Tuesday, May 05, 2015
નેપાળના ભીષણ ભૂકંપ પાછળનું વિજ્ઞાન
કુદરતી પરિબળો માણસની લાગણી કે સંવેદના પ્રમાણે વર્તતાં નથી. એટલે કુદરત ક્રૂર પણ નથી ને દયાળુ પણ નથી. એવી વ્યાખ્યાઓ કરવાનું કામ માણસનું છે. કુદરતનું કામ સંતુલન જાળવવાનું છે. એ પ્રક્રિયામાં માણસ લાભાર્થી બને છે કે નુકસાનાર્થી, તે કુદરતનો વિષય નથી. દાયકાઓ પહેલાં બિહારમાં ભયાનક ભૂકંપ થયો, ત્યારે ગાંધીજીએે તેને અસ્પૃશ્યતાના પાપની કુદરતે કરેલી સજા ગણાવ્યો હતો. રવીન્દ્રનાથ ટાગોરે ગાંધીજી પ્રત્યેના પૂરા સન્માન સાથે, તેમના આ ‘નિદાન’નો વિરોધ કર્યો હતો.
કુદરતી આફતો મનુષ્યોનાં ‘નૈતિક પાપ’ની સજા હોય છે--અથવા તો આવાં ‘પાપ’ કરનારા આવી આફતને લાયક હતા--એવો વિચાર અતાર્કિક છતાં લપસણો છે. નેપાળમાં ભયાનક તારાજી વેરનારા ભૂકંપ પછીના સમયમાં સોશ્યલ નેટવર્કિંગ પર પશુબલિની કેટલીક વિગતો ફરતી થઇ હતી. તેમાં ભૂકંપપીડિતો પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કર્યા પછી જણાવાયું હતું કે ‘મહિના પહેલાં નેપાળમાં કોઇ દેવીને પ્રસન્ન કરવા માટે ૨,૫૦૦ પશુની કતલ થઇ હતી, પરંતુ પ્રકૃતિ કોઇને છોડતી નથી...’
કોઇ દેવીને પ્રસન્ન કરવા કે એવાં બીજાં કોઇ કારણસર પશુઓની કતલ વાજબી નથી, પણ ભૂકંપ સાથે તેને જોડવાનો ખ્યાલ ભૂલભરેલો છે. ગમે તેટલી માનવતા છતાં, એ જાણવું-સમજવું-સ્વીકારવું પડે (હા, એ ત્રણે ક્રિયાઓ જુદી જુદી છે) કે ભૂકંપ પૃથ્વીના પેટાળમાં રહેલા ભૂસ્તરીય પોપડા (પ્લેટ)ના હલનચલનથી થાય છે. પશુબલિના ‘ગુનેગારો’ને ‘ન છોડવાના’ ભાગરૂપે ભૂકંપ થતા નથી.
બીજી કુદરતી આફતોની સચોટ આગાહી કરવામાં વિજ્ઞાન ઘણું આગળ વઘ્યું છે, ત્યારે ભૂકંપની સચોટ આગાહી કરવાનું હજુ અઘરું છે. પરંતુ નેપાળના ભૂકંપથી ઘણા અભ્યાસીઓને આશ્ચર્ય થયું નથી. ઊલટું, ઘણા ભૂસ્તરશાસ્ત્રીઓને લાગે છે કે ૭.૯ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો, એ ધાર્યા કરતાં ઓછી તીવ્રતાનો ગણાય. તેમની આ માન્યતા પાછળનું કારણ છે એ વિસ્તારની ભૂગોળ. પૃથ્વીની બાહ્ય સપાટીનો પોપડો વિરાટકાય પ્લેટ્સમાં વહેંચાયેલો છે.
આ પ્લેટ્સ પૃથ્વીની સપાટીથી ઊંડે, અંદર રહેલા રગડા પર ‘તરે’ છે અને ચોક્કસ દિશામાં એકદમ ધીમેથી ગતિ કરે છે. ઘટનાક્રમના કેન્દ્રમાં રહેલા નેપાળની વાત કરીએ તો ત્યાં ઇન્ડો-ઑસ્ટ્રેલિયન પ્લેટ દર વર્ષે ચારથી પાંચ મિલીમીટરના હિસાબે યુરેશિયન પ્લેટ તરફ આગળ વધે છે. વર્ષે અમુક મિલીમીટરનો આંકડો આમ નગણ્ય લાગે, પણ ભૂસ્તરશાસ્ત્રમાં સમયગાળો વર્ષોમાં નહીં, સદીઓમાં કે લાખો વર્ષોમાં ગણાતો હોય ત્યારે, ચાર મિલીમીટર પ્રતિ વર્ષનો દર ઝડપી ગણાય. લાખો વર્ષો દરમિયાન આ ગતિને કારણે ભારતના સ્થાનમાં કેવો બદલો આવ્યો છે, તે અહીં જોઇ શકાય છે.
બન્ને પ્લેટ એકબીજા સાથે ટકરાય ત્યારે તેમની અથડામણ ચીલઝડપે ચાલતાં વાહનો જેવી નહીં, પણ સામસામે બળ ભીડાવતા બે જોરાવર પહેલવાનો જેવી હોય છે. વિશાળ વિસ્તાર ધરાવતી પ્લેટોની સામસામી ભીંસ એટલી પ્રચંડ હોય છે કે દૂરના ભૂતકાળમાં આખેઆખી હિમાલયની પર્વતમાળા એ ભીંસમાંથી ‘ઊભી’ થઇ હતી--અને હજુ પણ તેનાં શીખરોની ઊંચાઇમાં દર વર્ષે અમુક સેન્ટીમીટરનો વધારો થતો રહે છે. ઇન્ડિયન અને યુરેશિયન વચ્ચેની ભીંસંભીંસા એવી ચાલે છે કે તેમાંથી સતત શક્તિ પેદા થઇને સંઘરાતી રહે છે--જાણે કૂકરમાં પાણી ગરમ થતું હોય. ત્યાર પછી એક તબક્કો એવો આવે છે, જ્યારે શક્તિ સંગ્રહિત સ્વરૂપે રહેવાને બદલે ધરતીકંપના આંચકા તરીકે બહાર ફેંકાય છે--કહો કે ‘સીટી વાગે છે. તેના કારણે ફરી તનાવ ઘટે છે, પરંતુ પ્લેટની ગતિને કારણે દબાણ સતત ચાલુ રહેતાં, ફરી એક વાર શક્તિ એકઠી થાય છે અને ફરી તેની હદ આવતાં પ્રચંડ ધરતીકંપ સ્વરૂપે વિનાશક શક્તિ બહાર ફેંકાય છે.
આ ક્રમ નેપાળમાં લગભગ નિયમિત રીતે ચાલતો રહ્યો છે. આ વખતને ભૂકંપમાં શું બન્યું તેની સરળ શબ્દોમાં સમજૂતી આપતાં યુનિવર્સિટી ઑફ કોલોરાડોના ભૂસ્તરશાસ્ત્રી રોજર બિલ્હમે કહ્યું, ‘લગભગ ૧૨૦ કિલોમીટર લાંબો અને ૬૦ કિલોમીટર પહોળો જમીનનો ટુકડો ૩૦ સેકન્ડ માટે દક્ષિણ દિશામાં ૧૦ મીટર સુધી ધસી ગયો. એ ટુકડા પર નેપાળનું પાટનગર કાઠમંડુ અને તેના સેંકડો નાગરિકો ‘સવાર’ હતા.’ ધરતીકંપ વખતે છૂટી પડેલી શક્તિને કેટલાક નિષ્ણાતોએ ૨૦ પરમાણુબૉમ્બના ધડાકાના સરવાળા જેટલી ગણાવી છે. ધરતીકંપનું એપિસેન્ટર (કેન્દ્રબિંદુ) જમીનથી જેટલું ઊંડું હોય, તેટલી તેની વિઘાતક અસર ઓછી. નેપાળમાં થયેલો ભૂકંપ જમીનની સપાટીથી આશરે ૧૫ કિલોમીટર નીચે થયો હતો, જે ભૂસ્તરશાસ્ત્રી પરિભાષામાં ‘છીછરો’ ગણાય. એટલે જમીનસપાટી પર તેની વિનાશક શક્તિ વધારે હોય.
હિમાલયના ભૂસ્તરશાસ્ત્રીય અભ્યાસમાં નિષ્ણાત મનાતા આઇ.આઇ.ટી.(ખડગપુર)ના પ્રો.શંકરકુમારને આટલો વિનાશક ભૂકંપ ‘મઘ્યમ તીવ્રતાનો’ લાગે છે. ‘ડાઉન ટુ અર્થ’ સામયિક સાથેની મુલાકાતમાં તેમણે કહ્યું કે (હિમાલયના) હિંદુકુશ વિસ્તારથી અરુણાચલ પ્રદેશના અંત સુધીના ૨,૫૦૦ કિલોમીટરના પટ્ટામાં પ્લેટોની ભીંસને લીધે ૯ની તીવ્રતાનો ભૂકંપ આવે, એટલી શક્તિ જમા થયેલી છે. રિક્ટર સ્કેલ પર ૯ની તીવ્રતા ધરાવતો ભૂકંપ આવે તો અભૂતપૂર્વ તબાહી મચે. એટલે જ, પ્રો.શંકરકુમારે કહ્યું,‘૯ની તીવ્રતાવાળા એક ભૂકંપને બદલે ૭.૯ની તીવ્રતાવાળા થોડા ભૂકંપ આવે, તો એકંદરે તેમાં ઓછું નુકસાન થાય. પણ મુશ્કેલી એ છે કે ૭.૯ની તીવ્રતાવાળા ૪૦થી ૫૦ ભૂકંપ થાય, ત્યારે ૯ની તીવ્રતા ધરાવતા ભૂકંપને સમકક્ષ ઊર્જા છૂટી પડે.’
નેપાળમાં છેલ્લો મોટો ધરતીકંપ (૮.૪ની તીવ્રતાનો) ૧૯૩૪માં આવ્યો હતો. ત્યારે મોટા પાયે તબાહી મચી હતી. ત્યાર પહેલાં સન ૧૨૫૫, ૧૩૪૪, ૧૮૩૩ અને ૧૮૬૬માં પણ નેપાળમાં વિનાશક ધરતીકંપ થયા હતા. આ સદીમાં નેપાળ અને ભારતના ઉત્તરી વિસ્તારોમાં--એટલે કે બન્ને પ્લેટોની ભીંસ થાય છે ત્યાં--નાના-મોટા કેટલા ધરતીકંપ આવ્યા, તેનો એકનજરે અંદાજ આ તસવીરમાં દેખાતાં વાદળી ટપકાં પરથી આવી શકે છે.
પ્લેટની ભીંસમાં જરાય રાહત મળી એમ નથી, ત્યારે નેપાળમાં વસ્તીવધારો અને આડેધડ ‘વિકાસ’થી પરિસ્થિતિ વધારે ને વધારે ગંભીર બની રહી છે. ગરીબી, સંસાધનોના અભાવ અને સલામતીની પરવા કર્યા વગરનાં આડેધડ બાંધકામોને લીધે, હવેના ધરતીકંપના પગલે થતું નુકસાન ઘણું મોટું હોય છે. બીજા શબ્દોમાં કહીએ તો, ધરતીકંપ કુદરતી આપત્તિ હોવા છતાં, તેનાં ભયાનક પરિણામો નજર સામે આવે ત્યારે તેમાં માનવસર્જિત આફત પણ ભળી ગયેલી હોય છે.
કુદરતી આફતનો કોઇ ઉપાય નથી, તો માણસની દાનતનો પણ ક્યાં ઇલાજ લાગે છે?

Labels:
nepal earthquake
Subscribe to:
Post Comments (Atom)
very informative.....
ReplyDeleteTrue, we mix the nature and religion as per our own theory or mentality and making responsible to others.
ReplyDeleteThanks for scientific analysis in simple words.
Manhar Sutaria