Monday, February 20, 2017

ભારતીય રાજકારણમાં વિચારધારાનો લોપ

સ્વતંત્ર ભારતનું રાજકારણ શરૂ થયું, ત્યારે તેમાં ભારતીય નેશનલ કોંગ્રેસનો દબદબો હતો. આઝાદીની લડતના મુખ્ય પક્ષ તરીકે તેને મળેલાં માનપાન અને જવાહરલાલ નેહરુ જેવા નેતાને કારણે દોઢ-બે દાયકા સુધી બીજા રાજકીય પક્ષો હાંસિયામાં ધકેલાઈ ગયા. છતાં તેમનું અસ્તિત્ત્વ હતું—અને વધારે મહત્ત્વની બાબત એ છે કે તેમની કોંગ્રેસથી જુદી એવી વિચારધારા પણ હતી.

આઝાદીના આંદોલનમાં ગાંધીજીની આગેવાની હેઠળ કોંગ્રેસની વિચારધારા સર્વસમાવેશક હતી. (સામ્યવાદીઓને બાદ કરતાં) સમાજવાદીઓથી માંડીને હિંદુત્વની ઝાંય ધરાવતા નેતાઓ તેમાં સમાય ને પોસાય એવી તેની મોકળાશ હતી. આઝાદી પછી સામ્યવાદી અને સમાજવાદી વિચારધારા ધરાવતા વિવિધ પક્ષો ઉપરાંત (ભાજપના પૂર્વસૂરિ જેવા) ભારતીય જનસંઘ, સરકારી દખલગીરીને બદલે મુક્ત બજારની હિમાયત કરતો, વેપારીઓ-ધનિકો-ભૂતપૂર્વ રાજવીઓનો ટેકો ધરાવતો સ્વતંત્રતા પક્ષ અને બીજા સ્થાનિક રાજકીય પક્ષો અસ્તિત્ત્વમાં આવ્યા. એ પક્ષો અને નેતાઓ સો ટચના, સતયુગી આદર્શવાદી હતા એમ તો ન કહેવાય, પણ જયપ્રકાશ નારાયણ, રામમનોહર લોહિયા સહિત કેટલાક નેતાઓ નીતાંત રાજકીય પ્રાણી એવા પક્ષ અને નખશીખ આદર્શ એવી વિચારધારા વચ્ચે જીવંત તંતુની ગરજ સારતા હતા.. તેના લીધે વિચારધારા સાથે રાજકારણનો સદંતર વિચ્છેદ થયો ન હતો અને રાજકારણ કેવળ સત્તા સુધી પહોંચવાનું સાધન બનીને રહી ગયું ન હતું.

હિંદુ-મુસ્લિમ સંઘર્ષ અને હિંદુ અંતિમવાદના પરિણામે ગાંધીજીની હત્યા થઈ. ત્યાર પછી કોમવાદનો પર્યાય બનેલા હિંદુ હિતના રાજકારણ માટે મુખ્ય ધારામાં બહુ જગ્યા ન રહી.  ગાંધીજીની હત્યાના કલંકને લીધે તે એવા અસ્પૃશ્ય બન્યા કે ઇંદિરા ગાંધીએ લાદેલી કટોકટીના કલંકથી જ તેમનું કલંક હળવું બન્યું અને તેમને મુખ્ય ધારાના રાજકારણમાં પાછા લાવવામાં મહત્ત્વનું બન્યું. (ગુજરાતમાં કોંગ્રેસવિરોધી રાજકારણના જૂના સંસ્કારને લીધે જમણેરી રાજકારણનો પગદંડો જામવાની શરૂઆત વહેલી થઈ ચૂકી હતી. કટોકટી પહેલાં થયેલા નવનિર્માણ આંદોલને સંઘ પરિવાર અને તેની સંસ્થાઓને લોકમાન્યતા અપાવવામાં ઠીક ઠીક ભૂમિકા ભજવી હતી.)

કટોકટી પહેલાં ઇંદિરા ગાંધીનો સમાજવાદી રાહે અપાયેલો ‘ગરીબી હટાવો’ નારો કોંગ્રેસની વિચારધારાનું પ્રતિક બન્યો હતો. પરંતુ કટોકટી પછી જનતા પક્ષની મોરચા સરકાર અધવચ્ચેથી તૂટી પડી, ત્યારે સ્થિર સરકાર આપી શકવાની કોંગ્રેસની ક્ષમતા અને ગરીબો-મુસ્લિમો-દલિતોના પક્ષ તરીકેની તેની જૂની છાપ કોંગ્રેસની ઓળખ બની રહી. ઇંદિરા ગાંધીના એકંદર મૂલ્યાંકનમાં તેમની પર સત્તા સિવાયની કોઇ વિચારસરણીનો આરોપ મુકી શકાય એમ ન હતો. તેમની હત્યા પછી વડાપ્રધાન બનેલા રાજીવ ગાધીને વિચારધારા તો ઠીક, રાજકારણ સાથે જ કશો સંબંધ ન હતો.  તેમના રાજમાં ભારતે મુક્ત બજારની દિશામાં સાવ આરંભનાં ડગ માંડ્યાં. ભારતને એકવીસમી સદીમાં લઇ જવાના તેમના મુગ્ધ ઉત્સાહથી ભારત લાયસન્સ-પરમિટરાજ વચ્ચે પણ એસ.ટી.ડી. યુગ અને કમ્પ્યુટર યુગમાં પ્રવેશ્યું.

એ સમય કોંગ્રેસની જૂની, સમાજવાદનો અંચળો ધરાવતી,  સર્વસમાવેશક વિચારધારાના અસ્તનો હતો. રાજીવ ગાંધીના સમયમાં બોફર્સ કાંડથી ભ્રષ્ટાચાર પહેલી વાર કેન્દ્ર સરકારને ગબડાવે એવો, લગભગ વિચારધારાકીય, મુદ્દો બન્યો (જેનું અનુસંધાન અઢી દાયકા પછી, અમુક અંશે 2014માં જોવા મળ્યું) રાજીવને હરાવીને સરકાર રચનારા વી.પી.સિંઘે મંડલ પંચનો અભરાઈ પર ચડેલો અહેવાલ ઉતારીને, તેના આધારે અન્ય પછાત જાતિઓને 27 ટકા અનામત આપવાની જાહેરાત કરી. એ સાથે જ, ચૂંટણીપટુઓની વ્યૂહબાજીનો અભિન્ન હિસ્સો ગણાતાં જ્ઞાતિ સમીકરણો ઉઘાડેછોગ રાજકીય વિચારધારા તરીકે સ્થાન પામ્યાં. ત્યાર પહેલાં કાંશીરામ દલિત હિતના રાજકારણ સાથે બહુજન સમાજ પક્ષની શરૂઆત કરી ચૂક્યા હતા. તેમનો પક્ષ સ્થાનિક હોવા છતાં, ભારતના રાજકારણના હાર્દ સમા ઉત્તર પ્રદેશમાં તેનું જોર હોવાને કારણે, તે રાષ્ટ્રીય મહત્ત્વ ધરાવતો બન્યો.

જનસંઘના અનુજ ભારતીય જનતા પક્ષે હિંદુ હિતના ઓઠા તળે કોમવાદ અને ‘મુસ્લિમ તુષ્ટિકરણ’ના વિરોધના નામે 'હિંદુત્વ ખતરેમેં'ની ભાવના પ્રેરવાનું શરૂ કર્યું. તેમણે કોમન સિવિલ કોડ જેવા વાજબી મુદ્દાને મુસ્લિમ વિરોધ માટે અને કાશ્મીરમુદ્દાને નકરા નેહરુવિરોધ માટે નીચોવી નાખ્યો. બાબરી મસ્જિદ-રામજન્મભૂમિનું આખું ધાંધલ વિચારધારાના નામે રાજકીય ફાયદો લેવા ઊભું કરાયેલું હતું, એની હવે તો એ સમયે તેના પ્રત્યે ભાવ ધરાવતા ઘણાખરા લોકોને પણ ખાતરી થઈ ચૂકી હશે.

રાજીવ ગાંધીની હત્યા પછી, 1991માં ગાંધી પરિવારની બહારના પહેલા કોંગ્રેસી વડાપ્રધાન નરસિંહ રાવને આર્થિક ઉદારીકરણની નીતિ અપનાવવાની ફરજ પડી. એ સાથે ભારતના રાજકારણમાં સામાજિકને બદલે આર્થિક વિચારધારાનો યુગ શરૂ થયો. પરંતુ ભારતમાં ગરીબ-વંચિત મતદારોનું પ્રમાણ એટલું મોટું હતું કે મુક્ત બજારવાદ ચૂંટણીલક્ષી, રાજકીય વિચારધારા તરીકે ચાલી શકે નહી (જેમ વિકાસના ભેગ વગરનું નકરું હિંદુત્વ સત્તા હાંસલ કરવા માટે પૂરતું ન ગણાય) ઉદારીકરણ પછી દેશના બે મુખ્ય રાજકીય પક્ષો ભાજપ અને કોંગ્રેસ વચ્ચેનો વિચારધારાકીય ભેદ નાબૂદ થયો. બન્ને પક્ષો અધકચરા ઉદારીકરણમાં અને સરકારી રાહે અધકચરા સમાજકલ્યાણમાં રાચતા થયા. યુપીએના જમાનામાં કોંગ્રેસે સેક્યુલરીઝમ અને ગરીબકલ્યાણનો જૂનો નકાબ ઓઢી રાખ્યો, પરંતુ ગુજરાતમાં 2002માં આ જ કોંગ્રેસને સોફ્ટ હિંદુત્વની લાઇન લેવામાં કશો ખચકાટ થયો નહીં.  અસરકારક વહીવટથી સમાજકલ્યાણ-ગરીબકલ્યાણ કરવાને બદલે, કોંગ્રેસે અવનવી યોજનાઓથી સંતોષ માન્યો અને સરકારી રાહે થતા ભ્રષ્ટાચાર ભણી આંખ આડા કાન કર્યા.

એનડીએના મુખ્ય પક્ષ ભાજપ પાસે નીતિના નામે સોફ્ટને બદલે ઉશ્કેરણીજનક હિંદુત્વ અને વિકાસના વાયદા હતા. તેમનો ભ્રષ્ટાચારવિરોધ ચૂંટણી પહેલાં કોંગ્રેસવિરોધ પૂરતો મર્યાદિત હતો. ચૂંટણીવિજય પછી તે ફક્ત ગાંધીપરિવારના વિરોધ પૂરતો સીમિત બન્યો છે. (ગાંધી પરિવાર સિવાયના) બધા કોંગ્રેસીઓને બે હાથે આવકારનાર અને શરદ પવારને પદ્મવિભૂષણ આપનાર એનડીએ સરકારના ભ્રષ્ટાચારવિરોધના દાવા વિશે કશું કહેવાનું રહેતું નથી.

તો હવે વિચારધારાના નામે શું રહ્યું?

જવાબ છેઃ ભાજપ સિવાયના પક્ષો માટે સેક્યુલારિઝમનું અને ભાજપ માટે હિંદુત્વનું સગવડીયું મહોરું. ભાજપની માતૃસંસ્થા સંઘ પરિવાર અને તેનાં ઘણાં સંગઠનો-કાર્યકરો તેમના ઝનૂની, કોમવાદી ખ્યાલોમાં રાચે છે.  ગાંધી-આંબેડકર સૌને વાપરી લેવા ઉત્સુક વડાપ્રધાન મોદી એક બાજુ વિશ્વનેતા બનવાનાં સપનાં સેવે છે ને હજુ તેમની સડકછાપ લોકરંજનીમાંથી ઊંચા આવતા નથી. ટ્રમ્પની જીત પછી તેમને આ બાબતમાં પ્રોત્સાહન મળ્યું હોય તો નવાઈ નહીં. સામ્યવાદીઓ તેમના વિચારધારાકીય માળખામાં કેદ અને હવે અપ્રસ્તુત બની ગયા છે, તો સૌથી નવા ખેલાડી કેજરીવાલની એકમાત્ર વિચારધારા ભ્રષ્ટાચારવિરોધની છે.  એ સિવાય સ્થાનિક વ્યક્તિકેન્દ્રી પક્ષોનાં નામ ગમે તે હોય, સત્તા સિવાય તેમની કોઇ વિચારધારા નથી. વિચારધારાનો ખાલીપો હવે વ્યક્તિપૂજાથી પુરવાની કોશિશ થઇ રહી છે. પણ તેમાં પક્ષની નહીં, વ્યક્તિની બોલબાલા છે. પક્ષ નબળા-વિચારધારાથી વિહોણા થાય અને વ્યક્તિ સર્વેસર્વા બને તે કોંગ્રેસ-ભાજપ અને બીજા સ્થાનિક પક્ષો માટે એકસરખું જ અનિચ્છનીય અને લોકો માટે નુકસાનકારક છે. 

2 comments:

 1. Anonymous5:22:00 PM

  Dear Urvish,

  You have nicely written the previous and current scenerios of political platform.

  Humble suggestion; if space permit could you also pen your research about our different diaspora(s) of Non-Resident Indian and the difference they feel while staying in Singapore, United Kingdom, United States of America; Canada; Middle East, especially on the issues of diversity; peaceful co-existance; existantialism equating ideology.

  ReplyDelete
 2. ઉર્વીશ ભાઈ, તમારી રાજકીય વિચારધારા વિશેની છણાવટ વાંચી,માત્ર એટલુંજ લખવાનું કે આજે જ્યાં જુવો ત્યાં રાજકારણમાં 'વિચારધારા' જેવું કાંઈજ રહ્યું નથી,તે અગર પશ્ચિમના દેશો હોયકે પછી દુનિયાના બીજા પ્રદેશોમાં.
  જરા પશ્ચિમના દેશો પર પણ નજર કરશો કે કયા દેશમાં 'વિચારધારા'થી રાજકારણ રમાય છે?
  લોકશાહીનું વર્ણન સહુ કોઈ પોતપોતાની રીતે કરે છે એવું હવે તો લાગે છે !

  ReplyDelete