Thursday, July 27, 2023
ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારને જાહેરમાં ફટકારવા વિશે
- પોલીસ જાહેરમાં લોકોને ફટકારે તેમાં ઘણાબધા લોકોને બહુ આનંદ આવે છે અને ન્યાય થયો હોય એવું લાગે છે. ગુનેગારોને સીધા કરવાની એ જ સાચી રીત છે, એવું તેમને લાગે છે.
- અત્યારે ટ્રાફિકના ગુનાની વાત કરીએ તો, મોટા અકસ્માત પછી એક-બે વિડીયો એવી જોવા મળી, જેમાં ટ્રાફિકનો ગુનો કરનારને એક પોલીસ પકડે અને બીજા પાછળથી ફટકારે. કેટલી લાકડીઓ? પોલીસને મન થાય ને ધરવ થાય એટલી.
- લાકડી ફટકારતી વખતે પોલીસ કોનો કોનો કે શાનો શાનો ગુસ્સો ઉતારે છે એની તો આપણે કલ્પના કરવાની રહી, પણ સીધીસાદી સભ્યતાના એક પણ ધોરણે એ સજા વાજબી ઠેરવી શકાય તેમ નથી. ગુનેગાર સાથે ગુનેગાર બનીને કામ પાડવામાં ન્યાય નથી થતો. બરાબરી થાય છે.
- ટ્રાફિકના ગંભીરમાં ગંભીર ગુના માટે કાયદાની કલમો હશે અને ન હોય તો તે કલમો બનાવવા માટે રજૂઆતો-આંદોલન કરવું, એ તેનો ઉપાય છે. આ રીતે કોઈને પણ મારવાની પોલીસને સત્તા નથી. તેમ છતાં, પોલીસ એ સત્તા ભોગવે અને તેને લોકોના મોટા સમુદાયનું સમર્થન મળે, એ બંને બાબતો બહુ ખતરનાક છે.
- નૈતિકતા કે પ્રમાણભાનની વાત ઘડીભર બાજુએ રાખીએ તો પણ, જાહેરમાં ફટકારવાના પ્રસંગોથી રાજી થતા અને પોરસાતા લોકોને એ ખ્યાલ હોય છે કે કોઈ પણ રેશનલ--તર્ક કે પ્રમાણભાન--વગરના, આવા 'ઇન્સ્ટન્ટ ન્યાય' એટલે કે પોલીસની ધોકાવાળીમાં તેમનો નંબર પણ ગમે ત્યારે લાગી શકે છે?
- જેમની પાસે જેની સત્તા નથી, તે એ સત્તા હાથમાં લઈ લે ત્યારે નાગરિક તરીકે આપણે ચેતવાનું હોય અને વિરોધ કરવાનો હોય. કારણ કે, સત્તાના દુરુપયોગની બંદૂક હંમેશાં આપણને ન ગમતા માણસ સામે જ તકાય એવું બિલકુલ જરૂરી નથી હોતું. અને એક વાર સત્તાના દુરુપયોગને વધાવી લીધા પછી, આપણે પણ તેના સાગરીત બનીએ છીએ.
- ગુનેગારોને કડક સજા થાય તે માટે 1) કાયદાની જોગવાઈ 2) કાયદા પ્રમાણે ચાલવાની પોલીસની વર્તણૂંક 3) તેના માટે પોલીસ ઉપરીઓની પ્રોફેશનલ (દબંગછાપ નહીં) વર્તણૂંક 4) પોલીસ દ્વારા અસરકારક રીતે થતી કેસની નોંધણી અને સંબંધિત કાચું કામ, જેના આધારે અદાલતમાં પહોંચ્યા પછી કેસ લૂલો ન પડી જાય અને 5) અદાલતમાં આ પ્રકારના કેસની ઝડપી સુનાવણી અથવા આ પ્રકારના કેસ માટેની બીજી અદાલતો-- આટલું જરૂરી છે.
- આ પ્રક્રિયા છે, જેના પહેલા પગથિયાની દિશામાં સફર શરૂ થવી જોઈએ. મીડિયાએ હઈસો હઈસો ને ગુનેગારોને અવનવાં લેબલ આપવાને બદલે લાંબા ગાળાના ઉકેલની દિશામાં લોકમત ઘડવો, દોરવો જોઈએ. અને એવું ન કરે તો પણ લોકોને ઉશ્કેરણીના રવાડે ચડાવવા જોઈએ નહીં.
- ડંડાવાળી કરવાથી કે ટ્રાફિક ઝુંબેશો કે સ્પેશ્યલ ડ્રાઇવ કરવાથી સનસનાટીપ્રેમી -લોકલાગણી ઉશ્કેરનારાં મીડિયાને ધરવી શકાશે, પણ આપણી નાગરિકોની સમસ્યાનો કશો ઉકેલ નહીં આવે.
Monday, July 24, 2023
છત્રીસલક્ષણી છત્રી
સામાન્ય લોકોને મન છત્રી એટલે વરસાદથી પલળતાં બચાવતું સાધન. વધારે તૈયાર લોકો છત્રીના ‘સ્વરક્ષણ કમ, આક્રમણ જ્યાદા’વાળા ઉપયોગ પણ (કરી) જાણતા હશે. પરંતુ છત્રીના સમાજશાસ્ત્રીય મહત્ત્વ વિશે કેટલા લોકો જાણતા હશે? બીજાને તો ઠીક, સમાજશાસ્ત્રીઓને પણ ભારતીય કુટુંબવ્યવસ્થા સાથે છત્રીના સંબંધ વિશે પૂછવામાં આવે તો માથું ખંજવાળી શકે છે.
જૂના સમયની છત્રીઓનો ઘેરાવો યાદ કરો. તે સમયની લગભગ દરેક ચીજની જેમ, છત્રી પણ મોટી હતી. એટલી મોટી કે શિરછત્ર જેવી લાગે. રાજાઓના માથે રહેલું શિરછત્ર સોનાનું ને મોંઘું હોય, જ્યારે સામાન્ય માણસના શિર પર ધારણ કરાતું છત્રી-છત્ર કાળું અને સીધુંસાદું હોય. પણ બંનેથી મળતા રક્ષણમાં કોઈ ફરક નહીં. ઘણાં ઘરમાં દાદાજીની લાકડીમાંથી બનેલી છત્રીઓ પણ જોવા મળતી. એવી છત્રી ખુલે ત્યારે માથે કુટુંબના વડાનું છત્ર હોય એવો સલામતીભર્યો અહેસાસ થતો હતો.
સમાજશાસ્ત્રની રીતે વિચારતાં કહી શકાય કે તે છત્રીઓ સંયુક્ત પરિવારનું પ્રતિક હતી. પરિવાર મોટો. છત્રીઓ પણ મોટી. નાનાં બાળકોને એવી છત્રીઓ ઝટ ખોલ-વાસ કરતાં ફાવે નહીં. ચપટી ભરાવાની બીક લાગે. તે ખોલવા માટે પણ જોર લગાડવું પડે. વડીલો બાળકોને સલામત રીતે છત્રી ખોલતા શીખવાડીને આગામી પેઢીનો જીવનપથ પ્રશસ્ત કરે. બાળકને મોટી છત્રી બરાબર ખોલતાં-બંધ કરતાં આવડી જાય, ત્યારે તે મોટું થયું ગણાય અને વડીલને સંતાન પ્રત્યેનું એક કર્તવ્ય અદા કર્યાનો સંતોષ થાય.
દેશમાં કુટુંબના વિસ્તારની સાથે છત્રીઓનો વિસ્તાર સંકોચાતો ગયો કે પછી, છત્રીઓના વિસ્તારની સાથે કુટુંબોનો વિસ્તાર સંકોચાતો ગયો, તે ચર્ચાસ્પદ મુદ્દો છે, પણ બંનેના વિસ્તાર સંકોચાયા એ હકીકત છે. ‘પ્રેમગલી અતિ સાંકરી, તામેં દો ના સમાયે’ એવું કબીરજીનું વચન જુદી રીતે નવી છત્રીઓને બરાબર લાગુ પડ્યું. તે છત્રીઓ એટલી સાંકડી હતી કે તેમાં બે તો ઠીક, એક જણ માંડ સમાઈ શકે. વિભક્ત પરિવારોમાં માણસો ઇન, મીન ને તીન હોવા છતાં, તે પણ પોતાની ‘સ્પેસ’ માટે ફાંફાં મારતાં હોય છે. એવી જ રીતે, નવા જમાનાની છત્રી ધારણ કરનાર એકલો હોવા છતાં, તે છત્રી નીચે વરસાદથી બચવા માટે સંઘર્ષ કરતો જોઈ શકાય છે.
નવી છત્રીઓ ગાંધીજીએ ચીંધેલાં ‘સુધારા’નાં—એટલે કે ‘કુધારા’નાં—લક્ષણોવાળી નીકળી. ચાંપ દબાવો એટલે ભફ્ફ અવાજ સાથે ઓચિંતી ખુલી જાય. ખોલનાર સાવધ ન હોય તો આજુબાજુના કોઈને તે વગાડી બેસે. જેમ ઝડપ એ સુધારાનું લક્ષણ છે તેમ, બીજાના હિત કરતાં પોતાની સુવિધાને પ્રાધાન્ય આપવું એ પણ સુધારાની ખાસિયત છે. તેમાં પોતાની સુવિધા વધારવા માટે બીજાના હિતનો ભોગ લેવાનો પણ છોછ હોતો નથી. બલ્કે, તેને અનિવાર્ય અનિષ્ટ અથવા આવડત ગણવામાં આવે છે.
જૂની છત્રીઓ વર્ષો સુધી અને કેટલાક કિસ્સામાં પેઢી દર પેઢી ચાલતી હતી. છત્રી કરતાં છત્રી વાપરનારની જીવનલીલા વહેલી સંકેલાઈ જાય એવું ઘણી વાર બન્યું હશે. એકની એક છત્રીને થીંગડું મરાવીને વાપરનારા લોકો પણ હતા. તે છત્રી વરસાદ સિવાયની ઋતુઓમાં ટેકણલાકડીથી માંડીને પોશાકના અભિન્ન અંગ તરીકે ખપમાં લેવાતી હતી. તારક મહેતાએ સર્જેલું કાંડે છત્રી ઝુલાવતા તેમના જમાનાના પત્રકાર પોપટલાલનું પાત્ર એ હકીકતનો પુરાવો છે. ઘરની બહાર બંધ છત્રી ઊભી ટેકવેલી હોય તે વડીલની હાજરીની નિશાની ગણાતી હતી અને બાળવર્ગમાં તે છત્રીનાં દર્શનમાત્રથી અનુશાસન પર્વ વ્યાપી જતું હતું.
હવે વડીલની છત્રી અને વડીલની ધાક બંને ઘણી હદે, શહેરોમાં તો ખાસ, લુપ્ત થયાં છે. નવી છત્રીઓના વરસાદમાં જૂની છત્રી જાણે તણાઈ ગઈ. ટકાઉપણાને પરિવર્તનવિરોધી અને જૂનવાણી ગણતા યુગમાં જૂની છત્રીઓનું ઉઠમણું ન થાય તો જ નવાઈ. તેમની સરખામણીમાં સ્વિચવાળી છત્રીનું તકલાદીપણું તેની કમનીયતામાં અને સુવિધામાં ખપવા લાગ્યું. ત્યાર પછી છત્રી બગડે તે આપત્તિ નહીં, પણ અવસર ગણાવા લાગ્યો. ‘નાની બચત’ પછીના, રીફીલ પૂરી થાય ત્યારે આખેઆખી પેન જ ખરીદવી પડે એ યુગમાં જન્મેલા લોકો કહે છે, ‘સારું થયું, હવે નવી છત્રી આવશે. બે વર્ષથી એકનું એક છત્રું વાપરીને કંટાળો આવ્યો હતો’.
સ્વિચવાળી છત્રીઓ થોડો વખત વપરાયા પછી સરળતાથી બંધ થવાનો ઇન્કાર કરે, તેના એકાદબે સળીયા આઘાપાછા થઈ જાય, સ્વિચ બગડી જાય અને એવું કશું ન થાય તો એકાદ તોફાની વરસાદમાં છત્રી કાગડો થઈ જાય--જેમ લોકશાહીના રક્ષણ માટે રહેલી ઘણીખરી બંધારણીય સંસ્થાઓની છત્રી અત્યારે કાગડો થઈ ચૂકી છે. પરંતુ બધા પાસે એ પ્રકારની છત્રી હોવાને કારણે અને બધાની છત્રીઓ કાગડો થઈ હોવાને કારણે, કોણ કોને શરમાવે? ત્યાર પછી છત્રીની કાગડો અવસ્થાને ‘ન્યૂ નોર્મલ’ જાહેર કરવાનું જ બાકી રહે છે.
દાદાજીના જમાનામાં છત્રીઓ સામે કટોકટી આવતી હતી. તોફાની હવામાં ક્યારેક તે છત્રી છત્રીધારકને પોતાની સાથે તાણી જતી હતી. પણ તે કાયમ માટે નકામી થઈ જાય એવી કાગડાવસ્થાને પામતી ન હતી. તેનું સમારકામ કરી શકાતું હતું અને બીજા ચોમાસે તે એવું રક્ષણ આપતી હતી, જાણે અગાઉ કશું થયું જ ન હોય. હવે કાગડો થઈ ગયેલી છત્રીઓ અને સંસ્થાઓ માટે એવી આશા રાખવી કે એવો આશાવાદ સેવવો અઘરો છે. કાશ, કાગડો થયેલી છત્રી જેટલી સહેલાઈથી કાગડો થયેલી સંસ્થાઓ સમારી-સુધારી શકાતી હોત.
Sunday, July 23, 2023
અમદાવાદના અકસ્માત વિશે થોડા પ્રાથમિક-પાયાના વિચાર
1. ઘણા ગુનામાં કોઈ એક ગુનેગાર નહીં, ઘણા બધા ગુનેગાર હોય છે. આ કિસ્સામાં સૌથી મોટો ગુનેગાર બેદરકાર ડ્રાઇવિંગથી 11 જણને કચડી નાખનાર તથ્ય પટેલ છે. તેનો અર્થ એવો નથી કે બાકીની એજન્સીઓ (ટ્રાફિક પોલીસ, રસ્તાનું ધ્યાન રાખતું કોર્પોરેશન વગેરે) નિર્દોષ ઠરે છે.
2. એવી જ રીતે, ફ્લાય ઓવર પર અંધારું હતું, ફ્લાયઓવર પર ચડતાં દૃષ્ટિ અવરોધાઈ જાય છે, ટોળું ત્યાં શું કરતું હતું, ટ્રાફિક પોલીસે બેરીકેડ કેમ ન લગાડી--આ બધા મુદ્દા સાચા હોવાને કારણે, તથ્ય પટેલનો ગુનો જરાય ઓછો થતો નથી. એટલે, એ મુદ્દા તથ્ય પટેલના બચાવમાં વાપરી શકાય નહીં.
3. બુલડોઝરની કાર્યવાહી ક્યાંય પણ થાય, તે ગુફાયુગની પ્રથા છે. બુલડોઝર ચલાવી દેવું એ ટોળાંનો બદલો હોઈ શકે, ન્યાય નહીં. સરકાર જેવી સરકાર ટોળાંશાહીની રીતે, ટોળાંની લાગણી સંતોષવા હિંસા આચરતી થઈ જાય, ત્યારે કોઈ સલામત નથી રહેતું --અને એ અત્યારે આપણે જોઈ જ રહ્યાં છીએ.
4. ગુનેગારને ફાંસી થવી જોઈએ--એવું બૂમરાણ મચાવવાથી કીક આવે છે અને સરકારને તેના મનગમતા--કાયદો હાથમાં લેવાના--રસ્તે આગળ વધવા પ્રોત્સાહન આપી શકાય છે. પણ મૂળ મુદ્દો એ છે કે કાયદામાં આ પ્રકારની સજાની જોગવાઈ છે ખરી?
5. એક પણ નિર્દોષનો જીવ જાય, તો તેનો જીવ લેનારને કે જીવ લેવામાં પોતાની બેદરકારીથી કારણભૂત બનનારને તેની આકરી કિંમત ચૂકવવી પડે--એ ન્યાય છે. સૌથી પહેલાં એની ચર્ચા થવી જોઈએ કે તથ્ય પટેલ પ્રકારના કિસ્સામાં કાયદાની શી જોગવાઈ છે? અને તેમાં કશા ફેરફારની જરૂર છે? દરેક કેસ વખતે આરંભિક હોબાળા પછી, ગુનેગાર રૂપિયાના જોરે છૂટી જાય (કે ન પણ છૂટે) તેના કરતાં, કાયમી ધોરણે કાયદામાં ફેરફાર થાય અને આ પ્રકારના ગુનાની સજા ગંભીર બને તે વધારે જરૂરી છે.
6. તથ્ય પટેલે કે તેના પિતાએ કે તેના વકીલે અગાઉ શું કરેલું, એની કથાઓ રસિક હોઈ શકે છે, પણ તે મીડિયા ટ્રાયલ માટે કામની છે-અસલી ન્યાય માટે નહીં. અત્યારે તથ્ય પટેલને શક્ય એટલી મહત્તમ સજા થાય અને રૂપિયાના આધારે બધું મેનેજ થઈ જાય છે--એવો મેસેજ ન જાય, તે સૌથી મહત્ત્વનું છે.
7. તથ્ય પટેલને સજા થઈ જાય એટલા માત્રથી પણ ન્યાય થઈ જતો નથી. તથ્ય પટેલને સજા થાય અને મૃતક પરિવારોને તથ્ય પટેલની કૌટુંબિક સંપત્તિમાંથી દાખલો બેસે એટલી મોટી રકમ વળતર સ્વરૂપે આપવાનો હુકમ થાય, તે પણ જરૂરી છે.
8. અમીર હોવું એ તથ્ય પટેલનો ગુનો નથી, પણ આ ગુનામાં તેની અમીરી તેની તાકાત ન બની જાય, તેનું ધ્યાન રાખવું એટલું જ મહત્ત્વનું છે.
9. આખી ઘટનાને કરુણ સિરીયલ કે એશોઆરામમાં જીવતા નબીરાનાં કરતૂતની વેબ સિરીઝ તરીકે રજૂ કરવાથી બચવા જેવું છે. કારણ કે, એમ કરવા જતાં ગુનેગારને સજા-પીડિતને ન્યાયનો મુખ્ય મુદ્દો કેન્દ્રમાંથી ખસી જાય છે અને મનોરંજન-સનસનાટી-રોમાંચ મુખ્ય બની જાય છે.
Wednesday, July 05, 2023
રેઇન કોટમાં વરસાદ
શહેરી લોકોનું ચાલે તો તે કુદરત સમક્ષ એવી માગણી મુકે કે વરસાદ ફક્ત ખેતરો, જળાશયો અને નદીઓ ઉપર જ પડવો જોઈએ, પણ વરસાદ કે કુદરત એટલું સમજતાં નથી. એટલે ‘વહુને અને વરસાદને જશ નહીં’—એવી કહેવતો ચલણમાં આવી.
‘ચોમાસું શાની ઋતુ છે?’ એવો સવાલ આમ હાસ્યાસ્પદ લાગે, પણ તેનો જવાબ સીધોસાદો નથી. ખેડૂતો માટે વરસાદ ખેતીની ઋતુ ખરી, પણ કવિઓ કે સંભાવિત કવિઓ માટે તે કવિતાના વરસાદની મોસમ છે. ખાણીપીણીના પ્રેમીઓ માટે તે ભજિયાંની સીઝન છે. ઘણા લોકોના મનમાં ભજિયાં-વરસાદનો સંબંધ એટલો ગાઢ હોય છે કે કોઈ વરસાદી ગીત સાંભળીને પણ તેમને ભજિયાં ખાવાનું મન થઈ જાય. પરંતુ આ બધી લીલાઓ ઘરની કે ઓફિસની છત નીચે બેઠેલા લોકોની. બાકીના મોટા ભાગના લોકો માટે વરસાદ એટલે કપડાં બચાવતાં બચાવતાં, ‘લાગા ચુનરીમેં દાગ છુપાઉં કૈસે’ ગાવું ન પડે એ રીતે, સહીસલામત ઓફિસે પહોંચવાની કસોટી.
દર વર્ષે લાખો રૂપિયા ખાઈ જતા રસ્તા વરસાદની ચેલેન્જને પાંચ-દસ ગણી વધારી મુકે છે. એવા રસ્તા પર પલળ્યા વિના ચાલવા-ચલાવવાનું કામ કોઈ સાહસપૂર્ણ રીઆલીટી શો જેવું બની રહે છે. છત્રીઓ હોય છે, પણ મસમોટા પડકારો સામે બાથ ભીડવાની હોય ત્યારે એક હાથ છત્રી રોકી લે તે કેમ પોસાય? એટલે માણસે પોતાની જાત રેઇન કોટને હવાલે કરવી પડે છે.
પહેલી વાર રેઇન કોટ અને એ પણ શર્ટ-પેન્ટ પ્રકારના ટુ પીસ રેઇન કોટ જોઈને માણસને થાય છે કે ‘બસ, હવે તો વરસાદ છે ને હું છું.’ રેઇન કોટ તેને વરસાદનો સામનો કરવા માટે ઉપરવાળાએ મોકલેલું દિવ્ય વસ્ત્ર હોય એવું ભાસે છે. તેને પહેર્યા પછી ગમે તેવા વરસાદમાં બહાર નીકળી શકાશે અને કોરાકટાક રહી શકાશે એવી આત્મશ્રદ્ધા તેનામાં પ્રગટે છે. જાડા રબર જેવા રેઇન કોટની સપાટી પર હાથ ફેરવીને તે મનોમન પોરસાય છે, ‘જોયું? વરસાદ તો શું? તેજાબ પણ અંદર જઈ ન શકે એવો મજબૂત રેઇન કોટ છે.’ રેઇન કોટ પાતળો હોય તો તેને થાય છે, ‘પાતળું પ્લાસ્ટિક છે, પણ છે કેવું મજબૂત? વરસાદ ઉપરથી જ લપસી જશે.’
પરંતુ રેઇન કોટનાં પહેલાં દર્શનથી થયેલીર હાત સરકારના મોન્સૂન પ્લાન જેવાં નીવડે છે. શરૂઆતમાં બે-ચાર નાનાં ઝાપટાં પડે ત્યાં સુધી રેઇન કોટની અસરકારકતાની માન્યતા ટકી રહે છે. અખંડ રહે છે. તે દૃષ્ટિએ રેઇન કોટ મોન્સૂન પ્લાન કરતા વધારે મજબૂત કહેવાય. કેમ કે, ચોમાસા પહેલાં નક્કર લાગતો મોન્સૂન પ્લાન મોટે ભાગે આરંભિક દોઢ-બે ઇંચ વરસાદમાં જ પ્રવાહી બનીને વહી જાય છે.
વરસાદમાં રેઇન કોટ પહેરીને બહાર નીકળતાં સૃષ્ટિ જુદી લાગે છે. હેવ્સ અને હેવ નોટ્સ (ખાટી ગયેલા ને રહી ગયેલા) વચ્ચેનો તફાવત સ્પષ્ટ થઈ જાય છે અને પોતે ‘હેવ્સ’ના જૂથમાં હોવાનો ગૌરવવંતો અહેસાસ થાય છે. પરંતુ ચોમાસું આગળ વધે તેમ સામાજિક ભેદરેખા ભૂંસાતી જાય છે અને રેઇન કોટધારીઓને સમજાય છે કે એમ ફક્ત રેઇન કોટના જોરે ‘હેવ નોટ્સ’માંથી ‘હેવ્સ’માં ન આવી જવાય. ભરવરસાદમાં દ્વિચક્રી ચલાવતી વખતે કે ટૂંકા અંતર સુધી ચાલતી વખતે, રેઇન કોટ પહેર્યો હોવા છતાં એકાએક શીતળ અહેસાસ થાય છે. પહેલાં તો એવું માનવાનું મન થાય છે કે રેઇન કોટ પહેરવાને કારણે મનમાં જે ઠંડક થઈ તે બહાર રેલાતી હોય છે. પછી ખ્યાલ આવે છે કે ઠંડકની સાથોસાથ ભીનાશ પણ સામેલ છે અને તે પાણીની છે. એ સાથે સવાલ થાય છેઃ રેઇન કોટ પહેર્યો હોય તો તેની અંદર પાણી શી રીતે ઘુસી શકે? એ લાગણી ‘હમારી જેલમેં સુરંગ?’ જેવી હોય છે. પછી તરત વિચાર આવે છેઃ રેઇન કોટ તો બરાબર જ હોય. નક્કી તે પહેરવામાં ક્યાંક ગરબડ થઈ હશે અને ત્યાંથી પાણી અંદર જતું હશે.
થોડી વાર પછી પાણીની બીજી ધારાનો અહેસાસ થાય છે અને જોતજોતાંમાં લાગે છે કે રેઇન કોટ ફક્ત બહારથી જ નહીં, અંદરથી પણ ભીનો થવા લાગ્યો છે અને તેની સાથે કપડાં ભીંજાવા લાગ્યાં છે. એટલે, ‘મારી સાથે આવું શી રીતે થઈ શકે?’ એ વિચારે પહેલાં તો માણસને રોષ ચડે છે. પછી રોષનો મુદ્દો બદલાય છેઃ ‘નક્કી રેઇન કોટની દુકાનવાળાએ મારી સાથે છેતરપીંડી કરીને મને હલકો માલ પધરાવ્યો લાગે છે. બાકી, રેઇન કોટ પહેર્યા પછી પણ ભીંજાવાનું હોય તો તે પહેરવાનો અર્થ શો રહ્યો?’ તેને ગુસ્સો અપાવનારી ત્રીજી બાબત એ છે કે રેઇન કોટમાં અંદર પાણી ગયું તેમાં મ્યુનિસિપાલિટીનો વાંક કાઢી શકાતો નથી ને તેની પર ગુસ્સે થઈ શકાતું નથી.
પહેલી વાર રેઇન કોટમાં પલળ્યા પછી તે જ્ઞાનની શોધમાં બીજા અનુભવી રેઇન કોટધારીઓને મળે છે. ત્યારે તેને સમજાય છે કે રેઇન કોટથી ન પલળાય એવી કોઈ ગેરન્ટી હોતી નથી. રેઇન કોટ પહેરવાથી ફક્ત એટલું જ સૂચિત થાય છે કે તે પહેરનાર સ્વેચ્છાએ પલળવા ઇચ્છતો ન હતો ને તેણે કોરા રહેવાના યથાશક્તિ પ્રયત્ન કર્યા. છતાં તે પલળ્યો એ તેની (ઓફિસમાં) ગેરશિસ્ત કે (ઘરમાં) બેદરકારી નથી. છતે રેઇન કોટે તેનું પલળવું એ કુદરતનો સંદેશો છે કે વરસાદ સત્ય છે ને રેઇન કોટ મિથ્યા.
Thursday, May 18, 2023
ગરમી ખાળવાના ઉપાય
કેટલાક લોકો પાસે દરેક સમસ્યાનું સમાધાન હોય છે—પછી ભલે તે સમાધાનમાં બીજી સમસ્યાઓ છુપાયેલી હોય. એવા જ્ઞાનીજનો ક્યારેક મોટિવેશનલ સ્પીકર સ્વરૂપે તો ક્યારેક સ્વઘોષિત ગુરુ તરીકે, ક્યારેક મૂલ્યનિરપેક્ષ પોઝિટિવ થિંકિંગના પડીકા તરીકે તો ક્યારેક વિશુદ્ધ સરકારી અફસર તરીકે સમાજ પર ખાબકતા રહે છે. ગરમીનો ચઢતો પારો અચ્છાખાસા સ્વસ્થ માણસોને દેવદાસ (હારેલા) બનાવવા લાગે, ત્યારે ગરમી વિશેનું ચિંતન શરૂ થાય છે. ગરમી ચાળીસ ડિગ્રીને વટાવી જાય તો તેનાથી બચવા શું કરવું જોઈએ? એવો સવાલ આગળ જણાવેલી પ્રજાતિને કરવામાં આવે તો કેવા જવાબ મળી શકે? કેટલીક કલ્પનાઃ
‘આ બધું તો ભાઈ, આપણી પર છે. આપ ભલા તો જગ ભલા.’ તેમને યાદ કરાવવામાં આવે કે તમારું જેનરિક માર્ગદર્શન નહીં, પણ ચોક્કસ વિષય પરની તમારી સલાહ માગવામાં આવી રહી છે. ત્યારે તે કહી શકે છે, ‘ઓહો, ગરમી. ગરમી વિશે અને ઉનાળાની બપોરના સૌંદર્ય વિશે કાકાસાહેબ કાલેલકરનો એક સરસ નિબંધ છે. એમ તો મેં પણ કાકાસાહેબના પગલે ચાલીને એક નિબંધ લખેલો. બસ, એ હવે પાઠ્યપુસ્તકમાં આવે એની જ રાહ છે.’ તેમની વાત સાંભળીને એવું જ લાગે, જાણે પાઠ્યપુસ્તકમાં તેમના નિબંધના સમાવેશથી ગ્લોબલ વોર્મિંગની સમસ્યા ઉકલી જશે.
મોટિવેશનલ સ્પીકરોને ઉકેલ પૂછતાં એ કહી શકે છે, ‘એક વાર હું અમેરિકામાં હતો અને અચાનક ગરમી વધી ગઈ.’ તેમને ખબર હોય છે કે લોકોને વાર્તા બહુ ગમે છે અને વિચારવાનો બહુ કંટાળો છે. એટલે તેમને વાર્તાઓ કહેવી અને એવું ઠસાવવું કે આવી વાર્તાઓથી તમારી વિચારશક્તિ બહુ ખીલશે અથવા ખીલી ચૂકી છે, તમે જ જગતનું શ્રેષ્ઠ ઓડિયન્સ છો અને અમેરિકા પણ મારી સલાહ માગે તો હું આપવા તૈયાર છું. તમને થશે કે આખી વાતમાં ગરમીનો મુકાબલો શી રીતે કરવો એ વાત તો આવી જ નહીં. પણ મોટિવેશનલોનું ઘણુંખરું એવું જ હોય. તેમાં મુદ્દો નહીં, તે મુદ્દાની આસપાસ પોતાને કે પોતાના ધારી લીધેલા શાણપણને કેન્દ્રમાં રાખીને તેમણે બનાવેલી વાર્તા મુખ્ય હોય છે.
છૂટકના ભાવે જથ્થાબંધમાં મોટિવેશન વેચતા બીજા પ્રકારના મોટિવેશનવિક્રેતાઓની પીન એ વાત પર ચોંટી ગઈ હોય છે કે આપણે ધારીએ તો કશું અશક્ય નથી. પાણીપુરીમાંથી પાણી રકાબીમાં ન ઢળે એવી રીતે કેમ ખાવું ત્યાંથી માંડીને ટેસ્લા અને સ્પેસ એક્સ જેવી કંપનીઓ કેમ ચલાવવી, ત્યાં સુધીની વાતો અને ખાસ તો માલેતુજારોનાં કિસ્સાકહાણી હાથવગાં રાખે છે--ન જાણે ક્યારે તેની જરૂર પડી જાય. તેમને ગરમી વિશે પૂછવામાં આવે તો તે કહી શકે છે, ‘લોકોને ધીરુભાઈ અંબાણી થવું છે, પણ ગરમી સહન થતી નથી. એવું શી રીતે ચાલે?’ અને પછી ધીરુભાઈએ વેઠેલી ગરમીના ધીરુભાઈને પણ ખબર ન હોય એવા કિસ્સા તે કહી શકે છે. ઝકરબર્ગ, મસ્ક, બિલ ગેટ્સ, વોરન બફેટ જેવાં નામ તેમના મોઢેથી એવી રીતે નીકળે છે, જાણે એ બધા એક પાટલી પર બેસીને ભણ્યા હોય અને આ જણ એકલો જ આ મહત્ત્વના કામ માટે પડતર રહી ગયો હોય.
કેટલાક વક્તાઓ રોજ પોતાના વિશે જૂઠો ભ્રમ સેવવાને કારણે જોતજોતાંમાં પોતે જ પોતાની મહાનતાના પ્રેમમાં પડી જાય છે. નાર્સિસસ એકલો અમથો બદનામ થયો. તે આ પ્રજાતિને સાંભળે તો તેને ખ્યાલ આવે કે તેમણે કેટલો વિકાસ સાધ્યો છે. આ જૂથના લોકો સમક્ષ ગરમી વિશે ફરિયાદ કરતાં તે કહી શકે, ‘મને તો કદી ગરમી લાગતી જ નથી. કારણ કે હું કાયમ એસીમાં રહું છું. આટલું સિમ્પલ સોલ્યુશન છે, પણ આપણા લોકોને ખોટી ફરિયાદો કરવાની ખોટી ટેવ પડી ગઈ છે. હાય ગરમી, હાય ગરમી શું કરવાનું? તરબૂચ ખાવ, કેરીનો રસ ખાવ (કે પીઓ), ફાલસાનો જ્યુસ પીઓ, છાશ પીઓ, લસ્સી પીઓ—આટલા બધા તો વિકલ્પ છે. દરેક બાબતમાં ગરીબી-ગરીબીને શું રડવાની? પણ જાતે હાડકાં હલાવવાં ન હોય તેનું શું થઈ શકે? આપણો દેશ આમ જ પાછળ રહી ગયો છે. બાકી, હું જ્યારે ટિમ્બકટુ ગયો ત્યારે ત્યાંના મેયરે સ્વાગતપ્રવચનમાં મારા વિચારોથી અભિભૂત થઈને કહ્યું હતું કે...’
થોડા સમય પહેલાં મહારાષ્ટ્રમાં કેન્દ્રીય ગૃહમંત્રીના કાર્યક્રમ વખતે ગરમીને કારણે ઘણા લોકો મૃત્યુ પામ્યા હતા. અલબત્ત, એન્કાઉન્ટરમાં મૃત્યુ પામેલાઓમાં જેમનો કશો વાંક નીકળ્યો ન હોય, તેમનો ગરમીમાં થયેલાં મરણ માટે તો શી રીતે વાંક હોઈ શકે? આવા મહાનુભાવોની ભક્તસેના અને ટ્રોલસેના સમક્ષ ભૂલેચૂકે ગરમીના પ્રકોપની વાત કરવામાં આવે તો તે તરત મેદાનમાં આવી જશે, ‘તમને તો બધું વાંકું જ દેખાય છે. અગાઉની સરકારો વખતે તમે ક્યાં ગયા હતા? તમે બધા દંભી સેક્યુલરિયા ડાબેરી રાષ્ટ્રવિરોધી હિંદુવિરોધી (આ બધું એક સાથે જ અને બને ત્યાં સુધી સમજ્યા વિના બોલવાનો રિવાજ છે)... કંઈ ન ચાલ્યું તો છેવટે ગરમીની ફરિયાદ કરીને સરકારને બદનામ કરવા આવી પહોંચ્યા? ખબરદાર હવે ફરી ગરમીના પ્રકોપ વિશે ફરિયાદ કરી છે તો. અમારે ધાર્મિક-સમકક્ષ બની ગયેલી રાજકીય લાગણી દુભાવવા બદલ તમને સીધા કરવા પડશે.’
દુભાવાના-દુઃખી થવાના કિસ્સામાં માનવીય લાગણી ગૌણ અને બાકીની લાગણીઓ મુખ્ય બની
જાય, ત્યારે પેદા થતું (પ્ર)દૂષણ સમાજના પર્યાવરણ માટે જોખમી બની જાય છે. ઉદાહરણ
ટાંકવાની જરૂર લાગે છે?
Tuesday, May 02, 2023
દાંતના દુખાવા પર સર્જિકલ સ્ટ્રાઇક
દાંત
કાઢવા ને કઢાવવામાં કેટલો ફેર છે, તે સમજવા ભાષા શીખવાની જરૂર નથી. એક વાર દાંતનો
(કે દાઢનો) દુખાવો ઉપડે, એટલે તે સમજાઈ જાય છે. સમાધાનના બધા પ્રયાસ કર્યા પછી ‘યુદ્ધ એ જ કલ્યાણ’ની ભૂમિકાએ પહોંચતા જણની જેમ, દાંતનો
દુખાવો નાથવાના નિષ્ફળ પ્રયાસ પછી છેવટે સર્જિકલ સ્ટ્રાઇકનો વિકલ્પ પસંદ કરવામાં
આવે છે. દુખાવગ્રસ્તને ખબર હોય છે કે પીડામુક્તિનો વિકલ્પ પોતે ઓછો પીડાદાયી નથી.
છતાં, લાંબા ગાળાની પીડા ટાળવા તે ટૂંકા ગાળાની પીડા વહોરી લેવાનું અને
ખાંડણિયામાં માથું મુકવાનું પસંદ કરે છે.
દુખતા દાંતના કિસ્સામાં ખાંડણિયાની ભૂમિકા ખુરશી ભજવે છે, પણ તેના વિશે દુખાવાગ્રસ્તને ધીમે ધીમે જાણ થાય છે. દુખતો દાંત લઈને તે ડોક્ટર પાસે પહોંચે ત્યારે વેઇટિંગ રૂમમાં દાંતની સારવારને લગતી સામગ્રી ચોતરફ દાંતીયાં કરતી હોય એવું લાગે છે. કેટલાંક દવાખાનાંમાં વેઇટિંગ રૂમ અને દંતચિકિત્સાખંડ વચ્ચે અભેદ્ય પડદો કે બારણું હોય છે. તેથી અંદર શું ચાલતું હશે તેની દર્દીએ કલ્પના કરવાની રહે છે. દાંતના દુખાવાને કારણે અને ખાસ તો અંદર ગયા પછી શું થશે, તેની કલ્પનાને કારણે દંતપીડિત પર વેઇટિંગ રૂમના એસીની અસર થતી નથી. કેટલાંક દવાખાનાં પારદર્શકતામાં માને છે. તેમાં બહાર બેઠેલો દર્દી અંદર શું ચાલે છે તે જોઈ શકે છે. તે સમયની દંતપીડિત ‘હવે મારો વારો છે’–ની બેચેની અનુભવે છે.
આખરે તેડું આવે છે અને દંતપીડિતને અંદર પ્રવેશ મળે છે. ત્યાંની સૌથી ધ્યાનાકર્ષક ચીજ હોય છે ખુરશી. ખુરશીની ખેંચતાણમાં કોઈ પણ હદે જેવું, એ માણસની સામાન્ય તાસીર હોય છે, પરંતુ ડેન્ટિસ્ટની ખુરશીને તેમાં અપવાદરૂપ ગણવી પડે. તેને જોતાં જ માણસના મનમાં ખુરશી પ્રત્યે વૈરાગ્યભાવ પેદા થાય છે. એવો વિચાર પણ આવે છે કે હોદ્દેદારો માટે ગાદીવાળી રિવોલ્વિંગ ચેરને બદલે ડેન્ટલ ચેર રાખી હોય તો કદાચ હોદ્દા માટે બહુ ખેંચતાણ ન થાય.
ડેન્ટિસ્ટની ખાસ પ્રકારની ખુરશીમાંથી બીજાં બધાં લટકણિયાં કાઢી લેવામાં આવે તો તે એટલી આરામદાયક હોય છે કે તેની પર આરામથી લાંબા થઈને સુઈ શકાય. પરંતુ દર્દી તરીકે ત્યાં બેસવાનું હોય ત્યારે તે બધા આરામ સહિત કાંટાળી લાગે છે. કોઈ માણસને કહેવામાં આવે કે ‘તારા જીવનના ત્રીસ દિવસ બાકી રહ્યા છે અને એટલા દિવસમાં તારે જે મોજ કરવી હોય તે કર’, તો મોટા ભાગના લોકોને ભલભલી આનંદદાયક પ્રવૃત્તિ વખતે પણ મનમાં અજંપો રહે. એવું જ આ ખુરશીનું હોય છે. જે સંજોગોમાં તેની પર બેસવાનું થાય છે, તેમાં તેની આરામદાયકતાની નિરાંતને બદલે અમંગળની આશંકા જ મનમાં છવાયેલી રહે છે. સાથે, સ્વસ્થ રહેવાના પ્રયાસરૂપે એવો વિચાર પણ આવી જાય છે કે ચાર્લી ચેપ્લિન આવી ખુરશીને લઈને કેટકેટલી ગમ્મતો કરી શકે?
છબીમાંના ભગવાનની જેમ ડેન્ટિસ્ટની ખુરશી પણ ચાર હાથવાળી હોય એવું લાગે છે. તેની દરેક બાજુએ કોઈ ને કોઈ પ્રકારની સામગ્રી ગોઠવાયેલી હોય છે. એટલે તે કોઈ સાઇ-ફાઇ ફિલ્મના સજ્જ યંત્રમાનવ જેવી પણ લાગી શકે છે. ડોક્ટર ન આવે ત્યાં સુધી એ ખુરશી પર માથું ઢાળીને બેઠેલો જણ ખુરશીનાં આજુબાજુનાં લટકણીયાં જોવા-સમજવાનો પ્રયાસ કરે છે. પણ તેનાથી મન બીજે વળવાને બદલે, ખુરશીના જુદા જુદા હિસ્સા શી રીતે દાંત પરના આક્રમણ માટે ઉપયોગમાં લેવાશે, તેના વિચારે ચડી જાય છે. તેનાથી બેચેની વધતાં તે ખુરશીનો અભ્યાસ માંડવાળ કરીને, શાંતિથી ડોક્ટરની રાહ જોવાનું પસંદ કરે છે.
ડોક્ટર આવતાં પહેલાં તેમના સહાયકો આવીને નિર્જીવ લાગતી ખુરશીમાં પ્રાણપ્રતિષ્ઠાનો આરંભ કરે છે. ખુરશી પર બેઠેલા જણ ઉપર ત્યારે કશું જ થતું ન હોવા છતાં, તેની આસપાસની ગતિવિધિ જે રીતે શરૂ થાય તે જોઈને તેને લાગે છે કે હવે સર્જિકલ સ્ટ્રાઇકનો સમય આવી પહોંચ્યો છે. એવામાં કમાન્ડર-ઇન-ચીફ જેવા ડોક્ટર પ્રગટ થાય છે. તે આવીને બધું જુએ છે, દર્દીને થોડું આશ્વાસન અને થોડી હૈયાધારણ આપે છે અને દર્દીનું મોં પહોળું કરીને કામગીરીનો આરંભ કરે છે.
ડેન્ટિસ્ટને ત્યાં જતાં પહેલાં, મોં મહત્તમ પહોળું કરવાની પ્રેક્ટિસ પાણીપુરી ખાતી વખતે હોય છે. પરંતુ ખુમચા પર મોં પહોળું કરીને પુરી અંદર પધરાવ્યા પછી, તરત મોં બંધ કરવાની રજા હોય છે. ડેન્ટિસ્ટને ત્યાં મોં પાણીપુરી મુકતાં કરવું પડે તેનાથી પણ વધારે ખોલવું અને પછી ખુલ્લું રાખવું પડે છે. ત્યાંથી કસોટીની શરૂઆત થાય છે. મોં પહોળું રાખવાનું અઘરું પડે ત્યારે ડોક્ટર આશ્વાસન, પ્રોત્સાહન અને ઠપકાના મિશ્રણ જેવાં વચનો ઉચ્ચારીને, દર્દીના મોંમાં કશોક નક્કર પદાર્થ મુકીને મોં પહોળું રાખે છે. ત્યારે મનોદશા એવી હોય છે કે તે નક્કર પદાર્થ પણ ચાવી જવાનું મન થાય.
એનેસ્થેશિયાનું ઇન્જેક્શન આપ્યા પછી દર્દીની દશા વર્તમાન શાસકોના સમર્થકો જેવી થઈ જાય છે. તેમને એવું લાગે છે કે આ બધું તો બીજા સાથે થઈ રહ્યું છે ને મારે એની સાથે કશી લેવાદેવા નથી. છેવટે ડોક્ટર કામગીરી પૂરી થયાની જાહેરાત કરે ત્યારે, એનેસ્થેશિયાની અસરથી મોં દડા જેવું થઈ ગયું હોય એવું લાગે છે, પણ ખુરશીમાંથી મુક્તિ મળ્યાના આનંદમાં બાકીનું બધું ભૂલાઈ જાય છે.
Wednesday, April 26, 2023
દાંતનો દુખાવો
આસ્તિકો માને છે કે ‘દાંત આપનાર ચાવણું (ચવાણું નહીં) પણ
આપશે.’ તે વિશે
મતમતાંતર હોઈ શકે છે, પણ એક વાત નક્કી છેઃ દાંત આપનાર દાંતનો દુખાવો પણ આપે છે. (દાંતમાં
દાઢનો પણ સમાવેશ ગણી લેવો)
એવી કથા સાંભળેલી કે ઇસુ ખ્રિસ્તને વધસ્તંભે લઈ જતા હતા, ત્યારે એક માણસને તેના દુખતા દાંતની પરવા હતી. આ વાત ભલે તે માણસની અસંવેદનશીલતાની ટીકા માટે હોય, પણ એક વાત નકકી છેઃ તે કથા રચનારને પોતાને કદી દાંતનો દુખાવો નહીં થયો હોય. બાકી, તેને સમજાયું હોત કે દાંતના દુખાવાની પીડા ઉપડ્યા પછી માણસને ઇસુ ખ્રિસ્તના નહીં, પોતાના વધસ્તંભની પીડા પણ ગૌણ લાગી શકે. કારણ કે, તે પીડા અભૂતપૂર્વ હોય છે.
મહાન સર્જકો પરકાયાપ્રવેશ કરીને બીજાનાં મનોજગત આલેખી શકે છે, પણ સ્વાનુભવ વિના બીજાના દાંતની પીડાનું આલેખન લગભગ અશક્ય છે. તે સચ્ચાઈ પહેલી વાર દાંતની પીડા ઉપડે ત્યારે જ સમજાય છે. સાથે એ પણ ખ્યાલ આવે છે કે આપમુઆ વિના સ્વર્ગે ભલે ન જવાય, પણ નરકે તો જઈ શકાય છે. કેમ કે, દાંતમાં ઉપડેલી ભયંકર પીડા સદેહે નરકનો અનુભવ કરાવે એવી હોય છે.
દાંતનો દુખાવો ઉપડવાનું કોઈ તત્કાળ કારણ હોય એવું જરૂરી નથી. માણસ હસતો-રમતો હોય અને અચાનક તેની મુખરેખાઓ વંકાઈ જાય છે, મોંમાંથી હળવો સીસકારો નીકળી જાય છે. તેને થાય છે કે અચાનક મોંમાં જઈને કોણ પીડાબોમ્બ ફોડી આવ્યું. જડબું આમતેમ હલાવીને, તે પીડા પર કાબૂ મેળવવા પ્રયાસ કરે છે. ત્યારે તેને ખ્યાલ નથી હોતો કે યે તો અભી ઝાંકી હૈ.
ઘણા કિસ્સામાં પીડા બેસી જાય છે, પણ કેટલીક વાર સમય જતાં દુખાવાની માત્રા વધવા લાગે છે અને માણસને સમજાતું નથી કે તેની સાથે આ શું અને શા માટે થઈ રહ્યું છે. પહેલી વાર પ્રેમમાં પડનાર જેવી વિશિષ્ટ, મૂંઝવણભરી અનુભૂતિ તેને થાય છે. ન બેસવાથી સારું લાગે, ન ચાલવાથી, ન સુવાથી સારું લાગે, ન જાગવાથી, પણ આ પીડા મીઠી નહીં, અસહ્ય હોય છે. કર્મફળમાં માનતા લોકોને થાય છે કે નક્કી ગયા જન્મનાં કર્મો આ જન્મે આંટી ગયાં લાગે છે. પ્રામાણિક માણસો પોતાનાં આ જન્મનાં કર્મો વિશે વિચારતા થઈ જાય છે.
સામાન્ય માણસોને દાંતના ડોક્ટરની જરૂર પડતી નથી. એટલે ફેમિલી ડોક્ટર હોય, તેમ દાંતના ફેમિલી ડોક્ટર, કમ સે કમ અમુક ઉંમર સુધી, હોતા નથી. બીજી તરફ દુખાવાગ્રસ્તની પીડા એવા અસહ્ય સ્તરે પહોંચે છે કે તેને પકડ, સાણસી, હથોડી જેવાં ઘરગથ્થુ ઓજારો વડે દુખતા દાંતનું ઉચ્છેદન કરી નાખવાના વિચાર આવે છે. પહેલાં દુખાવો કાબૂમાં રાખવા અને પછી તેની માત્રા ખૂબ વધી જતાં, દુખાવો સહી શકાય તે માટે તે મોમાં લવિંગ રાખે છે, પાણી ભરેલું રાખે છે, દુખતો ભાગ બહારથી ને અંદરથી દબાવી જોવા પ્રયાસ કરે છે, એ તરફ બરફનો ગાંગડો રાખે છે—પરંતુ દુખતો દાંત ગાંઠતો નથી.
પરિવારજનોમાંથી કોઈને દાંતના દુખાવાનો અનુભવ ન હોય તો તેમને નવાઈ લાગે છે કે આને અચાનક શું થઈ ગયું? આટલી બધી હાયવોય કેમ કરે છે? દાંતની અસર મગજ પર થાય કે કેમ, એ વિશે પણ તે ઇન્ટરનેટ પર સર્ચ કરી જુએ છે. પરંતુ ઘરમાં એકાદ અનુભવી હોય તો તે તરત સમજી જાય છે અને દાંતના ડોક્ટરને ફોન કરે છે. દુખાવાનો પ્રકાર જાણ્યા પછી, દર્દીને તપાસતાં પહેલાં તે દુખાવાશામક ગોળી આપે, ત્યારે દર્દીને પહેલાં તો શંકા જાય છે. તેને લાગે છે કે આટલી અમથી ગોળીથી મરણતોલ લાગતો દુખાવો શી રીતે મટશે? પણ તેને બંદૂકની ગોળીની અસર યાદ આવતાં, તે ગોળીના કદને બદલે તેની અસર પર ધ્યાન કેન્દ્રિત કરે છે અને ‘હવે મારાં દુઃખોનો અંત હાથવેંતમાં છે’ એવી હાશ અનુભવે છે. તેના દુઃખનો ઇન્ટરવલ પડ્યો છે અને ધ એન્ડ તો હજુ ઘણો દૂર છે—એ કઠોર વાસ્તવિકતાથી તે અજાણ હોય છે.
ગોળીઓથી દુખાવો શમી ગયા પછી દર્દીને આવતો પહેલો વિચાર એ હોય છે કે ‘હવે ડોક્ટરને ત્યાં જવાની શી જરૂર?’ પણ ભારે ગોળીઓની ઓસરતી અસર અને સંભવિત આડઅસરથી તેની સાન ઠેકાણે આવે છે અને કાશીએ કરવત મુકાવવા જતો હોય એવી ગંભીર તૈયારી સાથે તે ડોક્ટર પાસે જવા તૈયાર થાય છે. ઘણા લોકોએ દાંતના ડોક્ટરની કામગીરી જોઈ નથી હોતી. એટલે તેમના મનમાં અવનવાં કલ્પનાચિત્રો રચાય છે, જેમાં તે દોડતો હોય અને દાંતના ડોક્ટર પક્કડ હાથમાં લઈને તેની પાછળ દોડતા હોય, પાછળ તેમનો આખો સ્ટાફ પણ ધસી આવતો હોય અથવા દવાખાનાનો યુનિફોર્મ પહેરેલા ચાર લોકોએ તેને પકડ્યો હોય અને દાંતના ડોક્ટર હાથમાં હથોડી ને ડિસમિસ લઈને, તેમના દાંત દેખાય એવું અટ્ટહાસ્ય કરતા હોય. દાંતના ડોક્ટરો ને દવાખાનાં વિશે સાંભળેલી રમૂજો યાદ આવી જાય છે અને ‘ડોક્ટર મારી ચીસ સાંભળીને નાસી ગયેલા લોકોનું બિલ મારી પાસેથી વસૂલ નહીં કરે ને’—એવો વિચાર પણ આવી જાય છે.
આવી મનોસ્થિતિમાં દાંતના દવાખાને
પહોંચ્યા પછી શરૂ થતા નવા અનુભવની વાત આવતા અઠવાડિયે.
Monday, April 17, 2023
ગાંધીજી આજે પણ પ્રસ્તુત છે. આ રહ્યાં તેનાં દસ કારણ : રામચંદ્ર ગુહા
(ગાંધીજીની હત્યાની 75મી તિથીએ રામચંદ્ર ગુહાએ લખેલા લેખનો ગુજરાતી અનુવાદ. મૂળ લેખની લિન્ક )
કારણ 1
ગાંધીજીએ ભારતને અને જગતને અન્યાયી સત્તાધીશો
સામે હિંસાના પ્રયોગ વિના લડવાનું સાધન આપ્યું. નવાઈની વાત એ છે કે સત્યાગ્રહના
વિચારનો જન્મ જોહાનિસબર્ગના એમ્પાયર થિએટરમાં સપ્ટેમ્બર 11, 1906ના રોજ થયો હતો,
જ્યાં રંગભેદગ્રસ્ત કાયદાનો વિરોધ કરવા માટે ગાંધીજીના નેતૃત્વ હેઠળ ભારતીયોની સભા
મળી હતી. તેનાં 95 વર્ષ પછી ત્રાસવાદીઓએ વર્લ્ડ ટ્રેન્ડ સેન્ટર ઉડાડી દીધું. બે 9/11 : એકમાં અહિંસક
લડતના રસ્તે ન્યાયની માગણી તથા અંગત બલિદાન; બીજામાં હિંસા
અને બળપ્રયોગના રસ્તે શત્રુને ડારવાનો ઇરાદો.
ઇતિહાસે દર્શાવી આપ્યું છે કે અન્યાયનો મુકાબલો કરવાના મામલે બીજા વિકલ્પોની સરખામણીમાં સત્યાગ્રહ વધારે નૈતિક તેમ જ વધારે અસરકારક નીવડ્યો છે. દક્ષિણ આફ્રિકામાં અને ભારતમાં તેના પ્રયોગો પછી ગાંધીજીની એ પદ્ધતિનું અનુકરણ બીજાં ઘણાં ઠેકાણે થયું, જેમાં અમેરિકામાં કાળા લોકોએ આદરેલી નાગરિક અધિકારોની લડત સૌથી નોંધપાત્ર હતી.
કારણ 2
દેશ અને દેશની સંસ્કૃતિ માટેનો ગાંધીજીનો પ્રેમ,
જેના કારણે તેમાં રહેલી અનેક વિકૃતિઓને ઓળખીને તેને સુધારવા માટે તેમણે પ્રયાસ
કર્યો. ઇતિહાસકાર સુનિલ ખીલનાનીએ એક વાર કહ્યું હતું કે ગાંધીજી ફક્ત અંગ્રેજો
સામે જ નહીં, ભારત સામે પણ લડી રહ્યા હતા. ગાંધીજી તેમના-આપણા સમાજમાં રહેલી
ઊંડી અને વ્યાપક અસમાનતાને પિછાણતા હતા. અસ્પૃશ્યતા
સામેની તેમની ઝુંબેશ ભારતીયોને સ્વરાજ માટે વધુ લાયક બનાવવાની ઇચ્છાનું પરિણામ
હતી. તે નખશીખ નારીવાદી ન હોવા છતાં, મહિલાઓને જાહેર જીવનમાં આણવા માટે તેમણે ઘણું
કર્યું.
કારણ 3
ધર્મિષ્ઠ હિંદુ હોવા છતાં તેમણે ધર્મના આધારે
નાગરિકતાના ખ્યાલનો ઇન્કાર કર્યો. જ્ઞાતિપ્રથાએ હિંદુઓને ઊભા વહેર્યા છે, તો ધર્મે ભારતને આડું વહેર્યું છે. આ ઊભા અને
ઘણી વાર ઐતિહાસિક રીતે આમનેસામને રહેલા વિભાગો વચ્ચે સેતુ બનાવવા માટે ગાંધીજી મથતા
રહ્યા. હિંદુ-મુસલમાન એકતા તેમની કાયમી નિસબત રહી. એના માટે તે જીવ્યા અને આખરે, તેના માટે મૃત્યુ વહોરવા પણ તૈયાર રહ્યા.
કારણ 4
ગુજરાતી સંસ્કૃતિમાં તરબોળ હોવા છતાં અને
ગુજરાતી ભાષા પર તેમનું પ્રભુત્વ હોવા છતાં, તે સંકુચિત
પ્રાંતવાદી ન હતા. પોતાના સિવાયના ધર્મો માટે તેમના મનમાં આદરપ્રેમ હતાં. એવી જ
રીતે ગુજરાતી સિવાયની ભાષાઓ માટે પણ તેમના મનમાં આદરભાવ રહ્યો. ભારતના ધાર્મિક અને
ભાષાકીય વૈવિધ્ય માટેની તેમની સમજ વિદેશનિવાસ દરમિયાન વધારે ઊંડી બની, જ્યાં તેમના સાથીદારો તરીકે હિંદુઓની સાથોસાથ
મુસલમાનો અને પારસીઓ પણ હતા, ગુજરાતીઓની સાથે
તમિલો પણ હતા.
કારણ 5
તે દેશભક્ત હોવાની સાથે વૈશ્વિક પણ હતા. ભારતીય
સંસ્કૃતિની સમૃદ્ધિ અને તેના વારસાની કદર કરવાની સાથે તેમને એ પણ ખ્યાલ હતો કે
વીસમી સદીમાં કોઈ પણ દેશ કૂવામાંનો દેડકો બનીને રહી શકે નહીં. બીજાના આયનામાં
જાતને જોવાના પણ ફાયદા હોય છે. તેમની પર ભારતીય તેમ જ પાશ્ચાત્ય બંને પ્રકારના
પ્રભાવ હતા. તેમના તાત્ત્વિક અને રાજકીય દૃષ્ટિબિંદુમાં તોલ્સ્તોય અને રસ્કિન
જેટલા જ ગોખલે અને રાયચંદભાઈ (શ્રીમદ્ રાજચંદ્ર) હતા. વિવિધ વંશીય ઓળખ ધરાવતા લોકો
સાથે તેમની ગાઢ દોસ્તી થઈ. તેમાં હેન્રી અને મિલિ પોલાક, હર્મન કેલનબેક અને સી.એફ. એન્ડ્રુઝ જેવા તેમના
મિત્રોનો સમાવેશ થાય. તે સૌએ તેમના અંગત અને જાહેર જીવનમાં મહત્ત્વની ભૂમિકા ભજવી.
અહીં થોભીને એટલું અંકે કરવું જોઈએ કે ગાંધીજીના વારસા જેવી આ પાંચ બાબતો ન હોત, તો સ્વતંત્ર ભારતે કદાચ સાવ જુદો રસ્તો લીધો હોત. ગાંધીજી હિંસાને બદલે સંવાદને પ્રાધાન્ય આપતા હતા, એટલે (નિર્ણયો લેવામાં હિંસાનો રસ્તો અપનાવનારા એશિયા અને આફ્રિકાના મોટા ભાગના દેશોની માફક) ભારતમાં એકપક્ષીય આપખુદશાહી રાજ્યવ્યવસ્થાને બદલે બહુપક્ષીય લોકશાહી સ્થપાઈ. ગાંધીજી અને ડો. આંબેડકર જેવા લોકોએ જાતિ અને જ્ઞાતિની સમાનતા પર ભાર મૂક્યો હોવાને કારણે, તે સિદ્ધાંતોનો ભારતના બંધારણમાં સમાવેશ થયો. ગાંધીજી અને જવાહરલાલ નેહરુએ ધાર્મિક અને ભાષાકીય સ્વતંત્રતાનો આગ્રહ રાખ્યો હોવાથી, બીજા ઘણા દેશોમાં બન્યું તેનાથી વિપરીત, ભારતે કોઈ એક ધર્મ કે ભાષાના ચડિયાતાપણાને આધારે નાગરિકતા નક્કી ન કરી.
આંબેડકર અને નેહરુના દાખલા પરથી સ્પષ્ટ થાય છે
તેમ, લોકશાહી મૂલ્યો અને સમાવેશક રાજકીય સંસ્કાર
કેવળ ગાંધીજીની દેન હતી, એવું કહેવાનો આશય નથી. અલબત્ત, વ્યક્તિગત નેતાગીરી અને લોકશાહી, સાંસ્કૃતિક વિવિધતા તથા સામાજિક સમાનતા અંગે
વારંવારના આગ્રહ થકી ગાંધીજીની ભૂમિકા અત્યંત મહત્ત્વની હતી.
કારણ 6
ગાંધીજી જમાના કરતાં આગળ રહેલા પર્યાવરણવાદી
હતા. અવિરત વૃદ્ધિ અને ગ્રાહકવાદથી કેવો ધબડકો સર્જાશે તેનો અંદાજ તેમને હતો.
ડિસેમ્બર 1928માં તેમણે લખ્યું હતું, ‘ઈશ્વર હિંદુસ્તાનને યંત્રયુગથી અને સંસારને
યંત્રમય હિંદુસ્તાનથી બચાવો. આજે એક મૂઠી જેટલી કોમ (ઇંગ્લેન્ડ) આર્થિક લૂંટને
પંથે ચડી આખા જગતની જંગલી અભણ ગણાતી કોમોના પેટ ઉપર પગ મૂકીને બેઠેલી છે. જો 33
કરોડ લોકોની પ્રજા આ માર્ગે ચડે તો આખા સંસારને વેરાન કરી નાખે.’ આ એકદમ સાચું ભવિષ્યદર્શન છે. પશ્ચિમે આરંભેલા
અઢળક મૂડી, અઢળક સંસાધનો અને અઢળક
ઊર્જા હજમ કરી જતા ઔદ્યોગિકીકરણના રસ્તે આગળ ચાલતા ચીન અને ભારતને કારણે ખરેખર
દુનિયા ઉજ્જડ થઈ જવાનો ખતરો છે. પોતાના જીવન અને કાર્યમાં ગાંધીજીએ સંયમ અને
જવાબદારીની હિમાયત કરી, જેના વ્યાપક
સ્તરે સ્વીકાર ઉપર પૃથ્વીનું ભવિષ્ય આધાર રાખે છે.
કારણ 7
ગાંધીજીમાં નીતનવા પ્રસંગો અને અનુભવો સાથે
વિકસવાની અને ઉત્ક્રાંત થવાની ક્ષમતા હતી. વિખ્યાત અર્થશાસ્ત્રી જોન કેન્સના નામે
ચડેલું એક અવતરણ છે, ‘હકીકતો બદલાય, ત્યારે હું મારું
મન પણ બદલું છું. તમારું કેમ છે?’ હકીકતમાં
ગાંધીજીએ 1934માં કહ્યું હતું, ‘મારાં વચનોમાં સર્વકાળે અવિરોધ હોવો જ જોઈએ એવો
આગ્રહ કદી રાખ્યો નથી. જે ક્ષણે મને જે સત્ય ભાસે તે પ્રમાણે હું બોલું ને આચરું
તો મારાં વાણી ને આચરણમાં ગમે એટલા વિરોધો બતાવવામાં આવે એની મને પરવા નથી.‘
પોતાના જીવનકાળ દરમિયાન ગાંધીજીએ ખાસ કરીને
ત્રણ મહત્ત્વની બાબતોમાં તેમના વિચાર બદલ્યા.
એ ત્રણ બાબતો હતીઃ વંશીયતા (રેસ), જ્ઞાતિ (કાસ્ટ) અને જાતિ (જેન્ડર). આ ત્રણે
મુદ્દે અગાઉ તેમના મનમાં રહેલા પૂર્વગ્રહોને બદલે તેમણે વધારે પ્રગતિશીલ ભૂમિકા
અપનાવી. સભાન વિચાર વગરના વંશવાદી વલણથી શરૂઆત કરીને તે વંશવાદના મુખ્ય વિરોધી
બન્યા. જ્ઞાતિઆધારિત ઊંચનીચના ભદભાવને અચકાતાં-ખચકાતાં પડકાર આપવાનું શરૂ કર્યા
પછી તેમણે તેનો સીધો અને ખુલ્લો પ્રતિકાર કર્યો. મહિલાઓને બિનરાજકીય ભૂમિકામાં
રાખતાં રાખતાં છેવટે તેમણે મહિલાઓને સંપૂર્ણપણે જાહેર જીવનમાં અને આઝાદીની લડાઈમાં
સામેલ કરી.
કારણ 8
ગાંધીજીમાં અનુયાયીઓમાંથી નેતા બનાવવાની ગજબ
ફાવટ હતી. તે પ્રતિભાને પિછાણતા, તેને
પોષતા-વિકસાવતા અને પછી તેને સ્વતંત્રપણે આગળ જવા દેતા. તેમની આસપાસ ઉમેટેલા
અનુયાયીઓમાંથી કેટલાય સ્વતંત્રપણે ઇતિહાસના ઘડવૈયા બન્યા. તેમના અનુયાયીમાંથી નેતા
બનેલા લોકોમાંથી કેટલાંક મહત્ત્વનાં નામઃ જવાહરલાલ નેહરુ, વલ્લભભાઈ પટેલ, કમલાદેવી
ચટ્ટોપાધ્યાય, સી. રાજગોપાલાચારી, ઝાકિર હુસૈન, જે.બી. કૃપાલાણી, જે.સી. કુમારપ્પા, સરલાદેવી (કેથરીન મેરી હેલમેન) અને બીજા ઘણા.
ભાવિ નેતાઓ ઉછેરી શકવાની ગાંધીજીની ક્ષમતા
ભારતના સૌથી પ્રભાવશાળી ત્રણ વડાપ્રધાનોની સરખામણીએ વિરોધાભાસ સર્જે છે. જવાહરલાલ
નેહરુ, ઇન્દિરા ગાંધી અને નરેન્દ્ર મોદી ચરિત્ર અને
રાજકીય વિચારધારાની રીતે ઘણા જુદા છે. પરંતુ પક્ષ, સરકાર અને દેશને
પોતાની સાથે-પોતાના સમાનાર્થી તરીકે સાંકળી દેવાની બાબતમાં તે સરખા છે. ઇન્દિરા
ગાંધી સત્તાના વ્યક્તિકરણને નેહરુ કરતાં ઘણું આગળ લઈ ગયાં અને મોદી તેને ઇન્દિરા
ગાંધી કરતાં પણ બહુ આગળ લઈ ગયા. એ ત્રણે પોતાને અનિવાર્ય અને તેમનું સ્થાન કોઈ લઈ
ન શકે એવાં માનતાં હતાં. તેમણે પછીની પેઢીના નેતાઓ ઊભા કરવાની દિશામાં ભાગ્યે જ
કંઈ કર્યું. (રાજકારણ સિવાય ભારતના કોર્પોરેટ જગતના વડાઓ અને સ્વૈચ્છિક સંસ્થાના
વડાઓમાં પણ સત્તાના વ્યક્તિકરણની લાક્ષણિકતા જોવા મળે છે, જે સંસ્થાને પોતાની સાથે એકરૂપ બનાવી દે છે.)
કારણ 9
ગાંધીજીમાં વિરોધી મત ધરાવનારનો દૃષ્ટિકોણ
જોવા-સમજવાની અને તેમની સાથે સંવાદ સાધીને સન્માનભર્યા સમાધાન સુધી પહોંચવાની
તૈયારી હતી. એટલે, આંબેડકર અને ઝીણા જેવા રાજકીય વિરોધીઓ સાથે અને દક્ષિણ
આફ્રિકામાં તેમ જ ભારતમાં શાહી પ્રતિનિધિઓ સાથે તે ધીરજપૂર્વક વર્ષો સુધી સમાધાનની
ભોંય ભાંગવાના પ્રયાસ કરતા રહ્યા. તેમને અણગમા કે તીવ્ર નાપસંદગી કેવળ બૌદ્ધિક અને
રાજકીય હતાં, અંગત નહીં –અને તે પણ ઉકેલી શકાય એવી તેમને આશા હતી. મનમાં દુર્ભાવ
સંઘરી રાખવાની ક્ષમતા તેમનામાં ન હતી.
કારણ 10
ગાંધીજીનું રાજકીય જીવન સંપૂર્ણપણે પારદર્શક
હતું. આશ્રમમાં કોઈ પણ જઈ શકતું, તેમની સાથે ચર્ચા કરી શકતું અને છેવટે થયું પણ
એવું કે એક માણસ સાવ સરળતાથી તેમની નજીક પહોંચી ગયો અને તેમની હત્યા કરી નાખી.
તેમના કે આપણા સમયમાં સુરક્ષાની જંજાળો વચ્ચે જીવતા નેતાઓની સરખામણીમાં તે કેટલો
મોટો વિરોધાભાસ કહેવાય.
ગાંધીજીના જીવનમાંથી મેં તારવેલા બોધપાઠ ફક્ત આ દેશ માટે જ પ્રસ્તુત છે એવું નથી. અલબત્ત, ધાર્મિક બહુમતીવાદની આબોહવામાં, અપમાન અને બુરાઈથી ગ્રસ્ત રાજકીય સંસ્કૃતિમાં, જૂઠાણાં અને અસત્યો ફેલાવતા નેતાઓ અને સરકારોની વચ્ચે, પ્રાકૃતિક પર્યાવરણના સત્યાનાશની સાથે, વ્યક્તિભક્તિના માહોલમાં ભારતને કદાચ તેની સૌથી વધારે જરૂર છે.
Friday, March 31, 2023
પાણીપૂરીનું પોલિટિક્સ
ભારતના વડાપ્રધાને જાપાનના વડાપ્રધાનને પાણીપૂરી ખવડાવી, એટલે પાણીપૂરીને પ્રસાર માધ્યમોમાં સ્થાન મળ્યું. હિંદીભાષીઓ પાણીપૂરીને ગોલગપ્પા કહે છે, પણ વડાપ્રધાન અને ગપ્પા—એ બંને શબ્દો સાથે મુકવાથી દંડાત્મક કાર્યવાહીની પૂરી સંભાવના રહે છે. માટે, તેને પાણીપૂરી કહેવાનું જ ઠીક રહેશે.
પાણીપૂરી અને
વડાપ્રધાન વચ્ચેનો સૌથી મોટો તફાવત એ છે કે પાણીપૂરીને લોકપ્રિયતા મેળવવા માટે
જૂઠું બોલવું પડતું નથી, ધિક્કારના મસાલાની જરૂર પડતી નથી, સામાજિક-અસામાજિક
પ્રસાર માધ્યમોમાં સતત છવાયેલા રહેવું પડતું નથી અને પોતાના જયજયકાર માટે (બીજાના)
લાખો રૂપિયાનો ધુમાડો કરવો પડતો નથી. કદી સાંભળ્યું કે પાણીપૂરીની લોકપ્રિયતા માટે
આખો સાયબર સેલ નિભાવવામાં આવે છે? અને તેની પરથી
વોટ્સએપ પર સતત ગેરમાહિતીનો પ્રવાહ વહેતો કરવામાં આવે છે?
હકીકત એ પણ છે કે
પાણીપૂરીને વડાપ્રધાનપદે બેસાડી શકાતી નથી. એટલે તેને વડાપ્રધાનપદના વિકલ્પ તરીકે
રજૂ કરવાનો કોઈ ઇરાદો નથી. તે જાણીને પાણીપૂરીને પણ હાશ થવી જોઈએ કે તેણે રાજદ્રોહ
કે ત્રાસવાદવિરોધી કાયદા જેવી કોઈ કાર્યવાહીનો ડર રાખવાની જરૂર નથી. વડાપ્રધાનના
વિરોધમાં પોસ્ટર લગાડનારા સામે આકરી કાર્યવાહી થઈ જતી હોય તો તેમના વિકલ્પ તરીકે
રજૂ થનારે કેટલી તૈયારી રાખવી પડે?
પાણીપૂરીનાં
સાંસ્કૃતિક પાસાંની વાત કરીએ તો, સૌપ્રથમ તે ભારતીય સંયુક્ત કુટુંબપ્રથાના
મહિમાનું પ્રતિક છે. નામ તેનું ભલે પાણીપૂરી હોય, પણ તેમાં ચણા, બટાટા, મસાલો,
ખાટી ચટણી, ગળી ચટણી, પાણી વગેરે ભેગાં ન થાય ત્યાં સુધી તેનો સ્વાદ આવતો નથી.
સંયુક્ત કુટુંબની જેમ સંયુક્ત પાણીપૂરીના પ્રશ્નો હોય છે. ચટણી વધારે પડી જાય,
મસાલો ઓછો પડે, ચણા ચડ્યા ન હોય—ટૂંકમાં, સંયુક્ત કુટુંબની જેમ સભ્યો જેટલા વધારે,
એટલી તેમાંથી એકાદના વંકાવાની સંભાવના પણ વધારે. છતાં, માણસ એક વાર ગાંઠ વાળે કે ‘ગમે તે થાય, મને સંયુક્ત કુટુંબ જ ગમે.’ તો બધી મુશ્કેલીઓ ગૌણ થઈ જાય છે. એવું જ પાણીપૂરીનું
પણ છે. તેના ઘટકો ગમે તેટલા આડાઅવળા થાય, પણ છેવટે પાણીપૂરી તો પાણીપૂરી જ રહે છે.
સવાલ સાચા
પ્રેમનો છે. લૈલામજનુ જેવી અનેક પ્રેમકહાનીઓનાં મુખ્ય બે પાત્રો બહુ સુંદર હતાં,
એવું ક્યાંય લખેલું નથી. તે પાત્રો એકબીજાને બહુ સુંદર લાગતાં હતાં. કારણ કે તે
એકબીજાના પ્રેમમાં હતાં. પાણીપૂરી અને તેમના પ્રેમીઓનો પણ એવો જ નાતો હોય છે. બિનપ્રેમીઓને
તે કદી સમજાતું નથી. પ્રેમીઓને ભાવે સારી પાણીપૂરી, પણ ચાલે ગમે તે પાણીપૂરી.
પોતાને ભાવતા સ્વાદ કરતાં સાવ જુદી પાણીપૂરી મળી જાય તો પણ, તે પડ્યું પાનું (કે
પાણી) નિભાવી લેવાની સહિષ્ણુતા-ઉદારતાથી, જેવી મળે તેવી પાણીપૂરીનો આનંદ માણે છે. વચ્ચે
વચ્ચે ‘યું હોતા તો ક્યા હોતા’ એવી ફરિયાદો કરે ખરા,
પણ ટીકા કરતાં કરતાં મોંમાં પાણીપૂરી ઓરવાનું ચાલુ રહે છે.
આધુનિક પાશ્ચાત્ય સભ્યતાએ ભારતીય પરંપરા સામે જે કેટલાક પાયાના પડકાર ઊભા
કર્યા છે, તેમાંનો એક છેઃ પાણીપૂરી ખાવી શી રીતે? ભારતીય
પદ્ધતિમાં ભોજન માટે હાથનો ઉપયોગ થાય છે. પાણીપૂરી ખાવા માટે હાથના પણ વિશિષ્ટ
કૌશલ્યની જરૂર પડે છે. જેમ કે, માણસ જેવો આકાર ધરાવતા યંત્રમાનવને રોટલી કે દાળભાત
ખાતાં શીખવવું ઓછું અઘરું હશે, પણ તેને પાણીપૂરી ખાવાનું શીખવવું ભારે કઠણ નીવડી
શકે છે. પાણી ભરેલી પૂરી પર હાથનું દબાણ એટલું હોવું જોઈએ કે પૂરી છટકે નહીં, પણ
દબાણ એટલું વધારે ન હોય કે પૂરી ફસડાઈ પડે. ડીશમાં પડેલી પૂરીને કયા ખૂણેથી પકડવી,
ત્યાર પછી હાથને કોણીથી કયા ખૂણે વાળવો કે જેથી પૂરીની અંદર રહેલું સત્ત્વ બહાર
પડી ન જાય અને પૂરી મોં સુધી લઈ જતી વખતે હાથનો ખૂણો કેટલો રાખવો—આવા સવાલ
એન્જિનિયરિંગમાં પૂછાતા ન હોય, પછી ભારત રોબોટિક્સમાં ક્યાંથી આગળ આવે?
પૂરીના કદમાપ
વિશે પણ બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ તરફથી કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. એટલે
લોકો મન ફાવે એટલી નાની-મોટી પૂરીઓ બનાવે છે. કેટલીક પૂરીઓ એટલી મોટી અને ફુલેલી
હોય છે કે સીધોસાદો માણસ મહંમદઅલી ઝીણા બનીને વિચારવા માંડે, ‘આના ભાગલા કરવા જોઈશે.’ પણ સૌ જાણે છે કે ભાગલાનું કામ સૈદ્ધાંતિક
રીતે ગમે તેટલું સહેલું લાગે, વ્યવહારમાં તેમાં કકળાટનો પાર નથી હોતો. એટલે, મોટા
ભાગના લોકો, મોં કરતાં પૂરી ગમે તેટલી મોટી હોય તો પણ, પૂરીની એકતા-અખંડિતતાનો ભંગ
કર્યા વિના, તેને મોમાં ઠાંસવાનો પ્રયાસ કરે છે. ઘણાખરા કિસ્સામાં પૂરી અંદર ઘુસી
તો જાય છે, પણ ખાનારનું મોં થોડા સમય પૂરતું બંધ થઈ જાય છે. ક્યારેક પૂરી મોંમાં
જાય તે પહેલાં જ તેનું વિસર્જન થઈ જાય છે. તેની અંદરનું પાણી ડીશમાં રેલાય છે, પણ
ખાનાર હિંમત હાર્યા વિના, પૂરીનો જેટલો હિસ્સો મોંમાં જાય એટલો ઘુસાડવાનો પ્રયાસ
કરીને, તે પૂરીને ખવાયેલી જાહેર કરે છે.
કોચિંગ ક્લાસનો
ધમધમતો ધંધો ધરાવતા ભારતમાં પાણીપૂરી બનાવવાના ક્લાસ ચાલતા હોય તે સંભવ છે, પણ હજુ
સુધી કોઈને પાણીપૂરી કેમ ખાવી તેના ક્લાસ ખોલવાનો વિચાર આવ્યો નથી. બાકી, તેની
જરૂર ફક્ત જાપાનના વડાપ્રધાન જેવા વિદેશીઓને જ નહીં, પૂરીના મોટા કદ અને
ચિત્રવિચિત્ર આકારથી પીડીત ભારતીયોને પણ પડી શકે છે.
Sunday, March 12, 2023
મોહનથાળ કે ચીકી?
ખરેખર, આપણામાંથી ઘણા લોકોને કયો મુદ્દો મહત્ત્વનો, તે સમજાતું નથી. વારે વારે બંધારણીય સંસ્થાઓની સ્વાયતત્તા પર પડેલી તરાપનો કકળાટ કરનારા, સરકાર પર તપાસસંસ્થાઓના દુરુપયોગનો આરોપ મુકનારા, સરકાર જૂઠું બોલે છે એવું કહેનારા—આવા અનેક પ્રકારના લોકો અંબાજીના પ્રસાદમાં મોહનથાળને પદભ્રષ્ટ કરીને ચીક્કીને બેસાડી દીધી, ત્યારે મૌન છે. તેમનું રૂંવાડું પણ નથી ફરકતું. તેમને દંભી બૌદ્ધિકો નહીં તો બીજું શું કહેવાય?
મોહનથાળ-ચીકી વિવાદે ધાર્મિકતાને વિશાળ અને વ્યાપક બનાવવામાં મહત્ત્વનો ફાળો આપ્યો છે. પહેલાં ધાર્મિકતાની વ્યાખ્યામાં ‘મંદિર વહીં બનાયેંગે’ જેવાં સૂત્રોનો સમાવેશ થતો હતો, તે વિસ્તરીને હવે ‘મોહનથાળ વહીં બનાયેંગે’ સુધી પહોંચ્યો છે. તે દર્શાવે છે કે ભક્તો પછાત રહી જવાને બદલે, જમાના સાથે તાલ મિલાવી રહ્યા છે. પહેલાં ‘પરસાદિયા ભગત’ જેવા શબ્દપ્રયોગો કોઈની ટીકા માટે વપરાતા હતા અને ધર્મસ્થાનોમાં પ્રસાદના મહત્ત્વ વિશે ચર્ચા કરનારા ભૂખ્ખડ કે ખાઉધરામાં ખપી જતા હતા. તેને બદલે, અંબાજીમાં પ્રસાદના મુદ્દે ધર્મયુદ્ધનાં મંડાણ જેવો માહોલ ગયા સપ્તાહે સર્જાયો. પ્રસાર માધ્યમોએ પણ પૂરી ગંભીરતાથી, નાગરિક અધિકારોના સંરક્ષણ માટે કટિબદ્ધ થઈને, મોહનથાળ-ચીકી વિવાદમાં ઝંપલાવ્યું. કેટલાકે ઇન્વેસ્ટિગેટિવ જર્નલિઝમ ઉર્ફે ખોજી પત્રકારિતાનો અભરાઈએ ચડાવેલો સંસ્કાર યાદ કરીને પ્રસાદના કોન્ટ્રાક્ટથી માંડીને મોહનથાળના ઇતિહાસ સુધીની શોધખોળ આદરી.
બિનગુજરાતીઓ ભલે ટીકા કરતા કે ગુજરાતીઓને આંદોલન કરતાં નથી આવડતું. હકીકત એ છે કે કયા મુદ્દે આંદોલન થાય, તેની પ્રાથમિકતા ઘણા ગુજરાતીઓમાં સ્પષ્ટ રીતે અંકિત હોય છે. તેમને ખબર છે કે ગુજરાત વિદ્યાપીઠમાં સરકારને અનુકૂળ કુલપતિને બેસાડી દેવાય કે પછી પરીક્ષાનાં પેપર-બેપર ફૂટે તેની બહુ હાયવોય કરવાની ન હોય. બહુ એવું લાગે તો થોડું બૂમરાણ કરીને સરકી જવાનું. પણ મોહનથાળ-ચીકી તો સનાતન ધર્મનો પ્રાણપ્રશ્ન છે. નરેન્દ્રભાઈ કે અમિતભાઈ જ્યાં સુધી કંઈ ન કહે, ત્યાં સુધી એ મુદ્દે ખુલીને વિરોધ કરવો, એ ધાર્મિક ફરજ છે, એવું ઘણાને લાગે છે.
આ લખાતું હતું ત્યાં સુધી સરકાર આખા મુદ્દામાં દાખલ થઈ ન હતી. સરકારને પણ ખબર હોય છે કે લોકશાહી-બંધારણીય સંસ્થાઓ જેવા મુદ્દામાં તો ઉપરવાળો-ઉપરવાળા બેઠા છે. બીબીસી જેવા હજાર આવે તો પણ કશું ઉખડવાનું નથી. પણ મોહનથાળના મુદ્દે એવી ખાતરી નથી. કારણ કે, તે લોકોની ધાર્મિક લાગણીનો સવાલ છે—અને ધાર્મિક લાગણીનો જીન સાથે હોય ત્યાં સુધી જ સારો. તે સામે પડે તો તકલીફ. એ જ કારણથી, આ લેખ તમારા સુધી પહોંચશે ત્યાં સુધીમાં લગભગ ફરી એક વાર પ્રસાદ તરીકે મોહનથાળ શરૂ થઈ ચૂક્યો હશે—અને ચીકીવાળા ભાઈની ભક્તિ ફળશે, તો બંને પ્રસાદ પણ રહી શકે છે.
પ્રસાદવિવાદના ઉકેલ અંગે વિચારતાં કેટલાક વિકલ્પ સૂઝ્યા. જેમ કે, મોહનથાળ હટાવવો જ હોય તો નવો જે કોઈ પ્રસાદ રાખવામાં આવે, તેનું નામ ‘મોદીથાળ’ રાખવું જોઈએ. સરદાર પટેલ સ્ટેડિયમમાંથી સરદાર પટેલનું નામ હટાવીને નરેન્દ્ર મોદીનું નામ મુકી દેવાયા પછી પણ લોકોને વાંધો પડતો નથી, તો સરદાર પટેલની સરખામણીમાં મોહનથાળની શી વિસાત? મૂળ સવાલ ભક્તોને સંતોષવાનો છે. તો ‘મોદીથાળ’ નામ જુદા પ્રકારના પણ એટલા જ વિશાળ એવા ભક્તસમુદાયને સહેલાઈથી પ્રસન્ન કરી શકશે અને બે-ચાર દહાડામાં ઘણાખરા લોકો ભૂલી પણ જશે કે અંબાજીમાં પ્રસાદ તરીકે ક્યારેક મોહનથાળ અપાતો હતો. સોશિયલ મિડીયા ઉપર પણ એવો પ્રચાર શરૂ થઈ જશે કે મોહનથાળનું મૂળ નામ ‘મોદીથાળ’ જ હતું અને અંબાજીના ગબ્બર પર પહેલાં તે જ અપાતો હતો. પછી જવાહરલાલ નેહરુએ ગાંધીજીની યાદમાં તેનું નામ ‘મોહનથાળ’ પાડ્યું. એટલે હવે તેનું નામ ફરી એક વાર ‘મોદીથાળ’ કરવામાં આવે, તો તે ઐતિહાસિક રીતે ઉચિત છે અને કોંગ્રેસે ભ્રષ્ટ કરેલા ઐતિહાસિક ગૌરવની પુનઃસ્થાપના કરવા બરાબર છે.
ઉપરની થિયરી કલ્પનાને બદલે ઐતિહાસિક હકીકત તરીકે વોટ્સએપ પર વાંચવા મળે તો નવાઈ પામવી નહીં, એવી ચેતવણી પણ અહીં આપી દેવી જરૂરી છે. બીજો વિકલ્પ પણ એટલો જ સહેલો અને અસરકારક લાગે છે. વર્તમાન સરકારની સમસ્યાઉકેલની પદ્ધતિને તે બંધબેસતો પણ છે, એટલે તેમાં ઉપર પૂછવું પડે એવો પણ લાગતું નથી. એક સમસ્યાને ઉકેલવા માટે સરકારનું સામાન્ય વલણ બીજા નવા વિવાદ ઉભા કરીને લોકોનું ધ્યાન તે દિશામાં દોરી જવાનું હોય છે. વિચારો કે એક તરફ મોહનથાળ-ચીકીનું ઠેકાણું ન પડ્યું હોય ત્યાં રણછોડરાયના ડાકોરમાં ગોટા મળતા બંધ થઈ જાય તો?
સ્વાભાવિક છે, ડાકોરમાં ગોટા મળતા બંધ થાય તેને કોંગ્રેસનું, ડાબેરીઓનું, માઓવાદીઓનું, હિંદુવિરોધીઓનું કે ચીનનું કાવતરું તો ગણાવી શકાય નહીં. કારણ કે, ગોટા તો બહાર દુકાન પર વેચાતા મળે છે. પણ ગોટા ડાકોરની અને ડાકોરના ઠાકોરની સાથે એટલા અભિન્નપણે જોડાઈ ગયેલા છે કે તેને ધાર્મિક લાગણીનો મુદ્દો ગણાવવામાં કે બનાવવામાં જરાય અતિશયોક્તિ ન લાગે-જરાય તકલીફ ન પડે. મોહનથાળની સાથે ગોટાની પુનઃસ્થાપના જેવા બબ્બે મહાપડકારો સનાતન ધર્મના ભક્તો સામે ખડા થાય, ત્યારે તેમની મુંઝવણનો પાર ન રહે. એક જમાનામાં ગાંધીજીના નમક સત્યાગ્રહમાં લોકો ઠેકઠેકાણે મીઠું પકવતા હતા, તેમ લોકો અંબાજીમાં મોહનથાળ ને ડાકોરમાં ગોટા બનાવવા માંડે...
--અને ચોતરફ
સનાતન ધર્મનો જયજયકાર થઈને સતયુગ વ્યાપી રહે.