Tuesday, May 26, 2015

ભૂતકાળ બની ચૂકેલા ભારત-ચીન સદ્‌ભાવનું કાયમી પ્રતીક : ડૉ.દ્વારકાનાથ કોટનિસ

યુદ્ધકથા અને પ્રેમકથા--એમ બબ્બે રમ્ય કથાઓના નાયક,  વી.શાંતારામ કૃત ‘ડૉ.કોટનિસકી અમર કહાની’ જેવી ફિલ્મના ચરિત્રનાયક ડૉ.દ્વારકાનાથ કોટનિસને, આગળ જતાં ગુજરાતના પહેલા મુખ્ય મંત્રી બનેલા ડૉ.જીવરાજ મહેતા સાથે શો સંબંધ હતો?

Dr.Dwarkanath Kotnis / ડો.દ્વારકાનાથ કોટનિસ

Poster of V.Shantaam's film Dr.Kotnis ki Amar Kahani

ડૉ.કોટનિસની કથા ટૂંકમાં આટલી જ : તબીબી કારકિર્દીના આરંભે સેવાભાવથી પ્રેરાઇને તે યુદ્ધગ્રસ્ત ચીનમાં ગયા, ચીની યુવતી સાથે પ્રેમમાં પડ્યા-પરણ્યા અને અકાળે અવસાન પામ્યા. પરંતુ બે લીટીની આ કથાની વિગતમાં એટલો મસાલો ઠાંસીને ભરેલો છે કે વી.શાંતારામ જેવા પ્રયોગશીલ ફિલ્મસર્જકને આખેઆખી ફિલ્મ બનાવવાનું --અને તેમાં પોતે ડૉ.કોટનિસની ભૂમિકા ભજવવાનું--મન થાય, માતબર પ્રદાન કરનારા વિદેશીઓ તરીકે ડૉ.કોટનિસનું નામ ચીનમાં હજુ પણ માનપૂર્વક ગણાતું હોય, ચીની પાઠ્યપુસ્તકોમાં તેમની કથા હોય, એકવીસમી સદીમાં પણ ભારતની મુલાકાતે આવનારા ચીનના વડાઓ અચૂક ડૉ.કોટનિસનાં વૃદ્ધ બહેનની- તેમના પરિવારની  મુલાકાત લેવાનું અને ડૉ.કોટનિસ પ્રત્યે ચીનની કૃતજ્ઞતા વ્યક્ત કરવાનું ન ચૂકે.

અલબત્ત, ચીનના સત્તાધીશોને ડો.કોટનિસ માટે છે એવો ભાવ ભારત માટે નથી. ભારત-ચીન વચ્ચે ૧૯૬૨માં થયેલા યુદ્ધ પછી બન્ને દેશો વચ્ચેના સંબંધમાં ઊંડી ખાઇ સર્જાઇ. ચીનની ખોરી દાનત ત્યાર પછી કદી સુધરી હોય એવું લાગ્યું નથી. ચીનના વર્તમાન પ્રમુખના ભારતપ્રવાસ અને ભારતના વર્તમાન વડાપ્રધાનના ચીનપ્રવાસ પછી પણ બન્ને વચ્ચે રહેલી અવિશ્વાસની ખાઇ એમ પુરાય એવી નથી. (વર્તમાન વડાપ્રધાને ચીનમાં જે કંઇ કર્યું, તે કોઇ કૉંગ્રેસી વડાપ્રધાને કર્યું હોત, તો આ જ ભાજપી નેતાઓ કેવી કાગારોળ મચાવતા હોત એ કલ્પી શકાય એવું છે.)

ચીનના મુદ્દે પંડિત નેહરુએ મોટું ગોથું ખાઘું, એ ઐતિહાસિક હકીકત છે, પરંતુ ચીન પ્રત્યેના તેમના ભાવની શરૂઆત આઝાદ ભારતનું વડાપ્રધાનપદું સંભાળ્યાના એકાદ દાયકા પહેલાંથી થઇ ચૂકી હતી. એ વખતે ભારત સામ્રાજ્યવાદી બ્રિટનના સકંજામાં હતું, જ્યારે ચીનમાં સામ્રાજ્યવાદી જાપાનનો આતંક હતો. સહસ્ત્રાબ્દિઓ જૂની સંસ્કૃતિઓ ધરાવતા આ બન્ને દેશો વચ્ચે પ્રાચીન ગૌરવ અને વર્તમાનકાળની વેદનાનો સંબંધ હતો. બન્ને અમુક રીતે સમદુઃખિયાં હતાં. એટલે બન્ને દેશોના ટોચના લોકનેતાઓને એકબીજાના દેશની અવદશા અંગે સહાનુભૂતિ હોય, એ સમજી શકાય એવું હતું.

ચીનના કેટલાક પ્રાંતોમાં જાપાનના લશ્કરી કબજા સામે ચીની સૈન્યે લડાઇ આદરી હતી, પણ તેમની દશા કેવી હતી તેનું બયાન ચીનના મોરચે કાર્યરત અમેરિકન મહિલા પત્રકાર એગ્નેસ સ્મેડ્‌લીના ૨૩ નવેમ્બર, ૧૯૩૭ના પત્રમાંથી અને ચીની સેનાપતિ-નેતા ચુ તેહના ૨૬ નવેમ્બર, ૧૯૨૭ના પત્રમાંથી મળે છે. ચુ તેહે લખ્યું હતું, ‘..હજારોની સંખ્યામાં કામદારો, ખેડૂતો અને વિદ્યાર્થીઓ... સામ્રાજ્યવાદી સૈન્ય સામે સ્વયંસેવક ટુકડીઓમાં લડી રહ્યા છે. આ સ્વયંસેવકો પસે શસ્ત્રો તો છે, પરંતુ તેમની પાસે શિયાળાનાં કપડાં નથી, કામળા નથી, જોડા નથી...તેમને માટે અમે અહીં ચીનમાં તેમ જ પરદેશમાં નાણાં એકઠાં કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ...અમે જાણીએ છીએ કે અમે કેવળ ચીની રાષ્ટ્ર અને ચીની પ્રજાની જ નહીં, સમગ્ર એશિયાની લડત લડી રહ્યા છીએ તથા પીડિત રાષ્ટ્રો અને પીડિત વર્ગોની મુક્તિ માટેના વિશ્વસૈન્યનો એક ભાગ છીએ. મહાન હિંદી પ્રજાના તમારા જેવા એક મહાન નેતા પાસેથી અમારી લડતમાં હરેક રીતે મદદ માગવાનું આ ભાનથી અમને ઉચિત લાગે છે...અમે નાણાંકીય મદદ આવકારીશું, દાક્તરી સામગ્રી અને શસ્ત્રક્રિયા માટેનાં સાધનો આવકારીશું, અમે યુદ્ધકાર્યની તાલીમ પામેલાં સર્જનો અને નર્સોને આવકારીશું...જાપાનીઓ ચીનને ગુલામ બનાવવામાં સફળ થશે તો એશિયાની કોઇ પણ પ્રજા ઘણાં વરસો સુધી--કદાચ દસકાઓ સુધી--પોતાની મુક્તિ મેળવી શકશે નહીં. અમારી લડત એ તમારી લડત છે...’ (‘કેટલાક જૂના પત્રો’, પૃ.૨૯૦-૨૯૩, નવજીવન પ્રકાશન)

આ પત્રોના પ્રતિભાવમાં પંડિત નેહરુએ ૯ જાન્યુઆરી, ૧૯૩૮ના રોજ ‘ચાયના સૉલિડારિટી ડે’ મનાવવાની અપીલ કરી અને ભારત તરફથી સદ્‌ભાવના પ્રતીક રૂપે ચીનમાં એક તબીબી ટુકડી મોકલવાની જાહેરાત કરી. કેમ કે, એ લડાઇ સામ્રાજ્યવાદ સામેની હતી અને ભારત પણ જુદી રીતે સામ્રાજ્યવાદ સામેની લડાઇ લડી રહ્યું હતું. તબીબી ટુકડીની પસંદગી માટે મુંબઇની જી.એસ.મેડિકલ કૉલેજના ડીન  ડૉ.જીવરાજ મહેતાની આગેવાની હેઠળ એક સમિતિ બનાવવામાં આવી.  મહારાષ્ટ્રના સોલાપુરમાં ૧૦ ઑક્ટોબર, ૧૯૧૦ના રોજ જન્મેલા દ્વારકાનાથ કોટનિસ ત્યારે પોતાનો તબીબી અભ્યાસ પૂરો કરીને વઘુ અભ્યાસ અંગે વિચારી રહ્યા હતા.
Pandit Nehru- Dr.Jivraj Mehta / પંડિત નેહરુ- ડો.જીવરાજ મહેતા

ડૉ.જીવરાજ મહેતા જે કૉલેજના ડીન હતા, એ જી.એસ.મેડિકલ કૉલેજમાં જ કોટનિસ ભણ્યા હતા. પણ કોટનિસે પ્રવેશ લીધો એ અરસામાં ડૉ.જીવરાજ મહેતાને સત્યાગ્રહના આંદોલનમાં ભાગ લેવા બદલ જેલમાં જવાનું થયું. ‘ધ બ્રિજ ફૉર એવર’ નામે ડૉ.કોટનિસનું જીવનચરિત્ર લખનાર તેમના ભાઇ એમ.એસ.કોટનિસે પુસ્તકમાં નોંઘ્યું છે કે ડૉ.મહેતાની જગ્યાએ આવેલા બીજા ડીન (ડૉ.ખાનોલકર) સામે વિદ્યાર્થીઓએ પોતાની માગણી રજૂ કરતું ઉગ્ર આંદોલન ચલાવ્યું અને કોટનિસ જાહેરમાં ડીન વિશે આકરા શબ્દો બોલ્યા. એટલે આંદોલન પૂરું થઇ ગયા પછી ડીને કોટનિસ એક જ શરતે ‘સારી ચાલચલગત’ના પ્રમાણપત્ર પર સહી કરી આપવા કહ્યું : તમારે કૉલેજ બદલી નાખવી પડશે. એટલે એમ.બી.બી.એસ.ના બીજા વર્ષથી તેમણે મુંબઇની ગ્રાન્ટ મેડિકલ કૉલેજમાં પ્રવેશ લીધો. ૧૯૩૬માં અભ્યાસ પૂરો થયા પછી એક તરફ આગળ અભ્યાસની તાલાવેલી હતી અને બીજી તરફ થાળે પડવાની વાત હતી. કુટુંબીજનોને તો તેમને પરણાવવાની ઉતાવળ પણ હોય.

એવામાં પંડિત નેહરુની ચીન જવાની અપીલ આવી. ૨૯ જૂન, ૧૯૩૮ના રોજ મુંબઇમાં ‘ચીન દિવસ’ તરીકે મનાવવામાં આવ્યો. એ દિવસે ડૉ.કોટનિસે તબીબી ટુકડી પસંદ કરનાર સમિતિના અઘ્યક્ષ ડૉ.જીવરાજ મહેતાને પત્ર લખ્યો અને તેમને મળવા ગયા. ડૉ.મહેતાએ ચીન જવામાં રહેલી તકો અને ખાસ તો જોખમો વિશે ડૉ.કોટનિસને વિગતે વાત કરી. પરંતુ ડૉ.કોટનિસ નિર્ણય લઇ ચૂક્યા હતા. પિતાને પત્રમાં તેમણે લખ્યું, ‘ડૉ.જીવરાજ મહેતાએ મારા નિર્ણયની વિપરીત બાજુ ચીંધી બતાવી છે. જીવનું જોખમ, ઉચ્ચ અભ્યાસમાં વિઘ્ન, સારી નોકરીની તક ગુમાવવી--આ બધાને હું વિપરીતતા ગણતો જ નથી.’

ડૉ.કોટનિસના પિતા અને પરિવારજનોને આ નિર્ણય ન ગમ્યો. તેનું એક કારણ એ પણ હતું કે આ ટુકડી ‘સરકારી’ ન હતી. બ્રિટિશ સરકારના ટેકો કે માન્યતા વિના, ફક્ત કૉંગ્રેસ તરફથી સદ્‌ભાવપૂર્વક મોકલાયેલી ટુકડીના સભ્ય તરીકે તેમણે જવાનું હતું. એટલે કશા સરકારી લાભ મળે એમ ન હતા. જીવ ગુમાવવાનો આવે તો પણ ‘સત્તાવાર શહીદ’નું માન મળે એમ ન હતું. તેમ છતાં, ડૉ.કોટનિસની સમજાવટથી તેમના પિતા માન્યા. મુંબઇ આવીને એ ડૉ.જીવરાજ મહેતાને પણ મળ્યા અને તેમની સાથે વાતચીત કરીને સંતુષ્ટ થયા. આખા પ્રોજેક્ટને કૉંગ્રેસનો પૂરો ટેકો હતો અને તેનો ખર્ચ પણ કૉંગ્રેસ ઉપાડવાની હતી. સોલાપુરમાં આ સમાચાર પહોંચ્યા ત્યારે લોકોને પહેલાં આશ્ચર્ય થયું. કારણ કે ડૉ.કોટનિસના પિતા સ્થાનિક રાજકારણમાં કૉંગ્રેસથી દૂર રહેતા હતા અને તેમનો દીકરો પંડિત નેહરુ પ્રેરિત ટુકડીનો સભ્ય બનીને, જીવ જોખમમાં મૂકીને ચીન જઇ રહ્યો હતો.

શરૂઆતનું આશ્ચર્ય ઓસર્યા પછી તેમનાં સન્માનો શરૂ થયાં. ચીનના કૉન્સેલ જનરલે મુંબઇની તાજમહાલ હૉટેલમાં આખી તબીબી ટુકડીને પાર્ટી આપી. તેમાં ડૉ.કોટનિસ ઉપરાંત સ્પેનના ગૃહયુદ્ધ દરમિયાન ત્યાં સેવા આપી ચૂકેલા ડૉ.મોહનલાલ અટલ, ડૉ. એમ.આર.ચોલકર, ડૉ.બિજોયકુમાર બાસુ અને ડૉ. દેબેન મુખરજી- એમ પાંચ જણ હતા. મુંબઇમાં તેમના માનમાં જાહેર કાર્યક્રમ થયો. તેમાં સરોજિની નાયડુએ પાંચે ડૉક્ટરને બિરદાવ્યા અને ‘આ લોકો સેવા કરવામાં જરાય પાછી પાની નહીં કરે અને જે કંઇ બલિદાન આપવું પડે તે આપશે’--એવી આશા વ્યક્ત કરી. તેેમની અપેક્ષા ડૉ.કોટનિસનાં પરિવારજનો માટે ‘ચિંતા’ હતી. તેમ છતાં, પોતાના પરિવાર સાથે પડાવેલી સમુહ તસવીર અને માએ આપેલી ચાંદીની લોટી સાથે ડૉ.કોટનિસ ૧ સપ્ટેમ્બર, ૧૯૩૮ના રોજ એસ.એસ.રાજપુતાના સ્ટીમરમાં ચીન જવા ઉપડ્યા.
(વધુ આવતા સપ્તાહે)

No comments:

Post a Comment