Wednesday, March 05, 2014

વીમાનું મહાભારત

‘ધારો કે તમે જંગલમાંથી પસાર થઇ રહ્યા છો.’

‘પણ એમાં ધારવા જેવું શું છે? જેટલી વાર અમદાવાદના રસ્તા પર વાહન ચલાવીએ એટલી વાર જંગલમાં ફરતા હોઇએ એવું જ લાગે છે. જાણે ગમે ત્યાંથી ગમે તે આવીને ટક્કર મારી જશે.’

‘એમ નહીં. હું તો ખરા જંગલની વાત કરું છું.’

‘અચ્છા, એટલે એવું, ખરું જંગલ હજુ સુધી કોઇ મોટી કંપનીના ઘ્યાનમાં કેમ નથી આવ્યું? ત્યાં તેમણે પોતાનું જંગલરાજ સ્થાપવાનું કેમ બાકી રાખ્યું?’

‘તમે સવાલો બહુ પૂછો છો. હું તમને કંઇક કહેવા માગું છું એ તો સાંભળો. ધારો કે તમે એકલા છો અને જંગલમાંથી પસાર થઇ રહ્યા છો. એવામાં સામેથી અચાનક સિંહ આવે છે.’

‘તમે કંઇક માનવા જેવી વાત તો કરો. ગિરના જંગલમાં સિંહ શોઘ્યા જડતા નથી ને પગીઓને ચા-પાણીના રૂપિયા આપ્યા પછી માંડ દેખાય છે, ત્યાં એમની મેળે સામે ક્યાંથી આવી જાય?’

‘ધારો..ભલા માણસ, ધારો તો ખરા, ધારવામાં શું જાય છે? - કે કોઇ જંગલી પ્રાણી સામે આવી જાય છે. તો એ વખતે તમે શું કરશો?’

‘જોક તો એવી છે કે પછી મારે કંઇ કરવાનું રહેતું જ નથી.  જે કરવાનું છે, તે એણે જ કરવાનું છે. છતાં, જવાબ આપવા ખાતર કહું છું કે હું એની સાથે દ્વંદ્વયુદ્ધમાં ઉતરીશ.’

‘શું કહ્યું?’

‘ધારો...ભલા માણસ, ધારો તો ખરા. ધારવામાં શું જાય છે?’

‘હું સીધો મારી વાત પર આવી જાઉં. હું તમને એટલું જ કહેવા માગતો હતો કે તમે વીમો ઉતરાવ્યો છે? અને ન ઉતરાવ્યો હોય તો મારી પાસે ઉતરાવો. ઉતરાવ્યો હોય તો પણ મારી પાસે એક વાર ઉતરાવો અને મારી પાસે ઉતરાવ્યો હોય તો હજુ વઘુ રકમનો ઉતરાવો.’ (હાંફે છે.)

‘ઓહો...એમ વાત છે. પણ અત્યાર સુધીના મારા અંદાજ પરથી તમને ખબર પડી જ ગઇ હશે કે હું પણ એ જ કામ કરું છું અને અત્યારે આપણા બન્નેમાંથી તમારો વીમો પાકવાની સંભાવના વધારે છે.’
*** 

આવો કોઇ સંવાદ ખરેખર થયો છે કે નહીં એ અગત્યનું નથી.  (‘ધારો...ભલા માણસ, ધારો તો ખરા. ધારવામાં શું જાય છે?’) પરંતુ ઘણા વીમા એજન્ટો આનાથી પણ વધારે પેચીદા સંવાદો માટે સક્ષમ હોય છે.

માર્ચ મહિનો વીમા એજન્ટોની ૠતુ છે. સરખામણી બહુ સારી નથી, પણ કેવળ સંખ્યાત્મક રીતે કહીએ તો ચોમાસામાં પહેલા વરસાદ પછી ચોમેર પાંખાળાં ફુદ્દાં છવાઇ જાય છે, તેમ માર્ચ મહિનામાં ચોતરફની સૃષ્ટિમાં વીમા એજન્ટો ઉભરાવા લાગે છે. જૂના વખતના વીમા એજન્ટો જીવનવીમાનું મહત્ત્વ સમજાવવા માટે ‘ધારો કે તમે જંગલમાંથી પસાર થઇ રહ્યા છો’ પ્રકારની બીક બતાવતા હતા. પરંતુ હવેના નાગરિકોને, ખાસ કરીને માર્ચ મહિનામાં, ‘ધારો કે તમે રસ્તા પરથી પસાર થઇ રહ્યા છો અને સામે એક ઓળખીતો વીમા એજન્ટ મળી જાય તો?’ એવી કલ્પનાથી બીક લાગે છે.

વીમા એજન્ટો પણ આખરે - આખરે શું કામ? આરંભથી- માણસ છે. તેમાં સભ્ય, સજ્જન અને માણસને માણસ તરીકે જોતા વીમા એજન્ટો હોય છે. એવી જ રીતે, ‘માણસ માત્ર, વીમાને પાત્ર’ ની ફિલસૂફી ધરાવનારા ઉત્સાહી વીમાઉતારુઓ પણ હોય છે.

કરોડપતિ બનવાનાં સ્વપ્નાં બધા જોતા હોય છે, પણ વીમા એજન્ટો એક એવી પ્રજાતિ છે, જે આ સપનું ખરેખર કરોડપતિ બન્યા વિના સાકાર કરી શકે છે. એટલું જ નહીં, છાપાંમાં તેની જાહેરખબરો પણ છપાવે છે. માર્ચ મહિનો પૂરો થયા પછી, આખા વર્ષમાં રૂ.એક કરોડથી પણ વઘુ રકમના વીમા લેનારા એજન્ટો ‘ફૂલ ગયું ને ફોરમ રહી’ સાથે ભેળસેળ થઇ શકે એવી જગ્યામાં ‘કરોડપતિ બન્યા’ પ્રકારની જાહેરખબરો છપાવે છે. (સંઘ પરિવારની નહીં, વીમાકંપનીઓની) શાખાઓમાં તેમનાં બહુમાન થાય છે.

લેટેસ્ટ સંશોધન પ્રમાણે વીમા એજન્ટોની પરંપરાનાં મૂળ છેક મહાભારતમાં નીકળે છે. એ તો જાણીતું છે કે મહાભારતના યુદ્ધમાં પાંડવોના મામા શલ્ય કૌરવોના પક્ષે લડ્યા હતા. કર્ણ સેનાપતિ બન્યો ત્યારે સારથી તરીકે તેણે શલ્ય રાજાની પસંદગી કરી, પણ પાંડવોને આપેલા વચન પ્રમાણેે શલ્યે કર્ણને પાનો ચડાવવાને બદલે સતત મહેણાંટોણાંએ કર્ણનો મૂડ ખરાબ કરી નાખ્યો અને તેના પરાજયમાં યથાશક્તિ ફાળો આપ્યો. એક ચાલુ સંશોધન પ્રમાણે, શલ્ય હકીકતમાં એક રીઢો વીમા-એજન્ટ હતો. અત્યારે ઘણા સરકારી નોકરિયાતો ‘સાઇડમાં’ વીમાનું કામ કરતા હોય છે, તેમ શલ્ય પણ પાર્ટ ટાઇમ વીમા ઉતારતો હતો. મહાભારતના યુદ્ધ પહેલાં શલ્યને ઘણું કામ મળી ચૂક્યું હતું, પણ ઘણા એજન્ટોની માફક ‘સંતોષ’ જેવો શબ્દ તેના શબ્દકોશમાં જ ન હતો.

વીમા એજન્ટોને અજાણ્યા કે નિકટના-દરેક વ્યક્તિમાં સંભવિત ગ્રાહકનાં દર્શન થતાં હોય છે. પછી તે સ્થળ-કાળ-સંબંધનો સામાન્ય વિવેક પણ વિસરી જાય છે. શલ્યે કર્ણને જોયો એટલે તેને યાદ આવ્યું કે કર્ણનો વીમો ઉતારવાનો બાકી છે. કર્ણ રથ પર સવાર થયો એટલે શલ્યે લગામ હાથમાં પકડીને શરુઆત કરી, ‘તમારે મારી પાસેથી  એક વીમો લેવાનો છે.’

આ વીઆઇપી સારથીને નારાજ કરવાનું પરવડે તેમ ન હોવાથી કર્ણે કહ્યું,‘મહારાજ, તમારી પાસેથી હું ચોક્કસ વીમો લેત, પણ આ વર્ષે મારા ઓલરેડી અનેક વીમા ઉતરી ચૂક્યા છે. છેલ્લે છેલ્લે માતા કુંતાના આગ્રહથી પણ મેં એક વીમો લીધો, બોલો.’

દ્રોણ સામેની લડાઇમાં અર્જુને પહેલું તીર તેમના ચરણ પાસે છોડીને આદર વ્યક્ત કર્યો હતો અને ત્યાર પછી રીતસરનું આક્રમણ કર્યું હતું. વીમા એજન્ટો પણ રણનીતિ પણ એવી જ હોય છે. પહેલી વાર થોડો વિવેક રાખીને તે પ્રસ્તાવ મૂકે છે, પણ ત્યાર પછી તે વિવેક અને વિવેકબુદ્ધિને નેવે મુકી દે છે. હિંદી ફિલ્મનો હીરો હોઠની આસપાસ ફૂટેલી લોહીની ટશર હાથથી લૂછ્‌યા પછી ખરી લડાઇની શરુઆત કરે છે. એ જ રીતે, સરેરાશ વીમા એજન્ટો ગ્રાહકનો પ્રારંભિક ઇન્કાર સાંભળીને વધુ આક્રમક બને છે. ‘હવે મને મારી સમજાવટ-શક્તિ દેખાડવાનો મોકો મળશે’ એ વિચારે તેમની નસોમાં વહેતા લોહીની ગતિ તેજ બને છે. ત્યાર પછી સૌજન્યપૂર્વક તેમનો સામનો કરવો અશક્ય બની જાય છે. સામેવાળા વ્યક્તિ પાસે બે જ વિકલ્પ રહે છે : શસ્ત્રો હેઠાં મૂકવાં અથવા વિવેક ઉંંચો મૂકવો.

બધા વીમા એજન્ટો ગ્રાહકને એવું જ ઠસાવવા માગે છે કે ‘તમારી અને તમારા કુટુંબની ચિંતા તમારા કરતાં અમને વધારે છે.’ વીમો લેવાના ફાયદા સમજાવતી વખતે કેટલાક એજન્ટો એટલા ઉત્સાહમાં આવી જાય છે કે તે ક્યારેક મરવાના ફાયદા સમજાવતા હોય એવું લાગે  વીમા એજન્ટોની કચકચથી કેટલા લોકોના વીમા વહેલા પાક્યા છે, એ અલગ સંશોધનનો વિષય છે. તેમ છતાં વીમા એજન્ટોનો પ્રતિકાર કરવાનું સામાન્ય લોકોને અઘરું પડે છે, કારણ કે મહાભારતના યુદ્ધ પહેલાં અર્જુનને થઇ હતી એવી જ મૂંઝવણ લોકોને થાય છે : વીમો લેવા માટેનો આગ્રહ કરનારા મોટા ભાગના એજન્ટો પોતાનાં સગાં-સ્નેહીઓ-મિત્રો-ઓળખીતા-પાળખીતા જ હોય છે. તેમનો ગમે તે કક્ષાનો દુરાગ્રહ હસતા મોંએ સહન કરી લેવો પડે છે.

કર્ણની સ્થિતિ એવી જ થઇ હશે.
‘મહારાજ, તમારા જેવા માણસનો વીમો ઉતરવાનો અત્યાર સુધી બાકી થોડો રહ્યો હોય? એટલું તો હું સમજું ને? પણ આટલા બધા લોકો જોડેથી તમે વીમો લીધો અને એક હું જ તમને ભારે પડું છું?’- એવા ડાયલોગથી શલ્યે કર્ણને સમજાવવાની શરુઆત કરી હશે.

યુદ્ધ કરવા આતુર કર્ણના થનગનાટમાં શલ્યના વીમા-કકળાટથી પંક્ચર પડતું હશે. સામાન્ય લોકોની જેમ કર્ણને એક વાર વીમા એજન્ટનો વીમો પકવી નાખવાની ઇચ્છા થઇ હશે, પણ તેણે માંડ સંયમ જાળવી રાખ્યો હશે. ખૂબ સમજાવ્યા પછી કર્ણ નહીં માન્યો હોય ત્યારે શલ્યે તેને કહ્યું હશે,‘તું છેવટે તો સુતપુત્ર ને. તને મારી પાસેથી વીમો લેવો ક્યાંથી પોસાય? તું મારી જોડેથી એક વીમો નથી લઇ શકતો, પછી અર્જુન સામે શું લડી શકવાનો? તારી હાર નક્કી છે.’

- પછી શલ્યને કશું ન થયું અને કર્ણને જે કંઇ થયું તે સૌ જાણે છે. 

No comments:

Post a Comment