Sunday, March 16, 2014

યુદ્ધભૂમિ ક્રિમીઆનાં બે અમર પાત્રો : ફ્‌લોરેન્સ નાઇટિંગલ અને લીઓ તોલ્સ્તોય

ક્રિમીઆ પર વર્ચસ્વ માટે યુક્રેન અને રશિયા વચ્ચેનો તનાવ આંતરરાષ્ટ્રિય કટોકટીમાં પરિણમ્યો છે. પરંતુ વ્યૂહાત્મક સ્થાન ધરાવતા ક્રિમીઆનો યુદ્ધ સાથે જૂનો સંબંધ છે. દોઢ સદી પહેલાં લડાયેલા ક્રિમીઅન વૉરનાં બે યાદગાર પાત્રો એટલે દંતકથા સમાન બની ગયેલાં નર્સ ફ્‌લોરેન્સ નાઇટિંગલ અને ‘વૉર એન્ડ પીસ’ સહિતની અનેક કૃતિઓના સર્જક- યુદ્ધવિરોધી-શાંતિવાદી લીઓ તોલ્સ્તોય..

રશિયા અને અમેરિકાને યુદ્ધભૂમિમાં આમનેસામને આવવાનો પ્રસંગ ઊભો થાય એવી પરિસ્થિતિ દાયકાઓ પછી સર્જાઇ રહી છે. તેના માટે કારણભૂત છે રશિયાના પાડોશી દેશ યુક્રેનના એક હિસ્સા જેવું ક્રિમીઆ. નકશામાં ક્રિમીઆ અને યુક્રેન જુદા દેશ લાગે. પરંતુ ખુદ રશિયાએ ૧૯૫૪માં ક્રિમીઆનો (કાળા સમુદ્રનો) દરિયાકાંઠો ધરાવતો વ્યૂહાત્મક પ્રદેશ યુક્રેનને સોંપ્યો હતો. સોવિયેત સંઘના વિઘટન પછી યુક્રેન સ્વતંત્ર દેશ બન્યો ત્યારે તેની સાથે રશિયાએ કરેલા કરાર અંતર્ગત રશિયાનું નૌકાદળનું થાણું ક્રિમીઆમાં રાખવામાં આવ્યું હતું. આ કરારની મુદત વર્ષ ૨૦૧૦માં પૂરી થતાં તેને વર્ષ ૨૦૪૨ સુધી લંબાવવામાં આવી હતી.

દરમિયાન, રશિયા સાથે વધારે સંબંધ રાખવો કે યુરોપિઅન યુનિઅન સાથે, એ મુદ્દે થયેલા બિનલોહિયાળ વિદ્રોહમાં યુક્રેનના રશિયાતરફી પ્રમુખે સત્તા છોડવી પડી. ત્યારથી રશિયાના આક્રમક પ્રમુખ અને ભૂતકાળમાં તેની જાસુસી સંસ્થા કે.જી.બી.માં ફરજ બજાવી ચુકેલા પુતિના પેટમાં તેલ રેડાયું. તેમણે યુક્રેન પર ધોંસ જમાવવા માટે ક્રિમીઆ કબજે કરી લીઘું અને યુક્રેનમાં વસતા રશિયન લોકોના ‘સંરક્ષણ’ માટે લશ્કરી કાર્યવાહીની ધમકી આપી.

આ લેખનો વિષય અલબત્ત ક્રિમીઆની વર્તમાન ગતિવિધી નહીં, પણ દોઢ સદી પહેલાં ક્રિમીઆમાં લડાયેલું યુદ્ધ છે. ઇ.સ.૧૮૫૩ થી ૧૮૫૬ વચ્ચે એક તરફ બ્રિટન-ફ્રાન્સ અને ઓટ્ટોમન સામ્રાજ્ય તથા બીજી તરફ રશિયા વચ્ચે લડાયેલો એટલો યાદગાર છે કે ક્રિમીઆની વર્તમાન કટોકટી વખતે પણ તે સાંભરી આવે. ક્રિમીઆનો જંગ ઇતિહાસમાં પહેલા ‘મીડિયા વૉર’ તરીકે ઓળખાય છે. કારણ કે આ યુદ્ધમાં પહેલી વાર મોરચા પરના ‘જીવંત’ અહેવાલો અને તસવીરો સામાન્ય નાગરિકો સુધી ગરમાગરમ સ્વરૂપે પહોંચ્યા. બ્રિટનના ‘ડેઇલી ન્યૂઝ’ અને ‘ઇલસ્ટ્રેટેડ લન્ડન’ જેવાં પ્રકાશનોએ યુદ્ધના વાસ્તવિક સમાચારો ઉપરાંત દેશભક્તિના નામે મસાલેદાર ખબરો પેદા કરવાનું કામ પણ કર્યું. એ સમયે રેલવે અને ટેલીગ્રામ આવી ચૂક્યાં હતાં. યુદ્ધમાં સૈન્ય અને સમાચારોની હેરફેર માટે આ બન્ને આઘુનિક શોધોનો ઉપયોગ પણ પહેલી વાર ક્રિમીઆ વૉરમાં થયો (જેનું ક્રિમીઆ વૉરના બીજા જ વર્ષે ભારતમાં ૧૮૫૭ના સંગ્રામમાં પુનરાવર્તન થયું)

ક્રિમીઆ વૉરે - અથવા ખરું કહો તો, એ યુદ્ધમાંથી મીડિયાએ- સર્જેલું સૌથી યાદગાર પાત્ર એટલે ફ્‌લોરેન્સ નાઇટિંગલ. યુદ્ધમાં નર્સટુકડીનાં અધિકારી તરીકે સેવા આપનારી ફ્‌લોરેન્સ નાઇટિંગલની ‘લેડી વિથ અ લેમ્પ’ તરીકેની છબી અને લોકમાનસ પર તેની અસર એટલી પ્રબળ છે કે બ્રિટનના વડાપ્રધાન ડેવિડ કેમેરોને ૨૦૧૦માં જન્મેલી તેમની પુત્રીનું નામ ફ્‌લોરેન્સ પાડ્યું હતું. અલબત્ત, યુદ્ધના દાયકાઓ પછી જરા સ્વસ્થતાપૂર્વક થયેલા અભ્યાસો જણાવે છે કે ફ્‌લોરેન્સ નાઇટિંગલની કામગીરી ઉત્તમ હોવા છતાં, તેમની આજુબાજુ દંતકથા સર્જવાનું કામ મીડિયાએ કર્યું હતું. ચોક્સાઇપૂર્વક કહેવું હોય તો ‘ઇલસ્ટ્રેટેડ લન્ડન’ના ૨૪ ફેબ્રુઆરી, ૧૮૫૫ના અંકમાં છપાયેલા એક ચિત્રથી દંતકથાની શરૂઆત થઇ. એ ચિત્રમાં એક યુવતી હાથમાં ફાનસ લઇને, ઘાયલ સિપાહીઓની હોસ્પિટલમાં તેમની સેવાશુશ્રુષા માટે ધૂમી રહી હતી. યુદ્ધની તનાવભરી અને આતંકિત મનોદશામાં એ ચિત્ર ભારે આશ્વાસનકારી લાગતું હતું. જનમાનસ સેવા, વીરતા અને દેશદાઝનાં મૂર્તિમંત પ્રતીકો શોધવા માટે તલપાપડ હોય એવા યુદ્ધકાળમાં ફ્‌લોરેન્સ નાઇટિંગલનું ચિત્ર અંગ્રેજ પ્રજાના મનમાં વસી ગયું.
Florence Nightingale's drawing in `Illustrated London` 
‘ટાઇમ્સ’ સહિતનાં બીજાં પ્રકાશનોએ પણ ફ્‌લોરેન્સના ચિત્રને એવું ચગાવ્યું કે જોતજોતાંમાં તે પોસ્ટરોથી માંડીને વાસણો પર દેખાવા લાગ્યું. તેના નામે ગીતો ને કવિતા લખાવા લાગ્યાં.  ખૂબીની વાત તો એ છે કે ફ્‌લોરેન્સનાં ચિત્રો તૈયાર કરનાર મોટા ભાગના લોકોએ આ નર્સને કદી જોઇ પણ ન હતી- અને જે રીતે તેમનું નામ ચલણી બની ગયું એ રીતે તેમને જોવાની જરૂર પણ ન હતી. એક નાજુક-નમણી સેવાભાવી યુવતી યુદ્ધના મોરચે ઘવાયેલા, કણસતા, પીડાતા સૈનિકોની વચ્ચે ઠંડી બહાદુરીપૂર્વક ધૂમી વળે એ ‘સ્ટોરી’ જ તેમના માટે ‘સબસે બડી ખબર’ હતી.

બ્રિટનમાં જ્યારે વિક્ટોરિયા યુગ ચાલતો હતો અને રૂઢિચુસ્ત સમાજમાં ઉમરાવશાહીની બોલબાલા હતી, ત્યારે રાજપરિવારની સભ્ય ન હોય એવી કોઇ વ્યક્તિની આટલી પ્રસિદ્ધિ અકલ્પનીય ગણાતી હતી. પરંતુ ફ્‌લોરેન્સ ખરા અર્થમાં એવાં ‘સેલિબ્રિટી’ બની ચૂક્યાં હતાં કે ઑગસ્ટ, ૧૮૫૬માં યુદ્ધમોરચેથી બ્રિટન પાછા ફરતી વખતે ધસારો ખાળવા માટે તેમને નામ બદલીને (‘મિસ સ્મિથ’ તરીકે) ગુપચુપ આવવું પડ્યું હતું. બ્રિટનમાં રાણી વિક્ટોરિયા અને પ્રિન્સ આલ્બર્ટે ફ્‌લોરેન્સને ખાસ મળવા બોલાવ્યાં હતાં.
ફ્લોરેન્સ નાઇટિંગલની તસવીર અને હસ્તાક્ષર
બ્રિટનમાં એક તરફ ફ્‌લોરેન્સ નાઇટિંગલ વિશેની દંતકથાઓ અને તેમના વિશેનું અલાયદું મ્યુઝીયમ અડીખમ છે, તો બીજી તરફ ફ્‌લોરેન્સ વિશેની સાચી હકીકતો પણ ઉજાગર કરવામાં આવે છે. નર્સ તરીકે આવી ખ્યાતિ મેળવ્યા પછી ફ્‌લોરેન્સે પુસ્તકો લખ્યાં, નર્સિંગના ક્ષેત્રના કેટલાક પાયાના સિદ્ધાંતો પ્રસ્થાપિત કર્યા અને નર્સિંગની સ્કૂલ સ્થાપી. પરંતુ ૯૦ વર્ષના લાંબા આયુષ્યમાં યુદ્ધ પછીનાં પચાસેક વર્ષનો તેમનો સમયગાળો એક વિશિષ્ટ બીમારીમાં વીત્યો. મુખ્યત્વે ઢોરોમાં જોવા મળતી એ બીમારીને કારણે બીજાની સારવાર માટે વિખ્યાત થનારાં ફ્‌લોરેન્સ ખુદ અશક્ત અને તાવગ્રસ્ત રહેતાં, એક સાથે એક-બેથી વઘુ લોકોને મળી શકતાં ન હતાં. ‘ફ્‌લોરેન્સ નાઇટિંગલ : ધ વુમન એન્ડ ધ લેજન્ડ’ના લેખકે બી.બી.સી.ના પત્રકારને  કહ્યું હતું કે, ‘ફ્‌લોરેન્સ પોતે ‘લેડી વિથ ધ લેમ્પ’ની છબીને બહુ મહત્ત્વ આપતાં ન હતાં. એ સૈનિકોની હોસ્પિટલમાં રાત્રે રાઉન્ડ મારવા નીકળતાં ખરાં, પણ મૂળભૂત રીતે એ નર્સ ન હતાં. તેમનું કામ તો, યુદ્ધમોરચે મહિલા નર્સને મોકલવાનો અખતરો કેવો રહે છે એ જોવાનું હતું.’

ક્રિમીઆના યુદ્ધમાં રાજવી અને ઉમરાવ પરિવારોના આવડત વગરના લોકો અફસર તરીકે ગયા તો ખરા, પણ મોરચા પર તે નિષ્ફળ નીવડ્યા. એટલે એ યુદ્ધમાં સન્માન પામેલા ઘણા સૈનિકો ‘ઊંચા’ નહીં, પણ સામાન્ય પરિવારના હતા. અંગ્રેજી રાજનો બહુ પ્રતિષ્ઠિત ગણાતો યુદ્ધચંદ્રક ‘વિક્ટોરિયા ક્રોસ’ પણ ક્રિમીઆના યુદ્ધ પછી, ૧૮૫૬માં શરૂ કરવામાં આવ્યો હતો.

ફ્‌લોરેન્સ નાઇટિંગલે ક્રિમીઆના યુદ્ધને બ્રિટન અને ફ્રાન્સ સહિતના દેશોની લોકસ્મૃતિમાં ચિરંજીવ બનાવી દીઘું, તો રશિયાના પક્ષે યુદ્ધમેદાનમાં ઉતરેલા ઉમરાવજાદા લીઓ તોલ્સ્તોયે એ જ યુદ્ધ વિશે  વિશ્વસાહિત્યને અને વિશ્વવિચારને બે યાદગાર પુસ્તક આપ્યાં. યુદ્ધના એક દાયકા પછી લખાયેલી તેમની મહાનવલ ‘વૉર એન્ડ પીસ’માં ક્રિમીઆના યુદ્ધમાં તેમણે જાતે જોયેલી દારુણતા અને યુદ્ધની નિરર્થકતાનો અર્ક હતો, પરંતુ સેવાસ્તોપોલ શહેરના ઘેરાના તેમના અનુભવો તો તેમણે એ જ સમયે કાગળ પર ઉતાર્યા હતા.
***
‘યુદ્ધસ્ય કથા રમ્યાઃ’ એવું કહેવાય છે, પણ તેમાં એટલું ઉમેરવું પડે કે આ કથા ફક્ત કહેનારા-સાંભળનારા-વાંચનારા માટે જ રમ્ય હોય છે. યુદ્ધ જીવનારા માટે એ અનુભવ ભયાનક રસથી ભરપૂર હોય છે. યુદ્ધની ‘કથા’માં - તેની કરુણતાને ઘણી વાર ગાળી નાખવામાં આવે છે.  યુદ્ધને જીવનારા સુદ્ધાં એ કરુણતા પર વીરતા કે શહાદતનો લેપ ચઢાવીને તેને મહીમાવંતી કરે છે, પરંતુ તોલ્સ્તોય જેવો માણસ રણમેદાને ઉતરે ત્યારે તે શું અનુભવે?

ક્રિમીઆના યુદ્ધમાં એક તરફ રશિયાની ફોજ હતી અને આક્રમણ કરનાર તરીકે અંગ્રેજ તથા ફ્રેન્ચ સૈન્યો. ઇ.સ.૧૮૫૩થી ૧૮૫૬ સુધી લડાયેલા આ યુદ્ધમાં અંદાજે પાંચેક લાખ સૈનિકો માર્યા ગયા. આવા લોહીયાળ જંગમાં ૨૬ વર્ષના રશિયન ઉમરાવજાદા લીઓ તોલ્સ્તોય સેવાસ્તોપોલના મોરચે ઉતર્યા. સેકન્ડ લેફ્‌ટનન્ટનો હોદ્દો ધરાવતા તોલ્સ્તોયે ત્યારે લખવાનું થોડું થોડું શરૂ કર્યું હતું. ઇ.સ.૧૮૫૨-૫૪ દરમિયાન રશિયાએ કોકેસસ પર ચઢાઇ કરી, તેમાં પણ તોલ્સ્તોય ફૌજી તરીકે સામેલ હતા. એ અનુભવ પરથી તેમણે ‘ધ રેઇડ’ જેવી કેટલીક વાર્તાઓ લખી. પરંતુ લેખક તરીકે તેમની ખ્યાતિની શરૂઆત સેવાસ્તોપોલ વિશેનાં તેમનાં ત્રણ લખાણથી થઇઃ : ‘સેવાસ્તોપોલ ઇન ડિસેમ્બર’, ‘સેવાસ્તોપોલ ઇન મે (૧૮૫૫)’ અને ‘સેવાસ્તોપોલ ઇન ઑગસ્ટ (૧૯૫૫)’.
સેવાસ્તોપોલના મોરચે ગયેલા સેકન્ડ લેફ્ટનન્ટ તોલ્સ્તોય
સંયુક્ત રીતે ‘સેવાસ્તોપોલ સ્કેચીઝ’ અથવા ‘સેવાસ્તોપોલ સ્ટોરીઝ’ તરીકે ઓળખાતી આ કથાઓ રશિયામાં બહોળી પ્રસિદ્ધિ પામી. ‘ધ કન્ટેમ્પરરી’ સામયિકમાં એ છપાઇ કાલ્પનિક વાર્તા તરીકે, પણ તેમાં રહેલું સચ્ચાઇનું બયાન અકળાવનારું હતું. સેવાસ્તોપોલની પહેલી કથાથી તોલ્સ્તોયને યુદ્ધની ભવ્ય છબી વિશે સવાલ થવા લાગ્યા હતા. તેમણે લખ્યું હતું, ‘તમે યુદ્ધને લશ્કરી બેન્ડના તાલે થતા સુંદર, સુવ્યવસ્થિત,ચમકદાર આયોજન તરીકે નહીં..પણ તેના વાસ્તવિક સ્વરૂપે- લોહી, પીડા અને મોત તરીકે- જોશો.’

સૈનિકો મોરચે ખાઇઓ બનાવીને તેમાં ઉતરી જાય અને ત્યાંથી સામેના પક્ષ ગોળાબારુદનો મારો કરે, એવી ટેક્‌નિક પહેલા વિશ્વયુદ્ધના છ દાયકા પહેલાં ક્રિમીઆના યુદ્ધમાં વપરાઇ હતી. આવી ખાઇઓમાં લોહીથી લથપથ ઘાયલ કે મૃત દેહો, તેમને લઇ જવા માટે આવતી- કીચુડાટી બોલાવતી ધક્કાગાડી, તેમાં ખડકાઇને સ્મશાનભણી જતાં  શરીર... આ બઘું જોયા પછી યુદ્ધની કથા તોલ્સ્તોયને શી રીતે રમ્ય લાગે?

છતાં, પહેલી કથામાં તેમણે યુદ્ધની દારુણતાની સાથોસાથ સેવાસ્તોપોલ પરનો હુમલો ખાળનાર રશિયન સૈનિકોની દેશભક્તિ, બહાદુરી અને દિલેરીનાં વખાણ કર્યાં હતાં. યુદ્ધ સમયે લખાતી પ્રચારસામગ્રીની શૈલીમાં તોલ્સ્તોયે લખ્યું હતું, ‘સેવાસ્તોપોલ છોડતી વખતે એ બાબતની ખાતરી થાય છે કે આ શહેર કદી દુશ્મનોના હાથમાં નહીં પડે. રશિયન સૈનિકોની બહાદુરી અને તેમના સાહસનો વિજય થશે. આ સૈનિકો પોતાની માભોમ કાજે જીવ આપવા રાજી છે. સેવાસ્તોપોલની મહાગાથા રશિયામાં ચિરકાળ સુધી યાદ રહેશે, જેના નાયક રશિયાના લોકો હતા.’
સેવાસ્તોપોલની લડાઇનું એક ચિત્ર
રશિયન સૈન્યને બિરદાવતી અને  સમ્રાટ (ઝાર) પ્રત્યે વફાદારી પ્રગટાવતી સેવાસ્તોપોલની પહેલી કથા ખૂબ વખણાઇ. ખુદ સમ્રાટ એેલેક્ઝાન્ડર બીજો તોલ્સ્તોયનો ચાહક બન્યો, પણ આ ભાવ લાંબો ટક્યો નહીં. બીજી કથા ‘સેવાસ્તોપોલ ઇન મે’માં તોલ્સ્તોયે વ્યંગમાં બોળેલા ચાબખા શરૂ કર્યા. યુદ્ધની નિરર્થક જાનહાનિથી ત્રાસેલા તોલ્સ્તોયે લખ્યું કે સેંકડો સૈનિકોને સામસામા ઉતારવાને બદલે, રશિયા અને દુશ્મન દેશોએ તેમના સૈન્યમાં ફક્ત એક-એક માણસ રાખવો જોઇએ. એ બે જણ સામસામા લડી લે અને જે જીતે તેનો પક્ષ સેવાસ્તોપોલ જીત્યો ગણાય. તોલ્સ્તોયે લખ્યું કે મોટા પાયે લોહી વહાવવાને બદલે આ વધારે માનવતાપૂર્ણ રસ્તો છે.

‘સેવાસ્તોપોલ ઇન મે’માં તોલ્સ્તોયે એક એવું દૃશ્ય આલેખ્યું હતું, જેમાં પોતપોતાના મૃતદેહો ભેગા કરવા માટે રશિયન અને ફ્રેન્ચ સૈનિકો થોડો સમય યુદ્ધવિરામ જાહેર કરે છે. એ વખતે રશિયાનો અને ફ્રાન્સનો એક સૈનિક સાહજિક ક્રમમાં નજીક આવે છે અને સિગરેટ હોલ્ડરની આપ-લે કરે છે. ફ્રેન્ચ સૈનિક પોતાના પરિચિત રશિયન લેફ્‌ટનન્ટને યાદ કરે છે અને રશિયન સૈનિકને કહે છે કે એમને મારા વતી ‘હેલો’ કહેજો.

યુદ્ધ ચાલુ હોય, મોરચે સૈનિકો લડતા હોય - અને મોતને ભેટતા હોય- ત્યારે કયા શાસકને આવું લખાણ ગમે? ‘ધ કન્ટેમ્પરરી’માં તોલ્સ્તોયની બીજી કથા છપાઇ ખરી, પણ તેમાં ફક્ત બે જ માણસો વચ્ચે  યુદ્ધ કરાવવા જેવી વાતો સેન્સરબોર્ડે કઢાવી નાખી. રશિયન અને ફ્રેન્ચ સૈનિકો વચ્ચેના સંવાદનું દૃશ્ય કાઢ્‌યું નહીં, પણ તેમાં એટલું ઉમેરાવ્યું કે ‘આપણે યુદ્ધની શરૂઆત કરી નથી, એટલું આશ્વાસન જરૂર લેવું જોઇએ. આપણે કેવળ આપણી માતૃભૂમિનું રક્ષણ કરીએ છીએ.’ (આ વાત સદંતર ખોટી હતી. યુદ્ધની શરૂઆત રશિયાએ જ કરી હતી.)

પહેલી કથામાં રશિયન સૈનિકો અને અફસરોનાં વખાણ કરનાર તોલ્સ્તોયે જાતઅનુભવ પછી બાકીની બન્ને કથાઓમાં ફૌજી અફસરોની ટીકા કરવામાં કશું બાકી ન રાખ્યું. લશ્કરમાં ફરજનો બહુ મહીમા હોય. પણ તોલ્સ્તોયે લખ્યું, ‘ટૂંકી બુદ્ધિ ધરાવતા મોટા ભાગના લોકોની જેમ એનામાં પણ ફરજની ભાવના વઘુ પડતી જાગ્રત થયેલી હતી.’ રશિયાના સૈનિકો એકાદ લશ્કરી ચંદ્રક કે પગારવધારા માટે કાયમી ધોરણે યુદ્ધ કરવાા ને સેંકડો લોકોને હણી નાખવા તૈયાર રહેતા હતા, એવું પણ તેમણે લખ્યું. બીજી કથામાં નાયકનું એકેય પાત્ર ન રાખીને તેમણે ચોખ્ખા શબ્દોમાં લખ્યું કે મારી કથામાં નાયકપદે કોઇ વ્યક્તિ નહીં, પણ સૌથી મહાન એવું સત્ય જ રહેશે. ‘બેમાંથી એક વાત સાચી લાગે છે : યુદ્ધ નીતાંત પાગલપણું છે અથવા માણસ આ પાગલપણું આચરતો હોય તો એ દેખાડે છે કે માણસ સામાન્ય રીતે મનાય છે એવું બુદ્ધિશાળી પ્રાણી નથી.’ આ વાક્યો ઉપર પણ રશિયાના સેન્સર બોર્ડની કાતર ફરી ગઇ.

‘સેવાસ્તોપોલ સ્કેચીઝ’ના જ ગાળામાં યુવાન તોલ્સ્તોયનો એક  નિબંધ ‘અ પ્રોજેક્ટ ફોર રીઓર્ગેનાઇઝિંગ ધ આર્મી’ પ્રગટ થયો હતો. તેમાં એમણે રશિયન લશ્કરનાં મુખ્ય છ દૂષણ ગણાવ્યાં હતાં : અપૂરતી ખાદ્યસામગ્રી, શિક્ષણનો અભાવ, લાયક માણસને બઢતી મળવા આડેના અવરોધ, (મનમાં રહેલી) અત્યાચારી તરીકેની હવા, ખંડણી અને સિનિયોરિટી. (હા, તોલ્સ્તોયે ‘સિનિયોરિટી’- વરિષ્ઠતાને પણ રશિયન સૈન્યનું દૂષણ ગણાવ્યું હતું.) આ તમામ લક્ષણો ચરિતાર્થ કરતાં પાત્રો તેમણે ‘સેવાસ્તોપોલ સ્કેચીઝ’માં સર્જ્યાં.

મોરચા પર રશિયન સૈનિકો ખુવાર થઇ રહ્યા હતા, ત્યારે તેમના અફસરો સલામતીમાં અને અમનચમનમાં મહાલતા હતા. ઉમરાવપુત્ર હોવાને કારણે તોલ્સ્તોય ખુદ અફસર હતા. પણ પોતાના સૈનિકોના મોત વિશે રશિયન અફસરોની નિષ્ઠુર બેપરવાઇ જોઇને તે કકળી ઉઠ્યા. તેમણે સર્જેલા એક દૃશ્યમાં ચાની ચુસ્કીઓ ભરતાં ભરતાં અફસરો એવી ફાલતુ વાતો કરતા હતા અને તેમાં વચ્ચે વચ્ચે ફ્રેન્ચ ભાષાનાં વાક્યો છાંટતા હતા. તેમાં બે વક્રતા હતી : આ અફસરોને ફાલતુ પંચાત કરતી વખતે યુદ્ધ અને તેમાં થતી ખુવારી અડતી ન હતી. એટલી જ કાતિલ બીજી વાત એ હતી કે રશિયાના ભદ્ર સમાજમાં ફ્રેન્ચ બોલવાની ફેશન હતી. એટલે સેવાસ્તોપોલના મોરચે ફ્રેન્ચો સામે યુદ્ધ લડી રહ્યા હોવા છતાં, એ લોકો ફ્રેન્ચમાં વાક્યો બોલવાનો મોહ તજી શકતા ન હતા.

સેવાસ્તોપોલના મોરચે તોલ્સ્તોય પહોંચ્યા ત્યારે રશિયાની પીછેહઠ શરૂ થઇ ચૂકી હતી. આખરે રશિયાને સંધિ કરવાની ફરજ પડી અને કાળા સમુદ્રના વિસ્તારમાંથી તેને પોતાનું સૈન્ય તથા નૌકાસૈન્ય પાછું ખસેડી લેવું પડ્યું. ૧૮૫૬માં યુદ્ધના અંત પછી સેકન્ડ લેફ્‌ટનન્ટ તોલ્સ્તોયને ‘ચેર્નાયાના યુદ્ધમાં બહાદુરી અને દૃઢ આચરણ દર્શાવવા બદલ’ લેફ્‌ટનન્ટ તરીકે બઢતી આપવામાં આવી. પરંતુ તોલ્સ્તોયે લશ્કરી કારકિર્દી છોડીને પોતાના ઘર યાસ્નાયા પોલ્યાનાનો રસ્તો પકડ્યો. તેના એકાદ દાયકા પછી ‘વૉર એન્ડ પીસ’ જેવી મહાનવલ લખીને અને ત્યાર પછીના પોતાના ચિંતનથી યુદ્ધવિરોધી અને શાંતિવાદી તરીકે તે વિશ્વપ્રસિદ્ધ બન્યા.

વર્ષ ૨૦૧૦માં તોલ્સ્તોયના અવસાનની શતાબ્દિ નિમિત્તે રશિયાની સ્પેસ એજન્સી ‘રોસ્કોસ્મોસ’ દ્વારા જાહેર કરાયું હતું કે તોલ્સ્તોયને અંજલિરૂપે તેમના પુસ્તક ‘સેવાસ્તોપોલ સ્કેચીઝ’ને અવકાશમાં મોકલવામાં આવશે. તોલ્સ્તોયના બીજા સાહિત્યની સરખામણીમાં આ લખાણો પ્રમાણમાં ઓછાં જાણીતાં કહી શકાય. છતાં,  તેમના યુદ્ધવિરોધી વિચારોનાં મૂળ ‘સેવાસ્તોપોલ સ્કેચીઝ’માં પડેલાં હોવાથી તેમનું મહત્ત્વ વિશિષ્ટ છે.

3 comments:

  1. લેખ બહુ ગમ્યો.

    ReplyDelete
  2. Absolutely brilliant piece. Love the way you have dug out little-known facts about Tolstoy and the Crimean war. Was riveted reading it.

    ReplyDelete
  3. Anonymous9:48:00 PM

    Urvishbhai,
    nice article, good research, very good historical digging and good presentation.
    Thanks,

    ReplyDelete