Tuesday, February 14, 2017

હું કવિ ન હોઉં તો પણ સજ્જન રહુ તેટલું ઘણું છેઃ ખબરદાર

જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત—એ કવિતાના રચયિતા તરીકે જાણીતા અરદેશર ફ. ખબરદાર હવે ગુજરાતીની કે સામાન્ય જ્ઞાનની એક માર્કની ખાલી જગ્યા બની ગયા છે.  72 વર્ષના લાંબા આયુષ્યમાં ખબરદારે છેલ્લો અક્ષર ‘કા’ ધરાવતા કેટલાક કાવ્યસંગ્રહો (વિલાસિકા, કલિકા, રાસચંદ્રિકા, દર્શનિકા, કલ્યાણિકા, નંદનિકા) ઉપરાંત પણ બીજાં કાવ્યસંગ્રહો પણ આપ્યા. માંડ માધ્યમિક શિક્ષણ સુધી પહોંચેલા ખબરદારે અંગ્રેજીમાં ‘સિલ્કન ટેસલ’ નામે આપેલો કાવ્યસંગ્રહ અંગ્રેજી વાચકોમાં વખણાયો હતો.

પારસી હોવા છતાં સાક્ષરમાન્ય, ‘શિષ્ટ’ ગુજરાતીમાં સર્જન કરનાર ખબરદારને એ સમયના સાક્ષરોની વર્તણૂંક સામે કેવો કચવાટ હતો, તેનો ખ્યાલ ગયા સપ્તાહના લેખમાં આપ્યો હતો. બ.ક.ઠાકોર જેવા સાક્ષર કવિ ખબરદારને ‘ઉપકવિ’ ગણતા-ગણાવતા હતા. એ વિશે ખબરદારે ‘પ્રિય ભાઈશ્રી બલુભાઇ’ને સૌજન્યપૂર્વક લખ્યું હતું, ‘ટેનિસન કે પોપ પણ ઉપકવિ ગણાય, તો આપણે બધા ભલે ઉપકવિઓ ગણાઈશું તો પણ ઘણું છે. પણ એક વાત લખું? આ તમારો ‘ઉપકવિ’ શબ્દ મને ગમતો નથી. એટલું જ નહીં, પણ તે બરાબર નથી. Major poet અને minor poet એ સાપેક્ષ અર્થમાં ‘મોટા’ અને ‘નાના’ કવિ એમ જ લખાય. ‘ઉપપ્રમુખ’ તેમ જ ‘ઉપકવિ’ એ અર્થમાં ખામી છે. તમે પાછું વિચારી જોશો. minor poetના અર્થમાં ઉપ-કવિ શબ્દ અધૂરો કે અનર્થકારી છે. બાકી ભલે હું Minor poet રહું, તેમાં કાંઇ વાંધો નથી અને poet પણ નહીં હોઉં તો પણ શું ગયું? સજ્જન અને પ્રભુજન રહું તેટલું જ ઘણું છે. બાકી ઘણાયે સાક્ષરો અને કવિઓની દુર્જનતા પણ ક્યાં ઓછી જગજાહેર છે?’ (18-11-1928, મદ્રાસ) વિખ્યાત વિવેચક વિષ્ણુપ્રસાદ ત્રિવેદીને તેમણે લખ્યું હતું, ‘ગુજરાતીમાં મારી સામે કોણે કોણે છેલ્લાં થોડાં વર્ષોમાં પ્રચાર કીધો છે તે હું જાણું છું. જે મેં ગુજરાતીમાં લખ્યું તે અંગ્રેજીમાં હોત તો આજે જે અવગણના મારા જીવનના છેલ્લા દિવસોમાં હું જોઈ રહ્યો છું તે કદી થવા પામત નહીં...’ (27-4-1950, મુંબઈ) એ જ પત્રમાં ‘તા.ક.’ તરીકે ખબરદારે લખ્યું હતું, ‘ભાઈ મુનશી ને ઝવેરીએ યુનિવર્સિટી ક્રમમાંથી મારાં પુસ્તકો 25 વર્ષે કાઢી નાખ્યાં છે.’

ડો. ધર્મેન્દ્ર માસ્તર (મધુરમ્) દ્વારા સંપાદિત કવિ ખબરદારના પત્રોમાં જાણવા મળતી સૌથી હૃદયસ્પર્શી વિગતો તેમની આર્થિક-શારીરિક-કૌટુંબિક આપત્તિઓ અને તેની સામે ખબરદારે ચાલુ રાખેલા ધાર્મિક સંશોધનની છે. અનેક પ્રકારની અગવડો વેઠીને પણ દીકરાને ધંધામાં થયેલું કરજ ચૂકવતા ખબરદાર નખશીખ ‘સજ્જન અને પ્રભુજન’ જણાય છે. મૃત્યુના એક મહિના પહેલાં તેમણે પુત્ર પેસીને પત્રમાં લખ્યું હતું, ‘બધાનાં કરજ મેં ભરી દીધાં છે...ખુદાને ઘેર તો મારે ચોખ્ખા હાથે જવું જોઈએ. દીકરાએ કરજ કીધાં છે ને મેં મહેનત કરી ખાટલે પડીને પણ નાણાં મેળવીને પણ પચીસ હજાર ચૂકવ્યા છે.’ (9-6-1953, મદ્રાસ) મૃત્યુના આઠ દિવસ પહેલાં તેમણે ફરી એક પત્રમાં પુત્રને લખ્યું હતું, ‘દીકરા, અહીં મારા પર આફત વરસે છે...પગ બરાબર ચાલતા નથી ને છાતીએ ગભરાટ થયા કરે છે...20-22 વર્ષથી હું હેરાન ને ખુવાર થઈ ગયો છું.’ (22-7-1953, મદ્રાસ)

ખુવારીની વધુ વિગતો ‘કુસુમાકર’ પરના 24-1-1938ના પત્રમાંથી મળે છે, ‘તમને ખબર નથી કે છેલ્લાં નવ વર્ષ મેં કયી સ્થિતિમાં પસાર કીધાં છે. મને પ્રથમ હુંડિયામણના અચાનક મોટા ફેરફારથી દસ લાખની ખોટ મોટા વેપારમાં આવી હતી. તે વેળા મારું સર્વસ્વ મારે વેચી દઈ કરજ કરી આબરૂ રાખવી પડી. પછી ભાગિયાઓએ દગો દીધો, ને પેઢીમાંથી હું છૂટો પડ્યો ત્યારથી મોટે ભાગે માંદગી જ સેવી રહ્યો છું. મારા પુત્રોને મેં પાછી દુકાન કઢાવી આપી. મારું રહ્યુંસહ્યું સર્વ તણાઈ ગયું ને મિત્રોના આધારે હું મુંબઈમાં આવી વસ્યો છું. અઢી-ત્રણ વર્ષથી તો હું બિછાનામાં જ છું. સાયેટીકા આખે અંગ ફેલાઈ ગયો છે...’

આવી પરિસ્થિતિમાં પણ પ્રેરણાના ધક્કે ખબરદારનું સાહિત્યસર્જન ચાલતું હતું. મિત્ર હર્ષદરાય દેસાઇને તેમણે એક પત્રમાં લખ્યું હતું, ‘ગઇ તા.16મી ઓગસ્ટથી મને પાછું કવિતાનું વાદળું ચઢી આવ્યું છે. આ 36 દિનમાં મેં 112 સોનેટો ને 3-4 છૂટી કવિતાઓ લખી છે. સોનેટો તો બધી પ્રભુ સાથેની વાતચીત છે. બહુ જ સારાં લખાયાં છે. હજુ ધોધ ચાલુ છે...આખો દિવસ ને રાતના અગ્યાર સુધી કવિતાથી હું ભરાઈ રહેલો છું. ઝાપટાં આવ્યા જ કરે છે. ‘કલ્યાણિકા’ અને ‘દર્શનિકા’ને ટક્કર મારે એવી કવિતા લખાઈ છે. પ્રભુની મહેર છે. એ જ મારી વેદનાને ઔછી કરે છે ને મને ટકાવી રાખે છે. ઘાણીમાં પીલાઈને તેલ નીકળે છે.’ (22-6-1942, મુંબઈ)

સાહિત્યસર્જન ઉપરાંત ખબરદારનું મોટું અને મહત્ત્વાકાંક્ષી કામ તે પારસીઓની પવિત્ર ‘ગાથા’ના ગુજરાતી અનુવાદનું હતું. 1943ના એક પત્રમાં તેમણે લખ્યું હતું, ‘દોઢબે માસથી અમારા પવિત્ર ‘ગાથા’નો ગુજરાતી કવિતામાં અનુવાદ કરી રહ્યો છું. મેં બહુ સંશોધન એમાં પણ કીધું છે ને અઢી હજાર વર્ષની દબાઈ ગયેલી વાત ખોળી કાઢી છે. પારસી-હિંદુ બન્ને માટે એ નવો ધડાકો છે. ગાથાની ભાષા તે વેદની જ ભાષા છે. ઋગ્વેદની સમકાલીન કે તેથી જૂની છે—પાછલી તો નથી જ. એમાંથી અદભૂત ઇતિહાસ પણ મળે છે. આજ સુધી યુરોપીય અને અમારા વિદ્વાનોએ ખોટા જ અર્થ કીધેલા છે...મારી તો આંખો જ ખુલી ગઈ છે. મારી બધી શક્તિ સંઘરી રાખીને તે આ કામમાં જ વાપરી રહ્યો છું. કપિલ મુનિનું સાંખ્યદર્શન ‘ગાથા’માંથી લીધેલું છે. હવે તો પ્રભુ મને જરા શક્તિ અને જીવન બક્ષે તો આ મહાભારત કામ પાર પાડું. એક એક શ્લોકની બગડેલી ભાષા સુધારીને શુદ્ધ વૈદિક ભાષામાં ઉતારી, પછી અર્થ બેસાડીને સમશ્લોક રચું છું... એ રચાયાને છ હજાર વર્ષ ઉપર થઈ ગયેલાં છે. એની કવિતા અને ભાષા બહુ જ ઊંચી અને સિદ્ધ છે. તમારા અને મારા પૂર્વજો એક જ બાપના—કશ્યપમુનિના—પણ જુદી જુદી માતાનાં સંતાનો હતાં...’ (25-3-1943)

બીજા એક પત્રમાં તેમણે લખ્યું છે, ’13-14મી સદીમાં જેવી ગુજરાતી હતી ને આજે છે તેમાં જેટલો ફરક છે તેવો ને તેટલો ફરક ‘ગાથાની’ અને ઋગ્વેદની ભાષામાં છે.  બાકી છે તો શુદ્ધ આર્યભાષા, વેદની જ પણ તેનાથી આગળની. વ્યાકરણ લગભગ એક જ છે. ઝંદ ભાષાનું વ્યાકરણ ને તેની લિપિ ઉકેલવાનું ને શીખવાનું બધું છેલ્લા બે માસમાં માત્ર પુસ્તકો પરથી શીખ્યો છું...હમણાં 17માંના ચાર અધ્યાય પૂરા થયા છે. શબ્દેશબ્દના સંસ્કૃત ધાતુ ને સમશબ્દ મેં આપ્યા છે. સાથે સાથે જૂનો ઇતિહાસ ને જ્યોતિષનાં પ્રમાણ પણ આપું છું. એ ચાર અધ્યાયમાં 175 ફુલ્સ્કેપ કાગળો ખીચોખીચ ભરાયા છે...પહેલા ગાથાના (પાંચમાના) 7 અધ્યાયનાં જ ચારસેં ઉપર પાનાં થઈ જશે ને તે પોથો પ્રથમ છપાવી દઈશ. બધું તો એક હજાર ઉપર પાનામાં થશે.’ (1-6-1943)

ખબરદારનો આ મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ પૂરો થયો કે નહીં અને તેમનું સંશોધન અત્યારે કેવુંક ટકે એમ છે, એ જાણવાની ઉત્સુકતા થાય એવી છે. કોઈ અભ્યાસી તેની પર વધુ પ્રકાશ પાડશે તો આનંદ થશે. 

2 comments:

  1. Very, very interesting article on Khabardar, with good research, and came to know lots of unknown information about him. Just for information, it is a known fact that Ramanlal Desai also did not like B.K. Thakore

    ReplyDelete
  2. Anonymous12:00:00 AM

    સરસ આર્ટિકલ. આજેય ગુજરાતી સાહિત્ય અને પત્રકારત્વમાં આવી જ રીતનો ચોકાવાદ છે જ. આ ક્ષેત્રે આવતા જુવાનિયાંવને આવો અનુભવ થાય જ છે.

    ReplyDelete