Wednesday, June 21, 2017

આર્થિક સમસ્યાઓના રાજકીય ઉકેલનું અનિષ્ટ

અર્થશાસ્ત્ર (આ લેખક સહિતના) મોટા ભાગના લોકોની પહોંચ બહારનો છતાં સૌને સ્પર્શતો વિષય છે. રાજકારણની જેમ અર્થશાસ્ત્રમાં પણ આપણે રસ લઈએ કે ન લઈએ, તે આપણામાં રસ લે છે અને આપણા જીવનને સીધી અસર કરે છે. એટલે, નિષ્ણાતના કે પ્રખર અભ્યાસીની રૂએ નહીં, પણ પીડિતની ભૂમિકાએ તેમાં દાખલ થવાની- તેની સાથે પનારો પાડવાની ફરજ પડે છે.

જેમ કે, નોટબંધીની અસરો, ખેડૂતોની સમસ્યા, બૅન્કોની નૉન-પરફોર્મિંગ અસેટ્સ (સલવાઈ ગયેલાં ધીરાણ)... આ વિષયોમાં નિષ્ણાત ગણાતા લોકોનાં લખાણ વાંચ્યા પછી ગુંચવાડો ઘટવાને બદલે વધી શકે છે. કારણ કે અર્થશાસ્ત્રનાં ઘણાં પગલાંની અસરનો આધાર માપનારની ફુટપટ્ટી પર રહે છે. દા.ત. નોટબંધીના નિર્ણયને અર્થશાસ્ત્રીય વિચારધારા અંતર્ગત વરી ચૂકેલા અભ્યાસીઓ તેની સારી કે સંભવિત સારી અસરોનો મહિમા કરતાં નહીં થાકે. એ સમયગાળામાં સંખ્યાની દૃષ્ટિએ નાના વર્ગના વાંકે લાઈનમાં ઉભા રહી ગયેલા અને મહિનાઓ સુધી અગવડો વેઠનારા મોટા વર્ગની મુશ્કેલી તેમને 'દેશહિત માટે નાનકડું બલિદાન’ લાગશે. દેશના વિકાસના સૂચક ગણાતા કુલ ઘરેલુ ઉત્પાદન (GDP)માં નોંધપાત્ર ઘટાડો થાય તો પણ સરકારની માફક કેટલાક અભ્યાસીઓ તેને 'લાંબા ગાળાના ફાયદા માટે ટૂંકા ગાળાની ખોટ' ગણાવશે.

--અને આ ચર્ચામાં કોઈ પણ વિષયને મોદીતરફી અને મોદીવિરોધી એમ બે જ રંગમાં જોનારા (અભ્યાસીઓ સહિતના) લોકોની વાત જ નથી. આ ધ્રુવીકરણમાં ન હોય એવા લોકો પણ પોતાની આર્થિક માન્યતાઓને કટ્ટરતાથી વરેલા હોઈ શકે છે--અને તેમાંથી પેદા થતી મક્કમતા ધાર્મિક ઝનૂન કરતાં થોડીક જ ઓછી હોય છે. આ સંજોગોમાં અર્થશાસ્ત્રને લગતી ચર્ચા પણ ધાર્મિક વિવાદ જેવી આત્યંતિક અને સરવાળે નિરર્થક બની રહે છે. સરકારી જૂઠાણું અને સરકારોના પક્ષે રહેલો વિશ્વસનિયતાનો અભાવ આ સમસ્યાને વકરાવે છે.

‘નરો વા કુંજરો વા’થી માંડીને નરાતળ જૂઠાણાં ઉચ્ચારવાં એ કોઈ એક સરકારની 'ખૂબી' નથી. છતાં, વર્તમાન સરકાર મારા જેવા ઘણાને આ બાબતમાં વિશેષ લાયકાત ધરાવતી લાગે છે અને બીજા ઘણાને તે નકરી પવિત્ર ગાય લાગે છે.  એટલે, એનડી ટીવીના એક ખાનગી બૅન્ક સાથેના સેટલમૅન્ટ અને તેમાં સંકળાયેલી રૂ.45 કરોડની રકમ માટે ઉત્સાહી થઈને રૉય દંપતિ પર દરોડા પાડતી સીબીઆઈ વિજય માલ્યા સામેના રૂ.9 હજાર કરોડના કેસમાં છ-છ મહિના થયે બ્રિટનની અદાલતને મજબૂત પુરાવા કેમ નહીં આપી શકતી હોય? એવો સવાલ મહત્ત્વનો કે સરકારે જેનો જાહેરમાં ખુલાસો કરવો પડે એવો ગણાતો નથી. માલ્યા રૂ. 9 હજાર કરોડ રૂપિયામાં નવડાવી જાય, એટલે બીજાને (પ્રમાણમાં) નાની રકમોનું કરી નાખવાનો પરવાનો મળી જતો નથી. પરંતુ સવાલ સરકારી તપાસ સંસ્થાની પ્રાથમિકતા અને તીવ્રતાનો છે. ત્યાં એનડી ટીવી પ્રત્યેનો અભાવ કે દુર્ભાવ મુખ્ય અને અર્થશાસ્ત્ર ગૌણ બની જાય છે.

અર્થશાસ્ત્રનો બીજો અને કાયમી મોરચો છેઃ ખેતી. ખેડૂતોનાં દુઃખનો કેમ ઉકેલ આવતો નથી? તેનું કારણ પણ એ છે કે તેમની આર્થિક-માળખાકીય સમસ્યાઓનો ઉભડક, થૂંકના સાંધા જેવો રાજકીય ઉકેલ કાઢવામાં આવે છે. ખેડૂતોની વર્તમાન અવદશા માટે નોટબંધી કેટલી હદે જવાબદાર ગણાય, તે નિષ્ણાતો વચ્ચે ચર્ચા અને મતભેદનો વિષય છે. કેટલાક માને છે કે નોટબંધીને પરિણામે સર્જાયેલી રોકડની અછતને લીધે ખરીદશક્તિ ઘટી જવાને કારણે (અને ઉપજ વધારે હોવાને કારણે) પાકોના ભાવ ઘટી ગયા અને ખેડૂતોને પાક ફેંકી દેવાનો કે સડી જવા દેવાનો વારો આવ્યો. તેની સામે એવી પણ દલીલ કરવામાં આવે છે કે અનાજ સિવાયના (ફળો-શાકભાજી વગેરે) પાકમાં ભાવના ચઢાવઉતાર આવતા રહે છે. એક વર્ષે તેમના ભાવ ઊંચા જાય એટલે બીજા વર્ષે તેનું વાવેતર વધે અને પાક પણ વધે. આ રીતે ઉતરેલા અઢળક પાકને જાળવી રાખવાની ક્ષમતા ન હોય, એટલે તેને તત્કાળ સસ્તા ભાવે વેચવો પડે. તેના કારણે બીજા વર્ષે તેનું વાવેતર ઓછું થાય, ફસલ ઓછી થાય અને ભાવ વધે. આ ચક્રગતિમાં અપવાદો હોય જ છે. પરંતુ મૂળ મામલો માગ અને પુરવઠાના ખોરવાયેલા સંતુલનનો છે.

આ ચર્ચાને નોટબંધીની તરફેણ કે વિરોધ પર અટકાવી રાખવાને બદલે, તેના ઉકેલ વિશે વિચારવામાં આવે તો? એક હકીકત નિર્વિવાદ છેઃ દેશમાં અનાજ સિવાયના, બાગાયતી (શાકભાજી-ફળો) પાકને સંઘરવાની ક્ષમતા અત્યંત ઓછી છે--અને ખેડૂતોની મજબૂરીનું તે એક મોટું કારણ છે.  સરકારી આંકડા પ્રમાણે, બાગાયતી ફસલને સંઘરવાની હાલની ક્ષમતા રાષ્ટ્રિય જરૂરિયાતના માંડ 6 ટકા જેટલી છે. (ફાઇનાનશ્યલ ઍક્સપ્રેસ, 17-6-2017)

એકાદ દાયકા પહેલાં રીટેઇલ કહેતાં છૂટક વેપારમાં વિદેશી કંપનીઓના આગમન વિશે ગરમાગરમ ચર્ચા શરૂ થઈ ત્યારે, વૉલમાર્ટ જેવી કંપનીઓ સામે કરાતી મુખ્ય દલીલ એ હતી કે તે આવશે અને બજારમાં છવાઈ જશે. તેમને ખેડૂતોના શોષક તરીકે પણ રજૂ કરવામાં આવી હતી. આ કંપનીઓનું ચરિત્ર જુદી ચર્ચાનો વિષય છે, પણ એ વખતે અર્થશાસ્ત્રની આંટીઘૂંટીમાં પડ્યા વિના સામાન્ય સમજથી દેખાતી વાત એ હતી કે વૉલમાર્ટ જેવી કંપનીઓની એક મુખ્ય તાકાત તેમની સંગ્રહક્ષમતા છે. બજારમાં ફસલ ઠલવાઈ હોય ત્યારે તે સસ્તા ભાવે ફસલ ખરીદીને સમય આવ્યે તેને ખપમાં લઈ શકે છે. એ વખતે પણ આ જ સવાલ થયો હતો કે કોલ્ડ સ્ટોરેજથી માંડીને બીજી સુવિધાઓ ઉભી કરીને સંગ્રહક્ષમતા વધારવી, એમાં કશું રૉકેટ સાયન્સ નથી. ઉલટું, એક ગંભીર સમસ્યાનો તે પ્રમાણમાં સહેલો અને સાધ્ય કહેવાય એવો ઉકેલ છે. તો સરકારો તે શા માટે અપનાવતી નથી? અને વૉલમાર્ટ આવશે, કોલ્ડ સ્ટોરેજોનું માળખું સ્થાપશે અને આપણા બજારમાં ભેલાણ કરી જશે એવી બીક કેમ રાખે છે? અથવા વધારે અગત્યનો સવાલ એ કે આ સુવિધા ઊભી કરવા માટે સરકાર વૉલમાર્ટ જેવી કંપનીઓ આવે તેની રાહ કેમ જુએ છે?

એવો જ સવાલ નર્મદા યોજનામાં બંધની ઊંચાઇના વિવાદ બાબતે હતો અને છેઃ બંધની ઊંચાઈનો મામલો ભલે હમણાં સુધી અદાલતમાં હતો, પણ આ યોજનાની નહેરોનું માળખું બનાવવાનું સંપૂર્ણપણે રાજ્ય સરકારના હાથમાં હતું. છતાં એ કામ સીધો રાજકીય ફાયદો અપાવનારું ન હોવાથી તેની ઉપેક્ષા થતી રહી. સરદાર સરોવર નિગમની વેબસાઈટ પર જણાવ્યા પ્રમાણે 458 કિ.મી. લાંબી મુખ્ય નહેરનું જ કામ સંપૂર્ણપણે પૂરું થઈ શક્યું છે. બાકી,  નાનીમોટી બધી નહેરોના માળખાની કુલ પ્રસ્તાવિત લંબાઈ 71,748 કિ.મી. છે, જેમાંથી આટલાં વર્ષો પછી અને આટલા નેતાઓની ગાજવીજ પછી પણ 45,095 કિ.મી.નું કામ પૂરું થઈ શક્યું છે.
સારઃ અર્થશાસ્ત્રમાં ટપ્પી ન પડે એનો અર્થ એવો નહીં કે સામાન્ય સમજ પણ કોઈ પક્ષ કે નેતાના ચરણોમાં ધરી દેવી. 

Monday, June 19, 2017

ગૌરક્ષા, ધર્મ અને સાવરકર

ધર્મનો મામલો પેચીદો છે. કોનો 'ધર્મ' ક્યારે ભ્રષ્ટ થાય તે નક્કી કરવું અઘરું છે. 1857 પહેલાં અંગ્રેજોની ગુલામી કરતા અને તેમના વતી લડતા હિંદુ-મુસ્લિમ સૈન્યનો ધર્મ ભ્રષ્ટ થતો ન હતો. બલ્કે, અંગ્રેજ ફોજમાં નોકરી કરવી એ મોભાદાર રોજગારી ગણાતી હતી--ભલે તેમાં દેશી રાજાઓ સામે લડવાનું થાય અને 'દેશના’ લોકોની ગુલામી મજબૂત બનાવવાની થાય. એ વખતે રાજકીય એકમ તરીકે 'ભારત મારો દેશ છે'નો ખ્યાલ ન હતો. એટલે 'દેશભાવના' પણ સ્થાનિક-પ્રાદેશિક સ્તરે હોય.

વફાદારી, દેશભક્તિ અને ગદ્દારી જેવા ખ્યાલ ત્યારે દેશને નહીં, દરેક રજવાડાંને લાગુ પડતા હતા. આજે જેને ભારત કહીએ છીએ તેની પર અંગ્રેજોની ગુલામી કોણે દૃઢ કરી? એ સવાલ વિશે વિચારતાં જણાશે કે ત્યારે હિંદુ-મુસલમાનો 'ભાઇ-ભાઈ’ ન હતા, તો એકબીજા સામે પહેલી તકે લડવા આતુર પણ ન હતા. ધર્મોના જુદાપણા છતાં શાંતિપૂર્ણ સહઅસ્તિત્ત્વનો પાઠ તે સદીઓ થયે શીખ્યા હતા હતા ને તેમાં ખાસ્સા આગળ પણ વધ્યા હતા. અંગ્રેજોએ હિંદુ-મુસ્લિમ ઉપરાંત 'માર્શલ રેસ' (લડાયક જાતિઓ) ગણાતા રજપૂત-શીખ-ગુરખા-મરાઠા વગેરેના રાજાઓને પણ તાબે કર્યા. ત્યાર પછી,  ગાયને પવિત્ર ગણતા હિંદુ સૈનિકોએ અંગ્રેજોનાં કેન્ટોન્ટમેન્ટમાં છૂટથી રંધાતા ગોમાંસ સામે વાંધો ઉઠાવ્યો હોય, એવું જાણવામાં આવ્યું નથી.

ગુલામીમાં આવા વાંધા પડાય પણ શી રીતે? અને 'ગોમાંસભક્ષક' અંગ્રેજોને ખાનગીમાં અપવિત્ર-ભ્રષ્ટ ગણી નાખીએ એટલે મનના કચવાટનો મોક્ષ થઈ જાય. ગોરક્ષાના પ્રખર હિમાયતી ગાંધીજીએ મુસ્લિમોનેે ગોહત્યા માટે મુખ્ય જવાબદાર ગણીને તેમને પ્રેમથી જીતવાની વાત કરી હતી, પણ અંગ્રેજોએ ગોહત્યા ન કરવી જોઇએ અને તેમને ગોહત્યાના મામલે પ્રેમથી રોકવા જોઇએ, એવું ગાંધીજીએ કે ગૌહત્યાના મુદ્દે તીવ્ર વાંધો અનુભવતા કોઈ નેતાએ કહ્યું હોય, તો જાણવામાં આવ્યું નથી.

આવું કેમ? ગાય માત્રને બચાવવાની હોય તો,  તેમાં અંગ્રેજો અને મુસ્લિમોનો ભેદ શા માટે? તેની વાત કરતાં પહેલાં, હિંદુ્ત્વના રાજકારણના એક જનક, પૂર્વાશ્રમના સ્વાતંત્ર્ય સેનાની વિનાયક સાવરકરના ગોરક્ષા વિશેના વિચાર જાણવા જેવા છે. ગાંધીહત્યાના કાવતરાના એક આરોપી (અને તેમાંથી નિર્દોષ છૂટેલા) સાવરકરે ગોરક્ષા અને ગોહત્યાની બાબતમાં વાસ્તવને નજર સામે રાખીને તેમના વિચાર મૂક્યા હતા. તેમણે ગાયને ઉપયોગી પ્રાણી ગણીને તેને કુટુંબના સભ્ય જેવો દરજ્જો આપવાની વાત કરી.  તેમણે કહ્યું કે ગાયનું રક્ષણ અને તેની જાળવણીને આપણી વ્યક્તિગત તેમ જ કૌટુંબિક ફરજ, તથા હિંદુસ્તાનના મામલે તો રાષ્ટ્રીય ફરજ છે. સાવરકરે આ લાગણીને ફક્ત ગાય માટે જ નહીં, બધાં પ્રાણીઓ માટે લાગુ પાડી અને પ્રાણીમાત્ર પ્રત્યે દયાને તેમણે હિંદુ ધર્મના કરુણાના ભાવ સાથે સુસંગત ગણાવી હતી.

સાથોસાથ તેમણે એવી સ્પષ્ટતા પણ કરી કે 'ગાય-ભેંસ જેવાં પ્રાણીઓ અને વડ-પીપળા જેવા વૃક્ષો માણસને ઉપયોગી હોવાથી આપણે તેમને એ હદે ચાહીએ છીએ કે તેમને પૂજનીય ગણીએ છીએ, તેમના રક્ષણ, સંવર્ધન અને સુખાકારીને આપણી ફરજ ગણીએ છીએ અને ફક્ત એ અર્થમાં જ તે આપણો ધર્મ છે.  તેથી એ સ્પષ્ટ ન હોવું જોઇએ કે ચોક્કસ સંજોગોમાં તે માણસ માટે મુસીબતરૂપ બને ત્યારે તે રક્ષણને પાત્ર મટી જાય છે અને માણસના કે રાષ્ટ્રના હિતમાં તેમનો નાશ કરવો એ પણ માણસનો કે રાષ્ટ્રનો ધર્મ બને છે?’ (સંદર્ભઃ સમગ્ર સાવરકર વાઙમય, ભાગ-2, પૃ.678. savarkar.org)

ગૌરક્ષાના નામે શાંતિ જોખમાવતા અને ઉત્પાત મચાવતા લોકો માટે સાવરકરે હજુ વધારે સ્પષ્ટતાથી કહ્યું હતું,’જ્યારે માણસનું હિત સધાતું ન હોય અને હકીકતમાં તેને નુકસાન થઈ રહ્યું હોય અથવ માનવતા માટે શરમજનક સ્થિતિ પેદા થતી હોય, ત્યારે પોતાના પગ પર કુહાડો મારનારી (સેલ્ફ ડીફીટિંગ) અંતિમવાદી ગોરક્ષા છોડી દેવી જોઇએ.’ (સંદર્ભઃ સમગ્ર સાવરકર વાઙમય, ભાગ-3, પૃ.341. savarkar.org)  તેમણે એટલી હદે કહ્યું હતું કે 'કોઈ પણ ચીજ માણસને ગુણકારી હોય ત્યાં લગી તેને ખાઈ શકાય. તેમાં ધાર્મિક ગુણોનું આરોપણ કરવાથી તેને ભગવાનનો દરજ્જો મળી જાય છે. આવી અંંધશ્રદ્ધાળુ માનસિકતા રાષ્ટ્રની બૌદ્ધિકતાને નષ્ટ કરે છે.’ (સંદર્ભઃ સમગ્ર સાવરકર વાઙમય, ભાગ-2, પૃ.559. savarkar.org)

સાવરકરે બિનહિંદુઓ દ્વારા થતી ગોહત્યાને અનિષ્ટ ગણાવી હતી. પરંતુ તેમણે ઘણી જગ્યાએ ફક્ત ગાયને બદલે ગાય-ભેંસ જેવાં ઉપયોગી પ્રાણીઓની એકસાથે વાત કરી હતી. તેમનું એ વલણ બુદ્ધિગમ્ય હતું. કદાચ એટલે જ અત્યારે સાવરકરના આ પ્રકારના વિચારો અભરાઈ પર ચડાવી દેવાયા છે. રાજકારણીઓ માટે ગાય એ હિંદુ-મુસ્લિમ દ્વેષના રાજકારણનો સદી જૂનો સગવડીયો મુદ્દો છે. તેના નામે લોકોને સો વર્ષ પહેલાં પણ ઉશ્કેરી શકાતા હતા અને હજુ પણ, ગોરક્ષાના નામે લોકોના મનમાં રહેલો પૂર્વગ્રહ છંછેડીને તેમની લાગણી (અને સરવાળે મત) જીતવાના સફળ પ્રયાસ થયા કરે છે.

એક કાર્ટૂનિસ્ટે આબાદ દર્શાવ્યું હતું તેમ, વર્તમાન એનડીએ સરકારે શરૂઆત કરી ત્યારે તેનો લોગો (પ્રતિકચિન્હ) 'મેક ઇન ઇન્ડિયા'નો વાઘ હતો, પણ ત્રણ વર્ષમાં એ વાઘ ક્રમે ક્રમે ગાયમાં ફેરવાઈ ગયો છે. ગોરક્ષાના નામે આકરા કાયદા, ગોહત્યારાઓને ફાંસીએ ચઢાવવાની માગણી,  મહાન ગોરક્ષક તરીકે રજૂ થવાના ધમપછાડા, ગોરક્ષાના નામે માણસોની હત્યા કે બેફામ ગુંડાગીરી પ્રત્યે આંખ આડા કાન.. અને આ બધું 1890માં નહીં, 2017માં ચાલી રહ્યું છે-- અને ટકી રહેવા માટે. બીજાના ટેકા પર નિર્ભર, નબળી મોરચા સરકાર દ્વારા નહીં, પણ બહુમતી ધરાવતી કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા એ ખેલ ખેલાઈ રહ્યા છે.

એનડીએની સૌથી મોટી તાકાત હોય તો એ કોંગ્રેસ જેવો વિરોધ પક્ષ છે. કેરળમાં કોંગ્રેસી કાર્યકર દ્વારા થયેલો ગૌહત્યાનો વિવાદ જાણે ભાજપના લાભાર્થે કરાયો હોય એવો હતો. રાહુલ ગાંધીએ કોંગ્રેસ પક્ષને એ કૃત્ય સાથે કશો સંબંધ નથી, એવો ખુલાસો કરીને નુકસાન ભરપાઈ કરવાની કોશિશ કરી. પરંતુ ગોહત્યા હોય કે આક્રમક હિંદુત્વને લગતા બીજા વિવાદાસ્પદ મુદ્દા, કોંગ્રેસ એ મુદ્દે સ્પષ્ટ વલણને બદલે અંધારામાં રસ્તો શોધવા ફાંફાં મારતી હોય એવી જ લાગે છે. બીજી તરફ,  ગુજરાત ભાજપે ગાયના નામે ચરી ખાવાના પ્રયાસોના ભાગરૂપે ગાય પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરતાં બૅનર લગાડ્યાં. હેતુ એટલો જ કે લોકો શિક્ષણ-આરોગ્ય-રોજગારી જેવા સળગતા અને લોકોને સીધા સ્પર્શતા મુદ્દા ભૂલીને ગાયના પૂંછડે ઝૂલવા લાગે. એક બાજુ શક્ય એટલા કોંગ્રેસીઓને ભાજપમાં ખેંચવા પ્રયત્નશીલ અને બીજા બાજુ કોંગ્રેસને ગાયના હત્યારા પક્ષ તરીકે રજૂ કરવાના કારસા--આવી ઉઘાડી બેશરમી પછી પણ તેમની શ્રદ્ધા એટલી જ છે કે ગાય દ્વારા ઘણા લોકોને કાયમ માટે મૂરખ બનાવી શકાશે. આપણી મૂર્ખામી વિશેની તેમની શ્રદ્ધા સાચી પાડવી કે નહીં, તે આપણે નક્કી કરવાનું છે. 

Thursday, June 15, 2017

દિલ્હી રેડિયોમાં પ્રાદેશિક સેવાઓઃ 'મનકી બાત' અને દિલ્હીમાંથી લાત

હિઝ માસ્ટર્સ વૉઇસ અરુણ જેટલીથી માંડીને કોઈ પણ 'વફાદાર’ જણ કહેશે, ‘આપણા વડાપ્રધાને તેમના કાર્યક્રમ 'મનકી બાત' દ્વારા રેડિયોને ફરી લોકપ્રિય બનાવી દીધો. ’  આ દાવાની ખરાઈ વિવાદાસ્પદ હોઈ શકે છે, પરંતુ રેડિયો સાથે સંકળાયેલા એક સમાચાર નિર્વિવાદ છે--અને તે સમાચાર રેડિયો પર કદી આવવાના નથીઃ દાયકાઓથી દિલ્હીમાં ચાલતી પ્રાદેશિક સમાચાર સેવાઓ પર વર્તમાન સરકાર કશા દેખીતા કારણ વિના પડદો પાડી રહી છે.

સામાન્ય ધારો એવો હતો કે આકાશવાણી (ઑલ ઇન્ડિયા રેડિયો)નાં સ્થાનિક કેન્દ્રો પરથી રાજ્યસ્તરના સમાચાર પ્રસારિત થાય, પરંતુ એ જ ભાષાના રાષ્ટ્રીય સમાચાર દિલ્હી આકાશવાણી પરથી આવે. ઉદાહરણ તરીકે, અમદાવાદ-વડોદરા-રાજકોટ-ભૂજથી ગુજરાતીમાં ગુજરાતના સમાચાર આવતા હોય, પણ દિવસમાં સરેરાશ ત્રણ વાર દિલ્હીથી ગુજરાતી ભાષામાં રાષ્ટ્રીય સમાચાર રજૂ થાય. રાષ્ટ્રીય દૃષ્ટિકોણને ધ્યાનમાં રાખીને લેવાયેલા આ નિર્ણયથી ઘણા લાભ હતાઃ ૧) દેશના પાટનગરમાં આવેલી રેડિયો સ્ટેશનની કેન્દ્રીય ઓફિસમાં મહત્ત્વની સ્થાનિક ભાષાનું પ્રતિનિધિત્વ રહે, જે પાટનગર અને સ્થાનિક ભાષા બન્ને માટે જરૂરી ગણાય ૨) રાષ્ટ્રીય સમાચારો સંભવિત સ્થાનિક દખલગીરી અને સંકુચિતતાથી બચી શકે. ૩) દિલ્હીમાં હોવાને કારણે અને દિલ્હીમાં રહેનાર વ્યક્તિઓ દ્વારા તે તૈયાર થઈને પ્રસારિત થતા હોવાને કારણે, તેમાં (સરકારી મર્યાદાઓમાં રહીને પણ) શક્ય એટલી વધારે ચોક્સાઈ અને વ્યાપક દૃષ્ટિકોણ હોઈ શકે.  ૪) રાજ્યમાં અસામાન્ય સ્થિતિ ઊભી થાય ત્યારે પણ દિલ્હીથી સ્થાનિક ભાષામાં અપાતા સમાચાર ઉપયોગી ભૂમિકા નિભાવી શકે.

દેશના પહેલા માહિતી-પ્રસારણ મંત્રી સરદાર પટેલ આ બાબતો બરાબર સમજતા હતા અને રેડિયોના માધ્યમનો ઉપયોગ વ્યક્તિગત છબિ માટે નહીં, પણ દેશહિતમાં કેવી રીતે થઈ શકે, તે એ બરાબર જાણતા હતા. તેનું એક ઉદાહરણ આઝાદી પછી તરતના અરસામાં જોવા મળ્યું. વિભાજન પછી પાકિસ્તાનના દોરીસંચારથી કાશ્મીર પર આક્રમણ થયું ત્યારે સ્થાનિક લોકોને વિશ્વાસમાં લેવા માટે અને તેમની સાથે ભારતનો સીધો સંવાદ રહે તે માટે, સરદારે કાશ્મીરથી સ્થાનિક ડોગરી ભાષાના બે જાણકારોને ડાકોટા વિમાન દ્વારા દિલ્હી બોલાવી લીધા અને તત્કાળ આકાશવાણી પર ડોગરી ભાષામાં સમાચાર શરૂ કરાવ્યા.

કાશ્મીરમાં નવેસરથી ૧૯૮૭-૮૮માં હિંસા અને આતંકવાદનો દૌર ચાલુ થયો, ત્યારે એક જ દિવસમાં બે સ્થાનિક સમાચારવાચકોની હત્યા કરી નાખવામાં આવી. ત્રાસવાદથી ઘેરાયેલા કાશ્મીરમાં, રેડિયો પરથી સમાચાર વાંચવા એ ત્રાસવાદ સામે મુકાબલા જેવું કામ બની ગયું. ત્યારે રવિ કૌલ નામનો એક યુવાન તૈયાર થયો. તેણે ધમકીઓની અવગણના કરીને સમાચાર વાંચવાનું ચાલુ રાખ્યું. કરુણતા એ થઈ કે એ જ અઠવાડિયે રવિના પિતા અને ભાઈની હત્યા થઈ—અને એ સમાચાર રવિને જ વાંચવાના આવ્યા. ફક્ત સરહદ પર લડનારાએ જ મન કઠણ કરવું પડે ને લોખંડી મનોબળ રાખવું પડે એવું કોણે કહ્યું? રવિ કૌલે લાગણી પર કાબૂ રાખીને એ સમાચાર પણ વાંચ્યા. તેમની આ ઠંડી તાકાત પાછળ માતૃભાષા અને દેશ પ્રત્યેની લાગણી કારણભૂત હતી. રવિ કૌલ આજે દિલ્હીમાં કાશ્મીરી ભાષાના વિભાગમાં સમાચારવાચક તરીકે ફરજ બજાવે છે, પરંતુ વર્તમાન સરકાર કે તેની બાબુશાહી દિલ્હીમાં સ્થાનિક ભાષાના સમાચારનું મહત્ત્વ સમજતી નથી, એ બાબતે તેમની નિરાશા કલ્પી શકાશે.

દિલ્હી આકાશવાણીમાંથી સ્થાનિક ભાષાના સમાચારને રાજ્યોમાં રવાના કરવાનો સરકારી નિર્ણય કેમ ભૂલ ભરેલો છે, એ જાણવા માટે કલ્પના દોડાવવાની જરૂર નથી. તેનાં નક્કર ઉદાહરણ મોજુદ છે.  અગાઉ સિંધી, કન્નડ અને તેલુગુ યુનિટને દિલ્હીથી ખસેડી દેવાયાં હતાં. તેમાંથી સિંધી યુનિટને સિંધ  તો ખસેડી શકાય નહીં, એટલે તેને અમદાવાદમાં મૂકવામાં આવ્યું હતું. પરંતુ જાણકારોના મતે દિલ્હીથી અમદાવાદ આવ્યા પછી સિંધી ભાષામાં આવતા રાષ્ટ્રીય સમાચારની ગુણવત્તા પર સીધી અસર પડી છે.

આ વર્ષના આરંભે થયેલા હુકમ પ્રમાણે ૧ માર્ચ, ૨૦૧૭થી આસામી, ઓડિયા, તમિલ અને મલયાલમ ભાષાઓના એકમોને દિલ્હીથી અનુક્રમે ગૌહાટી, કટક, ચેન્નઈ અને તિરુવન્તપુરમ્ ખસેડવામાં આવ્યાં. ત્યાર પછીના ત્રણ મહિનાનો અનુભવ ખાસ વખાણવાલાયક રહ્યો નથી. જેમ કે, ઓડિયા રાષ્ટ્રીય સમાચારોના રાષ્ટ્રીય ચરિત્ર સાથે છેડછાડ થઈ રહી હોવાનો અને તેમનું સ્થાનિકીકરણ થઈ રહ્યું હોવાનો જાણકારોનો મત છે. તેમાં માહિતીલક્ષી અને સમાચારલક્ષી અનેક ભૂલો હોવાનું પણ કહેવાય છે. જેમ કે, અગત્યની ઘટનાઓ (બેઠકો, સમજૂતીઓ)  પૂરી થઈ ગયા છતાં, એની વાત એવી રીતે થાય છે, જાણે એ થવાની બાકી હોય.

--અને હવે ગુજરાતી તથા મરાઠી પ્રાદેશિક સેવાઓનો વારો ચડી ગયો છે. ગયા સપ્તાહે થયેલા આદેશ મુજબ, પાંચમી મેથી ગુજરાતીમાં રાષ્ટ્રીય સમાચારનું કામ હવે અમદાવાદ આકાશવાણીને અને મરાઠી રાષ્ટ્રીય સમાચારનું કામ મુંબઈ આકાશવાણીને સોંપી દેવાયું છે.  સત્તાવાર ખુલાસા એવા છે કે ટેલેન્ટ મળતી નથી, ગુણવત્તાનું ધોરણ જળવાતું નથી, દિલ્હીમાં રહેનારા લોકો માતૃભાષાથી વિમુખ થઈ ગયા છે... પરંતુ આ દાવા કોઈ રીતે ગળે ઉતરે એમ નથી. એક આરોપ પ્રમાણે, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું પીઠબળ ધરાવતી હિંદુસ્તાન સમાચાર સેવા ૧૦ સ્થાનિક ભાષામાં સમાચારો તૈયાર કરે છે--અને સરકારનો ઇરાદો આકાશવાણીમાં આ સમાચારસેવાને દાખલ કરવાનો છે. આ આરોપનો હિંદુસ્તાન સમાચાર સેવાએ ઇન્કાર કર્યો છે. છતાં,  પ્રાદેશિક વિભાગોને દિલ્હીથી રાજ્યોમાં ખસેડવામાં સરકારને બીજો શો ફાયદો છે, એ હજુ સુધી તો સમજાયું નથી. ફક્ત જનસામાન્યને જ નહીં, આ સેવાઓ સાથે વર્ષોથી સંકળાયેલા લોકોને પણ આવા આત્યંતિક પગલા પાછળનો સરકારનો સાચો ઇરાદો સમજાતો નથી.

છેલ્લાં વીસ વર્ષથી સરકારે પ્રાદેશિક સમાચાર સેવાઓમાં કાયમી કર્મચારીઓની ભરતી કરવામાં આવી નથી. કોન્ટ્રાક્ટ પરની નિમણૂંકો માટેની પ્રક્રિયા અને તેના નિર્ણાયકો સામે પણ અનેક આંગળીઓ ચીંધાઈ. આ સંજોગોમાં વડાપ્રધાનના કાર્યક્રમ 'મનકી બાત’ની સફળતા પછી અપેક્ષા તો એવી હતી કે રેડિયોનો યુગ પાછો આવ્યાનો દાવો કરનાર સરકાર દિલ્હી આકાશવાણીની પ્રાદેશિક સમાચાર સેવાને નવું જીવન આપશે.

 ‘મનકી બાત’ હોય કે બીજી સરકારી સામગ્રી, પ્રાદેશિક ભાષાઓમાં તેમના અનુવાદ માટે એ જ લોકોમાંથી કેટલાકની સેવા લેવામાં આવે છે, જેમની ગુણવત્તા બરાબર નહીં હોવાનું બહાનું પ્રાદેશિક સમાચારસેવા બંધ કરવા માટે અપાયું છે. એટલે, લાયક માણસો નહીં મળતા હોવાનો સરકારી દાવો ભરોસાપાત્ર જણાતો નથી. મઝાની વાત એ છે કે ભૂતકાળમાં પ્રકાશ જાવડેકર અને સુષ્મા સ્વરાજ સહિતના ભાજપના નેતાઓ દિલ્હીમાં પ્રાદેશિક ભાષાના મહત્ત્વને બિરદાવીને, તેને રાજ્યોમાં ખસેડવાની હિલચાલનો વિરોધ કરી ચૂક્યા છે. વર્ષ ૨૦૦૫માં યુપીએ સરકારે તેમનો વિરોધ ગ્રાહ્ય રાખીને, આ નિર્ણય મોકુફ રાખ્યો,  પરંતુ હવે એનડીએની સરકાર છે ત્યારે એ જ નિર્ણય અમલમાં મુકાઈ રહ્યો છે--અને આ 'મનકી બાત'ને કાને ધરનાર કે પ્રસારભારતીનો કાન આમળનાર કોઈ નથી.

Tuesday, June 13, 2017

‘...તો મંટો આજ મરનેકો તૈયાર હૈ'

(મંટો વિશેના લેખનો પહેલો ભાગઃ મેરે દિમાગકી જેબેં અભી ખાલી નહી હુઈઃ મંટો)

વિશ્વના શ્રેષ્ઠ વાર્તાકારોમાં જેની ગણના થાય છે તે મંટોએ મુંબઈની હિંદી ફિલ્મકંપનીઓ માટે ઘણું કામ કર્યું હતું. વાર્તાકાર તરીકે ત્યારે મંટોનું નામ જાણીતું થઈ ચૂક્યું હતું, પણ ટૂંકી વાર્તાઓ પર લાંબું ન ચાલે. એટલે ફિલ્મી લેખન રોજગારીના ભાગરૂપે હતું. કવિ-લેખક-નાટ્યકાર અહમદ નદીમ કાસમીને લખેલા પત્રોમાં આ અંગે મંટોના વિચારો અને વ્યાવસાયિક બનવાના પ્રયાસનું બયાન મળે છે.

Manto / મંટો
અહમદ નદીમ કાસમી 

ફિલ્મલાઈનમાં રૂપિયા સારા મળતા હોવાથી મંટો કાસમીને સતત મુંબઈ આવી જવા આગ્રહ કરતા હતા--અને કાસમી માટે ફિલ્મોમાં ગીતો ને સીન લખવાનું કામ શોધતા હતા. 'કીચડ' ઉર્ફે MUD મંટોએ ફિલ્મ માટે લખેલી સ્ટોરી હતી. તેના વિશે જાન્યુઆરી, ૧૯૩૯ના પત્રમાં મંટોએ કાસમીને લખ્યું હતું, ‘MUDમેં આપકો બહુતસી નયી ચીજેં નઝર આયેંગી. 'નયા કાનૂન' કે ઉસ્તાદ મંગૂકી ઝલક આપકો નથ્થૂકે કૈરેક્ટરમૈં મિલેગી. ફિર મૈંને અપને હર કૈરેક્ટરકે ઉસકી બુરાઈયોં ઔર અચ્છાઇયોં સમેત પેશ કિયા હૈ. અગર યે સ્ટોરી ફિલ્માયી ગયી ઔર ડાયરેક્શન ઉસ ચીજકો બરકરાર રખ સકી જો મેરે સીનેમેં હૈ તો મેરા ખ્યાલ હૈ કિ આપ મેરે MUDમૈં સારા હિન્દોસ્તાન દેખ લેંગે.’

આ ફિલ્મનાં ગીત કાસમી લખે એવું મંટો ઇચ્છતા હતા. એપ્રિલ, ૧૯૩૯ના પત્રમાં તેમણે કાસમી સમક્ષ આ પ્રસ્તાવ મૂક્યો અને સાથે મૂળ કથા પણ મોકલી આપી. પરંતુ એ બન્ને બાબતો શક્ય બની નહીં. કાસમીએ મોકલેલાં કેટલાંક ગીત મંટોને પસંદ ન પડ્યાં. તેમાંથી એક ગમ્યું, તે સંગીતકાર રફીક ગઝનવીને તર્જ બનાવવા આપી દીધું અને બીજાં ફરી લખી આપવા કહ્યું. પરંતુ જુલાઈ ૧૯૩૯ના પત્રમાં મંટોએ લખ્યું, ‘મુઝે બેહદ અફસોસ હૈ કિ અબ યે ગીત ફિલ્મમેં શામિલ નહીં કિયે જા સકેંગે ઇસલિએ કિ મૈંને ફિલ્મકી પ્રોડક્શનમૈં દિલચસ્પી લેના છોડ દિયા હૈ. ડાયરેક્ટર સાહબકો મેરા મુકાલમા (સંવાદ) પસંદ નહીં આયા. વહ કહતે હૈં કિ જો કુછ તુમ લિખતે હો, મેરી સમઝસે બાલાતર હૈ...મૈં બહુત ખુશ હૂં કિ રોજ રોજકે ઝગડોંસે નિજાત મિલી ઔર વહ ખુશ હૈં ઉનકો મેરી જિરહ (ઉલટતપાસ)કા સામના નહીં કરના પડેગા. ચૂંકિ મુકાલમા કોઈ ઔર લિખ રહા હૈ, ઇસલિએ મૈંને આપકે ગીત પેશ કરના મુનાસિબ નહીં સમઝા... ’

આ ફિલ્મ રજૂ થઈ, પણ તેણે ખાસ કશું ઉકાળ્યું નહીં.  વાર્તામાં થયેલા અઢળક ફેરફારોથી મંટોને બહુ દુઃખ થયું હતું, પણ 'ફોટોગ્રાફી ને કેટલાક એક્ટરોની એક્ટિંગ સારી છે'  એવું તેમણે કાસમીને લખ્યું. ફિલ્મલાઇનમાં સંપર્કો હોવાને કારણે મંટો બીજેથી પણ કાસમી માટે કામ શોધી લાવતો હતો. જાન્યુઆરી, ૧૯૪૦ના પત્રમાં મંટોએ કાસમીને વિ.સ.ખાંડેકરની 'ધર્મપત્ની’ શીર્ષક ધરાવતી ફિલ્મી સ્ટોરી મોકલી અને કહ્યું કે તેના સંવાદ લખવાનું કામ કેદાર શર્માને સોંપાયું હતું. પણ એ પ્રોડ્યુસરને ગમ્યા નથી. એટલે તમને લખવા મોકલું છું. સંવાદ લખવા વિશે કાસમીને સલાહસૂચનો આપીને મંટોએ લખ્યું હતું, ‘બરાહે કરમ યે કામ ખૂબ મહેનતસે કીજિયેગા. મેરી ખ્વાહિશ હૈ કિ આપ ફિલ્મી લાઇનમેં આયેં ઔર અપના નામ રૌશન કરેં.’

ગુજરાતી-હિંદી-ઉર્દુ નાટ્યકાર અસલમ પરવેઝ દ્વારા સંપાદિત 'મંટોકે ખત'માં મહત્તમ (૯૨) પત્રો અહમદ નદીમ કાસમી પર છે. તેમાં મંટોની કેટલીક ટૂંકી વાર્તાઓ અને ફિલ્મી કથાઓના સર્જનસમયના અણસાર મળે છે. જાન્યુઆરી, ૧૯૪૦ના પત્રમાં જ મંટોએ પોતાના મનમાં રહેલી એક વાર્તા વિશે લખ્યું છે, જેનું શીર્ષક 'પડોસ’ રાખવાનો મંટોનો વિચાર હતો. હિંદુ-મુસ્લિમ વિખવાદ વિશેની એ વાર્તાનો કેન્દ્રીય વિચાર મંટોએ પત્રમાં આ શબ્દોમાં લખ્યો હતો, ‘...ચૂંકિ મસ્જિદ ઔર મંદિરમેં ઇન દોનોં કૌમોકા મિલાપ મુહાલ હૈ ઇસલિએ મૈંને એક ઐસા પ્લેટફાર્મ ઢૂંઢા હૈ, જહાં યે દોનો મિલ સકતે હૈં, યા મિલતે રહતે હૈં. યહ પ્લેટફાર્મ વેશ્યાકા મકાન હૈ જો ના મંદિર હૈ ઔર ન મસ્જિદ. બસ ઇસી મકાન પર મૈં અપને સારે અફસાનેકા બોઝ ડાલના ચાહતા હું. ’

આવી જ એક અજાણી અને કદાચ ન બનેલી ફિલ્મ STEEL વિશે પણ મંટોના પત્રમાંથી જાણવા મળે છે. સપ્ટેમ્બર, ૧૯૪૦ના પત્રમાં મંટોએ લખ્યું હતું,’ઇસકો ફિલ્માનેકા ફૈસલા કર લિયા ગયા હૈ. મુઝે ઇસકે છઃ સૌ રૂપયે મિલેંગે. (ઇસકા જિક્ર કિસીસે ન કિજિયેગા) દોસૌ વસૂલ કર ચૂકા હું. દૂસરે અલફાઝમેં જો કર્જ મેરે સર પર થા મૈંને ઇન રૂપયોંસે ઉતાર દિયા હૈ.’ એક પત્રમાં મંટોએ 'જેબકતરા' એ શીર્ષક હેઠળ ફિલ્મી વાર્તા લખવાનો ઇરાદો જાહેર કરીને કાસમીને પૂછ્યું હતું, (આ) કેવું નામ છે?

પહેલી બોલતી ફિલ્મ 'આલમઆરા' બનાવનાર ઇમ્પીરિયલ મુવિટોને ભારતની પહેલી રંગીન ફિલ્મ 'કિસાનકન્યા' બનાવી, તેમાં સિનારિયો મંટોએ લખ્યો હતો.  મે, ૧૯૩૮ના મંટોના પત્રમાં એવો પણ ઉલ્લેખ મળે છે કે તેમની વાર્તા 'મુઝે પાપી કહો’ પરથી 'ઇમ્પીરિયલ'માં ફિલ્મનું શૂટિંગ ચાલે છે. આ વાત મંટોના મુંબઇમાં પહેલી વારના નિવાસની. વચ્ચે દિલ્હી આકાશવાણીમાં નોકરી કરી આવ્યા પછી તે ફરી મુંબઈ આવ્યા. એ વખતે એસ.મુખર્જીએ સ્થાપેલી સંસ્થા ‘ફિલ્મીસ્તાન’માં તેમણે નોકરી લીધી.  ફિલ્મી સિતારાઓ વિશેના મંટોના પુસ્તક 'ગંજે ફરિશ્તે’ની ઘણી સામગ્રી મંટોને ત્યાંથી મળી. ‘આઠ દિન’ જેવી ફિલ્મમાં મંટોએ નાનકડી ભૂમિકા પણ અદા કરી. પરંતુ ભાગલાના થોડા સમય પહેલાં મંટોએ કાસમીને લખ્યું હતું,’યહાં ફિલ્મીસ્તાનવાલોંસે મૈં કરીબ કરીબ નારાજ હો ચુકા હું. લાહૌરમૈં એક ફિલ્મસાઝ મુઝે એક હજાર રૂપયા માહવાર દેનેકે લિએ તૈયાર હૈ. સોચ રહા હું કિ ચલા જાઉં...’

ભાગલાનાં થોડાં વર્ષ પછી સોહરાબ મોદીએ મંટોની વાર્તા પરથી ભારતભૂષણ—સુરૈયાને લઈને બનાવેલી ફિલ્મ 'મિર્ઝા ગાલિબ’ (૧૯૫૪) બહુ વખણાઈ. રાષ્ટ્રીય પુરસ્કાર પણ મળ્યો. પરંતુ ગાલિબની વિશે ફિલ્મની વાર્તા લખવાની મંટોની તૈયારીનો ઉલ્લેખ છેક સપ્ટેમ્બર ૧૯૪૦ના પત્રમાં મળે છે. 'તમે મુંબઈ હોત તો કેટલું સારું' નો ભાવ વધુ એક વાર પ્રગટ કરતાં કાસમીને લખ્યું હતું, ‘...મૈં ગાલિબકે નામસે એક ફિલ્મી કહાની લિખનેકા ઇરાદા કર રહા હૂં. આપ શાયર હૈં. અગર આપ યહાં હોતે તો મુઝે કિતની મદદ મિલતી મૈંને ગાલિબસે મુતાઅલ્લિક બહુતસી કિતાબેં ઇકઠ્ઠી કર લી હૈેં. ઔર ભી કિતાબેં જમા કર રહા હું. ’

આજીવન સ્વભાવપ્રેરિત અને સંજોગોપ્રેરિત સંઘર્ષ સામે ઝઝૂમેલા અને તેની વચ્ચે અમર કૃતિઓ રચી ગયેલા મંટોએ કાસમીને એક પત્રમાં લખ્યું હતું, 'અગર કોઈ સાહબ મેરે સાથ વાદા કરેં કિ વહ મેરે દિમાગમેંસે સારે ખ્યાલાત નિકાલ કર એક બોતલમેં ડાલ દેંગે તો મંટો આજ મરનેકો તૈયાર હૈ. મંટો, મંટોકે લિએ જિન્દા નહીં હૈ...મગર ઉસસે કિસીકો ક્યા? મંટો હૈ ક્યા બલા? છોડિયે ઇસ ફુજુલ કિસ્સેકો.. આઇયે કોઈ ઔર બાત કરેં.’

Wednesday, June 07, 2017

મેરે દિમાગકી જેબેં અભી ખાલી નહી હુઈઃ મંટો

Manto  / મંટો
એક જ સમયમાં થઈ ગયેલાં જુદાં જુદાં ક્ષેત્રનાં મહાન વ્યક્તિત્વોને કદી મળવાનું ન થાય, એ આમ તો સમજી શકાય એવું છે. છતાં, વિચારો પર કાબૂ નથી. ઘણી વાર એવી ઇચ્છા થાય કે એ લોકો મળ્યા હોત તો? જેમ કે, ગાંધીજી, મહાન ગાયક કે.એલ.સાયગલ અને મહાન વાર્તાકાર સઅાદત હસન મંટો. પોતપોતાના ક્ષેત્રોમાં ઊંડી છાપ છોડનાર આ હસ્તીઓને આજે પણ યાદ કરવામાં આવે છે. બલ્કે, ગાંધીજીની અને મંટોની બાબતમાં તો, તેમના કામના અને તેમાં રહેલી ચિરંજીવ પ્રસ્તુતતાના હજુ અભ્યાસ થતા રહે છે. તેમના મૃત્યુના દાયકાઓ પછી તેમના વિશે- તેમની કૃતિઓ વિશે લખાતું રહે છે-ચર્ચા થતી રહે છે.

હમણાં 'બેગમજાન' નામની એક ફિલ્મ આવી હતી. દેહવ્યાપાર કરતી સ્ત્રીઓ અને ભારત-પાકિસ્તાનના ભાગલાને કેન્દ્રસ્થાને રાખીને રચવામાં આવેલી તેની વાર્તાનાં પાત્રો બીબાઢાળ હતાં, પણ એ બન્ને વિષયો પર મંટોએ લખેલી વાર્તાઓનો પ્રભાવ રસિકજનો પર હજુ પણ એટલો છે કે તે ફિલ્મ મંટો અને તેમનાં સમકાલીન મહાન લેખિકા ઇસ્મત ચુગતાઈને અર્પણ કરવામાં આવી. મહાન ગુજરાતી ગઝલકાર 'મરીઝ’ના જીવન વિશે મનોજ શાહે બનાવેલા નાટકમાં પણ મંટો દેખા દઈ જાય છે અને પોતાના લખાણ વિશે યુવાન 'મરીઝને’ એક બારમાં (બીજે ક્યાં?) થોડી વાતો કરે છે. મંટો પર પાકિસ્તાનમાં એક ફિલ્મ બની, જે હજુ અહીં જોવા મળી નથી. નવાઝુદ્દીન સિદ્દીકીને મંટોની ભૂમિકામાં રજૂ કરતી નંદિતા દાસની ફિલ્મ બની રહી છે. તેનું ટ્રેલરસાઇઝનું દૃશ્ય યુટ્યુબ પર જોવા મળ્યું હતું.

મંટો હજુ જીવે છે અને એ જીવતો જ રહેશે. (મંટો જેવા પ્રિય પાત્ર વિશે માનાર્થે બહુવચન નહીં, આત્મીયતાર્થે એકવચન જ મનમાં આવે છે.) મંટોનાં લખાણ નાગરી લિપીમાં 'દસ્તાવેજ’ના પાંચ ભાગમાં (અઘરા ઉર્દુ શબ્દોના હિંદી અર્થ સાથે) વાંચવા મળી શકે છે. ગુજરાતી સહિતની ભાષાઓમાં તેના અનુવાદ પણ થયા છે. છતાં, મંટોથી પરિચિત થવા ઇચ્છતા કે મંટો કઈ જણસ છે, તે જાણવા ઇચ્છતા જિજ્ઞાસુઓને ભલામણ છે કે હિંદી લિપીમાં ઉર્દુ ભાષામાં મૂળ મંટો જ વાંચવો. ‘દસ્તાવેજ’ ઉપરાંત મંટોના પત્રોનો એક સંગ્રહ 'મંટોકે ખત’ પણ મંટોપ્રેમીઓ માટે ખજાનો બને એવો છે. ગુજરાતી સહિત ચાર ભાષાઓમાં નાટકો લખતા જાણીતા નાટ્યકાર Aslam Parvez/અસલમ પરવેઝે તેનું સંપાદન કર્યું છે. આ પત્રોમાંથી જાતથી માંંડીને દુનિયા સામે ઝઝૂમતા મંટોની છબી આબાદ ઉપસે છે. સંગ્રહમાંના મોટા ભાગના પત્રો શાયર-નાટ્યકાર-વાર્તાકાર અહમદ નદીમ કાસમીને લખાયેલા છે.

પરસ્પર સદભાવને કારણે બન્ને વચ્ચે આત્મયીતાભર્યા પત્રોનો દૌર ચાલે છે, જેમાં 'બિરાદરે મોકર્રમ’ અને 'નદીમસાહબ’ જેવાં સંબોધનો પછી તો 'પ્યારે નદીમ’ સુધી પહોંચે છે. 1937થી 1948 વચ્ચે મંટોએ અહમદ નદીમ કાસમીને લખેલા 92 પત્રો આ સંગ્રહમાં મુકાયા છે. તેમાં  ઘણા બધા પત્રો કામકાજી છે. મુંબઈની ફિલ્મી દુનિયામાં સંકળાઈ ચૂકેલો મંટો કાસમીને વારંવાર મુંબઈ આવી જવા અને પોતાની સાથે રહીને ફિલ્મી લેખનમાં જોડાઈ જવા સમજાવે છે. કાસમીના જવાબ આપણને વાંચવા મળતા નથી, પણ તે મુંબઈ આવતા નથી. એટલે મંટો તેમને એક યા બીજી રીતે કામ અપાવવા કોશિશ કરે છે. રેડિયોનાટકો લખવા માટેના વિષયો આપે છે, તેનાં ગીત લખવા માટેના વિષય અને ક્યારેક તો ટીપ્સ પણ આપે છે. તેમની વાર્તા વિશે અભિપ્રાય આપે છે અને પોતાની વાર્તા વિશેના અભિપ્રાય પુછાવે પણ છે.
Ahmed Nadeem Qassmi/ અહમદ નદીમ કાસમી

સાવ શરૂઆતના પત્રમાં મંટો લખે છે,’મૈં ખુદ બહુત સેન્ટીમેન્ટલ હું. મગર મૈં સમઝતા હું કિ હમેં અફસાનોંમેં (વાર્તાઓમાં) સેન્ટીમેન્ટ જ્યાદા નહીં ભરના ચાહીએ. આપકે અફસાનોંકા મુતાલા  કરનેકે મુઝે ઐસા માલુમ હોતા હૈ કિ સેન્ટીમેન્ટ આપકી મીખ તક પહુંચ ચુકા હૈ. ઇસકો દબાનેકી કોશિશ કીજિયે.‘

પોતાની અણીઓ અને મર્યાદાઓ વિશે મંટો બરાબર જાણે છે. એટલે જ, કાસમી તેમના વિશે આદર કે અહોભાવ વ્યક્ત કરે ત્યારે મંટો અનેક પત્રોમાં તેમને ચેતવે છે કે મારા વિશે (ઊંચો) અભિપ્રાય બાંધી લેશો નહીં. કાસમી પરના પત્રોમાં મંટો પોતાની ગડમથલોનું-અંગત લાગણીઓનું ખુલીને બયાન કરે છે. મંટોની પત્ની સફિયા પણ કાસમીના લખાણ પ્રત્યે ભાવ ધરાવે છે. એટલે ઘણાખરા પત્રોમાં મંટો સફિયાની યાદ પાઠવે છે અથવા સફિયા તરફથી બે શબ્દો લખે છે.  એ પત્રમાં સફિયાએ 'કુંવારે સપને’ શીર્ષક સાથે વાર્તા લખવાની શરૂ કરી એવો પણ ઉલ્લેખ છે. (ઓગસ્ટ, 1939)

પુત્રજન્મ થયા પછીના એક પત્રમાં મંટો કાસમીને લખે છે, ‘સફિયા કહતી હૈ કિ આપ લડકેકે લિએ કોઈ નામ તજવીજ કરેં.’ (મે 1940)  સફિયા છોકરાનું નામ આરિફ પાડે છે. પણ એ બાળપણમાં જ બિમારી ભોગવીને વિદાય લે છે. તેનો મંટોના મન પર કેવો ઘા લાગ્યો હશે? પરંતુ લાક્ષણિક મંટોશાઈ અંદાજમાં એપ્રિલ, 1941ના પત્રમાં મંટો આટલું જ લખે છે,’બિરાદરે મોકર્રમ, મેરા આરિફ સિર્ફ દો દિન બીમાર રહ કર કલ રાતકે ગ્યારહ બજે અરુણ અસ્પતાલમેં મર ગયા.’ સરકારી સમાચાર જેવા ભાવશૂન્ય અંદાજમાં લખાયેલા આ વાક્યમાં ભીનાશનો અભાવ નહીં, સૂકાઇ ગયેલાં આંસુની ખારાશ વરતાય છે.

આર્થિક રીતે મંટો કાયમ ભીડમાં હોય છે. દોસ્તીની શરૂઆતના ગાળામાં તે કાસમીને મુંબઈ રહેવા આવી જવાનું કહીને પોતાની સ્થિતિનું આબાદ બયાન આપે છે. તે આર્થિક ઓછું ને માનસિક વધારે છે, ‘મૈં બમ્બઈમેં પચાસ રુપયે માહવાર કમાતા હું ઔર બેહદ ફુજુલ (ખોટો) ખર્ચ કરતા હું. આપ યહાં ચલે આયેં તો મેરા ખ્યાલ હૈ કિ હમ દોનોં ગુજર કર સકેંગે...અભી આઠ રોજ હુએ મેરે પાસ પાંચસૌ રુપયે થે ઔર અબ યે હાલત હૈ કિ સિર્ફ બીસ રુપયે બાકી હૈ. મુઝે કિતાબેં ખરીદને ઔર યૂંહી રુપયા બર્બાદ કરનેકા ખબ્ત (વિકાર) હૈ ઔર મૈં ઇસીસે લુત્ફ ઉઠાતા હું. જિંદગી રહે તો રુપયા પૈદા કિયા જા સકતા હૈ.’ એ જ પત્રમાં (લગ્ન થયું તે પહેલાંના) પોતાના ઘરનું વર્ણન કરતાં મંટો લખે છે, ‘મેરે પાસ છોટા સા કમરા હૈ, જિસમેં હમ દોનોં રહ સકતે હૈં. ખાનેકો મિલે ન મિલે મગર પઢનેકે લિએ કિતાબેં મિલ જાયા કરેંગી ઔર અગર આપ કોશિશ કરેંગે તો બહુત મુમકિન હૈ કિ અચ્છી-અચ્છી કિતાબોંકે સાથ અચ્છે ખાને ભી મિલ જાયેં.’

આવો મિજાજ ધરાવતો માણસ સતત શારીરિક-માનસિક સંઘર્ષો વચ્ચે ધંધાદારી દુનિયા સાથે કેવી રીતે પનારો પાડતો હતો, તેની કાસમીને લખેલા પત્રોમાંથી મળતી જાણકારી આવતા સપ્તાહે.