાર્તાલાપ—એવી દૃઢ માન્યતા ધરાવતા. પોતાની ગઝલમાં તગઝ્ઝુલના રંગ વિશે તે બહુ આગ્રહી રહેતા. અગીયારમા-બારમા ધોરણમાં ભણતી વખતે મને બહુ નવાઈ લાગતી કે કોઈ માણસ બોરિંગ બાયોલોજી અને રંગીન ગઝલો સાથે એકસરખી સાહજિકતાથી કેવી રીતે પનારો પાડી શકે?  ધીમે ધીમે સમજાતું ગયું કે આજીવિકામાંથી જ આનંદની કીક ને જીવનની સાર્થકતા મળી રહે એવું ભાગ્યે જ બનતું હોય છે.
***
પઠાણસાહેબને તમાકુ ખાવાની ટેવ હતી. કદાચ તબિયતનાં કારણોસર તેમનાં પત્નીથી સંતાડીને તે ખાતા. એટલે પુસ્તકનાં પાનાંની વચ્ચે વચ્ચે તેમની તૈયાર તમાકુની પડીકી રહેતી. તેમનાં પત્ની આઘાંપાછાં થાય ત્યારે તે પડીકી કાઢીને હોઠમાં દબાવી દેતા. ક્યારેક પકડાઈ જાય ત્યારે પત્નીનો ઠપકો પણ સાંભળતા. આ બધું અમારી સામે થવા છતાં, તેનાથી અમારી પર કશી વિપરીત અસર પડી હોય એવું યાદ નથી. અમારી સાથે તે પ્રેમ અને સાલસતાથી વર્તતા. ક્યારેક ત્યાં વિદ્યાર્થીઓને ચા પીવા પણ મળતી.

ફક્ત બાયોલોજીમાં રસ પડતો હોત તો બારમા ધોરણ પછી નાતો છૂટી ગયો હોત, પણ ગઝલને કારણે અને પછી લેખનક્ષેત્રને કારણે સંપર્ક જળવાયેલો રહ્યો. પત્રકારત્વમાં આવ્યા પછી તેમને મળવાનું બહુ થતું નહીં. પણ જ્યારે મળીએ ત્યારે જૂનો તંતુ સંધાઈ જતો હતો. એક વાર, કદાચ ૧૯૯૮-૯૯ની આસપાસ વિખ્યાત ફોટોગ્રાફર જગન મહેતા સાથે બેઠો હતો, ત્યારે જગનદાદાના મોઢેથી તેમનું નામ સાંભળવા મળ્યું. દાદા સાથે મારે સારી દોસ્તી હતી. એ બહુ લાગણીવાળા. ચિંતા પણ બહુ કરે. કલાકાર જીવ. રૂપિયાપૈસાના હિસાબમાં સમજે નહીં. એવોર્ડ મેળવવા માટે અરજી કરવાનું તેમને ફાવે નહીં. ગુજરાતી સાહિત્યકારોનાં ઉત્તમ પોર્ટ્રેટ તેમણે પોતાના રસથી અને ગાંઠના ખર્ચે પાડ્યાં. તેના કારણે આપણને ઘણા સાહિત્યકારોનાં ઉત્તમ પોર્ટ્રેટ મળ્યાં. નહીંતર દસ્તાવેજીકરણની સૂઝના અભાવે એ ખાનું ખાલી જ રહી જાત. દાદા તેમના જીવનના અંતિમ તબક્કામાં હતા. છતાં, સાહિત્યકારોનાં પોર્ટ્રેટને તે પોતાનું કામ ગણતા. એક દિવસ વાતવાતમાં કહે, ‘મહેમદાવાદમાં હનીફ સાહિલ છે. એનું પોર્ટ્રેટ પાડવાનું બાકી રહ્યું છે. હવે મારાથી તો જવાય એમ નથી. તું એક કામ કરીશ? મને તેમનું સારું પોર્ટ્રેટ પાડી આપીશ?’

એ વખતે બીરેને SLR કેમેરા વસાવ્યો હતો અને એ હું સાથે રાખતો. દાદાના કેટલાક ફોટા પાડ્યા હતા. દાદાએ મને આ જવાબદારી સોંપી ત્યારે સૌથી પહેલો આનંદ તો એ વાતનો થયો કે દાદાના મનમાં 'અમારા' પઠાણસાહેબનું પોર્ટ્રેટ પાડવાની--અને એ પાડવાનું બાકી છે તેની આવી નોંધ હતી. મેં મારી સમજ પ્રમાણે ચાર-પાંચ તસવીરો લીધી (કારણ કે ત્યારે ફોટા પાડવાના-ડેવલપ કરાવવાના રૂપિયા થતા હતા અને એ પોસાતા ન હતા). દાદાએ તસવીરો જોઈને રાજીપો વ્યક્ત કર્યો, ત્યારે મને બેવડો સંતોષ થયો હતોઃ દાદાના સંગ્રહમાં પઠાણસાહેબની તસવીરો આવી તેનો અને મારી તસવીરો દાદાને 'ચાલેબલ' લાગી તેનો.


જગનદાદા માટે પાડેલા હનીફ સાહિલની તસવીરો
એ જ અરસામાં (૧૯૯૭-૯૮ની આસપાસ) આદિલ મન્સુરી અમેરિકાથી આવ્યા હતા. પઠાણસાહેબ તેમને મળવા જવાના હતા. એટલે હું પણ તેમની સાથે જોડાઈ ગયો. બંને જણ પ્રેમથી મળ્યા. ત્યાર પછી મેં 'આદિલ'નો નાનકડો ઇન્ટરવ્યુ પણ કર્યો. (તેના પરથી લખેલા લેખની લિન્ક)

૨૦૦૨માં કોમી હિંસાનું ઝેર ગુજરાતનાં અનેક ગામ-શહેરમાં પહેલી વાર ફેલાયું. મહેમદાવાદ પણ એવું એક ગામ હતું. અમદાવાદમાં ગમે તેવાં રમખાણ થાય છતાં અને મહેમદાવાદમાં મોટા પ્રમાણમાં મુસ્લિમ વસ્તી હોવા છતાં, મહેમદાવાદમાં કોમી તોફાન થાય એવું દાયકાઓથી કદી બન્યું ન હતું. ૨૦૦૨માં પહેલી વાર મહેમદાવાદમાં કરફ્યુ લાગ્યો.  ત્યારે મગજ બહેર મારી ગયું. યાદ છે કે પહેલી વાર કરફ્યુ લાગ્યો અને પછી થોડા કલાક માટે તેમાંથી મુક્તિ જાહેર થઈ, ત્યારે સૌથી પહેલાં હું વોરા સોસાયટીમાં પઠાણસાહેબના ઘરે ગયો હતો અને અમે બંનેએ 'આપણા ગામને આ શું થઈ ગયું?’નો ભીનો વસવસો વ્યક્ત કર્યો હતો. વોરા સોસાયટીમાં જતી વખતે ત્યારે કે પછી પણ કદી એવો વિચાર નથી આવ્યો કે એ મુસ્લિમ વિસ્તાર કહેવાય. અને પાછલાં વર્ષોમાં એક હાથમાં લાકડી ને બીજા હાથમાં થેલી સાથે ચાલતા પઠાણસાહેબને જોઈને કોઈને પરાયાપણાનો ભાવ લાગતો ન હતો. ચલાતું હતું ત્યાં સુધી તે ઘણી વાર ઘર બાજુ નીકળ્યા હોય તો ઘરે આવી જાય. મારા પરિવારનાં સૌ કોઈ તેમની સાથે હળીભળીને વાતો કરે. મારી પત્નીને દીકરીની જેમ ગણીને તેની સાથે આત્મીયતાથી વાત કરે. ક્યારેક ગઝલ સંભળાવે. તેમનાં નવાં પુસ્તક-કોલમની વાત કરે. મુશાયરામાં ગયા હોય તો તેની પણ વાત કરે. છેલ્લે તેમનાં બે પુસ્તક આપ્યાં હતાં. સતત ચાલુ રહેલી સાહિત્ય-લેખનની પ્રવૃત્તિથી તે સંતુષ્ટ હતા. તબિયત સાથ આપતી ન હતી. ઘણી વાર તેમના પુત્ર શકીલના ઘરે વડોદરા જતા, ત્યારે બીરેનને ફોન કરતા અને બીરેન તેમને મળવા જતો.

'પર્યાય તારા નામનો'માં હસ્તાક્ષર, ૧૯૯૦

'ગુફ્તગૂ', ૨૦૦૦

હસ્તાક્ષર, ૨૦૧૭


છેલ્લે મહેમદાવાદમાં મુશાયરો યોજાયો ત્યારે તે મીર-એ-મહેફિલ હતા. નાદુરસ્ત તબિયતે પણ તેમનાં પત્ની સાથે આવ્યા હતા અને છેલ્લે ગઝલો વાંચી હતી. કાર્યક્રમ પૂરો થયા પછી અલપઝલપ મળવાનું થયું. ઘણા સમયથી તે થાકેલા લાગતા હતા. વજન ઘણા સમયથી વધ્યું હતું. બહાર નીકળવાનું લગભગ બંધ થયું હતું. એક વાર અમે--બિપીનભાઈ-મયંકભાઈ અને મેં વિચાર્યું કે અમે ત્રણ અને પઠાણસાહેબ અનિયમિત અને અનૌપચારિક રીતે મળવાનું રાખીએ. એકાદ વાર પ્રયાસ કર્યો, પણ પઠાણસાહેબ માટે બહાર નીકળવાનું સહેલું ન હતું.

આજે સવારે મયંકભાઈ સાથે વાત કરતાં ખબર પડી કે ગઈ કાલે રાત્રે પઠાણસાહેબ ગયા.  ૧૯૮૫થી ૨૦૧૯ સુધીનો લાંબો ગાળો નિયમિત-અનિયમિત સંપર્કનો રહેવા છતાં, શબ્દરૂપે અને લાગણીરૂપે પઠાણસાહેબનું સ્થાન મનમાં હતું, છે અને રહેશે.

(પઠાણસાહેબ વિશે બીરેનના લેખની લિન્ક)

5 comments:

  1. અલ્લાહ એમના આત્મા ને શાંતિ બક્ષે.ને જન્નત અતા કરે.

    ReplyDelete
  2. સલિલ દલાલ3:17:00 AM

    2002માં મહેમદાવાદમાં પ્રથમવાર કરફ્યુ થયો એની તારી વ્યથા બરાબર યાદ છે. કદાચ પઠાણ સાહેબ વિશે પણ વાત થઈ હતી. એ શાયરને દિલથી સલામ.
    તેમની સાથે કદી રૂબરૂ મુલાકાત થઇ નહોતી. છતાં, લેખ વાંચ્યા પછી વાચકને પણ ધરોબો લાગે એ તારી કલમને પણ સલામ!

    ReplyDelete
  3. ૨૦૦૨માં બહુ ઓછા મિત્રો સાથે વાત થઈ શકતી, તેમાંના તમે એક હતા તેનું કાયમી સુખદ સ્મરણ મનમાં ઊંડું અંકાઈ ગયું છે. તમારા મિત્રકર્મને લીધે કરફ્યુપાસ ઘરેબેઠાં મળ્યો હતો એ પણ યાદ છે.

    ReplyDelete
  4. હનીફ સાહેબ વિષે જાણવા મળ્યું પણ એમના જવાનું દુઃખ ઇન્નલીલ્લાહે વ ઈંનએલય્હે રાજેઉન આપણે સર્વ ઈશ્વર તરફથી છીએ અને ઈશ્વર તરફ પાછા ફરવાના છીએ એમને ખુદા શાંતિ અર્પે

    ReplyDelete
  5. Hiren Joshi7:06:00 PM

    I enjoy your articles related to Gujarati literature, your memoirs with authors-poets, film-music personalities, and your sensible human relationships during past and present time in general. At the same time, your writings on the political analysis and critics to find a proper balance between two extremes on current religious and political situation in India seem little ineffective and ignored. Although your hope and expectation for TRUE secularism for the country is a valid point, please prioritize your writings towards art and literature. It provides greater pleasure to us readers who are already bored and tired with Indian political scenario!

    ReplyDelete