Thursday, May 28, 2015

અગાસીમાં સુવું : એક ઝેન અનુભવ

દુનિયા ગમે તેટલી નાની થઇ હોય, પણ કેટલીક બાબતોમાં રડ્યાર્ડ કિપ્લિંગને યાદ કરીને કહેવું પડે કે ઇસ્ટ ઇઝ ઇસ્ટ, વેસ્ટ ઇઝ વેસ્ટ. આઘ્યાત્મિક પૂર્વ આગળ ભોગવાદી પશ્ચિમ પાણી (કે આસવ) ભરે. પૂર્વના આઘ્યાત્મિક વારસાની શોધમાં ઘણા પશ્ચિમીઓ હિમાલય ખુંદી વળ્યા, સ્વામી-બ્રહ્મચારી-મહર્ષિઓના શિષ્યો બન્યા, ભગવાં સુદ્ધાં પહેર્યાં, પરંતુ કોઇએ તેમને કહ્યું નહીં કે ‘આટલો દાખડો કર્યા વિના, એક વાર ઉનાળામાં અગાસીમાં સુઇ જુઓ. પછી જીવતે જીવ મોક્ષનો અનુભવ ન થાય તો કહેજો.’ પશ્ચિમની ઠંડી ૠતુથી ટેવાયેલા અને પ્રાયવસીની પૂંછડી જેવા લોકોને અગાસી જેવી, આમ ખાનગી પણ આમ જાહેર જગ્યાએ, સુવાની કલ્પના પણ ક્યાંથી આવે?

આ વાંચીને પૂર્વના લોકોને પણ નવાઇ લાગે કે હસવું આવે, તો આશ્ચર્ય નથી. કારણ કે અગાસીનું ‘મોક્ષદાયિની’ સ્વરૂપ પૂર્વના લોકો  સુદ્ધાં ભૂલતા ચાલ્યા છે. ફ્‌લેટ-સંસ્કૃતિમાં અગાસી સહિયારી હોવાથી તેના પ્રત્યે મમત્વ જાગતું નથી અને પોતીકી અગાસીવાળા ઘણા સારેવડાં-વડી-કાતરી સૂકવવામાં અગાસીનો ઉપયોગ કરીને સંતોષ માને છે. આ તો શાલિગ્રામથી (મૂર્તિથી) ચટણી વાટવા જેવી કે તલવારથી દૂધી સમારવાની વાત થઇ. એક દિવસ પશ્ચિમમાંથી કોઇ ખંતીલો જાગશે, તે અગાસીમાં સુવાના ફાયદા વિશે પુસ્તક લખશે. તેમાં એ કહેશે ‘અમેરિકાના તેર પ્રમુખો, બાવીસ અભિનેતા-અભિનેત્રીઓ, સત્યાવીસ વિજ્ઞાનીઓ અને જાહેર જીવનના બીજા ઘણા લોકો જીવનના કોઇ ને કોઇ તબક્કે અગાસીમાં સુતા હોવા જોઇએ. એ સિવાય તે આટલા મહાન થાય નહીં.’ એ પુસ્તક બેસ્ટ સેલર થશે અને ભારતની ફુટપાથો પર તેની પાયરેટેડ નકલો વેચાવા લાગશે, ત્યારે આપણા લોકો માથું ખંજવાળતા વિચારશે, ‘સાલું, આપણી જ વસ્તુ ને એની કિંમત પારકાએ સમજાવી...પણ આપણા માટે એની ક્યાં નવાઇ છે?’

ફેસબુક પર મળતી લાઇક-સંખ્યાને ગંભીરતાથી લેતા ઘણા લોકો અગાસી પર સુવાની વાતને બહુ હળવાશથી લે છે. હકીકતમાં, હિમાલયમાં રહેવા માત્રથી યોગી થઇ જવાતું નથી, તેમ અગાસી પર સુવા માત્રથી ‘ઝેન અનુભવ’ પ્રાપ્ત થતો નથી. તેના માટેની સૌથી પહેલી શરત છે પંખા-એસીનો મોહ તજવો અને તેના પવનની બહાર પણ ઠંડક હોઇ શકે છે, એવી ભૂમિકા મનમાં તૈયાર કરવી. અગાસીમાં સૂવું જેમને ‘ડાઉનમાર્કેટ’ ક્રિયા લાગતી હોય, તેમણે એવું આશ્વાસન લેવું કે એક વાર એ લોકો અગાસી-શયનના બ્રાન્ડ ઍમ્બેસેડર બનશે-અગાસીમાં સુતા થશે, ત્યાર પછી અગાસીમાં સુવાની ફેશન આવશે અને એ રીત અપમાર્કેટ ગણાવા લાગશે. આરોગ્યપરસ્ત --અને ખાસ તો આરોગ્યના મામલે ફેશનપરસ્ત--દેખાવા ઇચ્છતા લોકો એવું જાહેર કરી શકે, ‘અમને હવા પણ ઑર્ગેનિક જ ફાવે છે. એટલે રાત્રે મશીન એર લેવાને બદલે અમે અગાસીમાં સુઇ જઇએ છીએ. એ થોડું ચીપ છે, પણ હેલ્થ માટે કંઇક બલિદાન તો આપવું પડે.’

શહેરોમાં--અને વાહનો વધ્યા પછી ગામડાંમાં પણ--અગાસીની હવા ઑર્ગેનિક હોય એની કોઇ ખાતરી નથી. પણ એવી ખાતરી ઑર્ગેનિકના નામે વેચાતી કેટલી ચીજો માટે આપી શકાય? લોકોને બીજી ખબર પડે કે ન પડે, એટલું તરત સમજાઇ જાય છે કે અગાસીની હવા ઑર્ગેનિક હોય કે ન હોય, ઠંડી જરૂર હોય છે. રાત્રે ઘરના ઉકળાટમાંથી કંટાળ્યા પછી અગાસીનું બારણું ખોલતાં ઠંડકનો મીઠો અહેસાસ થાય છે. ‘મેટ્રિક્સ’ ફિલ્મના બીજા ભાગમાં એક દૃશ્યમાં, શહેરની વચ્ચે આવેલા મકાનનો દરવાજો તિલસ્મી રીતે બારોબાર કોઇ પહાડી પર ખુલે છે. અગાસીનું બારણું ખોલતાંવેંત ઠંડક વરતાય એટલે ઘડી- બે ઘડી માટે ‘મેટ્રિક્સ’ જેવું તો નથી થયું ને?--એવો વિચાર આવી જાય છે. પણ અગાસીની ઠંડક ભ્રમ નહીં, સત્ય છે તેની ખાતરી થતાં માણસને ‘આ તો મારે જોઇતું હતું...આની તો મને તલાશ હતી...મારી શોધ પૂરી થઇ’ એવી અઘ્યાત્મરંગી લાગણીઓ થઇ શકે છે.

મનની ઇચ્છાથી નહીં, પણ પોતાના ‘ધંધા’ના પ્રતાપે બાવા બનતા લોકો, બાવા બન્યા પછી પણ બાવાહિંદી બોલવા સિવાય ખાસ કશું ઉકાળી શકતા નથી. એવી જ રીતે, કોઇના આગ્રહને વશ થઇને, છેલ્લી ઘડીએ અગાસીમાં સુવા આવનારા મોટે ભાગે દિવ્ય અનુભૂતિ પામી શકતા નથી. અગાસીની ઠંડક પૂરેપૂરી માણવા માટે વેળાસર પથારી કરવાનું ભારે માહત્મ્ય છે. પહેલાંના વખતમાં આખો દિવસ ધીકેલી અગાસીને રોજ સાંજે પાણીની ડોલ રેડીને સ્નાન કરાવવામાં આવતું. ત્યાર પછી સુકાયેલી અગાસીમાં પથારી કરીને તેને ઠંડી થવા મુકાતી. હવે વિવિધ કારણોથી એ શક્ય બનતું નથી, પણ વેળાસર પથારી કરવાનો મહિમા અખંડ રહ્યો છે.

આવી ઠંડી થયેલી પથારીમાં લંબાવવાનો આનંદ બળબળતી તરસ પછી નવા માટલાનું ઠંડું પાણી પીવા જેવો હોય છે. પથારીમાં પડનારને બત્રીસે કોઠે દીવા નહીં, બત્રીસે કોઠે ‘એર કૂલર’ થાય છે એવું સહેજ અતિશયોક્તિ સાથે કહી શકાય. પ્રકાશનું પ્રદૂષણ ઓછું હોય એવા વિસ્તારોમાં અગાસી જમીનથી હોય એના કરતાં ઘણી વધારે દૂર અને આકાશથી હોય એના કરતાં ઘણી વધારે નજીક લાગે છે. ‘ચલો દિલદાર ચલો, ચાંદકે પાર ચલો’માં આવતી પંક્તિ ‘આજ ખો જાયે સિતારોંમેં કહીં’ સાકાર થતી જણાય છે. સંસ્કૃત સાહિત્યમાં નિર્વસ્ત્ર અવસ્થા માટે ‘દિશાઓનાં વસ્ત્ર ઓઢીને’ એવો પ્રયોગ આવે છે. એવી રીતે અગાસીમાં સુનારને રજાઇ-ચોરસાને બદલે તારાજડિત આકાશી ચાદર ઓઢ્‌યાનો ભાસ થઇ શકે છે. અંધારિયાં હોય ત્યારે તારાનો ટમટમાટ અને અજવાળિયાં હોય ત્યારે ચંદ્રની સંગતમાં ખંજરી-મંજીરા-ટ્રાયેન્ગલ વગાડતા તારાઓનું પૂરક સંગીત અગાસીનશીનને સાંભળવા મળી શકે છે--જો કાનમાં અને મનમાં તેના પ્રવેશની ગુંજાશ હોય તો.

આયુર્વેદમાં ‘અગાસી-ચિકિત્સા’નો ઉલ્લેખ હોત, તો કેટલાક આયુર્વેદાચાર્યો  (દર્દીની) છાતી ઠોકીને કહેતા હોત કે અગાસીમાં સુવાથી  એઇડ્‌સ, સ્વાઇન ફ્‌લુ સહિતના અનેક રોગો મટાડી શકાય છે. આયુર્વેદાચાર્યો જેટલી હિંમત કેળવાઇ ન હોય, તો પણ એટલું કહી શકાય કે ઘરમાં ‘હું-મારું-પોતાનું’માં કેદ માણસ અગાસીમાં સુએ એટલે ખરા અર્થમાં વિશ્વનાગરિકત્વ પ્રાપ્ત કરે છે. ના, એને શાંઘાઇ કે સીઓલમાં વડાપ્રધાન કરતા ભાષણનો અવાજ સંભળાતો નથી, પણ ઘરથી પાંચ-દસ ફળિયાં કે પાંચ-પંદર સોસાયટી દૂર, માઇકમાં મોં ખોસીને ભજનો ગાતા હોંશીલા ભજનિકો અને આસુરી ઘોંઘાટ મચાવતાં ડીજેનાં સ્પીકર સાથે તેનું સીઘું સંધાન થાય છે. પરોઢિયે આસપાસની મસ્જિદ કે મસ્જિદોમાંથી નમાઝના નામે ચચ્ચાર માઇક  પરથી થતો ઘોંઘાટ અગાસીમાં સુતેલા જણની મીઠી ઉંઘ પર ઓચિંતો હુમલો કરે, ત્યારે ‘હાય, કમબખ્તકો કિસ વક્ત ખુદા યાદ આયા’ એવી શાયરાના લાગણી અગાસીમાં સુનારને જરા જુદા સંદર્ભે થાય છે.

આ બધાં વિઘ્નો એ હકીકત તરફ આંગળી ચીંધતાં રહે છે કે મોક્ષનો માર્ગ કદી આસાન નથી હોતો અને સમસ્યાઓથી ભાગીને કદી મોક્ષ મેળવી શકાતો નથી. તેમને પચાવ્યા પછી જે પ્રાપ્ત થાય, એ જ અસલી શાંતિ, ખરો ઝેન અનુભવ. 

Tuesday, May 26, 2015

ભૂતકાળ બની ચૂકેલા ભારત-ચીન સદ્‌ભાવનું કાયમી પ્રતીક : ડૉ.દ્વારકાનાથ કોટનિસ

યુદ્ધકથા અને પ્રેમકથા--એમ બબ્બે રમ્ય કથાઓના નાયક,  વી.શાંતારામ કૃત ‘ડૉ.કોટનિસકી અમર કહાની’ જેવી ફિલ્મના ચરિત્રનાયક ડૉ.દ્વારકાનાથ કોટનિસને, આગળ જતાં ગુજરાતના પહેલા મુખ્ય મંત્રી બનેલા ડૉ.જીવરાજ મહેતા સાથે શો સંબંધ હતો?

Dr.Dwarkanath Kotnis / ડો.દ્વારકાનાથ કોટનિસ

Poster of V.Shantaam's film Dr.Kotnis ki Amar Kahani

ડૉ.કોટનિસની કથા ટૂંકમાં આટલી જ : તબીબી કારકિર્દીના આરંભે સેવાભાવથી પ્રેરાઇને તે યુદ્ધગ્રસ્ત ચીનમાં ગયા, ચીની યુવતી સાથે પ્રેમમાં પડ્યા-પરણ્યા અને અકાળે અવસાન પામ્યા. પરંતુ બે લીટીની આ કથાની વિગતમાં એટલો મસાલો ઠાંસીને ભરેલો છે કે વી.શાંતારામ જેવા પ્રયોગશીલ ફિલ્મસર્જકને આખેઆખી ફિલ્મ બનાવવાનું --અને તેમાં પોતે ડૉ.કોટનિસની ભૂમિકા ભજવવાનું--મન થાય, માતબર પ્રદાન કરનારા વિદેશીઓ તરીકે ડૉ.કોટનિસનું નામ ચીનમાં હજુ પણ માનપૂર્વક ગણાતું હોય, ચીની પાઠ્યપુસ્તકોમાં તેમની કથા હોય, એકવીસમી સદીમાં પણ ભારતની મુલાકાતે આવનારા ચીનના વડાઓ અચૂક ડૉ.કોટનિસનાં વૃદ્ધ બહેનની- તેમના પરિવારની  મુલાકાત લેવાનું અને ડૉ.કોટનિસ પ્રત્યે ચીનની કૃતજ્ઞતા વ્યક્ત કરવાનું ન ચૂકે.

અલબત્ત, ચીનના સત્તાધીશોને ડો.કોટનિસ માટે છે એવો ભાવ ભારત માટે નથી. ભારત-ચીન વચ્ચે ૧૯૬૨માં થયેલા યુદ્ધ પછી બન્ને દેશો વચ્ચેના સંબંધમાં ઊંડી ખાઇ સર્જાઇ. ચીનની ખોરી દાનત ત્યાર પછી કદી સુધરી હોય એવું લાગ્યું નથી. ચીનના વર્તમાન પ્રમુખના ભારતપ્રવાસ અને ભારતના વર્તમાન વડાપ્રધાનના ચીનપ્રવાસ પછી પણ બન્ને વચ્ચે રહેલી અવિશ્વાસની ખાઇ એમ પુરાય એવી નથી. (વર્તમાન વડાપ્રધાને ચીનમાં જે કંઇ કર્યું, તે કોઇ કૉંગ્રેસી વડાપ્રધાને કર્યું હોત, તો આ જ ભાજપી નેતાઓ કેવી કાગારોળ મચાવતા હોત એ કલ્પી શકાય એવું છે.)

ચીનના મુદ્દે પંડિત નેહરુએ મોટું ગોથું ખાઘું, એ ઐતિહાસિક હકીકત છે, પરંતુ ચીન પ્રત્યેના તેમના ભાવની શરૂઆત આઝાદ ભારતનું વડાપ્રધાનપદું સંભાળ્યાના એકાદ દાયકા પહેલાંથી થઇ ચૂકી હતી. એ વખતે ભારત સામ્રાજ્યવાદી બ્રિટનના સકંજામાં હતું, જ્યારે ચીનમાં સામ્રાજ્યવાદી જાપાનનો આતંક હતો. સહસ્ત્રાબ્દિઓ જૂની સંસ્કૃતિઓ ધરાવતા આ બન્ને દેશો વચ્ચે પ્રાચીન ગૌરવ અને વર્તમાનકાળની વેદનાનો સંબંધ હતો. બન્ને અમુક રીતે સમદુઃખિયાં હતાં. એટલે બન્ને દેશોના ટોચના લોકનેતાઓને એકબીજાના દેશની અવદશા અંગે સહાનુભૂતિ હોય, એ સમજી શકાય એવું હતું.

ચીનના કેટલાક પ્રાંતોમાં જાપાનના લશ્કરી કબજા સામે ચીની સૈન્યે લડાઇ આદરી હતી, પણ તેમની દશા કેવી હતી તેનું બયાન ચીનના મોરચે કાર્યરત અમેરિકન મહિલા પત્રકાર એગ્નેસ સ્મેડ્‌લીના ૨૩ નવેમ્બર, ૧૯૩૭ના પત્રમાંથી અને ચીની સેનાપતિ-નેતા ચુ તેહના ૨૬ નવેમ્બર, ૧૯૨૭ના પત્રમાંથી મળે છે. ચુ તેહે લખ્યું હતું, ‘..હજારોની સંખ્યામાં કામદારો, ખેડૂતો અને વિદ્યાર્થીઓ... સામ્રાજ્યવાદી સૈન્ય સામે સ્વયંસેવક ટુકડીઓમાં લડી રહ્યા છે. આ સ્વયંસેવકો પસે શસ્ત્રો તો છે, પરંતુ તેમની પાસે શિયાળાનાં કપડાં નથી, કામળા નથી, જોડા નથી...તેમને માટે અમે અહીં ચીનમાં તેમ જ પરદેશમાં નાણાં એકઠાં કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ...અમે જાણીએ છીએ કે અમે કેવળ ચીની રાષ્ટ્ર અને ચીની પ્રજાની જ નહીં, સમગ્ર એશિયાની લડત લડી રહ્યા છીએ તથા પીડિત રાષ્ટ્રો અને પીડિત વર્ગોની મુક્તિ માટેના વિશ્વસૈન્યનો એક ભાગ છીએ. મહાન હિંદી પ્રજાના તમારા જેવા એક મહાન નેતા પાસેથી અમારી લડતમાં હરેક રીતે મદદ માગવાનું આ ભાનથી અમને ઉચિત લાગે છે...અમે નાણાંકીય મદદ આવકારીશું, દાક્તરી સામગ્રી અને શસ્ત્રક્રિયા માટેનાં સાધનો આવકારીશું, અમે યુદ્ધકાર્યની તાલીમ પામેલાં સર્જનો અને નર્સોને આવકારીશું...જાપાનીઓ ચીનને ગુલામ બનાવવામાં સફળ થશે તો એશિયાની કોઇ પણ પ્રજા ઘણાં વરસો સુધી--કદાચ દસકાઓ સુધી--પોતાની મુક્તિ મેળવી શકશે નહીં. અમારી લડત એ તમારી લડત છે...’ (‘કેટલાક જૂના પત્રો’, પૃ.૨૯૦-૨૯૩, નવજીવન પ્રકાશન)

આ પત્રોના પ્રતિભાવમાં પંડિત નેહરુએ ૯ જાન્યુઆરી, ૧૯૩૮ના રોજ ‘ચાયના સૉલિડારિટી ડે’ મનાવવાની અપીલ કરી અને ભારત તરફથી સદ્‌ભાવના પ્રતીક રૂપે ચીનમાં એક તબીબી ટુકડી મોકલવાની જાહેરાત કરી. કેમ કે, એ લડાઇ સામ્રાજ્યવાદ સામેની હતી અને ભારત પણ જુદી રીતે સામ્રાજ્યવાદ સામેની લડાઇ લડી રહ્યું હતું. તબીબી ટુકડીની પસંદગી માટે મુંબઇની જી.એસ.મેડિકલ કૉલેજના ડીન  ડૉ.જીવરાજ મહેતાની આગેવાની હેઠળ એક સમિતિ બનાવવામાં આવી.  મહારાષ્ટ્રના સોલાપુરમાં ૧૦ ઑક્ટોબર, ૧૯૧૦ના રોજ જન્મેલા દ્વારકાનાથ કોટનિસ ત્યારે પોતાનો તબીબી અભ્યાસ પૂરો કરીને વઘુ અભ્યાસ અંગે વિચારી રહ્યા હતા.
Pandit Nehru- Dr.Jivraj Mehta / પંડિત નેહરુ- ડો.જીવરાજ મહેતા

ડૉ.જીવરાજ મહેતા જે કૉલેજના ડીન હતા, એ જી.એસ.મેડિકલ કૉલેજમાં જ કોટનિસ ભણ્યા હતા. પણ કોટનિસે પ્રવેશ લીધો એ અરસામાં ડૉ.જીવરાજ મહેતાને સત્યાગ્રહના આંદોલનમાં ભાગ લેવા બદલ જેલમાં જવાનું થયું. ‘ધ બ્રિજ ફૉર એવર’ નામે ડૉ.કોટનિસનું જીવનચરિત્ર લખનાર તેમના ભાઇ એમ.એસ.કોટનિસે પુસ્તકમાં નોંઘ્યું છે કે ડૉ.મહેતાની જગ્યાએ આવેલા બીજા ડીન (ડૉ.ખાનોલકર) સામે વિદ્યાર્થીઓએ પોતાની માગણી રજૂ કરતું ઉગ્ર આંદોલન ચલાવ્યું અને કોટનિસ જાહેરમાં ડીન વિશે આકરા શબ્દો બોલ્યા. એટલે આંદોલન પૂરું થઇ ગયા પછી ડીને કોટનિસ એક જ શરતે ‘સારી ચાલચલગત’ના પ્રમાણપત્ર પર સહી કરી આપવા કહ્યું : તમારે કૉલેજ બદલી નાખવી પડશે. એટલે એમ.બી.બી.એસ.ના બીજા વર્ષથી તેમણે મુંબઇની ગ્રાન્ટ મેડિકલ કૉલેજમાં પ્રવેશ લીધો. ૧૯૩૬માં અભ્યાસ પૂરો થયા પછી એક તરફ આગળ અભ્યાસની તાલાવેલી હતી અને બીજી તરફ થાળે પડવાની વાત હતી. કુટુંબીજનોને તો તેમને પરણાવવાની ઉતાવળ પણ હોય.

એવામાં પંડિત નેહરુની ચીન જવાની અપીલ આવી. ૨૯ જૂન, ૧૯૩૮ના રોજ મુંબઇમાં ‘ચીન દિવસ’ તરીકે મનાવવામાં આવ્યો. એ દિવસે ડૉ.કોટનિસે તબીબી ટુકડી પસંદ કરનાર સમિતિના અઘ્યક્ષ ડૉ.જીવરાજ મહેતાને પત્ર લખ્યો અને તેમને મળવા ગયા. ડૉ.મહેતાએ ચીન જવામાં રહેલી તકો અને ખાસ તો જોખમો વિશે ડૉ.કોટનિસને વિગતે વાત કરી. પરંતુ ડૉ.કોટનિસ નિર્ણય લઇ ચૂક્યા હતા. પિતાને પત્રમાં તેમણે લખ્યું, ‘ડૉ.જીવરાજ મહેતાએ મારા નિર્ણયની વિપરીત બાજુ ચીંધી બતાવી છે. જીવનું જોખમ, ઉચ્ચ અભ્યાસમાં વિઘ્ન, સારી નોકરીની તક ગુમાવવી--આ બધાને હું વિપરીતતા ગણતો જ નથી.’

ડૉ.કોટનિસના પિતા અને પરિવારજનોને આ નિર્ણય ન ગમ્યો. તેનું એક કારણ એ પણ હતું કે આ ટુકડી ‘સરકારી’ ન હતી. બ્રિટિશ સરકારના ટેકો કે માન્યતા વિના, ફક્ત કૉંગ્રેસ તરફથી સદ્‌ભાવપૂર્વક મોકલાયેલી ટુકડીના સભ્ય તરીકે તેમણે જવાનું હતું. એટલે કશા સરકારી લાભ મળે એમ ન હતા. જીવ ગુમાવવાનો આવે તો પણ ‘સત્તાવાર શહીદ’નું માન મળે એમ ન હતું. તેમ છતાં, ડૉ.કોટનિસની સમજાવટથી તેમના પિતા માન્યા. મુંબઇ આવીને એ ડૉ.જીવરાજ મહેતાને પણ મળ્યા અને તેમની સાથે વાતચીત કરીને સંતુષ્ટ થયા. આખા પ્રોજેક્ટને કૉંગ્રેસનો પૂરો ટેકો હતો અને તેનો ખર્ચ પણ કૉંગ્રેસ ઉપાડવાની હતી. સોલાપુરમાં આ સમાચાર પહોંચ્યા ત્યારે લોકોને પહેલાં આશ્ચર્ય થયું. કારણ કે ડૉ.કોટનિસના પિતા સ્થાનિક રાજકારણમાં કૉંગ્રેસથી દૂર રહેતા હતા અને તેમનો દીકરો પંડિત નેહરુ પ્રેરિત ટુકડીનો સભ્ય બનીને, જીવ જોખમમાં મૂકીને ચીન જઇ રહ્યો હતો.

શરૂઆતનું આશ્ચર્ય ઓસર્યા પછી તેમનાં સન્માનો શરૂ થયાં. ચીનના કૉન્સેલ જનરલે મુંબઇની તાજમહાલ હૉટેલમાં આખી તબીબી ટુકડીને પાર્ટી આપી. તેમાં ડૉ.કોટનિસ ઉપરાંત સ્પેનના ગૃહયુદ્ધ દરમિયાન ત્યાં સેવા આપી ચૂકેલા ડૉ.મોહનલાલ અટલ, ડૉ. એમ.આર.ચોલકર, ડૉ.બિજોયકુમાર બાસુ અને ડૉ. દેબેન મુખરજી- એમ પાંચ જણ હતા. મુંબઇમાં તેમના માનમાં જાહેર કાર્યક્રમ થયો. તેમાં સરોજિની નાયડુએ પાંચે ડૉક્ટરને બિરદાવ્યા અને ‘આ લોકો સેવા કરવામાં જરાય પાછી પાની નહીં કરે અને જે કંઇ બલિદાન આપવું પડે તે આપશે’--એવી આશા વ્યક્ત કરી. તેેમની અપેક્ષા ડૉ.કોટનિસનાં પરિવારજનો માટે ‘ચિંતા’ હતી. તેમ છતાં, પોતાના પરિવાર સાથે પડાવેલી સમુહ તસવીર અને માએ આપેલી ચાંદીની લોટી સાથે ડૉ.કોટનિસ ૧ સપ્ટેમ્બર, ૧૯૩૮ના રોજ એસ.એસ.રાજપુતાના સ્ટીમરમાં ચીન જવા ઉપડ્યા.
(વધુ આવતા સપ્તાહે)

Wednesday, May 20, 2015

માન ન માન, મૈં તૈરા, સલમાન

(નોંધ : સલમાનખાનના બચાવમાં લખાયેલા ઘણા હાસ્યાસ્પદ લેખ પછી, ફૉર અ ચેન્જ, આ સલમાનખાન/Salman Khanના બચાવમાં લખાયેલો  હાસ્યલેખ છે.)

દારૂ પીને ગાડી ચલાવવી અને ફૂટપાથ પર સૂઇ જવું--આ બન્ને વચ્ચે શો સંબંધ છે? આમ તો કશો નહીં, પણ સલ્લુઓથી અને લલ્લુઓથી, આઇ મીન, અમારા જેવી સેલિબ્રિટીઓથી જલતા લોકોએ મોકો ઝડપી લીધો. એ બધા લઇ પડ્યા કે સલમાને દારૂ પીને ગાડી ચલાવી ને ફૂટપાથ પર સૂતેલા લોકોને કચડી નાખ્યા. કેમ જાણે, સલમાને પેલાં ચિંકારાની જેમ ફૂટપાથના લોકોનો પણ જાણી જોઇને શિકાર કર્યો હોય.

ઉપ્સ...જરા ખોટી ઉપમા અપાઇ ગઇ, પણ અમે તો ‘ડગલું ભર્યું કે ન હઠવું’વાળા નર્મદની ભૂમિનાં સંતાન છીએ... તમે ઐશ્વર્યા રાયને બદલે ચિંકારા બનીને સલમાનખાનની આજુબાજુમાં ફરતા હો તો ભોગ તમારા. એમાં સલમાનખાન શું કરે?

ડબલ ઉપ્સ...સલમાનવાળી વાતમાં ઐશ્વર્યાને યાદ કરવા જેવી નહોતી. અક્કલમઠ્ઠાઓ ફરી નકામું લઇ પડશે કે સલમાને એને ઘેર જઇને બારણાં ભટકાડેલાં ને ઝપાઝપી કરેલી ને એવું બઘું...આ  બૌદ્ધિકતાનો વહેમ ધરાવતા બુદ્ધિના લઠ્ઠ ડફોળશંખો અને બુદ્ધુઓ  (શાબ્દિક ‘ભાઇગીરી’માં આપણે બી સલમાન) એ ભૂલી જાય છે કે સલમાન તો ‘બીઇંગ હ્યુમન’નો કેસ છે. એણે કરોડો રૂપિયાની સખાવતો કરી છે, લાખો ગરીબોને હૈયાસરસાં ચાંપ્યાં છે, મધર ટેરેસા તો મિશનરી હેતુથી સેવા કરતાં હતાં, જ્યારે સલમાને નીતાંત પરગજુપણાથી અને કોઇ અપેક્ષા વિના આવાં કામ કર્યાં છે. તમે ટીકાખોરોએ આમાંનું કશું કર્યું છે? બસ, તો પછી મોં બંધ રાખો અથવા પેલું વિખ્યાત ભજન ગાવ, ‘ઓ કરુણાના કરનારા, તારી કરુણાનો કોઇ પાર નથી.’ અહીં કરુણાનો કરનાર એટલે ઇશ્વર નહીં, સલમાનખાન.

દોઢડાહ્યાઓ પૂછશે કે આ બધી વાતોનો સલમાનના ‘હિટ એન્ડ રન’ સાથે શો સંબંધ છે? હું કહું છું, ભલે એને (ગાડીના) ભટકાવ સાથે સંબંધ ન હોય, (સલમાનના) બચાવ સાથે તો છેે...અને બચાવપક્ષના વકીલની પવિત્ર ફરજ યેનકેનપ્રકારે પોતાના અસીલના ગુનાને શક્ય એટલો નાનો દર્શાવીને, ‘કિંતુ-પરંતુ’ અંદાજમાં બીજી વિગતોનો ખડકલો કરવાની અને લોકોને તેમાં તાણી જવાની હોય છે--આવું હું નહીં, ભારતનું બંધારણ કહે છે.

તમે જ વિચારો. આ તે કંઇ વાત થઇ? સલમાનખાન  સેલિબ્રિટી છે, એટલે દંભીઓ એને શૂળીએ ચડાવવા બેસી ગયા. આપણા દેશની આ જ તકલીફ છે. (તા.ક. આ વિધાન પૂરતી મારી ગણતરી ‘આપણા દેશ’માં --કે ‘દંભી’માં પણ --ન કરવી.) બિચારો સલમાન દિવસભર કેટલું કામ કરે છે, કેટકેટલી નવોદિતાઓને તેણે ફિલ્મઇન્ડસ્ટ્રીમાં લૉન્ચ, સ્ટીમલૉન્ચ અને સબમરીન કરી. આ પ્રદાન બદલ સલમાનને અબઘડી દાદાસાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કરવાને બદલે તેને જેલમાં ચક્કીપિસિંગ કરાવવાનો વિચાર જ કેટલો હીન છે. કાલિદાસે...ના, ભવભૂતિએ...ના, કદાચ મેં જ લખ્યું હતું કે આવા સત્પુરૂષોને હેરાન કરવામાં આવે ત્યારે કુદરત પણ રોષે ભરાય છે. (તા.ક.- ગયા અઠવાડિયે વાવાઝોડા સાથે માવઠું થયું હતું.)

એક કામઢો, કામગરો, કુંવારો માણસ, દિવસભરનો થાક્યોપાક્યો, રાત પડ્યે દારૂબંધી ન હોય એવા શહેરમાં નવ ટાંક દારૂ પીએ ને એ પછી પણ પોતાની સજ્જનતા ન છોડે, બીજા પાસે મહેનત કરાવવાને બદલે ગાંધી-તૉલ્સ્તોયચીંઘ્યા માર્ગે જાતે શરીરશ્રમ કરે એટલે કે પોતાની ગાડી જાતે ચલાવે, ગીતાના સિદ્ધાંત પ્રમાણે પોતાના કર્મફળની અપેક્ષા ન રાખે, એટલું જ નહીં, કર્મફળ સામેથી-પરાણે મળતું હોય તો પણ તેનો ધરાર અસ્વીકાર કરે અને સ્વાશ્રય, સ્વાવલંબન, અંગમહેનત જેવા પોતાના મહાન ગુણોની છાપરે ચઢીને (એટલે કે ફાઇવ સ્ટાર હૉટલના ટૉપ ફ્‌લોર પર પ્રેસ કૉન્ફરન્સ ભરીને) જાહેરાત કરવાને  બદલે,  ‘મૈં નહીં માખન ખાયો’ જેવા કૃષ્ણસહજ ચાર્મથી ભરી અદાલતમાં કહે, ‘મૈં નહીં ગાડી ચલાયો’ -- આવા માણસને જેલમાં ધકેલવાના કારસા કરવાના હોય કે એને સવાયો ગાંધીવાદી ગણીને ગુજરાત વિદ્યાપીઠના ભાવિ કુલપતિ તરીકે તેનો વિચાર કરવાનો હોય? પણ જડ ગાંધીવાદીઓને મારા જેવા મૌલિક વિચારો આવતા નથી ને પછી બધા ભેગા થઇને કકળાટ મચાવે છે કે ગાંધીની વિચારધારા મરી પરવારી. તે બીજું થાય પણ શું?

એવું ન માનતા કે હું સમજ્યા વિના, અદ્ધરતાલ ઝીંક્યે રાખું છું. મેં અભ્યાસ કર્યો છે. (છતાં ઝીંક્યે રાખું છું.) હું એમ નથી કહેતો કે સલમાનખાનની કાર નીચે લોકો કચડાઇ નથી ગયા. (મારી તટસ્થતા અને સત્યપ્રિયતાનો આનાથી મોટો પુરાવો બીજો કયો હોઇ શકે?) હું એમ પણ નથી કહેતો કે સલમાનખાને દારૂ નહોતો પીધો. (હવે તો સત્યનિષ્ઠાની બાબતમાં તમારે મને ગાંધીસમકક્ષ ગણવો જોઇએ.) અરે, હું તો એટલે સુધી કહેવા તૈયાર છું કે ફુટપાથ પર સુતેલા લોકો મરી જાય એ સારું ન કહેવાય. (આ બાબતમાં મધર ટેરેસા સાથે મારી સરખામણી ઠીક રહેશે. શું કહો છો?)

મને આક્રોશ એ વાતનો છે કે બીજા સેંકડો અકસ્માતો થાય છે ને કંઇક આરોપીઓ છૂટા ફરે છે ત્યારે કોઇ કશું બોલતું નથી ને બિચ્ચારા સલમાન પર સૌ તૂટી પડ્યા છો? ફટ્‌ છે તમને અને તમારાં બેવડાં ધોરણોને. બેવડાં ધોરણો રાખનારા દંભીઓએ આ દેશને જેટલું નુકસાન કર્યું છે, એટલું બીજા કોઇએ નથી કર્યું. એ તો ઠીક છે કે ત્રેવડાં, ચોવડાં ને અનેક-વડાં ધોરણ રાખનાર અમારા જેવી ‘બહુમુખી’ પ્રતિભાઓથી આ દેશનું સત્‌ ટકી રહ્યું છે. બાકી, મારો પોઇન્ટ બ્લેન્ક સવાલ છે : સલમાન જેવા બીજા ‘હિટ એન્ડ રન’ થાય ત્યારે તમે ક્યાં જાવ છો? (‘સલમાન વખતે તમે જતા રહ્યા છો ત્યાં’--આવો જવાબ આપવાની મનાઇ છે.)

ચોખલિયાઓ કહે છે કે અમે સલમાનના ‘હિટ’ની જ વાત કરીએ છીએ, ‘રન’ની વાત નથી કરતા. બોલો, જે ડફોળોને એટલી પણ ખબર નથી કે રન તો ક્રિકેટમાં હોય, કોર્ટ કેસમાં નહીં-- એવા લોકો આવી ગંભીર ચર્ચામાં ઝંપલાવે છે ને અમને શીખામણ આપવા આવી પડે છે. હેંહેંહેં...આ તો અમારામાં પણ સેન્સ ઑફ હ્યુમર છે એ દર્શાવવાનો પ્રયાસ હતો. સિરીયસલી, સલમાનના અક્કલબુટ્ઠા ટીકાકારોને એટલી પણ ખબર નથી પડતી કે સલમાને અકસ્માત પછી ઘટનાસ્થળે ન રહીને કેટલું મહાન કાર્ય કર્યું. ફૂટપાથ પર ગાડી ચડાવી દીધા પછી સલમાનખાન  ગાડીમાંથી નીચે ઉતર્યો હોત તો, એક તરફ ફૂટપાથ પર લાશ પડી હોત અને એના કાલુડા-ઘેલુડાઓએ એના ઑટોગ્રાફ લેવા ને સેલ્ફી પડાવવા હડી કાઢી હોત. સલમાન એટલો માનવતાવાદી છે કે મૃતકનું આવું અપમાન થાય એ જરાય સહન ન કરી શકે. આ પરિસ્થિતિ ટાળવા માટે, તે કશી હો હા કર્યા વિના ત્યાંથી નીકળી ગયો. આ મારી ધારણા છે. સલમાન સાથે મારે એક થમ્સ અપમાં બે સ્ટ્રો નાખીને પીવાના સંબંધ છે એ ઘ્યાનમાં રાખતાં, મને મારી ધારણા અફર સત્ય હોવાનો પાકો વિશ્વાસ છે. મને તો એમ પણ લાગે છે કે આઝાદીનાં આટલાં વર્ષ પછી લોકોને ફૂટપાથ પર સૂઇ રહેવું પડે છે, એ દૃશ્ય જોઇને દ્રવી ઉઠેલા સલમાને ગમ ગલત કરવા માટે ડ્રિન્ક કર્યું હશે ને એમાં ગાડી સહેજ ફંટાઇ ગઇ. આવા માનવતાવાદી માણસ પર લોકો અસંવેદનશીલ હોવાનો આરોપ મૂકે ત્યારે મારું સત્યવાદી લોહી ઉકળી ઉઠે છે. આખરે, સેલિબ્રિટીનું દર્દ સેલિબ્રિટી જ સમજી શકે ને ન્યૂસન્સની સ્થિતિ ન્યૂસન્સ. (તાકીદ : અમારો સમાવેશ સેલિબ્રિટીમાં કરવો.)

હું પૂછું છું, શું આ દેશમાં સેલિબ્રિટી હોવું ગુનો છે? મેં બંધારણને ચેતન ભગતની નૉવેલની જેમ અને ચેતન ભગતની નૉવેલોને બંધારણની જેમ વાંચ્યાં છે. એમાં ક્યાંય એવું નથી લખ્યું. માટે, જો તમે આ દેશના બંધારણને માન આપવાનો દાવો કરતા હો તો તમારી પાસે સલમાનની તરફેણ કર્યા વિના બીજો વિકલ્પ નથી.  

Monday, May 18, 2015

શબ્દકથા : શબ્દોની ‘ગંગોત્રી’નો રોમાંચ

માતૃભાષા એ બચાવવાની નહીં, ચાહવાની ચીજ છે. માતૃભાષાનાં ચાહવાલાયક સ્વરૂપોની ખોટ નથી. કહેવતો, રૂઢિપ્રયોગો, બીજી ભાષામાં--અરે, ગુજરાતી ભાષાની બીજી બોલીમાં સુદ્ધાં-- ન હોઇ શકે એવા શબ્દો, વિવિધ અવાજો સૂચવતા શબ્દો-- આ બધાની મઝા હોય છે. જે રીતે એક સારી કવિતા, સારી રમૂજ કે સારી વાર્તા માણી શકાય એવી જ રીતે, ભાષારૂપી હિલસ્ટેશનના વિવિધ ‘પોઇન્ટ્‌સ’નું સૌંદર્ય પણ માણી શકાય. ‘ટ્રેકિંગ’પ્રેમીઓ ભલે મહેનત કરીને ભાષાશાસ્ત્ર અને વ્યાકરણના નિયમોમાં ઊંડા ઉતરે અને તેમનો આનંદ મેળવે. મોટા ભાગના લોકો એ કસરતમાં ઉતર્યા વગર, રોજિંદી ભાષામાંથી રોમાંચના નાના પણ મજાના ઘૂંટડા ભરી શકે છે.

ભાષાનાં આગળ જણાવેલાં વિવિધ સૌંદર્યસ્થાનોમાંનું એક એટલે શબ્દોની ‘ગંગોત્રી’--શબ્દોનું મૂળ અને તેની સાથે સંકળાયેલા બીજા ‘પિતરાઇ’ શબ્દોની વાત. શાસ્ત્રીય ભાષામાં કહીએ તો, શબ્દની વ્યુત્પત્તિ. જેમ કે, છેલ્લા થોડા વખતથી બહુ પ્રચલિત બનેલા શબ્દ ‘છકડો’, રેંકડી (લારી) અને ‘સગડી’ વચ્ચે શો સંબંધ? અને આ બધા શબ્દો આવ્યા ક્યાંથી? આ બધું જાણવું ‘જરૂરી’ નથી, પણ એમ તો ફિલ્મ જોવી કે ગીત સાંભળવું કે છાપું વાંચવું પણ ક્યાં જરૂરી છે? છતાં એની મઝા નથી હોતી?

પહેલાંના સમયમાં બે વાહન હતાં : ઉચ્ચ વર્ગ માટે રથ અને સામાન્ય લોકો માટે શકટ (ગાડું). ‘રથ’નો જમાનો ક્યારનો વીતી ગયા પછી પણ ‘મહારથી’ જેવા શબ્દો હજુ છૂટથી વપરાય છે અને તેનો અર્થ કોઇને સમજાવવો પડતો નથી. સંસ્કૃત ‘રથ’માંથી પ્રાકૃત ભાષામાં ‘રહ’ અને તેમાંથી પંજાબી ભાષામાં ‘રેહડા’ (હાથગાડી), રહિલા (ગાડી) જેવા શબ્દ થયા. ગુજરાતીમાં તે ‘રહિકલુ’, ‘રેંકળી’ અને ‘રેંકડી’ તરીકે પ્રચલિત બન્યો. મોભાદાર ‘રથ’ મજૂરવર્ગની ‘રેંકડી’ બની જાય, એ ભાષા પર બદલાતા સમયની અસર તરીકે પણ જોઇ શકાય.

‘રથ’ના જમાનાનું બીજું વાહન ‘શકટ’ વધારે ફાંટાબાજ નીવડ્યું. નાનું ગાડું ‘શકટિકા’ કહેવાતું હતું. તેની પરથી માટીના સ્થાયી ચૂલાને બદલે પૈડાં ધરાવતા-- હરતાફરતા ચૂલા માટે શબ્દ બન્યો ‘સગડી’. (હેમચંદ્રાચાર્યે સગડી માટે ‘અંગારશકટી’, ‘અંગારધાની’, ‘અંગારપાત્રી’ જેવા શબ્દો વાપર્યા છે.) એવી રીતે, ‘શકટ’નો બીજો ફાંટો પડતાં ગુજરાતીમાં  ‘છકડો’, સિંધીમાં ‘છકિડો’ અને પંજાબી, બંગાળી, હિંદી જેવી ભાષાઓમાં ‘છકડા’ શબ્દ બન્યો. નીતાંત ગુજરાતી, બલ્કે ગામઠી ગુજરાતી લાગતો ‘છકડો’ કેટકેટલી ભાષાઓમાં પહોંચી ગયો.

પણ સવાલ એ થાય કે આવી વિગતો મેળવવી ક્યાંથી? સાર્થ જોડણીકોશ, ભગવદ્‌ગોમંડળ શબ્દકોશ કે ઇન્ટરનેટ પર www.gujaratilexicon.com જેવા કોશમાં  શબ્દોના મૂળની પ્રાથમિક વિગત મળી આવે. સંસ્કૃત અને અંગ્રેજી ઉપરાંત ફારસી, અરબી, પોર્ટુગિઝ જેવી કઇ ભાષામાંથી એ શબ્દ આવ્યો, તેની પ્રાથમિક જાણકારી કોશમાંથી મળે. પણ શબ્દોની રોમાંચક કથા જાણવા માટેનો એક સ્રોત છે : હરિવલ્લભ ભાયાણી લિખિત પુસ્તક ‘શબ્દકથા’. પહેલી વાર ૧૯૬૩માં શિવજી આશર તેને પ્રકાશિત કર્યું હતું. ત્યાર પછી ‘કુમાર’માં ભાયાણીસાહેબે થોડી વધુ શબ્દકથાઓ લખી અને તેમાંથી ગુજરાતી સાહિત્ય પરિષદે ૧૯૮૩માં આશરે સવા બસો પાનાંનું પુસ્તક પ્રગટ કર્યું. ગુજરાતી ભાષાને લગતાં અભ્યાસપૂર્ણ છતાં મનોરંજક અને લોકભોગ્ય ગણી શકાય એવાં વીરલ પુસ્તકોમાં ‘શબ્દકથા’નો સમાવેશ અચૂક કરવો પડે.
હરિવલ્લભ ભાયાણી / Harivallabh Bhayani


‘પુસ્તક’ શબ્દની જ વાત કરીએ. ભાયાણીસાહેબે શબ્દોની કથામાં ઉતરતાં પહેલાં આપેલી પંદર પાનાંની નોંધ (‘શબ્દલીલા’)માં લખ્યું છે કે ‘પુસ્તક’ શબ્દ અસલમાં પહેલવી ભાષાના ‘પોસ્તક’ શબ્દ પરથી આવ્યો છે. ‘પોસ્તક’ એટલે ચામડું. એ જમાનામાં ચામડા પર લખાતું. એટલે લખાણસંગ્રહ માટે ‘પુસ્તક’ શબ્દ વપરાતો થયો. ભાષાઓ વચ્ચે શબ્દોનો વાટકીવ્યવહાર એટલી સહજતાથી થાય છે કે સમય જતાં તેની સરત પણ ન રહે. વીસમી સદીના શરૂઆતના દાયકાઓ સુધી ગુજરાતમાં મોઇદાંડિયા (ગીલ્લી-દંડા) રમનારા એક-બે-ત્રણ-ચાર-પાંચને બદલે વકટ-લેણ-મુંડ-નાર-આંખ એમ બોલતા. ભાયાણીસાહેબે નોંઘ્યું છે કે આ શબ્દો મૂળ તેલુગુ ને કન્નડ ભાષામાં એક-બે-ત્રણ-ચાર-પાંચ માટે વપરાય છે. એટલે આ રમત દ્રવિડ પ્રદેશમાંથી આવી હશે. ગુજરાતીમાં છૂટથી વપરાતા મિસ્ત્રી, મિજાગરું, પુરાવો, પુરવાર, બાલદી, બંબો, પીપ જેવા શબ્દો પોર્ટુગીઝ ભાષામાંથી કશા ફેરફાર વિના, સીધા જ ગુજરાતીમાં આવીને ગુજરાતી બની ગયા છે. સાંસ્કૃતિક આદાનપ્રદાનથી ફક્ત શબ્દકોશમાં નવા શબ્દો જ નહીં, ભોજનમાં નવી વાનગીઓ પણ ઉમેરાઇને પોતીકી બની જાય છે. બિરંજ, શીરો, હલવો, બરફી, જલેબી, મૈસૂર, શક્કરપારા, મેંદો, માવો, ચાસણી--આ બધી વાનગીઓ અને શબ્દો પરંપરાગત ગુજરાતી નથી લાગતી? પરંતુ એ બધી મુસ્લિમો સાથેના ગાઢ સંપર્કનું પરિણામ છે. તેમાંનો એક પણ શબ્દ અસલમાં ગુજરાતી નથી. એ બધા ફારસી-અરબી શબ્દો છે.

શબ્દોની કથામાં રસ પડવા લાગે, પછી એવું જ લાગે કે ‘શ્રીખંડ’ શબ્દ મૂળ સંસ્કૃત હશે અને તે બોલચાલમાં બદલાઇને ‘શિખંડ’ થયો હશે. પણ ‘શબ્દકથા’માં શિખંડને લગતી બે કથા છે : દહીં-સાકર-તેજાના નાખેલી વાનગી માટે ‘શિખરિણી’ શબ્દ છે. સાકર-કેસર-કપુર નાખેલું દહીનું પીણું ‘શિખરન’ કહેવાતું. તેની પરથી ‘શિખંડ’ શબ્દ બન્યો હોય તે એક સંભાવના. અથવા ફારસીમાં ‘સિર’ એટલે દહીં ને ‘કંદ’ એટલે ખાંડ. એટલે, ‘સિરકંદ’માંથી ‘શિખંડ’ થયું હોય. આ બન્નેમાં એક વાત નક્કી છે : ખરો શબ્દ ‘શિખંડ’ છે, જેને ‘સુધરેલો’ (સંસ્કૃતમય) બનાવવા માટે ‘શ્રીખંડ’ તરીકે ઓળખવામાં આવ્યો.

ગુજરાતી ભાષા આટલા વાર્તારસથી ભરપૂર હોવા છતાં, તેને એવી રીતે ભણાવવામાં આવે છે કે મોટા ભાગના વિદ્યાર્થીઓને તમ્મર  આવી જાય. ‘તમ્મર’ને સીધો સંબંધ ‘તિમિર’ સાથે છે. સંસ્કૃતમાં  ‘તિમિર’ એટલે અંધારું. આંખે અંધારાં આવે, ત્યારે (‘તિમિર’ પરથી) તમ્મર આવ્યાં, એવું કહેવાતું થયું. પ્રચલિત શબ્દના ખરા શબ્દ સુધી પહોંચવાની સફરમાં એવો પણ વિચાર આવે કે ‘ખરો’ અને ‘ખર’ (ગધેડો) વચ્ચે કોઇ સંબંધ હશે? તેનો જવાબ ‘શબ્દકથા’માંથી મળે છે. સંસ્કૃતમાં ખર એટલે કઠોર, તીક્ષ્ણ. એટલે કર્કશ અવાજને ભૂંકનાર ‘ખર’. (ગધેડો). ‘ખર’ એટલે કે ‘કઠણ’ અને ‘પાકું’ના અર્થમાં શબ્દ બન્યો ‘ખરું’. એ શબ્દ ‘પાકું’, ‘ટકી શકે એવું’, ‘સાચું’ના અર્થમાં વપરાતો થયો. સજ્જ ભાષાશાસ્ત્રીઓ ને ભાષાવિજ્ઞાનીઓ જાણે જ છે કે ભાષાને ઘડવાનું કામ પંડિતો નહીં, સામાન્ય લોકો કરે છે. પંડિતોએ તો સામાન્ય લોકો દ્વારા નીપજાવાયેલી અને પોતાના કામ માટે સચોટ રીતે ઉપયોગમાં લેવાયેલી ભાષાને નિયમો અને અપવાદોના ચોકઠાંમાં બેસાડવાની હોય છે.

અભ્યાસીઓ માટે બોલાયેલા નહીં, પણ છપાયેલા-મુદ્રિત શબ્દની બહુ કિંમત હોય છે. પણ મુદ્રિકા (વીંટી) અને મુદ્રણ વચ્ચે શો સંબંધ? મુદ્રિકા અથવા મુદ્રા એટલે વીંટી તો ખરી જ, પણ ‘મુદ્રા’નો મૂળ અર્થ છાપ કે મહોર થાય છે. એટલે, જે વસ્તુનો ઉપયોગ છાપ કે મહોર મારવા માટે થાય એ પણ મુદ્રા (સીલ) કહેવાય. કોઇ પણ દસ્તાવેજ પર રાજાની કે સંબંધિત અધિકારીની મુદ્રા (સીલ કે આઘુનિક સમયમાં સિક્કો) હોય, એટલે તે પ્રમાણભૂત કહેવાય. એ રીતે રાજાની કે બીજી અધિકૃત છાપ ધરાવતા સોનાના ચલણી સિક્કા સુવર્ણમુદ્રા કહેવાયા અને એ જ તરાહ પર, બીબાંથી કાગળ પર છાપ ઉપસાવવાની ટેક્‌નોલોજી માટે ‘મુદ્રણ’ શબ્દ વપરાયો.

ફારસી-અરબી શબ્દો છૂટથી પ્રયોજવા માટે જાણીતા સદ્‌ગત લેખક ચંદ્રકાંત બક્ષીની કોલમનું નામ હતું : વાતાયન એટલે કે ઘરમાં હવા અને અજવાળું આવે તથા બહારનું જગત જોઇ શકાય એવી બારી. સંસ્કૃત ‘વાતાયન’નો સંબંધ અંગ્રેજી ‘વેન્ટિલેશન’ સાથે પણ છે. વાત્‌ એટલે વાયુ-પવન અને ‘વેન્ટિલેશન’માં આવતા ગ્રીક શબ્દ ‘વેન્તુસ’નો અર્થ પણ એવો જ છે. બારણાને ‘દ્વાર’ કહેતા સંસ્કૃતમાં બારી માટેનો બીજો શબ્દ છે : ‘દ્વારિકા’. તેની પરથી સમુદ્રમાં પ્રવેશવાની બારી જેવી નગરીનું નામ ‘દ્વારિકા’ પડ્યું.

‘નવી પેઢીને તો આ જ ગમે’, ‘ભાષાની ભેળપુરી થાય તો જ નવી પેઢીને ટેસડો પડે’, ‘નવી પેઢી તો ગુજલિશ જ વાંચે’ --એવી અસલામતીથી મુક્ત રહીને, મનનાં દ્વાર-‘દ્વારિકા’ ખુલ્લાં રાખવાની તૈયારી હોય તો ગુજરાતી ભાષાનો રોમાંચ સૌની રાહ જુએ છે. 

Wednesday, May 13, 2015

રોટલીની અગ્નિપરીક્ષા : ખાખરા

દોઢ લાખ રૂપિયાની કિંમતની ‘મોં બ્લાં’ કંપનીની પેન પર ગાંધીજીની તસવીર મુકાઇ, ત્યારે સહજ ભાવે જ ખાખરા યાદ આવ્યા હતા. ના, ગાંધીજી ખાખરા ખાતા ન હતા કે (નજીકના ભવિષ્યમાં) ‘મોં બ્લાં’ કંપની ખાખરા બનાવવાના ધંધામાં પડે એમ નથી. ખાખરા યાદ આવવાનું કારણ હતું : સાદગી અને વૈભવનો વિરોધાભાસ.

વર્ષો સુધી ખાખરા સાદગીનો --અને બિનજૈનો માટે  જૈન ધર્મનો--પર્યાય ગણાતા હતા. ‘નાસ્તાની આઇટેમ’ તરીકે તેમની સ્વતંત્ર, અને ખરું પૂછો તો સ્વચ્છંદી, બોલબાલા બહુ મોડેથી થઇ. ત્યાર પહેલાં ઘણાં પરિવારોમાં ખાખરા મુખ્ય પેદાશ નહીં, પણ આડપેદાશ તરીકે બનતા હતા. જમ્યા પછી રોટલી વધી હોય, એટલે કરકસરિયા અને ‘વેસ્ટમાંથી બેસ્ટ’ પ્રેમી ગૃહિણીઓ તેમાંથી ખાખરા બનાવી કાઢે. તેમાં ખાખરા બનાવવા કરતાં રોટલી (ફેંકવામાંથી) બચાવવાનો સંતોષ વધારે હોય. એવા, રોટલીમાંથી બનેલા ખાખરા માટે બીજું જે કહેવું હોય તે કહી શકાય, પણ તેમની પર સ્વાદિષ્ટ હોવાનો આરોપ મૂકાય એમ ન હતો.

રોટલીમાં અનેક શક્યતાઓ રહેતી. રોટલી પર ઘી લગાડવાને બદલે ઘી ભરેલા પાત્રમાં રોટલીને ઝબોળીને ખાવી, એ સમૃદ્ધિની નિશાની ગણાતી. શેખચલ્લીગીરી સૂચવતી એક કહેવત પણ હતી કે વૃક્ષનાં પાંદડાં રોટલી બની જાય ને તળાવનું પાણી ઘી બની જાય તો, ‘બંદા ઝબોલ ઝબોલકે ખાય.’ રોટલી સાથે નજાકત-નમણાશ સંકળાયેલાં, જ્યારે લોકપ્રિય ચિંતનશૈલીમાં કહીએ તો, ખાખરો એટલે રોટલીની અગ્નિપરીક્ષા. રોટલીના મસાલામાં કશો ફેરફાર કર્યા વિના બનેલા ખાખરા, નાટકનું વિડીયો શૂટિંગ કરીને બનાવેલી ફિલ્મ જેવા લાગતા હતા. તેમને સ્વતંત્ર નાસ્તા તરીકે ચા જોડે કે એકલા ખાવા, એ ઘણાને અસ્વાદવ્રત કેળવવાના તપનો એક પ્રકાર લાગતો.

વધેલી રોટલીમાંથી બનેલા ખાખરા ચા સાથે ખાવાથી ધાર્મિક ભાવના દૃઢ થાય કે ન થાય, નાસ્તામાં એક ચીજનો વધારો થયાની લાગણી અવશ્ય થતી હતી. નાસ્તાનાં તૈયાર પડીકાનું સામાજિક કે એવી રીતે નાસ્તો વેચાતો લેવાનું આર્થિક જોર ન હતું, ત્યારે ઘણા પરિવારોના નાસ્તામાં સફેદ ખાખરાથી થોડોઘણો રંગ ઉમેરાતો હતો. એ જુદી વાત છે કે મોટા ભાગનાં ગરીબ પરિવારો માટે રોટલી કે ખાખરો આકારની રીતે નહીં, પણ ઉપલબ્ધિની રીતે ઇદના ચંદ્ર જેવાં દુર્લભ હતાં.

પહેલાં ખાખરો ખાનારને પોતે જૈન છે, એવું કહેવું પડતું ન હતું. ઊલટું, ખાખરાપ્રેમી બિનજૈનોએ સ્પષ્ટતા કરવી પડતી હતી કે ‘અમે જૈન નથી, પણ શું છે કે છોકરાંને ખાખરા બહુ ભાવે છે ને સવારની રોટલી થોડી વધી હતી એટલે...’ જૈન ધર્મ સાથે ખાખરાના સંબંધ વિશે કમ સે કમ એક લધુશોધનિબંધને અવકાશ છે. એ ન થાય ત્યાં સુધી કલ્પના જ કરવાની રહે છે કે અમદાવાદના જૈન શ્રેષ્ઠી- સમ્રાટ અકબરના મુંહબોલા ‘મામા’ શાંતિદાસ ઝવેરી ખાખરા ખાતા હતા કે નહીં, ‘તમારી મામીએ ખાસ તમારા માટે જ બનાવ્યા છે’ એમ કહીને તેમણે અકબરને રોટલીમાંથી બનેલા ખાખરાનું પડીકું આપ્યું હતું કે નહીં, સર્વધર્મસમભાવ માટે ઉત્સાહી અકબરે તેની એકેય ઇફ્‌તાર પાર્ટીમાં ખજૂરની સાથોસાથ ખાખરા રાખ્યા હતા કે નહીં...  

જૂના વખતમાં ઘણા સાધુમહારાજો પગપાળા ફરતા, ઉપદેશ કરતા અને ભિક્ષામાં જે મળે તે આરોગીને જીવન ટકાવી રાખતા. એ સમયના ખાખરાનું પણ એવું જ હતું. ચટાકેદાર હોવું એ તેમના માટે અબ્રહ્મણ્યમ્‌ ગણાતું. ‘સાધુ પોતાની સાદગી છોડે, મીઠું પોતાની ખારાશ છોડી દે અને ખાખરા પોતાની ‘સાત્ત્વિકતા’ છોડે, તો કળિયુગ આવેલો જાણવો’ --આવું કોઇ ‘શાસ્ત્રવચન’ નથી, પણ એ રોલમાં ચાલી જાય એમ છે. મુદ્દો એ છે કે સાઘુઓ વૈભવી ગાડીઓમાં ફરતા થઇ ગયા અને ખાખરા પણ વૈભવ-સાહ્યબીના એ જ પંથે ચાલ્યા. કોણ કોને અનુસર્યું એ સંશોધનનો વિષય છે, પણ ‘સીતા ઑર ગીતા’ પ્રકારની ફિલ્મમાં બને છે એવું ખાખરા સાથે થયું. હમણાં સુધી સીધાસાદા લાગતા ખાખરા અચાનક ‘આઘુનિક’, નખરાળા, ચટાકેદાર અને વરણાગી બની ગયા. અત્યારની ખાખરાસૃષ્ટિ ભણી નજર નાખતાં ખ્યાલ જ ન આવે કે તેને  અગાઉના સીધાસાદા, ગરીબડા ખાખરા સાથે કશો સંબંધ હશે.

આરોગ્ય બગાડી લીધા પછી લોકોમાં આરોગ્ય માટે જાગૃતિ આવી ત્યારે ખાખરાનો ઉપયોગ ‘હેલ્થ ફૂડ’ તરીકે થવા લાગ્યો.  ડાયેટિંગ કરતા લોકો મનના વધતા ચટાકા કાબૂમાં રાખીને ખાખરા ખાતા હતા અને શરીર વધતું અટકે એવી આશા સેવતા હતા. એ વખતે ડબલ ચીઝ ખાખરા શોધાવાની વાર હતી.

ખાખરાની પ્રજાતિમાં ઉત્ક્રાંતિની શરૂઆત ધીમેથી થઇ. વર્ષો સુધી મોળા ખાખરા ખાધા પછી લોકો તેની પર ઘી અને જીરાળુ લગાડતા થયા, જેથી ‘મોં સારું થાય’. મહાન વિશ્વયુદ્ધોની શરૂઆત એક નાનકડી ઘટનાથી થતી હોય છે. એવું ખાખરાની બાબતમાં પણ બન્યું. ઘી-જીરાળુ પછી મેથીની ભાજીના ખાખરા આવતા થયા. ત્યાં સુધી પરિસ્થિતિ કાબૂમાં રહી. પછી અચાનક વૈવિઘ્યનો ‘બિગ બેન્ગ’ --વિસ્ફોટ થયો. થોડા સમય પહેલાં કશું જ ન હોય અને અચાનક એક સાથે અનેક તારાવિશ્વો અસ્તિત્ત્વમાં આવી જાય, એમ બે-ચારને બદલે ચાળીસ-પચાસ જાતના ખાખરા મળવા લાગ્યા. એવી સ્થિતિ થઇ કે ખાખરાની દુકાનની બહાર લખેલી યાદીમાંથી દરેક પ્રકાર (પાણીપુરી ખાખરા, પાંઉભાજી ખાખરા, પિત્ઝા ખાખરા, મંચુરિયન ખાખરા, પનીર ખાખરા)  પાછળ આવતું ‘ખાખરા’ કાઢી નાખીએ, તો એ કોઇ રેસ્તોરાંના મેનુ જેવું લાગે. આવું મૂંઝવનારું-ગૂંચવનારું અને કંઇક રમૂજ પમાડનારું વૈવિઘ્ય જોઇને હજુ સુધી ખાખરાનો જ્ઞાનકોષ (એન્સાયક્લોપીડિયા) કેમ બહાર પડ્યો નથી, એનું આશ્ચર્ય થાય છે.

ક્યાં પેલા ‘રોટલીની અગ્નિપરીક્ષા’વાળા ગોળ ખાખરા અને ક્યાં  આધુનિક ‘ઓવન પરીક્ષા’માંથી સાંગોપાંગ બલ્કે વધારે આકર્ષક થઇને બહાર પડેલા ઉતરેલા, પટ્ટી આકારના, અવનવી સુગંધો ધરાવતા, ઘઉંના નહીં પણ મેંદાના ફેશનેબલ ખાખરા...બન્ને વચ્ચે  નાળસંબંધ નહીં, ફક્ત નામસંબંધ રહ્યો છે. વર્ષો સુધી સામાન્ય સ્થિતિની ગૃહિણીઓ ઘરે ખાખરા વણીને પોતાની આર્થિક ભીડ હળવી કરતી હતી, પણ હવેના ખાખરા એટલા મોંઘા થયા છે કે મઘ્યમ વર્ગીય ગૃહિણીઓ એની ખરીદીમાં કાબૂ ન રાખે, તો નવેસરથી ભીડમાં આવી પડે.

‘લેટ થાઉઝન્ડ ફ્‌લાવર્સ બ્લૂમ’ના બહુરંગી લોકશાહી સિદ્ધાંતમાં શ્રદ્ધા ધરાવનારા લોકો પણ ખાખરાની વાત આવે ત્યારે, ‘લેટ થાઉઝન્ડ ખાખરાઝ બ્લૂમ’ એવું કહેતાં ખચકાઇ શકે છે. કારણ કે પહેલી નજરે પ્રચંડ વૈવિઘ્ય ધરાવતા ખાખરામાં પાઉંભાજીના મસાલો, પાણીપુરી, ઓરેગાનો જેવા કોઇ પણ સ્વાદ તો મળી રહે છે. બસ, અસલ ખાખરાનો સ્વાદ શોધવો પડે--અને આ પ્રકારના ખાખરા ખાધા પછી આરોગ્યની અલગથી કાળજી રાખવાની થાય તે અલગ.

‘વિવિધતામાં એકતા’નો સંદેશ ખાખરાના ઉત્પાદકોએ જે રીતે ગ્રહણ કર્યો, તેનાથી અડધી ગંભીરતા રાષ્ટ્રનેતાઓ દાખવે તો...

Tuesday, May 12, 2015

સ્માર્ટ સિટી : નાગરિકી અપેક્ષા

વડાપ્રધાને ભારતમાં ૧૦૦ સ્માર્ટ સિટી બનાવવાની જાહેરાત કરી, ત્યારથી ‘સ્માર્ટ સિટી’/smart city નવેસરથી ચર્ચામાં છે. ખૂબીની વાત એ છે કે જેની પર હજારો કરોડ રૂપિયાના દાવ લાગવાના છે અને જેનું જોરશોરથી, આક્રમક માર્કેટિંગ થવાનું છે એ ‘સ્માર્ટ સિટી’ એટલે ખરેખર શું, એની કોઇ સ્પષ્ટ વ્યાખ્યા નથી. ભાષણબાજ નેતાઓને તો જાણે સમજ્યા કે આવા મોહક શબ્દોથી આગળ જવાની જરૂર ન પડે, પણ જેમનો આ વર્ષોના અભ્યાસનો વિષય છે એવા લોકો સુદ્ધાં ‘સ્માર્ટ સિટી’ના ખ્યાલને સમજવાનો પ્રયાસ કરી રહ્યા છે.

વાહનવ્યવહાર, પર્યાવરણ, રોજગારી, રહેઠાણ, આરોગ્ય, ઊર્જાબચત, ઇ-ગવર્નન્સ, ઇન્ટરનેટ કનેક્શન જેવી સુવિધાઓના માપદંડથી વૈશ્વિક સ્તરે ‘સ્માર્ટ સિટી’ની વ્યાખ્યા બાંધવાના પ્રયાસ થાય છે અને તેમાં કયાં સિટી કેટલાં ‘સ્માર્ટ’ છે, તેના ગુણાંક અપાય છે. આમસ્ટરડામ, સિંગાપોર જેવા જૂજ અપવાદોને બાદ કરતાં ન્યૂયોર્ક સહિતનાં બીજાં શહેરો પણ એ ગુણાંકમાં ઘણાં પાછળ છે, ત્યારે આપણા વડાપ્રધાને ૧૦૦ સ્માર્ટ સિટીની જાહેરાત કરી પાડી છે.

કેટલાક અભ્યાસીઓ માને છે કે એવી કોઇ ચોક્કસ અવસ્થા નથી, જ્યાં પહોંચ્યા પછી સિટી ‘સ્માર્ટ’ થઇ ગયું કહેવાય. તેમના મતે સિટીનું ‘સ્માર્ટ’ બનવું એક પ્રક્રિયા છે. ગયા સપ્તાહે ‘સેપ્ટ’/CEPT (અમદાવાદ)ના ‘સેન્ટર ફોર અર્બન ઇક્વિટી’ / CUE દ્વારા યોજાયેલા ‘સ્માર્ટ સિટી’ વિશેના એક સેમિનારમાં લીડ્‌ઝ યુનિવર્સિટીનાં ડૉ.અયોના દત્તા/Dr.Ayona Duttaએ કહ્યું કે કહેવાતાં ‘સ્માર્ટ’ સિટી ખરેખર તો ‘અનસ્માર્ટ’ બને એવી શક્યતા વધારે હોય છે. કારણ કે  તેમાં કોરી, આંકડાકીય કે અલ્ગોરિધમીક (કમ્પ્યુટરના પ્રોગ્રામ જેવી) માહિતીના આધારે શહેરને સમજવાનો પ્રયાસ થાય છે. ઉદાહરણ તરીકે તેમણે કહ્યું, ધારો કે (કહેવાતા) સ્માર્ટ સિટીમાં બળાત્કારના બનાવો વધી પડે, તો કયા વિસ્તારમાં, કયા સમયે બળાત્કાર વઘુ થાય છે અથવા એની સંભાવના રહે છે, એવી માહિતી મેળવી શકાય. તેના આધારે પગલાં લઇને ‘સ્માર્ટ’ બન્યાનો સંતોષ લઇ શકાય, પણ એવા અનેક પ્રશ્નોની સામાજિક આંટીધૂંટી સમજવામાં- ઉકેલવામાં નકરો ડેટા કામ લાગતો નથી. જેમની શ્રદ્ધેયતા અને સફળતા વિશે પૂરી ખાતરી નથી એવી ટેક્‌નોલોજી પર વઘુ પડતો મદાર બાંધવામાં પણ ભયસ્થાનો છે. ‘સ્માર્ટ’ બનવાની ઝડપમાં આંધળુકિયાં કરવા જેવાં નથી.  જાહેર સ્થળે સ્માર્ટ નેટવર્ક દ્વારા એકઠી કરાતી માહિતીનો દુરુપયોગ એક એવો ગંભીર મુદ્દો છે, જેના વિશે પૂરતી સભાનતા પણ નથી.

એક અભ્યાસીએ કહ્યું તેમ, શહેરને ‘સ્માર્ટ’ બનાવવાની કે ‘સ્માર્ટ સિટી’ની જુદી કેટેગરી પાડવાની કશી જરૂર નથી. નાગરિકો માટે શહેર કેવળ ‘સારું’ હોય એટલું પૂરતું છે. ભારત જેવા દેશમાં શહેરી વિસ્તારોમાં પાણી, વીજળી, મકાન જેવી મૂળભૂત જીવનજરૂરી સુવિધાઓના વાંધા હોય છે. ત્યારે ‘સ્માર્ટ સિટી’નાં ગુલાબી સપનાંને કારણે, ખર્ચનો મોટો હિસ્સો બિનજરૂરી અથવા ઓછી પ્રાથમિકતા ધરાવતી ચીજો પાછળ ખર્ચાઇ જવાની શંકા રહે છે. સરકારના ગુલાબી ચિત્રમાં બંધબેસતા ન હોય એવા વંચિત વર્ગને ‘સ્માર્ટ સિટી’માં હાંસિયામાં પણ સ્થાન મળશે કે કેમ, એ સવાલનો સીધો અને સંતોષકારક જવાબ મળતો નથી.  સ્માર્ટ સિટીની રંગીન કલ્પનાઓ રજૂ કરતી વખતે સરકાર સામાજિક અસમાનતાને લક્ષમાં લેતી નથી, એવું પણ ડૉ.આયોના દત્તાએ ‘સ્માર્ટ સિટી વિશેના ભ્રમ’ની વાત કરતાં કહ્યું.

‘સ્માર્ટ સિટી’ માટે સરકારે કરેલી રૂપિયાની ફાળવણી બીજા ખર્ચના --અરે, વાઇબ્રન્ટ ગુજરાત જેવા કાર્યક્રમોના ઉજવણીખર્ચના-- પ્રમાણમાં ચણામમરા બરાબર છે. તેમાં પડતી મસમોટી ઘટ માટે સરકારનો એવો ખ્યાલ છે કે ખાનગી કંપનીઓ આકર્ષાઇને મૂડીરોકાણ કરશે અથવા પબ્લિક-પ્રાઇવેટ પાર્ટનરશિપથી એવા પ્રોજેક્ટ પાર પડશે.  સરકારી આયોજનોમાં ‘પબ્લિક-પ્રાઇવેટ પાર્ટનરશિપ’ (પીપીપી) જેવા રૂપાળા શબ્દપ્રયોગો ઘણા વપરાય છે, પણ અત્યાર લગીનો ઇતિહાસ જોતાં સરકારને જેટલો રસ ઝાકઝમાળમાં અને વટ પાડવામાં હોય છે, એટલો રસ પાયાનાં કામ કરવામાં નથી હોતો. (સૌથી મોટું ઉદાહરણ : નર્મદા યોજનાનું રાજકારણ વિ. કેનાલોનું બાકી રહેલું કામ) માટે, કાગળ પરનો આશાવાદ વ્યવહારમાં ફેરવવાનું અશક્યની હદે અઘરું બને છે.

ભારતની સામાજિક વિષમતા સમજીને, તેની કરચલીઓ શક્ય એટલી ઓછી કરવા માટે સ્માર્ટનેસ કરતાં વધારે જરૂર સંવેદનશીલતાની અને સાચી દાનતની પડવાની છે. આ બન્ને ગુણો પહેલાં શહેરમાં નહીં, વહીવટકર્તાઓ અને નાગરિકોમાં હોવા જોઇએ. એ લોકોમાં નહીં હોય તો કૂવા-હવાડા ન્યાયે ‘સિટી’માં પણ ક્યાંથી આવશે?

અપેક્ષાઓની યાદી

‘સ્માર્ટ સિટી’ અથવા એના નામે જે કંઇ બનવાનું હોય તેના નામે કમિટીઓ રચાશે, નિષ્ણાતો મળશે, પ્રવાસો થશે અને કંઇક નીતિઓ ઘડાશે. પરંતુ ગુજરાતના, ભારતના નાગરિક તરીકે, ‘સ્માર્ટ સિટી’ અંગે કેવી અપેક્ષા રાખી શકાય? આ અપેક્ષાઓ ‘આદર્શ’ નહીં, પણ વ્યવહારમાં અમલી બનાવી શકાય એવી છે. (તેમાં બીજા ઘણા ઉમેરા કરી શકાય. વાત ‘સ્માર્ટ સિટી’ની હોવાથી આ સૂચન શહેરો પૂરતાં મર્યાદિત છે.)

  • સ્માર્ટ સિટીમાં ગટરસફાઇનું કામ માણસો દ્વારા નહીં, સંપૂર્ણપણે મશીન દ્વારા થવું જોઇએ. સ્માર્ટ સિટીનું વહીવટી તંત્ર સફાઇના કોન્ટ્રાક્ટ આપીને, આ બાબતે પોતાની જવાબદારીમાંથી હાથ ઊંચા કરી શકે નહીં. આવું અમાનવીય કામ સફાઇ કર્મચારી પાસેથી કરાવનાર સામે કડક પગલાં લેવાવાં જોઇએ. એ માટે ગટરમાં ઉતરેલો કર્મચારી મૃત્યુ પામે ત્યાં સુધી રાહ જોવાની જરૂર ન હોય. 
  • શહેરમાં ઇષ્ટદેવને યાદ કર્યા વિના રસ્તા પર ચાલી શકાય અને રસ્તો ઓળંગી શકાય એવી વ્યવસ્થા હોવી જોઇએ. આ માટે સરકાર વ્યવસ્થા ઊભી કરે પછી નાગરિકોએ તેનો ચુસ્તીપૂર્વક અમલ કરવો પડે. 
  • શહેરની સડકો પર સાયકલચાલકો માટે અનુકૂળ વાતાવરણ ઊભું કરવું જોઇએ. પેટ્રોલ-ડીઝલ-સીએનજીથી ચાલતાં વાહનોની સરખામણીમાં સાયકલચાલકોને શક્ય હોય ત્યાં અલગ રસ્તો આપવો અને એ શક્ય ન હોય ત્યાં પૂરતી સલામતી પૂરી પાડવી જોઇએ.  
  • શહેરમાં દર કિલોમીટરે ઓછામાં ઓછું એક જાહેર શૌચાલય સંકુલ હોવું જોઇએ. આ બધાં સંકુલોમાં પાણીની વ્યવસ્થા હોવી જોઇએ.  
  • સામાન્ય અને મઘ્યમ વર્ગને પોસાય એવાં ઘર શહેરથી દૂર જ શા માટે હોય? અને શહેરમાં કેમ ન મળી શકે? એક બેડરૂમનાં ઘર સરકાર બનાવે અથવા સરકાર રીઅલ એસ્ટેટના બજારને આ કામ માટે પ્રેરણા-પ્રોત્સાહન આપે. જેમને રોકાણ માટે ઘર ખરીદવાં છે, એ ભલે શહેરથી દૂરનાં ઘર ખરીદે. 
  • ટ્રાફિકસિગ્નલ પર એક સમયે મુકાયેલાં અને હવે બંધ થઇ ગયેલાં ટાઇમર ફરી ચાલુ થવાં જોઇએ. તેમનો ચુસ્તીથી અમલ થવો જોઇએ. ટ્રાફિકના ગુના માટે હકારાત્મક છતાં કડક સજા થવી જોઇએ. જેમ કે, સિગ્નલ તોડવા જેવા ગુના માટે પકડાયેલા માણસને વાહન બાજુ પર મૂકાવીને અડધો કલાક માટે એ જ પોઇન્ટ પર ઊભો રાખવો. સાથે પોલીસ તો હોય જ, પણ એ ભાઇ કે બહેનને ખ્યાલ આવે કે આ રીતે ફરજ અદા કરનારની હાલત કેવી થાય.
  • ચોમાસા વખતે શહેરમાં ભરાતા પાણીની સમસ્યાનો ઇજનેરી કૌશલ્ય વડે કાયમી નિકાલ કરવો જોઇએ. એના માટે તોડફોડ કરવાની થાય તો એક વાર એ પણ કરવી પડે. (આમ પણ, ‘આ કામ આપની સુવિધા વધારવા માટેનું છે’નાં પાટિયાંની નવાઇ હોતી નથી.)
  • દર ચોમાસે શહેરના રસ્તાનું રીસરફેસિંગ કરવાને બદલે, થોડી વધારે મહેનત લઇને, એક વારનો વધારે ખર્ચ કરીને, ટકાઉ રસ્તા બનાવવા જોઇએ. રસ્તાની એક બાજુ ટ્રાફિક અને બીજી બાજુ નવા રસ્તાનું કામ ચલાવી શકાય. આ રીતે બનેલા રસ્તાની જાળવણી અને ગુણવત્તાની જવાબદારી કોન્ટ્રાક્ટરની નક્કી થવી જોઇએ. વર્ષેવર્ષે ડામરના થર કરવાને બદલે, આ વિકલ્પ અનેક ગણો વધારે ‘સ્માર્ટ’ નથી? 
  • ઝૂંપડામાં રહેતા લોકોને કૉર્પોરેશન દ્વારા તમામ પ્રાથમિક સુવિધાઓ પૂરી પડાવી જોઇએ. ત્યાં કેબલ કનેક્શન હોય, પણ પાણીનું કનેક્શન ન હોય એવું શા માટે? ઝૂંપડાં ગેરકાયદે હોય એટલે આવી સુવિધા આપવામાં ખચકાટ થતો હોય, તો તેમની સમસ્યાનો કાયદાકીય ઢબે અને માનવીય ધોરણે ઉકેલ લાવવો પડે. શહેરના તમામ નાગરિકોને તમામ મૂળભૂત સુવિધાઓ આપવી એ કોઇ પણ શહેરની કે ગામની પહેલી પ્રાથમિકતા હોવી જોઇએ. 
  • કોર્પોરેટ હોસ્પિટલોને સસ્તા ભાવે જમીન અને બીજી રાહતો આપવાને બદલે, એટલી રકમ સરકારી હોસ્પિટલના આઘુનિકીકરણ અને તેમને (ફીની રીતે નહીં, પણ સેવાની રીતે) ‘પ્રોફેશનલ’ બનાવવામાં વાપરવામાં આવે. 
  • શહેરમાં જાહેર પરિવહન સુવિધાને શક્ય એટલી સસ્તી અને એકબીજા સાથે જોડેલી રાખવામાં આવે. અમદાવાદની વાત કરીએ તો, એએમટીએસ- બીઆરટીએસના રૂટનું યોગ્ય સંકલન કરવામાં આવે. એએમટીએસ સેવા સાથે ‘ઓરમાન’ વ્યવહાર રાખવાને બદલે, તેને અગાઉ જેટલું જ મહત્ત્વ આપવામાં આવે. સાંકડા રસ્તા પર ધરાર ઘર-દુકાનો તોડીને બીઆરટીએસના કૉરિડોર બનાવવાને બદલે, ત્યાં નાની બસો ચલાવી શકાય. જાહેર પરિવહન વ્યવસ્થા એવી હોય કે લોકો પોતાનું વાહન વાપરવાને બદલે તેમાં જવાનું પસંદ કરે. 
  • અમદાવાદમાં બીઆરટીએસ-એએમટીએસ ચાલતી હોય ત્યારે મહામોંઘી મેટ્રો રેલ આણવાનો નિર્ણય એકેય રીતે સ્માર્ટ નથી. ‘મેટ્રો’ના ખર્ચામાં આગળ જણાવેલા ઘણાખરા સુધારા પાર પાડી શકાય. 
  • મ્યુનિસિપલ શાળાઓને આઘુનિક બનાવવી અને તેના શિક્ષકો તૈયાર કરવા માટે ખાસ અભ્યાસક્રમ ચલાવવા.
  • શહેરનો કચરો સીમમાં ડુંગરસ્વરૂપે ખડકવાને બદલે, તેના નિકાલની અસરકારક વ્યવસ્થા ગોઠવવી.. 
આ અને આવા બીજા સુધારા થાય તો પછી સિટી માટે ‘સ્માર્ટ’ જેવાં લટકણિયાંની જરૂર નહીં પડે. આખરે, સિટી ‘સ્માર્ટ’ લાગે એના કરતાં લોકોને પોતીકું લાગે, એ વધારે મહત્ત્વનું નથી?


Sunday, May 10, 2015

‘મધર ઇન્ડિયા’ : નાટ્યાત્મક અંતની સર્જનકથા


માતાની મમતા વિશે અહોભાવ-ભક્તિભાવ છલકાવતાં બીબાંઢાળ--સ્ટીરીયોટાઇપ સુવાક્યોથી માંડીને ‘પ્રેરક પ્રસંગો’ ચલણમાં છે. ‘મધર્સ ડે’/ Mother India નિમિત્તે તેમના ભાવ કામચલાઉ ઉંચકાશે, પણ એ જ ચિત્રની બીજી બાજુ એટલે ‘મધર ઇન્ડિયા’માં રજૂ થયેલી ભારતીય માતા-- એક એવી માતા, જે દુનિયાભરનાં દુઃખ વેઠીને સંતાનો ઉછેરે છે, પણ વખત આવ્યે આડી લાઇને ચડેલા પોતાના પુત્રને ગોળીએ દેતાં અચકાતી નથી.

મધર્સ ડે ઉપરાંત પણ ‘મધર ઇન્ડિયા’ યાદ આવવાનાં કેટલાંક કારણ છે. ‘મધર્સ ઇન્ડિયા’ ફિલ્મનું કેન્દ્રીય વિષયવસ્તુ ભારતીય માતા હોવા છતાં, આખી ફિલ્મમાં ખેડૂતોના જીવનની વિષમતા વિગતે રજૂ કરવામાં આવી હતી. એ વખતે ખેડૂતોના આપઘાતના સમાચાર અખબારોમાં કાયમી બન્યા ન હતા અને ‘જય જવાન, જય કિસાન’નું ખોખલું સૂત્ર આવવાનું બાકી હતું. ‘મધર ઇન્ડિયા’ના સાડા પાંચ દાયકા પછી ખેડૂતના જીવનની કારુણી પ્રકાર કદાચ બદલાયા હશે, પણ તેની માત્રા કેટલી ઓછી થઇ છે?

-અને કારણ નંબર બે : મરાઠી ફિલ્મ ‘કોર્ટ’ આ વર્ષે શ્રેષ્ઠ વિદેશી ફિલ્મના ઑસ્કાર ઍવોર્ડ માટે મજબૂત દાવેદાર ગણાય છે, પરંતુ એ શ્રેણી સુધી પહોંચેલી પહેલી ભારતીય ફિલ્મ ‘મધર ઇન્ડિયા’ હતી. તેના ગુજરાતી ડાયરેક્ટર મહેબૂબખાનનું અક્ષરજ્ઞાન ચેક પર સહી કરવા પૂરતું મર્યાદિત હતું, પણ ફિલ્મના માઘ્યમની તેમની સૂઝ ગજબની હતી.  (એક આડવાત : ‘કોર્ટ’ ફિલ્મના કૅમેરામેન મૃણાલ દેસાઇ પણ ગુજરાતી છે)

મહેબૂબખાન/ Mehboob Khan ફિલ્મલાઇનમાં ગયા હતા ઍક્ટર બનવા માટે ગયા હતા, પરંતુ એ સમયની પ્રતિષ્ઠિત ફિલ્મ કંપની ‘સાગર મુવિટૉન’માં ડાયરેક્ટર તરીકે છેક ત્રીસીના દાયકામાં તેમનો સિક્કો જામી ગયો. બોલતી હિંદી ફિલ્મોનો એ પહેલો દાયકો હતો. ગુજરાતી નિર્માતાઓની બોલબાલા હતી. ‘સાગર મુવિટૉન’ના ચીમનલાલ દેસાઇ/ Chimanlal Desai  તેમાંના એક.  તેમણે ફિલ્મઉદ્યોગને મહેબૂબખાન સહિત અનેક પ્રતિભાઓની ભેટ આપી. ‘સાગર મુવિટૉન’ અને ચીમનલાલ દેસાઇની ચડતીપડતીને ઝીણવટથી, અધિકૃતતાથી છતાં રસાળ રીતે આલેખતા સંશોધનગ્રંથ ‘સાગર મુવિટૉન’માં લેખક બીરેન કોઠારી/ Biren Kothari એ નોંઘ્યું છે, ‘કેટકેટલી પ્રતિભાઓ અહીં (‘સાગર’માં) પાંગરી, પરખાઇ, પ્રસિદ્ધિ પામી અને ફિલ્મઉદ્યોગમાં તેમના નામનો અલાયદો અઘ્યાય લખવો પડે એવું પ્રદાન તેમણે કર્યું.’  ફક્ત ‘સાગર મુવિટૉન’ની જ નહીં, ફિલ્મોના આરંભકાળની રોમાંચક વિગતો પૂરી પાડતા આ પુસ્તકમાં ‘મધર ઇન્ડિયા’ જેવી ઑલટાઇમ ગ્રેટ ગણાયેલી ફિલ્મ વિશેની કેટલીક વિશિષ્ટ હકીકતો પહેલી વાર વાંચવા મળે છે.


હિંદી ફિલ્મોમાં સહેજ ઊંડો રસ ધરાવનારા જાણે છે કે ૧૯૫૭માં રજૂ થયેલી રંગીન ફિલ્મ ‘મધર ઇન્ડિયા’ અસલમાં મહેબૂબખાનની  બ્લેક એન્ડ વ્હાઇટ ફિલ્મ ‘ઔરત’ (૧૯૪૦)ની ‘રીમેક’ હતી. એટલે કે, ‘ઔરત’ના જ કથાવસ્તુને ઝાઝા ફેરફાર વિના, (વચ્ચે વીતેલા દોઢ દાયકાના સમયગાળાને ઘ્યાનમાં લઇને) રજૂ કરવામાં આવ્યું હતું.  ઘૂર્ત શરાફની ભૂમિકા કરનાર કનૈયાલાલને બાદ કરતાં બાકીના કલાકારો પણ બન્ને ફિલ્મોમાં અલગ હતા. ‘ઔરત’માં અનિલ બિશ્વાસનું, તો ‘મધર ઇન્ડિયા’માં નૌશાદનું સંગીત હતું. બન્ને દિગ્ગજ સર્જકોએ ઉત્તમ ગીતો બનાવ્યાં હતાં. (અનિલદાએ તો ગાયું પણ હતું.)

’ઔરત’માં સરદાર અખ્તર. સાથે તોફાની પુત્ર તરીકે યાકુબ અને કહ્યાગરો પુત્ર સુરેન્દ્ર

’મધર ઇન્ડિયા’માં નરગીસ સાથે માથાભારે પુત્ર સુનિલ દત્ત અને ડાહ્યો રાજેન્દ્રકુમાર
એક હિટ ફિલ્મની ‘રીમેક’ બનાવવાની બીજા લોકોને લાલચ  થાય એ સમજી શકાય, પરંતુ એક જ ડાયરેક્ટરને પોતે અગાઉ બનાવેલી ફિલ્મ ફરી બનાવવાની ઇચ્છા થાય, એવું પ્રમાણમાં ઓછું બને. કેદાર શર્માએ પોતાની બ્લેક એન્ડ વ્હાઇટ ફિલ્મ ‘ચિત્રલેખા’ (૧૯૪૧)ને ૧૯૬૪માં ફરી બનાવી. તેમની ‘રીમેક’ નિષ્ફળ રહી, જ્યારે મહેબૂબખાનના કિસ્સામાં રંગીન ‘મધર ઇન્ડિયા’ની પ્રચંડ સફળતા બ્લેક એન્ડ વ્હાઇટ ‘ઔરત’ને ક્યાંય આંબી ગઇ.
’મધર ઇન્ડિયા’ના ગીત ’ઘુંઘટ નહીં ખોલુંગી’ના શૂટિંગવેળા ખુરશીમાં બેઠેલા
મહેબૂબ ખાન અને છેક આગળ દેખાતા નૃત્યનિર્દેશક ચીમન શેઠ/ Chiman Sheth
અલબત્ત, કેટલાક અભ્યાસીઓ ‘ઔરત’ને ‘મધર ઇન્ડિયા’ કરતાં ચડિયાતી ફિલ્મ ગણે છે. ‘ઔરત’ ફિલ્મનું નિર્માણ ‘સાગર મુવિટૉન’ દ્વારા નહીં, પણ ચીમનલાલ દેસાઇ જેમાં ભાગીદાર હતા તે ‘નેશનલ સ્ટુડિયોઝ’ દ્વારા થયું હતું. આર્થિક ભીંસને કારણે ચીમનલાલ દેસાઇને પોતાની કંપની (‘સાગર’)નું બીજા નિર્માતાની કંપની ‘જનરલ ફિલ્મ્સ’ સાથે જોડાણ કરવું પડ્યું. તેમાંથી ‘નેશનલ સ્ટુડિયોઝ’નો જન્મ થયો, પણ ‘મધર ઇન્ડિયા’ની મૂળ ફિલ્મ ‘ઔરત’ સાથે --અને ખાસ તો, મા દીકરાને મારી નાખે છે એવા તેના વિશિષ્ટ અંત સાથે--ચીમનલાલ દેસાઇને સીધો સંબંધ હતો.

Chimanlal Desai/ ચીમનલાલ દેસાઇ
‘ઔરત’/ Aurat નું મૂળ કથાવસ્તુ પર્લ બકની બે નવલકથાઓ ‘ગુડ અર્થ’ અને ‘ધ મધર’ પર આધારિત હતું. ‘સાગર મુવિટૉન’ના હિસાબી ખાતામાં કામ કરતા અને બહોળું વાચન ધરાવતા બાબુભાઇ મહેતાએ ‘ગુડ અર્થ’ પરથી બનેલી ફિલ્મ જોવાનું સૂચવ્યું. ચીનના ખેડૂતોની અવદશા દર્શાવતી એ ફિલ્મ જોઇને મહેબૂબ હચમચી ગયા. તેમને થયું કે ભારતના ખેડૂતોની સ્થિતિ પણ ખાસ જુદી નથી. ‘ગુડ અર્થ’ની વાર્તા સાથે ‘ધ મધર’નું કથાવસ્તુ પણ જોડવામાં આવ્યું. એટલે ખેડૂતોની અવદશા અને દુઃખ સામે ઝઝૂમતી માતાનું કેન્દ્રીય પાત્ર--એ બન્ને રસાયણો સંયોજાયાં. આ વાત બન્ની રૂબેને લખેલા મહેબૂબખાનના ચરિત્રમાંથી મળે છે, પરંતુ ત્યાર પછીની --અને આખી કથાને વિશિષ્ટ વળાંક આપનાર તત્ત્વ વિશેની--વિગત ‘સાગર મુવિટૉન’  પુસ્તકમાંથી જાણવા મળે છે.

મહેબૂબખાને પર્લ બકની બન્ને કથાઓમાંનું આબાદ ભારતીયકરણ તો કર્યું, પણ આડી લાઇને ચડેલા પુત્રને માતા ગોળી મારે છે, એવું એકેય અંગ્રેજી વાર્તામાં ન હતું. એ કલ્પના પરંપરાગત શિક્ષણની રીતે અભણ ગણાય એવા મહેબૂબખાનની હતી. તેમણે ફિલ્મનો આ અંત સંભળાવ્યો, એટલે સૌએ તેનો વિરોધ કર્યો. બધાની એક જ દલીલ હતી : ‘માતા ગમે તેટલી કઠોર બને, પણ એ દીકરાને ગોળી કદી ન મારી શકે.’ શેઠ ચીમનલાલ દેસાઇથી માંડીને બીજા બધાનો  વિરોધ ચાલુ રહેતાં મહેબૂબખાને વચલો રસ્તો સૂચવ્યો. તેમણે કહ્યું કે આ કથા કૂકૂબાને એટલે કે ચીમનલાલ દેસાઇનાં પત્ની નંદગૌરીને સંભળાવીએ. એ જે ચુકાદો આપે તે ફાઇનલ.
નંદગૌરી ચીમનલાલ દેસાઇ ઉર્ફે કૂકૂબા
કૂકૂબા સ્ટુડિયોના કામકાજમાં ભાગ્યે જ રસ લેતાં, પણ સ્ટુડિયોના સભ્યોની ઘરે અવરજવર હોય. એટલે તેમનો કડપ અને રૂઆબ સૌ જાણે. નક્કી થયા પ્રમાણે એક દિવસ મહેબૂબખાન અને બીજા થોડા લોકો ચીમનલાલના ઘરે ઉપડ્યા. મહેબૂબખાને કૂકૂબાને વાર્તા સંભળાવી. (‘મધર ઇન્ડિયા’ની મૂળ વાર્તા કૂકૂબાને ગુજરાતીમાં સંભળાવતા મહેબૂબખાન--એ દૃશ્યની કલ્પના કેટલી રોમાંચક લાગે છે?) આખી વાર્તા પૂરી થયા પછી અંતભાગ આવ્યો, એટલે મહેબૂબખાન અટક્યા અને તેમણે કૂકૂબાને પૂછ્‌યું,‘બા, આની જગ્યાએ તમારો દીકરો હોય તો તમે શું કરો?’

જરાય વિલંબ વિના કૂકૂબાએ કહ્યું,‘મારો દીકરો આવું કરે, તો હું એને ગોળી મારી દઉં.’ તેમના આ જવાબ સાથે જ ‘ઔરત’નો--ભારતની સર્વકાલીન મહાન ફિલ્મોમાંની એક બની રહેનારી ‘મધર ઇન્ડિયા’નો-- અંત નક્કી થઇ ગયો.   

Friday, May 08, 2015

અમદાવાદ રાષ્ટ્રિય પુસ્તક મેળો- ૨૦૧૫

ગઇ કાલે પૂરા થયેલા અમદાવાદના પુસ્તકમેળા/ Ahmedabad National Book Fair 2015 વિશે ફેસબુક પર આ સ્ટેટસ લખ્યું હતું, પણ પછી થયું કે ત્યાં તો થોડા સમય પછી એને શોધવું અઘરું પડશે. એટલે અહીં થોડી તસવીરો ઉમેરીને એ મૂકું છું. તમારા પ્રતિભાવ-સૂચન પણ જણાવશો.
  • પુસ્તકમેળા થવા જ જોઇએ. એને પૂરો ટેકો. પહેલા દિવસને બાદ કરતાં, છેક છેલ્લા દિવસ સુધી લોકો પુસ્તકમેળામાં આવ્યા એ દૃશ્ય જોવું બહુ ગમ્યું.
  • પુસ્તકમેળામાં રોજેરોજ ઘણા મિત્રો મળ્યા. એનો પણ પુસ્તકો જેટલો જ આનંદ. એ અર્થમાં મેળોશબ્દ સાર્થક થયો.
  • મેળાના સ્થળે ખુલ્લામાં, નાની જગ્યામાં ચાલતા, પુસ્તકોને લગતા સમાંતર કાર્યક્રમોમાં મેળામાં આવતા લોકોએ ઘણો રસ લીધો, એ જોઇને આનંદ થયો.
  • પુસ્તકમેળાના હેતુ કરતાં જુદા પ્રકારના, કેવળ મનોરંજનમાટે થતા કાર્યક્રમો લોકોને પુસ્તકો તરફ ખેંચી લાવે છે કે લોકોને કેવળ મનોરંજનકેન્દ્રી બનાવે છે, એ વિશે મતમતાંતર છે. (કદાચ બન્ને જુદા જુદા કિસ્સામાં સાચું હશે) પણ ઠીક છે.
  • સારા હિંદી અને અંગ્રેજી પ્રકાશકો વિના પુસ્તકમેળો કેવળ નામનો જ રાષ્ટ્રિયલાગ્યો. અંગ્રેજીનું એક પણ સારું કે મોટું પ્રકાશન નહીં, હિંદીમાં પણ એવું કોઇ પ્રકાશન નહીં..એનાં કારણોની તપાસ આયોજકોએ કરવી રહી.
  • ડિસ્કાઉન્ટ ફક્ત ૧૦ ટકા જ હોવું જોઇએ, એવો નિયમ રાખવાની જરૂર નથી. (એ જુદી વાત છે કે એ નિયમ પળાતો પણ નથી.) પુસ્તકમેળામાં વિક્રેતાને મન થાય એટલું ડિસ્કાઉન્ટ આપે. એમાં વાચકોને ફાયદો જ છે. (યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડના સ્ટોલ પર સત્તાવાર પચીસ ટકા ડિસ્કાઉન્ટના પ્રિન્ટ આઉટ લગાડેલા હતા.)
  • ધાર્મિક સ્ટોલનો વિભાગ જુદો હોય તો સારું. આસારામની મંડળી દ્વારા વહેંચાતું કેસુડાંનું મફત શરત બંધ કરાવવું. કાલે ઉઠીને પી આર કવાયત તરીકે દાઉદ ઇબ્રાહિમ મફત આઇસક્રીમનો સ્ટોલ માગશે તો? કોર્પોરેશનને લાગતું હોય કે પ્રજાને કંઇક મફત આપવું છે તો લીંબુપાણી જેવો કોઇ વિકલ્પ વિચારી શકાય. અરે, કેસૂડાંનું શરબત આપો, પણ તમે આપો. આસારામને પોસાય તો સરકારને ન પોસાય? અને આસારામના સ્ટોલ પર વાગતાં મુખ્ય મંત્રી, વડાપ્રધાનના એન્ડોર્સમમેન્ટ...એનું કંઇક કરો.
  • ચાર વર્ષના અનુભવ પછી કોર્પોરેશન પાસેથી વધારે સારા આયોજકીય વહીવટની--ખાસ કરીને વેબસાઇટ અને વાસ્તવિક વહીવટ વચ્ચેના સંકલનનની-- અપેક્ષા રાખી શકાય. વહીવટ સુધારવાની એક ટિપઃ સ્થળ પરનો કન્ટ્રોલરૂમ એસી ન રાખવો. કયા કામ માટે કોનો સંપર્ક કરવો એ કોઇ બાબુને પૂછવું ન પડે અને એવી એક યાદી વેબસાઇટ પર તથા સ્થળ પર જાહેર જ હોય, એવું કેમ ન થઇ શકે? ત્યાંથી કામન પતે એ લોકો જ કન્ટ્રોલરૂમમાં આવે.
  • પુસ્તકમેળામાં સ્ટોલની ફાળવણીમાં પારદર્શકતા નથી. વેબસાઇટ પર નોંધણી થયા છતાં, બપોરે કોર્પોરેશનમાંથી ફોન આવી શકે કે તમને ભૂલથી ફાળવણી થઇ ગઇ છે. હવે પાછળની લાઇનમાં સ્ટોલ જોઇતો હોય તો કહો.’..ઓનલાઇન નોંધણી અને ઓનલાઇન પેમેન્ટ પછી આવું થાય ત્યારે ભૂલ કરતાં વધારે શંકા દાનત પર જાય છે. ભૂલ ક્ષમ્ય હોય. ખોરી દાનત કે વહેરોઆંતરો ન ચલાવી લેવાય.
  • પુસ્તકમેળાને ગુજરાતદિન સાથે કશી લેવાદેવા નથી. મુખ્ય મંત્રી ને વડાપ્રધાનના ફોટા મૂકવા હોય તો ગમે ત્યારે મૂકી જ શકાય છે. મેળો નવેમ્બર-ડિસેમ્બરમાં થઇ શકે તો વધારે સારું. મોંઘાદાટ એસી હોલ ન રાખવા પડે. કન્વેન્શન હોલને બદલે બીજા, ખુલ્લાં સ્થળો વિચારી શકાય. કાંકરિયામાં કાર્નિવલ યોજાઇ શકે, તો પુસ્તકમેળો કેમ નહીં? સ્થળ બદલાય તો કદાચ સ્ટોલનું ભાડું પણ થોડું ઘટાડી શકાય અને વાચકોની સાથે ભાગ લેનારને પણ થોડો ફાયદો થાય. અને હા, પ્રવેશ તો આ વખતની જેમ મફત હોવો જોઇએ.
  • આ વખતે પુસ્તકમેળો સાત દિવસ થયો. (૧થી૭). ગુજરાતદિવસનો મોહ છોડીએ તો, આખા મેળાનું આયોજન બે વાર શનિ-રવિ આવે એવી રીતે પણ થઇ શકે એક શનિથી બીજા રવિ સુધી નવ દિવસ થાય. એક દિવસ ઘટાડવો હોય તો પહેલો શનિવાર પણ ઘટાડી શકાય.
  • પુસ્તકમેળાની બહાર અકાદમીની સ્વાયત્તતા માટે શાંત દેખાવ થતા હતા, એ વિશે કોઇએ રોકટોક ન કરી. એ બહુ ગમ્યું. વાતાવરણ જેટલું મુક્ત, એટલી મજબૂત લોકશાહી.

જેમને આ વખતે મળાયું કે મળવાનું રહી પણ ગયું, એ બધાને (મોડામાં મોડા) આવતા પુસ્તકમેળામાં મળવાનો વાયદો.

(all pics : dipak cudasama/ તમામ તસવીરોઃ દીપક ચુડાસમા) 

dipak soliya, dhaivat trivedi, urvish kothari, kartik shah :saarthak
prakashan team after 'author's corner` program, ahmedabad national book fair 2015
dhaivat trivedi, urvish kothari, dipak soliya near saarthak prakashan stall,
ahmedabad national book fair 2015
(L to R) Mansi Shah, Mansi Muliya, Dipak Chudasama, Prashant Kuhikar,
 Urvish Kothari, Dipak Soliya, Neesha Parikh
 ahmedabad national book fair 2015
author's corner : dhaivat trivedi. urvish kothari, dipak soliya listening
ahmedabad national book fair 2015
(L to R) Mansi Muliya, Dipak Soliya, Urvish Kothari, Dhaivat Trivedi, Kartik
Shah, Naresh Makwana, Mansi Shah (sitting L to R) dipak Chudasama,
Kankshin Munshi, Ashish Kakkad, Tirth Shah, ahmedabad national book fair 2015

આ પણ એક મિટિંગ સ્થળઃ urvish kothari, dipak soliya, kartik shah, biren kothari
ashish kakkad in foreground

Thursday, May 07, 2015

સ્માર્ટ સિટી બતાવું ચાલો...

શાણા --એટલે કે રીઢા--શાસકો જાણે છે કે થોડાં થોડાં વર્ષે લોકોને રમવાનાં નવાં રમકડાં આપવાં પડે. નહીંતર પ્રજા કંટાળી જાય.  (અગાઉની સ્પષ્ટતા પ્રમાણેના) શાણા શાસકો એ પણ સમજે છે કે રમકડાં સ્માર્ટ હોવાં જોઇએ, જેથી પ્રજા સ્માર્ટ ન થઇ જાય. શાસકોને બઘું પરવડે, પણ નાગરિકો સ્માર્ટ થઇ જાય એ કોઇ કાળે ન પોસાય.

આંબાઆંબલી  બધા રાજકારણીઓ બતાવે, પણ હાલની સરકાર બાવળના છાડ પર કલમી આંબા-આંબલી બતાવી શકે એટલી સક્ષમ છે. તેના આંબા-આંબલીપ્રધાને--સૉરી, વડાપ્રધાને-- ગુજરાતમાં તેમના શાસનકાળ દરમિયાન મોટા પાયે (આંબાઆંબલી)‘વૃક્ષારોપણ’ કાર્યક્રમ હાથ ધર્યો હતો. તેમાં ભવ્ય સફળતા મળ્યા પછી વડાપ્રધાન તરીકે તેમણે ‘૧૦૦ સ્માર્ટ સિટી’ની વાત વહેતી મૂકી છે. ગુજરાતમાં બીજાં કેટલાંક શહેરો ઉપરાંત ગાંધીનગરને ‘સ્માર્ટ સિટી’ બનાવાશે, એ સમાચાર વાંચીને ઘણાને થયું હશે,‘હા, એને સ્માર્ટ બનાવવાની ક્યારની બહુ જરૂર છે.’

‘વિકાસ’ની જેમ ‘સ્માર્ટ સિટી’ એટલે શું, એના વિશે એકમતી નથી. ‘એક’ કે ‘બહુ’ની વાત છોડો, ઘણાને લાગે છે કે સરકારી સ્માર્ટ સિટીની વાતમાં ‘મતિ’ જ નથી. પણ સરકાર સ્માર્ટ સિટી બનાવવા માટે ઉત્સુક છે. સરકારનું ઉત્સુક હોવું આવકાર્ય ગણાય, પણ સરકારની ઉત્સુકતાની દિશા મોટે ભાગે ચિંતાજનક હોય છે. એ સત્ય બિન-સ્માર્ટ સિટીમાં રહેનારા થોડાઘણા સ્માર્ટ નાગરિકો સમજતા હોય છે.

અબજો રૂપિયાનો સવાલ એ છે કે સ્માર્ટ સિટી કેવું હશે? એની ટેકનિકલ વિગતોની ખબર નથી. સરકારને એની ખબર છે કે નહીં, એ પણ ખબર નથી. એટલે કલ્પનાવિહાર માટે પૂરતી તક રહે છે.
***
સ્માર્ટ સિટી ઇન્ટરએક્ટિવ હોવું જોઇએ. નાગરિકસુવિધાઓની વાત તો પછી, પણ ધારો કે  સ્માર્ટ સિટીના સ્માર્ટ હૉલમાં ભાષણ કરવા ઊભા થાય અને સ્ટેજ પરથી એ જૂઠું બોલે, તો તરત હૉલમાં ચેતવણીસૂચક સાયરન વાગવી શરૂ થઇ જાય. જૂઠાણું જેટલું મોટું, એટલો સાયરનનો અવાજ મોટો હોવો જોઇએ. ઉપરાછાપરી ત્રણ જૂઠાણાં બોલાય એ સાથે જ હૉલની સ્માર્ટ સાઉન્ડ સીસ્ટમ ખોરવાઇ જવી જોઇએ. તેમ છતાં, હિંમત હાર્યા વિના, માઇક ફગાવીને નેતા સીઘું ઉદ્‌બોધન ચાલુ કરે અને જૂઠાણાં ચાલુ રાખે તો પાંચ જૂઠાણાં પછી હૉલની લાઇટો આપોઆપ બંધ થઇ જાય.

ઘણા નેતાઓને વાતે વાતે એવું કહેવાની ટેવ હોય છે કે ‘જો હું ગુનેગાર હોઉં તો મને ફાંસીએ ચડાવી દો.’ ફાંસીની સજાને ટેકો આપી શકાય નહીં, પણ કોઇ નેતા આવું બોલે એ સાથે જ ‘થ્રી-ડી ક્લાઉડ કમ્પ્યુટિંગ’ના ભાગરૂપે હવામાંથી ફાંસીનો ગાળિયો નીચે આવે અને નેતાના ચહેરાની સામે ઝૂલવા લાગે. આમ થવાથી નેતાઓને ખબર પડશે કે ખરેખર ફાંસીનો ગાળિયો સામે આવી પડે ત્યારે શું થાય.

સિટીને સ્માર્ટ બનાવવાના નામે જે બિનજરૂરી ખર્ચાળ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવે, એ બધામાં ‘સ્માર્ટ પેનલ’ હોવી જોઇએ. જેમ કે, કેવળ નવા રમકડા તરીકે મેટ્રો રેલનો મોંઘોદાટ અને બિનજરૂરી પ્રોજેક્ટ હાથ ધરવામાં આવે, તો મેટ્રો રેલના દરેક સ્ટેશને અને તેના દરેક ડબ્બામાં સ્માર્ટ પેનલ હોય. તેની પર ક્લિક કરવાથી કે ફક્ત હાથનો ઇશારો કરવાથી, મેટ્રોનું એ સ્ટેશન કેટલા લાખ રૂપિયામાં પડી શકત અને ખરેખર કેટલા લાખ રૂપિયામાં પડ્યું, એક કોચ શા ભાવે પડ્યો, આખો રુટ કેટલા અબજનો થયો, આટલી મોટી રકમમાંથી શહેરની કેટલી મ્યુનિસિપલ સ્કૂલોને અને સરકારી દવાખાનાંને સુવિધાસજ્જ બનાવી શકાયાં હોત,  કેટલા ઘરવિહોણાઓને ઘર આપી શકાયાં હોત... એ બધી વિગતો ઑડિયો અથવા વિડીયો સ્વરૂપે રજૂ થવા માંડે.

સ્માર્ટ સિટીમાં નદી વહેતી હોય તો તેના રીવરફ્રન્ટ પર હોલોગ્રામ સ્વરૂપે એ પણ લખાઇને આવે કે ફક્ત શહેરીજનોને પ્રભાવિત કરવા માટે થઇને આ પાણી કેટલે દૂરથી અહીં સુધી ખેંચી લવાયું છે અને એ માટે કેટલા રૂપિયા શબ્દાર્થમાં પાણીમાં નાખવામાં આવ્યા છે. સાથોસાથ, એટલા રૂપિયાથી કેટલા લોકોની પાણીની સમસ્યા હલ થઇ શકી હોત અથવા નર્મદા યોજનાની પેટાનહેરોનું કામ કેટલું આગળ વધારી શકાયં હોત, તેના આંકડા પણ નાગરિકોને નદી પર બાંધેલા પુલ પરથી પસાર થતી વખતે, ચાલુ વાહને વાંચવા મળી શકે.

નેતાઓની સ્માર્ટ સિટીની વ્યાખ્યામાં પાણી-વીજળી-શિક્ષણ-આરોગ્ય જેવી ‘પછાત’ સુવિધાઓ કરતાં ઇન્ટરનેટ, રસ્તા અને ફ્‌લાયઓવર જેવી સુવિધાઓ પ્રાધાન્ય ભોગવે છે. હકીકત એ છે કે ખર્ચાતા રૂપિયાના પ્રમાણમાં એ સુવિધામાં પણ શક્કરવાર હોતો નથી.  સમજુ નાગરિકો અવાસ્તવિક અપેક્ષાઓ રાખવાને બદલે ઇચ્છી શકે કે સ્માર્ટ સિટીના દરેક રોડ પર ઠેકઠેકાણે પડેલા ખાડા પરથી વાહન પસાર થાય, એ સાથે જ છેલ્લાં પાંચ વર્ષમાં એ રોડના રીસરફેસિંગનું કામ કેટલી વખત થયું, એ કામમાં ખરેખર કેટલો ખર્ચ થવો જોઇએ અને તેના બદલે દરેક વખતે કેટલી તોતિંગ રકમના કોન્ટ્રાક્ટ અપાયા, એ કોને મળ્યા અને કોની કૃપાથી મળ્યા--એ બધી વિગતો વાહનચાલકને મળવા લાગે. રાજકીય તટસ્થતા અને ‘સમાન તક’ની પોતાની દાનત  વિશે નાગરિકોને આશ્વાસન આપવા માટે, તમામ કોન્ટ્રાક્ટમાં વિરોધ પક્ષોના નેતાઓ, તેમના ભાઇ-ભત્રીજાઓ અને તેમના કૃપાપાત્રોનું કેટલું  ‘ઘ્યાન’ રાખવામાં આવ્યું છે, તેની વિગતો પણ સ્માર્ટ સિટીના બગીચાઓમાં સ્માર્ટ પેનલો થકી મૂકી શકાય.

સ્માર્ટ સિટીનાં સ્થાનિક તંત્રો પુસ્તકમેળા જેવા કાર્યક્રમનાં આયોજન કરવા બેસે ત્યારે તેમનાં કમ્પ્યુટરમાં ઉનાળાના મહિના  આપોઆપ બ્લૉક થઇ જવા જોઇએ. ધારો કે અમદાવાદ સ્માર્ટ સિટી બની જાય અને તેનું મ્યુનિસિપલ કૉર્પોરેશન ધોમધખતા મે મહિનામાં પુસ્તકમેળાનું આયોજન કરવા માટે કમ્પ્યુટરમાં એન્ટ્રી કરે, તો કમ્પ્યુટર મે મહિનાની તારીખ લે જ નહીં અને સીધા નવેમ્બર-ડિસેમ્બરના મહિના બતાવે. ત્યાર પછી પણ, આવું કેમ થાય છે તેની અધિકારીઓને ખબર ન પડે, તો સામેની બાજુ આંગળી ચીંધીને, ઉછળી ઉછળીને હસતા એક જૉકરનું ચિત્ર આવી જાય, જેની નીચે લખાણ હોય, ‘હે સરકારીમાનસધારીઓ, ધોમધખતા મે મહિનામાં પુસ્તકમેળો રાખવાની તમારા ઉપરીઓની બુદ્ધિ પર મને હસવું આવે છે. એવું ન કહેતા કે ‘પુસ્તકમેળો એસી હૉલમાં છે.’ કારણ કે લોકો પોતાના ઘરમાં બેસીને આંખ મીંચે એટલે સીધા એસી હૉલમાં પહોંચી જતા નથી. એ માટે તેમને ચાળીસ-પિસ્તાળીસ ડિગ્રીમાં તપતા જવું પડે છે અને એવી જ રીતે પાછા આવવું પડે છે...આટલી સાદી વાત તમને નથી સમજાતી એટલે મને હસવું આવે છે..હા..હા..હા..’

સ્માર્ટ સિટીના રસ્તા પર રાહદારીઓ માટે ચાલવાની જગ્યા અને મનોમન ઇશ્વરસ્મરણ કર્યા વિના રસ્તા ઓળંગી શકાય એવી સુવિધા હોવી જોઇએ...પણ એક મિનીટ, આ સુવિધા તો સ્માર્ટ ન હોય એવાં બધાં શહેરો ને નગરોમાં ન હોવી જોઇએ? 

Tuesday, May 05, 2015

નેપાળના ભીષણ ભૂકંપ પાછળનું વિજ્ઞાન

કુદરતી પરિબળો માણસની લાગણી કે સંવેદના પ્રમાણે વર્તતાં નથી. એટલે કુદરત ક્રૂર પણ નથી ને દયાળુ પણ નથી. એવી વ્યાખ્યાઓ કરવાનું કામ માણસનું છે. કુદરતનું કામ સંતુલન જાળવવાનું છે. એ પ્રક્રિયામાં માણસ લાભાર્થી બને છે કે નુકસાનાર્થી, તે કુદરતનો વિષય નથી. દાયકાઓ પહેલાં બિહારમાં ભયાનક ભૂકંપ થયો, ત્યારે ગાંધીજીએે તેને અસ્પૃશ્યતાના પાપની કુદરતે કરેલી સજા ગણાવ્યો હતો. રવીન્દ્રનાથ ટાગોરે ગાંધીજી પ્રત્યેના પૂરા સન્માન સાથે, તેમના આ ‘નિદાન’નો વિરોધ કર્યો હતો.

કુદરતી આફતો મનુષ્યોનાં ‘નૈતિક પાપ’ની સજા હોય છે--અથવા તો આવાં ‘પાપ’ કરનારા આવી આફતને લાયક હતા--એવો વિચાર અતાર્કિક છતાં લપસણો છે. નેપાળમાં ભયાનક તારાજી વેરનારા ભૂકંપ પછીના સમયમાં સોશ્યલ નેટવર્કિંગ પર પશુબલિની કેટલીક વિગતો ફરતી થઇ હતી. તેમાં ભૂકંપપીડિતો પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કર્યા પછી જણાવાયું હતું કે ‘મહિના પહેલાં નેપાળમાં કોઇ દેવીને પ્રસન્ન કરવા માટે ૨,૫૦૦ પશુની કતલ થઇ હતી, પરંતુ પ્રકૃતિ કોઇને છોડતી નથી...’

કોઇ દેવીને પ્રસન્ન કરવા કે એવાં બીજાં કોઇ કારણસર પશુઓની કતલ વાજબી નથી, પણ ભૂકંપ સાથે તેને જોડવાનો ખ્યાલ ભૂલભરેલો છે. ગમે તેટલી માનવતા છતાં, એ જાણવું-સમજવું-સ્વીકારવું પડે (હા, એ ત્રણે ક્રિયાઓ જુદી જુદી છે) કે ભૂકંપ પૃથ્વીના પેટાળમાં રહેલા ભૂસ્તરીય પોપડા (પ્લેટ)ના હલનચલનથી થાય છે. પશુબલિના ‘ગુનેગારો’ને ‘ન છોડવાના’ ભાગરૂપે ભૂકંપ થતા નથી.

બીજી કુદરતી આફતોની સચોટ આગાહી કરવામાં વિજ્ઞાન ઘણું આગળ વઘ્યું છે, ત્યારે ભૂકંપની સચોટ આગાહી કરવાનું હજુ અઘરું છે. પરંતુ નેપાળના ભૂકંપથી ઘણા અભ્યાસીઓને આશ્ચર્ય થયું નથી. ઊલટું, ઘણા ભૂસ્તરશાસ્ત્રીઓને લાગે છે કે ૭.૯ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો, એ ધાર્યા કરતાં ઓછી તીવ્રતાનો ગણાય. તેમની આ માન્યતા પાછળનું કારણ છે એ વિસ્તારની ભૂગોળ. પૃથ્વીની બાહ્ય સપાટીનો પોપડો વિરાટકાય પ્લેટ્‌સમાં વહેંચાયેલો છે.

 આ પ્લેટ્‌સ પૃથ્વીની સપાટીથી ઊંડે, અંદર રહેલા રગડા પર ‘તરે’ છે અને ચોક્કસ દિશામાં એકદમ ધીમેથી ગતિ કરે છે. ઘટનાક્રમના કેન્દ્રમાં રહેલા નેપાળની વાત કરીએ તો ત્યાં ઇન્ડો-ઑસ્ટ્રેલિયન પ્લેટ દર વર્ષે ચારથી પાંચ મિલીમીટરના હિસાબે યુરેશિયન પ્લેટ તરફ આગળ વધે છે. વર્ષે અમુક મિલીમીટરનો આંકડો આમ નગણ્ય લાગે, પણ ભૂસ્તરશાસ્ત્રમાં સમયગાળો વર્ષોમાં નહીં, સદીઓમાં કે લાખો વર્ષોમાં ગણાતો હોય ત્યારે, ચાર મિલીમીટર પ્રતિ વર્ષનો દર ઝડપી ગણાય. લાખો વર્ષો દરમિયાન આ ગતિને કારણે ભારતના સ્થાનમાં કેવો બદલો આવ્યો છે, તે અહીં જોઇ શકાય છે.

બન્ને પ્લેટ એકબીજા સાથે ટકરાય ત્યારે તેમની અથડામણ ચીલઝડપે ચાલતાં વાહનો જેવી નહીં, પણ સામસામે બળ ભીડાવતા બે જોરાવર પહેલવાનો જેવી હોય છે. વિશાળ વિસ્તાર ધરાવતી પ્લેટોની સામસામી ભીંસ એટલી પ્રચંડ હોય છે કે દૂરના ભૂતકાળમાં આખેઆખી હિમાલયની પર્વતમાળા એ ભીંસમાંથી ‘ઊભી’ થઇ હતી--અને હજુ પણ તેનાં શીખરોની ઊંચાઇમાં દર વર્ષે અમુક સેન્ટીમીટરનો વધારો થતો રહે છે. ઇન્ડિયન અને યુરેશિયન વચ્ચેની ભીંસંભીંસા એવી ચાલે છે કે તેમાંથી સતત શક્તિ પેદા થઇને સંઘરાતી રહે છે--જાણે કૂકરમાં પાણી ગરમ થતું હોય. ત્યાર પછી એક તબક્કો એવો આવે છે, જ્યારે શક્તિ સંગ્રહિત સ્વરૂપે રહેવાને બદલે ધરતીકંપના આંચકા તરીકે બહાર ફેંકાય છે--કહો કે ‘સીટી વાગે છે.  તેના કારણે ફરી તનાવ ઘટે છે, પરંતુ પ્લેટની ગતિને કારણે દબાણ સતત ચાલુ રહેતાં, ફરી એક વાર શક્તિ એકઠી થાય છે અને ફરી તેની હદ આવતાં પ્રચંડ ધરતીકંપ સ્વરૂપે વિનાશક શક્તિ બહાર ફેંકાય છે.

આ ક્રમ નેપાળમાં લગભગ નિયમિત રીતે ચાલતો રહ્યો છે.  આ વખતને ભૂકંપમાં શું બન્યું તેની સરળ શબ્દોમાં સમજૂતી આપતાં યુનિવર્સિટી ઑફ કોલોરાડોના ભૂસ્તરશાસ્ત્રી રોજર બિલ્હમે કહ્યું, ‘લગભગ ૧૨૦ કિલોમીટર લાંબો અને ૬૦ કિલોમીટર પહોળો જમીનનો ટુકડો ૩૦ સેકન્ડ માટે દક્ષિણ દિશામાં ૧૦ મીટર સુધી ધસી ગયો. એ ટુકડા પર નેપાળનું પાટનગર કાઠમંડુ અને તેના સેંકડો નાગરિકો ‘સવાર’ હતા.’ ધરતીકંપ વખતે છૂટી પડેલી શક્તિને કેટલાક નિષ્ણાતોએ ૨૦ પરમાણુબૉમ્બના ધડાકાના સરવાળા જેટલી ગણાવી છે.  ધરતીકંપનું એપિસેન્ટર (કેન્દ્રબિંદુ) જમીનથી જેટલું ઊંડું હોય, તેટલી તેની વિઘાતક અસર ઓછી. નેપાળમાં થયેલો ભૂકંપ જમીનની સપાટીથી આશરે ૧૫ કિલોમીટર નીચે થયો હતો, જે ભૂસ્તરશાસ્ત્રી પરિભાષામાં ‘છીછરો’ ગણાય. એટલે જમીનસપાટી પર તેની વિનાશક શક્તિ વધારે હોય.

હિમાલયના ભૂસ્તરશાસ્ત્રીય અભ્યાસમાં નિષ્ણાત મનાતા આઇ.આઇ.ટી.(ખડગપુર)ના પ્રો.શંકરકુમારને આટલો વિનાશક ભૂકંપ ‘મઘ્યમ તીવ્રતાનો’ લાગે છે. ‘ડાઉન ટુ અર્થ’ સામયિક સાથેની મુલાકાતમાં તેમણે કહ્યું કે (હિમાલયના) હિંદુકુશ વિસ્તારથી અરુણાચલ પ્રદેશના અંત સુધીના ૨,૫૦૦ કિલોમીટરના પટ્ટામાં પ્લેટોની ભીંસને લીધે ૯ની તીવ્રતાનો ભૂકંપ આવે, એટલી શક્તિ જમા થયેલી છે. રિક્ટર સ્કેલ પર ૯ની તીવ્રતા ધરાવતો ભૂકંપ આવે તો અભૂતપૂર્વ તબાહી મચે. એટલે જ, પ્રો.શંકરકુમારે કહ્યું,‘૯ની તીવ્રતાવાળા એક ભૂકંપને બદલે ૭.૯ની તીવ્રતાવાળા થોડા ભૂકંપ આવે, તો એકંદરે તેમાં ઓછું નુકસાન થાય. પણ મુશ્કેલી એ છે કે ૭.૯ની તીવ્રતાવાળા ૪૦થી ૫૦ ભૂકંપ થાય, ત્યારે ૯ની તીવ્રતા ધરાવતા ભૂકંપને સમકક્ષ ઊર્જા છૂટી પડે.’

નેપાળમાં છેલ્લો મોટો ધરતીકંપ (૮.૪ની તીવ્રતાનો) ૧૯૩૪માં આવ્યો હતો. ત્યારે મોટા પાયે તબાહી મચી હતી. ત્યાર પહેલાં સન ૧૨૫૫, ૧૩૪૪, ૧૮૩૩ અને ૧૮૬૬માં પણ નેપાળમાં વિનાશક ધરતીકંપ થયા હતા. આ સદીમાં નેપાળ અને ભારતના ઉત્તરી વિસ્તારોમાં--એટલે કે બન્ને પ્લેટોની ભીંસ થાય છે ત્યાં--નાના-મોટા કેટલા ધરતીકંપ આવ્યા, તેનો એકનજરે અંદાજ આ તસવીરમાં દેખાતાં વાદળી ટપકાં પરથી આવી શકે છે.


પ્લેટની ભીંસમાં જરાય રાહત મળી એમ નથી, ત્યારે નેપાળમાં વસ્તીવધારો અને આડેધડ ‘વિકાસ’થી પરિસ્થિતિ વધારે ને વધારે ગંભીર બની રહી છે. ગરીબી, સંસાધનોના અભાવ અને સલામતીની પરવા કર્યા વગરનાં આડેધડ બાંધકામોને લીધે, હવેના ધરતીકંપના પગલે થતું નુકસાન ઘણું મોટું હોય છે. બીજા શબ્દોમાં કહીએ તો, ધરતીકંપ કુદરતી આપત્તિ હોવા છતાં, તેનાં ભયાનક પરિણામો નજર સામે આવે ત્યારે તેમાં માનવસર્જિત આફત પણ ભળી ગયેલી હોય છે.

કુદરતી આફતનો કોઇ ઉપાય નથી, તો માણસની દાનતનો પણ ક્યાં ઇલાજ લાગે છે?

Saturday, May 02, 2015

નેટ ન્યૂટ્રાલિટી : જંગ અભી જારી હૈ

 ભારતમાં ચાલેલી નેટ ન્યૂટ્રાલિટીની ગરમાગરમ ચર્ચા વિશે વાત માંડતાં પહેલાં,  ગયા અઠવાડિયાના એક મોટા --અને નેટ ન્યૂટ્રાલિટી સાથે સીધો સંબંધ ધરાવતા--સમાચાર તાજા કરી લઇએ.

અમેરિકામાં ગયા વર્ષે નેટ ન્યૂટ્રાલિટીનો મુદ્દો બહુ ચગ્યો. અમેરિકામાં ‘કૉમકાસ્ટ’ નામની કંપની કેબલ ટીવીના ક્ષેત્રે ભારે વર્ચસ્વ ધરાવે છે. ઇન્ટરનેટનો જમાનો આવ્યા પછી ‘કૉમકાસ્ટે’ કેબલ ટીવીની સાથે ઇન્ટરનેટ કનેક્શનના ધંધામાં પણ સર્વિસ પ્રોવાઇડર તરીકે ઝુકાવ્યું.

બીજી તરફ, ઇન્ટરનેટ પર ટીવીના કાર્યક્રમો રજૂ કરવાનો (સ્ટ્રીમિંગ વિડીયોનો) ચાલ શરૂ થયો. એ ધંધામાં રહેલી એક મોટી વેબસાઇટ એટલે ‘નેટફિ્‌લક્સ’. ઘણા અમેરિકનો કેબલ ટીવી પર કાર્યક્રમો જોવાને બદલે, ‘નેટફિ્‌લક્સ’ની વેબસાઇટ પર જઇને, ફી ભરીને મનપસંદ ટીવી કાર્યક્રમો, ફિલ્મો વગેરે તેમના કમ્પ્યુટર, ફોન કે ટૅબ્લેટમાં જોવા લાગ્યા. તેની સીધી અસર ‘કૉમકાસ્ટ’ના કેબલ કનેક્શનના ધંધા પર થાય, એ સ્વાભાવિક હતું.

‘કૉમકાસ્ટ’ જોકે કેબલ ઉપરાંત ઇન્ટરનેટ કનેક્શનના ધંધામાં પણ હતી. એટલે બન્યું એવું કે જે ગ્રાહકોના ઘરમાં ‘કૉમકાસ્ટ’નું ઇન્ટરનેટ કનેક્શન હતું, ત્યાં ‘નેટફિ્‌લક્સ’ વેબસાઇટની ગતિ ધીમી પડી. ‘નેટફિ્‌લક્સ’ પર ટીવી શો કે ફિલ્મ જોવા માટે ઇેન્ટરનેટની ગતિ ઝડપી જોઇએ. એવું ન હોય તો જોનાર કંટાળી જાય અને બે-ચાર વાર આવું થયા પછી ‘નેટફિ્‌લક્સ’ પર જવાને બદલે એ ટીવી ચાલુ કરે.

‘નેટફિ્‌લક્સે’ આ અંગે વચ્ચે રહેલી કંપની‘લેવલ ૩’નું ઘ્યાન દોર્યું. ‘લેવલ ૩’એ ‘કૉમકોસ્ટ’ સમક્ષ રજૂઆત કરી, ત્યારે ત્યાંથી જવાબ મળ્યો, ‘વધારે સ્પીડ જોઇતી હોય તો તમારે (‘નેટફિ્‌લક્સ’ વતી ‘લેવલ ૩’એ) વધારે ફી ચૂકવવી પડે.’

ગયા વર્ષે બનેલી આ ઘટનાથી ‘નેટ ન્યૂટ્રાલિટી’નો મુદ્દો સામાન્ય ગ્રાહકોમાં ચર્ચાનો અને ચણભણાટનો વિષય બન્યો. દરમિયાન, ‘કૉમકાસ્ટે’ કેબલ કનેક્શન પૂરાં પાડતી બીજી મોટી કંપની ‘ટાઇમ વૉર્નર કેબલ’ને ૪૫ અબજ ડૉલરની આસમાની કિંમતે ખરીદી લેવાનું નક્કી કર્યું. સોદાને સરકાર તરફથી પ્રાથમિક ધોરણે લીલી ઝંડી મળી હતી, પરંતુ ‘નેટફિ્‌લક્સ’ સાથે તેણે કરેલી ગોલમાલ અને ઇન્ટરનેટ કનેક્શનમાં વહેરોઆંતરો રાખવાની તેની દાનતથી ‘કૉમકાસ્ટ’ની ધંધાકીય આબરૂને ફટકો પડ્યો.

‘કૉમકાસ્ટ’-‘ટાઇમ વૉર્નર’નો સોદો પાર પડે તો અમેરિકાનાં લગભગ ૪૦ ટકા ઇન્ટરનેટ કનેક્શન ‘કૉમકાસ્ટ’ની મુઠ્ઠીમાં આવી જાય. ત્યાર પછી તેનું તંત્ર એટલું મોટું બને કે ખુદ સરકાર પણ તેને એક હદથી વધારે નિયંત્રણમાં રાખી ન શકે અને જે ‘નેટફિ્‌લક્સ’ સાથે બન્યું, એ બીજી વેબસાઇટો કે ગ્રાહકો સાથે પણ બનવાની સંભાવના રહે.

આમ, ‘કૉમકાસ્ટ’નો કેબલક્ષેત્રે એકાધિકાર ન સ્થપાય એ મુખ્ય કારણ તો ખરું, પણ નેટ ન્યૂટ્રાલિટી- સૌને સમાન સ્પીડ, સૌને સમાન મહત્ત્વ--નો ભંગ કરવાની તેની મથરાવટીને લીધે, છેવટે એવી સ્થિતિ આવી કે સરકાર ‘કૉમકાસ્ટ’-‘ટાઇમ વૉર્નર’નું જોડાણ નામંજૂર કરે. એવું થાય તે પહેલાં ‘કૉમકાસ્ટે’ સમજીને પારોઠનાં પગલાં ભર્યાં અને ‘ટાઇમ વૉર્નર કેબલ’ હસ્તગત કરવાનું માંડી વાળ્યું. ગયા શુક્રવારના આ સમાચારને નેટ ન્યૂટ્રાલિટીની તરફેણમાં મોટી જીત તરીકે વધાવી લેવાયા.

ભારતીય વાસ્તવિકતા

ભારતમાં ‘ટેલીકોમ રેગ્યુલેટરી ઑથોરિટી ઑફ ઇન્ડિયા’ (ટ્રાઇ)એ નેટ ન્યુટ્રાલિટી અંગેની નીતિ નક્કી કરતાં પહેલાં લોકો પાસેથી સૂચનો મંગાવ્યાં હતાં. તેમાં ૧૦ લાખથી પણ વઘુ લોકોએ નેટ ન્યુટ્રાલિટીની તરફેણ અને તેમાં કોઇ પણ જાતના સમાધાન સામે વિરોધ નોંધાવ્યો.

નેટ ન્યુટ્રાલિટીનો સવાલ ભારતમાં બે મુદ્દે ઊભો થયો : ‘ઓવર ધ ટૉપ’ (ઓટીટી) તરીકે ઓળખાતી સેવાઓ અંગે અને ‘એરટેલ ઝીરો’ જેવા ખાસ પ્રકારના મફત પ્લાન અંગે. ‘ઓવર ધ ટૉપ’ એટલે સાદી ભાષામાં એવી બધી વેબસાઇટો, મોબાઇલ એપ્લિકેશન અને સુવિધાઓ, જે ઇન્ટરનેટ કનેક્શન હોય તો જ મેળવી શકાય. ધારો કે ઍરટેલનું મોબાઇલ-ઇન્ટરનેટ કનેક્શન હોય અને તેની મદદથી સ્માર્ટફોન પર ગુગલ, વૉટ્‌સએપ, ફેસબુક, સ્કાઇપ, વાઇબર, ફિ્‌લપકાર્ટ વગેરે કોઇ પણ સાઇટ કે ઍપ ખોલીએ, તો એ સાઇટોની સેવા ‘ઓવર ધ ટૉપ’ કહેવાય.

તેમાંથી સ્કાઇપ, વાઇબર જેવી કેટલીક સેવાઓ સામે ટૅલીકૉમ કંપનીઓને ખાસ વાંધો પડવાનું મોટું કારણ : ઇન્ટરનેટ પહેલાંના યુગમાં માણસ પોતાના મોબાઇલ કનેક્શનનો ઉપયોગ કરીને ફોન પર વાતો કરતો હતો અને તેનું બિલ ફોન કંપનીઓને ચૂકવતો હતો. હવે સ્માર્ટ ફોનના યુગમાં માણસના ફોનમાં મોબાઇલ અને ઇન્ટરનેટ બન્ને કનેક્શન હોય. ઇન્ટરનેટની મદદથી તે વેબસાઇટો પર હરે-ફરે-ચરે ત્યાં સુધી મોબાઇલ કંપનીઓ રાજી. (કેમ કે ઇન્ટરનેટ વપરાશનો ચાર્જ તેણે ફોનકંપનીઓને ચૂકવવો પડે છે) પણ જેવો એ ઇન્ટરનેટની મદદથી (વાઇબર અને સ્કાઇપ જેવી સર્વિસ થકી) મફતીયા ફોન કરતો થઇ જાય, એ સાથે જ કંપનીઓના પેટમાં તેલ રેડાય. કેમ કે, ઇન્ટરનેટનો ધંધો કરવા જતાં, ફોનના ધંધા પર પાટુ પડે છે.

તેના ઉપાય તરીકે ફોન કંપનીઓએ વિચાર્યું કે આપણા જ ઇન્ટરનેટ નેેટવર્ક પર સવાર થઇને, આપણા જ ફોનના ધંધા પર ઘા કરતી સાઇટો કે ઍપ્સ માટે, ઇન્ટરનેટના ચાર્જ ઉપરાંત વધારાની રકમ પણ વસૂલવી જોઇએ. આવી પ્રસ્તાવિત વધારાની રકમ ગ્રાહકોને ‘દંડ’ લાગે ને ફોનકંપનીઓને ‘વળતર’. ‘ટ્રાઇ’ સમક્ષ ફોનકંપનીઓએ ‘વળતર’ વસૂલવાની પરવાનગી માગતી રજૂઆત કરી. ‘ટ્રાઇ’એ શરૂઆતમાં તેમની પ્રત્યે સહાનુભૂતિનું વલણ રાખ્યું હતું. પણ એવામાં ‘ઍરટેલ ઝીરો’ પ્લાનની વાત આવી, એટલે મામલો વણસ્યો.

‘ઍરટેલ ઝીરો’ પ્લાન ટૂંકમાં એવો હતો કે એ પ્લાન લેનાર  ફોન પર ઇન્ટરનેટ મફત વાપરવા મળે. કેમ કે, ઇન્ટરનેટનો ખર્ચ કેટલીક (‘ઍરટેલ’ની યોજના પ્રમાણે, લગભગ દોઢસો) વેબસાઇટો ભોગવે. બદલામાં, વેબસાઇટોને ફાયદો એ કે ‘ઝીરો સ્કીમ’વાળા ગ્રાહકને મળેલા મફત કનેક્શનમાં ફક્ત એ વેબસાઇટો જ જોઇ શકાય, જેમણે ‘ઍરટેલ’ને રૂપિયા ચૂકવ્યા હોય. આ ગોઠવણમાં ન ઉતરી હોય એવી વેબસાઇટો કાં દેખાય જ નહીં, કાં તેની ગતિ એટલી ધીમી હોય કે ગ્રાહક કંટાળીને ત્યાં જવાનું બંધ કરે.

અગાઉ ‘ફેસબુક’, ‘ટ્‌વીટર’ જેવી વેબસાઇટો ફોનકંપનીઓ સાથે આવી ગોઠવણ પાર પાડી ચૂકી હતી. તેના પ્રતાપે ગ્રાહકોને ફોન પર ફેસબુક કે ટિ્‌વટર મફતમાં (ઇન્ટરનેટ કનેક્શનનો ચાર્જ ચૂકવ્યા વિના) વાપરવા મળતાં હતાં. સવાલ એ થાય કે આ બન્ને સાઇટ ફોન પરથી સીધી, ઇન્ટરનેટનો ખર્ચ કર્યા વિના, ખોલી શકાતી હોય તો, તેમની હરીફ કે તેમના જેવી બીજી સાઇટ ખોલવાની તસ્દીમાં કોણ પડે? અને એ જ કારણે બીજી સાઇટોને અન્યાય ન થાય? સોશ્યલ નેટવર્કિંગને બદલે ઇ-કૉમર્સની સાઇટનો દાખલો લેવાથી વાત વધારે સ્પષ્ટ થશે. ધારો કે એમેઝોન કે ફિ્‌લપકાર્ટ આ રીતે ફોન પર મફતમાં ખોલી શકાય, પણ કોઇએ નાના પાયે શરૂ કરેલી વેબસાઇટ જોવા માટે ઇન્ટરનેટનો ખર્ચ કરવાનો થાય, તો નવી કંપનીનો ભાવ કોણ પૂછે?

આ જાતની દલીલોના આધારે ભારતમાં નેટ ન્યૂટ્રાલિટીની તરફેણમાં વ્યાપક ઝુંબેશ ચલાવવામાં આવી. પરંતુ દરેક મુદ્દાની જેમ આ મુદ્દે થોડા વિસંવાદી સૂર ઉઠ્યા. એક સૂર એવો હતો કે ભારત જેવા દેશમાં લાખો વંચિતોને મફતમાં ઇન્ટરનેટ મળતું હોય, ત્યારે નેટ ન્યૂટ્રાલિટીનું પૂંછડું પકડી રાખવાનો અર્થ નથી. આમ કહેનારાનો તર્ક એવો હતો કે ભારતમાં નેટ-નિષ્પક્ષતા કરતાં નેટનો પ્રસાર વધારે જરૂરી છે. એવું પણ કહેવાયું કે નેટ ન્યૂટ્રાલિટીની વાતો કરનારા ઉચ્ચ-મઘ્યમ વર્ગના શહેરી લોકો છે, જે ઇન્ટરનેટને પોતાનો ગરાસ ગણે છે અને ઇચ્છતા નથી કે સામાન્ય માણસો સુધી ઇન્ટરનેટ મફતમાં પહોંચે.

આ તર્કમાં એ વાત સગવડપૂર્વક ભૂલાવી દેવામાં આવી હતી કે ઝીરો સ્કીમ પ્રમાણે મળેલા મફત ઇન્ટરનેટ કનેક્શનમાં અમુક જ વેબસાઇટોનું વર્ચસ્વ જામશે એનું શું? વેબસાઇટો કમાય એનો વાંધો નથી, પણ એ કોનામાંથી, કોના ભોગે, કોને વસ્તુઓ (કે સેવા) વેચીને કમાશે? દેખીતું છે : પેલા નવા, ‘મફત’વાળા ગ્રાહકોના મોટા સમુહને.

એવું પણ કહેવામાં આવ્યું કે અમેરિકા જેવા દેશોમાં ‘નેટ ન્યૂટ્રાલિટી’ની વાતો કરીએ તે બરાબર છે, પણ ભારતમાં એ બઘું ન ચાલે. બીજી કૉન્સ્પીરસી થિયરીને જરા વધારે ઊંડી અને વધારે ટેક્‌નિકલ બનાવવામાં આવી હતી, જેનો ટૂંકસાર એવો હતો કે ‘ફિ્‌લપકાર્ટ’ને પછાડીને ઇ-કૉમર્સનું ભારતીય માર્કેટ સર કરવા ઇચ્છતી ‘ઍમેઝોન’ ભારતમાં નેટ ન્યૂટ્રાલિટીની ઝુંબેશનો પડદા પાછળથી દોરીસંચાર કરે છે. અલબત્ત, તેમાં આખી નેટ ન્યૂટ્રાલિટીની ચર્ચાને ‘ઍમેઝોન વિરુદ્ધ ફિ્‌લપકાર્ટ’ની લડાઇમાં પલટી નાખવામાં આવી.

‘ઍરટેલ ઝીરો’ની જેમ જ, પણ જરા વધારે ઊંચા સમાનતાના દાવા સાથે ‘ફેસબુક’ ‘ઇન્ટરનેટ ડૉટ ઓઆરજી’ સ્કીમ ચલાવે છે. ફેબુ્રઆરીમાં રિલાયન્સ સાથે મળીને તેણે ભારતમાં પણ આ યોજના તરતી મૂકી. તેનો દાવો સાઇટો પાસેથી નાણાં લઇને દુનિયાભરના વંચિતોને મફત ઇન્ટરનેટ કનેક્શન આપવાનો છે. ભારતની ઘણી વેબસાઇટો તેમાં સામેલ થઇ હતી, પરંતુ નેટ ન્યૂટ્રાલિટીનો વિવાદ ચગ્યા પછી મિડીયાની અને બીજી ઘણી નામી કંપનીઓએ ‘ઇન્ટરનેટ ડૉટ ઓઆરજી’ પણ છોડવાનો નિર્ણય લીધો.

ભારતમાં નેટ ન્યુટ્રાલિટીનું ભવિષ્ય આવનારા દિવસોમાં નક્કી થશે, પણ એ જંગ હવે એકતરફી (કંપનીઓ તરફી) રહ્યો નથી, એ ગ્રાહકો માટે આશ્વાસનની વાત છે.