Tuesday, January 19, 2016
સોશ્યલ નેટવર્કિંગના સામાજિક પડકાર
કોઇ પણ ક્રાંતિ થાય ત્યારે બે ભયંકર શક્યતા હોય છે : ૧)
ક્રાંતિ નિષ્ફળ જાય અથવા ૨) ક્રાંતિ સફળ થાય. પરિણામો જોતાં લાગે કે ઘણી વાર પહેલી
કરતાં બીજી શક્યતા વધારે ખરાબ નીવડે છે. જેમ કે, ૧૮૫૭નો સંગ્રામ નિષ્ફળ ગયો, તો બીજાં ૯૦ વર્ષ
પછી અંગ્રેજી શોષણમાંથી ભારતનો છૂટકારો થયો. પરંતુ જો એ સફળ થયો હોત તો? કેવાં રૂઢિચુસ્ત, રાજાશાહી, સામંતવાદી, જ્ઞાતિવાદી પરિબળો આ દેશ પર નહીં, તેના અસંખ્ય ટુકડા પર રાજ કરતાં હોત, એની કલ્પના આવે છે?
અટકળના પ્રદેશમાં ન જવું હોય તો ફ્રેન્ચ ક્રાંતિનો વાસ્તવિક
દાખલો હાથવગો છે. ક્રાંતિ સફળ થઇ તેનાં ચાર જ વર્ષમાં લશ્કરી વડા નેપોલિયને
લોકશાહી ઢબે નીમાયેલી સમિતિને ઉથલાવી પાડી અને પોતે સત્તા હસ્તગત કરી લીધી. સાવ
નજીકના ભૂતકાળમાં, ઇજિપ્તના તહરીર
ચોકમાં મોટા પાયે અને મોટા ઉપાડે સામાન્ય માણસો ઉમટી પડ્યા. એ ક્રાંતિમાં વાએલ
ગૂનીમ નામના યુવાને બનાવેલા ફેસબુક પેજનો મોટો ફાળો હતો. ત્રણ જ દિવસમાં એ પેજ પર
એકાદ લાખ લોકો સભ્ય બન્યા. ફેસબુક-ઇન્ટરનેટ લોકક્રાંતિનું માધ્યમ બન્યું. અદૃશ્ય
રહીને પેજનું સંચાલન કરતા ગૂનીમ વિશે સરકારને જાણ થતાં તેમને રસ્તામાંથી ઉપાડીને
૧૧ દિવસ સુધી ગોંધી રાખવામાં આવ્યા. આખરે, લોકોની જીત થઇ, ગૂનીમને છોડી
મૂકવા પડ્યા અને સરમુખત્યાર મુબારકની સત્તાનો અંત આવ્યો. ક્રાંતિની સફળતાથી અભિભૂત
ગૂનીમે એ વખતે કહ્યું,‘સમાજને મુક્ત
કરવા માટે ફક્ત ઇન્ટરનેટની જ જરૂર છે.’
પરંતુ સફળ ક્રાંતિ પછી ઇજિપ્ત અને તેનું સોશ્યલ મિડીયા
ઇસ્લામી અને લશ્કરતરફી એમ બે સામસામી છાવણીમાં વહેંચાઇ ગયું. (જેમ ભારતમાં પણ
સોશ્યલ મિડીયા પર દરેક ટિપ્પણીને મોદીતરફી અને મોદીવિરોધી એમ બે ખાનાંમાં જોવામાં
આવતી હતી-- અને હજુ એમાં ખાસ ફેર પડ્યો નથી.) તેમાં ગૂનીમ જેવા મધ્યમમાર્ગી સૂર
માટે કોઇ જગ્યા ન રહી. એકેય છાવણીઓમાં સામેલ ન થવાને કારણે સોશ્યલ મિડીયા પરથી
ગૂનીમ અને તેમના જેવા લોકોની સામે એવી ધીક્કારઝુંબેશો ચાલી કે તે હેબતાઇ ગયા.
ક્રાંતિ પછી લોકશાહી ઢબે ચૂંટાયેલા પહેલા પ્રમુખને ઇજિપ્તના લશ્કરે સત્તા પરથી દૂર કર્યા, ત્યારે ઇન્ટરનેટ-ક્રાંતિના સૂત્રધાર ગૂનીમે હાર
કબૂલીને સોશ્યલ નેટવર્ક પરથી સન્યાસ લઇ લીધો. બે વર્ષ કરતાં પણ વધુ સમય સુધી તેમણે
પોતાના જીવનમાં આવેલી ઉથલપાથલ ઉપરાંત સોશ્યલ નેટવર્કિંગની મર્યાદાઓ વિશે વિચાર
કર્યો. ડિસેમ્બર, ૨૦૧૫માં આપેલી ‘ટેડ ટૉક’માં તેમણે પોતાનો અનુભવ વર્ણવ્યા પછી કહ્યું કે ‘જૂઠાણું ચલાવવું કે કોઇની સાથે ઝગડો કરવો એ
માણસની મૂળભૂત પ્રકૃતિ છે, પણ ટેકનોલોજીના
પ્રતાપે તેનું આચરણ એકદમ આસાન થઇ જાય છે...સોશ્યલ મિડીયા તેનો પ્રભાવ અનેક ગણો
વધારી મૂકે છે.’
સોશ્યલ નેટવર્કિંગના નામે ચાલતી એન્ટી-સોશ્યલ (અસામાજિક)
પ્રવૃત્તિઓ -- જેમ કે, શાબ્દિક હુમલા, ધમકીઓ, ટોળકી બનાવીને કોઇની પાછળ પડી જવું, વિચારવિરોધીઓ વિશે છેલ્લી કક્ષાએ ઉતરી જઇને લખવું, પેઇડ કે વિકૃત કે જૂઠાણાં ફેલાવવાં--આ બધું વધુ ને વધુ પ્રમાણમાં
ચિંતાનો વિષય બની રહ્યું છે. તેનાથી માનવજાતને અર્થપૂર્ણ રીતે જોડવાના સોશ્યલ
નેટવર્કિંગ કંપનીઓના દાવા સામે પણ મોટું પ્રશ્નાર્થચિહ્ન ઊભું થયું છે. કંપનીઓ આ
અનિષ્ટને અપવાદરૂપ ગણીને આંખ આડા કાન કરવાનું વલણ રાખે છે, પરંતુ ઉમર હક નામના એક અભ્યાસીએ જરા અતિશયોક્તિ
સાથે લખ્યું હતું તેમ, ઇન્ટરનેટની ખરી
સમસ્યા સેન્સરશીપ કે નિયંત્રણો કે કમાણી કેવી રીતે કરવી એ નથી. તેની અસલી અને સૌથી
મોટી- કેન્દ્રવર્તી સમસ્યા તેના અસભ્યતાપૂર્ણ- શાબ્દિક હિંસાથી ભરપૂર એવા
દુરુપયોગની છે. કેટલીક વેબસાઇટોએ બેફામ કમેન્ટ્સથી ત્રાસીને વાચકોની કમેન્ટ્સનો
વિભાગ સદંતર કાઢી નાખવાનું કે તેની પર ભારે નિયંત્રણો રાખવાનું વલણ અપનાવ્યું છે.
ગયા અઠવાડિયે એક સમાચાર હતા કે જૉર્ડનમાં ત્રાસવાદી હુમલાનો
ભોગ બનેલા એક અમેરિકનનાં પત્નીએ ટિ્વટર સામે દાવો માંડ્યો છે. તેમની દલીલ છે કે
ત્રાસવાદીઓની ભરતી અને નાણાનું ઉઘરાણું કરવામાં ISISએ ટિ્વટરનો
ભરપૂર ઉપયોગ કર્યો છે. ટિ્વટર ન હોત તો છેલ્લાં થોડાં વર્ષોમાં ISISનો વ્યાપ આટલો વધ્યો
ન હોત. તેમણે નાણાંકીય વળતર ઉપરાંત એવી પણ માગણી કરી છે કે ટિ્વટર સામે
ત્રાસવાદવિરોધી કાયદાના ભંગ બદલ કાર્યવાહી થવી જોઇએ.
ચિંતા ફક્ત ISIS પ્રકારના પ્રગટ
ત્રાસવાદને સોશ્યલ નેટવર્કિંગ પર મળતા પ્રોત્સાહનની નથી. વૈચારિક અંતિમવાદથી
પ્રેરાઇને ચાલતી ઝુંબેશો પણ પૂરતી ચિંતાજનક અને સૂક્ષ્મ-શાબ્દિક હિંસાથી ભરપૂર હોય
છે. ઉદાહરણ તરીકે, ભારતીય ટીવી
જગતના સૌથી વિશ્વસનીય પત્રકાર ગણાતા રવીશકુમાર સામે ચાલેલી ધીક્કારઝુંબેશ. ટીવીના
માધ્યમમાં અને સત્તાના કેન્દ્રથી સાવ નજીક-- બહોળો પ્રભાવ ધરાવતા હોવાને કારણે, રવીશકુમારના પ્રામાણિક-તલસ્પર્શી અહેવાલોની
રાજકીય પક્ષો અને તેમના વફાદારો-વિશ્વાસુઓ-લાભાર્થીઓ-પ્રચારકો પર મોટી અસર પડે છે.
તેનો મુકાબલો સચ્ચાઇથી કે હકીકતોથી કરવાનું શક્ય ન હતું--અને સોશ્યલ મિડીયાના
જમાનામાં સચ્ચાઇ કરતાં જૂઠાણું વધારે સહેલું અને ઘણા કિસ્સામાં વધારે અસરકારક પણ
સાબિત થાય છે. રવીશકુમાર સામે અંગત,
ગલીચ આરોપોનો
સોશ્યલ મિડીયા પર એવો મારો ચાલ્યો કે તેમણે (ગૂનીમની જેમ) ટ્વીટર-ફેસબુક પરથી
સન્યાસ લઇ લીધો ને ફક્ત પોતાના બ્લોગ પર લખવાનું ચાલુ રાખ્યું. એ પછી પણ તેમની
સામે ઝનૂની ટોળાના કે ભક્તોના શાબ્દિક-વિકૃત હુમલા બંધ થયા નથી.
ઉમર હકે લખ્યું છે કે સોશ્યલ નેટવર્કિંગ પરનો ખરો પ્રશ્ન ‘કોડ’ (સોફ્ટવેર)નો નહીં, પણ ‘કન્ડક્ટ’ (વર્તણૂંક)નો છે. અહીં ટેકનોલોજીનો ઉપયોગ લોકોમાં રહેલી સંભાવનાઓને વિસ્તારવા
માટે નહીં, પણ તેમને સંકુચિત બનાવવા
માટે થાય છે. સોશ્યલ નેટવર્ક પર પહેલી તકે તકરાર-હૂંસાતૂંસી-અપમાન-સુધરેલી ભાષામાં
ગાળાગાળી- ટોળકીના માધ્યમથી શાબ્દિક હુમલા કે બેફામ લખાણો માટે તલપાપડ રહેતા લોકો
આવું કેમ કરે છે, તેનાં ઘણાં
આર્થિક, સામાજિક અને સરવાળે
માનસશાસ્ત્રીય કારણ હોય છે. સાવ ટૂંકમાં કહેવું હોય તો, આંતરિક અસલામતી, હતાશા, લઘુતાગ્રંથિ, પોતાના વિશે પ્રયત્નપૂર્વક ઊભી કરેલી આભાસી
મર્દાના છબિ સતત ટકાવી રાખવાની મજબૂરી --અને પોતે આવાં તિકડમ નહીં કરે તો નકલી છબિ
ભૂંસાઇ જવાનો ડર...આવાં ઘણાં પરિબળોને સોશ્યલ નેટવર્કિંગ પરની પરોક્ષતાથી--બે
આંખની શરમના અભાવથી—ઓર પ્રોત્સાહન મળે છે. ત્યાં અસભ્યતાઓને બહાદુરી કે મર્દાનગી
કે રાષ્ટ્રવાદ કે દેશભક્તિ તરીકે બિરદાવનાર ટોળું મળી રહે છે. તેનો અહેસાસ અને બહુમતી લોકોએ આ વર્તણૂંકને સ્વીકાર્ય (બલ્કે ઘણાએ તો પ્રશંસનીય) ગણી લીધી છે, એવી ‘કીક’--આવાં પરિબળોએ સોશ્યલ
નેટવર્કિંગની સંભાવનાઓને વિકૃતિના વાઇરસથી દૂષિત કરી છે. ઇજિપ્તના ગૂનીમે
મિત્રો સાથે મળીને એવો પ્રયાસ શરૂ કર્યો છે, જેમાં લોકો વચ્ચે વિસંવાદિતા નહીં, સંવાદ વધે. સોશ્યલ નેટવર્ક માટે એ ભવિષ્યની દિશા હશે--અથવા હોવી જોઇએ.
Labels:
it,
society- trends/સમાજ-પ્રવાહો
Subscribe to:
Post Comments (Atom)
Social media has emerged aggressively and took its space in every market. Morality, education, and character moulding space is urgently needed here. Thanks Urvishbhai
ReplyDeleteSocial media has widened the differences among the people they have become intolerant about differences of opinion.We never try to understand what the other person is saying we however forcefully try to apply our own ideology without confirming its authenticity
ReplyDelete