Tuesday, January 12, 2016

ગુજરાતી લિટરેચર ફેસ્ટિવલ 2016 : સમરસિયાઓનો મેળમિલાપ અને ભાષા-સાહિત્યનો જલસો

અંગ્રેજીમાં લિટરેચર ફેસ્ટિવલોની સાર્થકતા, તેમાં થતા લેખકોના વક્તાકરણઅને સાહિત્યના પરચૂરણીકરણ વિશે ચર્ચાઓ ચાલે છે. પરંતુ ગુજરાતમાં-ગુજરાતીમાં લિટરેચર ફેસ્ટિવલનો પ્રયોગ પ્રમાણમાં નવો છે. ગુજરાતી માટે આવકાર્ય છે અને તેનું જે રીતે આયોજન થાય છે, એ જોતાં તે અભિનંદનને પાત્ર પણ છે.

ગુજરાતીમાં સાહિત્યને લગતા કાર્યક્રમ સામાન્ય રીતે એક યા બીજા પ્રકારની વાડાબંધી કે જૂથબંધી અંતર્ગત થતા હોય છે. એ દૃષ્ટિએ લિટફેસ્ટ કોઇ પણ પ્રકારના સાહિત્યિક રાજકારણ વગરનું, નિર્દોષ આયોજન છે. તેમાં ચર્ચાના વિષયોથી માંડીને વક્તાઓની પસંદગી જેવી બાબતમાં અભિપ્રાયભેદ હોઇ શકે, પરંતુ ગુજરાતમાં લખાતા- ગુજરાતી ભાષાનાં લખાણોનો તથા અભિવ્યક્તિનાં બીજાં માધ્યમોનો ઓચ્છવ કરવાના આયોજકોના પ્રયાસ એકદમ ઉમળકાભર્યા લાગે છે. ભાષા માટે કંઇક કરવાની ધગશ, છતાં પરિષદ જેવી ગરીબીપૂર્વક નહીં પણ વ્યાવસાયિક ચુસ્તીથી થતું આયોજન તેની વિશેષતા છે. કેટલીક બાબતમાં કૉર્પોરેટ ટચ ધરાવતા આ ફેસ્ટિવલમાં જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં ગ્રાન્ટ વાપરવા માટે થતા સેમિનારોની જેમ કેવળ રૂપિયા ખર્ચીને છૂટી જવાની વૃત્તિને બદલે શક્ય એટલું સારું કરવાની ચીવટ જોવા મળે છે.

ત્રણ વર્ષ થયા છતાં આયોજકો (સાહિત્યિક સંસ્થાઓના મુખિયાઓ સહજ) મોટા ભા બનવાની લાલચમાંથી બચી શક્યા છે. તેમની આ વૃત્તિના --એટલે કે તેના અભાવના-- કારણે આવનારા ઘણા લોકોને લિટફેસ્ટ સાથે પોતીકાપણું લાગે છે. વક્તા હોય કે શ્રોતા, છેવટે સૌ મેળાના વાતાવરણમાં હળે છે, મળે છે, તસવીરો-સેલ્ફીઓ લે છે, અમદાવાદના કનોરિયા સેન્ટરના રમણીય વાતાવરણમાં મહાલે છે, ફેસ્ટિવલમાં જુદા જુદા વિષયો પર ચાલતી સમાંતર ચર્ચામાં આવ-જા કરે છે, સવાલો પૂછે છે, કાર્યક્રમની બહાર પણ સમાંતર કાર્યક્રમો ને વાતોના અડ્ડા ચલાવે છે. આ કાર્યક્રમમાં જોવા મળતી યુવા ગુજરાતીઓની હાજરી તેને બીજા સાહિત્યિક કાર્યક્રમો કરતાં સારી રીતે જુદો પાડી આપે છે.

અગાઉનાં વર્ષોમાં થતા ત્રણ સમાંતર કાર્યક્રમોને બદલે આ વર્ષે બે કાર્યક્રમો અને એક વર્કશોપ એવું આયોજન હતું. આ લિટફેસ્ટમાં ફિલ્મના વિષયવસ્તુ પર વિશેષ ભાર હોવાથી અંજુમ રજબઅલી, શ્રીરામ રાઘવન, વરૂણ ગ્રોવર જેવાં ફિલ્મઉદ્યોગનાં તેજસ્વી નામોએ લેખનના ક્લાસ લીધા અને તેમના ઑડિયન્સને યાદગાર અનુભવ કરાવ્યો. લિટફેસ્ટની સૌથી મોટી ખૂબી એ છે કે તેમાં સાવ ઉન્નતભ્રૂ થયા વિના કે નીતાંત લોકરંજનીમાં સરી ગયા વિના, બધા પ્રકારની કક્ષાના વક્તાઓનું પ્રતિનિધિત્વ જોવા મળે છે. (એનાં ઉદાહરણ આપવામાં જોખમ છે.:-) આ વર્ષે નવજીવનદ્વારા સંચાલિત પુસ્તકભંડાર પણ લિટફેસ્ટમાં જોવા મળ્યો, તો લિટફેસ્ટ સામે લોકોના વાંધાનું પણ એક સેશન યોજવામાં આવ્યું હતું.

ગુજરાતી લિટફેસ્ટની સૌથી મોટી તાકાત તેની મોકળાશ છે.  તેમાં વક્તાઓ-શ્રોતાઓ વચ્ચેની દીવાલો ઓગળી જાય છે અને મંચ પર કે મંચ સિવાય પણ પરસ્પરની અનુકૂળતા પ્રમાણે નાનાં-મોટાં સેશન શરૂ થઇ શકે છે. માતૃભાષા ખતરેમેંનાં રોદણાં રડવાને બદલે, બીજી ભાષાઓનો છોછ કે વિષયોનો બાધ રાખ્યા વિના, આપણી ભાષા-આપણા સાહિત્યને વહાલ કરવાની આ રીત મઝાની છે.

2 comments:

  1. સાચે જ... ખુબ મજા પડી...

    ReplyDelete
  2. સર.."ગુજરાતી" પહેલા વર્ષે હતો .... છેલ્લા બે વર્ષથી "ગુજરાત" થઇ ગયો છે..

    ReplyDelete