Monday, January 08, 2018

'સોનાવાલા'ના મિત્રોનું પુનર્મિલનઃ 8 વર્ષ + 30 વર્ષ = 6 કલાક?

મથાળે આપેલું સમીકરણ સોનાવાલા હાઇસ્કૂલના અમારા ગણિતશિક્ષક ભીખુભાઈ ('ડૉન’) દ્વારા અપાયેલા કાચા શિક્ષણનું પરિણામ નથી. તેના માટેનો જશ કોઈને ધરાર આપવો હોય તો એ કદાચ અમારા બાયોલૉજીના શિક્ષક અને જાણીતા ગઝલકાર હનીફ 'સાહિલ'ને આપી શકાય, જેમની પાસેથી હું બાયોલૉજી નહીંવત્ અને રદીફ-કાફિયા ઠીકઠીક પ્રમાણમાં શીખ્યો.

વાત રવિવારે, ૭ જાન્યુઆરી, ૨૦૧૮ના રોજ થયેલા અમારા ક્લાસના પુનર્મિલનની--ગુજરાતીમાં કહીએ તો, રીયુનિઅનની-- છે. સામાજિક કાર્યક્રમોમાં ‘રીયુનિઅન’નું નામ સાંભળીને જેટલી બીક લાગે છે, એટલી બીજા બહુ થોડા કાર્યક્રમોથી લાગતી હશે. રીયુનિઅન કાર્યક્રમો ઘણુંખરું મહાબોરિંગ કાર્યક્રમો તરીકે પંકાયેલા છે. તેનું સામાન્ય સ્વરૂપ કંઈક આવું હોય છેઃ વર્ષો પછી મળવાને કારણે શરૂઆતની મિનીટોમાં સાચી ઉષ્મા-લાગણી અને 'સ્વસ્થતા’ પાછી આવી જાય એટલે તરત આપમહિમા-આપબડાઈનો મુખ્ય કાર્યક્રમ ચાલુ. તેમાં પોતાની સફળતાની ગાથાથી બીજાને આંજવા આતુર એવા કેટલાક લોકો આખા કાર્યક્રમના કેન્દ્રસ્થાને આવી જાય, બાકીનાને ભાગે મૂક-ત્રસ્ત પ્રેક્ષક બની રહેવાનું આવે. ઘણાં રીયુુનિઅન વળી સપરિવાર હોય. એવામાં ભૂતપૂર્વ સહાધ્યાયીઓનાં વર્તમાન કુટુંબીજનોનું પેટ બગાસાં ખાઈને જ એટલું ભરાઈ જાય કે ઘણી વાર જમવાની પણ જગ્યા ન રહે.

Sheth J.H. Sonawala High schoolનું 'માસ્ટ હેડ'
એટલે, મહેમદાવાદની સોનાવાલા હાઇસ્કૂલના સહાધ્યાયી મિત્રોએ પહેલી વાર રીયુનિઅનની વાત મૂકી ત્યારે મને રોમાંચની સાથે ફડકો પણ પેઠો હતો. કેનેડામાં વસ્તી મિત્ર ઉમ્મી શેખે પહેલ કરીને અમને કેટલાંક સહાધ્યાયીઓને ફેસબુક પર ભેગાં કર્યાં. એક ગ્રુપ બનાવ્યું. તેમાં પહેલી વાર વાત કરી--ખાસ કરીને, સાથે ભણતી છોકરીઓ સાથે-- ત્યારે ઘણો રોમાંચ થયો હતો. તે વિજાતીય પાત્ર સાથેના સંવાદને કારણે ન હતો. પરંતુ આ એ છોકરીઓ હતી, જેની સાથે અમે પાંચમા ધોરણથી બારમા ધોરણ સુધી, આઠ વર્ષ (૧૯૮૦-૧૯૮૭) સાથે ભણ્યાં હતાં. બે-ત્રણ સાથે તો એક જ ક્લાસમાં. છતાં, આઠ વર્ષમાં અમારી વચ્ચે આઠ વાક્યોની પણ આપલે થઈ ન હતી. બંને પક્ષે સંકોચ એટલો કે રસ્તામાં સામસામા થવાનું આવે તો એક જણ રસ્તાની ડાબી તરફ જાય અને બીજું જમણી તરફ.

આઠ વર્ષ બહુ મોટો સમયગાળો ગણાય. તેમાં મહેમદાવાદ જેવું નાનું ગામ. કેટલાક કિસ્સામાં પારિવારિક સંપર્કો હોય. છતાં છોકરા-છોકરીઓ ન મળે તે ન જ મળે. ફરજિયાત મેળમિલાપનો પ્રસંગ પી.ટી.ના પિરીયડમાં આવે. એ વખતે સાહેબ કે બહેન ક્લાસને વિશાળ મેદાનમાં આવેલા લીમડાના ઝાડ નીચે લઈ જાય. એ ખુરશી નાખીને બેસે અને અમે કાટખૂણે લાઈનબંધ ગોઠવાઈને પાટા દોરીને લંગડી રમીએ. તેમાં આઉટ કરવા માટે અડકવું ફરજિયાત. તેમાં છોકરીઓ જેટલી જ છોકરાઓને શરમ આવે. પણ રમત એ રમત. એટલે ગિલ્ટ સાથે એકબીજાને આઉટ કરવાનાં થાય—અને એ ગિલ્ટ આઉટ કર્યાનો નહીં, અડ્યાનો હોય. એકાદ-બે છોકરીઓના ધબ્બા એવા મજબૂત રહેતા કે તે લંગડી લઈને ત્રાટકે ત્યારે શાણા રમતવીરો સામે ચાલીને, સલુકાઈથી પાટાની બહાર નીકળી જતા અને ધબ્બો ખાવાને બદલે આઉટ થઈ જવામાં પોતાનું હિત સમજતા.

ભણવામાં છોકરીઓ સાથે ટક્કરની હરીફાઈ થતી. એ વખતે પ્રગતિપત્રનો અને ઉપરપાસનો જમાનો હતો. ત્યારે પાંચથી બાર ધોરણ સુધી સાથે ભણેલી રંજન સાથે મારે પહેલા નંબર માટે કટ્ટર સ્પર્ધા થતી. બંને સ્થાનિક ધોરણે હોંશિયાર ગણાઈએ. બાળકબુદ્ધિ એટલે નંબરનું ભારે મહત્ત્વ લાગે. બીજા હરીફો ખરા, પણ અમે કદાચ તેને વધારે પર્સનલી લેતાં.

ત્રણ દાયકા પછી એ જ રંજન પટેલ (ડૉલી) અમેરિકાથી અને છઠ્ઠાથી બારમા ધોરણ સુધી સાથે ભણેલી સોનાલી શાહ કેનેડાથી આવવાનાં હતા. એ નિમિત્તે ફેસબુકના ગ્રુપમાં પુનર્મિલનનો પ્રસ્તાવ મૂકાયો.

***

રીયુનિઅન કેવું ન હોવું જોઈએ, તેનો ખ્યાલ મારા મનમાં સ્પષ્ટ હતો. એટલે ગ્રુપમાં મેં કેટલાંક સૂચન કર્યાં. (તેમાંનાં મુખ્ય અહીં જાહેર હિતાર્થે મૂકું છું :-)

૧) આ મિલનનો હેતુ ભૂતકાળના દિવસોને તાજા કરવાનો છે. આપણે અત્યારે શું છીએ તેનું આ મિલનમાં કશું મહત્ત્વ નથી. એટલે, એ ભાગ સૌથી ટૂંકો રાખવો.

૨) આ મિલનમાં હીરો સ્કૂલ અને સ્કૂલમાં આપણે વીતાવેલા દિવસો છે. તેની સ્મૃતિનો ભાગ મહત્તમ રહેવો જોઈએ.

૩) કોઈએ પોતાનાં પત્ની (કે પતિ) અને બાળકોને લાવવાં નહીં. કારણ કે તેમને આ બધું સાંભળવામાં સ્વાભાવિક રીતે જ બહુ કંટાળો આવતો હોય છે.

આ સૂચનોમાંથી કેટલાં, કઈ હદે પળાશે એની મારા મનમાં છેવટ સુધી અવઢવ હતી--અને કાર્યક્રમની સફળતાનો મોટો આધાર તેની પર હતો. રવિવારે સવારે અગીયાર વાગ્યે અમારી સ્કૂલ શેઠ જે.એચ.સોનાવાલા હાઈસ્કૂલ પર મળવાનું નક્કી થયું. સ્કૂલનું જૂનું બિલ્ડિંગ તો હવે જર્જરિત હોવાને કારણે બંધ રહે છે. તેની સાવ પાસે બીજું, નવું મકાન બન્યું છે. અમારા માટે ખરો મહિમા જૂના મકાનનો હતો, જ્યાં અમારી કિશોરાવસ્થાનાં આઠ વર્ષ વીત્યાં હતાં.

***

રવિવારે સવારે અગીયારમાં પાંચ બાકીએ પરેશ પ્રજાપતિ મારા ઘરે આવ્યો. એ દસમા ધોરણથી (1984થી) અમારા ક્લાસમાં હતો અને ત્યારથી તેની સાથેનો પરિચય થયો-વધ્યો-ગાઢ બન્યો હતો. અમે બંને સ્કૂલે પહોંચ્યા. ત્યાં દસ ધોરણ સુધી સાથે ભણેલો મનીષ ગાંધી નડિયાદથી આવી પહોંચ્યો હતો. અમે સ્કૂલબોર્ડના ચેરમેન હિમાંશુભાઈ શુક્લને વાત કરી હતી. એટલે તેમણે ઉત્સાહથી સ્કૂલનું જૂનું બિલ્ડિંગ ખોલી આપવાની અને બીજી વ્યવસ્થા કરી આપી હતી.

પણ પહેલાં તો અમે બહાર, જૂના વખતમાં જ્યાં પટાવાળા કાળુકાકાનું ઘર હતું તેની બહાર ખુલ્લામાં તડકામાં ઉભા રહ્યા. (કાળુકાકા હાથની મદદ વિના તેમના કાન હલાવવા માટે જાણીતા હતા) શિયાળાને લીધે અગિયાર વાગ્યાનો તડકો પણ કૂણો લાગતો હતો. એ તડકામા અમારાં જીવનનાં ત્રીસ-ત્રીસ વર્ષ ઓગળી રહ્યાં હતાં. બધાં મોડામાં મોડાં 1987માં છૂટાં પડેલાં. ત્યાર પછી ઘણાંને એક વાર પણ મળવાનો જોગ થયો ન હતો. ઘણાને માંડ બે-ત્રણ વાર ઔપચારિક મળાયું હતું. એટલે સૌથી પહેલો રોમાંચ તો ત્રીસ વર્ષ જૂની છબિઓ સાથે અત્યારનાં સ્વરૂપ સરખાવવાનો હતો. કોઈ અૅપની મદદથી ઉંમરમાં ત્રીસ વર્ષ વધારીને જોતાં કેવી ગમ્મત પડે, એવું જ અમને એકબીજા વિશે થતું હતું.

આજે મનીષ ગાંધી મનિયો હતો ને દેવેન્દ્ર શર્મા દેવલો,  રાકેશ મિસ્ત્રી રાકલો હતો ને નીતિન ઠક્કર નિતિયો. એ બધાના ત્રીસ વર્ષ પહેલાંના, સમયના હળથી ખેડાયા પહેલાંના ચહેરા મનમાં તરવરતા હતા અને એકબીજાને જોઈને બધા એ ચહેરા સાથે અત્યારનો તાળો બેસાડતા હતા, ‘અલ્યા, તું તો બહુ વધ્યો છું’, ‘તારા વાળ ક્યાં ગયા?’, ‘આ ચહેરેથી બદલાયો, પણ લક્ષણ એનાં એ જ છે’, ‘આનામાં કશો ફરક નથી પડ્યો’ એવા સંવાદો સાથે ટાઇમટ્રાવેલિંગ થતું રહ્યું.

છોકરીઓ આવી. તેમની સાથે નામ ટૂંકાં થાય એવો સંબંધ ન હતો. વિગતે ઓળખાણ અંદર ક્લાસમાં બેસીને આપવી, એવું આયોજન હતું. એટલે બહાર નામની ઓળખાણ થઈ. એક-બે છોકરીઓ કૉમર્સમાં હતી. એટલે અમારે બહુ પરિચય નહીં. પણ તે ઉત્સાહથી જોડાઈ હતી. મહેમદાવાદમાં રહેતા એક સહાધ્યાયીને બોલાવવાનો બાકી રહ્યો હતો. એટલે બે જણ જઈને તેને લઈ આવ્યા.

પહેલો કાર્યક્રમ જૂની સ્કૂલ જોવાનો હતો. સૌથી પહેલાં આવ્યું સ્કૂલનું સ્ટેજ, જે અમારા માટે ઑસ્કર અૅવોર્ડના સ્ટેજ કરતાં જરાય કમ ન હતું. ત્યાં પ્રાર્થના થતી, પેન્સિલ-રબરનાં ઇનામ વહેંચાતાં, કેટલાંક છોકરાં-છોકરીઓ ગીત ગાતાં. (ડણાક અટક ધરાવતો છોકરો 'અંતર મંતર જંતર, હું જાણું છું એક મંતર, તને ચક્કલી બનાવી દઉં, તને કાગડો બનાવી દઉં’ એવું ગીત બહુ હલકથી અને કોમળતાથી ગાતો). સ્ટેજ વટાવીને અમે બાયોલોજીની લેબોરેટરી જ્યાં રહેતી, એ રૂમમાં ગયાં અને દેડકા ચીરવાના 'ખૂનખાર' અનુભવો તાજા કર્યા. રંજન પટેલની સ્મૃતિ બહુ સારી હતી. તેણે ઘણી ઝીણી વિગતો તાજી કરી. બાયોલોજીની લેબમાં તેણે કહ્યું, ‘પઠાણસર પહેલા દિવસે દેડકા લાવ્યા હતા. તેમણે કહ્યું કે તેર દેડકા લાવ્યો હતો, પણ એક દેડકો બીજાને ખાઈ ગયો એટલે બાર રહ્યા છે.’ પરેશ પ્રજાપતિએ યાદ કર્યું કે ડિસેક્શન ચાલુ હતું ત્યારે દેડકાનું ફેફસું ફુલતાં મિત્ર હિતેશ પંચાલને (મુન્નાભાઈ એમબીબીએસમાં થાય છે તેમ) ચક્કર આવી ગયા હતા.

સ્કૂલના મુખ્ય મકાનમાં દાખલ થયા. સામે સ્ટાફરૂપ, પાછળ દરવાજો, ડાબે અને જમણે ઉપર જવાના દાદરા. ડાબી બાજુનો દાદરો છોકરીઓ માટે, જમણી બાજુનો છોકરાઓ માટે. ઉપર બંને થોડાં પગથિયાં પૂરતાં ભેગા થાય. સામે જ આચાર્યની ઓફિસ અને ડાબેજમણે ક્લાસની હરોળ. છોકરાઓના દાદરા પર ચિત્રશિક્ષક મોહનકાકા (મોહનભાઈ પંચાલ)નું દોરેલું મા સરસ્વતીનું ચિત્ર રહેતું.

ઉપર પહોંચ્યા પછી છેક જમણા ખૂણે આવેલા ક્લાસમાં પહોંચ્યા. એ હતો અમારો 5 (અ). ક્લાસને તાળું ન હતું. એટલે અમે અંદર ગયા.  એ વખતની લાગણી શબ્દોમાં વર્ણવી ન શકાય એવી હતી.. આ ક્લાસ હતો, જ્યાંથી અમારા માટે હાઈસ્કૂલની શરૂઆત થઈ હતી. ક્લાસટીચર પૂર્ણિમાબહેન. બાજુમાં 6 (અ)નો ક્લાસ. તેનાં ક્લાસટીચર રશ્મીબહેન. બન્ને ક્લાસ એકબીજાને અડીને કાટખૂણે આવેલા. તેના પાસેપાસેના દરવાજે બંને બહેનો દરવાજે ઉભાં રહીને આનંદથી ગોષ્ઠિ કરે, એ અમને બધાને યાદ હતું.

અમે પાંચમા ધોરણમાં હતાં ત્યારે નોકરીનું છેલ્લું વર્ષ કરતા ડાહ્યાકાકાએ એક દિવસ તોફાન બદલ અમારા ક્લાસને મૌલિક સજા કરીઃ ક્લાસમાં છોકરા-છોકરીઓએ સાથે બેસવાનું. હા, એ 'સજા' હતી અને બધાને સજા જ લાગી હતી. છોકરાછોકરીઓ શરમથી પાણીપાણી થઈ ગયાં હતાં.

એ જ ક્લાસમાં, ૩૭ વર્ષ પછી તેમાંનાં કેટલાંક છોકરાછોકરીઓ સાથે પ્રવેશી રહ્યાં હતાં. એ ક્લાસમાં અને ત્યાર પછી પણ જ્યારે ફોટા પડાવવાના આવ્યા ત્યારે જોક ચાલુ રહી, 'ચાલો, બધા ડાહ્યાકાકાની પદ્ધતિ પ્રમાણે--એટલે છોકરાછોકરીઓ ભેગાં--ગોઠવાઈ જાવ.’
5-અના ક્લાસમાંઃ (ડાબેથી)
સંજય ત્રિવેદી (નેનપુર), નીતિન ઠક્કર (પાછળ), રાકેશ મિસ્ત્રી,
મનીષ ગાંધી (પાછળ), દેવેન્દ્ર શર્મા,  પરેશ પ્રજાપતિ (પાછળ), સંજય ભારદ્વાજ,
રંજન પટેલ, અલ્પેશ મહેતા, ઉર્વીશ કોઠારી, સોનાલી શાહ, અમી કોઠારી (પાછળ),
ફરીદા, પ્રીતિ ગાંધી, તૃપ્તિ ઠક્કર (પાછળ), મીતા, વીણા (પાછળ)

ત્યાંથી નીકળીને અમે થોડા લોકો અગિયારમા સાયન્સના ક્લાસમાં ગયાં. શિક્ષકદિન વખતે એક વાર અમે બધાં શિક્ષક બન્યાં હતાં. (હું બાયોલોજીનો શિક્ષક બન્યો હતો અને હનીફ 'સાહિલ'ની સ્ટાઇલમાં છેક પાટિયાની ઉપરના ભાગથી લખવાની શરૂઆત કરી હતી) રંજને યાદ કર્યું કે ગણિતમાં હોંશિયાર કૃપા શાહ સરસ તૈયારી કરીને લાવી હતી. પણ તૈયારીવાળો ભાગ પૂરો થઈ ગયો. ત્યાર પછી પણ પિરીયડમાં સમય વધ્યો. ત્યારે તેણે ચોપડીમાંથી જોઈને સરસ રીતે આગળ ભણાવ્યું હતું (આ કાર્યક્રમનો સંદેશો કૃપાને પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો, પણ કોઈ કારણસર સંપર્ક થઈ શક્યો નહીં.)

આચાર્યની ઓફિસની સામેના દાદર પર, જ્યાં એક સમયે ડાહ્યાડમરા થઈને પસાર થવાનું રહેતું, ત્યાં ધમાલ સાથે ફોટા પડાવ્યા. પછી નીચે ઉતરીને, સ્કૂલના નવા મકાનમાં પહોંચ્યા અને એક ક્લાસમાં બેન્ચ પર બેઠા.
આચાર્યની કેબિનની સામે, પગથીયાં પર
જૂના બિલ્ડિંગના સ્ટાફ રૂમની સામે
'ભાઈઓ માટેના' દાદરા પર

આયોજન પ્રમાણે, શરૂઆતમાં સૌએ સ્કૂલ છોડ્યા પછી પોતે શું ભણ્યા અને અત્યારે શું કામ કરે છે, પરિવારમાં કોણ છે અને ક્યાં રહે છે, એટલી પ્રાથમિક માહિતી વારાફરતી ઉભા થઈને ટૂંકાણમાં આપી. ત્યાર પછી શરૂ થયો યાદોનો સિલસિલો. તેમાં કોઈએ ઉભા થઈને, તો કોઈએ પોતાની જગ્યાએ બેઠાં બેઠાં, તો કોઈએ બેન્ચના લખવાના ભાગ પર બેસીને, ફ્રી સ્ટાઇલમાં અઢળક વાતો યાદ કરી. એ બધી અહીં ટાંકવાનો અર્થ નથી. કારણ કે એ અમારી હતી ને ઘણીખરી અમને રસ પડે એવી.

મારા કેટલાક મિત્રો જાણતા હશે તેમ, મારી હાસ્યવ્યંગ લેખનની અનૌપચારિક શરૂઆત બારમા ધોરણના અંતે યોજાયેલા વિદાય સમારંભથી થઈ હતી. તેમાં ભૂલતો ન હોઉં તો મિત્ર રાકેશ મિસ્ત્રીએ ફિશપોન્ડ વિશે માહિતી આપી. એટલે મેં ઉત્સાહથી તેની સામગ્રી લખી. અમારા એક શિક્ષક પર અમને સૌને વિશેષ 'પ્રેમ' હતો. એટલે તેમને 'અંજલિ' આપવાનો આશય મુખ્ય અને લગે હાથ બીજા મિત્રોને લપેટવાનો પણ.  ક્લાસની છોકરીઓની લાક્ષણિકતા વિશે પણ પહેલી વાર કંઇક લખવાનો વિચાર હતો અને તે સંતોષકારક રીતે અમલમાં મૂકાયો. શિક્ષકના મામલે ધાર્યું નિશાન લાગ્યું. તેમનો ભારે ઠપકો પણ સાંભળવા મળ્યો. રંજન પટેલને ૩૦ વર્ષ પછી પણ મેં એના વિશે શું લખ્યું તે યાદ હતું. એ તેણે કહી સંભળાવ્યું. હું ભૂલી ગયો હતો.

સોળ-સત્તર મિત્રો ત્રણ દાયકા પછી ભેગા થયા હતા. છતાં એક પણ વાર વાર્તાલાપમાં ખટકો કે વિચિત્ર લાગણી પેદા કરનારી શાંતિ કે ડેડલોક પેદા ન થયાં. કારણ કે વાતો ભૂતકાળની ચાલતી હતી. એકધારી વહેતી ને વચ્ચે વચ્ચે ઉછળતી નદીની જેમ અમારી વાતનો પ્રવાહ આગળ વહેતો ગયો અને અમને સૌને આનંદની લાગણીથી ભીંજવતો રહ્યો.
નવા બિલ્ડિંગમાં, યાદોનો જલસો
સ્કૂલેથી જમવા નીકળ્યાં ત્યારે ત્રણેક વાગ્યા હતા. મહેમદાવાજ નજીક ખાત્રજ ચોકડી પાસે આવેલી એક રેસ્ટોરાંમાં જમ્યાં અને પાછાં સ્કૂલે આવ્યા.ત્યાં લગી બે-ત્રણ મિત્રો પોતપોતાની અનુકૂળતા મુજબ રવાના થઈ ચૂક્યાં હતાં. બાકીનાં મિત્રોએ રસ્તા પર સ્કૂલના બોર્ડની આગળ ઉભા રહીને અને અંદર સ્કૂલના જૂના મકાનના મુખ્ય (હવે બંધ) દરવાજા પાસે ફોટા પડાવ્યા. એક-બે મિત્રોનાં પરિવારજનો આવ્યાં હતાં, તે પણ પાછળથી જોડાયાં.છેવટે છ કલાક પછી, સવા પાંચ વાગ્યાની આસપાસ છૂટાં પડ્યાં ત્યારે પણ વાતોનો પ્રવાહ સાવ સુકાયો ન હતો. થયેલી વાતો છૂટા પડ્યાં પછી ક્યાંય સુધી મનમાં ચાલી ને કરવાની રહી ગયેલી કેટલીક વાતો પણ યાદ આવી રહી હતી.

ભવિષ્યમાં આવું મિલન ક્યારે થશે, ખબર નથી. હવે મળીએ ત્યારે જુદી રીતે, નવા પરિચયથી મળવાનું થશે. પણ જ્યાં સુધી દોસ્તીનો પાયો ૧૯૮૦-૮૭ના સોનાવાલા હાઈસ્કૂલના સમયગાળામાં રોપાયેલો હશે--અને વર્તમાનના અભિપ્રાયભેદો કે વ્યક્તિત્વભેદોને પરાણે એકબીજા પર લાદવાનો પ્રયાસ નહીં થાય, ત્યાં સુધી આ લાગણી અકબંધ રહેશે.

એ તો ભવિષ્યની વાત, પણ અત્યારે તો રવિવારના છ કલાકની સુગંધ ચોવીસ કલાકથી વધુ સમય વીત્યે મનમાંથી ગઈ નથી, તેનો આનંદ.

12 comments:

 1. 1980માં દસમુ પાસ થયેલા અમે ઘણા બધા મિત્રો વોટસ્અપ ગ્રુપ થી જોડાયેલા છીએ. શિક્ષક દિને હુ હેડમાસ્તર બનેલો એ ફોટો મને હમણા થોડા વરસો પહેલા યત્ના પાસેથી મળ્યો. હેડમાસ્તરની ખુરશીમાં એક દિવસ માટે પણ બેસવાનો રોમાંચ અનેરો હતો. અને પોતાના મિત્રોને હસવા બદલ તે દિવસે અંગુઠા પકડાની સજા પણ કરી હતી.

  ReplyDelete
 2. Rakho i.e. Rakesh Mistry11:00:00 PM

  We love you dear urvish to moulds our feeling in words.

  ReplyDelete
 3. આહ! દરેક રિયુનિયન માટે આ નિયમો બંધારણસમા છે. હવે વાત આમાં ઉલ્લેખાયેલા 'ફીશપોન્‍ડ'ની. આ 'ફીશપોન્‍ડ' વખતે હું સ્કૂલ છોડી ચૂક્યો હતો, છતાં સક્રિયપણે આપણે એની તૈયારી કરેલી. એમાં જે સાહેબ પર નિશાન ધાર્યું તકાયું હતું એમણે પછીના દિવસે તમને ટ્યુશનમાં કહેલું, 'એ તો ઘરના સંસ્કાર કેવા છે એ આમાં દેખાય છે.' (પરેશ પ્રજાપતિ અદ્દલ એ સાહેબના ટોનમાં જ કહી સંભળાવશે.) પછી એ સાહેબ મને મળી ગયા ત્યારે તેમણે મને પણ પરોક્ષ રીતે એમ કહ્યું હતું કે એ તો ખ્યાલ આવે છે કે તમે આમાં મદદ કરી હશે. અલબત્ત, એટલું ખરું કે આ બૅચ પછી એમને એટલા ખરાબ વિદ્યાર્થીઓ મળતા રહ્યા હશે કે વરસો પછી મને તેઓ વડોદરાના સ્ટેશને મળી ગયા ત્યારે કૉફી પીવડાવી અને કહ્યું, 'તમારા જેવા છોકરા ન મળે હવે.' મને તો સંતોષ આ સર્ટિફિકેટ કરતાંય એ વાતનો વધુ હતો કે એ કૉફીના પૈસા તેમણે ચૂકવ્યા અને એ બહાને હું મારા બે-અઢી રૂપિયા 'રિકવર' કરી શક્યો. (એ વાત અહીં લખવી નથી.) આ વાંચીને સોનાવાલા હાઈસ્કૂલમાં પાછા જતા રહેવાયું. સંકળાયેલા સૌને અભિનંદન! ખાસ તો, આ શરતોનું પાલન કરવા બદલ, અને આવું રિયુનિયન કરીને દાખલો બેસાડવા બદલ.

  ReplyDelete
 4. Having initiated reunion it seems ummi shaikh remained in the bsckground during the event or she could not make it

  ReplyDelete
  Replies
  1. She stays at Canada and was not coming. But the credit for first push goes to her.

   Delete
 5. Anonymous5:45:00 AM

  wow ,amazing next we all make plan to come together.

  ReplyDelete
 6. very nicely depicted Urvish

  ReplyDelete
 7. Thank you Urvish to give words to our school reunion.
  Ranjan

  ReplyDelete
 8. Epic post urvish!!! Each & every moment well described. Awesome blog 👍

  ReplyDelete
 9. Hitendra Joshi USA9:34:00 PM

  Nice reunion story...especially liked your rules! Wish my colleagues take such initiative reading your experience and set an event at Historic Bai Avabai High School, Valsad (1970-76). I have an excuse to be too far and little lazy!

  ReplyDelete
 10. excellent ,well done.. i had been the student of sonawal from 1986 to 1992. It was a very good journey and lovely experiences I had. you all were our seniors whom truely love and respect as a mahemdavadi. Reading your blog and watching your photos I recollect my memories as well.It was really an amazing Journey in schools days at sonawala high school, mahemdavad.

  ReplyDelete