Friday, March 31, 2023

પાણીપૂરીનું પોલિટિક્સ

ભારતના વડાપ્રધાને જાપાનના વડાપ્રધાનને પાણીપૂરી ખવડાવી, એટલે પાણીપૂરીને પ્રસાર માધ્યમોમાં સ્થાન મળ્યું. હિંદીભાષીઓ પાણીપૂરીને ગોલગપ્પા કહે છે, પણ વડાપ્રધાન અને ગપ્પા—એ બંને શબ્દો સાથે મુકવાથી દંડાત્મક કાર્યવાહીની પૂરી સંભાવના રહે છે. માટે, તેને પાણીપૂરી કહેવાનું જ ઠીક રહેશે.

પાણીપૂરી અને વડાપ્રધાન વચ્ચેનો સૌથી મોટો તફાવત એ છે કે પાણીપૂરીને લોકપ્રિયતા મેળવવા માટે જૂઠું બોલવું પડતું નથી, ધિક્કારના મસાલાની જરૂર પડતી નથી, સામાજિક-અસામાજિક પ્રસાર માધ્યમોમાં સતત છવાયેલા રહેવું પડતું નથી અને પોતાના જયજયકાર માટે (બીજાના) લાખો રૂપિયાનો ધુમાડો કરવો પડતો નથી. કદી સાંભળ્યું કે પાણીપૂરીની લોકપ્રિયતા માટે આખો સાયબર સેલ નિભાવવામાં આવે છે? અને તેની પરથી વોટ્સએપ પર સતત ગેરમાહિતીનો પ્રવાહ વહેતો કરવામાં આવે છે?

હકીકત એ પણ છે કે પાણીપૂરીને વડાપ્રધાનપદે બેસાડી શકાતી નથી. એટલે તેને વડાપ્રધાનપદના વિકલ્પ તરીકે રજૂ કરવાનો કોઈ ઇરાદો નથી. તે જાણીને પાણીપૂરીને પણ હાશ થવી જોઈએ કે તેણે રાજદ્રોહ કે ત્રાસવાદવિરોધી કાયદા જેવી કોઈ કાર્યવાહીનો ડર રાખવાની જરૂર નથી. વડાપ્રધાનના વિરોધમાં પોસ્ટર લગાડનારા સામે આકરી કાર્યવાહી થઈ જતી હોય તો તેમના વિકલ્પ તરીકે રજૂ થનારે કેટલી તૈયારી રાખવી પડે?

પાણીપૂરીનાં સાંસ્કૃતિક પાસાંની વાત કરીએ તો, સૌપ્રથમ તે ભારતીય સંયુક્ત કુટુંબપ્રથાના મહિમાનું પ્રતિક છે. નામ તેનું ભલે પાણીપૂરી હોય, પણ તેમાં ચણા, બટાટા, મસાલો, ખાટી ચટણી, ગળી ચટણી, પાણી વગેરે ભેગાં ન થાય ત્યાં સુધી તેનો સ્વાદ આવતો નથી. સંયુક્ત કુટુંબની જેમ સંયુક્ત પાણીપૂરીના પ્રશ્નો હોય છે. ચટણી વધારે પડી જાય, મસાલો ઓછો પડે, ચણા ચડ્યા ન હોય—ટૂંકમાં, સંયુક્ત કુટુંબની જેમ સભ્યો જેટલા વધારે, એટલી તેમાંથી એકાદના વંકાવાની સંભાવના પણ વધારે. છતાં, માણસ એક વાર ગાંઠ વાળે કે ગમે તે થાય, મને સંયુક્ત કુટુંબ જ ગમે. તો બધી મુશ્કેલીઓ ગૌણ થઈ જાય છે. એવું જ પાણીપૂરીનું પણ છે. તેના ઘટકો ગમે તેટલા આડાઅવળા થાય, પણ છેવટે પાણીપૂરી તો પાણીપૂરી જ રહે છે.

સવાલ સાચા પ્રેમનો છે. લૈલામજનુ જેવી અનેક પ્રેમકહાનીઓનાં મુખ્ય બે પાત્રો બહુ સુંદર હતાં, એવું ક્યાંય લખેલું નથી. તે પાત્રો એકબીજાને બહુ સુંદર લાગતાં હતાં. કારણ કે તે એકબીજાના પ્રેમમાં હતાં. પાણીપૂરી અને તેમના પ્રેમીઓનો પણ એવો જ નાતો હોય છે. બિનપ્રેમીઓને તે કદી સમજાતું નથી. પ્રેમીઓને ભાવે સારી પાણીપૂરી, પણ ચાલે ગમે તે પાણીપૂરી. પોતાને ભાવતા સ્વાદ કરતાં સાવ જુદી પાણીપૂરી મળી જાય તો પણ, તે પડ્યું પાનું (કે પાણી) નિભાવી લેવાની સહિષ્ણુતા-ઉદારતાથી, જેવી મળે તેવી પાણીપૂરીનો આનંદ માણે છે. વચ્ચે વચ્ચે યું હોતા તો ક્યા હોતા એવી ફરિયાદો કરે ખરા, પણ ટીકા કરતાં કરતાં મોંમાં પાણીપૂરી ઓરવાનું ચાલુ રહે છે.

આધુનિક પાશ્ચાત્ય સભ્યતાએ ભારતીય પરંપરા સામે જે કેટલાક પાયાના પડકાર ઊભા કર્યા છે, તેમાંનો એક છેઃ પાણીપૂરી ખાવી શી રીતે? ભારતીય પદ્ધતિમાં ભોજન માટે હાથનો ઉપયોગ થાય છે. પાણીપૂરી ખાવા માટે હાથના પણ વિશિષ્ટ કૌશલ્યની જરૂર પડે છે. જેમ કે, માણસ જેવો આકાર ધરાવતા યંત્રમાનવને રોટલી કે દાળભાત ખાતાં શીખવવું ઓછું અઘરું હશે, પણ તેને પાણીપૂરી ખાવાનું શીખવવું ભારે કઠણ નીવડી શકે છે. પાણી ભરેલી પૂરી પર હાથનું દબાણ એટલું હોવું જોઈએ કે પૂરી છટકે નહીં, પણ દબાણ એટલું વધારે ન હોય કે પૂરી ફસડાઈ પડે. ડીશમાં પડેલી પૂરીને કયા ખૂણેથી પકડવી, ત્યાર પછી હાથને કોણીથી કયા ખૂણે વાળવો કે જેથી પૂરીની અંદર રહેલું સત્ત્વ બહાર પડી ન જાય અને પૂરી મોં સુધી લઈ જતી વખતે હાથનો ખૂણો કેટલો રાખવો—આવા સવાલ એન્જિનિયરિંગમાં પૂછાતા ન હોય, પછી ભારત રોબોટિક્સમાં ક્યાંથી આગળ આવે?

પૂરીના કદમાપ વિશે પણ બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ તરફથી કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. એટલે લોકો મન ફાવે એટલી નાની-મોટી પૂરીઓ બનાવે છે. કેટલીક પૂરીઓ એટલી મોટી અને ફુલેલી હોય છે કે સીધોસાદો માણસ મહંમદઅલી ઝીણા બનીને વિચારવા માંડે, આના ભાગલા કરવા જોઈશે. પણ સૌ જાણે છે કે ભાગલાનું કામ સૈદ્ધાંતિક રીતે ગમે તેટલું સહેલું લાગે, વ્યવહારમાં તેમાં કકળાટનો પાર નથી હોતો. એટલે, મોટા ભાગના લોકો, મોં કરતાં પૂરી ગમે તેટલી મોટી હોય તો પણ, પૂરીની એકતા-અખંડિતતાનો ભંગ કર્યા વિના, તેને મોમાં ઠાંસવાનો પ્રયાસ કરે છે. ઘણાખરા કિસ્સામાં પૂરી અંદર ઘુસી તો જાય છે, પણ ખાનારનું મોં થોડા સમય પૂરતું બંધ થઈ જાય છે. ક્યારેક પૂરી મોંમાં જાય તે પહેલાં જ તેનું વિસર્જન થઈ જાય છે. તેની અંદરનું પાણી ડીશમાં રેલાય છે, પણ ખાનાર હિંમત હાર્યા વિના, પૂરીનો જેટલો હિસ્સો મોંમાં જાય એટલો ઘુસાડવાનો પ્રયાસ કરીને, તે પૂરીને ખવાયેલી જાહેર કરે છે.

કોચિંગ ક્લાસનો ધમધમતો ધંધો ધરાવતા ભારતમાં પાણીપૂરી બનાવવાના ક્લાસ ચાલતા હોય તે સંભવ છે, પણ હજુ સુધી કોઈને પાણીપૂરી કેમ ખાવી તેના ક્લાસ ખોલવાનો વિચાર આવ્યો નથી. બાકી, તેની જરૂર ફક્ત જાપાનના વડાપ્રધાન જેવા વિદેશીઓને જ નહીં, પૂરીના મોટા કદ અને ચિત્રવિચિત્ર આકારથી પીડીત ભારતીયોને પણ પડી શકે છે.


No comments:

Post a Comment