Monday, January 11, 2016

ગુજરાતી ફિલ્મોમાં સફળતા-લોકપ્રિયતા-વૈવિધ્યનું પ્રતીક : મનહર રસકપૂર

ગઇ સદીના છેલ્લા દાયકામાં દેશ રે જોયા દાદા પરદેશ રે જોયાઅને આ સદીના બીજા દાયકામાં બેટરહાફ’-‘કેવી રીતે જઇશ’-‘બે યારજેવી ફિલ્મોથી પ્રેક્ષકોનો નવો વર્ગ થિએટરમાં ગુજરાતી ફિલ્મ જોવા જતો થયો. દેશ રે જોયા..ની સફળતા વિશે અંગ્રેજી ઇન્ડિયા ટુડેમાં અહેવાલ આવ્યો હતો. વર્તમાન ગુજરાતી ફિલ્મોની સફળતા સોશ્યલ નેટવર્કિંગની સાઇટો પર ચર્ચાય છે ને ઉજવાય છે. સુરતના ફિલ્મસંશોધક હરીશ રઘુવંશીએ તૈયાર કરેલા--અને ગુજરાત વિશે ગૌરવ ધરાવનાર સૌ કોઇ જેના માટે કૉલર ઊંચા કરી શકે એવા--ગુજરાતી ફિલ્મ ગીતકોશમાંથી જાણવા મળે છે તેમ, પહેલી ગુજરાતી ફિલ્મ નરસિંહ મહેતા૧૯૩૨માં બની હતી. એ સમયે હિંદી ફિલ્મો બનાવનારા ઘણા સ્ટુડિયોના માલિકો ગુજરાતી હતા. છતાં, બજાર હિંદી ફિલ્મોનું હોવાથી, માલિકો માટે ગુજરાતી ફિલ્મોની પ્રાથમિકતા ન હતી. આ સ્થિતિ થોડાં વર્ષો નહીં, શરૂઆતના દાયકાઓ સુધી ચાલી.

ગુજરાતી ફિલ્મ ગીતકોશમાંથી મળતી વિગતો પ્રમાણે, ૧૯૫૧થી ૧૯૭૦ વચ્ચેના વીસ વર્ષના ગાળામાં ફક્ત ૫૫ ફિલ્મો બની હતી. તેમાંથી આઠ ફિલ્મોમાં મનહર રસકપૂરનું દિગ્દર્શન હતું. (અત્યારે એક વર્ષમાં બનતી ગુજરાતી ફિલ્મોનો આંકડો આનાથી ઘણો વધારે છે) હાલની ગુજરાતી ફિલ્મોમાં અમદાવાદનાં દૃશ્યો જોઇને રોમાંચ અનુભવતા દર્શકોને જણાવવાનું કે મનહર રસકપૂરે દિગ્દર્શીત કરેલી અને જ્યુબિલીકુમારરાજેન્દ્રકુમાર-ઉષા કિરણ જેવા હિંદી સ્ટાર ધરાવતી ગુજરાતી ફિલ્મ મહેંદી રંગ લાગ્યો’(૧૯૬૦)નું ઘણું શૂટિંગ અમદાવાદમાં થયું હતું. હીરો-હીરોઇન (કિલ્લેબંધી વગરના) કાંકરિયાની પાળે ફરતાં હોય એવાં દૃશ્યો અને હિટ ગીતો ધરાવતી આ સામાજિક ફિલ્મને ભારે સફળતા મળી હતી.

મનહર રસકપૂરની કારકિર્દી વિજય ભટ્ટના પ્રકાશ પિક્ચર્સમાં સહાયક તરીકે ૧૯૪૦ના દાયકામાં શરૂ થઇ. તેમનો બાપીકો ધંધો રૂનો. વડવા રસકપૂર (મર્ક્યુરસ ક્લોરાઇડ)માંથી આયુર્વેદીક દવાઓ બનાવતા. એટલે મનહરભાઇના દાદાએ રસકપૂરઅટક અપનાવી લીધી. ૮ મે, ૧૯૨૨ના રોજ જન્મેલા મનહરભાઇને ધંધાનું નહીં, ફિલ્મની કારકિર્દીનું આકર્ષણ હતું. તેમના પરિવાર સાથે વિજય ભટ્ટનો પારિવારિક સંબંધ. એટલે વિજુભાઇએ મનહરભાઇને ફિલમલાઇનમાં ન આવવા બહુ સમજાવ્યા. તું આમાં નહીં ચાલેએ શસ્ત્ર પણ વાપરી જોયું. એ બધું નિષ્ફળ ગયા પછી તેમણે મનહરભાઇને આસિસ્ટન્ટ ડાયરેક્ટર તરીકે રાખ્યા.વિક્રમાદિત્યઅને સમાજકો બદલ ડાલોજેવી પ્રકાશની પાંચેક ફિલ્મમાં સહાયક રહ્યા પછી ૧૯૪૮માં મનહરભાઇએ પોતાની નિર્માણસંસ્થા રૂપછાયા ચિત્રના નેજા હેઠળ પહેલી ફિલ્મ બનાવી : જોગીદાસ ખુમાણ’. (૧૯૬૨ અને ૧૯૭૫માં આ જ નામથી બનેલી બીજી બે ફિલ્મોનું તેમણે દિગ્દર્શન કર્યું.)

Vijay Bhatt (left) with Manhar Raskapoor (right on camera), muhurt shot
કેમેરાની આજુબાજુ વિજય ભટ્ટ (ડાબે) અને મનહર રસકપૂર (જમણે), 1948 

ગુરૂવિજય ભટ્ટે મનહરભાઇની પહેલી ફિલ્મનો પહેલો શૉટ લીધો અને તેમને આશીર્વાદ પણ આપ્યા. અરવિંદ પંડ્યાની મુખ્ય ભૂમિકા ધરાવતું જોગીદાસ ખુમાણ’ (૧૯૪૮) સામાન્ય પ્રેક્ષકોથી માંડીને ર.વ.દેસાઇ જેવા મહાનુભાવોને પણ રિઝવી શક્યું. વિખ્યાત સાહિત્યકાર ર.વ.દેસાઇએ લખ્યું હતું,‘ આજે મેં જોગીદાસ ખુમાણજોયું ...નિર્દેશક વિષયને વફાદાર રહ્યા છે, તેના કારણે પડદા પર આખું વાતાવરણ જીવંત થઇ ઉઠે છે. બહારવટાનું ચિત્રણ આપણા મનમાં વૈચારિક શુદ્ધતાને ઢંઢોળે છે. સમાજને પાંગળો કરતાં પ્રણયદૃશ્યો નહીંવત્‌ છે, તેનાથી ગુજરાતની મોટી સેવા થઇ છે. જેટલાં પ્રણયદૃશ્યો છે, તે પણ સંયમિત છે....જોગીદાસ ખુમાણજેવી ફિલ્મોને હું ચોક્કસ આવકાર આપું.

ગુજરાતી વિષયો પરથી, ગુજરાતીપણાનું ગૌરવ જગાડે એવી ફિલ્મોની મનહરભાઇને લગની હતી. ગુણવંતરાય આચાર્યે તેમની કેટલીક ફિલ્મોમાં કથા-સંવાદ લખ્યા, ‘અમે બધાંજેવી ચિરંજીવ હાસ્યનવલકથા લખનાર જ્યોતીન્દ્ર દવે-ધનસુખલાલ મહેતાની સુપરહિટ લેખકજોડી પાસે મનહરભાઇએ કહ્યાગરો કંથ’ (૧૯૫૦)ના સંવાદ લખાવ્યા. એ ફિલ્મના નિર્માણ સાથે સંકળાયેલા ચાંપશીભાઇ નાગડાએ થોડાં વર્ષ પહેલાં આ લેખક સાથેની વાતચીતમાં જણાવ્યા પ્રમાણે, ધ્વનિમુદ્રણ (સાઉન્ડ)ની ખામીને કારણે એ સંવાદ ઉપસી શક્યા નહીં ને ફિલ્મ પીટાઇ ગઇ. આ જ જોડી પાસે કન્યાદાન’ (૧૯૫૧) જેવી સામાજિક ફિલ્મના સંવાદ તૈયાર કરાવ્યા.

પન્નાલાલ પટેલની ક્લાસિક કૃતિ મળેલા જીવપરથી અને કલાપીની જીવનકથા પરથી એ જ નામે મનહરભાઇના દિગ્દર્શનમાં ફિલ્મો બની. જીવરામ જોષીએ સર્જેલાં બાળવાર્તાનાં અમર પાત્રો મિંયા ફૂસકી-તભા ભટ્ટને મનહરભાઇએ મિંયા ફૂસકી ૦૦૭’ (૧૯૭૮)માં સિનેમાના પડદે જીવતાં કર્યાં. મિંયા ફૂસકી તરીકે સ્ટાર હિંદી કલાકાર જૉની વૉકરની પસંદગી આબાદ હતી. જોકે, એ ફિલ્મ વાચકોના મનમાં ઊભી થયેલી મિંયા ફૂસકીની છબીને ન્યાય આપી શકે એવી બનવાને બદલે, મોટેરાંઓને ધ્યાનમાં રાખીને બનાવાયેલી હાસ્યપ્રધાન ફિલ્મ વઘુ બની રહી.

મૂળુ માણેક’ (૧૯૫૫)માં હીરોઇન તરીકે મનહરભાઇએ તેજતર્રાર અને પ્રતિષ્ઠિત અભિનેત્રી શાંતા આપ્ટેને પસંદ કર્યાં. એટલું જ નહીં, ઇન્દુકુમાર પારેખના સંગીત નિર્દેશમાં તેમની પાસે ત્રણ ગીત પણ ગવડાવ્યાં. એ ઉપરાંત હિંદી ફિલ્મઉદ્યોગનાં પહેલાં સ્ટાર હીરોઇન  સુલોચના-રુબી માયર્સ (કાદુ મકરાણી’, ૧૯૬૦)૧૯૩૦ના દાયકાથી ફિલ્મઉદ્યોગ સાથે સંકળાયેલા હીરો પી. જયરાજ (જોગીદાસ ખુમાણ’,૧૯૬૨), તબસ્સુમ (ઉપર ગગન વિશાળ’,૧૯૭૧), દારાસિંઘ(વાલો નામોરી’,૧૯૭૩) જેવા કલાકારોને ગુજરાતી ફિલ્મોમાં સાંકળ્યા.
Manhar Raskapoor, Sanjiv Kumar on sets
મનહર રસકપૂર, સંજીવકુમાર સેટ પર

સંજીવકુમાર, ઉપેન્દ્ર ત્રિવેદી, અરવિંદ ત્રિવેદી, અરૂણા ઇરાન જેવા આગળ જતાં નામી બનેલા કલાકારોએ તેમની કારકિર્દીની પહેલી કે સાવ શરૂઆતની ફિલ્મોમાં મનહર રસકપૂરના દિગ્દર્શનમાં કામ કર્યું.  મનહરભાઇએ બહારવટિયાઓની ફિલ્મોથી માંડીને સામાજિક-ધાર્મિક-સાહિત્યકૃતિ પર આધારિત, ચરિત્રાત્મક એમ અનેક પ્રકારની ફિલ્મો લોકપ્રિય અંદાજમાં બનાવી. તેમાંથી ઘણી બૉક્સ ઑફિસ પર સફળ થઇ. અખંડ સૌભાગ્યવતીઅને મહેંદી રંગ લાગ્યોજેવી ફિલ્મોએ સિલ્વર જ્યુબિલી કરી. મહેંદી રંગ લાગ્યોમાટે રાષ્ટ્રિય પુરસ્કાર પણ મળ્યો. તેમણે બનાવેલી કેટલીક દસ્તાવેજી ફિલ્મોમાં અમદાવાદ વ્હેર ગાંધી લિવ્ડવિદેશોમાં પણ પ્રદર્શિત અને પુરસ્કૃત થઇ.

હાલોલમાં લકી સ્ટુડિયોનો આરંભ થયો ત્યારે તેમાં પહેલો શૉટ મનહરભાઇએ (સંતુ રંગીલીફિલ્મનો) લીધો હતો અને તેમના જીવનનો અંત પણ એ જ સ્ટુડિયોમાં આવ્યો. સૌરાષ્ટ્રનો સિંહ છેલભાઇ’  (૧૯૮૦)નું કામ લગભગ પૂરું થવામાં હતું, ત્યારે ૧૪મી ફેબ્રુઆરીની સાંજે શૂટિંગ પૂરું કર્યા પછી તેમને હ્લદયરોગનો હુમલો આવ્યો અને તેમનું અવસાન થયું. પરંતુ વૈવિધ્યસભર, લોકભોગ્ય ગુજરાતી ફિલ્મોના સફળ દિગ્દર્શકોની વાત થાય ત્યારે તેમનું નામ પહેલી હરોળમાં મુકાય છે.

(તસવીર સૌજન્ય : જયશેખર મનહર રસકપૂર)

1 comment:

  1. વાહ... ખુબ મજા પડી...

    ReplyDelete