Wednesday, October 29, 2008

100મી પોસ્ટ નિમિત્તેઃ ઘણો આભાર, થોડી અપેક્ષા અને એક આગોતરું આમંત્રણ

  • વિક્રમ સંવતનું નવું વર્ષ આર્થિક ઉપરાંત સામાજિક અને બૌદ્ધિક મંદીના, નાદારીના, ઉઠમણાંના, ફુગાવાના, જૂના વિક્રમો ન તોડે એવી વ્યવહારુ શુભેચ્છા.
  • ઔપચારિક વ્યવહારમાં માનતો ન હોવાથી અને કોઇનું નામ ચૂકી ન જવાય એ માટે, સાવ શરૂઆતના બ્લોગમાં કમેન્ટ કરનારા મિત્રોથી માંડીને બીજા ઘણા પરિચિત અથવા બ્લોગ થકી જ સંપર્કમાં આવેલા સૌ મિત્રોને પ્રેમથી યાદ કરું છું. પરસ્પર પીઠખંજવાળક પ્રવૃત્તિ માટે મેં બ્લોગ ચાલુ કર્યો નથી. એટલે અત્યાર સુધી મળ્યા છે એવા જ, પ્રામાણિક અને ‘લાગ્યું તેવું લખ્યું’ પ્રકારના, પ્રતિભાવોની પ્રતીક્ષા રહેશે. સૌને એટલું જ કહેવાનું કે મતભેદો મતભેદની જગ્યાએ અને દોસ્તી દોસ્તીની જગ્યાએ.
  • ઘણા સ્નેહીઓને હું નવી ત્રણ-ચાર પોસ્ટની જાણ એકસાથે ઇ-મેઇલથી કરું છું. એ સૌ હકપૂર્વક કહે છે પણ ખરા કે ‘તમે રીમાઇન્ડર મોકલો છો તે સારું પડે છે.’ એમના દોસ્તીહકને માન્ય રાખીને હવે એ સૌને આ બ્લોગના ‘ફોલોઅર’ બનવા વિનંતી. (ફોલોઅર કેવી રીતે બની શકાય, એ જાણવા માટે આ પોસ્ટની છેવાડે લખેલી ‘ટીપ્સ’ જુઓ.) તમારે મારા કે મારા વિચારોના નહીં, ફક્ત મારા બ્લોગની હિલચાલના જ ‘ફોલોઅર’ થવાનું છે એટલી ચોખવટઃ-)
  • બ્લોગના પ્રતિભાવ ઇ-મેઇલ અને ફોનથી આપનારા સૌ મિત્રોને આભારસહ વિનંતી કે તમારો પ્રતિભાવ બ્લોગ પર આપશો તો વધુ આનંદ થશે. એ અંગે ટેકનિકલ મુશ્કેલી જણાતી હોય તો પોસ્ટના અંતે મુકેલી સાદી ટીપ્સ જુઓ.
  • બ્લોગ પર મુલાકાતીઓની સંખ્યા બતાવતું મીટર હજુ સુધી મેં મુક્યું નથી. મનમાં થોડો એવો ભાવ છે કે એ બધામાં પૂરેપૂરી પ્રામાણિકતા જળવાતી નથી અથવા સાચું ચિત્ર ઉપસતું નથી- અકારણ આંકડાકીય સ્પર્ધાનો અને આંકડાકીય માપદંડનો ભાવ ઊભો થાય છે. આ ખચકાટ મનમાંથી પૂરેપૂરો દૂર થઇ શકે તો એવું મીટર મૂકવા વિચારી શકાય. ભવિષ્યમાં એવું મીટર મુકવાનું મન થાય- જરૂર પડે તો પણ, આંકડા ખાટા-મીઠા-ગળ્યા-તીખા-કડવા પ્રતિભાવોની જગ્યા લઇ શકે એમ નથી. તમારી લેખિત કમેન્ટ્સ તથા ફોલોઅર બનવાની ચેષ્ટા આ બ્લોગના પ્રયાસની કદર કરવાનો સીધો અને સાદો રસ્તો છે.
  • કદી રૂબરૂ કે ફોન પર વાતચીત થઇ ન હોવા છતાં, પ્રવીણ શેઠ જેવા વર્તમાન મુખ્ય મંત્રીના ભૂતપૂર્વ અધ્યાપક આ બ્લોગમાં સૌથી નિયમિતપણે (ઇ-મેઇલ દ્વારા) પ્રતિભાવ આપતા રહ્યા છે. એ હકીકતની અહીં સાભાર નોંધ લઉં છું. એ જ રીતે, કેનેડાસ્થિત વડીલ મિત્ર અને ‘ફિલમની ચિલમ’ ફેઇમ સલીલ દલાલ પણ વખતોવખત કમેન્ટ્સ લખીને હોંકારો ભણે છે. ‘ગુરૂ’ અશ્વિની ભટ્ટ જેવા નામી નવલકથાકારે આ બ્લોગ માટે આસારામ ગેંગ સાથેના તેમના અનુભવો અંગ્રેજીમાં લખી મોકલ્યા હતા. અમેરિકા- સ્થિત હાસ્યકાર-વાર્તાકાર હર્નીશ જાની પણ વખતોવખત પ્રતિભાવ લખે છે.
  • આ બ્લોગને પોતાનો ગણનાર, ‘મિત્ર’ શબ્દની ઘણીખરી હકારાત્મક અર્થચ્છાયાઓ જેની સાથેની મૈત્રીમાં સમાયેલી છે, એવા બિનીત મોદીનો આભાર ન મનાય. બ્લોગના વિષયોની નવી સુધારેલી યાદીમાં ‘બિનીત મોદી’ પણ એક વિષય તરીકે ઉમેર્યો છે, જેથી તેની ‘કારીગરી’નો એકસાથે પરિચય મળી શકે.
  • ‘નવનીત સમર્પણ’ના તંત્રી અને મિત્ર દીપક દોશીએ થોડા વખત પહેલાં આ બ્લોગ પર પ્રગટ થતી સામગ્રીમાંથી તેમને મન પડે તે ‘નવનીત’માં પ્રકાશિત કરવાની મંજૂરી દોસ્તીહકે મેળવી લીધી છે. (‘કારણ કે આ બ્લોગ પર ઘણુંબધું એવું હોય છે, જે પ્રકાશિત કરવાનું મન થઇ જાય’ દીપકભાઇએ લખ્યું હતું) ત્યાર પહેલાં ‘કાકાસાહેબ દુબઇકર’ (‘કાકાસાબ.કોમ’ના નીલેશ વ્યાસ) પણ એ પ્રકારની દરખાસ્ત થકી સંપર્કમાં આવ્યા.
  • સીડની (ઓસ્ટ્રેલિયા)માં ગુજરાતી એફએમ રેડિયોનું સંચાલન કરતાં આરાધના ભટ્ટ આ બ્લોગના કેટલાક લેખ વાંચ્યા પછી મેઇલ-સંપર્કમાં આવ્યાં અને તેમણે વિગતવાર ટેલીફોનીક ઇન્ટરવ્યુ કરવાની ઇચ્છા વ્યક્ત કરી છે.
  • ‘એનોનીમસ’ તરીકે કમેન્ટ કરનારા લોકોને આટલા પ્રેમથી યાદ કરી શકતો નથી. અભિપ્રાય આપ્યા વિના ન રહેવાતું હોય તેમણે નામ જાહેર કરવા જેટલી ખુલ્લાશ દાખવવી યા કેળવવી રહી. ‘એનોનીમસ’ વાચકોને શું લાગે છે? હું એમનું ઓનલાઇન ખૂન કરી નાખીશ?-)
  • હમણાં આયેશા ખાન વિશેની પોસ્ટના પ્રતિભાવમાં એક એનોનીમસે ગણતરીપૂર્વક મારી ખેલદીલીને પડકારી હતી. એવાં કોઇ જૂનાં-જાણીતાં તિકડમ અપનાવવાની જરૂર નથી. મારી ખેલદીલી વિશે હું બિલકુલ અસલામત નથી. ફરી વખત મારી ખેલદીલીને ટકોરા મારીને કોઇ ટીકાત્મક કમેન્ટ પ્રગટ કરાવવા ઇચ્છશે તો એ નહીં બને અને માત્ર એ કારણસર કમેન્ટ મુકવામાં નહીં આવે. પરંતુ શિષ્ટતાની મર્યાદામાં રહીને લખાયેલી ગમે તેટલી કડક-કડવી કમેન્ટ અહીં પ્રગટ થશે જ.

*****

લાંબી ઇનિંગના નિર્ધાર સાથે નીકળેલા ખેલાડીને પહેલી સદીથી આનંદ તો થાય. સાથોસાથ, ‘હજુ બહુ આગળ જવાનું છે’નો અહેસાસ પણ થતો રહે છે. મારી સ્થિતિ કંઇક એવી જ છે. આ બ્લોગની શરૂઆત કરતી વખતે મનોમન નક્કી કર્યું હતું કે તમામ વ્યાવસાયિક તકાદા વચ્ચે અને કોઇ વાંચે કે ન વાંચે તો પણ, હું મારી રુચિને અનુરૂપ સામગ્રીથી ઓછામાં ઓછું એકાદ વર્ષ તો બ્લોગ ચલાવીશ. અત્યાર સુધીના પ્રતિભાવ પરથી હવે ‘ઓછામાં ઓછું’ વિચારવાની જરૂર રહી નથી.

બ્લોગની થીયરી ખબર હોવા છતાં પહેલી પોસ્ટ કેવી રીતે મુકવી તેનું પ્રાથમિક માર્ગદર્શન મિત્ર હિમાંશુ કીકાણીએ આપ્યું. ‘ગુર્જરદેશ.કોમ’ના પ્રતાપે મારા વપરાશના ત્રણેક ફોન્ટમાંના એક ફોન્ટ (ગોપિકા) સહેલાઇથી યુનિકોડમાં કન્વર્ટ કરવાનું શક્ય બન્યું. ત્યાર પછી સમય અને સંજોગોને આધીન બ્લોગિંગનાં વધારાનાં સાધનો વિશે ખપજોગી જાણકારી મેળવતો રહ્યો છું.

એ જાણકારીનો વ્યાપ ‘ગુગલ એડસેન્સ’ સુધી બ્લોગ શરૂ થતાં પહેલાં પહોંચેલો હતો. પણ મુખ્ય લક્ષ્ય સામગ્રી (કન્ટેન્ટ)નું રાખ્યું હોવાથી, આર્થિક વળતરના પ્રયાસ હજુ સુધી ‘કોર્સ બહાર’ રહ્યા છે. આ બ્લોગમાંથી આર્થિક ઉપાર્જન થાય તે અવશ્ય ગમે, પણ એ તેનો મુખ્ય આશય નથી. મૌલિક ચોક્સી જેવા ભૂતપૂર્વ મહેમદાવાદી મિત્રએ બ્લોગને તમામ પ્રકારની મદદ કરવાની તત્પરતા દર્શાવી, ત્યારે મેં એટલું જ કહ્યું હતું કે અત્યારે આ બ્લોગની સામગ્રીનો સૌ પોતપોતાના વર્તુળમાં પ્રસાર કરે, તે પહેલી જરૂરિયાત છે.

આ બ્લોગ થકી ‘શબ્દાર્થપ્રકાશ’ જેવું લાંબા સમયથી કરવા જેવું (‘ઓવરડ્યુ’) કામ શરૂ થઇ શક્યું, વૃંદાવન સોલંકી જેવા ખ્યાતનામ ચિત્રકારની સ્કેચબુકમાંથી એક ચિત્ર આ બ્લોગ પર મુકાયું, (બે દિવસ પહેલાં વૃંદાવનભાઇએ થોડી વધુ સામગ્રી આપવાની પ્રેમાળ ઓફર કરી છે.) બોમ્બવિસ્ફોટ પછીનાં ગુજરાતી અખબારો વિશે અંગ્રેજી પત્રકાર-લેખિકા અમૃતા શાહનો અભ્યાસપૂર્ણ લેખ આ બ્લોગ પર જ પ્રસિદ્ધ થયો.....

આખી યાદી ઉતારવાનો આશય નથી. પણ ‘ગુજરાત સમાચાર’માં અઠવાડિયામાં ત્રણ કોલમ (રવિ, મંગળ, બુધ) અને બે વિશિષ્ટ માસિકો (‘દલિતશક્તિ’ અને ‘વૈશ્વિક માનવવાદ’)ના સંપાદન પછી પણ, જે ન આપી શકાયાનો ખટકો અથવા આપવાની ઇચ્છા રહે એવી સામગ્રી સારા એવા પ્રમાણમાં બ્લોગ પર મુકી શકાઇ તેનો સંતોષ છે.
ખાસ જાણકારી અને આગોતરું આમંત્રણ


મારા હાસ્ય-વ્યંગ લેખોનું પહેલું (અને મારું ચોથું) પુસ્તક ‘બત્રીસે કોઠે હાસ્ય’ એકાદ અઠવાડિયામાં ‘ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય’ દ્વારા પ્રકાશીત થવામાં છે. તેનો જરા જુદા પ્રકારનો સમારંભ આ નવેમ્બરના અંતમાં કે ડિસેમ્બરની શરૂઆતમાં રાખવા વિચાર છે.

એની પહેલી તબકકાની તૈયારીઓ અત્યારે ચાલી રહી છે. પુસ્તક અને સમારંભ વિશેની વધુ વિગતો વખતોવખત આપીશ. દરમિયાન, આ બ્લોગના સ્નેહી વાચકો માટે મિત્ર અપૂર્વ આશરે ડીઝાઇન કરેલા પુસ્તકના ટાઇટલનો ફોટો પહેલી વાર અહીં મુકું છું. સમારંભનું આમંત્રણ અત્યારથી જ. હવે પછી તારીખ નક્કી થયે અને નજીક આવ્યેથી મારે ફક્ત રીમાઇન્ડર આપવાનું રહેશે.
સૌને નવા વર્ષમાં વાચન મુબારક.

પ્રાથમિક ટીપ્સ
બ્લોગના ફોલોઅર બનવા માટે
આ બ્લોગમાં ઉપર જમણા ખૂણે દેખાતા ‘ફોલોઅર’ના સિમ્બોલની ઉપર લખેલી લીટી (‘ફોલો ધીસ બ્લોગ’) પર ક્લીક કરો અને આ બ્લોગના ફોલોઅર બનો. તમારું નામ બીજા જોઇ શકે અથવા નામ જાહેર ન થાય- એ બે રીતે ફોલોઅર બની શકાય છે. ‘જીમેઇલ’નું એકાઉન્ટ ધરાવનાર લોકો માટે આ ફક્ત બે ક્લીકનું કામ છે. તમે ફોલોઅર બનશો તો મારી મહેનત બચશે, તમને બ્લોગના અપડેટ્સ મળ્યા કરશે અને મારો સંતોષ વધશે.
બ્લોગ પર પ્રતિભાવ આપવા માટે
બ્લોગના પ્રતિભાવ ઇ-મેઇલ અને ફોનથી આપનારા સૌ મિત્રોને આભારસહ વિનંતી કે તમારો પ્રતિભાવ બ્લોગ પર આપશો તો વધુ આનંદ થશે. એ અંગે ટેકનિકલ મુશ્કેલી લાગતી હોય તોઃ દરેક પોસ્ટની નીચે ‘કમેન્ટ્સ’ પર ક્લીક કરવાથી કમેન્ટ લખવાના બોક્સની નીચે, ચાર ઓપ્શન દેખાશે. એક જ ઓપ્શન દેખાતું હોય તો સ્ક્રોલ ડાઉન કરવાથી બીજાં ત્રણ દેખાતાં થશે. તેમાંથી ‘ઓપન આઇડી’ના ઓપ્શન પર ક્લિક કરીને, તેના ઉપરના ખાનામાં ફક્ત તમારું નામ લખવાથી પણ કમેન્ટ પોસ્ટ કરી શકાશે. આ રીતમાં તમારે પાસવર્ડ કે ઇ-મેઇલ એડ્રેસ કંઇ જ આપવાનું રહેતું નથી.

Monday, October 27, 2008

સરદાર પટેલ અને બ્રેન્ડીચી બાટલી

31 ઓક્ટોબરના રોજ સરદાર પટેલનો જન્મદિવસ આવશે. સરદાર જેવા વ્યક્તિત્વ વિશે જન્મ-મૃત્યુતિથિ સિવાય પણ લખી શકાય એવું ઘણું હોય છે. રસ ધરાવતા મિત્રો સરદાર વિશેનં મારૂં પુસ્તક ‘સરદારઃ સાચો માણસ, સાચી વાત’ જોઇ શકે છે. (આ જાહેરખબર નથી, જાણકારી છે!)
સરદારની ચવાઇ ગયેલી વાતોને બદલે, અહીં એક એવી ચીજ મુકી છે જે બહુ ઓછા લોકોએ જોઇ હોયઃ એક મરાઠી ફિલ્મની જાહેરખબરમાં સરદાર !

સરદાર વિશેના પુસ્તકમાં ઘણી અજાણી સામગ્રી ભેગી કરી હતી. પરંતુ પુસ્તક થઇ ગયા પછી મને આ જાહેરખબર મળી. મારી આવતા રવિવારની કોલમમાં સરદારના ફિલ્મ કનેક્શન વિશે મેં વિગતે લખ્યું છે, જે સોમવારે અહીં વાંચવા મળી શકશે. ત્યાં સુધી સાપ્તાહિક ‘બે ઘડી મોજ’ (૨૮-૫-૧૯૩૯)માં પ્રગટ થયેલી જાહેરખબરની આ દુર્લભ તસવીર.

(નોંધઃ કોઇ વાચકમિત્ર ‘બ્રાન્ડી ચી બાટલી’ની સીડી મેળવી શકે, તો તેમાં પ્રવચન કરતા સરદાર જોવા મળે.)

ઓલ્ડ એન્ડ ગોલ્ડ

સાફસૂફ નિમિત્તે જૂનાં છાપાં ફેંદતાં, એક ‘એશિયન એજ’ હાથ લાગ્યું. તેના પહેલા પાને મસ્ત મજાનો આ ફોટો જોઇને થયું આ ભાઇને ક્યાં જોયો છે?
પછી બત્તી થઇઃ ‘ઓહો! આ તો અભિનવ બિન્દ્રા. ભારતનો પહેલો ઓલિમ્પિક ‘ગોલ્ડ-વીર’.
તરત બીજી બત્તી થઇઃ ‘પણ દોઢ-બે વર્ષથી મેં ‘એશિયન એજ’ બંધ કર્યું છે અને ત્યાર પહેલાંના સમયમાં જ્યારે બિન્દ્રાનું નામ પણ કોઇએ સાંભળ્યું ન હતું. એ વખતે છાપાના પહેલા પાને આવડા મોટા ફોટામાં તે શું કરી રહ્યો છે?’

ફોટાલાઇનમાં લખ્યું હતું કે ‘વર્લ્ડ શૂટિંગ ચેમ્પિયનશીપ’માં ભારત વતી પહેલો ગોલ્ડ મેડલ જીતીને પરત પધારેલા બિન્દ્રાનાં તેનાં મમ્મી ઓવારણાં લઇ રહ્યાં છે.’ (તા. ૨૯-૭-૨૦૦૬)

ભારત (સદાની જેમ) ક્રિકેટભક્તિમાં ડૂબેલું હતું અને બિન્દ્રાની સિદ્ધિ માટે કોઇ ‘હેઇસો હેઇસો’ ચાલ્યું ન હતું, ત્યારે પણ તેની યોગ્ય મહત્તા આંકીને પહેલા પાને બિન્દ્રાનો આવો સરસ ફોટો પ્રગટ કરનાર અખબાર માટે માનની લાગણી - અને આ પ્રકારની અખબારી કદરની પરંપરા લગભગ લુપ્ત થઇ ગયાના અહેસાસથી અફસોસ- થાય છે.

શબ્દાર્થપ્રકાશ # 5

રજત અરસોઃ પચીસેક વર્ષ
૨૦૦૨ની જમ્મુ-કાશ્મીર વિાનસભાકીય ચૂંટણીએ ખાસા એક રજત અરસા બાદ (મોરારજી દેસાઇના વડાપ્રધાનકાળ બાદ) વિશ્વાસયુક્ત ચૂંટણીનો ધડો બેસાડ્યો હતો. (દિ.ભા.૨૦-૧૦-૦૮)
મતદાનીય હિસ્સેદારીઃ ઇલેક્ટોરલ પાર્ટિસિપેશન, મતદાન દ્વારા હિસ્સેદારી
સરવાળે ઉપસી રહેલી સાર્વત્રિક છાપ પાછલાં વરસોને મુકાબલે મતદાનીય હિસ્સેદારી વઘ્યાની...(દિ.ભા.૨૦-૧૦-૦૮)
રાજપુરુષોષોચિતઃ સ્ટેટ્સમેનલી
...એમાં બન્ને મુખ્ય પક્ષોની રાજપુરુષોચિત ગરવાઇનાં દર્શન થતાં હતાં.(દિ.ભા.૨૦-૧૦-૦૮)
પોપાભાઇનું રાજઃ પ્રચલિત શબ્દપ્રયોગ ‘પોપાબાઇના રાજ’ની ફેમિનિસ્ટ આવૃત્તિ
શાસન કાં તો સત્તાના અતિરેકમાં મત્ત મહાલે છે કે પછી પોપાબાઇ (ફેમિનિસ્ટોનો આગ્રહ હોય તો પોપાભાઇ કહેવામાંય હરકત નથી) બનીને ચાલે છે. (દિ.ભા.૨૧-૧૦-૦૮)
અનુત્તરદાયિત્વઃ ઉત્તરદાયિત્વ (આન્સરેબિલીટી)નો અભાવ
રાજકીય અગ્રવર્ગનો મોટો હિસ્સો ટાડા-પોટાના સરિયામ દુરૂપયોગથી માંડીને એન્કાઉન્ટરી અનુત્તરદાયિત્વમાં ભેળા મળી દેશભક્તિના હઇસો જંબેમાં મચી પડે છે. (દિ.ભા.૨૧-૧૦-૦૮)
મરોડમાહેર ગોલંદાજઃ ટોચના સ્પિનર
સ્પિનર અમિત મિશ્રાનો મરોડમાહેર ગોલંદાજ લેખે પાટલો મંડાશે. (દિ.ભા.૨૨-૧૦-૦૮)
કિલકારીથપ્પોઃ હરખપૂર્વકનું એન્ડોર્સમેન્ટ
પરમાણુ સમજૂતી સાથે અમેરિકા અને ભારત વચ્ચે ઉઘડતી આવતી વ્યૂહાત્મક સંબંધભાત પરનો એક ઓર કિલકારીથપ્પો હતો. (દિ.ભા.૨૩-૧૦-૦૮)
બજારમિત્ર પગલાં: માર્કેટ-ફ્રેન્ડલી સ્ટેપ્સ
રિઝર્વ બેન્કે એની વાર્ષિક નાણાનીતિમાં અપેક્ષિત બજારમિત્ર પગલાં જાહેર ન કર્યાં...(દિ.ભા.૨૫-૧૦-૦૮)
ઉંજી આપવું: સુવિધા કરી આપવી
જાહેર ક્ષેત્રની તેલ કંપનીઓ ખાનગી વિમાની સેવાને જાહેર એટકે કે પ્રજાકીય નાણે ઉંજી આપે છે...(દિ.ભા.૨૫-૧૦-૦૮)
(કુલ શબ્દોઃ ૫૨)

Saturday, October 25, 2008

કાયદા-કાનૂનનું ‘જય સ્વામીનારાયણ’ !

આ તસવીર સ્વામીનારાયણ પંથના મણિનગર ફાંટાના આચાર્ય પુરૂષોત્તમપ્રિયદાસની કારની છે. કારની આગળની નંબર પ્લેટ પર ફક્ત આટલું જ લખ્યું છેઃ સ્વામી શ્રી ૧૦૦૮. કારની પાછળની બાજુની નંબરપ્લેટ પર કારનો સાચો, કાયદેસર નંબર લખ્યો છેઃ GJ-1-HC-1008

સંસાર તજી ચૂકેલા મહારાજો મર્સિડીઝમાં ફરે એ વાત જ વિરોધાભાસી અને ખીજ ચડાવે એવી નથી? આટલું ઓછું હોય તેમ મહારાજોના ચેલા આરટીઓમાંથી ૧૦૦૮ જેવા નંબર લઇ આવે અને એટલાથી પણ ન ધરાતાં નંબરપ્લેટો પર કાયદાનો ભંગ કરીને પોતાના અહમના દેખાડા કરે.

અગાઉ વર્લ્ડ કપ વખતે ભારતની ટીમ કપ જીતે એ માટે આ જ પુરૂષોત્તમપ્રિયભાઇએ જાહેર સભા કરી હતી, તેમાં પોતે મંચ પર બેટ લઇને ઊભા રહ્યા. ઓડિયન્સમાંથી ભક્તો બોલ નાખે અને પુરૂષોત્તમપ્રિયભાઇ ફટકા મારીને ભક્તોને ધન્ય કરે! આ તસવીર એ વખતે ‘ઇન્ડિયન એક્સપ્રેસ’ની ‘અમદાવાદ ન્યૂઝલાઇન’માં છપાઇ હતી.

વિચારવાનું મહારાજોએ નથી. એ તો લોકોની ઘેલછા પર જલસા કરે છે. વિચારવાનું તેમના ભગતોએ અને છાશવારે લાગણી દુભાવવા નીકળી પડતી પ્રજાએ છે. નથી લાગતું કે મહારાજોની અને તેમના ભગતોની ગાડીનાં જ નહીં, મગજનાં પણ પીયુસી (પોલ્યુશન અન્ડર કન્ટ્રોલ) સર્ટિફિકેટ કઢાવવાનો વખત પાકી ગયો છે? (તસવીર : બિનીત મોદી)

સ્કેટર્ડ વોઇસીસઃ આ પણ એક ભાવભૂમિ

રતના તાતાની ‘નાનો’ કાર નિમિત્તે ‘દૂધમાં સાકર’ના ગળચટ્ટા ભૂતકાળને ગૌરવથી વાગોળવાની બહુ મઝા છે. કેમ કે, તેમાં નજીકના- અને જેમાં આપણી જવાબદારી હતી એવા- અકળાવનારા ભૂતકાળને ભૂલી જવાની સગવડ મળે છે. માત્ર છ વર્ષ પહેલાં, દૂધમાં સાકરની કથાનું ગૌરવ લેતા ગુજરાતમાં, સાકરને વીણી વીણીને દૂધમાંથી બહાર કાઢવાનો ક્રૂર સિલસિલો ચાલ્યો હતો એ યાદ રહેતું નથી.


મુસ્લિમવિરોધી હિંસાના એ દૌર પછી રાહત છાવણીઓમાં, અલગ વસાહતોમાં અને ક્યાંક સમાજની વચ્ચે હોવા છતાં મુસ્લિમો સાવ હાંસિયામાં ધકેલાઇ ગયા. હતપ્રભ ગુજરાતી મુસ્લિમોમાંથી કેટલાકના અંતરમાંથી ઉઠેલા અને બહાર જેને કોઇ સાંભળતું નથી એવા કાવ્યબદ્ધ અવાજોને ‘ઇન્ડિયન એક્સપ્રેસ’નાં પત્રકાર આયેશા ખાને ‘સ્કેટર્ડ વોઇસીસ’ (હિંદીમાં ‘કુછ તો કહો યારોં’) શીર્ષક હેઠળ ગ્રંથસ્થ કર્યા છે. પ્રકાશક છે ‘બુક્સ ફોર ચેન્જ.’.

આયેશાની કર્મભૂમિ વડોદરા છે, પણ તેમનાં મૂળ મહારાષ્ટ્રમાં છે. ૧૮ ઓક્ટોબર, ૨૦૦૮ની સાંજે, સાહિત્ય પરિષદમાં યોજાયેલા વિમોચન સમારંભમાં આયેશાએ કહ્યું કે ‘હું મહારાષ્ટ્રીયન ન હોત, તો આ પુસ્તકનો કરવાનો વિચાર મને ન આવ્યો હોત.’ ૨૦૦૨ સુધી આયેશા પોતાની જાતને ગુજરાતી તરીકે ઓળખાવતાં ન હતાં. કોમી હિંસા પછી ગુજરાતમાં મુસ્લિમ તરીકેની ઓળખના પણ ઘણા પ્રશ્નો ઊભા થયા. આયેશાએ પોતાની એક કવિતામાં મુસ્લિમો માટે ‘નવા અછૂત’ જેવો શબ્દપ્રયોગ કર્યો છે. (કેટલીક પંક્તિઓઃ નયા અછૂત/ જિસકા હો ઉપયોગ, દુરૂપયોગ/ દિયા જાએ દંડ/ઉડાયા જાયે ઉપહાસ/સંસારકે હર અપરાધ કે લિએ/ ચઢાયા જાએ સલીબ પર/માનવતાકે હર પાપકે લિએ/ ધૃણાકા નયા પાત્ર/નયા અછૂત) પરંતુ હિંસાચાર પછીના તબક્કામાં ગુજરાતી મુસ્લિમોનો વણસંભળાયેલા અવાજ પ્રત્યે કાન માંડવાની તેમની જહેમતનું અણધાર્યું પરિણામ આવ્યું. આયેશાએ લખ્યું છે,‘ગુજરાત ગાંધી અને ગરબાથી ઓળખાતું રહ્યું છે. એ બન્ને મને ‘ગુજરાતી’ બનાવી શક્યાં નહીં, પણ ગોધરા અને ૨૦૦૨ની હિંસાએ છેવટે મને ગુજરાતી બનાવી દીધી.’

કેવી રીતે? તેનો જવાબ ગુજરાતની અસ્મિતાના તમામ પ્રેમીઓ માટે વિચારપ્રેરક છેઃ ‘૨૦૦૨ના હત્યાકાંડ પછી...દરેકને એવી બીક લાગતી હતી કે ઘાયલ, લૂંટાયેલી-માર ખાધેલી આ (મુસ્લિમ) બિરાદરી, જેને અમસ્તી પણ હિંસક ગણવામાં આવતી હતી, એ ક્યાંક વળતો હુમલો ન કરી બેસે. કોઇએ તેમની ચૂપકીદીને, દર્દ અને ગુસ્સો ખમી ખાવાની વૃત્તિને, ભેદભાવ ભૂલાવી દેવાની ક્ષમતાને ઘ્યાનમાં લીધી નહીં...નવાઇની વાત એ છે કે મુખ્યત્વે ચોટગ્રસ્ત (મુસ્લિમ) સમુદાયે જ ‘શાંત, વ્યવહારૂ અને અહિંસક’ તરીકેની ગુજરાતની છબીને જાળવી રાખી. ગુજરાતી મુસ્લિમોએ હુમલા વેઠ્યા, વિશ્વાસઘાત સહન કર્યો, પણ ગુજરાતની ભૂમિ અને ગુજરાતી ભાષા માટેનો તેમનો એકતરફી પ્રેમ પૂર્વવત્ રહ્યો.’

પુસ્તક મુખ્યત્વે ત્રણ હિસ્સામાં વહેંચાયેલું છે: ગુજરાતી મુસ્લિમોની કવિતાઓ, કવિતાઓ શોધવા માટેના આયેશાના પ્રવાસોનું માર્મિક વર્ણન અને કવિઓના ટૂંક પરિચય. કુલ ૩૮ કવિઓની ગુજરાતી, હિંદી અને હિંદુસ્તાની ભાષામાં લખાયેલી કવિતાઓના અનુવાદ સંગ્રહમાં સમાવિષ્ટ છે. તેમાં આદિલ મન્સૂરી, ખલીલ ધનતેજવી, અઝીઝ કાદરી, શમ્સ કુરૈશી, રહમત અમરોહવી, કુતુબ આઝાદ, દીપક બારડોલીકર જેવાં જાણીતાં નામોથી માંડીને સામાન્ય વ્યવસાયોમાં ડૂબેલા હોવા છતાં શાયરી સાથે નાતો જાળવી રાખનારા લોકોની કૃતિઓ સ્થાન ધરાવે છે. જેમ કે, વ્યવસાયે કસાઇ એવા અમદાવાદના ફારૂક કુરૈશીની નજાકતપૂર્ણ અભિવ્યક્તિ ઘ્યાન ખેંચે એવી છે. તેમનો એક શેર છેઃ ‘મહફૂઝ કહાં કોઇ ફૂલોંકે કબીલે થે/ ઇસ સાલ હવાઓંકે નાખૂન ભી નુકીલે થે’. એક શેરમાં તે કહે છેઃ ‘ફારૂક જિસે પઢનેકે બાદ આદમી બને/ બચ્ચોંકે હાથમેં કોઇ ઐસી કિતાબ દે’. અમદાવાદમાં હોમિયોપથીની પ્રેક્ટિસ કરતાં શમા શેખ આ સંગ્રહમાં હાજર એકમાત્ર કવયિત્રી છે. તેમની એક કૃતિની કેટલીક પંક્તિઓઃ પીને મનકા ઝહર તુમ્હારા/ કોઇ શંકર બન નહીં આનેવાલા/આ-આ કર બાતેં સુનાકર/ જાયેગા હર આનેવાલા.’

આ સંકલનની હિંદી આવૃત્તિનું શીર્ષક ‘કુછ તો કહો યારોં’ જેમની કવિતા પરથી પ્રેરિત છે, તે દીપક બારડોલીકર પોતાની ઓળખ ‘પાકિસ્તાની ગુજરાતી’ તરીકે આપે છે. હાલ બ્રિટનમાં વસતા બારડોલીકર કરાંચી હોય કે માન્ચેસ્ટર, પોતાની ગુજરાતી તરીકેની ઓળખને ભૂલી શકતા નથી. તેમણે હિંસાચાર દરમિયાન અને ત્યાર પછી મૌન ધરીને બેઠેલા સાહિત્યકારો અને બીજા ગુજરાતીઓને ઉદ્દેશીને લખ્યું છે : ‘કંઇ તો કહો યારો/ કંઇ તો લખો યારો....છે કયામતો તૂટી/ઘોર આફતો છૂટી/ તોય ચૂપ બેઠા છો?/ સાવ મૂંગા બેઠા છો?/ આમ તો આ ખામોશી/ જુલ્મ, અત્યાચારોની/સંમતિ બની જાશે’
ફોટોલાઇનઃ (ડાબેથી) સરૂપ ધ્રૂવ, હિમાંશી શેલત, રધુવીર ચૌધરી, આબિદ શમ્સી, આયેશા ખાન અને (કોમ્પીઅર) ઉર્વીશ કોઠારી
આ પુસ્તકનું વિમોચન ગુજરાતી સાહિત્ય પરિષદમાં યોજાય, એ પણ એક વિશિષ્ટ યોગાનુયોગ હતો. પરિષદના ટ્રસ્ટી રધુવીર ચૌધરીએ પોતાના પ્રવચનમાં આ સંગ્રહને આવકારતાં એ મતલબનું કહ્યું હતું કે ધર્મના વિભાજન વગર બધા કવિઓએ આ વિષય પર લખેલી કવિતાઓનું સંકલન પણ થઇ શક્યું હોત. ભાવક તરીકે આપણને પરિષદ પાસેથી એવા સંગ્રહની અપેક્ષા અને અત્યાર સુધી નથી મળ્યો એનો ચચરાટ રહે છે. કાર્યક્રમમાં મંચ પરથી આયેશા ખાન ઉપરાંત ‘બુક્સ ફોર ચેન્જ’ સાથે સંકળાયેલાં વિખ્યાત હિંદી પત્રકાર મણિમાલા, પ્રો. આબિદ શમ્સી, હિમાંશી શેલત, એસ્થર ડેવિડ, સરૂપ ધ્રૂવ અને રધુવીર ચૌધરીએ વક્તવ્યો આપ્યાં. પ્રવચન દરમિયાન પુસ્તકમાંથી ઢગલાબંધ અવતરણો (અહીં પંક્તિઓ) ટાંકવાની સહેલી અને છીછરી પરંપરા આ સમારંભમાં પણ ઠીક ઠીક પ્રમાણમાં જળવાઇ.
પુસ્તકમાં સમાવેશ પામેલાં કાવ્યો માટે કાવ્યતત્ત્વનો માપદંડ રાખ્યો ન હોવાની સ્પષ્ટતા આયેશા ખાને કરી છે. સંગ્રહ પાછળનો સામાજિક સંદર્ભ કવિતાઓના મૂલ્યાંકન વખતે ભલે વચ્ચે ન લાવવાનો હોય, પણ સંગ્રહની જરૂરિયાત અને તેની મહત્તા આંકતી વખતે એ સંદર્ભ ભૂલી શકાય એમ નથી. પુસ્તકની મર્યાદા એ છે કે તે ફક્ત અંગ્રેજી અને હિંદીમાં પ્રકાશિત થયું છે. એટલે ગુજરાતી રચનાઓ મૂળ સ્વરૂપે વાંચવા મળતી નથી. આયેશા ખાન અને પ્રકાશક મણિમાલા એ બન્નેએ પુસ્તકને ગુજરાતીમાં ઉતારવા માટેની તત્પરતા દર્શાવી છે. હવેનું કામ ગુજરાતી સાહિત્ય પરિષદ કે ગુજરાતના પ્રકાશનજગતનું જ છે.
સ્કેટર્ડ વોઇસીસ (અંગ્રેજી), કુછ તો કહો યારોં (હિંદી) : આયેશા ખાન,
પ્રકાશકઃ બુક્સ ફોર ચેન્જ
e- mail : bfc_delhi@actionindia.org.in
આયેશા ખાનનો સંપર્ક: ashkhan18@gmail.com

Friday, October 24, 2008

અશ્વિની ભટ્ટના ચાહકો માટે ખુશખબર

ગુજરાતીમાં નવલકથા લેખનમાં પેઢી બદલાતાંની સાથે થયેલા પ્રશ્નો હજુ પૂરેપૂરા શમ્યા નથી. મહેશભાઇ યાજ્ઞિક અને કાજલ ઓઝા જેવા નવલકથાકારો સ્થાપિત થઇ ચૂક્યા છે, પણ અશ્વિનીભાઇની નવલકથાઓના ચાહકોને હજુ એમની નવલકથાઓની ખોટ સાલતી રહી છે.

છેલ્લા થોડા સમયથી પુત્ર નીલના પરિવાર સાથે દલાસ, અમેરિકા રહેતા અશ્વિનીભાઇ હવે નવેમ્બરમાં અમદાવાદ આવી રહ્યા છે. થોડા દિવસ પહેલાં એક ઇ-મેઇલમાં અશ્વિનીભાઇ લખે છે કે એમણે ‘કમઠાણ’ અને ‘કસબ’ની શૈલીમાં બે હાસ્યનવલોનું કામ શરૂ કર્યું છે. ઉપરાંત આતંકવાદ વિશે પણ એ એક નવલકથા લખી રહ્યા છે, જેનાં પાંચ પ્રકરણ એમણે થોડા સમય પહેલાં પ્રકાશક મહેન્દ્રભાઇ શાહ (નવભારત)ને આપી દીધાં છે.

અશ્વિનીભાઇ અને નીતિભાભીને મળનારા- તેમને ઓળખનારા જાણે છે કે અમદાવાદની નિરાંતવી સંસ્કૃતિ-‘અરે બેસને યાર, જવાય છે ચા પીને’- તેમણે જબરી આત્મસાત્ કરેલી છે. પ્રચંડ લોકપ્રિયતા ઠંડકથી પચાવી ગયેલા અશ્વિનીભાઇ સાથે સત્સંગ ચાલતો હોય ત્યારે કદી એક વડીલ જોડે બેઠા હોઇએ એવું ન લાગે. એ કહે કે ‘મને મારી ઊંમરના માણસો જોડે નથી ફાવતું. આખો દહાડો બ્લડપ્રેશર અને ડાયાબીટીસની જ વાતો કરતા હોય.’ ખુદ અશ્વિનીભાઇને બાયપાસ સર્જરી કરાવેલી અને અમેરિકા ગયા પછી પેસમેકર પણ મુકાવ્યું છે. અશ્વિનીભાઇનો ખાસ શબ્દ અને અમારો- મારો, પ્રશાંત દયાળ, પૂર્વી ગજ્જર, અનિલ દેવપુરકર અને બીજા કેટલાક પત્રકાર મિત્રોનો - ખાસ કાર્યક્રમ એટલે સી.કે.કે. (ચાલો કૂથલી કરીએ)

અશ્વિનીભાઇ જે બંગલામાં રહેતા હતા અને અભિયાનની જ્યાં ઓફિસ હતી, એ બંગલો - ૬૫, બ્રાહ્મણ મિત્રમંડળ સોસાયટી- વિશે મેં એકાદ વર્ષ પહેલાં ‘આહા! જિંદગી’માં એક લેખ લખ્યો હતો. એ લેખ મારી જોડે ‘શ્રીલિપિ’માં છે. કોઇ મિત્ર તેને યુનિકોડમાં ફેરવી આપે, તો એ લેખ પણ બ્લોગ પર મુકતાં આનંદ થશે. ( મારી પાસેની ઘણી સામગ્રી શ્રીલિપિમાં પણ છે. તેને યુનિકોડમાં ફેરવવાના સીધાસાદા ઉપાયો કારગત નીવડ્યા નથી. તેમાં મદદ/માર્ગદર્શન આવકાર્ય છે.)

અશ્વિનીભાઇ જેટલું ચડાવઉતાર અને નાટકીય ઘટનાઓવાળું જીવન મારી જાણમાં એક રજનીકુમાર પંડ્યા સિવાય અત્યારના ભાગ્યે જ બીજા કોઇ લેખકના ભાગે આવ્યું હશે. છતાં, બન્નેએ પોતાની પ્રકૃતિમાં રહેલી હકારાત્મક બાબતો બદલાવા દીધી નથી. અશ્વિનીભાઇ હંમેશાં એવું ફીલ કરાવતા રહ્યા છે કે તે અમારી મિત્રમંડળીના સૌથી જુવાન દોસ્ત છે. અશ્વિનીભાઇને તેમના સૌ ચાહકો-મિત્રો તરફથી અમદાવાદમાં આવકાર અને સી.કે.કે.નાં નવાં સેશનની પ્રતીક્ષા!

ઝવેરીલાલ મહેતાનું તાજું ‘ફ્લેશબેક’

ઝવેરીલાલ મહેતા કઇ જણસનું નામ છે અને તેમનો પ્રભાવ કેવો હતો, તેનો ખ્યાલ અત્યારે ચોતરફ ટીવી ચેનલો, છાપાં, સામયિકો અને ઇન્ટરનેટના આ યુગમાં ભાગ્યે જ આવે, પણ મારી પેઢી અને મારી પહેલાંની એક પેઢી પણ ‘ગુજરાત સમાચાર’માં પહેલા પાને ચાર કોલમમાં છપાતી ઝવેરીલાલ મહેતાની તસવીરો જોઇને મોટી થઇ છે. ઝવેરીલાલ મહેતાએ બે દિવસ પહેલાં વિમોચન થયેલા તેમના પુસ્તક ‘ફ્લેશબેક’ની પ્રસ્તાવનમાં બરાબર લખ્યું છેઃ ‘આ તસવીરો ગુજરાત સમાચારના પહેલા પાનાની દરબારી મૂછ જેવી હતી.’ દરબારી મૂછનો વિચારવિસ્તાર ઝવેરીલાલના ખુદના વ્યક્તિત્વમાંથી મેળવી શકાય છે.
આવા ઝવેરીલાલના પુસ્તકનું વિમોચન હોય એટલે મીડિયા માટે હાઇ પ્રોફાઇલ પ્રસંગ ગણાય. મિત્ર બિનીત મોદી એ સમારંભમાં ગયો હતો. તેણે પાડેલી તસવીરો અને તેણે આપેલી માહિતી પરથી તથા ઝવેરીલાલે પ્રેમપૂર્વક આપેલી પુસ્તકની નકલ જોયા પછી આ નોંધ લખી રહ્યો છું. સમારંભના મુખ્ય અતિથિ મુખ્ય મંત્રી મોદી હતા. એ સાંજે સાડા ચારને બદલે છ વાગ્યે આવ્યા, એટલે દોઢ કલાક સુધી સૌએ હોલની બહાર ઊભા રહીને મેળાવડો માણ્યો! મુખ્ય મંત્રીના આવ્યા પછી જ સમારંભ શરૂ થયો. મુખ્ય મંત્રીએ ઝવેરીલાલને દિલથી બિરદાવ્યા અને કહ્યું કે ‘મને જ્યારે બસમાં બેસવા કોઇ જગ્યા પણ આપતું ન હતું ત્યારે ઝવેરીલાલ મળે તો ખભે હાથ મુકીને (ઉષ્માથી) વાત કરે. હવે હું મુખ્ય મંત્રી છું, તો પણ તે એવી જ રીતે ખભે હાથ મુકીને વાત કરે છે.’ કાર્યક્રમમાં મંચ પર આ પુસ્તક માટે સાદા અને રોકડ આશીર્વાદ આપનાર સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના પુરૂષોત્તમપ્રિયદાસ, કીડની હોસ્પિટલના ‘હળવદ-કર’ ડો. એચ.એલ.ત્રિવેદી, મુખ્ય મંત્રી મોદી અને ઝવેરીલાલ એટલા લોકો હતા. ગુજરાત સમાચારના ભૂતપૂર્વ સ્તંભ દેવેન્દ્ર પટેલ અને વર્તમાન લેખક ભવેન કચ્છીએ પ્રવચનો કર્યાં. અશોક દવેએ સંચાલન કર્યું. પુસ્તકના વિમોચન માટે કેમેરા આકારનું એક બોક્સ બનાવવામાં આવ્યું હતું. બાજુમાં ઝવેરીલાલની ઓળખ ગણાતી તેમની હેટ પણ મુકવામાં આવી હતી. તેનો ફોટો અહીં મુક્યો છે.

અંગત રીતે મને ઝવેરીલાલનું આકર્ષણ એક આર્ટિસ્ટ ફોટોગ્રાફર તરીકેનું છે. તેમને હું જગનદાદા (જગન મહેતા)ની પરંપરાના ગણું છું. એટલે આ પુસ્તકના છેલ્લા પાને સ્વ.જગનદાદાનાં આશીર્વચન તેમના જ હસ્તાક્ષરમાં જોઇને બહુ આનંદ થયો. ફ્લેશ વિના ફોટોગ્રાફી કરતા ઝવેરીલાલ પાસે જે તસવીરી ખજાનો છે, તેનું દળદાર અને માતબર પુસ્તક થવાનું હજુ બાકી છે. ગુજરાત સમાચારની બુધવારની પૂર્તિમાં આવતી ફોટોસ્ટોરીનો સંગ્રહ ‘ફ્લેશબેક’ ઝવેરીલાલના અને તેમના લખાણના પ્રેમીઓ માટે સરસ છે, પણ મારા જેવા એમની ફોટોગ્રાફીના પ્રેમીઓની અપેક્ષા હજુ ઘણી વધારે ઉંચી છે.

ઝવેરીલાલના ‘ફ્લેશબેક’માં એક પણ બ્લેક એન્ડ વ્હાઇટ ફોટો ન હોય અને ઝવેરીલાલ-સ્પેશ્યલ ગણાતું, ઘણી વાર ફોટા કરતાં કદમાં વધી જતું લખાણ હોય, તેની મઝા લેનારા લે છે. પણ ૮૧ વર્ષે ‘અભી તો મૈં જવાન હું’ મિજાજ ધરાવતા ઝવેરીલાલને આપણી વિનંતી એ જ હોય કે માત્ર તમારી તસવીરોનું- ઐતિહાસિક તસવીરોનું એક પુસ્તક આપો. જેમાં આખા પાનામાં એક મોટી કે બે અડધા પાનાની તસવીરો હોય અને ફક્ત ઓળખ પૂરતી એકાદ લીટીની ફોટોલાઇન હોય. એવું પુસ્તક ફક્ત ઝવેરીલાલ માટે અંગત રીતે જ નહીં, ગુજરાતના દસ્તાવેજીકરણ વગરના ઇતિહાસમાં પણ મહત્ત્વનું બની રહેશે.

Thursday, October 23, 2008

ગુજરાતમાં મિની જાપાન : એક ચર્ચા

સચિવાલયમાં સરકારી અફસરો વચ્ચે ગંભીર ચર્ચા ચાલી રહી છે. વિષય છેઃ ગુજરાતમાં મિની જાપાન કેવી રીતે બનાવવું.
અફસર ૧: મિત્રો, સાહેબે કહ્યું છે કે ગુજરાતને મિની જાપાન બનાવવાનું છે.
અફસર ૨: અરરર...
અફસર ૧: એમાં અરરર...શું? ગુજરાતની પ્રગતિથી તમે ખુશ નથી? ગુજરાતવિરોધી છો? રાજદ્રોહી છો? હવે તો રાજદ્રોહીઓ પણ ખુશ છે, તો તમને શું થયું?
અફસર ૨: સાહેબ, મને ચિંતા થઇ કે આપણે મિની જાપાન બનાવીશું તો મિની હિરોશીમા અને મિની નાગાસાકી પણ બનાવવાં નહીં પડે?
અફસર ૩: ‘વિનાશ પછી વિકાસ’ના જાપાની મોડેલમાં આપણી તૈયારી બહુ પાકી છે. પાંચ વર્ષ પહેલાં આપણે મિની હિરોશીમા- મિની નાગાસાકી જેવી આગ-બાળઝાળ-માણસોને જીવતા ભૂંજવાની ઘટનાઓ -તારાજી અને એ પણ અણુબોમ્બની મદદ વિના, સંપૂર્ણપણે સ્વાવલંબી રીતે સર્જી કે નહીં? હવે મિની જાપાન બનવા આડે કોઇ અડચણ નથી. (અફસર ૧ સામે જોઇને) એમ આઇ રાઇટ, સાહેબ?
અફસર ૧ (હા પાડવી કે ના, એ બાબતે મૂંઝાયા પછી, ગળું ખોંખારીને): મેં તો સાંભળ્યું છે કે આપણું વિકાસનું મોડેલ જોયા પછી હવે બીજા દેશો પણ પોતાને ત્યાં મિની ગોધરા અને મિની વડોદરા, મિની પાંડરવાડા અને મિની સરદારપુરા, મિની નરોડા પાટિયા અને મિની ગુલબર્ગ સોસાયટી ઊભાં કરવાનું વિચારી રહ્યા છે. વિકાસનું આપણું મોડેલ એવું અનોખું છે કે આઇ.આઇ.એમ.માં ચાની કિટલીના મેનેજમેન્ટના પિરીયડ પછી આપણા મોડેલનો પિરીયડ લેવો હોય તો લઇ શકાય. પણ આપણે મુદ્દાની વાત પર આવીએ. મિની જાપાન બનવા માટે સૌથી પહેલાં આપણે શું કરવું જોઇએ?
અફસર ૪: જાપાનમાં સમ્રાટ છે. એટલે સાહેબને આપણે સમ્રાટ જાહેર કરવા જોઇએ. તો જ જાપાનનો ફીલ બરાબર આવી શકે.
અફસર ૧ : જે છે, એને જાહેર કરવાની પંચાતમાં પડવાની જરૂર નથી. નહીંતર વાંકદેખાઓ તૂટી પડશે.
અફસર ૩: આમ પણ સાહેબ સમ્રાટ જેવા જ નથી? એમને નથી કોઇ પૂછનાર કે નથી કોઇ કહેનાર. જે પૂછે છે એને જવાબ આપતા નથી, કહે છે એનું ગણકારતા નથી અને કોઇ બહુ આઘુંપાછું થાય તો રાજદ્રોહનો આરોપ ક્યાં નથી?
અફસર ૧: આપણે એજેન્ડાબહારની ચર્ચાઓમાં સમય ન બગાડીએ. ગુજરાતમાં મિની જાપાન બનાવવાની જવાબદારી આપણા સૌની છે.
અફસર ૪ : જાપાનમાં બધાનાં નાક ચપટાં હોય છે. એટલે ગુજરાતમાં મિની જાપાન બનાવવું હોય તો સૌથી પહેલાં સાહેબે નાકની સર્જરી કરાવવી પડે.
અફસર ૩: સૂચન સારૂં છે, પણ આપણે બિચારા સાહેબનો વિચાર કરવો જોઇએ. અગાઉની વાત ન કરીએ તો પણ, હમણાં-હમણાં જ એમણે નાકની બે સર્જરી કરાવી. એક ડો. નાણાવટી પાસે ને બીજી ડો. તાતા પાસે. ડો. તાતાએ તો બે હજાર કરોડ રૂપિયાના ખર્ચે સાહેબના નાકની ‘નેનો’ સર્જરી કરી છે. એ તો ઠીક છે કે ડો.તાતા ખમતીધર છે અને પોતાની હોસ્પિટલના લાભાર્થે સર્જરીનો ખર્ચ તેમણે પોતે જ ઉપાડી લીધો. પણ સવાલ ફક્ત રૂપિયાનો નથી. જેના નાક ઉપર વારંવાર સર્જરી થતી હોય એને વીતે કે ન વીતે?
અફસર ૫: સાહેબ, અમારા એક સંબંધીએ ધૂંટણની ઢાંકણીનું ઓપરેશન કરાવેલું. એ બરાબર ન થયું તો એમને એટલી બધી વાર ધૂંટણ ખોલાવવો પડ્યો કે એ કંટાળી ગયા. એક વાર આવી વસ્તુ વંકાય ને પહેલી વારની સર્જરીમાં ફોલ્ટ રહી જાય, તો પછી આવું જ થાય છેઃ વારંવાર ઓપરેશન કરાવવાં પડે છે ને તો પણ ઠેકાણું પડતું નથી.
અફસર ૧: આપણે છેક નાકની સર્જરી સુધી જવાની જરૂર નથી. જાપાનમાં કેવી પાઘડીઓ પહેરાય છે એ હું જાણી લઇશ. પછી એવી પાઘડીઓ સાથે સાહેબનું ફોટોસેશન કરાવી લઇશું. એટલે જાપાનનો ‘ફીલ’ લાવવાનો પ્રશ્ન નહીં રહે.
અફસર ૨ : સાહેબના ફોટા બહુ સરસ આવે છે. હું જ્યારે પણ રોડ પરથી પસાર થતો હોઊં ને સરકારનું હોર્ડંિગ જોઊં એટલે ખાસ સાહેબનો ફોટો જોવા ઊભો રહું. જોડેનું લખાણ વાંચું કે ન વાચું, પણ સાહેબનો ફોટો તો ખાસ જોઊં. મને થાય કે સાહેબનો ‘પોર્ટફોલિયો’ મુંબઇના ફિલમવાળા જુએ તો સાહેબને ઊંચકીને ગાંધીનગરથી દિલ્હી લઇ જાય અને હેમા માલિની જોડે સાહેબની એકાદ ફિલમનું એનાઉન્સમેન્ટ કરી નાખે. અફસર ૩ : (ધીમા અવાજે) એવું થાય તો ફિલ્મ અને રાજકારણ બન્ને ક્ષેત્રોને ફાયદો થાય.
અફસર ૧ (અફસર ૩ ને): તમારી નોકરી પ્રાઇવેટ સેક્ટરમાં નક્કી થઇ ગઇ છે?
અફસર ૪: એક સવાલ છે સાહેબ, અભયવચન આપો તો પૂછું.
અફસર ૧: અભયવચન આપનાર હું કોણ? મને જ અભયવચન નથી, ત્યાં હું તમને કેવી રીતે આપી શકું? છતાં પૂછો.
અફસર ૪ : સાહેબ, સદીઓથી ગુજરાત એની ઉદ્યોગસાહસિકતા માટે દેશવિદેશમાં જાણીતું છે. આપણી અસ્મિતા અને આપણા ગૌરવની કથાઓમાં એ વાત લાખો વાર સાંભળી છે. તો મને એમ થાય કે ગુજરાતમાં મિની જાપાનની શી જરૂર છે? ખરેખર તો જાપાનમાં મિની ગુજરાત ન હોવું જોઇએ?
અફસર ૧ : એ તો સાહેબ કહે જ છે ને કે જ્યાં જ્યાં એક ગુજરાતી, ત્યાં ત્યાં સદા કાળ ગુજરાત...તમે સાહેબની કવિતાની ચોપડી વાંચી લાગતી નથી. જરા સાંસ્કૃતિક બાબતોમાં પણ રસ લેતા જાવ.
અફસર ૪ : એ પંક્તિ તો, હું ભૂલતો ન હોઊં તો ખબરદાર કવિની છે.
અફસર ૧ : ખબરદાર એટલે તાતાની જેમ પારસી જ ને! એટલે એ બઘું સાહેબનું જ કહેવાય. દૂધમાં સાકર, સમજો ને! ગુજરાતમાં અત્યાર સુધી જે કંઇ સારૂં થયું છે, એ બધો સાહેબનો જ પ્રતાપ છે. આવી સમજણ આખા ગુજરાતના લોકોના મનમાં, દૂધમાં સાકર ભળે એમ ભળી ગઇ છે, ને તમારા દૂધમાં હજુ એ સાકર ઓગળવાને બદલે કેમ ખખડ્યા કરે છે? ગુજરાતનું હિત વહાલું નથી?
અફસર ૬ (અત્યાર સુધી મૌન રહ્યા પછી): ગુજરાતમાં મિની જાપાન ને મિની ચીન, જે બનાવવું હોય તે બનાવવામાં આપણો સહકાર છે. આપણે ફક્ત એટલું કહેવું છે કે સાહેબ એ બઘું બનાવી રહ્યા પછી થોડું ઘ્યાન ગુજરાતમાં ‘મિની ગુજરાત’ બનાવવા ઉપર પણ આપેઃ ગાંધી-સરદારનું ગુજરાત...રવિશંકર મહારાજ-ઇંદુલાલ યાજ્ઞિકનું ગુજરાત...ઠક્કરબાપા અને મામાસાહેબ ફડકેનું ગુજરાત...

Tuesday, October 21, 2008

શબ્દાર્થપ્રકાશ # 4

પેઢાનપેઢીઃ પેઢી દર પેઢીએ
પેઢાનપેઢી કહેવાતું રહ્યું છે કે બુધવારે બેવડાય. (૯-૧૦-૦૮, દિ.ભા.)
પાણીચડાઉઃ પાણી ચડાવે એવું
...નવ ટકા વૃદ્ધિદર ઓ આવ્યો, ઓ આવ્યોના પાણીચડાઉ બોલ વચાળે વાસ્તવિકતા જોતાં... (૯-૧૦-૦૮, દિ.ભા.)
વર્ધમાનઃ આગળ વધી રહેલા
એક વર્ધમાન અર્થતંત્રના નાતે આપણે આશ્વસ્ત જ નહીં પણ આત્મવિશ્વાસયુક્ત રહેવાની વાતમાંય લોજિક તો છે જ. (૯-૧૦-૦૮, દિ.ભા.)
પાતાળદોટઃ તળીયા ભણીની દોટ
(શેરબજાર માનસની) લાગણીતૂર પાતાળદોટ ન જ સમજી શકાય એમ પણ નથી. (૯-૧૦-૦૮, દિ.ભા.)
રોકડ રૂધિરાભિસરણઃ લિક્વીડીટી ફ્લો
આપણે ત્યાં પણ ચિદમ્બરમે બુધવારે કહ્યું જ છે કે બજારમાં રોકડ રૂધિરાભિસરણની કાળજી લઇશું. (૯-૧૦-૦૮, દિ.ભા.)
ઊંબરદ્વારઃ ડોરસ્ટેપ..
એ ચોક્કસ જ એક ગુણાત્મક સંભાવનાઓના ઊંબરદ્વારની ગરજ સારે એવી બીના છે. (૧૧-૧૦-૦૮, દિ.ભા., લેખ)
પાયદળને વિમાની છત્ર પૂરૂં પાડવું: ઉપર રહીને બચાવ કરવો
સંઘ પરિવારનાં લુમ્પન તત્ત્વો આવાં હીણાં કામો કરે અને અડવાણી દિલ્હી બેઠે સર્વધર્મસંવાદની રૂડી વાતો થકી આ પાયદળને વિમાની છત્ર પૂરૂં પાડે...(૧૧-૧૦-૦૮, દિ.ભા., લેખ)
સંવાદબારી (ખોલવી): સંવાદ થઇ શકે એ માટેની પહેલરૂપ ચેષ્ટા કરવી કે વાતાવરણ ઊભું કરવું
...રાજકારણની મુખ્ય ધારાથી વિમુખ લોકો સાથેની સંવાદબારી ખોલી એ લાભનો સોદો પણ અચ્છો બની આવ્યો હતો.(૧૧-૧૦-૦૮, દિ.ભા.)
કૃષ્ણછાયાઃ કાળા ઓછાયા
ગૌરવ લેવું કે કંધમાલની કૃષ્ણછાયામાં વિમાસવું એવી આર્ત મૂંઝવણ અસ્થાને નથી. (૧૩-૧૦-૦૮, દિ.ભા.)

ચર્ચિયાનિટીઃ ખ્રિસ્તી ધર્મનું ચર્ચકેન્દ્રી સ્વરૂપ
યુરોપમાં ચર્ચિયાનિટીમાં ફેરવાઇ ગયેલી ક્રિશ્ચિયાનિટી હસ્તક જુલમો થયા હતા...(૧૩-૧૦-૦૮, દિ.ભા.)
સંબલઃ ભાથું
ધર્માનુરાગી પ્રજામાત્રે અંતે તો આ સામસામી લાગતી સહોપસ્થિતિમાંથી સંબલ મેળવવું રહે છે. (૧૩-૧૦-૦૮, દિ.ભા.)
મતવહેંચકઃ મોટા પક્ષોના મતમાં ભાગ પડાવનાર
ઉમા ભારતી અને ખાસ તો માયાવતી જેવાં ક્યાંક ભાવિ વિકલ્પ તરીકે ઉભરે છે કે કેવળ મતવહેંચક તરીકે તે પણ જોવા મળશે. (૧૫-૧૦-૦૮, દિ.ભા.)
ગુલાબી ગાજરવાળીઃ ભવિષ્યનાં રંગીન સ્વપ્નાંનાં ગાજર લટકાવવાં
હવે નવનિર્માણી રાજબહાદુર...છટણીના ભોગ બનેલાઓને સારૂ...ઓર એક ગુલાબી ગાજરવાળી સરજે છે. (૧૬-૧૦-૦૮, દિ.ભા.)
કોઠાવિવેકઃ કોઠાસૂઝ ધરાવતો વિવેક
વાસ્તવિક જરૂરત તેમ જ માગ ને પુરવઠાનો કોઠાવિવેક કેળવવો પડશે. (૧૬-૧૦-૦૮, દિ.ભા.)
નેજવાની છાંય તળેઃ નિશ્રામાં, આશરા હેઠળ
ગોપુચ્છ પકડી રાખવું: (વૈતરણી તરવાના સંદર્ભમાં ગાયનું) પૂંછડું પકડી રાખવું, પોતાની વાત પકડી રાખવી
વૈતરણીની વિષમ વાસ્તવિકતા વચ્ચેય ચિદમ્બરમે મનમોહનસિંહના નેજવાની છાંય તળે પેલું ગોપુચ્છ અદ્દલોઅદ્દલ પકડી રાખ્યું છે કે આપણા અર્થકારણના ફન્ડામેન્ટલ્સ સાબૂત છે. (૧૭-૧૦-૦૮, દિ.ભા.)
આંકડેથી ઉતરીને ભાણામાં દેખાવું: વાતને બદલે વાસ્તવમમાં અનુભવ થવો
ફુગાવામાં સહેજ રાહત છે, પણ તે આંકડેથી ઉતરીને ભાણામાં દેખાય ત્યારે સાચી! (૧૭-૧૦-૦૮, દિ.ભા.)
દિવસની આંતરરાષ્ટ્રીય ફટાફટઃ વન ડે ઇન્ટરનેશનલ
એક દિવસની આંતરરાષ્ટ્રીય ફટાફટ (ઓડીઆઇ)માંયે વિક્રમ રનજુમલા પછી...(૧૮-૧૦-૦૮, દિ.ભા.)

ઉપરાંત એક વાક્યપ્રયોગ
‘ભારતરત્ન જેઆરડી તાતા પણ હૃદયરત્ન તો હર્ષદ મહેતા’ (૧૬-૧૦-૦૮, દિ.ભા.)