Saturday, November 25, 2023

નંદલાલ બોઝના ગાંધીજીઃ એક ચિત્ર, ચાર અવતાર


શાંતિનિકેતનના કળાશિક્ષક અને ઉત્તમ કળાકાર નંદલાલ બોઝે  તૈયાર કરેલું ગાંધીજીનું  લિનોકટ ગાંધીજીનાં સૌથી પ્રખ્યાત ચિત્રોમાં સ્થાન ધરાવે છે. દાંડી કૂચ વખતે લાકડી સાથે, પણ લાકડીના ટેકે નહીં એવી રીતે ચાલતા, 61 વર્ષે પણ અડીખમ ગાંધીજીનું ભવ્ય દર્શન એ ચિત્રમાં થાય છે. તે લિનોકટની નીચે નંદલાલ બોઝની સહી સાથે અંગ્રેજીમાં BAPUJI અને 1241930 (12 એપ્રિલ 1930) લખેલું જોવા મળે છે. 

દાંડી કૂચની શરૂઆત 12 માર્ચ 1930ના રોજ થઈ હતી. તો પછી લિનોકટ નીચે 12 એપ્રિલની તારીખ કેમ? એવો સવાલ થઈ શકે. 12 એપ્રિલનું કોઈ ઐતિહાસિક મહત્ત્વ નથી. (દાંડીકૂચ પછી ગાંધીજીની ધરપકડ પાંચ મેના રોજ થઈ હતી.) 12 એપ્રિલે પાછળનો સામાન્ય તર્ક એ સૂઝે કે લિનોકટનું કામ તેમણે વહેલું શરૂ કર્યું હોય અને તે 12 એપ્રિલે પૂરું થયુ હોય. 

એ સંભાવનાનો મજબૂત આધાર દેબદત્ત ગુપ્તાના બ્લોગ VISUALISING THE DANDI MARCH AT SANTINIKETAN માંથી મળ્યો. કોલકાતાની રવીન્દ્રભારતી યુનિવર્સિટી સાથે સંકળાયેલા કળા ઇતિહાસકાર ગુપ્તાએ નોંધ્યું છે કે ગાંધીજીની શાંતિનિકેતનની મુલાકાત વખતે રવીન્દ્રનાથની સાથોસાથ કળાકાર નંદલાલ બોઝ (બસુ)ને પણ ગાંધીજી સાથે આત્મીયતા થઈ હતી. શાંતિનિકેતનના કેટલાક વિદ્યાર્થીઓ સ્વદેશી ચળવળમાં ભાગ પણ લેતા હતા અને  બોઝના ખાસ મિત્ર અક્ષયબાબુ દાંડીકૂચમાં જોડાવા માટે અમદાવાદ પહોંચ્યા હતા. (દાંડીકૂચના યાત્રીઓમાં તેમનું નામ મળતું નથી. એટલે તે અમદાવાદ આવ્યા હોય અને દાંડીયાત્રી તરીકે તે જોડાઈ ન શક્યા હોય તે બનવાજોગ છે.)

દાંડીકૂચ શરૂ થઈ તે દિવસે, 12 માર્ચ 1930ના રોજ, નંદલાલ બોઝે ગાંધીજીનું એક રેખાચિત્ર બનાવ્યું.  તેની નીચે લખાણ હતુંઃ BAPUJI 1231930. આ ચિત્રમાં ગાંધીજીના માથે શિખા અને હાથમાં ટોકરી (ઘંટડી) જોવા મળે છે અને નીચે નંદલાલ બોઝની સહી નથી. 
નંદલાલ બોઝે બનાવેલું મૂળ ચિત્ર, તારીખ 12031930 (દાંડી કૂચનો પ્રારંભ)

દાંડીકૂચના અરસામાં કલકત્તામાં સતીશચંદ્ર દાસગુપ્તાના તંત્રીપદે 'સત્યાગ્રહ સંગબાદ' નામનું અખબાર સાયક્લોસ્ટાઇલ કોપીના સ્વરૂપે નીકળતું હતું. શાંતિનિકેતનના-નંદલાલ બોઝના વિદ્યાર્થી પ્રભાતમોહન બેનરજી એ અખબારના મુદ્રક હતા. તેની પર સરકારની ખફાનજર થયા પછી અખબારની માગ ઓર વધી ગઈ. તે વખતે નંદલાલ બોઝ તેમના દીકરાને જાપાન ભણવા મોકલવાની વ્યવસ્થા માટે કોલકાતા અવરજવર રહેતી. કોલકાતા હોય ત્યારે તે પેપરની ઓફિસે પણ જતા. એ દિવસો યાદ કરીને પ્રભાતમોહન બેનરજીએ બંગાળી સામયિક 'દેશ'ના નવેમ્બર-ડિસેમ્બર 1966ના અંકમાં લખ્યું હતું કે તેમની વિનંતીને માન આપીને નંદલાલ બોઝે તેેમને ગાંધીજીનું રેખાચિત્ર 'સત્યાગ્રહ સંગબાદ'માં છાપવા માટે આપ્યું અને એ તેમણે સાયક્લોસ્ટાઇલ નકલમાં હોંશથી-ગૌરવભેર છાપ્યું પણ ખરું. 

થોડા ઉમેરા સાથેનું નંદબાબુનું ચિત્રઃ
નામ બદલાયું, ઘડીયાળ ઉમેરાયું
એ જ ચિત્ર પ્રભાતમોહન બેનરજીએ 1932માં પ્રકાશિત થયેલા તેમના બંગાળી પુસ્તક 'મુક્તિ-પોથે'ના મુખપૃષ્ઠ પર છાપ્યું. પરંતુ તેમાં કેટલાક ફેરફાર હતા. ચિત્રની નીચે અંગ્રેજીમાં BAPUJIને બદલે બંગાળીમાં 'જોય-જાત્રા' (વિજય-યાત્રા) લખેલું હતું. અગાઉના ચિત્રમાં નંદલાલે ગાંધીજીની કમરે લટકતું ઘડિયાળ ઉમેર્યું હતું. જોકે, તારીખ એ જ રાખી હતીઃ 1231930, પણ એ તેમણે બંગાળીમાં લખી હતી. આ પુસ્તક પણ અંગ્રેજ સરકારે જપ્ત કર્યું હોવાથી, તે દુર્લભ બની ગયું. 

ત્યાર પછી બન્યું પ્રખ્યાત લિનોકટ, જેની નીચે તારીખ હતી 12 એપ્રિલ 1930, જે ચિત્ર પૂરું થયાની તારીખ હોઈ શકે છે. લિનોકટમાં શિખા, ટોકરી, ઘડિયાળ ગેરહાજર છે. બેકગ્રાઉન્ડ પણ કાળુંધબ્બ નથી. મૂળ લિનોકટ કળાત્મક ચીજવસ્તુઓની હરાજી કરનારી કંપની ક્રિસ્ટીઝની વેબસાઇટ પર જોવા મળે છે. (ત્યાં જૂન 2011માં તેની મૂળ પ્રિન્ટ વેચાણ માટે મુકાઈ હતી અને તેના 2,250 પાઉન્ડ ઉપજ્યા હતા.)
નદબાબુએ બનાવેલું લિનોકટ, તારીખ 12041930

સમય જતાં લિનોકટના અગાઉના તબક્કા ભૂલાઈ ગયા અને તેનું છેલ્લું, પ્રચલિત બનેલું સ્વરૂપ જ યાદ રહ્યું. આ  ચિત્રના ચાર તબક્કા એક જ ફ્રેમમાંઃ (મોટું કરીને જોવા માટે તેની પર ક્લિક કરો)




સ્રોતઃ 
1.https://dagworld.com/visualising-the-dandi-march-at-santiniketan.html
2.https://www.christies.com/lot/lot-nandalal-bose-1882-1966-bapuji-5452454/?from=salesummary&intObjectID=5452454&lid=1



 

Tuesday, November 21, 2023

ઉઘડતા વેકેશને

જે આવે છે, તેનું જવાનું નિશ્ચિત હોય છે—આ કરુણ અને અફર સત્ય માણસને કે તેની જિંદગીને ફક્ત એક વાર લાગુ પડે છે, પણ વેકેશનના મામલે દર વર્ષે ઓછામાં ઓછો બે વાર તેનો અનુભવ થાય છે. વડીલશાઈ શૈલીમાં કહી શકાય કે હવે તો વેકેશન પણ પહેલાં જેવાં ક્યાં રહ્યાં છે?’ માણસોની ધીરજની જેમ અને સરકારોની સહિષ્ણુતાની જેમ વેકેશનો પણ ટૂંકાં થઈ ગયાં છે. એક રજા વધારે મળે તો લોકો વેકેશન-વેકેશન કહીને ઝૂમવા લાગે છે. અઠવાડિયામાં પાંચ દિવસ કામ કરતા—અને એ રીતે વડાપ્રધાન બનવાની રેસમાંથી આપોઆપ બાકાત થઈ ગયેલા—લોકોને એ બે દિવસની આગળ કે પાછળ એક રજા મળે તો તે લોંક વીકએન્ડ મનાવવા ઉત્સુક હોય છે.

બાળપણની મઝા ગુમાવવાની વાત આવે ત્યારે બારીશકા પાની અને કાગઝકી કશ્તીને લોકો યાદ કરી લે છે, પણ બાળપણ અને મોટપણ વચ્ચેનો સૌથી મોટો તફાવત વેકેશનનો હોય છે. મોટા થયા પછી ઉમંગભેર બારીશકા પાનીમાં કાગઝકી કશ્તી તરાવવી હોય તો કોઈ રોકનાર નથી, પણ બાળપણના ઉમંગથી વેકેશન ભોગવી શકાતું નથી. ઉર્દુના એક શાયરે કહ્યું હતું, અબ તો ઉતની ભી મયસ્સર નહીં મયખાનેમેં/ જિતની હમ છોડ દિયા કરતે થે પયમાનેમેં. એવી જ રીતે, બાળપણમાં મુખ્ય વેકેશનની સાથે જેટલા દિવસ લટકાના મળતા હતા, એનાથી ઓછા દિવસનું તો કુલ વેકેશન નોકરીઓમાં હોય છે. પરંતુ મોટા થયાની ખંડણી પેટે મોટું વેકેશન ચૂકવ્યા વિના છૂટકો થતો નથી.

ટૂંકા વેકેશન સાથે સમાધાન સાધી લીધા પછી પણ ઉઘડતા વેકેશનનો ઇમોશન અત્યાચાર સૌથી વસમો નીવડે છે. આમ તો, અઠવાડિયે પાંચ દિવસ કામ કરતા લોકોનીમન્ડે બ્લુઝ—એટલે કે, સોમવારે કામે જવામાં કીડીઓ ચડે તે સ્થિતિ બહુ જાણીતી છે. વેકેશનમાં તે સ્થિતિ વકરી જાય છે. દિવંગતને યાદ કરતાં લોકો જેમ કહે કે, અરે, હજુ ગઈ કાલે તો અમે બજારમાં મળ્યા હતા...કાલે તો એમણે મને બૂમ પાડીને બોલાવ્યો હતો...ગયા અઠવાડિયે તો એમણે મારી સામે જોઈ હાથ ઊચો કર્યો હતો... એવું જ વેકેશનના મામલે ઘણાખરા લોકોને થાય છે. હજુ ગઈ કાલની તો વાત છે. કેવા શાંતિથી સવારે ઉઠ્યા હતા...નિરાંતે ચા પીધી હતી. નહાવાની પણ ઉતાવળ ન હતી, ઓફિસનો તો વિચાર સરખો મનમાં આવ્યો ન હતો. અને આજે એકદમ વેળાસર નાહીપરવારીને ઓફિસે જવાનું પણ આવી ગયું? ખરેખર, આ જિંદગીનો કશો ભરોસો નથી.

સાવ બાળપણમાં સ્કૂલે જતાં બાળકો તેમની અનિચ્છા કે તેમનો વિરોધ વ્યક્ત કરવા માટે ભેંકડા તાણી શકે છે, હાથપગ પછાડી શકે છે અને રસ્તા પર આળોટી શકે છે. પરંતુ નાના કે મોટા વેકેશનના પછીના દિવસે ઓફિસે જવાની અનિચ્છા ધરાવતા લોકો એવું કશું કરી શકતા નથી. કારણ કે તેમને મોટા થઈ ગયેલા જાહેર કરવામાં આવ્યા છે. વિરોધ કરતા બાળકને સ્કૂલે જવા માટે વિવિધ લાલચો આપવામાં આવે છે, પરંતુ મોટેરાંને એવી કોઈ લાલચો આપી શકાતી નથી. કારણ કે, ઓફિસમાં જવાનો ઉત્સાહ થાય એવી લાલચો મોટા ભાગના કિસ્સામાં હોતી જ નથી અથવા હોય તો તેને લાલચની વ્યાખ્યામાં બેસાડવાનું અઘરું હોય છે. 

વેકેશનની સુસ્તી ખંખેરી ન શકતા માણસને શું કહીને પ્રેરિત કરવાના? એવું કહેવાનું કે જા બકા, ઓફિસે બોસ તારી રાહ જોઈને જ બેઠા છે. તું નહીં જાઉં તો લોકોને ખખડાવવાનો તેમનો ક્વોટા પૂરો શી રીતે થશે?’ અથવા તું ઓફિસે નહીં જાય તો જેને ચા કહેતાં ચાનું અને પાણી કહેતાં પાણીનું અપમાન થાય, એવી ઓફિસની ચા તારા વિના સૂની પડી જશે, ભારતમાં રાજકારણમાં જેટલી ઓફિસો હોય છે, એના કરતાં ઓફિસોમાં રાજકારણ ઘણું વધારે હોય છે. તે રાજકારણનાં પાત્રો પણ મોટા ભાગના કિસ્સામાં માણસને ઓફિસ તરફ ખેંચવાને બદલે ઓફિસથી દૂર ધક્કો મારવાનું કામ વધારે કરતાં હોય છે. માણસ પ્રયત્નપૂર્વક મનને ઓફિસે જવા માટે તૈયાર કરતો હોય અને તેને વિચાર આવે કે અરે, મારે ફરી એક વાર ફલાણાનું/ફલાણીનું મોં જોવું પડશે?’ એ સાથે જ, તેના વેરવિખેર ઉત્સાહનો માંડ બંધાતો કિલ્લો કડડભૂસ થઈ જાય છે.

કોરોના પછી વર્ક ફ્રોમ હોમના સમયમાં વગર વેકેશને લોકોને ઓફિસે જવાનું ગમતું નથી. અમેરિકા જેવા દેશોમાં કર્મચારીઓને મનામણાં કરીને, તેમના માટે ઓફિસે અવનવી પાર્ટીઓ યોજીને તેમને ઓફિસે બોલાવવા પડે છે. અનુકૂળ હોય એવી દરેક વાતમાં પરદેશી કંપનીઓના દાખલા દેતા સાહેબલોકો કર્મચારીઓને ઓફિસે બોલાવવાની વાત આવે ત્યારે પાશ્ચાત્યને બદલે પૌર્વાત્ય સંસ્કૃતિનું, ભગવદ્ ગીતાનું અને ફળની આશા વગરના કર્મનો ઉપદેશ આપે છે.

વેકેશન પછી ઓફિસે પાછા ફરવાની બાબતમાં મોટિવેશનલ સ્પીકરો પણ કામ લાગતા નથી. (એ કઈ બાબતમાં કામ લાગે છે, તે એક સવાલ છે. પરંતુ બુદ્ધની જેમ સંસારની--વેકેશનની અને નોકરીની-- નિરર્થકતા સમજાઈ ગયા પછી અને તેનું દુઃખ અનુભવી લીધા પછી માણસને જાતે જ સમજાય છે કે નોકરી માટે વેકેશનનું જેટલું મહત્ત્વ છે, એટલું જ વેકેશન માટે નોકરીનું પણ છે. એટલે, નોકરી વિના કાયમી વેકેશન મળી જવાની આશંકાએ તે ફરી કમર કસીને નોકરીએ જવા તૈયાર થાય છે, જેથી તે બીજા વેકેશનની આતુરતાથી રાહ જોઈ શકે.  

 

Monday, October 30, 2023

તૂટેલા પુલના સમ

 એક સમયે ગુજરાત અમદાવાદના ઝુલતા મિનારા માટે પ્રખ્યાત હતું. હવે તૂટતા પુલ માટે તે જાણીતું બન્યું છે. ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી પુલ તૂટવાના એટલા કિસ્સા બની રહ્યા છે કે કેટલાંક અખબારો ખાસ પુલ-સંવાદદાતા નીમવાનું વિચારી રહ્યાં છે અને કેટલાંકે તો બિનસત્તાવાર રીતે તે નીમી પણ દીધા છે.

પુલ તૂટવાની વાતમાં નરેન્દ્ર મોદી, અમિત શાહ, સાવરકર કે સનાતન ધર્મની વાત આવતી નથી. એટલે છાપાં-ચેનલો-યુ ટ્યુબ ચેનલો ખુલીને તેની ટીકા કરીને, પોતાની નિર્ભિકતાનું પ્રદર્શન કરી શકે છે. વળી, તેમાં પ્રજાહિત સંકળાયેલું હોવાથી પ્રજાહિતની રખેવાળીનો પાઠ પણ ભજવી શકાય છે. કારણો ગમે તે હો, પણ પુલ તૂટવાના મુદ્દે થોડીઘણી કાગારોળ થાય છે તે આવકાર્ય છે. તેમાં કેન્દ્રસ્થાને રહેલો મુદ્દો સ્વાભાવિક રીતે જ ભ્રષ્ટાચારનો હોય છે. ભ્રષ્ટાચારની ચ્યુઇંગ ગમનું સુખ એ છે કે શરૂઆતના ગળપણ સુધી તેનો સ્વાદ લઈને ચગળી શકાય છે ને સ્વાદ ઉડી જાય ત્યારે તેને સહેલાઈથી ફેંકી શકાય છે.

પુલ બાંધનારા લોકોની આધ્યાત્મિક વૃત્તિની કદર નહીં કરી શકતા લોકો એવો તળીયાઝાટક આરોપ મુકે છે કે કોન્ટ્રાક્ટરો અને નેતાઓ-અફસરોની મીલીભગતને કારણે રૂપિયા અઢળક ખર્ચાય છે- સંબંધિત પાર્ટીઓના ઘરે સોનાના પુલ બને એટલી રકમ આવે છે, પણ અસલી પુલમાં વેઠ ઉતરે છે. તેના કારણે ભ્રષ્ટાચારીઓ પુલનિમિત્તે થયેલી કમાણીનો વહીવટ કરી શકે તે પહેલાં પુલ તૂટી જાય છે.

—અને તેમને શરમાવું પડે છે?

એવો વિચાર ક્યાંથી આવ્યો? શરમાવાનું તો ક્યારથી મુકી નથી દીધું?  ઉલટું, નવું કામ આવી પડે છે ને કમાવાની નવી તક ઊભી થાય છે. ગુજરાતમાં કોન્ટ્રાક્ટરો બ્લેકલિસ્ટ થયા--એવું વાંચીને પહેલાં ભોળા લોકોને લાગતું હતું કે એ કોન્ટ્રાક્ટરોની તો જિંદગી ઝેર થઈ જશે. પરંતુ ધીમે ધીમે તેમને ખ્યાલ આવ્યો કે કોન્ટ્રાક્ટ આપવામાં સિલ્વર, ગોલ્ડ અને પ્લેટિનમ પછીનું કોઈ રેટિંગ હોય તો તે બ્લેક રેટિંગ છે. એક વાર કોઈ કોન્ટ્રાક્ટર બ્લેકલિસ્ટ થાય, ત્યાર પછી તેના વિશે નેતાઓ અને અધિકારોઓને કશી અવઢવ નથી રહેતી. તેની સાથે શરમસંકોચ (હજુ પણ જો બચ્યો હોય તો) નેવે મુકીને કમિશનના દર અંગે વાતચીત થઈ શકે છે.

મારી કોઈ ડાળખીમાં પાંદડાં નથી, મને પાનખરની બીક ન બતાવો એવી કાવ્યપંક્તિને ચરિતાર્થ કરતા બ્લેકલિસ્ટ થયેલા કોન્ટ્રાક્ટરના મનોદેહ પર કોઈ આવરણ હોતાં નથી. એટલે તેમને નિર્વસ્ત્ર થવાની કોઈ બીક પણ હોતી નથી. તેના કારણે બંને પક્ષે વાતચીતમાં પ્રામાણિકતા અને પારદર્શકતા પ્રગટે છે. એ તો જાહેર જીવનની કામગીરીનો આખરી હેતુ અને ઉચ્ચ આદર્શ છે. તેની ટીકા કરવાની હોય કે તેને વધાવી લેવાનું હોય?  પ્રામાણિકતા અને પારદર્શકતા જેવાં મૂલ્યો આજે ભલે ભ્રષ્ટાચાર અને લેતીદેતીમાં પ્રગટ થાય, પણ એ જ મૂલ્યો દૃઢ થયા પછી લાંબા ગાળે જાહેર જીવનનું અભિન્ન અંગ બની નહીં રહે? એટલા મોટા સામાજિક પરિવર્તન માટે થોડા પુલોનો ભોગ આપવો પડે, એ ઊચ્ચ ભૂમિકાએ પહોંચવાની તબક્કાવાર પ્રક્રિયાનો જ એક હિસ્સો છે.

આગળ પુલ બાંધનારા લોકોની આધ્યાત્મિક વૃત્તિનો અછડતો ઉલ્લેખ કર્યો હતો. તેના વિશે પણ જાણી લેવું જોઈએ. નજીવી બાબતોમાં, અરે ક્રિકેટ મેચોમાં, જય શ્રી રામની ચિચિયારીઓ પાડનારા પુલની વાત આવે ત્યારે રામાયણ ભૂલી જાય તે કેમ ચાલે? લંકા પહોંચવા માટે વાનરસેનાએ પુલ બનાવ્યો ત્યારે તેનું વૈજ્ઞાનિક પરીક્ષણ થયું હતું? તેમાં સીમેન્ટ ઓછો છે ને સળીયા ઓછા છે ને મટીરીયલ નિમ્ન કક્ષાનું છે—એવી કશી ચૂંથ થઈ હતી? કથા પ્રમાણે, વાનરસેનાએ શ્રદ્ધા અને ભક્તિથી પથ્થરો મુક્યા અને પુલ બની ગયો. આધુનિક કોન્ટ્રાક્ટરો જય શ્રી રામની ચિચિયારીઓથી ખોફ ખાઈને, લંકા-પુલપદ્ધતિથી નવા પુલો બાંધતા નહીં હોય એની શી ખાતરી? કથામાં રામના નામે પથરા તરતા હતા. કળીયુગમાં ચૂંટણીમાં રામનામે પથરા તરી જાય છે. તો કોન્ટ્રાક્ટરોએ વિચાર્યું હોય કે અસલી પથરાને પણ ટકાવી જોઈએ. એટલે એન્જિનિયરિંગને બદલે શ્રદ્ધાથી કામ લઈને તેમણે પુલ બાંધ્યા હોય એવું ન બને? એવી રીતે બાંધેલા પુલ તૂટી જાય તો તેમાં કોની શ્રદ્ધા ઓછી પડી કહેવાય? કોન્ટ્રાક્ટરની? દલાલની? અફસર-નેતા યુતિની? કે તેની પર-તેની નીચે ચાલનારાની? આ સવાલ આધ્યાત્મિક સ્વરૂપ ધારણ કરે છે અને તેને એન્જિનિયરિંગ સાથે કોઈ લેવાદેવા રહેતી નથી.

જે રીતે અભ્યાસક્રમો બદલાઈ રહ્યા છે અને પુરાણકથાઓને ઇતિહાસ કે વિજ્ઞાન તરીકે ઘુસાડવામાં આવી રહી છે તે જોતાં, સિવિલ એન્જિનિયરિંગ ભણેલા વિદ્યાર્થીને લંકાના પુલ વિશે બધી ખબર હોય અને ગુજરાતમાં બાંધવાના પુલો વિશે કશી ખબર ન હોય, તો પણ આઘાત ન લાગવો જોઈએ. બલ્કે, તેના સંસ્કૃતિજ્ઞાનને બિરદાવવું જોઈએ અને પુલો તૂટવા છતાં રાજ્યની-દેશની સંસ્કૃતિનો વિજયધ્વજ કેવો ફરફરી રહ્યો છે તેનું ગૌરવ લેવું જોઈએ.

દરેક વખત પુલ તૂટે ત્યારે માણસોનાં મૃત્યુ થાય તે જરૂરી નથી. માણસ-માણસ વચ્ચેના પુલ તૂટે ત્યારે કાગારોળ મચતી નથી. વર્ષોથી એવા પુલ સતત તૂટી રહ્યા છે—આયોજનપૂર્વક અને ગાફેલિયતથી. એવા પુલ ફરી બનાવવામાં સાહેબલોકોને રસ પડતો નથી. કારણ કે, એવા પુલ ન બને એમાં જ તેમનું સાહેબપણાની સલામતી હોય છે.

બીજા સમુદાયના લોકોથી માંડીને (મણિપુર જેવાં) બીજાં રાજ્યો સાથે આપણને જોડતા પુલ તૂટ્યાનો અવાજ સંભળાયો?

Wednesday, October 18, 2023

પટ્ટી તૂટ્યાની વેળા

દિલ તૂટવા વિશે દરેક ભાષામાં અઢળક સાહિત્ય સર્જાયું છે. કેટલાયનો તો કારોબાર જ બીજાનાં દિલના તૂટવા પર ચાલ્યો છે. તેની સરખામણીમાં સ્લીપર-ચપ્પલની પટ્ટી તૂટવા વિશે કોઈ ગદ્ય કે પદ્ય કૃતિ ભાગ્યે જ વાંચવા મળશે. સાહિત્યસર્જકો પર વાસ્તવિકતાથી દૂર હોવાનો આરોપ કંઈ અમસ્તો મુકાતો હશે? માણસ જેવો માણસ તેની સ્લીપર જેવી સ્લીપર કે ચપ્પલ જેવી ચપ્પલ પહેરીને રસ્તા જેવા રસ્તા પર સરેઆમ ચાલતો હોય અને અચાનક, દિલની જેમ જ, કટ કે ફટ અવાજ આવ્યા વિના પગરખાંની પટ્ટી તૂટી જાય, તે શું નાનોસૂનો ધક્કો છે? આધુનિક મહાકાવ્યોની રચના માટે કવિઓ વાલ્મિકીની જેમ ક્રૌંચ વધ જોવા ક્યાં મળવાનો? ડિસ્કવરી પર કે યુ ટ્યુબ પર? એને બદલે, ચાલતાં ચાલતાં પગરખાંની પટ્ટી તૂટી જાય ત્યારે સર્જાતી કારુણી કલાપીની કવિતાને ટક્કર મારે એવું વિષાદકાવ્ય નીપજાવવાની પ્રેરણા આપી શકે છે. તેના માટે કવિએ સમાનુભૂતિનો અહેસાસ કરવો પડે.

ગમે તેટલા ઉદાર જણને પણ પટ્ટીતૂટ્યા સ્લીપર સાથે સમાનુભૂતિ  અનુભવવાનું—'એ સ્લીપર એ સ્લીપર નહીં, હું જ છું- એવું કલ્પવાનું અઘરું પડે છે, પણ સ્લીપર પહેરનારની પીડાનો અહેસાસ કરી શકાય કે નહીં? સેંકડો લોકો રોજ પગરખાં પહેરીને બહાર નીકળે છે. તેમાંથી કોની સ્લીપર વિધાતાની વક્ર દૃષ્ટિનો ભોગ બનવાની છે, તેની કોઈને ખબર નથી હોતી. યક્ષના પ્રશ્નના જવાબમાં સૌથી મોટા આશ્ચર્યનું વર્ણન કરતાં યુધિષ્ઠિરે કહ્યું હતું કે મૃત્યુ નિશ્ચિત છે તે જાણવા છતાં માણસ એવી રીતે વર્તે છે, જાણે તે કદી મૃત્યુ પામવાનો નથી. એવી જ રીતે, મોટા ભાગના પગરખાંપહેરકો એવી રીતે વર્તે છે, જાણે ફક્ત તે પોતે જ નહીં, તેમનાં પગરખાં પણ અમરપટો લખાવીને આવ્યાં હોય.

કેટલાંક લોકો પગરખાંને જેટલાં લાડ લડાવે છે, એટલું જતન ઘણા લોકો પોતાની જાતનું પણ નહીં કરતા હોય. રોજ પગરખાંને બરાબર લૂછવાં, ધોવાં, ગુંજાશ હોય ત્યાં પોલીશ કરીને કે કરાવીને તેમને ચકચકાટ કરવાં...આવી રીતે તૈયાર થયેલાં પગરખાં પર ગૌરવભરી નજર નાખતાં તેમનું શેર લોહી ચડે છે. એવા વખતે તેમને કહેવામાં આવે કે આટલો મોહ સારો નહીં, પગથિયાં ગમે ત્યારે, આગોતરો અણસાર આપ્યા વિના, સાથ છોડી દેશે અને પહેરનારને અધવચ્ચે મૂંઝવણભરી સ્થિતિમાં મુકશે. એ વખતે પહેરનારે પગરખાં-દેવદાસ બનવાનો વારો આવશે. તેને થશે કે અરેરે, આ પગરખાં, મને અડધે રસ્તે રઝળતો મૂકીને તૂટી ગયેલાં પગરખાં માટે મેં આટલી આસક્તિ રાખી? આટલાં વાનાં કર્યાં?

પગરખાં-અને ખાસ કરીને સારાં પગરખાં પહેરનાર માને છે કે તેનાથી ફક્ત પગની નહીં, પગ ઉપર રહેલા માથાની પણ શોભા વધે છે. પરંતુ રસ્તા વચ્ચે સ્લીપર-ચપ્પલની પટ્ટી તૂટે, ત્યારે બધી શોભા અવળી નીકળી શકે છે. કેમ કે, પહેરનારના ચિત્તમાં તે વખતે મજબૂરીનું વાવાઝોડું ફુંકાય છે. કવેળા, અધરસ્તે તૂટેલી પટ્ટીને કારણે માણસનું બધું ધ્યાન પગરખાંના તૂટેલા ભાગ પર કેન્દ્રિત થાય છે. અચાનક ચાલવામાં પડવા લાગેલી તકલીફને કારણે, આકરા પાણીએ હોય એવા લોકોને સૌથી પહેલો વિચાર તૂટેલાં પગરખાં ફગાવી દેવાનો આવે છે. તેની પાછળ એ મને શું છોડતીતી? હું જ એને તજી દઉં છું.—એવી ઘવાયેલા સ્વમાનની લાગણી જવાબદાર હોય છે. પરંતુ એ વિચારના અમલ પહેલાં તરત બીજા, વધારે વ્યવહારુ વિચારો આવવા માંડે છે. જેમ કે, હું તૂટેલી સ્લીપર પર ગુસ્સે થઈને તેને ફેંકી દઉં, તો તેની જોડીદાર એવી બીજી સ્લીપરનું શું?

એ ખરું કે માણસોની જેમ સ્લીપરને ફેંકી દેતાં પહેલાં પણ કશી ભૂમિકા બાંધવાનું આવશ્યક નથી. મોટા ભાગની કંપનીઓ માણસો પાસે એ મતલબના કરાર કરાવી જ લેતી હોય છે, સ્લીપર સાથે તો એવા કરારની પણ જરૂર નથી હોતી. છતાં, ઉગ્ર પ્રતિક્રિયાનો-રોષનો તબક્કો પૂરો થયા પછી માણસને યાદ આવે છે કે ટાયરમાં પંક્ચર થાય તો ટાયર ફેંકી દેવામાં આવતું નથી—તેનું પંક્ચર કરાવવામાં આવે છે. એવી જ રીતે, સ્લીપરની તૂટેલી પટ્ટી પણ સંધાવવી જોઈએ..

વિચાર તો પવિત્ર છે, પણ મોટા ભાગના પવિત્ર વિચારોની જેમ, તેના અમલીકરણમાં ખરી મુશ્કેલી હોય છે. તૂટેલી સ્લીપર સંધાવવી ક્યાં?  અને ખાસ તો, તેનો કોઈ સાંધણહાર ન મળે ત્યાં સુધી ખેંચવું શી રીતે? એ લગ્નજીવન તો છે નહીં કે જેમતેમ કરીને, ઘસડમપટ્ટી કરીને પણ ખેંચ્યે રાખવું પડે. તૂટેલી સ્લીપરને પહેરેલી રાખતાં માણસની ચાલવાની ગતિ પર અને એના કરતાં પણ વધારે, તેની ચાલવાની સલામતી પર ગંભીર અસર પડી શકે છે. બીજો વિકલ્પ લોકલાજ તજીને તૂટેલી સ્લીપરને હાથમાં પકડવાનો છે. પરંતુ કુછ તો લોગ કહેંગે, લોગોંકા કામ હૈ કહના—એ ગાવું જેટલું સહેલું છે, એટલું જ સાકાર કરવું અઘરું. સમાજમાં પોતાની ધારી લીધેલી પ્રતિષ્ઠાને કારણે વ્યક્તિને થાય છે કે હું? અને સ્લીપર હાથમાં પકડીને ચાલું? એના કરતાં તો સ્લીપરને ગૌરવભેર ફગાવીને ઉઘાડપગો ચાલું, તો મારું સ્વમાન વધારે સચવાય.

પગરખાની પટ્ટી ઓચિંતી તૂટવાની ઘટના જાગ્રત માણસ માટે બુદ્ધત્વની ક્ષણ બની શકે છે. તેને વિચાર આવી શકે છે કે જેમ પગરખાંની તેમ જીવનની પટ્ટી પણ સંધાવી ન સંધાય એવી રીતે એક દિવસ તૂટી જશે. પછી?

એ જુદી વાત છે કે એવું બુદ્ધત્વ પગરખાં સાંધી આપનાર મળે ત્યાં સુધી જ ટકે એવું હોય છે.

 

 

Tuesday, October 17, 2023

ફિલિસ્ટાઇન્સ એન્ડ ફેરિસીઝ (અસંસ્કારી અને કટ્ટર) : મુકુલ કેસવન

મૂળ લેખ ધ ટેલીગ્રાફ, 15-10-23


હમાસ એ પેલેસ્ટાઇની રાષ્ટ્રવાદનો પાશવીઇસ્લામી ગુણવિકાર છે. તે સત્તાવાર રીતે ઇઝરાઇલના નિકંદન માટે પ્રતિબદ્ધ છે. ઇઝરાઇલને તે ‘યહુદીવાદી એકમ’ (ઝાયનિસ્ટ એન્ટાઇટી) ગણે છે. હમાસનું બાકાયદા સૈન્ય ન કહેવાય એવું દળ તક મળે ત્યારે ઇઝરાઇલ સામે ગેરીલા યુદ્ધ આદરે છે. વ્યૂહાત્મક ઊંડાણની રીતે ગાઝા માંડ એક શોપિંગ મોલ જેવું છે. સુસજ્જ સૈન્ય ધરાવતી સરકાર જેવી ગરીમાાનો અભરખો હમાસ રાખી શકે તેમ નથી. ઘેરાબદ્ધ પ્રદેશમાં તે માન્યતા વગરનું રાજ ચલાવે છે. હમાસ સંરક્ષણ પૂરું પાડવાનું તરકટસમાજકલ્યાણ માટેનું સંગઠનમુક્તિચળવળ અને આતંકવાદી ટોળકી—આ બધું જ છે. ગાઝા વિશ્વની સૌથી મોટી ખુલ્લી જેલ હોયતો હમાસ તે જેલનું જાતે બની બેઠેલું ટ્રસ્ટી છે અને ઇઝરાઇલ તે જેલનું વોર્ડન.

 

ઇઝરાઇલ યહૂદીવાદી (ઝાયનિસ્ટ) રાષ્ટ્રવાદનું મૂર્તિમંત સ્વરૂપ છે. તેના કબજામાં રહેલા પ્રદેશ પરનો તેનો દાવો એ માન્યતા પર આધારિત છે કે તે પ્રદેશ યહુદીઓનું રાષ્ટ્રીય વતન હોવું જોઈએ. કારણ કેપ્રાચીન કાળમાં તેમના વડવાઓને ત્યાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા. આ દાવો ફક્ત વિચારધારાકીય નથી. દોઢેક સદીથી યહુદીવાદી યહુદીઓ પેલેસ્ટાઇન/ઇઝરાઇલને તેમનું વતન ગણીને ત્યાં સ્થળાંતર કરતા રહ્યા છે. અગાઉના પેલેસ્ટાઇનમાં યહુદીઓની નાનકડી વસ્તીની સતત રહી હતીએ બાબતને યહુદીવાદીઓ તેમના દાવાના સમર્થનમાં ટાંકતા હતા.

 

બીજા વિશ્વયુદ્ધ વખતે થયેલા યહૂદીસંહારની કરુણતામાંથી અને યુરોપની વચ્ચોવચ થયેલા યહૂદીસંહાર અંગે પશ્ચિમી દેશોની ગુનાઈત લાગણીમાંથી યહૂદીઓનો ઇઝરાઇલ પરના અધિકાર ફૂલ્યોફૂલ્યો. જર્મનીના બ્રેન્ડનબર્ગ ગેટ કે બ્રિટનના વડાપ્રધાનના નિવાસસ્થાન 10ડાઉનિંગ સ્ટ્રીટ પર કદી પેલેસ્ટાઇનના ધ્વજના રંગ છવાયેલા જોવા નહીં મળે. યહૂદી જનસંહારની સ્મૃતિને કારણેઇઝરાઇલીઓ દ્વારા થતી પેલેસ્ટાઇનીઓની હત્યા એટલી અધમ અને નઠારી નથી લાગતીજેટલી પેલેસ્ટાઇનીઓ દ્વારા થતી ઇઝરાઇલીઓની હત્યા લાગે છે.

 

પશ્ચિમી સરકારોનું એ કાયમી-સ્વીકૃત વલણ છે કે એક રાષ્ટ્ર તરીકે ઇઝરાઇલ પર અપ્રમાણસરની હિંસાનો આરોપ મુકી શકાયપણ તેને કદી ત્રાસવાદી ન ગણાય. કારણ કેઇઝરાઇલનું શિસ્તબદ્ધ સૈન્ય ત્રાસવાદનો જવાબ વિવેકપૂર્વકની હિંસાથી આપે છે. ઇઝરાઇલના સ્વરક્ષણના અધિકારને કારણે અજાણતાં નિર્દોષો માર્યા જાય એવું બનેપણ તે કદી ત્રાસવાદી અત્યાચાર ન હોઈ શકે. સ્વરક્ષણની કાર્યવાહીમાં જ્યાંના નિર્દોષો અજાણતાં માર્યા જાય છેએ પ્રદેશ તો લડાકુ ટોળકીઓનો છે. તે ટોળકીઓ નાગરિકો અને સૈનિકો વચ્ચે ફરક પાડતા બીજા શિસ્તબદ્ધ દેશના નાગરિકો પર જાણી જોઈને હુમલા કરે છે. માટેઇઝરાઇલની હિંસા અને પેલેસ્ટાઇનની હિંસાની નૈતિક રીતે કદી તુલના કરી શકાય નહીં. કારણ કેઇઝરાઇલની હિંસા તો હંમેશાં પેલેસ્ટાઇનના વણનોતર્યા ઉત્પાતનો વાજબી જવાબ (સ્વરક્ષણનો અધિકાર) જ હોવાની.

 

ઐતિહાસિક દૃષ્ટિએ આ વલણનું સમર્થન કરવું કઠણ છે. કેમ કેપેલેસ્ટાઇનની હિંસા વણનોતરી-કશી ઉશ્કેરણી વિના થયેલી નથી. આધુનિક સમયમાં એક દેશે બીજા પર સૌથી લાંબા સમય સુધી કબજો જમાવી રાખ્યો હોય એવાં ઉદાહરણોમાં ઇઝરાઇલે પેલેસ્વેટાઇન પર જમાવેલા કબજાનો સમાવેશ થાય છે. ઇઝરાઇલે પચાવી પાડેલી  જગ્યાનો સતત વિસ્તાર થતો રહ્યો છે. પેલેસ્ટાઇન માટે અલગ ફાળવેલી જમીન પર સતત યહૂદી વસાહતો ઊભી કરવામાં આવી છેજેથી પેલેસ્ટાઇન ઊભું કરી શકાય એવી કોઈ સળંગ જગ્યા ન બચે. જમીનની આ ચોરીથી પેલેસ્ટાઇનના લોકોની આજીવિકા ખતમ થઈ ગઈ છે. આ પ્રકારે તેમની નાગરિકતા ખતમ થવાને કારણે તેમની હાલત ગુલામો જેવી બની છે. જેરુસલેમના પૂર્વ હિસ્સા પરનો તેમનો દાવો પણ તેમની પાસેથી સતત ખાલી કરાવાતી જગ્યાઓને કારણે ઉત્તરોત્તર નબળો પડી રહ્યો છે. કટ્ટર જમણેરી ચળવળોવસાહતીઓ અને રૂઢિચુસ્ત અંતિમવાદીઓ જેરુસલેમની પવિત્ર ભૂમિની યથાસ્થિતિને સતત પડકારી રહ્યા છે. ઇઝરાઇલના આ પ્રકારના કબજાને કારણે ઉશ્કેરણીનો એવો સિલસિલો ઊભો થાય છેજે ઇઝરાઇલી રાજની પેલેસ્ટાઇની પ્રજાએ રોજેરોજ વેઠવો પડે છે અને એ પણ ફક્ત અસ્તિત્વ ટકાવી રાખવા ખાતર.

 

ઇઝરાઇલીઓ સમુહ વસાહતો (કિબુત્ઝ) પર હમાસનો હુમલો ઉશ્કેરણીનું પરિણામ હતો અને આસુરી હતો. (પરંતુ) માનવપાત્રો ફક્ત તે જે પરિસ્થિતિમાં મુકાયાં હોય, તેનાં લક્ષણરૂપ નથી હોતાં. હમાસના યોદ્ધાઓનો નિર્ણય હતો; તે મહિલાઓને, બાળકોને, નિહથ્થા નાગરિકોને ન મારવાની પસંદગી કરી શક્યા હોત. એવી જ રીતે, ઇઝરાઇલના સૈન્યનો જવાબ પણ ઉશ્કેરણીનું પરિણામ હતો અને આસુરી હતો. સરવાળે તે હમાસના ખરાબમાં ખરાબ પ્રયાસ કરતાં પણ વધારે આસુરી હોવાનો. કારણ કે ઇઝરાઇલનો શસ્ત્રભંડાર આધુનિક છે. હવાઈ મોરચે તેનું વર્ચસ્વ સંપૂર્ણ છે અને (પેલેસ્ટાઇનના) લગભગ વીસ લાખ લોકો બીજે ક્યાંય જઈ ન શકાય એવી રીતે, જમીનની સાંકડી પટ્ટીમાં કેદ છે. ઇઝરાઇલના લશ્કરના એક જનરલે કહ્યું હતું કે બોમ્બમારા વખતે ચોક્સાઈને બદલે મહત્તમ નુકસાન અને વિનાશને પસંદગી આપવામાં આવશે. બીજા જનરલે ગાઝાના લોકો સાથે હ્યુમન એનિમલ્સ (માનવપશુઓ) જેવો વ્યવહાર કરવાનું વચન આપ્યું. 

 

ઇઝરાઇલ-પેલેસ્ટાઇન વચ્ચેના સંઘર્ષના ઇતિહાસમાં ઇઝરાઇલે દસ ગણા વધારે પેલેસ્ટાઇનીઓને માર્યા છે. આંકડાકીય દૃષ્ટિએ તો, પેલેસ્ટાઇનીઓની યાતના અને ઇઝરાઇલના અત્યાચારનો કેસ બને છે—સિવાય કે તમે એવું માનતા હો કે માર્યા ગયેલા બધા પેલેસ્ટાઇનીઓ ત્રાસવાદી, ત્રાસવાદીના સાથી કે ત્રાસવાદીઓ દ્વારા ઢાલ તરીકે વપરાયેલા લોકો હતા. એટલે કે, આ લખાય છે ત્યારે ઇઝરાઇલના ગાઝા પરના હવાઈ હુમલામાં માર્યા ગયેલાં 500 બાળકો અને 276 મહિલાઓ જેવાં. અડધી સદીના ઇતિહાસમાં પહેલી વાર સેંકડો ઇઝરાઇલીઓ માર્યા ગયા છે અને તેની સરકાર તથા ઉચ્ચ અફસરોએ સ્પષ્ટ કરી દીધું છે કે તે પણ મૃત્યુઆંકને સરભર કરી દેશે. ગાઝામાં વસ્તીની ગીચતા જોતાં તો એ બહુ ઝડપથી થઈ જવું જોઈએ. ગાઝા પર બોમ્બમારો કરવો એ પીપડામાં તરતી માછલીને ઠાર કરવા જેવું (સહેલું) છે.  

 

ઇઝરાઇલ-પેલેસ્ટાઇન સંઘર્ષમાં કોના પક્ષે કેટલી ખુવારીઃ
આ લેખથી અલગ, ધ ન્યૂયોર્ક ટાઇમ્સમાં પ્રગટ થયેલો,
પણ આ લેખના મુદ્દા સાથે સીધો સંબંધ ધરાવતો આલેખ

બ્રિટનના ધ ટેલીગ્રાફમાં ઇઝરાઇલ દ્વારા થનારા અત્યાચારોને ધ્યાનમાં રાખીને એક આક્રમક લેખ પ્રગટ થયો હતો. તેમાં જણાવાયું હતું, બેશક, પ્રચંડ બળપ્રયોગ પ્રક્રિયાની દૃષ્ટિએ હંમેશાં ચોખ્ખો રહી શકતો નથી. એવા બળપ્રયોગનાં પરિણામ વખતે નેરેટીવની અને પીઆરની--એટલે કે, બળપ્રયોગનાં પરિણામોને કારણે થતા ઉહાપોહની અને તે વખતે છબી જાળવી રાખવાની--મુશ્કેલીઓ આવશે. એટલા માટે જ, ઇઝરાઇલને પશ્ચિમી સરકારોની સમજદારીની અને તેમના ટેકાની ક્યારેય ન હતી એટલી જરૂર અત્યારે છે. જાણે સંકેતની જ રાહ જોતા હોય તેમ, અમેરિકાના પ્રમુખ, બ્રિટનના વડાપ્રધાન અને વિરોધ પક્ષના વડા તથા યુરોપીઅન કમિશનનાં અધ્યક્ષે ઇઝરાઇલના સ્વરક્ષણના અને ગાઝા પર પ્રતિબંધો લાદીને તેને ઘેરો ઘાલવાના અધિકારનું સમૂહગાન કર્યું. ત્યાંના નિર્દોષ નાગરિકોના રક્ષણ વિશે સમ ખાવા પૂરતો પણ ઉલ્લેખ કરવાનું તેમને જરૂરી ન લાગ્યું.

 

(તમને થતું હશે કે) પેલેસ્ટાઇનીઓએ ઇઝરાઇલી નાગરિકોની હત્યાનાં પરિણામ વિચારવાં જોઈતાં હતાં, ઇઝરાઇલની વાસ્તવિકતા સ્વીકારી લેવા જેવી હતી અને હિંસા-સશસ્ત્ર સંઘર્ષ તજીને ઇઝરાઇલ સાથે શાંતિપૂર્ણ ઢબે વાટાઘાટો કરવી જોઈતી હતી. ગાઝાની પૂર્વે વેસ્ટ બેન્કમાં પેલેસ્ટાઇની નેશનલ ઓથોરિટીના મહમુદ અબ્બાસે એવું જ કર્યું. પેલેસ્ટાઇન નેશનલ ઓથોરિટી પેલેસ્ટાઇનના લોકોની પ્રતિનિધિ તરીકે આંતરરાષ્ટ્રિય માન્યતા ધરાવે છે. તેને શાંતિપૂર્ણ વાટાઘાટોના પ્રયાસનો શો બદલો મળ્યો? રોકી ન શકાય એવી રીતે વિસ્તરતી યહૂદી વસાહતો, બે અલગ દેશના ઉકેલનો ઇઝરાઇલના વડા નેતાન્યાહુ દ્વારા અને ઇઝરાઇલની રાજસત્તા દ્વારા તુચ્છકારભર્યો ઇન્કાર, અને તે જેમનું પ્રતિનિધિત્વ કરે છે તેવા લોકોમાં નમાલા તરીકેનો દરજ્જો.  

 

બે અલગ રાષ્ટ્રોનો ઉકેલ ફગાવી દીધા પછી ઇઝરાઇલ વાટાઘાટો દ્વારા ઉકેલ નહીં, સંપૂર્ણપણે શરણાગતિ ઇચ્છે છે. વાટાઘાટો નહીં કરવાની તેની નીતિમાં હમાસ બહુ અગત્યનું પરિબળ છે. ગાઝા પર હમાસની પકડને લીધે ઇઝરાઇલ એવો દાવો કરવાની તક મળે છે કે તે જેમની સાથે વાતચીત કરી શકે એવો (ઠેકાણાસરનો) પેલેસ્ટાઇનની પ્રજાનો કોઈ પ્રતિનિધિ જ નથી. કતાર દ્વારા હમાસને થતી નાણાંકીય સહાયમાં નેતાન્યાહુની ભૂમિકા વિશે ઇઝરાઇલના અગ્રણી અખબાર Haartezમાં અહેવાલ પ્રકાશિત થઈ ચૂક્યો છે. હમાસ સાથે નેતાન્યાહુનો સંબંધ ઇંદિરા ગાંધીના ભીંદરાનવાલે સાથેના સંબંધ જેવો છે. ઇંદિરા ગાંધીએ અકાલીઓને માપમાં રાખવા માટે ભીંદરાનવાલેને ઊભા કર્યા હતા. નેતાન્યાહુ અને ઇંદિરા ગાંધી બંનેએ એવા અસુર પેદા કર્યા, જે તેમના કાબૂમાં પણ ન રહ્યા.  

 

નેતાન્યાહુની વ્યૂહરચના બેપાંખીયા છે. એક, જેરુસલેમમાં અને કબજે કરેલા બીજા વિસ્તારોમાં એવી પરિસ્થિતિ ઊભી કરવી કે જેથી બે અલગ રાષ્ટ્રોનો (પેલેસ્ટાઇન સ્વતંત્ર રાષ્ટ્ર બને એવો) ઉકેલ અપ્રસ્તુત બની જાય. બીજું, પેટ્રોલિયમના ભંડાર ધરાવતાં આરબ રાજ્યોને અલગ પેલેસ્ટાઇનનું વચન આપ્યા વિના, તેમની સાથેના સંબંધ સામાન્ય બનાવવા. આ યોજનાનો પહેલો હિસ્સો (નેતાન્યાહુથી પણ પહેલાં) દાયકાઓથી અમલમાં છે. બીજો હિસ્સો એટલે ડોનાલ્ડ ટ્રમ્પે વચ્ચે રહીને (ઇઝરાઇલ અને કેટલાંક આરબ રાષ્ટ્રો વચ્ચે) કરાવેલી અબ્રાહમ એકોર્ડ નામની સમજૂતી, જેને બાઇડેને પણ યથાતથ અપનાવી લીધા. આ રીતે ઇઝરાઇલના કબજાનો ભોગ બનેલા અને પોતાના હક ગુમાવી બેઠેલા લોકોની કરુણ સ્થિતિ કેવળ અપ્રસ્તુત ગણગણાટી બનીને, ઝૂંપડપટ્ટીઓમાં સમાઈને રહી જાય.

 

આ યોજનાને પશ્ચિમી દેશોનો ટેકો હોવાનું ઘણા સમયથી સ્પષ્ટ છે, પણ હમાસે સમુહ વસાહતો (કિબુત્ઝ) પર કરેલા હુમલા અને ઇઝરાઇલે ગાઝા પર કરેલા બોમ્બમારા પછી પશ્ચિમી દેશોએ નાટકીય અશાંતિ સિદ્ધ કરી છે, જે વિકૃત છે. અમેરિકા અને બ્રિટને ગાઝા સામે ઇઝરાઇલની અસ્તિત્વની લડાઈમાં જહાજો, વિમાનો અને હથિયાર મોકલ્યાં છે. અમેરિકાના ગૃહ મંત્રીએ હમાસને નાઝીઓ સાથે સરખાવ્યું છે. ઇઝરાઇલના સૈન્યે ISISના ઝંડા ઉપજાવી કાઢ્યા છે અને અત્યાચારો આચરવા માટેની સફરો યોજી છે. બાઇડેને હમાસ પર બાળકોના શિરચ્છેદનો આરોપ મુક્યો છે, જે બાબતે તેમના જ પ્રવક્તાએ પીછેહઠ કરવી પડી, કારણ કે હકીકતની ખરાઈ કર્યા વિના તે આરોપ કરવામાં આવ્યા હતા.

 

પેલેસ્ટાઇનના લોકો વિસ્ફોટોમાં મૃત્યુ પામેલાં તેમનાં બાળકોની તસવીરો ટિક ટોક પર મુકવાનું શરૂ કરે, તો બાઇડન તેને શેર કરે એ બનવાજોગ નથી. અમેરિકાના ગૃહમંત્રી પણ ઇઝરાઇલની ગાઝા પર અત્યાચારોની સફરને મંજૂરી નહીં આપે. નાગરિકોની નજીકથી હત્યા કરવી તે દૂર રહીને કે ઊંચાઈ પરથી નાગરિકોને મારી નાખવા જેટલું ખરાબ નથી. પશ્ચિમી નેતાઓ અને અખબારોએ હમાસના હત્યાકાંડને ઇઝરાઇલના 9/11 તરીકે ઓળખાવ્યું છે. એ ન્યાયે ઇઝરાઇલે કચડી નાખેલું ગાઝા પેલેસ્ટાઇનનું ડ્રેસ્ડન ગણાય. (બીજા વિશ્વયુદ્ધમાં જર્મનીના ડ્રેસ્ડન શહેર પર અમેરિકા અને બ્રિટનના વાયુ દળના ઘાતક બોમ્બમારામાં હજારો નાગરિકોનાં મોત નીપજ્યાં હતાં અને શહેર ખંડેર બની ગયું હતું.) ફરક એટલો કે દરેક પશ્ચિમી રાષ્ટ્ર ઇઝરાઇલના લોહીયાળ બોમ્બમારાને સમર્થન આપે છે. જાણે કહેતાં હોય, અમને રોજરોજ ડ્રેસ્ડન બતાવો. 

 

ઇઝરાઇલનું સૈન્ય લોન સાફ કરે છે અને મનુષ્યપ્રાણીઓ સાથે પનારો પાડે છે, ત્યારે રશિયા સામે (યુક્રેનના) ન્યાયી યુદ્ધના તરફદારો ઇઝરાઇલ-પેલેસ્ટાઇનના સંઘર્ષમાં કબજો જમાવનાર ઇઝરાઇલને મદદ કરવા અને હથિયારો આપવા હડી કાઢે છે. બે અલગ રાષ્ટ્રોના ઉકેલનું છેલ્લું અંગવસ્ત્ર પણ રહ્યું નથી. હવે જે છે તે સંપૂર્ણ, ઉઘાડેછોગ નગ્નતા છે. બાઇબલના નવા કરારમાં કહ્યું છે, જે માણસ જાગતો રહે છે અને પોતાનાં વસ્ત્રો સાચવે છે તે પરમસુખી છે. કારણ કે તેને નિર્વસ્ત્ર નહીં ફરવું પડે અને લોકો આગળ તેની એબ ઉઘાડી નહીં પડે. (નવો કરાર, દર્શન 16:15) 

Sunday, October 15, 2023

ઇઝરાઇલ-પેલેસ્ટાઇન વિશે થોડી વાતઃ શાંતિથી વાંચવા-વિચારવા માટે

2002ની ગુજરાતી કોમી હિંસાની વાત નીકળે એટલે તેનાથી ખરડાયેલા અને તેમના સમર્થકો તરત 1984ની શીખવિરોધી હિંસાની વાત કાઢે છે--ન્યાય અપાવવા માટે નહીં, છેદ ઉડાડવા માટે.


1984ની શીખવિરોધી હિંસા પછી અને 2002ની ગુજરાતની મહદ્ અંશે મુસ્લિમવિરોધી હિંસા પછી ન્યાયની કામગીરીમાં ભાજપ-કોંગ્રેસ નહીં, માનવ અધિકારને લગતાં સંગઠનો અને અંગત નિસબત ધરાવતા લોકો જ અગ્રસર રહ્યા હતા. આ વાત સામાન્ય માણસોને યાદ રહેતી નથી અને રાજકીય પક્ષો-તેમના અનુયાયીઓ લોકોને આ વાત યાદ રહે તેમ ઇચ્છતા નથી.

હિંસાનો સામસામો છેદ ઉડાડવાનું કામ નાગરિકોનું નહીં, નેતાઓનું અને તેમની મંડળીઓનું છે. બાકી, હિંસાના છેદ કદી ઉડી શકતા નથી. તેના વર્ગ (સ્ક્વેર) જ થાય છે. ઇઝરાઇલ અને પેલેસ્ટાઇનના મામલે પણ એવું જ છે.

સદીઓથી યુરોપમાં પ્રતાડનનો ભોગ બનેલા યહુદીઓને વીસમી સદીમાં પેલેસ્ટાઇના માથે મારીને બ્રિટન તો ચાલી નીકળ્યું, પણ ત્યાર પછી થયેલો હિંસાનો સિલસિલો, વચ્ચે વચ્ચે શાંતિપ્રયાસોના અપવાદ સાથે, કરુણ અને કરપીણ રીતે ચાલતો રહ્યો છે. પેલેસ્ટાઇનીઓને ઇઝરાઇલ કઠે છે. કારણ કે એ તેમના માથે મરાયેલું છે. તેમાં વળી વધારાની અણી ધર્મને કારણે ઉમેરાય છે. આખો મામલો યહૂદી વિરુદ્ધ મુસલમાનનો બનાવવામાં આવ્યો છે. અમેરિકા ઇઝરાઇલના પક્ષે છે. આરબ રાષ્ટ્રો પેલેસ્ટાઇનના લોકોના અધિકારોને સમર્થનનો દાવો તો કરે છે, પણ રાષ્ટ્રો વચ્ચેના સંબંધમાં છેવટે ઉમદા લાગણીઓ નહીં, સ્વાર્થ જ બળવાન હોય છે. એટલે આરબ રાષ્ટ્રો મન થાય ત્યારે મુસલમાન અને મન થાય ત્યારે અમેરિકાના ભેરુ બની જાય છે. તેમાં અધિકારથી વંચિત એવા પેલેસ્ટાઇનના લોકોની દશા ફુટબોલ જેવી થાય છે.

પેલેસ્ટાઇનમાં પણ હમાસ સહિતનાં વિવિધ જૂથો છે, જે પેલેસ્ટાઇનના નામે કામ કરે છે, અંદરોઅંદર ટકરાય છે અને ઇઝરાઇલમાં આતંક ફેલાવે છે. ભારતમાં ઘણા લોકોને ઇઝરાઇલનું ઘેલું છે. ઇઝરાઇલ તેમને માટે આદર્શ દેશ છે અને ભારતે ઇઝરાઇલ જેવા હોવું કે થવું જોઈએ, એવું તે માને છે. ઇઝરાઇલ માટે લડવું એ લડવાનો નહીં, ટકી રહેવાનો પર્યાય છે, એટલી સાદી વાત તે સમજવા માગતા નથી. ચોતરફ શત્રુરાષ્ટ્રોથી ઘેરાયેલા અને વસ્તુતઃ પેલેસ્ટાઇનના માથે મરાયેલા ઇઝરાઇલના માથે અસ્તિત્વ ભૂંસાઈ જવાનો ભય વર્ષો સુધી રહ્યો. ત્યારથી તેની માનસિકતામાં ભૂંસવા કે ભૂંસાઈ જવાના વિકલ્પો જ બચ્યા છે. એટલે શાંતિના નિષ્ફળ પ્રયાસ પછી, પેલેસ્ટાઇનની જમીન પર ઇઝરાઇલનો પથારો વિસ્તરતો જ જાય છે અને પેલેસ્ટાઇનના નિવાસીઓને ભય પમાડતો-ત્રાસ આપતો રહે છે.

હવે કેટલાક આરબ દેશો ગઈગુજરી ભૂલીને નવેસરથી અમેરિકા સાથે (અને આડકતરી રીતે ઇઝરાઇલ સાથે) હાથ મિલાવવા અને વર્તમાન સ્થિતિને નોર્મલ--સામાન્ય સ્થિતિ તરીકે સ્વીકારી લેવા તૈયાર થયા, તે (નોર્મલાઇઝેશન) વર્તમાન હિંસાના મૂળમાં રહેલો મુદ્દો ગણાવવામાં આવે છે. આગળ કહ્યું તેમ, આરબ રાષ્ટ્રો પેલેસ્ટાઇનના હકની વાતો તો કરે છે, પણ છેવટે સ્વાર્થ બળવાન છે.

આટલી પૂર્વભૂમિકા પછી અને પેલેસ્ટાઇનના લોકો સમક્ષ શાંતિપૂર્ણ વિરોધની કોઈ જગ્યા ઇઝરાઇલે છોડી નથી એ જાણ્યા પછી પણ, હમાસે ઇઝરાઇલનાં સામાન્ય નાગરિકો સાથે જે ક્રૂરતાથી કામ પાડ્યું, તે નકરો ત્રાસવાદ છે. તેની પાછળની વૃત્તિ ઇઝરાઇલના અન્યાયનો વિરોધ કરવાની હોય તો પણ, અન્યાયનો મુકાબલો અન્યાયથી, રાજ્યના ત્રાસવાદનો મુકાબલો સંસ્થાના ત્રાસવાદથી કરવાથી, છેદ ઉડતા નથી, પણ વર્ગ થાય છે.

આ સંજોગોમાં કઈ ઢબે સવાલ પૂછવામાં આવે છે-તેનું ફ્રેમિંગ કઈ રીતે કરવામાં આવે છે, એ મહત્ત્વનું છે. મારે ઇઝરાઇલના સરકારી ત્રાસવાદ અને હમાસના બિનસરકારી ત્રાસવાદમાંથી કોઈ એકની પસંદગી શા માટે કરવી પડે? મને બંને ત્રાસવાદ લાગે છે અને બંને એકસરખા ગંભીર લાગે છે. સામસામા છેદ ઉડાડવાની વ્યવસ્થા મારી પાસે નથી.

જે પ્રજાનું પ્રતિનિધિત્વ આતંકવાદી સંગઠનના હાથમાં આવે અથવા જે પ્રજાનું પ્રતિનિધિત્વ કરતું સંગઠન આતંકવાદનો રસ્તો અપનાવે, ત્યારે એ પ્રજાને પણ ભારે વેઠવાનું આવે છે. કારણ કે, સ્ટેટ (રાજ્ય-સરકાર) આતંક પર ઉતરે તો તે હંમેશાં સવાયું આતંકવાદી જ પુરવાર થાય, એટલાં સંસાધનો તેની પાસે હોય છે. અને હકીકત એ પણ છે કે ઇઝરાઇલને શાંતિની ભાષા સમજાતી નથી.

આવા સંજોગોમાં આંતરરાષ્ટ્રીય દબાણનો એકમાત્ર વિકલ્પ બાકી રહે છે. સંયુક્ત રાષ્ટ્રસંઘ તો બળુકાઓની દાસી છે. અમેરિકાએ ઇઝરાઇલનો હાથ ઝાલ્યો હોય તો સંયુક્ત રાષ્ટ્રસંઘ ચૂં કે ચાં ન કરે. તો આંતરરાષ્ટ્રીય દબાણના બીજા કયા વિકલ્પ હોઈ શકે? ખબર નથી. કેમ કે, આંતરરાષ્ટ્રીય સંબંધો અને રાજકારણ એ મારા અભ્યાસનો વિષય નથી. અહીં જે લખ્યું એના માટે તે વિષયના નિષ્ણાત હોવાની જરૂર નથી. દ્વેષબુદ્ધિ વગરની સામાન્ય સમજથી તે જોઈ શકાય તેમ છે.

બાકી, મુસ્લિમવિરોધને ટીંગાડવાની ખીંટીઓ શોધતી પ્રજા ઇઝરાઇલનો જયજયકાર કરે ને તેના સરકારી ત્રાસવાદ પ્રત્યે આંખ આડા કાન કરે તેમાં કશી નવાઈ નથી. અને હમાસના લોકોને કેવળ મુસલમાન ગણીને, તેમનાં અમાનવીય ત્રાસવાદી કૃત્યોને મજબૂરી ગણાવનારી પ્રજાની પણ કશી નવાઈ નથી. આ બંને પક્ષો ખરેખર એકબીજાના આડકતરા સમર્થકો છે ને એકબીજાની સ્થિતિ મજબૂત બનાવે છે.

અલગ હોય તો તે એવા લોકો, જેમને બંને પક્ષનો ત્રાસવાદ દેખાય છે, એકસરખો કઠે છે અને બીજા પ્રકારના ત્રાસવાદનું જરાય ઉપરાણું લીધા વિના-તેને વાજબી ઠરાવ્યા વિના, સરકારી ત્રાસવાદ વધારે ગંભીર-વધારે મૂળરૂપ લાગે છે.

Thursday, September 21, 2023

મચ્છરનો ડંખ

કવિઓએ ભ્રમરના ડંખ વિશે ઘણું લખ્યું છે, પરંતુ તેમના સાહિત્યમાં બીજી ઘણી વાસ્તવિકતાઓની જેમ મચ્છરડંખના ઉલ્લેખની ગેરહાજરી નોંધપાત્ર છે. પહેલાં તો એવો વિચાર આવે કે સંસ્કૃત કવિઓના જમાનામાં મચ્છર નહીં હોય? ડાયનોસોર ક્યારે હતાં અને ક્યારે ન હતાં, તેના વિશે આધારભૂત માહિતી મળે છે, પણ મચ્છરો વિશે એવી કોઈ વિગત કમ સે કમ સામાન્ય જનતાની જાણકારીમાં તો નથી.

પરશુમરામની કથામાં એવો ઉલ્લેખ આવે છે કે પરશુરામ તેમના પ્રિય શિષ્ય કર્ણના ખોળામાં માથું મૂકીને સુતા હતા ત્યારે કર્ણને ભમરાએ ડંખ માર્યો, લોહી નીકળ્યું અને કર્ણ ચૂપચાપ પીડા સહન કરતો રહ્યો. તેનાથી પરશુરામને કર્ણના કુળ વિશે શંકા ગઈ. ધારો કે કર્ણને ભમરાને બદલે મચ્છર કરડ્યું કે કરડ્યાં હોત તો?

મચ્છરડંખપીડિતોને આ મૂંઝવણ સમજાઈ શકશેઃ વારંવાર મચ્છર કરડતું હોય તો, કરડનાર ઇસમ, એટલે કે મચ્છર, એક જ છે કે અનેક, એવી કેમ ખબર પડે? એકનું એક મચ્છર વારે ઘડીએ કરડતું હોય એવું પણ ન બને? કેટલાંક પશુપક્ષીઓને રેડિયો ફ્રિકવન્સીવાળાં ટેગ લગાડવામાં આવે છે, એવું હજુ સુધી મચ્છરોના કિસ્સામાં બન્યું નથી. માણસોની આંખ પણ મચ્છરને ચહેરો જોઈને ઓળખવા માટે ટેવાયેલી નથી હોતી. ઘણા માણસો બીજા માણસોનો ચહેરો પણ માંડ યાદ રાખી શકતા હોય ત્યાં તે મચ્છરને ઓળખે એવી અપેક્ષા શી રીતે રાખી શકાય?

શક્ય છે કે કેટલાક મચ્છરપીડિતોએ રાત્રે સુતી વખતે મચ્છર દ્વારા થતા આક્રમણ વિશે લખ્યું હોય. કારણ કે તે વખતે મચ્છરોનો હુમલો ફક્ત શરીર પર જ નહી, ઉંઘ પર પણ થતો હોવાથી તેની ગંભીરતા બેવડાઈ જાય છે. તેના કારણે, દિવસે મચ્છરો દ્વારા થતી છાપામારીને અવગણવા જેવી કે હળવાશથી લેવા જેવી નથી. સામાન્ય રીતે આસ્તિકો એવું વિચારતા હોય છે કે ઇશ્વરની મરજી આગળ માણસનું કંઈ ચાલતું નથી. પણ જીવ અને શિવ વચ્ચે ફરક ન કરતા લોકો જાણે છે કે ફક્ત ઇશ્વરની નહીં, ઘણી વાર તો મચ્છરની મરજી આગળ પણ માણસનું કશું ઉપજતું નથી. માણસ ખુરશીમાં પગ  લાંબા કરીને બેઠો હોય અને અચાનક પગે ચટકો ભરાયાનો અહેસાસ થાય છે.

ગામમાં તોફાન થાય તો અમુક લોકો પર સૌથી પહેલી શંકા જાય, એવી જ રીતે દિવસે પગમાં કંઈક સળવળાટ કે કરડાટ અનુભવાય તો પ્રાથમિક શકમંદ કીડી કે ચોમાસામાં મંકોડા હોય. નેતાઓ નિવેદનો ફટકારીને સમસ્યાઓ ઉકલી જશે એવો દેખાવ કરે છે તેમ, માણસ ચટકો લાગ્યો હોય ત્યાં હાથથી એકાદ હળવી થપાય મારીને સમસ્યા ઉકલી જશે એવી આશા રાખે છે. ફરક એટલો કે નેતા જેના વિશે નિવેદન ઠપકારે છે એ સમસ્યા તેમની નહીં, દેશની હોય છે. એટલે એ ન ઉકલે તો તેમને કશો ફરક પડતો નથી અને ઘણા કિસ્સામાં ફાયદો પણ થાય છે. જ્યારે ચટકાગ્રસ્તને તેના હાથ કે પગ પર થયેલા હુમલાનો નીવેડો લાવવાનો હોય છે.

પહેલા ચટકા પછી માણસ તેના સગડ શોધવાનો પ્રયાસ કરે અને તેની પર કોઈનું ધ્યાન પડતાં, તે સહજ પૂછે કે શું થયું?’ ત્યારે ઘડીક ડંખનો ડંખ ભૂલીને માણસ વડાપ્રધાનની ન કોઈ ઘુસા થા, ન કોઈ ઘુસા હૈ મુદ્રામાં કંઈ નહીં, કંઈ નહીં કરવા લાગે છે. તેનાથી મચ્છરને (અને ચીનને પણ) ફાવતું જડે છે. પરંતુ મચ્છર ફરી કરડે ત્યારે માણસની ધીરજ ખૂટે છે. તે રાજનેતા નથી. તેને દેશને તમાચો વાગવા દઈને પોતાનો ગાલ લાલ રાખવાનો નથી હોતો. એટલે તે મચ્છરના હુમલાના પ્રતિકાર માટે વિકલ્પો વિચારે છે.

પોલીસમાં ફરિયાદ થઈ શકે?’ તે વિચારે છે. પછી તેને યાદ આવે છે કે પોલીસમાં માણસો સામેની ફરિયાદ માંડ નોંધાતી હોય ત્યાં સેમી-અદૃશ્ય એવા મચ્છર સામેની ફરિયાદ ક્યાંથી નોંધાવાની? અને ધારો કે કોઈની ઓળખાણથી નોંધાઈ પણ ગઈ, તો અજ્ઞાત મચ્છર સામે એફઆઈઆર નોંધાવીને શા કાંદા કાઢી લેવાના? બીજો એ પણ ખ્યાલ આવે છે કે મચ્છરે કોઈ રીતે મારી ધાર્મિક લાગણી દુભાવી છે એવી ફરિયાદ ઊભી થાય તો પોલીસને રસ પડે. પણ મચ્છરે હાથે કે પગે મારેલા ડંખમાં ધાર્મિક લાગણીનું આરોપણ શી રીતે કરવું? તેના માટે લાગણીદુભાવ સ્પેશ્યલિસ્ટોની મદદ લેવા જતાં ઓડનું ચોડ થાય, એમ માનીને એ વિકલ્પ પડતો મુકાય છે.

પોલીસમાં છેક ઉપરની ઓળખાણ હોય તો મચ્છરના એન્કાઉન્ટરનો વિકલ્પ રહે છે, પણ આજકાલ ગુજરાતમાં એન્કાઉન્ટરનું ચલણ રહ્યું નથી. અને આટલા નાના કામમાં પોલીસનો સહકાર મેળવવા માટે છેક સહકાર મંત્રી અમિત શાહ પાસે ફોન કરાવવો પડે, તેમાં મચ્છરને વધુ પડતું મહત્ત્વ આપી દીધા જેવું થાય, એમ વિચારીને તે વિકલ્પ પર ચોકડી મુકાય છે.

સોશિયલ મિડીયાના ખેલંદાઓને વિચાર આવે છે કે આ મચ્છરનું ફેસબુક-ટ્વિટર પર એકાઉન્ટ હોત તો તેને ખબર પાડી દેત. સાયબર સેલમાંથી તેનું એવું ટ્રોલિંગ કરાવત કે તે ફરી વાર મને કરડવાની ખો ભૂલી જાત. પરંતુ મચ્છરોને લોહી પીવા માટે ફેસબુક પર હોવાની જરૂર પડતી નથી. એ બાબતમાં તે આત્મનિર્ભર હોય છે. છેવટે, માણસ એકાદ મચ્છર અગરબત્તી કે મચ્છર ભગાડતા પ્રવાહીનો પ્રયોગ કરીને, પોતે તો બનતું કર્યું, એવો સંતોષ માને છે અને દુનિયા મચ્છરમુક્ત થાય એવા અચ્છે દિનની રાહ જુએ છે.

Wednesday, August 16, 2023

વર-કન્યા, (સરકારથી) સાવધાન

ગુજરાત સરકાર પ્રેમલગ્નમાં માતા-પિતાની મંજૂરી ફરજિયાત બનાવવાનું વિચારી રહી છે. ના, આ વાતમાં સરકાર વિચારી રહી છે-તે વિચારી શકે છે, તે સમાચાર નથી. અને સરકાર તે જોગવાઈ લાવવાનું વિચારી રહી છે, તે સમાચાર ઓછામાં ઓછા 18 વર્ષ જૂના છે.
વર્તમાન વડાપ્રધાન ગુજરાતના મુખ્ય મંત્રી હતા ત્યારે મણિપુર એકંદરે શાંત હતું ને મહિલા પહેલવાનોની કશી માથાકૂટ ન હતી. તે વખતે મુખ્ય મંત્રીને દીકરીઓની ઘણી ચિંતા રહેતી. એક દીકરીની તો તેમને એટલી બધી ચિંતા હતી કે તેની પાછળ ગૃહ ખાતું સંભાળતા મંત્રીની દેખરેખ હેઠળ રાજ્યની એન્ટિ-ટેરરિસ્ટ સ્ક્વોડ કામે લગાડી દેવામાં તેમને ખચકાટ થયો ન હતો. તે મામલો છેવટે અદાલતે પહોંચ્યો ત્યારે દીકરીના પિતાએ કહ્યું હતું કે મુખ્ય મંત્રી તેમના જૂના પરિચિત છે અને તેમના (પિતાના) કહેવાથી જ મુખ્ય મંત્રીએ તેમની દીકરીનું ‘ધ્યાન’ રાખ્યું હતું.
વ્યક્તિગત કિસ્સો જવા દઈએ તો પણ, જૂના-નવા સમાચાર એ છે કે લગ્નમાં માતા-પિતાની સંમતિ ફરજિયાત બનાવવાની જાહેરાત 18 વર્ષ પહેલાં જેટલા મોટા ઉપાડે કરવામાં આવી હતી, એટલા જ પાછા પગલે જઈને સરકારે તેને રદ કરવી પડી હતી. હવે, ગુજરાતની દીકરીઓની સલામતીની સરકારે નવેસરથી ચિંતા જાગી છે. એ અલગ વાત છે કે આ જ સરકાર બળાત્કારના ગુનામાં દોષી ઠરી ચૂકેલા લોકોની સજાનો બાકી રહેલો થોડો હિસ્સો માફ કરી શકે છે. તેમાં પણ દીકરીઓ પ્રત્યે ચિંતા દર્શાવવાની સરકારની એવી કોઈ રીત છુપાયેલી હશે, જે આપણા જેવા સામાન્ય માણસોને ન સમજાય.
ચિંતા કરવાની-લાગણી બતાવવાની બાબતમાં (અને આમ તો બીજી ઘણી બાબતોમાં) સરકારોનું કામકાજ ધૃતરાષ્ટ્ર જેવું હોય છેઃ તે પ્રેમ દેખાડવા માટે જેને ભેટે તેનું પણ ઘણી વાર આવી બને. હવે સરકાર લગ્નલાયક છોકરાછોકરીઓનાં માતાપિતા પ્રત્યે પ્રેમ દેખાડવાના મૂડમાં છે. તેની પાછળ અપાતું સામાન્ય કારણ છોકરીઓના હિતનું છે. ગ્રાઉચો માર્ક્‌સ નામના એક અવળચંડા હાસ્યકારે કહ્યું હતું કે જે ક્લબ મારા જેવા માણસને સભ્યપદ આપે, એવી ફાલતુ ક્લબોમાં હું સભ્ય બનતો નથી. ગુજરાત સરકાર પણ ગ્રાઉચોના અંદાજમાં વિચારી શકે કે જે યુવાનો-યુવતીઓ વારંવાર અમને જ મત આપ્યા કરે, તેમની નિર્ણયશક્તિ પર કેટલો ભરોસો મૂકી શકાય? અને જે માતાપિતાઓ વારંવાર અમને સત્તા સોંપતાં હોય તેમની લાગણીનો વિચાર કરવો પડે કે નહીં? (જમણેરીઓનો વિરોધ કરનારાને ડાબેરી તરીકે ખપાવવા ઉત્સુક જનોના લાભાર્થે ખાસ નોંધઃ ગ્રાઉચો માર્ક્‌સ ડાબેરી વિચારસરણીના પ્રણેતા કાર્લ માર્ક્‌સના કશા સગપણમાં ન હતો.)
સરકારનો નવો-જૂનો વિચાર, અગાઉ થયો હતો તેમ, ફરી એક વાર કચરાપેટીભેગો થાય અને આ બાબતે સમય 18 વર્ષ આગળ ચાલ્યો છે—પાછળ નહીં, તેનો ઝાંખોપાંખો પુરાવો મળી રહે, એવી ગુજરાતવાસીઓને શુભેચ્છા. સાથોસાથ, ભૂલેચૂકે સરકારનું ગતકડું કાયદો બની જાય તો કેવી સ્થિતિ સર્જાઈ શકે, તેની મસ્તીભરી કલ્પના.
*
એક વ્યાવસાયિક પાસે લખાવેલી અરજી
વિષયઃ પ્રેમલગ્નમાં માતાપિતાની સંમતિ મેળવી આપવા/સંમતિમાંથી મુક્તિ મેળવી આપવા માટે ઘટતું કરવા માટે જરૂરી સૂચના આપવા માટેનો સત્તાવાર નિર્દેશ કરવા માટેની વિનંતી
મહેરબાન સાહેબ,
આથી અમો, નીચે સહી કરનાર ફલાણાભાઈ ને ઢીંકણાબહેન, આપણા દેશના બંધારણના, ઇષ્ટ દેવતાના અને બેકરી આઇટેમોના પ્રેમી હોવાને કારણે યીસ્ટ દેવતાના પણ સોગંદ ખાઈને જણાવીએ છીએ કે અમો લગ્નલાયક ઉંમર વટાવી ગયેલ છીએ. અમો એકબીજા સાથે રાજીખુશીથી, કોઈની ધાકધમકી વિના, બિનકેફી અવસ્થામાં, પૂરા સાનભાન સાથે પ્રેમમાં પડેલ છીએ. અને અમને કોઈ પ્રકારની ઇજા થયેલ નથી. તેનું સિવિલ સર્જનનું પ્રમાણપત્ર આ સાથે સામેલ છે.
અમારા પ્રેમસંબંધના પુરાવા તરીકે અમારી વચ્ચેના પત્રવ્યવહારની નોટરી કરાવેલી પ્રમાણિત નકલો, સિનેમાની ટિકિટો, રેસ્ટોરાંનાં બિલ, એકબીજાને ઘરે મુકવા જવા પેટે થયેલો પેટ્રોલખર્ચ વગેરે આ અરજી સાથેના બીડાણમાં સામેલ છે. આ નકલોની અસલ પણ અમો જરૂર પડ્યે કચેરીમાં રજૂ કરવા બંધાયેલા છીએ તે હકીકતથી અમો વાકેફ છીએ અને તેને કબૂલમંજૂર રાખીએ છીએ.
અમો કોર્ટમાં લગ્ન રજિસ્ટર કરાવવા ગયાં ત્યારે ખબર પડી કે સરકાર માઈબાપ તરફથી લગ્નનું પ્રમાણપત્ર મેળવવા માટે પહેલાં અમારાં માતા-પિતાની સંમતિ મેળવવી જરૂરી છે. અમારી વિનંતી છે કે અમે જાહેરમાં બેસીને શાંતિથી વાતો કરતાં હતાં ત્યારે જે ગુંડાભાઈઓ સંસ્કૃતિના નામે અમને નસાડવા આવતા હતા ને અમારી તરફ લાકડીઓ વીંઝતા હતા, તે જ ગુંડાભાઈઓને તમે અમારાં માતા-પિતાની સંમતિ મેળવવા માટે મોકલી આપી શકો? તેમને અમારા ઘરે મોકલવામાં જે કંઈ ટીએ-ડીએ અને સંબંધિત ખર્ચ થાય, તે અમે તેમને રોકડેથી આપવાનું કબૂલીએ છીએ.
આપસાહેબને માલુમ થાય કે અમારાં માતાપિતા સાથે અમારી કોઈ અદાવત નથી, પણ અમારાં માતાપિતાને અમારો સંબંધ મંજૂર નથી. કારણ કે અમારામાંથી છોકરાના પપ્પા સાયબર સેલની એક શાખામાં કામ કરે છે અને છોકરીના પપ્પા વિરોધ પક્ષ સાથે જોડાયેલ છે. તેમની વચ્ચે વાતચીત કરાવવા અને સંબંધ માટે મનાવવા સંયુક્ત રાષ્ટ્રસંઘમાંથી શાંતિરક્ષક દળ મંગાવવું પડે, જેનો ખર્ચ ભોગવવાની અમારી ક્ષમતા નથી. તે સંજોગોમાં આપસાહેબને વિનંતી કે અમને માતાપિતાની સંમતિ મેળવવામાંથી મુક્તિ આપવામાં આવે અથવા સરકારશ્રી પોતે અમારાં માતા-પિતા પાસેથી અમને એવી સંમતિ મેળવી આપે. આ માટે ઘટતું કરવા માટેની વિનંતી સાથે,

આપના વિશ્વાસુ અરજદાર-- 

Saturday, August 05, 2023

અચ્યુતભાઈ યાજ્ઞિકનો ઇન્ટર્વ્યૂ (30 એપ્રિલ, 2006) : સગવડિયા ઇતિહાસ અને સગવડિયા ધર્મથી પેદા થયેલા મતિભ્રમે ગુજરાતીઓને વધારે હિંસક અને ક્રૂર બનાવ્યાં છે

વર્ષ 2006-07માં 'દિવ્ય ભાસ્કર' સાથે સંકળાયો ત્યારે ગુજરાતી પત્રકારો કરતાં સાવ જુદાં વલણો ધરાવતા, પ્રયોગશીલ અને મૌલિક એવા આકાર પટેલ તેના ગ્રુપ એડિટર હતા. તેમણે રવિવારની પૂર્તિને નવું રૂપ આપ્યું અને તેમાં એક આખા પાનાના ઇન્ટર્વ્યૂનો સમાવેશ કર્યો. તે સ્વરૂપમાં મારે પાંચ-છ ઇન્ટર્વ્યૂ કરવાના થયા. તેમાંથી એક અચ્યુતભાઈનો હતો. થોડા વખત પહેલાં તેમનું ગુજરાત વિશેનું પુસ્તક આવ્યું હતું. એટલે તે વાંચીને તેમનો ઇન્ટર્વ્યૂ કરવો એવું ઠર્યું. તે ઇન્ટર્વ્યૂ નિમિત્તે અચ્યુતભાઈ સાથે શરૂ થયેલો સંબંધ પછી તો સતત જળવાઈ રહ્યો.

અચ્યુતભાઈની વિદાય પછી વડીલ મિત્ર વિપુલ કલ્યાણીએ તેમના ઇન્ટર્વ્યૂની વર્ડ ફાઇલ માગી. જાતે ટાઇપ કરવાનું અનુકૂળ ન હતું. એટલે મિત્ર સુજાતને કહ્યું. તેણે તત્કાળ કરીને તે મોકલી આપી. એટલે 17 વર્ષ પહેલાંનો આ ઇન્ટર્વ્યૂ અહીં મૂક્યો છે. 

*

 બેસ્ટસેલર પુસ્તક શેપિંગ ઓફ મોડર્ન ગુજરાતના સહલેખક તરીકેની સૌથી તાજી ઓળખ ધરાવતા અચ્યુત યાજ્ઞિક છેલ્લા ત્રણેક દાયકાથી ગુજરાતના જાહેરજીવન સાથે સંકળાયેલા રહ્યા છે. તેમના કૌટુંબિક સંસ્કાર કર્મકાંડી બ્રાહ્મણના. તેની પર રામમનોહર લોહિયાના સમાજવાદનો રંગ ચડ્યો. એટલે ગુજરાત સમાચારમાં દસ વર્ષની નોકરી દરમિયાન યુનિયન પ્રવૃત્તિ અને કામદાર સંઘની પ્રવૃત્તિઓ સાથે નજીકથી સંકળાયેલા રહ્યા. ગુજરાતી પત્રકારત્વમાં એક દાયકો વિતાવ્યા પછી અચ્યુતભાઈ મુક્ત થયા. સેન્ટર ફોર સોશિયલ સ્ટડીઝ (સુરત)ના સંશોધનપત્ર અર્થાત્ના સ્થાપક-સંપાદક બન્યા. પાંચેક વર્ષ સુધી ઇકોનોમિકલ એન્ડ પોલિટિકલ વીકલી જેવા પ્રતિષ્ઠિત સામયિક માટે ગુજરાતમાં રહીને કામ કર્યું. લોકાયન પ્રોજેક્ટથી તે સમાજકાર્ય સાથે સંકળાયા અને સેતુ – સેન્ટર ફોર સોશિયલ નોલેજ એન્ડ એક્શનની સ્થાપના કરીને સમાજકાર્યમાં ઝંપલાવ્યું. તેમના શબ્દોમાં કહીએ તો, સાહસ કરી શકું એવી સ્થિતિમાં હતો, એટલે સાહસ કર્યું. બૌદ્ધિક પ્રતિભા અને સંશોધક તરીકેનું ઊંડાણ તેમના પુસ્તકમાં જ નહિ, તેમની સાથેની વાતચીતમાં પણ સતત (તેમના મુક્ત હાસ્યની જેમ) પ્રગટતું રહે છે. તેમની સાથેની વિશેષ મુલાકાતના અંશો અત્રે પ્રસ્તુત છે:

સાહિત્યનો સમાજ સાથેનો નાતો તૂટી ગયો છે, એવી ફરિયાદ ભૂકંપ અને ૨૦૦૨નાં રમખાણો પછી તીવ્ર બની છે. આવું થવાનું શું કારણ?

સાહિત્ય હોય કે સામાજિક પ્રવૃત્તિ, તેમાં પડેલા માણસે ડી-લર્નિંગની પ્રક્રિયામાંથી પસાર થવું પડે. કૌટુંબિક વારસાને લીધે જે ભાષા અને સમજ પ્રાપ્ત થઈ હોય તેનો પ્રભાવ ધીમે ધીમે ઓછો થવો જોઈએ કારણ કે બહુજન સમાજ સાથે સંકળાવાનું છે. એ પ્રક્રિયા ન થાય, તો બહુજન સમાજ સાથે સીધું સંધાન થઈ શકતું નથી. સાહિત્યમાં લેખકોએ પોતાના પરિવેશની બહાર જવાનો પ્રયાસ ન કર્યો. ગાંધીયુગમાં શહેરના ભણેલાગણેલા લોકોને પોતાના પરિવેશની બહાર ખેડા કે બારડોલીના ખેડૂતો સાથે વાત કરવાનો સંબંધ ઊભો થયો, પણ આઝાદી પછી એ પ્રક્રિયા અટકી ગઈ. આઝાદી પછીના સાહિત્યને હું માસ્તરિયું સાહિત્ય કહું છું. તે ચારસો-પાંચસો અધ્યાપકો-પ્રાધ્યાપકોનું સાહિત્ય થઈ ગયું છે. એ લોકો જ વાંચે અને એ જ સમજે. લોકમાનસ સાથેના તંતુવિચ્છેદની વાત પણ રસિકલાલ પરીખે સાહિત્ય પરિષદના અધ્યક્ષપદેથી ૧૯૬૪-૬૫માં કરી હતી. બીજું કારણ એ કે સાહિત્યનો ઇતિહાસ સાથેનો સંબંધ તૂટી ગયો. તેના સંયુક્ત પરિણામ તરીકે ઘોર વ્યક્તિવાદ ઊભો થયો, જેને રે મઠની પ્રવૃત્તિ કહેવામાં આવે છે, તેમાં પણ ઘોર વ્યક્તિવાદ હતો. વર્તમાન અને ભૂતકાળ સાથેનો સંબંધ તૂટી જતાં સાહિત્યકારો સ્વકેન્દ્રી બની જાય છે અને રોગિષ્ટ મનોદશા ઊભી થાય છે. અત્યારનું આપણું સાહિત્ય રૂગ્ણ મનોદશાનું પરિણામ છે.

કનૈયાલાલ મુનશીએ જે લખ્યું તેને ઇતિહાસ કહેશો?

મુનશીએ ગુજરાતની અસ્મિતાના તેમના ખ્યાલને પોષે એવું ઇતિહાસમાં જે હતું એ લીધું. ચૌલુક્ય સમયને તેમણે ઊંચી પાયરી પર મૂકી આપ્યો. નવલકથા હોય તેમાં છૂટછાટ તો લઈ શકાય, પણ મુનશી-ધૂમકેતુની ઐતિહાસિક નવલકથાઓના પરિણામે ગુજરાતનું એક દર્શન એવું ઊભું થયું, જે હિંદુ ભૂતકાળની વાત કરતું હતું. મુસ્લિમ શાસન શરૂ થયું તેના પહેલાંના સમયની ચર્ચા કરતું હતું. દાખલા તરીકે, આજે અમદાવાદને કોઈ સંબંધ હોય તો એ જૂના અમદાવાદની સ્થાપના સાથે છે. તેને ઐતિહાસિક રીતે સોલંકીસમય સાથે કોઈ સંબંધ નથી. પણ (નવલકથાઓ પછી) પ્રવૃત્તિ એવી થઈ કે અમદાવાદને સોલંકીસમય કે ચૌલુક્ય સમય સાથે જોડી દેવામાં આવે છે. બીજી રીતે એવું પણ કહેવાય કે આ પ્રકારની નવલકથાઓને કારણે ગુજરાતમાં પ્રતિવાદ ન હતો એ પ્રગટ્યો.

નર્મદે જય જય ગરવી ગુજરાત ગાયું હતું...

નર્મદે કરેલી ગુજરાતી અસ્મિતાની વાત ભાષાકીય અને શું શાં પૈસા ચારના સંદર્ભમાં હતી. નર્મદથી પહેલાં પ્રેમાનંદે ગરવો દેશ ગુજરાત લખ્યું છે, પણ કયું ગુજરાત એ પ્રેમાનંદે કહ્યું નથી. મુનશી-ધૂમકેતુની નવલકથાઓમાં જે ગુજરાત આવે છે, એ મુસ્લિમોના આગમન પૂર્વેનું છે એટલે કે ગુજરાતની બહુવિધતાનો એમાં સ્વીકાર નથી. કરણઘેલોમાં નંદશંકર મહેતાએ પણ એવું કર્યું છે. એ વખતે સવાલ થાય છે કે તમે કયા ગુજરાતની વાત કરો છો? એ ગુજરાતની જેમાં સુરત, અમદાવાદ, જામનગર અને ભુજ પણ નહોતું? એ પ્રકારના સાહિત્યમાં, ગુજરાતની સંસ્કૃતિમાં રહેલા સમન્વયની વાત આગળ ન વધી. સાહિત્યમાં ઇતિહાસ આવ્યો, પણ વિશિષ્ટ રીતે આવ્યો. તેમાં ઇતિહાસબોધ ન આવ્યો.

પુસ્તકમાં વર્તમાન પરિસ્થિતિ માટે તમે બૌદ્ધિક ગરીબીને જવાબદાર ગણાવી છે. એના માટે જવાબદાર કોણ?

એક તો આપણી વણિકવૃત્તિ. અત્યારે અમદાવાદની એલ.ડી. ઇન્સ્ટિટ્યૂટમાં પોણો લાખ હસ્તપ્રત છે. કોબામાં એક લાખ હસ્તપ્રત છે. ગુજરાતમાં હસ્તપ્રતોનો મોટો ભંડાર છે. જૈન મુનિઓ જિનવિજયજી અને પુણ્યવિજયજીએ પ્રયત્નો કરીને આ ભંડાર એકઠો કર્યો. તેનાથી એ ખજાનો સચવાયો અને અત્યારે સુરક્ષિત છે. એની વારસા તરીકે વાત કરવાની – ગૌરવ લેવાનું પણ તેને આગળ લઈ જવાનું શું? હસ્તપ્રતો વાંચનારા કેટલા?’ એવું પૂછીએ, તો એનો જવાબ મળતો નથી કારણ કે તેના માટે જૂની ગુજરાતી, પ્રાકૃત અને અપભ્રંશનો અભ્યાસ કરવો પડે અને તેમાં મુદ્દાનો સવાલ આવીને ઊભો રહે: એમાંથી મળે શું?’

અત્યારના સમાજમાં સંપ્રદાયોનું વર્ચસ્વ ઘણું છે. સમાજ પર અસર વિશે બહુ સાંભળવા મળતું નથી.

હિંદુત્વની વાત થાય છે, ત્યારે સંઘ પરિવાર અને તેના જુદા જુદા સભ્યોની જ ચર્ચા થાય છે. તેને કારણે હિંદુત્વને ગુજરાતમાં આગળ લઈ જવામાં સંપ્રદાયોના પ્રદાનની વાત થતી નથી. આ સંદર્ભમાં ત્રણ મુદ્દા અગત્યના છે: (૧) પહેલાં ભક્તિ આંદોલનમાં સમન્વયની વાત હતી. નવા સંપ્રદાયોથી એ તત્ત્વ કોરાણે મુકાઈ ગયું. (૨) સાયન્સ-ટેક્નોલૉજીમાં નકારાત્મક પરિણામોની ચર્ચા નહિ કરવાની. ઉપરથી, તેમને સિદ્ધિ તરીકે ઓળખવામાં આવે છે. અણુબોમ્બથી વધારે અધાર્મિક બીજું શું હોઈ શકે? પણ એ અધાર્મિક છે એવું કહેવાતું જ નથી, એટલે સંપ્રદાયોના લોકો એવા મહાન ભારતની કલ્પના કરે છે, જે ખરેખર પશ્ચિમની નાની આવૃત્તિ છે. (૩) ઉપભોક્તાવાદની પણ ચર્ચા નહિ કરવાની. તેના કારણે, મધ્યમવર્ગને બહુ મજા પડી ગઈ.

આ ત્રણેય રીતે એક એવો નવો હિંદુવાદ અને હિંદુધર્મ ઊભો કર્યો, જે તેની પ્રશિષ્ટ પરંપરાથી દૂર થઈ ગયો.

એટલે કે અત્યારના હિંદુત્વનો હિંદુ ધર્મ સાથેનો સંબંધ નામ પૂરતો જ રહ્યો.

કુટુંબની દૃષ્ટિએ અમારા કુળદેવતા રામ છે. મેં કોઈ દિવસ રામચંદ્રજીના હાથમાં ધનુષ્ય અને બાણ હોય એવી મૂર્તિ જોઈ નથી. આખા ગુજરાતમાં કોઈ પણ ઠેકાણે મંદિરમાં જુઓ તો રામની જોડે સીતા બેઠાં હોય. એ આખી કુટુંબવિશેષની વાત છે. એને બદલે, નવા રામ ઊભા કરવામાં આવ્યા. તેમના હાથમાં ધનુષ્યબાણ મૂકી દેવામાં આવ્યું. વિશ્વ હિંદુ પરિષદ લંકાદહનની વાત કરીને કહે છે કે આતતાયીઓ-રાક્ષસોનું દહન કરવું જોઈએ. પણ લંકાદહન પછી હનુમાનજી કેવું દુઃખ પ્રગટ કરે છે, તેની વાત જ નહિ કરવાની. અત્યારે હિંદુ ધર્મનું ફક્ત એવું જ સ્વરૂપ રજૂ કરવામાં આવે છે, જેનો મધ્યમ વર્ગની જીવનપદ્ધતિ સાથે મેળ બેસી જાય છે. તેમના મનમાં કોઈ શંકા થતી નથી. જે ઇતિહાસમાંથી, તેમ પુરાણોમાંથી કે રામાયણ-મહાભારત જેવા મહાગ્રંથોમાંથી ચૂંટેલી વસ્તુ મૂકવાથી બુદ્ધિભ્રમ ઊભો થાય છે. એ ભ્રમ તોડવાનો પ્રયત્ન કરનાર માટે વાદવિવાદનો કોઈ અવકાશ રહેતો નથી. મારામારી જ થાય છે. સગવડિયા ઇતિહાસ અને સગવડિયા ધર્મથી પેદા થયેલા મતિભ્રમે ગુજરાતીઓને વધારે હિંસક અને ક્રૂર બનાવી દીધા છે. શાંતિપ્રિય, વણિકબુદ્ધિવાળી અને વચલો રસ્તો કાઢનારી પ્રજા તરીકેની છબિ સાથે તેને ક્યાંય મેળ ખાતો નથી.

બીજી અગત્યની વાત એ છે કે અત્યારે જે રીતે હિંદુ અને મુસ્લિમના ભાગલા કરવામાં આવે છે, એવા ભાગલા પહેલાં હતા જ નહિ. વસતી ગણતરી કે મ્યુનિસિપાલિટીની ચૂંટણીઓ જેવી પાશ્ચાત્ય અસરોએ આવા ભાગલામાં મોટો ભાગ ભજવ્યો. એ સંસ્થાનવાદની નીપજ છે. એ રીતે, અત્યારનો હિંદુવાદ પણ સંસ્થાનવાદની નીપજ છે. એ આપણી ભક્તિ પરંપરા પ્રમાણેનો કે હિંદુ ધર્મમાંથી ફિલસૂફીનું તત્ત્વ પકડીને પુનઃજીવિત કરાયેલો નથી.

હિંસાના જનીન ગુજરાતીઓમાં ક્યાંથી આવ્યા?

પુસ્તકમાં આંકડા અને નક્શા સાથે અમે તારવ્યું છે કે જે વિસ્તારોમાં ભ્રૂણહત્યાનું પ્રમાણ ઊંચું છે, કૌટુંબિક હિંસા જ્યાં વધુ છે ત્યાં ૨૦૦૨માં કોમી હિંસાને છૂટો દોર મળ્યો, દા.ત. મહેસાણા, સાબરકાંઠા, અમદાવાદ, આણંદ, નડિયાદ... હિંસા એક સ્વરૂપે વ્યક્ત થતી નથી. એ વખતે મને કોઈએ પૂછ્યું, ગુજરાતીઓ આટલા બધા હિંસક થઈ ગયા છે?’ મેં કહ્યું, જે પોતાની પુત્રીને મારી શકે એ કોઈને પણ મારી શકે.

ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતને બાદ કરતાં, બાકીના ગુજરાતમાં મોટા પાયે હિંસાચાર થયો નથી. સમગ્ર ગુજરાતની વાત કરવામાં આવે ત્યારે આ વાત ભૂલી જવાય છે અને છાપ એવી ચાલ્યા કરે છે કે સમગ્ર ગુજરાતમાં હિંસાચાર થયો.

કોમી હિંસા પછી ગુજરાતને બદનામ કરવાની સાજિશ જેવો શબ્દપ્રયોગ સાંભળવા મળે છે...

પોતાની અંદર ઝાંકીને જોવું ન હોય, તો એ બહુ સહેલો રસ્તો છે. ગુજરાતીઓ પોતાનું આત્મવિશ્લેષણ કરવા માટે તૈયાર નથી. તેમાં માધ્યમો પણ આવી જાય છે. જાહેર જીવન સાથે સંકળાયેલા તમામ પરિબળો એક યા બીજી રીત રાજકારણીઓએ ઊભી કરેલી ભ્રમણાને પોષે છે. ૨૦૦૨માં જે કંઈ બન્યું, એ ગુજરાતમાં જ બન્યું છે. આઝાદી પછીનું સૌથી મોટું કોમી રમખાણ ૧૯૬૯માં ગુજરાતમાં જ થયું. બિનસત્તાવાર આંકડા પ્રમાણે અઢી-ત્રણ હજાર માણસો તેમાં મરી ગયા હતા. તેની તપાસ માટે નિમાયેલા રેડ્ડી તપાસપંચના અહેવાલનું શું થયું? તેની પર ચર્ચા કે અમલ કેમ ન થયો? આપણી પાસે વિશ્લેષણાત્મક અભિગમ નથી એટલે સ્લોગન-શાઉટીંગ અને પેમ્ફ્લેટીઅરિંગની (સૂત્રોચ્ચાર-પત્રિકાયુદ્ધની) બહાર નીકળી શકતા નથી. એનો પડઘો અખબારમાં પડે છે. માધ્યમોમાં આવે ક્યાંથી? કૂવામાં હોય તો હવાડામાં આવે ને? કૂવો તો સમાજ છે.

ભૂમિકાની નિષ્ફળતા બાબતે ગુજરાતી અને અંગ્રેજી મીડિયા વચ્ચે તમે તફાવત પાડો છો?

ગુજરાતી માધ્યમો એ જ મધ્યમ વર્ગ થકી ચાલે છે, જે મધ્યમ વર્ગ આ પરિસ્થિતિ માટે કારણભૂત છે. મધ્યમ વર્ગની આશા-આકાંક્ષાઓ ગુજરાતના ભદ્ર વર્ગની આશા-આકાંક્ષાઓ જેવી જ છે. નીતિની વાત નહિ કરવાની! એટલે શેરબજારમાં જે કંઈ થાય એમાં તેમને કશું ખોટું લાગતું નથી. શેરબજારમાં સટ્ટો કરનારા પણ ગુજરાતીઓ છે. તેની ચર્ચા કોઈ કરતું નથી. ફરી ઇતિહાસબોધની વાત પર આવી જઈએ છીએ. અંગ્રેજી માધ્યમો અતિસરળીકરણનો ભોગ બને છે. સમગ્ર ગુજરાતમાં હિંસાચારની છાપ ઊભી થઈ, તેનું કારણ એ કે અંગ્રેજી માધ્યમોને ગુજરાતની સામાજિક પરિસ્થિતિ વિશે ખબર નથી. ગુજરાતમાં કોઈ મોટી ઘટના બને ત્યારે આવતા અંગ્રેજી અખબારોના પ્રતિનિધિઓ અતિસરળીકરણનો ભોગ બને છે. તેમણે પ્રચલિત કરેલી છાપ રાષ્ટ્રીય કક્ષાએ આગળ ચાલે છે. પણ પત્રકાર તરીકે આખી વસ્તુનો વિચાર કરો: બીજા રાજ્યમાં જઈએ ત્યારે આપણી પણ અતિસરળીકરણ જ કરીએ. પત્રકારત્વની કેટલીક સીમાઓ ત્યાં આપોઆપ આવી જાય છે. તેમાં ઇરાદાનો પ્રશ્ન નથી આવતો. બદનામ કરવાની સાજિશ જેવી વાત તો નેતાઓ પોતાના બચાવ માટે ઉપજાવી કાઢે છે.

ગુજરાતને અન્યાયવાળી વાતમાં કેટલું તથ્ય છે?

ગુજરાત-મહારાષ્ટ્ર સંયુક્ત હતાં અને મુંબઈ જ્યારે રાજધાની હતી ત્યારે એવું લાગતું હતું ખરું, પણ કયા ગુજરાતને અન્યાય થાય છે? ગુજરાતના ભદ્ર સમાજને જ્યારે લાગે છે કે અમને અન્યાય થાય છે ત્યારે એ સમગ્ર ગુજરાતને અન્યાય થાય છે એવું વાતાવરણ ઊભું કરે છે. દા.ત. નર્મદા બંધની વાત કરીએ. તેમાં સમગ્ર ગુજરાતની વાત કરતાં એ ભૂલી જવાય છે કે દરેક સાતમો ગુજરાતી આદિવાસી છે અને દરેક દસમો ગુજરાતી મુસલમાન છે. આદિવાસીઓના દૃષ્ટિકોણથી આખો મુદ્દો જોઈએ તો, ધરોઈનો બંધ બાંધ્યો, એ આદિવાસી વિસ્તારમાં. તાપી-દમણગંગામાં પણ આદિવાસી વિસ્તારોમાં વિસ્થાપન થયું. દરેક સાતમો ગુજરાતી જે છે, તેના દૃષ્ટિકોણથી પણ ગુજરાતની ચર્ચા ન થવી જોઈએ? એ ચર્ચા નથી રાજ્યકર્તાઓ કરતા કે નથી મધ્યમ વર્ગ કે નથી વિશ્વવિદ્યાલયોમાં આવી ચર્ચા થતી કે એક જ સમાજ પાસેથી બલિદાનની અપેક્ષા શા માટે રાખવામાં આવે છે! આમ, ગુજરાતનો ભદ્ર વર્ગ પોતાના હિતને સમગ્ર ગુજરાતના હિત તરીકે ખપાવીને એ મુદ્દો આગળ કરે છે અને આખી વાત એવી રીતે મૂકવામાં આવે છે, જાણે પેલા લોકો ગુજરાતી જ નથી.

ગુજરાતની વર્તમાન હાલતમાં કોંગ્રેસની ભૂમિકા કેવી રીતે જુઓ છો?

માધવસિંહ સોલંકી મુખ્યમંત્રી હતા ત્યારે મેં લખ્યું હતું, કોંગ્રેસે અન્ય પછાતોને ઇલેક્શનાઇઝ કર્યા, પણ પોલિટિસાઇઝ કર્યા નહિ. (ચૂંટણી પ્રક્રિયામાં સામેલ કર્યા, પણ રાજકીય પ્રવાહમાં આણ્યા નહિ.) તેને કારણે અન્ય પછાતમાંથી જે નેતાગીરી ઊભી થવી જોઈએ, એ ન થઈ એટલે સવર્ણ મધ્યમ વર્ગ સામે કોઈ પડકાર ન રહ્યો. એ સવર્ણ મધ્યમ વર્ગે પોતાના હિતોની રખવાળી માટે હિંદુત્વનો ઉપયોગ કર્યો. દરમિયાન દલિત અને આદિવાસી સમાજમાંથી પણ એક મધ્યમ વર્ગ ઊભો થયો. તેમણે પોતાની ઓળખ અને અસ્મિતાવાળી ભૂમિકા ન લીધી, પણ સમન્વયની ભૂમિકા લીધી. સમન્વય એટલે હિંદુત્વ સાથે જોડાઈ જવું! ૧૯૮૧-૧૯૮૫માં સવર્ણ-દલિત સામસામે અને મુસ્લિમો શાંત હતા. એ ત્રિકોણીયા પરિસ્થિતિનું ૧૯૯૦ આવતાં આવતાં ધ્રુવીકરણ થયું અને હિંદુ-મુસ્લિમો સામસામે થઈ ગયા. પછાતો તરફથી સવર્ણોને પડકાર ઊભો થયો જ નહિ અને પડકાર ઊભો થાય તે પહેલાં સવર્ણોએ હિંદુત્વને નામે પછાતોનો ઉપયોગ કરી લીધો. આ ઘટનાક્રમ માટે કોંગ્રેસ પૂરેપૂરી જવાબદાર હતી. ગુજરાતમાં જે પ્રકારનું વાતાવરણ અને સાંપ્રદાયિકતા ઊભાં થયાં તેમાં કોંગ્રેસનો પણ ફાળો છે. અત્યારે વિશ્લેષણ થતું નથી એટલે હંમેશાં સંઘ પરિવારનું નામ લેવાય છે. કોંગ્રેસ જો એનો ધર્મ ના ચૂકી હોત, તો ગુજરાતની આ પરિસ્થિતિ ન હોત. આજે ગુજરાતમાં ફેશન પડી ગઈ છે કે બધામાં સંઘ પરિવારનું જ નામ લેવાનું. એમાં સંઘ પરિવારને મજા પડી ગઈ છે. બધી ક્રેડિટ એમને મળી જતી હોય, તો શું ખોટું?

સ્વૈચ્છિક સંસ્થાઓ (એનજીઓ) સામે ગંભીર ફરિયાદો થાય છે. આ ક્ષેત્ર સાથે સંકળાયેલી વ્યક્તિ તરીકે તમે શું માનો છો?

૧૯૮૦-૮૫ના ગાળામાં ત્રણ પ્રકારના લોકો ભેગા થઈને દેશના કે સમાજના પ્રશ્નોની ચર્ચા કરતા હતા: (૧) સામાજિક આંદોલનો કે પ્રવૃત્તિ સાથે સંકળાયેલા લોકો, (૨) માધ્યમોના લોકો અને (૩) વિદ્યાસંસ્થાઓ-સંશોધન સંસ્થાઓના લોકો. એવા તબક્કે જે સંસ્થાઓ ઊભી થઈ, તેના લોકોના રાજકીય સંસ્કારો અગાઉ થઈ ચૂક્યા હતા. વિશ્લેષણ કરવાની વૃત્તિ-પ્રવૃત્તિ તેમનામાં હતી. ૧૯૮૫થી ૧૯૯૦ સુધીમાં એનજીઓમાં પ્રોફેશનલિઝમ આવવા લાગ્યું. ટાટા ઇન્સ્ટિટ્યૂટમાં કે બીજી કોલેજમાં ભણીને બહાર પડેલા લોકો આવતા થયા. તેમની પાસે અગાઉના લોકો જેવું વ્યાપક રાજકીય શિક્ષણ નહોતું. વ્યાપક સમાજ કે સંસ્કૃતિની દૃષ્ટિએ નહિ, પણ સમાજકાર્યની દૃષ્ટિએ જ એ વિચાર કરતા હતા. કોઈ તબીબ આવે, તો એ ખાલી હેલ્થનો જ વિચાર કરે. તેના પરિણામે સામાજિક સંસ્થાનો દાયરો નાનો થતો ગયો. જેમ માધ્યમોમાં અતિસરળીકરણની વાત કરી, એવું જ અતિસરળીકરણ અહીં થયું. વ્યક્તિગત માન્યતા પ્રમાણે કહું તો ભરયુવાનીમાં આ બધી પ્રવૃત્તિઓ ધર્મ લાગે છે. પછી એ બધાનો ધર્મ નથી એવું લાગતાં એને સ્વધર્મ માનતા થઈએ છીએ. પછી પણ જાતજાતના અનુભવો થાય અને તેની મર્યાદાઓ નજીકથી જોવા મળે, ત્યારે થાય છે કે હવે આ આપદ્દધર્મ છે. પચીસ વર્ષથી હું સમાજકારણમાં છું અને ધર્મથી શરૂ કરીને આપદ્દધર્મ સુધી આવી ગયો છું. હવે તેમાં એટલું જ જોવાનું હોય છે કે મોટી કટોકટી ઊભી થઈ છે. તેમાં આપણાથી જે થઈ શકે એ કરવાનું.