Wednesday, June 07, 2017

મેરે દિમાગકી જેબેં અભી ખાલી નહી હુઈઃ મંટો

Manto  / મંટો
એક જ સમયમાં થઈ ગયેલાં જુદાં જુદાં ક્ષેત્રનાં મહાન વ્યક્તિત્વોને કદી મળવાનું ન થાય, એ આમ તો સમજી શકાય એવું છે. છતાં, વિચારો પર કાબૂ નથી. ઘણી વાર એવી ઇચ્છા થાય કે એ લોકો મળ્યા હોત તો? જેમ કે, ગાંધીજી, મહાન ગાયક કે.એલ.સાયગલ અને મહાન વાર્તાકાર સઅાદત હસન મંટો. પોતપોતાના ક્ષેત્રોમાં ઊંડી છાપ છોડનાર આ હસ્તીઓને આજે પણ યાદ કરવામાં આવે છે. બલ્કે, ગાંધીજીની અને મંટોની બાબતમાં તો, તેમના કામના અને તેમાં રહેલી ચિરંજીવ પ્રસ્તુતતાના હજુ અભ્યાસ થતા રહે છે. તેમના મૃત્યુના દાયકાઓ પછી તેમના વિશે- તેમની કૃતિઓ વિશે લખાતું રહે છે-ચર્ચા થતી રહે છે.

હમણાં 'બેગમજાન' નામની એક ફિલ્મ આવી હતી. દેહવ્યાપાર કરતી સ્ત્રીઓ અને ભારત-પાકિસ્તાનના ભાગલાને કેન્દ્રસ્થાને રાખીને રચવામાં આવેલી તેની વાર્તાનાં પાત્રો બીબાઢાળ હતાં, પણ એ બન્ને વિષયો પર મંટોએ લખેલી વાર્તાઓનો પ્રભાવ રસિકજનો પર હજુ પણ એટલો છે કે તે ફિલ્મ મંટો અને તેમનાં સમકાલીન મહાન લેખિકા ઇસ્મત ચુગતાઈને અર્પણ કરવામાં આવી. મહાન ગુજરાતી ગઝલકાર 'મરીઝ’ના જીવન વિશે મનોજ શાહે બનાવેલા નાટકમાં પણ મંટો દેખા દઈ જાય છે અને પોતાના લખાણ વિશે યુવાન 'મરીઝને’ એક બારમાં (બીજે ક્યાં?) થોડી વાતો કરે છે. મંટો પર પાકિસ્તાનમાં એક ફિલ્મ બની, જે હજુ અહીં જોવા મળી નથી. નવાઝુદ્દીન સિદ્દીકીને મંટોની ભૂમિકામાં રજૂ કરતી નંદિતા દાસની ફિલ્મ બની રહી છે. તેનું ટ્રેલરસાઇઝનું દૃશ્ય યુટ્યુબ પર જોવા મળ્યું હતું.

મંટો હજુ જીવે છે અને એ જીવતો જ રહેશે. (મંટો જેવા પ્રિય પાત્ર વિશે માનાર્થે બહુવચન નહીં, આત્મીયતાર્થે એકવચન જ મનમાં આવે છે.) મંટોનાં લખાણ નાગરી લિપીમાં 'દસ્તાવેજ’ના પાંચ ભાગમાં (અઘરા ઉર્દુ શબ્દોના હિંદી અર્થ સાથે) વાંચવા મળી શકે છે. ગુજરાતી સહિતની ભાષાઓમાં તેના અનુવાદ પણ થયા છે. છતાં, મંટોથી પરિચિત થવા ઇચ્છતા કે મંટો કઈ જણસ છે, તે જાણવા ઇચ્છતા જિજ્ઞાસુઓને ભલામણ છે કે હિંદી લિપીમાં ઉર્દુ ભાષામાં મૂળ મંટો જ વાંચવો. ‘દસ્તાવેજ’ ઉપરાંત મંટોના પત્રોનો એક સંગ્રહ 'મંટોકે ખત’ પણ મંટોપ્રેમીઓ માટે ખજાનો બને એવો છે. ગુજરાતી સહિત ચાર ભાષાઓમાં નાટકો લખતા જાણીતા નાટ્યકાર Aslam Parvez/અસલમ પરવેઝે તેનું સંપાદન કર્યું છે. આ પત્રોમાંથી જાતથી માંંડીને દુનિયા સામે ઝઝૂમતા મંટોની છબી આબાદ ઉપસે છે. સંગ્રહમાંના મોટા ભાગના પત્રો શાયર-નાટ્યકાર-વાર્તાકાર અહમદ નદીમ કાસમીને લખાયેલા છે.

પરસ્પર સદભાવને કારણે બન્ને વચ્ચે આત્મયીતાભર્યા પત્રોનો દૌર ચાલે છે, જેમાં 'બિરાદરે મોકર્રમ’ અને 'નદીમસાહબ’ જેવાં સંબોધનો પછી તો 'પ્યારે નદીમ’ સુધી પહોંચે છે. 1937થી 1948 વચ્ચે મંટોએ અહમદ નદીમ કાસમીને લખેલા 92 પત્રો આ સંગ્રહમાં મુકાયા છે. તેમાં  ઘણા બધા પત્રો કામકાજી છે. મુંબઈની ફિલ્મી દુનિયામાં સંકળાઈ ચૂકેલો મંટો કાસમીને વારંવાર મુંબઈ આવી જવા અને પોતાની સાથે રહીને ફિલ્મી લેખનમાં જોડાઈ જવા સમજાવે છે. કાસમીના જવાબ આપણને વાંચવા મળતા નથી, પણ તે મુંબઈ આવતા નથી. એટલે મંટો તેમને એક યા બીજી રીતે કામ અપાવવા કોશિશ કરે છે. રેડિયોનાટકો લખવા માટેના વિષયો આપે છે, તેનાં ગીત લખવા માટેના વિષય અને ક્યારેક તો ટીપ્સ પણ આપે છે. તેમની વાર્તા વિશે અભિપ્રાય આપે છે અને પોતાની વાર્તા વિશેના અભિપ્રાય પુછાવે પણ છે.
Ahmed Nadeem Qassmi/ અહમદ નદીમ કાસમી

સાવ શરૂઆતના પત્રમાં મંટો લખે છે,’મૈં ખુદ બહુત સેન્ટીમેન્ટલ હું. મગર મૈં સમઝતા હું કિ હમેં અફસાનોંમેં (વાર્તાઓમાં) સેન્ટીમેન્ટ જ્યાદા નહીં ભરના ચાહીએ. આપકે અફસાનોંકા મુતાલા  કરનેકે મુઝે ઐસા માલુમ હોતા હૈ કિ સેન્ટીમેન્ટ આપકી મીખ તક પહુંચ ચુકા હૈ. ઇસકો દબાનેકી કોશિશ કીજિયે.‘

પોતાની અણીઓ અને મર્યાદાઓ વિશે મંટો બરાબર જાણે છે. એટલે જ, કાસમી તેમના વિશે આદર કે અહોભાવ વ્યક્ત કરે ત્યારે મંટો અનેક પત્રોમાં તેમને ચેતવે છે કે મારા વિશે (ઊંચો) અભિપ્રાય બાંધી લેશો નહીં. કાસમી પરના પત્રોમાં મંટો પોતાની ગડમથલોનું-અંગત લાગણીઓનું ખુલીને બયાન કરે છે. મંટોની પત્ની સફિયા પણ કાસમીના લખાણ પ્રત્યે ભાવ ધરાવે છે. એટલે ઘણાખરા પત્રોમાં મંટો સફિયાની યાદ પાઠવે છે અથવા સફિયા તરફથી બે શબ્દો લખે છે.  એ પત્રમાં સફિયાએ 'કુંવારે સપને’ શીર્ષક સાથે વાર્તા લખવાની શરૂ કરી એવો પણ ઉલ્લેખ છે. (ઓગસ્ટ, 1939)

પુત્રજન્મ થયા પછીના એક પત્રમાં મંટો કાસમીને લખે છે, ‘સફિયા કહતી હૈ કિ આપ લડકેકે લિએ કોઈ નામ તજવીજ કરેં.’ (મે 1940)  સફિયા છોકરાનું નામ આરિફ પાડે છે. પણ એ બાળપણમાં જ બિમારી ભોગવીને વિદાય લે છે. તેનો મંટોના મન પર કેવો ઘા લાગ્યો હશે? પરંતુ લાક્ષણિક મંટોશાઈ અંદાજમાં એપ્રિલ, 1941ના પત્રમાં મંટો આટલું જ લખે છે,’બિરાદરે મોકર્રમ, મેરા આરિફ સિર્ફ દો દિન બીમાર રહ કર કલ રાતકે ગ્યારહ બજે અરુણ અસ્પતાલમેં મર ગયા.’ સરકારી સમાચાર જેવા ભાવશૂન્ય અંદાજમાં લખાયેલા આ વાક્યમાં ભીનાશનો અભાવ નહીં, સૂકાઇ ગયેલાં આંસુની ખારાશ વરતાય છે.

આર્થિક રીતે મંટો કાયમ ભીડમાં હોય છે. દોસ્તીની શરૂઆતના ગાળામાં તે કાસમીને મુંબઈ રહેવા આવી જવાનું કહીને પોતાની સ્થિતિનું આબાદ બયાન આપે છે. તે આર્થિક ઓછું ને માનસિક વધારે છે, ‘મૈં બમ્બઈમેં પચાસ રુપયે માહવાર કમાતા હું ઔર બેહદ ફુજુલ (ખોટો) ખર્ચ કરતા હું. આપ યહાં ચલે આયેં તો મેરા ખ્યાલ હૈ કિ હમ દોનોં ગુજર કર સકેંગે...અભી આઠ રોજ હુએ મેરે પાસ પાંચસૌ રુપયે થે ઔર અબ યે હાલત હૈ કિ સિર્ફ બીસ રુપયે બાકી હૈ. મુઝે કિતાબેં ખરીદને ઔર યૂંહી રુપયા બર્બાદ કરનેકા ખબ્ત (વિકાર) હૈ ઔર મૈં ઇસીસે લુત્ફ ઉઠાતા હું. જિંદગી રહે તો રુપયા પૈદા કિયા જા સકતા હૈ.’ એ જ પત્રમાં (લગ્ન થયું તે પહેલાંના) પોતાના ઘરનું વર્ણન કરતાં મંટો લખે છે, ‘મેરે પાસ છોટા સા કમરા હૈ, જિસમેં હમ દોનોં રહ સકતે હૈં. ખાનેકો મિલે ન મિલે મગર પઢનેકે લિએ કિતાબેં મિલ જાયા કરેંગી ઔર અગર આપ કોશિશ કરેંગે તો બહુત મુમકિન હૈ કિ અચ્છી-અચ્છી કિતાબોંકે સાથ અચ્છે ખાને ભી મિલ જાયેં.’

આવો મિજાજ ધરાવતો માણસ સતત શારીરિક-માનસિક સંઘર્ષો વચ્ચે ધંધાદારી દુનિયા સાથે કેવી રીતે પનારો પાડતો હતો, તેની કાસમીને લખેલા પત્રોમાંથી મળતી જાણકારી આવતા સપ્તાહે. 

2 comments:

  1. ઉર્વીશ ભાઈ કોઠારી,ઉર્દુના એક મહાન લેખકની વાત વાંચી અને ગમી, આવા દમદાર લેખકો/કવિઓ દરેક દશકમાં કોઈપણ ભાષાના સાહિત્યમાં આવતા રહેતા હોય છે જે ભાષાને કુવત આપતા રહે છે.ઉર્દુભાષા હિન્દુસ્તાન ની એક રાજયભાષામાંની એક છે પણ આજે તેનું નહીવત મહાત્મ્ય છે.એ વાત જતી કરીને મન્ટો સાહેબની વાત કરતા તેમને ઉર્દુભાષામાં સાહિત્ય લખીને સમૃદ્ધ કરી તે આજે એક કદાવર ઉર્દુસાહિત્યના લેખક તરીકે યાદગાર છે.
    તેમની હિન્દી ફિલ્મ ઉદ્યોગમાં લેખક તરીકેની કારકિર્દી બીજી વખત સફળતા પૂર્વક પાટાપર હતી અને તેમણે પાકિસ્તાન જવાનું નક્કી કર્યું ત્યારે કહેવાય છે કે તેમના કેટલાય મુંબઈના ફિલ્મ ઉદ્યોગના મિત્રોએ તેમને રોકવાની કોશીશો પણ કરી હતી છતાય તેઓ પાકિસ્તાન સ્થળાંતર કરી ગયા
    અને ત્યાં શરૂઆતના દિવસોમાં તો ઠીક ગુજરાન ચાલ્યું પણ પછીથી તેમના લખાણોમાં કહેવાય છે કે તેમને સત્તાવાળાઓની ઉગ્ર ઝટકાણી કાઢવા માંડી અને તેમની સામયિકોમાં લખાતી કટારોમાં તંત્રીઓએ પોતાના સામયિકોની આર્થિક સલામતી ધ્યાનમાં લઈને મન્ટો સાહેબને પાણીચું આપી દીધું અને તેમની રોજીરોટી આમ છીનવાય જતા તેઓ આર્થિક મુશ્કેલમાં ધકેલાઈ ગયા તેમ છતાય તેમને સાહિત્ય લખ્યું, આ કપરા દિવસોમાં તેમને જે દારરુપીવાની આદત હતી તે વધતી ગઈ અને સસ્તો ભેળસેળ વાળો દારૂ પીવાનું ચાલુ રાખ્યું જેમેન લઈને તેઓ 'લીવર'ની બીમારી 'સીરોસીસ'માં સપડાયા અને ગરીબીમાં હતા તેથી પૂરી માવજત નાં લેવાતા છેવટે ૧૯૫૫ માં 'આલ્લાહ'ને પ્યારા થઇ ગયા.
    આમ હિન્દી ફિલ્મના લેખક/સંવાદ/પટકથા લેખકે પોતેજ પોતાનાં જીવનની કરુણ 'પટકથા' લખી તેમ કહેવું જરાય અતિશયોક્તિ નથી.
    સદાત હસન મન્ટો બીજા થવાના નથી,પાકિસ્તાને તેમને મેળવીને ગુમાવ્યા પણ હિન્દુસ્તાનને તેમને ગુમાવીને એક
    ઉર્દુના અચ્છા સાહિત્યકાર મેળવ્યાનો હરખ કહેવો જોઈએ!
    મન્ટો જેવા તેજસ્વી ઉર્દુ લેખકે ઝળહળતી હિન્દી ફિલ્મની કારકિર્દી કેમ છોડી પાકિસ્તાન જવાનું નક્કી કર્યું તે વિષે બહુ માહિતી નથી.
    આપણે એમ માનીએ કે તે સમયના ઘણાં મુસ્લિમોએ પાકિસ્તાન જવાનું કદાચ એ રીતે ગણ્યું હોય કે હિન્દુસ્તાન કરતા પાકિસ્તાનમાં વધુ સુખસગવડતાઓ તેમને મળશે પણ જેમને મળી તેમને કોઈ ફરિયાદ નથી પણ જે ભૂખ ભેગા થાય તેમનો પસ્તાવો એજ કરુણતા ગણવી.
    બહુ વર્ષો પહેલા યુવાનીમાં હિન્દીના મહાન સાહિત્યકાર જૈનેદ્રકુમાર જૈનની હિન્દીમાં એક તેમનો લઘુ ઉપન્યાસ વાંચેલ જેનું નામ હતું 'अपना अपना भाग्य'.
    મન્ટો સાહેબ વિષે પણ તેમ માનવું રહ્યું!!

    ReplyDelete
  2. Very very fine article about Munto. In this context please read the book The PITY of Partition(Munto's Life, Times and work across the India-Pakistan Divide) this is written by Ayesha Jalal, Munto's grand niece and also a niece and who is an eminent Harvard Professor.Enjoyed your article. Thanks.

    ReplyDelete