Saturday, January 16, 2016

સોશ્યલ મિડીયા : વહી ધનુષ વહી બાણ

અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય લોકશાહીમાં મૂળભૂત અધિકાર છે. અત્યાર લગી પ્રસાર માધ્યમોના મુઠ્ઠીભર લોકોના હાથમાં રહેલો એ અધિકાર સોશ્યલ મિડીયા (ફેસબુક-ટિ્‌વટર વગેરે) થકી આમઆદમીપાસે પહોંચ્યો. એ પરિવર્તન સૈદ્ધાંતિક રીતે આવકાર્ય છે.

પરંતુ સોશ્યલ મિડીયા પરના બેલગામ અભિવ્યક્તિ સ્વાતંત્ર્યથી લોકોનું સશક્તિકરણ થયું છે? કે તેમની કુંઠાઓ-અસલામતી-આક્રમકતા-સંકુચિતતા જેવી લાક્ષણિકતાઓ વધારે ધારદાર બની છે? મનના ખૂણે રહેલી એ વૃત્તિઓ સામાન્ય વ્યવહાર કરતાં વધારે ઝડપથી સપાટી પર આવી રહી છે? ન બોલવાનું હોય ત્યારે પણ બોલવાની-લખવાની અને એ લ્હાયમાં બાફી મારવાની પ્રેરણાસોશ્યલ મિડીયા આપે છે? તે મુક્ત અભિવ્યક્તિના નામે અવિચારી અભદ્રતાને પ્રોત્સાહન આપવાનું, ઉશ્કેરાટને આથો ચડાવવાનું અને સંવાદની-સમજવાની પ્રક્રિયાને કોરાણે મૂકી દેવાનું કામ તો નથી કરતું ને? તે વૈચારિક આદાનપ્રદાન, ઘડતર કે મનોરંજન-નિર્દોષ ટાઇમપાસને બદલે ટોળાશાહી-ધણ માનસિકતાપેદા કરવામાં નિમિત્ત તો નથી બનતું ને?

આવા સવાલ આમઆદમીથી માંડીને ખાસઆદમી (વડાપ્રધાન) જેવા લોકોનો સોશ્યલ મીડિયા પરનો વ્યવહાર જોઇને થાય. પઠાણકોટ એર ફોર્સના મથકમાં ત્રાસવાદીઓ ધૂસી ગયા, ત્યારે ગૃહપ્રધાને હોંશમાં આવી જઇને ટ્‌વીટર પર નિવેદન ફટકાર્યાં, જેને પછી દૂર કરવાં પડ્યાં. બીજા મંત્રીઓ પણ ટિ્‌વટર પર ઑપરેશન સક્સેસફુલનો હરખ કવેળા કરી ગયા. પઠાણકોટ હુમલો ચાલુ હતો ત્યારે વડાપ્રધાને ટ્‌વીટ પર યોગનું મહત્ત્વ દર્શાવતો સંદેશો વહેતો મૂક્યો. આ બધા મહાનુભાવો નાજુક મોકે મૂંગા મર્યા હોત તો સારું ન થાત? કમ સે કમ, તેમના જવાબદારીના અભાવનું જાહેર પ્રદર્શન થયું ન હોત અને તે દેશવિદેશમાં હાંસીને પાત્ર  ન ઠર્યા હોત.

પરંતુ સોશ્યલ મિડીયાની મુશ્કેલી જ આ છે. જ્યાં અક્ષર પાડતાં પહેલાં ઠરીને વિચાર કરવો જોઇએ ત્યાં લોકો લખવા માટે હડી કાઢે છે. કોઇ પણ શારીરિક કે માનસિક અવસ્થામાં ફેસબુક-ટ્‌વીટર પર લખી શકાય છે. લખનારને એવું જ લાગે છે કે એ તો પોતાના મનની વાત કરી રહ્યો છે. એમાં ઝાઝું વિચારવાની શી જરૂર? એ વખતે તેમને સરત રહેતી નથી કે બીજા કોઇ પણ પ્રસાર માધ્યમ જેટલું જ આ જાહેર માધ્યમ છે. તેમને શું શૂરાતન ચઢી આવે છે કે છવાઇ જવાની લ્હાયમાં સાદી સમજ-સાદો વિવેક તે ચૂકી જાય છે. સોશ્યલ મિડિયા પર ઘણા આમ અને ખાસ લોકોની હાલત શોલેના સૂરમા ભોપાલી જેવી થાય છે : ઑડિયન્સ જોઇને તે ખીલી ઉઠે છે, પણ પછી કોઇ કાંઠલો પકડે ત્યારે સઘળો આળીયોગાળીયો સોશ્યલ મીડિયા પર આવી પડે છે-- હમસે જૂઠ પે જૂઠ બુલવાયે જાતે હોએવો ઠપકો આપતા જગદીપની જેમ જ.

પરંપરાગત મીડિયા (પ્રિન્ટ કે ટીવી)માં આવવાનું હોય ત્યારે મોટા ભાગના લોકોના મનમાં એવી સભાનતા રહેતી હતી કે જરા સાવચેતી રાખવી પડશે. લોચો ન મારીએ તે જોવું પડશે. લખતાં-બોલતાં પહેલાં બે વાર વિચાર કરવો પડશે.સોશ્યલ મિડીયાએ આ સભાનતાનો ભોગ લીધો છે. કોઇ પણ ઘટના વિશે કે એ સિવાય પણ, પહેલો વિચાર આવે તે જગતને જણાવી દેવાની તાલાવેલીમાં, મોટા ભાગના લોકો લખ્યા પછી અને પોસ્ટ કરતાં પહેલાં વિચારતા નથી. ફક્ત લખતાં પહેલાં જ નહીં, લખ્યા પછી પણ વિચારવાપણું હોઇ શકે, એનો અહેસાસ મોટા ભાગના લોકોને રહેતો નથી. એટલે વિચારવું-લખવું-વિચારવું-પોસ્ટ કરવુંએવા ક્રમને બદલે ઘણી વાર પ્રક્રિયા આટલી સાદી હોય છે : લખવું- પોસ્ટ કરવું.

નવા જમાનામાં સોશ્યલ મિડીયાની તાકાત પણ એવી છે કે તેનો મહત્તમ લાભ ખાટી લેવાનું મન થાય. એમાં કશું ખોટું નથી.બરાક ઓબામા પ્રમુખપદની ચૂંટણી જીત્યા એમાં સોશ્યલ નેટવર્ક પરની તેમની ઝુંબેશનો ફાળો નોંધપાત્ર હતો. એવી જ રીતે, નરેન્દ્ર મોદીએ મુખ્ય ધારાનાં પ્રસાર માધ્યમ ઉપરાંત સોશ્યલ નેટવર્ક ઉપર હજારો લોકોને પોતાના આક્રમક પ્રચાર માટે છૂટા મૂકી દીધા હતા. તેમણે પણ ધારી સફળતા મેળવી. આ રીતે મળેલી સફળતા પછી એ યાદ રહેતું નથી કે સોશ્યલ નેટવર્ક બેધારી તલવાર છે. તે જયજયકાર કરાવી શકે છે, તો ત્યાં ફિટકાર વરસતાં વાર લાગતી નથી. (બદનામીમૈં ભી નામ હોતા હૈનો નિયમ અહીં પણ લાગુ પડે છે, એ જુદી વાત છે.)

વડાપ્રધાનની અમેરિકા મુલાકાત વખતે તેમણે કેમેરાની ફ્રેમમાં વચ્ચે આવતા ફેસબુકના માર્ક ઝકરબર્ગને હાથ પકડીને બાજુ પર કરી દીધા કે રશિયામાં રાષ્ટ્રગીત ચાલુ થયું ને એ ભૂલથી આગળ ચાલવા માંડ્યા કે જાપાનમુલાકાત વખતે રાષ્ટ્રઘ્વજ ઊંધો હતો-- આ પ્રકારની ગફલતો સોશ્યલ નેટવર્કના માઘ્યમથી વાઇરલથાય છે અને ધજા કરવામાં નિમિત્ત બને છે. અલબત્ત, આ પ્રકારની સત્તાવાર ઘટનાઓ પ્રમાણબહાર ચગાવવામાં ટીવી ચેનલો પણ પાછળ નથી હોતી. ઘણા વખત પહેલાં ઉમા ભારતી મંચ પરથી પડી ગયાં, ત્યારે માંડ થોડી સેકન્ડના દૃશ્યની એ ક્લીપ ચેનલે દિવસમાં અસંખ્ય વાર ચલાવી હતી.

સવાલ સત્તાવાર સમાચાર કે આગળ જણાવી એવી ગફલતોનો નથી, પણ એ ઉત્સાહનો છે, જે મુખ્યત્વે સોશ્યલ નેટવર્કને કારણે પ્રગટે છે. ફરી એક વાર પઠાણકોટ હુમલાની વાત કરીએ તો, શક્ય છે કે સોશ્યલ નેટવર્ક ન હોત તો આટલા બધા નેતાઓને ટ્‌વીટ કરવાની આટલી બધી ખંજવાળ ન આવી હોત. એકાદ સરકારી પ્રવક્તાએ કે ગૃહમંત્રીએ કંઇક કહ્યું હોત ને પછી તેમણે ફેરવી તોળવું પડ્યું હોત. વડાપ્રધાને પણ એ વખતે ટીવી ચેનલો સમક્ષ કંઇ કહ્યું ન હોત અથવા યોગ વિશેના તેમના વિચારો એ કાર્યક્રમના સંદર્ભમાં ગણાયા હોત અને તેને પઠાણકોટ સાથે સાંકળવામાં આવ્યા ન હોત. પરંતુ સોશ્યલ નેટવર્કની લપસણી ભૂમિ જોઇને લોકોને બોલવાનું શૂરાતન ચડે છે, બોલ્યા વિના ચાલતું નથી ને પછી તે હાંસીને કે ટીકાને પાત્ર ઠરે છે. ત્યાં સુધીમાં તેમના ભક્તમંડળે તેમની હાસ્યાસ્પદ વાતને પણ ઝીલી લીધી હોય છે અને તે બચાવમાં પરોવાઇ ગયું હોય છે. એટલે પુનર્વિચારને ઝાઝો અવકાશ રહેતો નથી.

રાજકારણીઓ જ નહીં, બીજા ઘણા લોકો સોશ્યલ નેટવર્કને પોતાનો મતવિસ્તારગણે છે અને સદાકાળ ચૂંટણીપ્રચારના મૂડમાં રહે છે. પરંતુ સોશ્યલ મિડીયાની સૌથી મોટી અને કાતિલ ખૂબી એ છે કે કોઇ પણ વ્યક્તિનાં સળંગ દસ-વીસ લખાણ (સ્ટેટસ) જોવામાં આવે, લોકો સાથેનો તેનો લેખિત વ્યવહાર જોવામાં આવે, તો તેની અસલિયત ઝળકી ઊઠે છે અને એ મોટે ભાગે એવી હોય છે, જે વ્યક્તિ સંતાડવા ઇચ્છે અથવા તેણે સંતાડવાની હોય. સોશ્યલ નેટવર્ક પર ઘણી વાર માણસ (અંગ્રેજી શબ્દપ્રયોગ પ્રમાણે) એના પાયજામામાં ઝડપાઇ જાય છે અને તેને એનો ખ્યાલ રહેતો નથી. છીછરા સેલિબ્રિટીપણાનો ઊંડો નશો ધરાવનારા પોતાની ઉઘાડી પડેલી વિકૃતિને કે મનોરુગ્ણતાને પણ પોતાની સ્ટાઇલ તરીકે ખપાવી શકે, પરંતુ ફેસબુક પર લોકોનાં ચિત્રવિચિત્ર, વિકૃત (છતાં અસલી) સ્વરૂપ જોયા પછી મૂળભૂત શિષ્ટાચાર ધરાવનારા સોશ્યલ નેટવર્કનો આભાર માને છે : લોકોનું સાચું સ્વરૂપ--અસલિયત ઝડપથી ઉજાગર કરી આપવા બદલ. 

3 comments:

  1. મૂળભૂત શિષ્ટાચાર ધરાવનારા સોશ્યલ નેટવર્કનો આભાર માને છે : લોકોનું સાચું સ્વરૂપ--અસલિયત ઝડપથી ઉજાગર કરી આપવા બદલ.
    એકદમ સચોટ....

    ReplyDelete
  2. Main issue is that people forget quickly.. Otherwise nobody can be write irresponsibly on social media... Level of negativity in social media, opposition party and society is very high.. We should be in balance at all the stage to judge what is right...

    ReplyDelete
  3. સાહેબ તમારા લેખની ખાસીયત એ છે કે...શરૂઆતના શબ્દથી અંત સુધી વાચવાની ઉત્સુકતા જળવાઇ રહે છે.

    ReplyDelete