Tuesday, January 31, 2017
લોકો દ્વારા, લોકો સામે, લોકોના લમણે
અમેરિકા
ફર્સ્ટ’ અને ‘મેક
અમેરિકા ગ્રેટ અગેઇન’નાં સૂત્રો સાથે ડોનાલ્ડ ટ્રમ્પ
લોકશાહી ઢબે ચૂંટણી લડ્યા અને જીત્યા. ચૂંટણીપ્રચાર દરમિયાન તેમણે ઘણી બાબતોમાં
આત્યંતિક નિવેદન કર્યાં હતાં. પણ એ તેમની ખામીને બદલે ખાસિયત અને ‘ઇચ્છાશક્તિ’ ગણાઇ. તેમની જીત પછી એવો
આશાવાદ હતો કે પ્રચાર વખતે ટ્રમ્પ ભલે ગમે તેવું બોલ્યા હોય, પણ હવે તે ઠરેલ જણની જેમ વર્તશે. આખરે, હવે તે ઉછાંછળા અબજોપતિ નહીં, અમેરિકાના
રાષ્ટ્રપતિ છે. પરંતુ ટ્રમ્પે પોતાના શાસનના પહેલા જ અઠવાડિયામાં તમામ નિરાશ્રિતો
માટે ચાર મહિના સુધીની અને સાત મુસ્લિમ દેશોના લોકો માટે ત્રણ મહિનાની કામચલાઉ
પ્રવેશબંધી ફરમાવી. સિરીયાના નિરાશ્રિતો માટેની પ્રવેશબંધી તો અચોક્કસ મુદત માટેની
છે. એટલું જ નહીં, સાત મુસ્લિમ દેશોના અમેરિકાનું ગ્રીન
કાર્ડ ધરાવતા લોકોને પણ આકરી વ્યક્તિગત તાવણી પછી જ પ્રવેશ અપાશે.
દૂરનાં અને સાવ નજીકના ભૂતકાળનાં અપલક્ષણોને લીધે, અમેરિકાના પ્રમુખ બનેલા ટ્રમ્પ સામે અભૂતપૂર્વ વિરોધ પ્રદર્શન થયાં હતાં. હોલિવુડથી માંડીને કેટલાંક મહત્ત્વપૂર્ણ પ્રસાર માધ્યમોએ ટ્રમ્પ સામે ચેતવણીના સૂર કાઢ્યા. એ વખતે ઘણાને આ વિરોધ પૂર્વગ્રહયુક્ત અને વધુ પડતો લાગ્યો હતો. પરંતુ પહેલા જ અઠવાડિયે ટ્રમ્પે પ્રવેશબંધીનો ફતવો કાઢીને તેમના વિશેની આશંકા સેવનારાને સાચા ઠરાવ્યા છે. પ્રવેશબંધીના હુકમ પછી અમેરિકાની ઓળખ જેવી આઇ.ટી. કંપનીઓ મેદાને પડી. ગુગલ-ફેસબુકથી માંડીને માઇક્રોસોફ્ટ જેવા જૂની કંપનીઓએ અમેરિકાની સરહદોનું રક્ષણ કરવાના પ્રમુખના ઇરાદાને આવકારીને, ઇમીગ્રન્ટ્સ--બીજા દેશોમાંથી આવતા લોકો-- પ્રત્યેના તેમના અવિશ્વાસની ખુલ્લેઆમ ટીકા કરી. માઇક્રોસોફ્ટના વડા સત્ય નાદેલા અને ગુગલના સુંદર પિચાઇ ભારતીય છે, એપલના સ્ટીવ જોબ્સના પિતા સિરીયાથી આવેલા શરણાર્થી હતા, ફેસબુકના માર્ક ઝકરબર્ગની પત્ની અને તેનો પિયરપક્ષ ‘બહારના’ છે...અને આ બધાએ કરેલી પ્રવેશબંધીની ટીકાનું કારણ અંગત નથી.
‘આઇડીયા ઑફ ઇન્ડિયા’--ભારતનું હાર્દ ‘વિવિધતામાં એકતા’ છે, તો ‘આઇડીયા ઑફ અમેરિકા’ એટલે ‘મોકળાં મન, મોકળું મેદાન’ એવું કહી શકાય. ત્યાં માણસના ધર્મ, દેશ કે જાતિ નહીં, તેની આવડત અગત્યની છે અને
તેના આધારે તેને પ્રગતિની તક મળે છે. આઇ.ટી. કંપનીઓને લાગે છે કે ટ્રમ્પના વટહુકમ
થકી અમલી બનેલી સંકુચિતતા અમેરિકાના અર્થતંત્ર માટે અને સરવાળે ‘આઇડીયા ઑફ અમેરિકા’ માટે હાનિકારક બનશે.
ટ્રમ્પે તત્કાળ અસરથી જારી કરેલા હુકમના પગલે
અમેરિકાનાં એરપોર્ટ પર અંધાધૂંંધી વ્યાપી. સાત દેશોમાંથી સત્તાવાર રીતે આવેલા
લોકોને એરપોર્ટ પર અટકાવવામાં આવ્યા ને તેમને વિમાનમાં પાછા ચઢાવી દેવાની તજવીજો
થઈ. એરપોર્ટ પર અટવાયેલા લોકોમાં આઇ.ટી. કંપનીઓના કર્મચારીઓ પણ હતા. અટવાયેલા
લોકોની મદદે કેટલાક વકીલો પહોંચ્યા, લોકોનાં ટોળાં ભેગાં થયાં
અને મામલો અદાલતમાં ગયો. પ્રમુખનો એક્ઝીક્યુટીવ ઑર્ડર ગેરબંધારણીય ઠરાવીને તેને
તત્કાળ રદબાતલ કરવાની સત્તા અદાલત પાસે ન હોય,
પણ સ્થાનિક
અદાલતોએ એટલી રાહત કરી આપી કે એરપોર્ટ પર અટકાવાયેલા લોકોને પાછા મોકલવામાં ન આવે.
ટ્રમ્પે બધા મુસ્લિમો માટે પ્રવેશબંધી ફરમાવી નથી એ
સાચું છે. પરંતુ જે દેશોના લોકો માટે કામચલાઉ દરવાજા બંધ કરી દેવાયા છે, એે તમામ દેશ મુસ્લિમ બહુમતી ધરાવનારા છે. માટે, વૈશ્વિક સ્તરે ટ્રમ્પના નિર્ણયની આકરી ટીકા થઈ છે. એક આરોપ એવો
પણ થયો છે કે પોતાનાં વ્યાપારી હિતો ધરાવતા મુસ્લિમ દેશોને ટ્રમ્પે આ યાદીમાંથી
બાકાત રાખ્યા છે. અલબત્ત, વ્હાઇટ હાઉસના સત્તાવાર
પ્રવક્તાએ (સાચું જ) કહ્યું છે કે ચૂંટણીપ્રચાર વખતે ટ્રમ્પ સતત આ પ્રકારનાં
પગલાંની હિમાયત કરતા રહ્યા છે. માટે હવે તે પ્રમુખ તરીકે આ પગલું લે તો તેની નવાઇ
ન લાગવી જોઇએ.
પ્રવક્તાની વાતમાં વજૂદ છે. ટ્રમ્પ ચૂંટણીપ્રચારના
અંદાજમાં નહીં, પણ ઠરેલ રીતે વર્તશે-- એવી આશા
સેવનારા ખોટા પડેે, તેમાં ટ્રમ્પ શું કરે? પ્રવેશબંધી મુદ્દે કાનૂની જંગ ચાલશે. પણ કેટલાક નિષ્ણાતોનો
અભિપ્રાય છે કે પ્રમુખની વિશાળ સત્તાઓ ધ્યાનમાં રાખતાં, ચુકાદો તેમની તરફેણમાં આવે એવી પૂરી સંભાવના છે. તેનો સીધો અર્થ
એ થયો કે હવે ટ્રમ્પની લડાઇ તાત્ત્વિક અર્થમાં લોકશાહી મૂલ્યો સાથે રહેવાની છે.
પુરાણકથાઓમાં તપ કરીને ભગવાન પાસેથી વરદાન માગીને, તેના
જોરે દેવલોકનો કબજો જમાવી દેતા અસુરોની વાત આવતી હતી. અહીં ટ્રમ્પને કે બીજા કોઇને
અસુર ગણવાની વાત નથી. પણ જે લોકશાહી વ્યવસ્થા થકી તે ચૂંટાયા, તે જ વ્યવસ્થાનાં મૂળભૂત મૂલ્યો પર હવે તેમના કારણે તલવાર લટકી
રહી છે. અમેરિકામાં પ્રમુખે સેનેટ (સંસદ)ને જવાબ આપવા પડે ને તેમની મંજૂરીઓ મેળવવી
પડે. છતાં, પ્રમુખ પાસે વિશાળ સત્તાઓ હોય છેે.
લોકશાહી ઢબે ચૂંટાયા પછી ટ્રમ્પ આપખુદ નિર્ણયો લેવા માંડશે, તો ટ્રમ્પ કરતાં વધારે સવાલો તેમને આવી સત્તા આપનાર લોકશાહી
માળખા વિશે ઊભા થશે.
ભારતમાં અત્યાર લગી અમેરિકાની પ્રમુખશાહી વ્યવસ્થાને
ઉત્તમ અને અપનાવવા જેવી ગણવામાં આવતી હતી. અનેક પક્ષોની ખિચડીથી ત્રાસેલા ભારતના
ઘણા લોકોને ફક્ત બે જ પક્ષ હોય એવી લોકશાહી બહુ આકર્ષતી હતી. પરંતુ આ ચૂંટણી વખતે
અમેરિકાની લોકશાહીની મર્યાદાઓ બરાબર ઉઘાડી પડી ગઇ છે. તેની સરખામણીમાં ભારતના
વડાપ્રધાન સપાટાબંધ બહુમતીથી જીત્યા પછી પણ,
આવો ઉઘાડેછોગ
ભેદભાવપૂર્ણ નિર્ણય લઇ શકે એવું શક્ય બન્યું નથી. નોટબંધીનો નિર્ણય આકરો લાગે અને
તેનો વિરોધ હોઇ જ શકે. પણ તે પ્રવેશબંધી જેવો ભેદભાવપૂર્ણ ન ગણાય.
વારે ઘડીએ હદ ઓળંગતા જણાતા ન્યાયતંત્ર સાથે ભારત
સરકારનો સંઘર્ષ ચાલુ છે. તેમને સામસામી છાવણી તરીકે ચીતરવાનું યોગ્ય નથી. પણ
ચોક્કસ મુદ્દા પૂરતા તે વિરોધી છાવણીમાં હોય છે. ભારતની લોકશાહીનું માળખું એટલું
મજબૂત છે કે તેમાં વડાપ્રધાને ટ્રમ્પગીરી કરતાં પહેલાં બીજાં અનેક બંધારણીય
માળખાંને ખોખલાં કરવાં પડે અથવા કહ્યાગરાં બનાવવાં પડે. રીઝર્વ બૅન્કના ગવર્નર કે
પ્રસાર ભારતીના અઘ્યક્ષ શેહમાં આવીને સરકારની ભાષા બોલતા થઇ જાય, તો એ તેમની નિષ્ફળતા છે. બાકી, ભારતના
બંધારણે તેમને સત્તાઓ આપી છે. અમેરિકાના પ્રમુખની જેમ ભારતના વડાપ્રધાન બંધારણીય
રાહે એકહથ્થુ બની શકતા નથી.
ભારતની લોકશાહીની સૌથી મોટી મર્યાદા એ છે કે તે
ચૂંટણીશાહી બની ગઈ છે. વિવિધ પક્ષો વચ્ચે ફક્ત નામનો તફાવત રહી ગયો છે. ચૂંટણીઓને
રીઆલીટી શો જેવી બનાવી દેવાઇ છે, જે જીતવા માટે કંઈ પણ થાય તે
વાજબી ગણાય છે. આવી ચૂંટણીઓ પછી જીતેલા ઉમેદવારો લોકોને નહીં, પણ તેમના વડાને વફાદાર રહે છે. એટલે લોકશાહી લોકોની, લોકો વડે, લોકો દ્વારા નહીં, પણ લોકો દ્વારા, લોકો સામે, લોકોના માથે પડેલી બની રહે છે.
Labels:
donald trump,
politics,
us
Tuesday, January 24, 2017
પત્રકારત્વ, ટ્રમ્પ અને ‘ગુજરાત મૉડેલ’
અમેરિકાના પ્રમુખ તરીકે ચૂંટાયા પછી હોદ્દો ગ્રહણ કરતાં
પહેલાં ટ્રમ્પે એક પત્રકાર પરિષદ ભરી. તેમાં CNNના વ્હાઇટ હાઉસના એક પત્રકારે ટ્રમ્પને સવાલ
પૂછ્યો, પણ ટ્રમ્પે એ સવાલ
સાંભળવાની ના પાડી દીધી અને કહ્યું,‘યૉર ઑર્ગેનાઇઝેશન
ઇઝ ટેરીબલ’ (તમારી સંસ્થા
ભયંકર છે.) પત્રકારે પત્રકારધર્મ પ્રમાણે, વિવેકથી અને મક્કમતાથી સવાલ પૂછવાનો પ્રયાસ ચાલુ રાખ્યો, ત્યારે ટ્રમ્પે પત્રકારને કહ્યું,‘ડોન્ટ બી રુડ’ (ઉદ્ધત ન થાવ) અને કહ્યું,‘હું તમારો સવાલ
નહીં સાંભળું. યુ આર ફેક ન્યૂઝ’ (તમે તો જૂઠા
સમાચારવાળા છો). આખા ખંડમાં બીજા અનેક પત્રકારો મોજૂદ હતા. તેમાંથી કોઇને ટ્રમ્પની
આવી ઉદ્ધતાઈ સામે વાંધો પડ્યો નહીં.
અગાઉ ઑગસ્ટ,
૨૦૧૫માં ટ્રમ્પે ‘યુનિવિઝન’ના એક ઍન્કરને પ્રેસ કૉન્ફરન્સમાંથી બહાર કઢાવ્યા હતા. કારણ કે મૅક્સિકનોને
બળાત્કારી ગણાવતા ટ્રમ્પના વિધાન વિશે તે સવાલ કરી રહ્યા હતા. એ વખતે બીજા બે
પત્રકારોની દરમિયાનગીરીથી એ પત્રકારને પાછા બેસાડવામાં આવ્યા. CNNના પત્રકારવાળો કિસ્સો
બન્યા પછી ‘ફૉક્સ ન્યૂઝ’ પર એક ઍન્કરે ટ્રમ્પની આ વર્તણૂંક સામે વાંધો
નોંધાવ્યો. ‘ફૉક્સ’નું રાજકીય વલણ ટ્રમ્પને અનુકૂળ હોવા છતાં, તેના ઍન્કરે કહ્યું કે ‘આ રીતે પત્રકારોને નીચે પાડવાની અને તેમના હકને
નકારી કાઢવાની રીત બરાબર નથી.’
ઘણા શાસકોનાં લક્ષણ રહી રહીને પ્રગટ થાય છે, તો કેટલાકનાં લક્ષણ ‘પારણામાં’ જ પરખાઈ જાય છે. ગુજરાતના મુખ્ય મંત્રી તરીકેનો હોદ્દો સંભાળ્યા પછીની પત્રકાર
પરિષદોમાં નરેન્દ્ર મોદી સવાલો પૂછતા પત્રકારો સાથે ઉદ્ધતાઇથી વર્તતા હતા. પોતાની
જાતને રાજ્યના CM--‘ચીફ મિનિસ્ટર’ નહીં, પણ ‘કૉમનમેન’-- ગણાવતા નરેન્દ્ર
મોદી અણીયાળા સવાલ પૂછનાર પત્રકારને કહેતા હતા,‘તમારા છાપાનું સરક્યુલેશન કેટલું?
આટલા
સરક્યુલેશનમાં એક જ સવાલ હોય.’ અને પછી તો એટલો
જવાબ મળતો પણ બંધ થઇ ગયો.
પત્રકારો સાથેની વર્તણૂંક અને ચૂંટાયેલા પ્રતિનિધિઓના
ઉત્તરદાયિત્વ વિશેના ‘ગુજરાત મૉડેલ’ની આ શરૂઆત હતી. એ વખતે મુખ્ય મંત્રીને અણીયાળા
સવાલ પૂછીને પત્રકારધર્મ અદા કરતા કેટલાક પત્રકારોની પડખે તેમના મોટા ભાગના સાથીઓ
ઉભા ન રહ્યા. ટ્રમ્પની પત્રકારપરિષદમાં બન્યું તેમ, ઘણા પત્રકારો ચૂપ રહ્યા કે ચાપલૂસીમાં સરી પડ્યા. મુખ્ય મંત્રીને તેમનું
ઉત્તરદાયિત્વ યાદ કરાવવાને બદલે તે સવાલ પૂછનાર પત્રકારને ‘સમજાવવા’ લાગ્યા. પછીનાં વર્ષોમાં મુખ્ય મંત્રીની મીઠી નજર માટે અને તેમની સાથે પોતાના
ફોટા પડાવવાની એવી મીઠી લ્હાય લાગી કે અણીવાળા સવાલ પૂછવાનું યાદ જ ન આવે. ત્યારથી
જવાબો ન આપવાની નરેન્દ્ર મોદીની ટેવ પોષાઈ. પછી એ તેમની સ્ટાઇલ ગણો તો સ્ટાઇલ ને
મૉડેલ ગણો તો મૉડેલ બની ગઈ. હવે વડાપ્રધાન તરીકે તે જવાબ આપતા નથી, બસ ‘મનકી બાત’ના પ્રજાજોગ
પ્રેરક સંદેશા વહેતા મૂકે છે. તેમના રાજમાં મંત્રીઓ-અધિકારીઓ સાથે પત્રકારોની
મેળમુલાકાતો પર પાબંદી મૂકી દેવામાં આવી. અંદરની માહિતી બહાર આવવાના રસ્તા પર શક્ય
એટલી આડશો મૂકી દેવામાં આવી. પહેલાં ગુજરાતમાં ને પછી દિલ્હીમાં.
અમેરિકાના ઘણા પત્રકારોને ટ્રમ્પ-રાજ વિશે આવી જ આશંકા
છે--અને અત્યાર લગીની ટ્રમ્પની પત્રકારો સાથેની ઉદ્ધત વર્તણૂંક ઘ્યાનમાં રાખતાં, તે બિનપાયેદાર નથી. તેના અનુસંધાને ગયા સપ્તાહે
‘કૉલંબિયા જર્નલિઝમ રીવ્યુ’ના ઍડિટર-ઇન-ચીફે અમેરિકાના પત્રકારો વતી ટ્રમ્પને ખુલ્લો પત્ર
લખ્યો. ‘આપણા સંબંધ તંગ છે’ એમ કહીને
તેમણે ટ્રમ્પને પત્રકારવિરોધી વલણની કેટલીક વાતો યાદ અપાવી છે અને વિવેકી છતાં કડક
ભાષામાં કેટલાક પાયાના નિયમ (ગ્રાઉન્ડ રુલ્સ)ની યાદ અપાવી છે.‘આગામી ચાર વર્ષમાં તમારે અમારી પાસેથી શી
અપેક્ષા રાખવાની છે, એ સમજી લેજો’ એમ કહીને તેમણે આપેલાં ‘ગ્રાઉન્ડ રુલ્સ’નાં કેટલાંક ઉદાહરણ :
‘તમે અમારા માટે
માહિતીના દરવાજા બંધ કરી દેશો તો અમને બીજી રીતે માહિતી મેળવતાં આવડે છે. તમારી
પાબંદી વ્હાઇટ હાઉસમાં ચાલશે, પણ તમારી નીતિઓ
આખા અમેરિકામાં લાગુ પડવાની છે... તમારા વતી જૂઠાણાં ચલાવનારાને કેટલો સમય આપવો એ
અમે નક્કી કરીશું...‘ઑબ્જેક્ટિવ ટ્રુથ’ (નિરપેક્ષ સત્ય) જેવું કંઇક હોય છે અને અમે તમને
એ બતાવતા રહીશું. એટલે કે, તમે અથવા તમારા
માણસો ખોટા સાબીત કરી શકાય એવા દાવા ચલાવશે ત્યારે અમે તેને ચોક્કસ પડકારીશું અને
સાચી હકીકત આપીશું.’
લોકશાહી અને અભિવ્યક્તિની સ્વતંત્રતાના કોઇ પણ તરફદારને આ
પત્ર બહુ ગમે એવો છે. અલબત્ત, એ પત્રમાં અને
પત્ર નિમિત્તે પત્રકારત્વ વિશે પણ કેટલાક મહત્ત્વના મુદ્દા ઊભા થાય છે. તેમાં સૌથી
મોટો મુદ્દો પત્રકારત્વની ખોવાયેલી વિશ્વનસનિયતાનો છે. તેનાં ઘણાં પાસાં છે. જમીની
સચ્ચાઇથી દૂર થયેલા પત્રકારોથી માંડીને
ચાપલૂસીમાં કોઇ પણ હદે જઇ શકતા પત્રકારોની મોટી ફોજ લોકોની નજરમાં
પત્રકારોની કિંમત ઘટાડે છે. ગુજરાતીમાં પત્રકારો કહેતાં રીપૉર્ટર સિવાય
કટારલેખકોનો મોટો સમુદાય છે, જે દેખીતી ચાપલૂસીથી માંડીને ‘આપણે-તો-વીર-સાચું-કહેવાવાળા’ જેવો દેખાવ રાખીને પહેલી તકે સત્તાધીશોનાં
ગુણગાન ગાવા બેસી જાય, એટલી રેન્જ ધરાવે
છે.
ગુજરાત-ભારત અને અમેરિકાની સ્થિતિ જુદી છે. માટે, બન્ને ઠેકાણે પત્રકારત્વની વિશ્વસનિયતા અને
સ્વતંત્રતા જોખમમાં હોવા છતાં, તેનો મુકાબલો કરવાની
બાબતમાં મોટો તફાવત જોવા મળી રહ્યો છે. ભારતમાં નરેન્દ્ર મોદીની સફળતાથી કચડાઇ ગયા
વિના, પોતાના પગ તળેની ભોંય
જાળવી રાખીને, ચોથી જાગીરની
નિષ્ફળતા વિશે અને તેમાંથી બહાર આવવાની તજવીજ વિશે ઝાઝો વિચાર થયો નથી. નેતાએ લોકશાહી
રસ્તે મેળવેલી જીતનો સ્વીકાર કરવો એક વાત છે અને તેને ‘નવી વાસ્તવિકતા’ ગણીને તેનાં ઉજવણામાં-તેને વાજબી ઠરાવવામાં જોડાઇ જવું, એ સાવ બીજી વાત છે. ભારતમાં બીજો વિકલ્પ
અપનાવારા મોટી સંખ્યામાં છે.
વડાપ્રધાનના વિરોધના નક્કર મુદ્દા લઇને અડીખમ ઉભેલા લોકો
સામે ‘નેતાઓના સો ગુના માફ, પણ પત્રકારની
મર્યાદા કેમ ચલાવી લેવાય?’--આવી પેઇડ અથવા
મુગ્ધ માન્યતા ધરાવતાં ટોળાં સોશ્યલ નેટવર્કિંગ માથે લે છે. પ્રસાર માધ્યમોની-પત્રકારોની
નીતિરીતિની તપાસ રખાય અને લોકશાહીના-પત્રકારત્વનાં મૂલ્યોના હિતમાં જરૂર પડ્યે
તેની કડક ટીકા થાય તે જરૂરી છે. પણ અત્યારે આવી ટીકા કરનારા ઘણાખરા પોતાના પ્રિય
નેતા કે વિચારધારાના ઝનૂની બચાવ માટે એ પ્રવૃત્તિ કરે છે.
અમેરિકામાં ટ્રમ્પવિજયને પત્રકારત્વમાં વ્યાપેલી ઊંડી
બિમારીની કડવી દવા તરીકે જોવાનો પણ એક મત બન્યો છે. તે મુજબ, હવે પત્રકારો અને સમાચારસંગઠનો વધારે સાવધ, વધારે જાગ્રત અને વધારે સજ્જ બનશે. ન્યૂયૉર્ક
ટાઇમ્સ અને વૉશિંગ્ટન પોસ્ટ સહિતનાં ઘણાં પ્રતિષ્ઠિત માધ્યમોએ વ્હાઇટ હાઉસ માટેના
પોતાના પ્રતિનિધિઓની સંખ્યામાં વધારો કર્યો છે અને તથ્યોની ચકાસણી માટે નવી ટુકડીઓ
બનાવી છે. ભારતમાં નરેન્દ્ર મોદીયુગ પત્રકારત્વ માટે એવું કામ કરશે? અઢી વર્ષમાં તો એવું ખાસ લાગ્યું નથી.
Labels:
donald trump,
media,
Narendra Modi/નરેન્દ્ર મોદી,
us
Wednesday, January 18, 2017
સૈન્ય, સોશ્યલ મિડીયા અને કવિન્યાય
સોશ્યલ મિડીયા પર આ જ
થવાનું બાકી હતું.
રાજકીય પક્ષો તેની પર
જૂઠાણાં ચલાવતા હતા, ચૂંટણીઝુંબેશો ને
સામાજિક આંદોલનોના સાચાખોટા ઉભરા તેની પર ચઢતા ને ઉતરતા હતા, ભક્તોનાં ને ભાડૂતીઓનાં ટોળાં ત્યાં આયોજનબદ્ધ
અરાજકતા ને શાબ્દિક આતંક મચાવતાં હતાં, અમેરિકાના રાષ્ટ્રપતિપદે ચૂંટાયેલા ટ્રમ્પ
સત્તાવાર નિવેદન ઉપરાંત શેરીયુદ્ધ
કક્ષાના હુમલા સોશ્યલ નેટવર્ક પરથી વહેતા મૂકતા હતા. (સ્વાતિ ચતુર્વેદીના પુસ્તક ‘આઇ એમ ટ્રોલ’માં નોંધ્યા પ્રમાણે) નરેન્દ્ર મોદી ટિ્વટર પર ગાળાગાળી-ધાકધમકી-શાબ્દિક
ગુંડાગીરી કરનારા બે ડઝન ‘ટ્રોલ’ને વડાપ્રધાન બન્યા પછી પણ ‘ફૉલો’ કરતા હતા--અને ‘વડાપ્રધાન અમને
ફૉલો કરે છે’ એવું ગૌરવયુક્ત
પ્રોત્સાહન તેમને લેવા દેતા હતા. વિચારવિરોધીઓ વિશે સોશ્યલ મિડીયા પર સુઆયોજિત
ઝુંબેશો ચલાવાતી હતી...
છતાં, ભારતીય સૈન્ય
સોશ્યલ મિડીયાના ઓટલાથી દૂર હતું. ભૂતકાળમાં જનરલ વી.કે.સિંઘ જેવા સૈન્યવડાએ ચાલુ
હોદ્દે ઉભા કરેલા વિવાદ કક્ષાના મામલે સોશ્યલ નેટવર્કિંગ પર થતી તકરારોની યાદ
અપાવે એવા હતા. નિવૃત્તિ પછી અને નવી સરકારમાં મંત્રી બન્યા પછી જનરલ સિંઘે નવા
સૈન્ય વડા સામેના ગંભીર આક્ષેપ ટિ્વટ થકી જ ઉછાળ્યા હતા. પરંતુ ફરજ પરના જવાનો
સુધી સોશ્યલ મિડીયા-ચાળો પહોંચ્યો ન હતો. કેમ કે, તેમણે ફરજ પર મોબાઇલ ફોન વાપરવાનો હોતો નથી. ઘણાખરા કિસ્સામાં વિષમ
વિસ્તારોમાં જીવના જોખમે ફરજ અદા કરતા જવાનો માટે મોબાઇલ ફોન વાપરવાનું શક્ય પણ
નથી હોતું.
છતાં, નિયમ, મર્યાદા અને શિસ્તનાં બધાં બંધન ઓળંગીને સીમા
સુરક્ષા દળ (BSF)ના એક જવાને ભોજનની ખરાબ ગુણવત્તા વિશેનો
વિડીયો સોશ્યલ નેટવર્ક પર રજૂ કર્યો. તેનો સાર એ હતો કે જેમના માથે સરહદના રક્ષણની
જવાબદારી અને અપેક્ષા છે, એવા જવાનોને
કંગાળ અને હલકી ગુણવત્તાનું ભોજન પીરસાય છે. બીએસએફની ગણતરી અર્ધલશ્કરી દળમાં થાય
છે. છતાં, તેનું મહત્ત્વ ઓછું નથી.
માટે, આ વિડીયોના પગલે તીવ્ર
પ્રતિક્રિયા જાગી. કેટલાક જાણીતા ખેલાડીઓએ આ વિડીયો ‘શેર’ કરીને પરિસ્થિતિને શરમજનક ગણાવી.
તેની સામે સરકાર અને સૈન્યનું વહીવટી તંત્ર આક્રમક બચાવની
મુદ્રામાં પેશ થયાં. એક તરફ ફરિયાદ કરનાર જવાનનો ભૂતકાળ ઉખેળીને તેની ગેરશિસ્તનો
પ્રશ્ન જૂનો હોવાનું જણાવાયું, તો બીજી તરફ ‘આવો વિડીયો તે ઉતારી જ કેવી રીતે શકે અને ફરજ
પર તેની પાસે મોબાઇલ ક્યાંથી આવ્યો?’
એવા સવાલ ઉભા
કરવામાં આવ્યા. એ જવાનની તત્કાળ બદલી કરીને તેમને બીજા, ઉતરતા ગણાતા કામમાં મૂકી દેવાયા. છતાં, ‘તેમને મળતા ખરાબ ભોજનનું શું? એ કેવી રીતે ચલાવી લેવાય?’ એવો અણીદાર સવાલ ઊભો રહ્યો. એ મુદ્દે સરકાર અને
સૈન્યના વહીવટી તંત્રે સંતોષકારક રીતે ઉજળા દેખાવાનું બાકી છે.
વર્તમાન માહોલ પ્રમાણે આ સમાચાર જેટલી ઝડપે ચગ્યા, તેટલી જ આસાનીથી વિસરાઇ ગયા હોત. પણ બોર્ડર
સિક્યોરિટી ફોર્સ પછી સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યોરિટી ફોર્સ (CRPF)ના એક જવાને
વિડીયો મૂક્યો ને પછી તો જાણે ફરિયાદ-અસંતોષ નોંધાવવાની એ સ્વીકૃત પદ્ધતિ બની ગઇ
હોય તેમ, ભારતીય સૈન્યના એક જવાને
લશ્કરમાં ચાલતી સહાયક પ્રથા સામે અવાજ
ઉઠાવ્યો. આ પ્રથાને કારણે જવાનોને અફસરોના ઘરનોકર જેવાં કામ કરવાં પડે છે, એવો તેમનો વાંધો હતો--અને એ પણ સોશ્યલ મિડીયા
પર જ રજૂ થયો.
ભારતીય જવાનોએ લશ્કરની આંતરિક પ્રણાલિને બદલે પોતાની સાચી
કે અતિશયોક્તિપૂર્ણ પીડા રજૂ કરવા માટે સોશ્યલ નેટવર્કનો સહારો લીધો, ત્યારે ઘણો ખળભળાટ થયો. આ ઘટનાક્રમ ત્રણ રીતે
ઇચ્છનીય નથીઃ સૈનિકની ફરિયાદ સાચી હોય અને તેમની સાથે આવો વ્યવહાર થતો હોય તો તે
કેટલું ખરાબ કહેવાય, એ લખવાની જરૂર
નથી. આવું ન થયું હોય અને કોઇ જવાન પોતાની નોકરી જોખમમાં મૂકીને સોશ્યલ નેટવર્ક પર
આ હદે બોલવા જેટલો મરણીયો થાય, તો એ મરણીયાપણું
ચિંતાજનક છે. અને ત્રીજો મુદ્દો : જવાનનો આરોપ સાચો હોય તો પણ, એ સૈન્યની આંતરિક વ્યવસ્થામાં ઉકલવાને
બદલે--અથવા એવી સંતોષકારક વ્યવસ્થાના અભાવે-- સોશ્યલ મિડીયા પર પહોંચે, એ ઠીક નથી.
સૈન્યની ખાસિયતો-મર્યાદાઓ છતાં અને એ બધાથી ઉપર તેમાં
શિસ્તનું આગવું મહત્ત્વ છે. સિવિલિયન (નાગરિકી) દૃષ્ટિથી સમજવા-સ્વીકારવામાં
ક્યારેક મુશ્કેલ લાગી શકે, એવા તકાદા
લશ્કરમાં જરૂરી હોય છે. (એટલા માટે તો ‘શિસ્ત’ની આગળ કડકાઇ સૂચવવા ‘લશ્કરી’ જેવું વિશેષણ વાપરવામાં આવે છે.) આ
પ્રકારની સોશ્યલ મિડીયાબાજીથી લશ્કરી શિસ્તનું માળખું તૂટે છે અને તેની જાહેરમાં, શત્રુ દેશો સહિત સૌને જાણ થાય છે. જવાનોની
નૈતિક હિંમતને તોડવાનું કામ કરનારાં બીજાં પરિબળો પણ હોય છે. છતાં, એ પરિબળો હોવાને કારણે સોશ્યલ નેટવર્કિંગ પર
ફરિયાદ દ્વારા થતું નુકસાન વાજબી ઠેરવી શકાતું નથી. માટે, નવા સૈન્ય વડાએ વાજબી રીતે જ, સોશ્યલ નેટવર્ક પર ફરિયાદ કરનાર સામે કડક
પગલાંની ચીમકી આપી છે.
જવાનોની ફરિયાદો સૈન્ય અને રાષ્ટ્રવાદનો રાજકીય ઉપયોગ કરનાર
ભાજપના રાજમાં થાય, તે ન ચૂકવા જેવી
વક્રતા છે. સાથોસાથ, વિરોધ પક્ષોએ આ
બનાવ રાજકીય રીતે ચગાવવા જેવા નથી. કારણ કે ૧) આ વાત સાચી હોય તો તે ફક્ત સરકારની
નહીં, રાષ્ટ્રીય શરમની બાબત છે.
આ બાબતમાં કૉંગ્રેસ સહિતના રાજકીય પક્ષોનો ઇતિહાસ ગૌરવ લેવા જેવો નથી. ૨) બહાદુરી
અને ફનાગીરી જેવા ગુણોને કારણે યોગ્ય રીતે જ લોકોના આદરને પાત્ર બનતા સૈન્યના
સંગઠનમાં (બીજા સરકારી વિભાગોની જેમ) ભરપૂર બાબુશાહી છે. તેને કોઇ એક પક્ષ સાથે
સાંકળી શકાય તેમ નથી.
સહાયક જેવા કેટલાક રિવાજ અંગ્રેજ સાહેબબહાદુરોના જમાનાના
છે. તેમના વિશે પુનર્વિચાર થવો રહ્યો,
પરંતુ સોશ્યલ
મિડીયા એ માટેનું યોગ્ય માધ્યમ નથી. સૈન્યને લગતી તોતિંગ રકમોની ખરીદીમાં
ભ્રષ્ટાચારને પૂરતો અવકાશ હોય છે અને ઘણી ખરીદીઓમાં ભ્રષ્ટાચારના આરોપ સાચા હોય તો
પણ, તે જુદી રીતે નુકસાનકારક
સાબીત થાય છે. તેમાં સંડોવાયેલા લોકોનો ગુનો પુરવાર થતો નથી, તેમને કશી સજા થતી નથી અને હોબાળાને કારણે
ખરીદી અટકી જાય છે. તેના લીધે સૈન્યની સજ્જતા પર માઠી અસર પડે છે.
સૈન્યને રાજકારણથી દૂર રાખવામાં જ સાર છે--અને આ વાત અત્યારે
હોંશે હોંશે કહેતા લોકોએ યાદ રાખવા જેવું છે કે લોકસભાની ચૂંટણીના પ્રચાર વખતે
ભાજપે બિલકુલ આ જ ધંધો કર્યો હતો. તેના માટે આ નાનું તો નાનું, પણ કવિન્યાયનું ટાણું છે.
Labels:
army
Wednesday, January 11, 2017
સરકારી અધિકારીઓનો વાઇબ્રન્ટ નોબેલ સંવાદ
(બોોલ્યુંચાલ્યું માફ)
વાઇબ્રન્ટ ગુજરાતના દ્વિવાર્ષિક સરકારી મહાધુમ્રોત્સવમાં આ વર્ષે નોબેલ પારિતોષિકથી સન્માનિત નવ વિજ્ઞાનીઓને બોલાવવામાં આવ્યા હતા. તેમની હારોહાર સાહેબ પોતાના હાથના પંજા પાડી આવ્યા. એ ઘટના પછીની ‘ભાવિ વ્યૂહરચના’ વિશે ચુનંદા અધિકારીઓની બેઠક મળે, તો તેમાં કેવી ભાવસભર ચર્ચા થાય? તેનો વાસ્તવિક લાગે એવો કાલ્પનિક અહેવાલ.
અધિકારી ૧ઃ તમે સૌ જાણો છો કે આપણે શાના માટે મળ્યા છીએ. સાહેબે નવ નોબેલવીરો સાથે હાથના પંજા તો પાડી દીધા, પણ તેમના ટીકાકારોએ હવે ‘અંગુઠાછાપ’ જેવો નવો શબ્દ લાવ્યા છેઃ‘પંજાછાપ’. એ મહેણાં મારે છે કે નોબેલવાળાની હરોળમાં પંજો પાડવો, એ બેશરમ ધુસણખોરી કહેવાય. (બીજા અધિકારી સામે જોઇને આગળ વધારવા ઇશારો કરે છે)
અધિકારી ૨ઃ આમ કહેવું એ ફક્ત ગુજરાતનું જ નહીં, હવે તો દેશનું અપમાન છે. દેશવિરોધીઓ હજુ એ હકીકત સ્વીકારી શકતા નથી કે સાહેબ નોબેલ લીધા વિના જવાના નથી. આપણી ચર્ચાનો મુદ્દો પણ એ જ છે કે સાહેબને કયા ક્ષેત્રનો નોબેલ મળવો જોઇએ.
અધિકારી ૧ઃ સાહેબને કયા ખાનામાં મુકવા એની મીઠી મુંઝવણ થાય છે. કેમ કે, તે નોબેલનાં બધાં ખાનાંમાં બંધ બેસે છે. સૌથી પહેલાં સૌથી જાણીતા વિષયની- સાહિત્યની વાત કરીએ.
અધિકારી ૩ઃ વિચાર આ ધન્ય છે. સાહેબનો કવિતાસંગ્રહ તેમને સાહિત્યનું નોબેલ અપાવવા માટે પૂરતો છે.
અધિકારી ૭ : એ કાવ્યસંગ્રહને ટાગોરના ‘ગીતાંજલિ’ની હરોળમાં મુકવો હોય તો નવી આવૃત્તિમાં તેનું નામ બદલીને ‘અસત્યો સાથે તું પ્રભુ પરમ તેજે જ લઇ જા’ એવું કરવું જોઇએ. તેનાથી ભારતીય સંસ્કૃતિનો ટચ પણ લાગશે.
બધા અધિકારીઓ (સમુહમાં) : બ્રિલિયન્ટ..
અધિકારી ૭ઃ અને તેમના કાવ્યસંગ્રહને નોબેલ આપવા સામે કોઇને વાંધો હોય તો, ત્યાર પછી તેમનો બીજો સંગ્રહ આવ્યો નથી એ માટે પણ તેમને સાહિત્યનો નોબેલ મળી શકે.
(અધિકારી ૧-૨નાં ભવાં તંગ થાય છે. પણ તે ચૂપ રહે છે.)
અધિકારી ૧(સાંભળ્યું-ન સાંભળ્યું કરતો ખોંખારો ખાઇને) : શાંતિ માટેનો નોબેલ તો એમને ક્યારનો મળવો જોઇતો હતો...
અધિકારી ૨ઃ ૨૦૦૨ પછી ગુજરાતમાં એકેય રમખાણ થયું નથી એ કેટલી મોટી સિદ્ધિ છે.
અધિકારી ૭ઃ સાચી વાત છે. સાહેબ મુખ્ય મંત્રી હોય ને એકેય રમખાણ ન થાય...એ સિદ્ધિ કહેવાય... એમ જ ને? પણ સાહેબ મુખ્ય મંત્રી ૨૦૦૧માં થયા ન હતા?
અધિકારી ૧ઃ (કડક અવાજે અધિકારી ૭ને) તમને આ મિટિંગ માટે કોણે બોલાવ્યા?
અધિકારી ૭ઃ સોરી સાહેબ, હું તો ફક્ત ડાઉટ ક્લીઅર કરતો હતો, જેથી પ્લાનિંગમાં ક્લેરિટી રહે.
અધિકારી ૩ઃ તમે આ બધી વાતો કરો છે, પણ નોટબંધીમાં તો સાહેબને બબ્બે નોબેલ મળે તેમ છે.
અધિકારી ૧-૨ઃ બબ્બે શાના? અમે તો ફક્ત અર્થશાસ્ત્રના નોબેલની ગણતરી માંડી હતી.
અધિકારી ૩ઃ સાહેબની એ તો કમાલ છે. તેમનું એક લક્ષ્ય બીજા લોકો માટે હોય છે ને બીજું લક્ષ્ય પોતાના માટે. નોટબંધીથી અર્થશાસ્ત્રનો નોબેલ મળે એમાં કશી કમાલ નથી. પણ સવા અબજના દેશને બે મહિનાથી લાઇનમાં ઊભો રાખી દીધો છે. છતાં દેશમાં વ્યાપક સ્તરે શાંતિ સ્થપાયેલી રહી, એ જેવીતેવી સિદ્ધિ છે? તેના માટે નોબેલથી ઓછું કંઇ ન હોઇ શકે.
અધિકારી ૨ઃ એમ તો રસાયણશાસ્ત્રમાં સાહેબને ક્યારનો નોબેલ મળી જવો જોઇતો હતો. પણ આ લોકોને આપણી કદર જ નથી હોતી. જુઓને, ગાંધીજીને પણ નોબેલ ન જ આપ્યો ને.
અધિકારી ૫ઃ (માથું ખંજવાળતાં) રસાયણશાસ્ત્રમાં એટલે...એક્ઝેક્ટલી કેવી રીતે?
અધિકારી ૧ઃ કેમ? ભૂલી ગયા? ગુજરાતમાં સાહેબે અલગથી લેબોરેટરી સ્થાપીને રીસર્ચ કરવાની ક્યાં જરૂર
છે? ગુજરાત પોતે વિશ્વની સૌથી મોટી ઓપન લેબોરેટરી છે. તેમાં સાહેબે કેવા ઘૂમધડાકાબંધ પ્રયોગો કરેલા છે. પણ નોબેલવાળા સમજે ત્યારે ને.
અધિકારીઓઃ (સમુહ ઉદ્ગારમાં) જિનીયસ...
અધિકારી ૨ઃ ભૌતિકશાસ્ત્ર- ફિઝિક્સમાં એમનું પ્રદાન તો બહુચર્ચિત છે જ. તેના વિશે ઘણું લખાઇ ચૂક્યું છે. પણ સાહેબ પોતે તેના માટે જશ લેવા નથી માગતા.
અધિકારી ૧ઃ મહાન વિજ્ઞાનીઓ પોતપોતાની ભાષામાં જ વિજ્ઞાનનાં સંશોધનો રજૂ કરે છે. એમ સાહેબે આપણી રાષ્ટ્રભાષામાં કહ્યું હતું, ‘હર ક્રિયાકી પ્રતિક્રિયા હોતી હૈ.’ ન્યૂટને એમાં જરા ઉમેરો કરીને ગતિનો ત્રીજો નિયમ બનાવી દીધો.
અધિકારી ૧ઃ કોઇ માણસ વહેલો જન્મી જાય એ જ એની કમાલ? ને કોઇ મોડો જન્મે એ તેનો વાંક? ન્યૂટન જેવી વૈચારિક ઊંચાઇ ધરાવનાર જણને ફિઝિક્સનો નોબેલ નહીં મળે તો કોને મળશે?
અધિકારી ૩ઃ નોબેલ નોબેલ પુરસ્કારનો હજુ એક વિષય રહ્યો- મેડિસીન.
(અધિકારી ૧-૨ એકબીજા સામે જોઇને ગહન વિચારમાં ડૂબી જાય છે.)
અધિકારી ૭ઃ તમે પણ શું, સાહેબો? એમાં તો સાહેબનો દાવો સૌથી વધારે મજબૂત છે.
અધિકારીઓઃ કેવી રીતે?
અધિકારી ૭ઃ સાહેબ તેમના ઑર્ગેનિક એનેસ્થેસિયાનો વર્ષોથી પ્રયોગ કરી રહ્યા છે. એમાં કોઇ કેમિકલ વપરાતું નથી અને તેની અસર પણ મર્યાદિત નથી. એની સૌથી મોટી ખૂબી એ છે કે એનેસ્થેસિયાની અસર નીચે રહેલા લોકોને ખબર પણ પડતી નથી. તેમને એવું જ લાગે છે કે તે સામાન્ય સ્થિતિમાં છે. આવા લોકો આગળ ઘટનાઓનાં ગમે તેટલાં ઑપરેશન કરો, ચીરફાડ કરીને અંદરનું બઘું બતાવો, પણ તે ઉંહકારો સરખો કરતા નથી.
અધિકારી ૧ઃ આ તો સુશ્રુત અને ચરક પછી મેડિકલ ક્ષેત્રે ભારતની સૌથી મહત્ત્વની શોધ કહેવાય. હજુ સુધી કોઇનું ધ્યાન કેમ નહીં ગયું હોય?
અધિકારી ૭ઃ કોઇનું એટલે કોનું? નોબેલવાળાનું?
અધિકારી ૨ઃ હા.
અધિકારી ૭ઃ (બેઠક પરથી ઉભા થતાં) સીધી વાત છે...આ કેસ, નોબેલનો નહીં, ઑસ્કારનો છે... ત્યાં એક્ટર-ડાયરેક્ટરથી માંડીને સાઉન્ડ રેકોર્ડિંગ, સીનેમેટોગ્રાફી, સ્પેશ્યલ ઇફેક્ટ્સ જેવી બધી કેટેગરીમાં તેમની સામે કોઇ ટકી નહીં શકે... વિચારી જોજો.
(અધિકારી ૭ની વિદાય સાથે બધા અધિકારીઓ ઑસ્કાર એવોર્ડનાં નોમિનેશન માટે શી વિધી છે, તેની ચર્ચા કરવા લાગે છે.)

Tuesday, January 10, 2017
આપણે શું પેદા કરીશું? નોબેલ-સહાયકો?
વિદ્યાસહાયકો’ની ભૂમિ એવા ગુજરાતમાં નવ-નવ નોબેલ સન્માનિતો આવવાના સમાચાર બેવડી લાગણી જગાડે છે. પહેલી તો, સ્વાભાવિક રીતે જ આનંદની અને ‘આવા મહેમાન આપણે આંગણે ક્યાંથી?’ની. અર્થશાસ્ત્રનાં (અને શાંતિ માટેનાં) નોબેલ સન્માન વિવાદાસ્પદ હોઈ શકે છે, પણ ગુજરાતની મુલાકાતે આવેલા મહાનુભાવો ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર અને તબીબીશાસ્ત્ર જેવા નક્કર વિજ્ઞાનક્ષેત્રના શોધકો છે. સત્તાવાર નિવેદનમાં એવું કહેવાયું છે કે નવ નોબેલ-સન્માનિતો પહેલી વાર આ રીતે કોઈ દેશમાં કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે.
અભિભૂત થવા માટે અને ગુજરાતી તરીકેના ગૌરવથી છાતી ફુલાવી દેવા માટે આટલું પૂરતું નથી? એના જવાબનો આધાર વાસ્તવિકતા સાથેના તમારા સંબંધ પર છે. એક સમૂહ ગૌરવતરસ્યો-ગૌરવઘેલો છે. તે ગુજરાતમાં દસ વર્ષ (એકંદરે) નિયમિત વરસાદ આવે, તો એ બદલ પણ ગૌરવ અનુભવી શકે છે અને વરસાદ આવતાં પહેલાં, આયોજનના અભાવને કારણે જીવ કેવા તાળવે ચોંટ્યા હતા, તે સહેલાઈથી ભૂલી જાય છે. આ વર્ગની આંખો ઝાકઝમાળ અને રોશનીથી એવી ટેવાઈ ગઈ છે કે કુદરતી પ્રકાશ તેમનાથી ખમાતો નથી. ગુજરાતના ગૌરવનો-ગુજરાતની અસ્મિતાનો તેમનો ખ્યાલ સદંતર સરકારી છે. આ સમૂહ ગુજરાત અને ગુજરાત સરકારને એક માને છે. ‘ગુજરાત એટલે ગુજરાતના લોકો’ એવું સમીકરણ કોઈ તેમને યાદ કરાવે તો તેમને વાંધા પડે છે. ‘ગુજરાત એટલે ગુજરાતના લોકો’ એવું કહેનાર ‘ગુજરાતવિરોધી’માં ગણાઈ જાય, એ ગુજરાતની સરકાર-સ્પોન્સર્ડ અસ્મિતાએ ફેલાવેલું પ્રદૂષણ છે - અને એ બાબતમાં સરકારની સફળતા નોંધપાત્ર છે.
કાશ, એવી સફળતા સરકારને શિક્ષણક્ષેત્રે નક્કર કામગીરી કરવામાં મળી હોત - અથવા જેટલી મહેનત - આવડત આભાસ ઉભો કરવામાં વાપરી, તેટલી ખરેખર કામ કરવામાં વાપરી હોત, તો ગુજરાતનો ઉદ્ધાર થઈ ગયો હોત. પરંતુ ગુજરાતના શિક્ષણની સ્થિતિ સૌ જાણે છે. એ જુદી વાત છે કે બધા એ વિશે બૂમો પાડતા હોવા છતાં અને તેનાથી સીધી કે આડકતરી રીતે પીડિત હોવા છતાં, તેમાં સરકારની સીધી અને ઉઘાડી જવાબદારીની વાત થતી નથી. શિક્ષણના નામે સરકાર કાર્યક્રમબાજીમાં પડી જાય, અવનવા ઉત્સવો અને પ્રોજેક્ટના આંકડાના ખડકલા કરે, પણ જમીની પરિણામ? વ્યક્તિગત રીતે જાણવું હોય તો વાલીઓને પૂછવું અને વ્યાપક રીતે જોવું હોય, તો ‘પ્રથમ’ જેવી સંસ્થાના શિક્ષણની ગુણવત્તા સૂચવતા વાર્ષિક અહેવાલ જોવા.
નવ નોબેલ સન્માનિતોને એક સાથે બોલાવીને છાકો પાડી દેવા માગતી ગુજરાત સરકારે રાજ્યનું શિક્ષણ વર્ષોથી વિદ્યાસહાયકો-અધ્યાપકસહાયકોના હવાલે કર્યું છે. રૂપાળાં નામ ધરાવતા આ હોદ્દા સરકારી રાહે પાંચ વર્ષ સુધી થતા સત્તાવાર શોષણનો પર્યાય છે. વાઇબ્રન્ટ જેવા ઓચ્છવોમાં કરોડોનાં આંધણ કરતી અને દુનિયાભરમાં પોતાની આર્થિક આગેકૂચના ડંકા વગાડાવતી ગુજરાત સરકાર પાસે પોતાની ભાવિ પેઢી તૈયાર કરવા માટેના રૂપિયા નથી. નોબેલ સન્માનિતોનું એક સેશન સરકારી શોષણનો ભોગ બનેલા વિદ્યાસહાયકો-અધ્યાપકસહાયકો સાથે પણ ન થવું જોઈએ જેથી તેમને ખબર પડે કે તેમણે ક્યાં અને કોને પ્રેરણા આપવાની છે. મેડિકલ ક્ષેત્રે નોબેલ સન્માન મેળવનારને કોઈ એ પણ કહેજો કે તમે અમુક કૉલેજમાં અમુક ગેંગના સાહેબોની સામે પડીને પાસ તો થઈ બતાવો - નોબેલ તો બહુ દૂરની વાત છે.
જશ લેવા માટે દોડી પડતી સરકારની મૂળભૂત પ્રકૃતિ જૂઠું બોલવાની હોય છે. શિક્ષણ એક એવું ક્ષેત્ર છે, જેમાં સરકાર ગમે તેટલાં જૂઠાણાં ચલાવે, પણ નાગરિકો અસલિયત જાણતા હોય છે. કારણ કે, શાળામાં ભણતાં બાળકો, તેમાં કામ કરતા કર્મચારીઓ-શિક્ષકો-અધ્યાપકો વ્યાપક નાગરિક સમુદાયમાંથી આવે છે. છતાં, આ સૌ કોઈ શિક્ષણક્ષેત્રની પોતાની મુશ્કેલીઓ માટે સરકારનો કાન પકડવા જેટલાં સંગઠિત કે અસરકારક બની શકતાં નથી.
સિલિકોન વેલીમાં દબદબો ધરાવતી ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઑફ ટેક્નૉલોજી (આઈ.આઈ.ટી.)ના એન્જિનિયરોની આખી પેઢીમાંથી ઘણાનાં પ્રાથમિક ભણતર સરકારી-મ્યુનિસિપાલિટીની નિશાળોમાં થયાં હતાં. કોઈ પણ દેશના સાચા વિકાસ અને સાચી પ્રગતિ માટે તેની જાહેર નિશાળો અને જાહેર આરોગ્યની વ્યવસ્થાની ‘તબિયત’ તપાસવી પડે. ગુજરાતમાં સરકારી નિશાળોની ઉડી ગયેલા બલ્બ જેવી હાલત કરવામાં સરકાર સિવાય બીજા કોને જવાબદાર ઠેરવી શકાય? શોપિંગ સેન્ટરની જેમ અને ઘણી જગ્યાએ તો ખરેખર શોપિંગ સેન્ટરોમાં ખૂલી ગયેલી શાળાઓ શું સરકારની મંજૂરી વિના ચાલે છે? અને એવી શાળાઓ માટે જવાબદારી કોની? તોતિંગ ફી લેતી ખાનગી નિશાળોમાં સંચાલકો દ્વારા થતું શિક્ષકોનું શોષણ અને પૂરતી લાયકાત વગરના શિક્ષકો - આવાં બધાં પાપ નોબેલસન્માનિતો આવ્યાના રાજીપામાં ભૂંસી નાખવાનાં?
ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં આચાર્યો અને અધ્યાપકોની અઢળક જગ્યાઓ ખાલી છે. છઠ્ઠા પગારપંચનો તોતિંગ પગાર લેનારા અધ્યાપકોમાંથી ઘણા કામચોરી કરે છે અને અધ્યાપકસહાયક તરીકે પાંચ વર્ષ સુધી મામૂલી પગારે રખાયેલો જણ તૂટી મરે છે. ખાનગી કૉલેજોમાં ચાલતી શોષણખોરી અને ગેરરીતિઓ, માફિયાનાં રાજ અને ટોળકીઓનાં શાસનમાં પહેલો ભોગ શિક્ષણની ગુણવત્તાનો લેવાય છે. કૉલેજના આચાર્યો કે વિભાગીય વડાઓને સંચાલકો આગળ લળી પડતા કે તેમની દાઢીમાં હાથ નહીં, પોતાનું આખેઆખું અસ્તિત્ત્વ સમાવી દેતા જોઈને હસવું કે રડવું એ સમજાતું નથી. એક સમયે સારા અધ્યાપકો અને સારી ગુણવત્તા ધરાવતી કેટલીક યુનિવર્સિટીઓની અવદશા માટે સરકારોને કેમ જવાબદાર ન ઠેરવવી? અને ‘આ સ્થિતિને સુધારવા માટે તમે શું કરવા ઇચ્છો છો? અથવા શું કર્યું?’ એવા સવાલ શિક્ષણમંત્રીને કે મુખ્યમંત્રીને કેમ ન પૂછવા?
પણ સવાલ પૂછવાનું બાજુ પર રહ્યું, નાગરિક તરીકે આપણે તેમના જૂઠા દાવા ને જૂઠાં બણગાં સાંભળી લઈએ છીએ. એટલે તેમને ફાવતું જડે છે. અવનવા ઉત્સવોના ઘોંઘાટમાં તે વાસ્તવિકતાનો - અસંતોષનો અવાજ દબાવી દે છે. એ તેમની સફળતા જેટલી જ નાગરિકસમાજની નિષ્ફળતા છે.
બૂંદ સે બિગડી, હૌજ સે નહીં આતી - એ કહેણી જૂની થઈ. બ્રાન્ડિંગ, પોઝિશનિંગ અને ઇમેજ બિલ્ડિંગના - ટૂંકમાં, જે જેવું નથી તેવું દેખાડવાના - આ યુગમાં દરેક પ્રકારનો સડો ઢાંકવા માટેના રેશમી ગાલીચા મોજૂદ છે અને એવી કોઈ દુર્ગંધ નથી, જે મોંઘાંદાટ અત્તરની સુગંધ તળે દબાઈ ન જાય. વાઇબ્રન્ટ ગુજરાતમાં શિક્ષણક્ષેત્રે કુલ 157 એમઓયુ થવાના છે. હજારો કરોડ રૂપિયાનાં રોકાણની વાત છે. બરાબર છે. પણ જે થવાનું છે તેનાં ઢોલ વગાડવાથી વર્તમાન સ્થિતિની જવાબદારીમાંથી સરકારને છુટ્ટી મળી જતી નથી. એવી જ રીતે, નોબેલ સન્માનિતોની હાજરી અને તેમના મહિમાનો ઉપયોગ શિક્ષણક્ષેત્રની કરુણ-શરમજનક - કૌભાંડી વાસ્તવિકતાઓને, સરકારના ગેરવહીવટ - તેની નિષ્ફળતાઓને ઢાંકવા માટે ન થાય, એની કાળજી રાખવા જેવી છે.

Monday, January 09, 2017
સાવિત્રીબાઇ ફુલે અને ગુગલ-સ્મૃતિ
આર,કે,લક્ષ્મણનું એક કાતિલ કાર્ટૂન હતુઃ
તસવીરપ્રદર્શનમાં ગાંધીજીની એક મોટી તસવીર છે અને હૃષ્ટપુષ્ટ નેતાજી વાંકા વળીને
નામ વાંચે છે કે આ કોની તસવીર છે. વાતમાં બેશક કાર્ટૂનસહજ અતિશયોક્તિ છે, સાથોસાથ
તેનો વ્યંગ ચિરંતન છે. ભારતમાં નાયકનાયિકાઓની વિસ્મૃતિનો રોગ એટલો વકરેલો છે કે
ભલભલા ભૂલાઇ જાય છે. બીજી તરફ, વર્તમાન રાજકારણમાં ઓળખની અણીની ધાર એટલી નીકળેલી
છે કે નાયકનાયિકાઓને કેવળ એક પ્રતિક અથવા ગ્રાફિક તરીકે જીવંત કરવાનું ચલણ વધી
પડ્યું છે. એવા વખતમાં પોતાના લોગો સાથે પ્રસંગોચિત ચિત્રો (ડૂડલ) મૂકવા માટે
જાણીતી વેબસાઇટ ગૂગલે કમાલ કરી. જાન્યુઆરી 3ના રોજ તેના લોગોની સાથે સાવિત્રીબાઇ
ફુલેનું ચિત્ર મુકવામાં આવ્યું—અને સ્વાભાવિક રીતે, શબ્દાર્થમાં નહીં તો
ધ્વન્યાર્થમાં ઘણાને વાંકા વળીને જોવું પડ્યું કે આ કોનું ચિત્ર છે.
અલબત્ત, ન ખબર હોવી એ વાંક નથી. ભારતમાં સ્મૃતિ
જીવંત રાખવાના રસ્તા એટલા ખરાબ-એટલા ભદ્દા છે કે કમકમાટી ઉપજે. પૂતળાં ને રસ્તાનાં
નામ. બસ. તેની સરખામણીમાં ગુગલનું ડુડલ ઔપચારિક હોવા છતાં, તેમાં એટલું સુખ છે કે ચિત્ર
પર ક્લિક કરવાથી સાવિત્રીબાઇ વિશેની માહિતીનો ભંડાર ખુલી શકે છે. પૂતળાં કે
રસ્તાનાં નામનાં પાટિયામાં આવી કોઇ વ્યવસ્થા હોઇ શકે, પણ હોતી નથી. નડિયાદમાં
થોડાં વર્ષો પહેલાં હસિત મહેતા/ Hasit Mahetaએ લીટરરી હેરિટેજ વોક જેવો મૌલિક પ્રોજેક્ટ હાથ
ધર્યો, ત્યારે તેમણે સાક્ષરભૂમિ નડિયાદના દોઢ-બે કિલોમીટરના ભૌગોલિક વિસ્તારમાં જીવી
ગયેલા દરેક સાહિત્યકારના ઘરની બહાર તેમના જીવન- કાર્ય વિશે ટૂંકમાં પણ તેમનું
મહત્ત્વ સિદ્ધ થાય એવી માહિતી જહેમતપૂર્વક મૂકી હતી. સાથે તેમની એક તસવીર પણ ખરી. એવી
દૃષ્ટિ ને વૃત્તિ ન હોય, તો શું થાય તેનાં અનેક ઉદાહરણ આપણી આસપાસ જોવા મળે છે. મુંબઇમાં
મહંમદ રફી, શંકર-જયકિશન કે કલ્યાણજીના નામના ચોક હોય તો તેમાં વિગતો ન મુકાય તે
હજુ સમજ્યા, પણ અમદાવાદમાં ઉમાશંકર જોશી માર્ગ ને રાજકોટમાં ક્રિકેટર અમરસિંહ
માર્ગનું શું કરવાનું? એ માર્ગનું નામ વાંચનારને આ મહાનુભાવો વિશે
તત્કાળ—અને ગુગલની મદદ વિના--બીજું કશું જાણવું હોય તો એ શક્ય ન બને. ત્યારે સવાલ
થાયઃ એ માર્ગ શરૂ થતો હોય ને પૂરો થતો હોય ત્યાં બાજુ પર એક તકતીમાં તેમના
પ્રદાનની (અધ્યાપકીય નહીં પણ આમજનતાને સમજાય એવી રીતે લખેલી) વિગતો ન મૂકી શકાય?
માર્ગનું કે ચોકનું નામકરણ બેશક ઔપચારિકતા છે,
પરંતુ ઘણી વાર પ્રતાપી વ્યક્તિત્વોને આ રીતે માર્ગના નામ સાથે જોડવામાં આવે,
ત્યારે તેમના નક્કર પ્રદાનની વિગતો મૂકવી જરૂરી ન હોવી જોઇએ? અમદાવાદમાં સી.વી.રામન માર્ગ કે જોતિબા ફુલે ચોક
હોય ત્યારે, એ ચોક્કસ રસ્તાને તેમનું નામ શા માટે અપાયું તેનું કારણ ભલે જાણવા ન
મળે, પણ રામન અને ફુલે કોણ હતા ને આપણા શહેરમાં તેમના નામે રસ્તો હોવો એ કેમ
ગૌરવની બાબત છે, એટલું જાણવાનો નાગરિકોને અધિકાર નથી? અને
એટલું જણાવવાની એ વિસ્તારના કોર્પોરેટરની કે શહેરના કોર્પોરેશનની ફરજ નથી? આટલું કરવા માટે રાષ્ટ્રપતિ કે વડાપ્રધાનની
મંજૂરી લેવાની જરૂર નથી. મ્યુનિસિપાલિટીના કમિશનર કે મેયરને સમજાવી શકે એવા એકાદ
સમજુ અને ઉત્સાહી કોર્પોરેટર પણ બસ થઇ પડે. (હા, તકતીઓનો ખર્ચ કેટલો થાય ને એમાં
કોન્ટ્રાક્ટ આપણા માણસને મળે કે કેમ, એવી વૃત્તિઓથી આટલા કામ પૂરતા દૂર રહેવું પડે.)
શહેરોમાં ઘણી વાર સ્થાનિક અગ્રણીઓના નામ પણ રસ્તા કે ચોક સાથે જોડવામાં આવે છે.
તેમનું પ્રદાન ભલે ગાંધી-સરદાર-આંબેડકર જેટલું ન હોય, પણ પોળ કે વિસ્તારના સ્તરે
તેમણે કશુંક રચનાત્મક કામ કર્યું હોય, તો તે પણ પછીની પેઢી સુધી પહોંચવું જોઇએ—અને
તેમનું કામ એટલું મહત્ત્વનું ન હોય, તો એવા કિસ્સામાં રસ્તાનાં નામકરણની એક્સપાયરી
ડેટ નક્કી થવી જોઇએ. જેથી દરેક પેઢીમાં કંઇક સારું કામ કરનારા લોકોનો લાભ એ
રસ્તા-ચોકને મળી શકે.
એનો મતલબ એ નથી કે રસ્તાને અપાયેલાં નામ સ્મૃતિ
જાળવવાની ઉત્તમ રીત છે. મુંબઇનો એસ.વી. રોડ સરદાર વલ્લભભાઇ છે કે સ્વામી વિવેકાનંદ
એ વિશે ઘણા મુંબઇગરાઓને અવઢવ થઇ શકે. અમદાવાદની એમ.જી.સાયન્સ ઇન્સ્ટિટ્યુટના
એમ.જી. તે મહાત્મા ગાંધી નથી, પણ મફતભાઇ ગગલદાસ છે તે બીજાને તો ઠીક, ઘણા
વિદ્યાર્થીઓને પણ જણાવવું પડતું હશે કદાચ. એવી જ રીતે, અમદાવાદના પ્રખ્યાત
સી.જી.રોડવાળા સી.જી. તે ચમનલાલ ગિરધરદાસ અને તે ટાઉનહોલવાળા મંગળદાસ ગિરધરદાસના
નાના ભાઇ—એ પણ લોકોને સહજતાથી, થોથાં ઉથલાવ્યા વિના, શા માટે જાણવા મળવું ન જોઇએ? અને મંગળદાસ તથા અમદાવાદના બીજા શેઠિયાઓની
આફ્રિકાથી નવા આવેલા ગાંધીજી સાથેની સમુહ તસવીર મંગળદાસ ગિરધરદાસ ટાઉનહોલની બહાર
શા માટે ન હોવી જોઇએ? આ બધો
પુસ્તકિયો ઇતિહાસ નથી. ઉલટું, આવી નાની ચેષ્ટાઓ ઇતિહાસને પાઠ્યપુસ્તકની કે
સંગ્રહસ્થાનોની કેદમાંથી કે બહાર કાઢીને રોજિંદા જીવન સાથે તેનો સંબંધ જોડવામાં
સારો ભાગ ભજવી શકે.
વાત સાવિત્રીબાઇ ફુલેથી શરૂ કરી હતી.
સમાજસુધારાના ક્ષેત્રે ભાગ્યે જ જોવા મળે એવી જોતિરાવ અને સાવિત્રીબાઇ ફુલેની
જોડીએ મોટે ભાગે નીચલી ગણાતી જ્ઞાતિઓ માટે પ્રચંડ કામ કર્યું. પરિણામે, અત્યારે
તેમની સ્મૃતિ મોટે ભાગે દલિત (બહુજન) આંદોલન પૂરતી સીમિત બની ચૂકી છે. (એ ફુલે
દંપતિનું નહીં, લોકોનું નુકસાન છે) અભ્યાસી અને સંવેદનશીલ અધ્યાપક સંજય ભાવે / Sanjay Bhaveએ
સાવિત્રીબાઇ ફુલેની અંજલિઓમાં મોટે ભાગે ચુકાઇ જતી એક વિગત ભણી ધ્યાન દોર્યુઃ
યુનિવર્સિટી ઓફ પૂનાનું નામ છેલ્લા થોડા વખતથી સાવિત્રીબાઇ ફુલે પૂણે યુનિવિર્સિટી
કરવામાં આવ્યું છે—અને તેની સામે કોઇ પણ તબક્કે વાંધાવિરોધ ઊભા થયા ન હતા. પ્રગતિશીલ
પરિબળોની સાથોસાથ બ્રાહ્મણવાદી માનસિકતાનો ગઢ ગણાતા પૂણેમાં આ શક્ય બને એ બહુ
નોંધપાત્ર કહેવાય. ઔરંગાબાદની મરાઠવાડા યુનિવર્સિટી સાથે ડો.આંબેડકરનું નામ
જોડવામાં થયેલા કડવા અને હિંસક વિવાદો ધ્યાનમાં રાખતાં તો ખાસ.
પરંતુ એ પણ હકીકત છે કે સાવિત્રીબાઇ ફુલે
યુનિવર્સિટીની વેબસાઇટના હોમપેજ http://www.unipune.ac.in/ પર સાવિત્રીબાઇ ફુલેની સમ ખાવા પૂરતી તસવીર જોવા
મળતી નથી ને આખી વેબસાઇટમાં ક્યાંય સાવિત્રીબાઇ વિશે ચાર લીટી પણ વાંચવા મળતી નથી.
હોમ પેજ પર ‘એબાઉટ પૂણે’નો
વિભાગ છે, પણ ‘એબાઉટ સાવિત્રીબાઇ ફૂલે’ મુકવાનું હજુ સુધી કોઇને સૂઝ્યું નથી.
Labels:
dalit,
history/ઇતિહાસ
Subscribe to:
Posts (Atom)