Wednesday, August 24, 2022
ઉપવાસ અને બફવડાં
ગુજરાતમાં ઘણાં ઠેકાણે જન્માષ્ટમી પર...ના, જુગારની વાત નથી, આ વાત છે ઘણાં ઠેકાણે બનતાં-વેચાતાં બફવડાંની. ક્યારેક એવો વિચાર આવે કે જુગાર અને બફવડાં ન હોત તો અમુક લોકો જન્માષ્ટમી શી રીતે ઉજવતા હોત? કાકાસાહેબ કાલેલકરે તહેવારો વિશે મનનીય નિબંધો લખ્યા છે, પણ વર્તમાન સમયમાં દરેક તહેવારનો અનુબંધ નવેસરથી, નવા સમયની ખાદ્યસામગ્રી સાથે જોડવો પડે એમ છે. (જાહેર નીતિમત્તાને અને જેવા છે તેવા કાયદા પ્રત્યેના આદરને ધ્યાનમાં રાખીને પેયસામગ્રીની વાત અહીં ટાળવામાં આવી છે.)
ભારતીય સંસ્કૃતિની વિવિધતામાં એકતાનો ખ્યાલ આપતા ઘણા તહેવારોમાં એક સાથે ઉપવાસ અને ખાણીપીણી, એ બંનેનો મહિમા હોય છે. એક વાર એક પરદેશી મિત્રને ફરાળી વિશે સમજણ પાડતાં ટૂંકમાં કહ્યું કે “ફરાળી એટલે ઉપવાસમાં ખાવાનું.” ત્યારે તેમણે જવાબ પ્રત્યે ભારોભાર અશ્રદ્ધા વ્યક્ત કરતાં કહ્યું હતું, “પહેલાં તું નક્કી કરી લેઃ ઉપવાસ કે ખાવાનું?” “ઉપવાસનું ખાવાનું” એ વદતોવ્યાઘાત એટલે કે પરસ્પર વિરોધી શબ્દો છે, એ જેટલી હકીકત છે, તેટલી જ હકીકત એ પણ છે કે શ્રાવણ મહિનામાં પિત્ઝાના હિંડોળા અને ફરાળી પિત્ઝા સુધી તો પ્રગતિ થઈ ચૂકી છે. શક્ય છે કે આ માહિતી પણ જૂની હોય અને ફરાળી મંચુરિયન ખાતાં ખાતાં અત્યારે કઈ વિદશી વાનગીને ફરાળી સ્વરૂપ આપવું એનો વિચાર કોઈ ફળદ્રુપ ભેજું કરી રહ્યું હોય.
એક શાયરે કહ્યું હતું કે સુખ એ બીજું કૈં નથી, દુઃખનો ગુલાબી મિજાજ છે. એવી રીતે, બફવડાં એ બીજું કૈં નથી, બટાટાવડાંનો ફરાળી મિજાજ છે. પરંતુ સુખ અને દુઃખ વચ્ચે હોય એટલો જ મોટો ફરક બફ ને બટાટાવડાં વચ્ચે હોય છે. એક માતાપિતાનાં બે સંતાનો સાવ જુદાં હોય, એવું જ સારાં બટાટાવડાં અને બફ વચ્ચેના તફાવતના મામલે બને છે. એ દાવામાં ‘સારાં’ વિશેષણ ઉમેરવાનું કારણ એ કે ખરાબ બને તે બટાટાવડાં છે કે બફવડાં છે કે બાફેલા બટાટા-મરચાનો મસાલો છે, તે નક્કી કરવું અઘરું હોય છે. પરંતુ બફવડું જો સારું હોય તો એક કિલો બટાટાવડાના ઘાણમાંથી જુદું તરી આવે.
હજુ સુધી ભારત સરકારની કોઈ સંસ્થાએ કયા કદમાપનાં બટાટાવડાં બનાવવાં, તેને લગતું કોઈ ધોરણ નક્કી કર્યું નથી. તેને કારણે લખોટી જેવડાં બટાટાવડાંથી માંડીને નાની તોપમાં ગોળા તરીકે વપરાય એટલા કદનાં બટાટાવડાં લોકો બનાવે છે. તેમની સરખામણીમાં બફનું કદ સામાન્ય રીતે નાનું હોય છે. મહિલા પૂર્તિની ભાષામાં તેમને નાજુક પણ કહી શકાય. તેમની પર પથરાયેલું ફરાળી લોટનું આવરણ પણ પારદર્શક લાગે એટલું પાતળું હોય છે. તેની વચ્ચે વચ્ચેથી અંદર ભરાયેલો બટાટાનો માવો ડોકાં કરતો હોય છે. બટાટાવડાંમાં એવું બનતું નથી. તેમાં માવાની ફરતે ચણાના લોટનું રૂઢિચુસ્ત રીતે અભેદ્ય લાગે એટલું જાડું આવરણ રચાયેલું હોય છે. તેના કારણેં બંને વચ્ચેના તફાવતની શરૂઆત બાહ્ય દેખાવથી જ થઈ જાય છે.
ઘણા લોકો માટે બટાટાવડું રોજ મળતા મિત્ર જેવું હોય છે. તેની કિંમત ઓછી ન હોય, પણ નવાઈ ઓસરી ચૂકી હોય. બફ તેમને ક્યારેક મળતા મિત્ર જેવું લાગે છે. તેને જોઈને ઉમળકો જાગે. સ્વાદિયા ન હોય એવા ઘણા લોકો બફવડાં વર્ષમાં અમુક જ વાર, કેટલાક તો માત્ર જન્માષ્ટમીના દિવસે જ ખાતા હોય તો નવાઈ નહીં. તેના કારણે બફનું આકર્ષણ અને તેના માટેની ઝંખના તેમના મનમાં જળવાયેલાં રહે છે. શહેરોમાં તો હવે તહેવારો નિમિત્તે ખાણીપીણીની સામગ્રી ખરીદવા માટે લાઇનમાં ઊભા રહેવાનો ધારો પડી ગયો છે. ગીરદી તો ગામોમાં પણ હોય. છતાં, ત્યાં ઊભા ઊભા લોકો “અરે, આપણાં સાડી સાતસો કરજો”, “આપણાં પાંચસો-પાંચસોના બે ભૂલતા નહીં”—જેવા પોકારો પાડતા હોય છે.
દુકાને
બેસીને તળનારા કારીગરના ચહેરા પર એ બધો વખત એવો ભાવ હોય છે કે “તમારો ઓર્ડર સાંભળ્યો, પણ હું તો મારે
જે કરવું હશે તે રીતે જ કરીશ.”
કેટલાક લોકો કારીગરને છોડીને પડીકાં બાંધનાર સાથે જૂની ઓળખાણો કાઢવા કે નવી ઓળખાણો બાંધવા પ્રયાસ કરે છે, જેથી તળાઈ રહેલા ઘાણમાંથી, તેમને વીઆઇપી ક્વોટામાં ફાળવણી થાય. કેટલાક લોકો વફાદારીનો સહારો લેતાં થડા પર બેઠેલા જણને કહે છે, “મારા બાપા આઠમ કરે ત્યારે તમારી દુકાનનાં બફવડાં સિવાય બીજા કશાને હાથ પણ ન લગાડે. મારું પણ એવું જ. તમારાં બફ એટલે બાકી...આપણાં કિલો કરજો.”
પ્રેમની જેમ બફવડાંનો મસાલો સરખો હોવા છતાં, દરેક કલાકારની અભિવ્યક્તિ તેમાં જુદી જુદી હોય છે અને દરેકને પોતપોતાની અભિવ્યક્તિનું ગૌરવ હોય છે. તેમને લાગે છે કે તેમની દુકાને બને છે, તેવાં બફવડાં વ્હાઇટ હાઉસમાં પણ નથી બનતાં. એક રીતે તેમની વાત સાચી પણ હોય છે. કારણ કે, વ્હાઇટ હાઉસમાં બફવડાં જ નથી બનતાં.
ગુજરાતમાં બફવડાંનું બજાર આઠમ કે અગીયારસના ઉપવાસ વખતે, પણ ‘બ્લફવડાં’નું બજાર બારે મહિના ગરમ હોય છે. ‘બ્લફ’ કહેતાં ફેંકાફેંકની ફિશિયારીનાં વડાં પ્રજાને એટલાં ભાવે છે કે દરેક પંદરમી ઓગસ્ટે ને એવા બીજા અનેક પ્રસંગે નેતાઓ બ્લફવડાંના ઘાણ ઉતારીને જાય, તો પણ લોકો તેમનો કાંઠલો પકડીને અગાઉ કરેલી ફેંકાફેંકનો હિસાબ માગતા નથી અને હોંશે હોંશે નવા ઘાણની સુગંધથી ડોલવા લાગે છે.
Friday, August 19, 2022
ન્યાયનો અંત આવો? : બળાત્કારીઓ અને હત્યારાઓને અપાયેલી માફી વિશે પ્રતાપ ભાનુ મહેતાના અંગ્રેજી લેખનો અનુવાદ
પ્રતાપ ભાનુ મહેતા, ઓગસ્ટ 19, 2022, ધ ઇન્ડિયન એક્સપ્રેસ
જરાય ગાફેલિયતમાં રહેવાની જરૂર નથી. બિલ્કિસબાનુ પર સામુહિક બળાત્કાર કરનારા, તેમની ત્રણ વર્ષની બાળકીની હત્યા કરનારા અને બીજા તેર લોકોની હત્યામાં સામેલ 11 લોકોને ગુજરાત સરકારની સમિતિએ આપેલી માફી કેવળ ન્યાયની વિડંબના નથી. તે ઉશ્કેરણીનો ખતરનાક રાજકીય ખેલ છે. સરકાર કદાચ હજુ તે હુકમ પર ફેરવિચાર કરી શકે. સર્વોચ્ચ અદાલતે માફીની અરજી પર વિચાર કરવાની મંજૂરી આપી હોવા છતાં, તેનાં દ્વાર ખટખટાવવામાં આવે તો, તે પણ સજામાફીનો (સમિતિએ કરેલો) નિર્ણય કદાચ ઉલટાવી શકે. પણ તેનાથી જે નુકસાન થવાનું હતું, તે થઈ ચૂક્યું છે. “શું ન્યાયનો અંત આવો હોય?” એવા બિલ્કીસબાનુના મર્મભેદી સવાલે કાળજીપૂર્વક ઊભા કરેલા ભારતીય ગણતંત્રના બાહ્ય ભ્રામક દેખાવને છેદી નાખ્યો છે. રહીરહીને પોકારે એવા આ સવાલ પાછળ રહેલા ચિત્કારનો કોઈ જવાબ નથી. હકીકત તો એ છે કે, તે સવાલની પાછળ રહેલો ચિત્કાર વ્યાપકપણે અનુભવાયો નથી, તે ગણતંત્રના નૈતિક બુઠ્ઠાપણાની અને હડહડતા કોમવાદીપણાની સાહેદી પૂરે છે.
રાજ્યે આપેલી માફીમાં શું દાવ પર લાગ્યું છે, તે સમજવામાં કાયદાકીય દલીલો આડે ન આવે તે જરૂરી છે. કમભાગ્યે, ભારતીય ન્યાયપ્રણાલિમાં જામીન, સજા અને માફી મોટા પાયે મુનસફી પર ચાલે છે. ડિસેમ્બર 2012માં દિલ્હીમાં થયેલા ગેંગ રેપ અને મર્ડર કેસ જેવા કેટલાક બળાત્કારના કિસ્સામાં ગુનેગારોને મૃત્યુદંડની સજા મળી, જ્યારે એવા બીજા ઘણા કિસ્સામાં એવી સજા નથી મળી. 1992માં અસ્તિત્વ ધરાવતી અને ત્યાર પછી નાબૂદ કરાયેલી માફીનીતિ હેઠળ માફી આપી શકાય કે નહીં, તેની ચર્ચા થઈ શકે; ભયંકર ગુનાઓમાં માફીની જોગવાઈ લાગુ પાડી શકાય નહીં, એવી કેન્દ્ર સરકારની ગાઇડ લાઇન આ કિસ્સામાં લાગુ પડી શકે કે નહીં, તેની પણ ચર્ચા થઈ શકે. આ પ્રકારના કેસમાં ન્યાયી સજા કેવી હોઈ શકે, તેની વાત થઈ શકે. દંડ અને સજા વિશેની વ્યાપક ચર્ચા પણ અલગથી થઈ શકે. પરંતુ જે રીતે આ કિસ્સામાં મુન્સફી વાપરવામાં આવી છે, તે સાવ જુદી વાત છે. (આગળ જણાવેલા) બધા કાનૂની આટાપાટાની મદદથી સજા માફ થઈ હોય એવું બને. પરંતુ આ કિસ્સામાં રાજ્ય સરકારે પોતાની મુન્સફીનો ઉપયોગ ન્યાયને ઉથલાવી પાડવા માટે અને રાજકીય સંકેત આપવા માટે કર્યો હોય એવું લાગે છે.
બિલ્કિસબાનુનો કેસ એટલો ભયંકર હતો કે તેના વિશે સાંભળવામાત્રથી મગજ અને કલ્પનાશક્તિ બહેર મારી જાય, ચિત્ત ભ્રમિત થઈ જાય. ગુનો એટલો ભયંકર હતો અને તેની વિગતોની અનેક વાર પુષ્ટિ થઈ ચૂકી છે. તેમ છતાં, એવી હિંસાખોરીના વિચારમાત્રથી આપણને હજુ પણ ત્રાસ છૂટે છે કે જેમાં એક સગર્ભા સ્ત્રી પર બળાત્કાર થયો હોય, એક બાળકને પટકીને મારી નાખવામાં આવ્યું હોય, આખા પરિવારની હત્યા થઈ હોય અને આ બધું પાડોશીઓમાંથી જ કેટલાકે કર્યું હોય. તે ધ્યાનમાં રાખતાં, બિલ્કિસબાનુએ જે હાંસલ કર્યું, તે કોઈ ચમત્કારથી કમ ન હતું. તે જુસ્સાથી સક્રિય થયાં. દુશ્મનાવટભર્યું રાજકીય વાતાવરણ, ડરાવતો સમાજ, ખંડિત ન્યાયતંત્ર અને આર્થિક અભાવ જેવી ભારે વિપરીતતાઓ સામે તેમણે અદમ્ય સાહસ દેખાડ્યું, તેમણે પોતાની ઓળખ ગુનાથી (ભોગ બનનાર તરીકે) નહીં, પણ ન્યાયથી (ઝઝૂમીને ન્યાય મેળવનાર તરીકેની) ઊભી કરી. અને દેશભક્તિની ઉચ્ચતમ મિસાલ તરીકે, ભારતીય બંધારણ અને તેની સંસ્થાઓમાં, તેના રખેવાળોને પણ કદી ન હોય એવો ને એટલો, વિશ્વાસ મુક્યો. આપણે જાતને આશ્વાસન આપવું હોય કે હજુ પણ ન્યાય મેળવવાનું શક્ય છે, ત્યારે બિલ્કીસબાનુનો કેસ આપણા માટે એવા તરણાનું કામ કરે છે, જેને વળગીને આપણે એવો સધિયારો મેળવી શકીએ. અને ન્યાયનો અંત કેવો આવ્યો? બિલ્કીસબાનુને એટલી જાણ કરવાનો વિવેક પણ ચૂકાયો કે તમારા અત્યાચારી પાડોશીઓને છોડી મૂકીએ છીએ. રાજ્યના પગલાનો બેપરવાઈભર્યો મતલબ હતોઃ એ ભય અને માનસિક ત્રાસ ફરી અનુભવો.
આ ઘટનાક્રમનાં બે રાજકીય પાસાં નોંધપાત્ર છે. અગાઉનાં ઘણાં રમખાણોની જેમ, 2002નાં રમખાણોના ઘણા આરોપીઓનો ન્યાય હજુ થયો નથી. પરંતુ ગુજરાતમાં વ્યાપક રીતે એવો માહોલ છે કે જે લોકો સામે અદાલતમાં કામ ચાલ્યું અને સજા થઈ તે હકીકતમાં કેટલાંક એનજીઓ, કર્મશીલો, (કેન્દ્રની) કોંગ્રેસ સરકાર અને મિડીયાના કેટલાક હિસ્સાની રાજકીય કાવતરાબાજીનો ભોગ બનેલા લોકો હતા. ન્યાયની સતત માગણી કરતા લોકોના દબાણને હળવું કરવા માટે, કેટલીક વાર નામીચા પણ આ કિસ્સામાં નિર્દોષ હોય એવા લોકોને ઝડપીને, તેમને રાજકીય સંઘર્ષમાં બલિનો બકરો બનાવાયા. એ વાત સાચી છે કે નહીં, તે અહીં અપ્રસ્તુત છે. અસલી મુદ્દો એ છે કે આપણે આવું માની લઈએ, તેમ ભાજપ ઇચ્છે છે. “હિંદુઓ કદી ત્રાસવાદી હોઈ શકે નહીં અને હિંદુઓ હંમેશાં ભોગ બનેલા જ હોય”—એવા ભાજપના પ્રચારગાનનો તે હિસ્સો છે.
તે મતલબના પ્રચારને વાજબીપણાની દલીલ તરીકે અપનાવીને, સરકાર હવે 2002માં હિંસાપીડિતોને ન્યાય અપાવવાનું કામ કરનારા લોકોની પાછળ પડી ગઈ છે અને તેમણે ન્યાય મેળવવાનો પ્રયાસ કર્યો તે બદલ તેમને દંડી રહી છે. આ પ્રચારમાં ઉશ્કેરણીની અસલી ઘંટડી એવું સૂચવવામાં છે કે ન્યાય મેળવવાનો પ્રયાસ પોતે જ એક કાવતરું હતો. આ કેવળ બદલો નથી. તે હિંદુઓની નિર્દોષતાની તેમણે (ભાજપે) ઊભી કરેલા માન્યતાને ટેકો આપવા માટે પણ છે. બિનભાજપી સરકાર હશે ત્યાં આ પ્રકારની કાવતરાબાજી વધારે શક્તિશાળી બનશે. માફી થકી સગડવપૂર્વક એવું સૂચવી શકાય છે કે ભાજપ ન્યાયપ્રણાલિમાં પણ હિંદુ હિતનું રક્ષણ કરશે. પોલીસ અને ન્યાયતંત્રની વિશ્વસનિયતા સામે સવાલો ઊઠતા હોય એવા માહોલમાં આ પ્રકારનો પ્રચાર માની લેવાનું સહેલું છે. ગુનેગારો સામે પગલાં ન ભરવા માટે પણ (ન્યાય મેળવવાનો પ્રયાસ પોતે એક કાવતરું હતો) તે પ્રપંચ ઉપયોગી બની રહે છે.
વ્યક્તિની ઓળખ સાથે સંકળાયેલા ગુના હકીકતમાં અસલી ગુના નથી, એવા ભયંકર ખ્યાલને કારણે આ પ્રકારની ઉશ્કેરણીજનક ચેષ્ટા વધારે શક્ય બને છે. આ પ્રકારની વિચારસરણીને કારણે જ, બળાત્કારની હિંસાને કોમના સંદર્ભમાં મુકી દેવાતાં તે ધૂંધળી બની જાય છે. કોમી હિંસાના મામલે, જાતીય હિંસાને ઘણા સમયથી રાજકીય હિંસાનું જ એક સાધન ગણવામાં આવી છે. પરંતુ તે જ્ઞાતિઆધારિત હિંસાને પણ લાગુ પડે છે. જ્ઞાતિની તાકાત બનાવવા માટે કે સામુહિક હત્યાકાંડોમાં કે રમખાણોમાં હિંસાનો ભોગ બનતા લોકોને તેમની ઓળખના આધારે પસંદ કરવામાં આવે છે. હિંસા આચરનારા લોકો માટે (ભોગ બનનારની) ઓળખ મુખ્ય બને, એટલે તેમનો પોતાનો અંતરાત્મા કોરાણે મુકાઈ જાય છે અને તેમને સમર્થન આપનારા લોકો પણ તેમને ગુનેગારને બદલે હીરો તરીકે જુએ છે. હિંદુત્વ અને એવી બીજી અંતિમવાદી વિચારસરણીઓ જેના જોરે ફૂલતીફાલતી હોય છે તેવા યુદ્ધના અતિશયોક્તિભર્યા પોકારો આ પ્રકારના વૈચારિક સંકોચનને સહેલું બનાવે છે. એ જ કારણથી, હત્યારાઓને હારતોરા કરવાનું, બળાત્કારીઓનું સન્માન કરવાનું અને તેમના સમર્થનમાં રેલીઓ કાઢવાનું આપણા માટે સહેલું હોય છે.
એટલે, સજામાફીના પગલે હોબાળો ન થયો કે (ગુનો કેવો છે તે નહીં, પણ) ગુનેગાર કોણ છે તેના આધારે નક્કી થતાં આપણાં બેવડાં ધોરણ અંગે કશો ગુંચવાડો અનુભવવા જેવો નથી. આપણે ફક્ત કોમવાદની માત્રા વધી હોય એવા સમયમાં નથી જીવતાં. આપણી કોમી ઓળખ સંપૂર્ણ બની ચૂકી છે, જેમાં સંગીત, ભાષા જેવાં પ્રમાણમાં નાનાં સાંસ્કૃતિક પરિબળો પણ ઓળખના બોજથી મુક્ત નથી. આ પ્રકારના પૂરેપૂરા રંગાયેલા વાતાવરણમાં ગુનો અને ન્યાય, નિર્દોષતા અને અપરાધભાવ જેવા શબ્દોનો પણ, કોમવાદી એજન્ડાના ભાગ બનવા સિવાય, સ્વતંત્ર-પોતીકો અર્થ રહ્યો નથી.
એટલે “શું ન્યાયનો અંત આવો હોય?” એવા બિલ્કીસબાનુના સવાલનો જવાબ અકળાવનારો હોઈ શકે છે. તેમના ધીરજપૂર્વકના પ્રયાસથી તેમને ન્યાય મળ્યો ને ન્યાય મેળવવાનું હજુ શક્ય છે—એવા ભ્રમને વળગી રહેવાનું આપણને નિમિત્ત મળ્યું. પરંતુ હવે જણાય છે કે કોમવાદ અને ગુનાનાં માઠાં પરિણામની જવાબદારીમાંથી મુક્તિનો વાયરો વાય, ત્યારે ન્યાયના તંતુઓ ફરી એક વાર હવામાં ઉડી જશે. ન્યાયનો અંત આવો ન હોય, પણ કદાચ સાચો ન્યાય કદી શરૂ જ થયો ન હતો.
મૂળ લેખની લિન્ક
Wednesday, August 10, 2022
1700મી પોસ્ટ : 'મારી પત્રકારત્વ-લેખનની સફર'ની પ્રક્રિયા અને પ્રકાશન-જલસો-1
વર્ષ 2008થી શરૂ થયેલી બ્લોગની સફરને જૂન, 2022માં પંદર વર્ષ પૂરાં થયાં અને આ તેની 1,700મી પોસ્ટ છે. આટલાં વર્ષ પછી હવે આંકડાનો મહિમા પહેલાં જેટલો નથી લાગતો. બ્લોગમાં લેખોની સંખ્યા ઘટી છે. તેના માટે ખાસ લખવાનું ખાસ્સું ઘટી ગયું છે. છતાં પંદર વર્ષમાં કદી એવો વિચાર નથી આવ્યો કે બ્લોગિંગ હવે અપ્રસ્તુત બની ગયું છે. માટે બંધ કરી દઉં. નિરાંતે અને મલ્ટીમિડીયા સામગ્રી સાથે, મને ગમે તે રીતે અને હું ઇચ્છું તે રીતે વ્યક્ત થવા માટે બ્લોગનો વિકલ્પ જડ્યો નથી. વેબસાઇટ બનાવવાનું વચ્ચે વિચાર્યું હતું. પણ તેના ડિઝાઇનિંગથી માંડીને બીજી બાબતોમાં રૂપિયા ખર્ચવાનું વસૂલ ન લાગ્યું. એટલે, અત્યારે તો, 'અભિયાન'ના આર્ટ ડિરેક્ટર મનસુખ ઘાડિયાના યાદગાર શબ્દોમાં કહું તો, 'જે છે, તે આ જ છે.'
***
બ્લોગની
1700મી પોસ્ટ
નિમિત્તે જેનો લસરકા-અહેવાલ લખવાનો છે, તે કાર્યક્રમ એટલે મારા પુસ્તકનો પ્રકાશન સમારંભ. 'મારી પત્રકારત્વ-લેખનની સફર'--એ પુસ્તકનાં પ્રકરણો, જરા જુદા સ્વરૂપે, પહેલાં બ્લોગ પર લખાયાં. એ અર્થમાં
કહી શકાય કે બ્લોગ મારા એક અત્યંત મહત્ત્વના અને ગુજરાતી પત્રકારત્વ-લેખન વિશેના
વિશિષ્ટ પુસ્તકની સામગ્રીનો પહેલો ઝીલણહાર બન્યો. બ્લોગ પર મેં 'મારી પત્રકારત્વની સફર' એ નામે શ્રેણી શરૂ કરી ત્યારે જરાય
ખ્યાલ ન હતો કે એક અત્યંત મહત્ત્વના પુસ્તકનું બીજ રોપાઈ રહ્યું છે. પરંતુ 49
ભાગની એ શ્રેણી
પૂરી થઈ ત્યારે સમજાઈ ગયું કે હું ધારું છું એવું પુસ્તક થશે, તો તે ગુજરાતી પુસ્તકોની દુનિયામાં
અને પત્રકારત્વ-લેખનનાં પુસ્તકોની દુનિયામાં સાવ જુદા પ્રકારનું અને અભૂતપૂર્વ બની
રહેશે.
કોઈને
થશે કે પોતાના પુસ્તકનાં જાતે ને જાતે આટલાં વખાણ સારાં નહીં. સામાન્ય સંજોગોમાં
હું પણ તે વાતમાં હોંશથી સંમત થાઉં, પણ 'મારી
પત્રકારત્વ-લેખનની સફર'--પ્રકારનું
કોઈ પુસ્તક ગુજરાતીમાં અગાઉ મારા જોવામાં આવ્યું નથી. 'સંભારણાં અને દસ્તાવેજીકરણના સંપૂર્ણ
સંગમ જેવા તે પુસ્તકમાં આશરે 95
હજારથી પણ
વધારે શબ્દો હતા અને આશરે 450-500
જેટલા
વિઝ્યુઅલ્સ. (ગણ્યાં નથી), તેમની
સાથે શી રીતે પનારો પાડવો, તે
પડકાર હતો. એવું પુસ્તક શી રીતે તૈયાર થાય, તેમાં વિઝ્યુઅલ સામગ્રી કેવી રીતે
મુકાય, તેનો લે-આઉટ
કેવો હોય--એ બધું જાતે શીખવા-સમજવાનું હતું. કેમ કે, અગાઉ ગુજરાતીમાં એવું કોઈ મોડેલ મારી
સામે ન હતું. તે વિગતમાં જતાં પહેલાં, થોડી વાત બ્લોગની શ્રેણીના લખાણમાં થયેલા ઉમેરા અને ફેરગોઠવણો વિશે.
બ્લોગ પર શ્રેણી પૂરી થયાના થોડા મહિના પછી, પુસ્તકની કામગીરી શરૂ કરી. ત્યારે સૌથી પહેલાં તો, શ્રેણીમાં જે લખ્યાં ન હતાં, તે 'અભિયાન' વિશેનાં પ્રકરણો લખવાનું શરૂ કર્યું. લખભૂંસ આરંભી. ચારસો-પાંચસો-છસો શબ્દો લખું. બીજા દિવસે ફરી વાંચું. કાપકૂપ કરું, જુદી રીતે લખું, વિગત ઘટાડું કે વધારું. એ લખતી વખતે સાથે 'અભિયાન'ના સમયગાળામાં બીરેનને લખેલા પત્રોનો જથ્થો, તે સમયની રિપોર્ટિંગની નોટબુક અને તે સમયના 'અભિયાન'ના બધા અંક સાથે રાખતો હતો. કશાક સંદર્ભ માટે એક પત્ર શોધવા માટે બીજા પણ પત્રો ફેંદવાના થાય. ક્યારેક થાય કે 'હમણાં તો એ બે લીટી જોઈ હતી ને હવે ક્યાં ગુમ થઈ ગઈ?'
![]() |
મુંબઈથી ઘરે લખેલા અને કાર્યપદ્ધતિનો ખ્યાલ આપતા એક પત્રનો અંશ |
![]() |
'મારી હકીકત' નાટક જોયા પછી, તેના વિશેના લખાણની સાથે બીરેનને ખ્યાલ આપવા માટે પત્રમાં દોરેલું સ્ટેજની ગોઠવણનું ચિત્ર. આ પત્ર પણ પુસ્તકમાં સમાવ્યો નથી. |
એકથી વધારે વાર બધા પત્રો વાંચ્યા પછી તેમાંથી લઈ શકાય એવી વિગતો તારવી હોય. તેમાંથી પણ લખતી વખતે અમુક પડતી મુકવી પડે, અમુક વાર આખું અવતરણ ઉતારવાને બદલે એકાદ લીટી ઉતારીને બાકીની વાત ટૂંકમાં કરવી પડે. શ્રેણી લખવાનું શરૂ કર્યું ત્યારે સ્પષ્ટતા ન હતી, પણ 49 ભાગ પૂરા થયા ત્યારે તેની લખાવટ અને તેનો ટોન (સૂર) ખાસ્સાં નક્કી થયાં હતાં. એટલે 'અભિયાન' વિશેનાં નવાં લખેલાં પ્રકરણોમાં એ ટોન જળવાઈ રહે તે જરૂરી હતું. એવું થાય છે કે નહીં, તે તપાસવા માટે નવાં લખેલાં પ્રકરણ દીપક સોલિયાને અને બીરેન કોઠારીને વાંચવા મોકલતો હતો.
![]() |
1996ના દીવાળી અંક માટે દીપક સોલિયાએ મુંબઈથી કરેલો ફેક્સ. (ફોટો પર ક્લિક કરીને વાંચી શકાશે) તે પણ પુસ્તકમાં લઈ શકાયો નથી. |
તે
વખતે એવો ખ્યાલ હતો કે પછીનાં પ્રકરણોમાં તો બહુ એડિટ નહીં કરવું પડે. પણ 'અભિયાન' પછીનાં પ્રકરણ જેમ જેમ હાથમાં લેતો
ગયો અને ઝીણવટથી તપાસતો ગયો, તેમ
નાનુંમોટું નકશીપ્રકારનું ઘણું એડિટિંગ કરવાનું થયું. ઉપરાંત, કેટલાંક પ્રકરણ ટૂંકાં હતાં, કેટલીક ઘટનાઓને યોગ્ય ક્રમમાં
ગોઠવવાની હતી. તેના કારણે ઘણાં પ્રકરણ ભાંગવાં પડ્યાં. પરિણામે, જૂનાં 49 પ્રકરણોમાં નવાં પાંચ પ્રકરણ ઉમેરવા
છતાં, ફેરગોઠવણીને
લીધે પુસ્તકમાં આખરે 47 પ્રકરણ
થયાં.
બીજું
મહત્ત્વનું કામ એ કરવાનું હતું કે બ્લોગ પરની શ્રેણીમાં દરેક ભાગના અંતે હું એક
તાંતણો લટકતો રાખતો હતો, જેનું
અનુસંધાન પછીના ભાગમાં પહેલા ચાર-પાંચ ફકરા પછી આવતું હતું. આવું ઘણાં પ્રકરણોમાં
હતું. બ્લોગ પર વચ્ચે વચ્ચે બ્રેક સાથે પ્રકરણો વાંચવાનાં હોય તો તે રીત ચાલી જાય,
પણ પુસ્તકમાં
સળંગ વાચન વખતે, એક પ્રકરણના
અંતે લટકતો તાંતણે બીજા પ્રકરણના આરંભે આવે નહીં, તો રસભંગ થાય . તે બાબતનું દીપકે
દોર્યું. એટલે એ રીતે પણ બ્લોગ પરના લખાણમાં-તેના ક્રમ અને ગોઠવણમાં ફેરફારો
કરવાના થયા. એમ કરતાં, છેવટે 47
પ્રકરણમાં
પુસ્તક પૂરું થયું. ત્યાર પછી બ્લોગમાં લખેલો દસ્તાવેજીકરણ વિશેનો
ભાગ પુસ્તકમાં
ન લીધો. પરિશિષ્ટમાં એક ટૂંકો લેખ હું પત્રકારત્વમાં શી રીતે આવ્યો, તેનો મુક્યો. પુસ્તકનાં પ્રકરણોમાં 2006
સુધીની વાત
હતી. એટલે, બીજું
અને મહત્ત્વનું તેમ જ માથાકૂટિયું કામ 2006થી 2022 સુધીના
મારા પત્રકારત્વ-લેખન વિશેના કામની ઝલક આપવાનું હતું. તે તૈયાર કરતાં ઘણી વાર
લાગી. સાથોસાથ, ઘણું
એવું પણ યાદ આવ્યું, જે
મનમાંથી સાવ નીકળી ગયું હતું.
પરિશિષ્ટોનું કામ તો સાવ છેલ્લે રાખ્યું હતું. કારણ કે પુસ્તકમાં પાનાંની સંખ્યાના મેળ પ્રમાણે પરિશિષ્ટ લેવાનાં કે બાકાત રાખવાનાં હતાં. તે સિવાયનાં પ્રકરણો એડિટ થઈને ફાઇનલ તૈયાર થયાં, એટલે હાશકારો થયો. ત્યાર પછી શરૂ થયું તેના માટેની વિઝ્યુઅલ સામગ્રી શોધવાનું કામ. બ્લોગ પર શ્રેણી લખતી વખતે તેમાં વિઝ્યુઅલ સામગ્રી મુકી જ હતી. છતાં, પુસ્તકમાં છાપવા માટે હાઇ રેઝોલ્યુશન ફોટા જોઈએ. કેટલીક વસ્તુઓના ફોટા પાડીને મુકી દીધા હોય. તેનું સ્કેનિંગ કરવું પડે. નીલેશ રૂપાપરા, જગદીશ પાટડિયા, હિમાંશુ કીકાણી, વિક્રમભાઈ વકીલ, મનીષા જોષી જેવાં એ સમયનાં સાથીઓના તે અરસાના ફોટા ન હતા. એ તેમની પાસેથી આગ્રહપૂર્વક મંગાવ્યા. વિલક્ષણ પત્રકાર સંજય ઠાકોર ('ભમરડો' અને 'પ્રહાર' જેવાં સામયિકોના તંત્રી)નો ફોટો છાપવાની મારી બહુ ઇચ્છા હતી. ઠેકઠેકાણે તપાસ કર્યા પછી, જાણીતા પત્રકાર અને વડીલ મિત્ર મુકુંદ પંડ્યાએ મને સંજયભાઈનો એક જૂનો, પણ છાપી શકાય એવો ફોટો મેળવી આપ્યો. પુસ્તક મારી આત્મકથાનું હોત તો આ બધી કડાકૂટની જરૂર ન હતી. પણ મારા મનમાં બહુ સ્પષ્ટ હતું કે પુસ્તકનો મુખ્ય સૂર દસ્તાવેજીકરણનો હોવો જોઈએ. હું તેમાં નાયક તરીકે નહીં, ઘટનાક્રમમાં ભાગ લેતા છતાં, તેને દૂરથી જોઈ શકતા કથનકાર-નેરેટર તરીકે આવી શકું, તો મારો પ્રયાસ સફળ થયો ગણાય.
![]() |
મુકુંદભાઈ પંડ્યાએ મેળવી આપેલો, પણ ઓછા રેઝોલ્યુશનને કારણે પુસ્તકમાં નહીં વાપરેલો સંજય ઠાકોરનો ફોટો |
ફોટા
શોધવાના કામમાં થોડા દિવસ સુધી રાતના બે-ત્રણ વગાડ્યા, પણ એ કામ કરતી વખતે એ સમયમાં પાછા
જવાનો આનંદ અવર્ણનીય હતો. તેમાં ઉજાગરો વસૂલ લાગતો હતો. ઉપરાંત, એમ કરવાથી ધારેલી ડેડલાઇનમાં છતાં
આનંદપૂર્વક કામ થઈ રહ્યું હતું, તેનાથી
સારું લાગતું હતું. પ્રકરણો અને તેમાં સમાવવાની વિઝ્યુઅલ સામગ્રીના ફોટા ફાઇનલ થઈ
ગયા, એટલે લે-આઉટ
વિશે નક્કી કરવાનો વખત આવ્યો.
કેટલાંક
ગમતાં અંગ્રેજી પુસ્તકો જોતાં જોતાં લે-આઉટનો પ્રાથમિક વિચાર મનમાં આવ્યો. પરમ
મિત્ર અને કાયમી સલાહકાર અપૂર્વ આશર સાથે વાતચીત થઈ. બીરેને પણ કેટલાંક સરસ સૂચનો
આપ્યાં. તે બધું મનમાં રાખવા છતાં, પ્રિય
મિત્ર અને ડીઝાઇનર મણિલાલ રાજપૂતની ઓફિસે પહેલી વાર પહોંચ્યો, ત્યારે મનમાં અવઢવનો પાર ન હતો.
પરંતુ 'સાર્થક જલસો'નું ઉત્તમ રીતે ડીઝાઇનિંગ કરતા ભાઈ
રણજિતની સાથે પહેલી વાર બેઠો અને દોઢ-બે કલાક પછી ઊભો થયો, ત્યારે પાંચ પ્રકરણનો લે-આઉટ થઈ
ચૂક્યો હતો અને આગળની દિશા સ્પષ્ટતાપૂર્વક દેખાવા લાગી હતી. મણિલાલની ઓફિસના
વાતાવરણમાં, રણજિત
સાથે કામ કરવાની મઝા અને નિરાંત બહુ જુદાં હોય છે. એટલા પ્રેમથી અને એટલી લાગણીથી
રણજિત લે-આઉટ કરે અને એકેેએક સૂચન-વિકલ્પો-ફેરબદલીનો એટલી ઝડપથી અમલ કરી બતાવે કે
જરાય ટેન્શન ન થાય. ઉલટાનું, ટેન્શન
હોય તો પણ તે ધીમે ધીમે દૂર થવા લાગે.
એક વાર લે-આઉટની સ્પષ્ટતા થઈ અને તે મનમાં ધારેલી રીતે ગોઠવાવા લાગ્યો, એટલે કામ ઝડપભેર આગળ ચાલવા લાગ્યું. વચ્ચે વચ્ચે રણજિતને અનુકૂળતા ન હોય ત્યારે ખાડો પડે, પણ જરાય ચિંતા ન થાય. બાકી, લે-આઉટનું કામ શરૂ થયું, તે પહેલાં ઊંધી ગણતરી કરીને જુલાઇ 16 માટે અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશનનો હોલ બુક કરાવી લીધો હતો. એટલે, મનમાં ઘડિયાળની ટીક ટીક તો ચાલુ થઈ ચૂકી હતી.
![]() |
280ની બેઠકક્ષમતા ધરાવતો એચ.ટી.પારેખ હોલ |
મિત્ર
જિતેન્દ્ર મેકવાને જેમનો પરિચય કરાવ્યો હતો તે અજિતભાઈ મકવાણા ઝડપભેર છતાં
ચોક્સાઈથી પ્રૂફ વાંચી રહ્યા હતા. એટલે એક તરફ પ્રકરણોનો લે-આઉટ થતો હતો, સાથોસાથ પછીનાં પ્રકરણોનાં પ્રૂફ પણ
ચાલુ હતાં. થોડાં પ્રકરણોના ફોટા શોધવાનું કામ સમાંતરે ચાલતું હતું. એટલે લે-આઉટના
કામમાં વચ્ચે ખાડો પડે ત્યારે, પછીના
દિવસોમાં કરવાનાં કામની સામગ્રી ભેગી કરવામાં અને અગાઉ થયેલા લે-આઉટ તપાસીને,
તેમાં જરૂરી
ફેરફારની નોંધ કરવામાં સમય જતો હતો.
એમ
કરતાં, ધાર્યા સમયમાં
તમામ 47 પ્રકરણોના
લે-આઉટનું કામ પૂરું થયું. ટુકડે ટુકડે બધાં પ્રકરણ ફરી જોયાં હતાં. પણ તે થઈ ગયાં
પછી, ફરી એક વાર
સળંગ તપાસી ગયો. મુખ્યત્વે લે-આઉટ અને ફોટોલાઇનની રીતે. પછી બાકી રહ્યાં બે
પરિશિષ્ટ, પુસ્તકનાં
આગળનાં પાનાં અને ટાઇટલ-બેક ટાઇટલ. સૌથી મોટો પ્રશ્ન હતો ટાઇટલનો. તેમાં શું કરવું
તેનો વિચાર મહિનાઓથી મનમાં ચાલતો હતો. થોડી કાચીપાકી ડીઝાઇન બનાવી રાખી હતી. પણ
ગુંચવાડો મટતો ન હતો. એક રાત્રે રાબેતા મુજબ બીરેન સાથે ફોન પરની વાતચીતમાં તેણે
એક સૂચન કર્યું અને આગળનો રસ્તો મળી ગયો.
(ટાઇટલ-બેક
ટાઇટલ, આગળનાં પાનાં
અને પુસ્તકના પ્રકાશન સમારંભ વિશે હવે પછી)
Monday, July 18, 2022
ભૂવા અને વિકાસ
ધૂણતા ભૂવા (કે મંત્રી) અંધશ્રદ્ધાના ખાનામાં આવે છે, પણ પડતા ભૂવા શ્રદ્ધાનો કે માન્યતાનો વિષય નથી. તે નક્કર હકીકત છે. એટલી નક્કર હકીકત કે જો રોડ તેના જેટલો નક્કર હોત તો ભૂવા પડતા જ ન હોત. વસંત આવે એટલે ‘ફૂલ ખીલે ડાલી ડાલી’ થઈ જાય છે. એવી જ રીતે, થોડો વરસાદ પડ્યો નથી કે રસ્તો ઠેકઠેકાણે ભૂવા-ચ્છાદિત થઈ જાય છે. સૌંદર્યદૃષ્ટિથી વંચિત લોકો ‘ભૂવા ખીલ્યા’ કહેવાને બદલે ‘ભૂવા પડ્યા’ એમ કહે છે. ‘કલાપી’એ અમથું ગાયું હતું કે ‘સોંદર્ય પામતાં પહેલાં સૌંદર્ય બનવું પડે’? કેટલાક ભૂવા આત્મનિર્ભર હોય છે. તે સર્જાવા માટે વરસાદ સુધી રાહ જોવાને બદલે સ્વયંભૂ પ્રગટ થાય છે. તે અર્થમાં ભૂવાને ‘આધ્યાત્મિક ઘટના’ કહી શકાય. ચિંતક જેવા દેખાવું હોય તો તેને ‘કોસ્મિક ઘટના’ પણ કહેવામાં પણ વાંધો નથી. અધ્યાત્મમાં સગવડીયું વિજ્ઞાન ઉમેરીને છાકો પાડવો હોય તો એમ પણ કહેવાય કે ‘તમે જેને બ્લેક હોલ કહો છો, તે બ્રહ્માંડમાં વગર વરસાદે પડેલા ભૂવા નથી, તો બીજું શું છે?’
હજુ સુધી કોઈ શબ્દાળુ બાવાએ, ગુજરાતી ચિંતકે અથવા સંચાલકે ‘ભૂવા’ શબ્દનું મૌલિક અર્થઘટન કર્યું નથી—અથવા કર્યું હોય તો જાણમાં નથી. લોકરંજની માટે લાકડે માંકડું બેસાડવામાં નિષ્ણાત એવી એ પ્રજાતિ કહી શકે કે ‘ભૂવા’ એ સ્વતંત્ર શબ્દ નહીં, પણ બે શબ્દોનું સંયોજન છેઃ ‘ભૂ’ અને ‘વા’. એટલે કે, પાણી અને હવા. આ બે પ્રાકૃતિક તત્ત્વોના મિલનથી સર્જાયેલા ભૂવાને અનિષ્ટ કે અનિચ્છનીય લેખવામાં પ્રકૃતિનું, આપણી પ્રાચિન સંસ્કૃતિનું, ઋષિમુનિઓનું, ધર્મનું—અને ખાસ તો આ બધાના નામે ચરી ખાતા નેતાઓનું અપમાન થઈ શકે છે.
એક વાત તો હકીકત છેઃ બીજી ઘણી અકારી ચીજોની જેમ ભૂવા પણ હવે ‘ન્યૂ નોર્મલ’ છે. ચોમાસામાં કે એ સિવાય પણ ભૂવા ન પડે, તો લોકોને મ્યુનિસિપાલિટીની કાર્યક્ષમતા વિશે શંકા જાગે છે. પહેલો વરસાદ પડે અને ભૂવા ન પડે તો લોકોને જાતજાતના વિચાર આવે છેઃ ‘શું કોન્ટ્રાક્ટરો અને મ્યુનિસિપાલિટીના સંબંધિત લોકો વચ્ચેના સંબંધમાં કડવાશ વ્યાપી હશે? શું તેમની વચ્ચેનો ભાઈ-ભાઈ-ચારો ખતમ થઈ ગયો હશે? એવું થશે તો શહેરના સામાજિક પોતનું શું થશે?’ પરંતુ તેમની શંકાકુશંકાઓ વધે તે પહેલાં જ સમાચાર આવે છે કે શહેરના ફલાણા વિસ્તારમાં ભૂવો પડ્યો અને કોર્પોરેશનની પોલ ખુલી ગઈ અથવા વિકાસ ઉઘાડો પડી ગયો અથવા સ્માર્ટ સીટીના દાવાની અસલિયત સામે આવી.
ભૂવા વિશેના સમાચારોમાં ભલે ગમે તેટલો ટીકાનો ભાવ હોય, પણ સરેરાશ નાગરિક તેનાથી હાશકારો અનુભવે છે. કારણ કે, ભૂવા પડ્યા પછી જ તેને લાગે છે કે ચોમાસું બેઠું. (વડોદરામાં રસ્તા પરથી કે કોઈકના બાથરૂમમાંથી મગર ન પકડાય, ત્યાં સુધી ચોમાસું પૂર્ણ કળાએ બેઠેલું ગણાતું નથી.) સવાલ ભૂવાના બ્રાન્ડિંગનો છે. વડાપ્રધાનને મળી હતી એવી કોઈ બ્રાન્ડિંગ એજન્સી ભૂવા માટે પણ શોધી કાઢવામાં આવે તો ભૂવા પ્રત્યે જોવાના લોકોના દૃષ્ટિકોણમાં મોટું પરિવર્તન આવી શકે. ગુજરાતી ડાયરાબાજો, કટારલેખકો, કથાકારો, સંચાલકો બધા મળીને ભૂવા શરમનો નહીં, પણ અસ્મિતાનો અને ગૌરવનો વિષય છે, એવું પ્રજાને સહેલાઈથી સમજાવી શકે. કેરળના સામ્યવાદી ભૂવાનું, બંગાળના મમતાવાદી ભૂવાનું કે દિલ્હીના આમ ભૂવાનું માપ કાઢીને તેમની સરખામણીમાં ગુજરાતના ભૂવા કેમ વિશિષ્ટ, ચડિયાતા (અને ભલું હોય તો રાષ્ટ્રવાદી) છે, તે સમજાવી શકે.
ભૂવાને ગૌરવ બક્ષવા માટે સારી સડકો પર ભૂવાનાં ચિત્રો મૂકી શકાય, જેથી ભૂવા પર લાગેલું કલંક અને તેની સાથે સંકળાયેલી શરમ દૂર થાય. કલંક અને શરમને ગૌરવમાં શી રીતે ફેરવવાં, એ જોકે આ તંત્રને બીજા કોઈએ શીખવવું પડે તેમ નથી. એટલે, ભૂવાની સામાજિક સ્વીકૃતિની વાત કરીએ. બે અક્ષરના, નવતર પ્રકારનાં, કોઈએ ન પાડ્યાં હોય એવાં નામ માટે ઝંખતા લોકો તેમનાં સંતાનો માટે ‘ભૂવો’ કે ‘ભૂવી’ જેવું વિશિષ્ટ નામ વિચારી શકે. રસ્તો બનાવતા કોન્ટ્રાક્ટરો અને તેમને કોન્ટ્રાક્ટ આપતી સંસ્થાઓના સાહેબોએ તો ખાસ તે નામ રાખવા વિશે વિચારવું જોઈએ. એમ કરવાથી કમ સે કમ, તેમની સમૃદ્ધિમાં ભૂવાની ભૂમિકા અને ભૂવા પડે એવા રોડના પ્રદાન પ્રત્યે કૃતજ્ઞતા પ્રગટ કરી ગણાશે.
ભૂવા દેશના વિકાસ માટે અત્યંત જરૂરી છે. દર વર્ષે ભૂવા પડે તો રસ્તાના સમારકામ નિમિત્તે નાણાં ખર્ચાય. તે નાણાં છેવટે દેશના અર્થતંત્રમાં જ આવવાનાં છે. દર વર્ષે ઠેકઠેકાણે ભૂવા નહીં પડે તો આ દેશનું અર્થતંત્ર પાંચ-દસ ટ્રિલીયન ડોલરનું શી રીતે થશે? અને એ નહીં થાય, તો આ જ ટીકાકારો ટીકા કરવા બેસશે. એટલે ભૂવાનો વિરોધ કરનારને આર્થિક પ્રગતિના-ટૂંકમાં, વિકાસના વિરોધી ગણીને તેમની સામે કાર્યવાહી કરવાનું હજુ સુધી કોઈ અદાલતે કહ્યું નથી, તેટલું ગનીમત છે.
ભૂવાનું ભવિષ્ય ઉજળું છે તેમાં કોઈ શંકા નથી. દેશનો મોટો હિસ્સો કોમી તનાવના ભૂવામાં પડ્યો હોય, ઘણીખરી બંધારણીય સંસ્થાઓની સ્વતંત્રતા ભૂવામાં હોય, અર્થતંત્ર તો ભૂવામાં હોય જ, સતત વધતા ભાવને કારણે દેશના મોટા ભાગના લોકોનાં બજેટની સમતુલા ખોરવાઈને ભૂવામાં ઉતરી ગઈ હોય, પ્રસાર માધ્યમોની વિશ્વસનિયતા ભૂવા હોય... છતાં, કોઈનું રૂંવાડુંય ફરકતું નથી, તો રસ્તા પરના સ્થાનિક ભૂવાઓનું કોણ અને શું ઉખાડી લેવાનું હતું?
Friday, July 15, 2022
'મારી પત્રકારત્વ-લેખનની સફર' : પ્રકાશનના ચોવીસ કલાક પહેલાં
કેટલાંક કામ પૂર્વઆયોજિત હોય છે ને કેટલાંક આવી પડેલાં. પહેલેથી નક્કી કરી રાખેલાં કરવાનાં કામની મારી યાદી લાંબી છે. ઝડપથી ખૂટે એમ નથી. પરંતુ વર્ષ 2020માં એક કામ જૂનાં કામોની યાદી ચાતરીને, સીધું સામે આવી ગયું.
પત્રકારત્વમાં પચીસ વર્ષ પૂરાં થયાં, તે નિમિત્તે બિનીત મોદીએ સૂચવ્યું કે મારે કંઈક લખવું. મને પણ થયું કે પચીસ વર્ષમાં અનેક દિશામાં અનેક પ્રકારનાં કામ થયાં છે. તેની એક યાદી બને તો સારું. કારણ કે ઘણાં કામ એવાં હતાં કે એક સાથે મને પણ યાદ ન આવે--યાદ કરવા જેવાં ને યાદ રાખવા જેવા હોવા છતાં. આમ, નિર્દોષભાવે, એવાં કામની અછડતી યાદી કરવાના ઇરાદા સાથે બ્લોગ લખવા બેઠો. તેમાં 'અભિયાન'કાળની (1995-96) કેટલીક તસવીરી યાદગીરી મૂકી અને બીજા ભાગમાં, 'અભિયાન'માંથી શું શીખવા મળ્યું તે થોડું લખ્યું.
વિચાર્યું હતું કે દરેક કામ વિશે આવું એકાદબે ભાગમાં લખીને પૂરું કરી દઈશ. પણ 'સંદેશ'ના સમય વિશે લખવાનું શરૂ કર્યું અને જે પ્રકારના પ્રતિભાવ મળવા માંડ્યા, તેનાથી લાગ્યું કે આગલા સ્ટેશને જવા માટે ઉપડેલી ગાડી એમ અટકે એવું લાગતું નથી. પછી 'સીટીલાઇફ' આવ્યું. વર્ષોથી સાચવી રાખેલી દસ્તાવેજી સામગ્રી, ડાયરી, નોંધો બધું એક પછી એક આવતું ગયું અને ગોઠવાતું ગયું.
સામાન્ય રીતે કોઈ પત્રકાર પાસે હોય તેના કરતાં મારું દસ્તાવેજીકરણ બહુ મજબૂત. છતાં મને ખ્યાલ નહીં કે આટલી બધી સામગ્રી નીકળશે અને કટકે કટકે સળંગસૂત્ર દસ્તાવેજીકરણનો ઘાટ આવતો જશે. ધીમે ધીમે સફર આગળ વધતી ગઈ અને શરૂઆતના થોડા ભાગ પછી હું પણ લંબાણની ચિંતા મુકીને પૂરી ગંભીરતાથી અને લિજ્જતથી લખતો ગયો. લાંબું ન થઈ જાય તેની સભાનતા સતત હતી, તેમ અકારણ ટૂુંકું ન થઈ જાય તેની પણ ચીવટ રાખી. એમ કરતાં કુલ 49 ભાગ લખાયા. કુલ 90 હજારથી એક લાખ જેટલા શબ્દો થયા હશે.
લેખમાળા પૂરી થયા પછી પચાસમો ભાગ મારી દસ્તાવેજીકરણની સફર વિશે લખ્યો (જે બ્લોગ પર વાંચી શકાશે). લેખશ્રેણીમાં દસ્તાવેજીકરણનો જે ઘાટ ઉપસ્યો, તેના પરથી એટલું તો સમજાયું કે આ પુસ્તકનો મામલો છે. સાથોસાથ, એ પણ સમજાયું કે પુસ્તક કરતાં પહેલાં સારુંએવું કામ કરવું પડશે. કારણ કે લેખમાળામાં શરૂઆતથી સભાનતા ન હતી. એટલે 'અભિયાન' વિશે સાવ ટૂંકમાં પૂરું થઈ ગયું હતું. પછીનાં પ્રકરણોમાં પણ ક્યાંક કાલાનુક્રમના પ્રશ્નો ધ્યાને આવ્યા હતા. ઉપરાંત ,દરેક ભાગના છેડે એક અધૂરી વાત મૂકીને, બીજા ભાગમાં અધૂરી વાતનું અનુસંધાન શરૂઆતના ત્રણ-ચાર ફકરા પછી આવે, એવું રાખ્યું હતું. પુસ્તકમાં માણસ સળંગ વાંચતો હોય, ત્યારે એવું ન ચાલે.
થોડા સમય પછી પુસ્તકનું કામ હાથ પર લીધું ત્યારે વર્ષોથી બાકી રહેલાં પુસ્તકનાં કામ જાણે મારી સામે ડોળા કાઢતાં હોય એવું લાગતું હતું,પણ આ કામ પૂરું કર્યે જ પાર હતો. એવું પણ લાગ્યું કે ગુજરાતી પત્રકારત્વના બસોમાં વર્ષમાં જુલાઈ 2022 પૂરો થતાં સુધીમાં પૂરું થઈ જાય તો સારું. એ પ્રમાણે આખી લખાયેલી શ્રેણીમાં ઘણો સમય આપ્યો. શરૂઆતનાં 'અભિયાન'નાં પ્રકરણ તો સાવ નવાં જ લખ્યાં. પછીનાં પ્રકરણોમાં નવેસરથી એડિટિંગ કર્યું. પરિણામે, મેટર જરા પણ કાપ્યા વિના, એડિટિંગના કારણે, (નવાં ચાર પ્રકરણ ઉમેર્યાં છતાં) પુસ્તકનાં કુલ 47 પ્રકરણ થયાં. તેનું પ્રૂફ અજિતભાઈ મકવાણાએ સરસ રીતે અને સમયસર કરી આપ્યું.
પછી શરૂ થયું તેના ડિઝાઇનિંગનું કામ. 'આર્ટ મણિ'ના મિત્ર, મણિલાલ રાજપૂત સાથે અને તેમની ઓફિસે કામ કરતા તેમના ભત્રીજા રણજિત સાથે મનમેળ એવો છે કે કામનો જરાય બોજ ન લાગે. એટલે કામ સપાટાબંધ આગળ ચાલવા લાગ્યું. દરેક પ્રકરણમાં સમાવવાના હોય એવા ફોટોને હું અલગ ફોલ્ડરમાં સેવ કરતો હતો અથવા જરૂર લાગ્યે તો નવેસરથી સ્કેન કરીને મુકતો હતો. ફક્ત વિઝ્યુઅલ સામગ્રી ભેગી કરવાનું કામ ઘણા કલાક માગી લેનારું હતું. કારણ કે ભાગ્યે જ કોઈ પુસ્તકમાં હોય એટલા જથ્થામાં વિઝ્યુઅલ સામગ્રી હતી. પણ તે કામ કરતી વખતે જૂના સમયમાં જવાના આનંદને લીધે થાક લાગતો ન હતો.
પુસ્તકનું કામ આગળ વધતું ગયું તેમ સમજાયું કે આ ફક્ત મારી કથા હોત તો તેને 'સાર્થક જલસો'ની જેમ બ્લેક એન્ડ વ્હાઇટમાં સહેલાઈથી છાપી શકાત, પણ મારી વાતની સાથોસાથ ગુજરાતી પત્રકારત્વના 1995-2005 સુધીના સમયગાળાનું તેમાં દસ્તાવેજીકરણ છે અને એ પણ ફક્ત શબ્દોસ્વરૂપે નહીં, વિઝ્યુઅલ સ્વરૂપે. વ્યક્તિગત સિવાય ગુજરાતી પત્રકારત્વના ઇતિહાસના એક નાનકડા ખંડના, અગાઉ કદી ન થયા હોય એવા દસ્તાવેજીકરણ તરીકે તેનું મહત્ત્વ મને સ્પષ્ટ દેખાયું. એટલે મન કઠણ કરીને નક્કી કર્યું કે આખું પુસ્તક ફોર કલરમાં કરવું જોઈએ.
એ જ રીતે, પુસ્તકનું કામ ક્યારે પૂરું થશે તેનો અંદાજ માંડ્યા પછી અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશનનો હોલ બુક કરાવ્યો. એટલે કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું. તેનો છેલ્લો દિવસ આવતી કાલે (16 જુલાઇ, 2022) છે, જ્યારે સાંજે પોણા છ વાગ્યાથી અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશનના એચ.ટી.પારેખ ઓડિટોરિયમમાં 'મારી પત્રકારત્વ-લેખનની સફર' પ્રકાશિત થશે.
પત્રકારત્વ-લેખનની અત્યાર સુધીની સફરની જેમ પુસ્તક તૈયાર કરવાની સફર પણ પૂરો કસ કાઢનારી અને એવી જ રીતે, પૂરો સંતોષ આપનારી રહી છે. હવે પત્રકારત્વ-લેખનની સફર તો ચાલુ રહેશે, પણ પુસ્તકસર્જનની સફરનું છેલ્લું પ્રકરણ આવતી કાલે, ઘણા સ્નેહીમિત્રોની હાજરીમાં લખાશે. તેની માટે ઇંતેજારી અને સૌને આમંત્રણ.
Sunday, July 03, 2022
સુરતમાં અસંતુષ્ટ-સંવાદ
કહેવતમાં સુરતના જમણની વાત હતી, પણ થોડા દિવસ પહેલાં સુરતનું શરણ સમાચારોમાં આવ્યું. સૌ જાણે છે તે પ્રમાણે, પાડોશી રાજ્ય મહારાષ્ટ્રના કેટલાક અસંતુષ્ટ ધારાસભ્યોનું એક ટોળું સુરતના શરણે આવ્યું હતું. સદીઓ પહેલાં શિવાજીએ રાજકીય કારણોસર સુરત લુંટ્યું હતું. વર્તમાનકાળમાં શિવસેનાને ‘લુંટવા’ માટે તેના ધારાસભ્યો સુરત આવ્યા. હવે અડધું કાઠિયાવાડ બનેલા સુરતે ધારાસભ્યોની ‘સ્વર્ગ ભુલાવે’ એવી મહેમાનગતિ કરી-ન કરી, ત્યાં આખા ધણને આસામ હાંકી જવામાં આવ્યું. એટલે સુરતના યજમાનો પાસે તોતિંગ બિલની બાકી રકમ સિવાય ખાસ કંઈ રહ્યું નહીં.
યોગભ્રષ્ટ આત્માઓ માટે એમ કહેવાય છે કે તે બહુ પવિત્ર હોવા છતાં, એકાદ ભૂલની સજા તરીકે તેમને એક વાર પૃથ્વી પર મોકલવામાં આવે છે. એવી જ રીતે, શિવસેનાના પથભ્રષ્ટ ધારાસભ્યોને થોડા સમય જલસા જ કરવાના હોય. છતાં, કદાચ કોઈ નાનકડા પાપને કારણે તેમને થોડા સમય પૂરતું સુરતમાં અવતરવું પડ્યું હશે. સુરત એવું ખરાબ શહેર નથી કે ત્યાં આવવું સજારૂપ લાગે. પણ ગુજરાતમાં ટેકનિકલી દારૂબંધી છે અને સુરત ટેકનિકલી ગુજરાતમાં જ છે. કેટલાક જાણકારોના મતે, પથભ્રષ્ટ આત્માઓને ટેકનિકલ બાબતો નડી ગઈ હશે. એટલે તે ટૂંક સમયમાં આસામ જવા રવાના થઈ ગયા.
સાચું કારણ જે હોય તે, અટકળનો વિષય એ છે કે સુરતમાં રહેલા એ ધારાસભ્યો વચ્ચે અંદરોઅંદર કેવી વાતો થતી હશે? કેટલાક કાલ્પનિક સંવાદ.
આગેવાનઃ ભાઈઓબહેનોંઓંઓંઓં.
આગેવાનનો પીએઃ આપણે બધા ભાઈઓને જ ઉઠાવ્યા છે સાહેબ. બહેનો
તો...
આગેવાનઃ (ખોંખારીને) પ્રિય ભાઈઓ, આખરે આપણે પહોંચ્યા ખરા.
સભ્ય-૧ : એંહ, વાત તો આપણે મંત્રીમંડળમાં પહોંચવાની થઈ હતી ને તમે સુરત
પહોંચ્યાની ખુશાલી મનાવવા બેસી ગયા.
પીએઃ શાંતિ રાખો સાહેબો. શાંતિ રાખો.
સભ્ય-૨ :
ખોટ્ટી વાત નહીં કરવાની. આપણે નીકળ્યા ત્યારે ફક્ત બેગ રાખવાની જ વાત થઈ હતી.
શાંતિનું કોઈએ કહ્યું ન હતું.
સભ્ય-૩ (આગેવાન તરફ જોઈને) : આને તમે સમજાવો. મોં સંભાળીને વાત કરે. આજે શાંતિ રાખવાની વાત કરે છે. કાલે
ધીરજ રાખવાનું કહેશે. ધીરજ રાખવી હોત તો મુંબઈ શું ખોટું હતું? બીજું કશું નહીં તો, અત્યારે બાર તો ચાલુ હોત અને નિરાંતે દુઃખહર પીણાના ટેકે લોકશાહીની
તંદુરસ્તીનું ચિંતન કરતા હોત.
આગેવાનઃ (પીએને, ખાલી ખાલી ખખડાવતાં) કેટલા વર્ષથી તું સર્વિસમાં છું? સાહેબો સાથે કેવી રીતે વાત થાય, એટલું ભાન નથી પડતું?
(સભ્યો તરફ જોઈને) એનું તમારે બહુ મન પર ન લેવું.
સભ્ય-૩ :
ઉદ્ધવ માટે પણ અમને એવું જ કહેવામાં આવતું હતું કે એનું તમારે બહુ મન પર ન લેવું.
દરેક વાતની એક હદ હોય કે નહીં?
પીએઃ (ધીમેથી) તમારી માગણીઓની ક્યાં હદ છે?
આગેવાન પીએ તરફ જોઈને તેમને ચૂપ રહેવાનો ઇશારો કરે છે. પીએ
ચૂપચાપ ખૂણામાં જઈને કશીક ખુસરપુસર કરે છે, એટલે થોડી વારમાં એક બોટલ હાજર થાય છે. પીએ તેમાંથી ગ્લાસ ભરીને હોઠે માંડે
છે. એટલામાં—
સભ્ય-૧ :
(તપાસના-પૂછપરછના ભાવથી) અલ્યા,
શું કરે છે?
સભ્ય-૨ :
તેનો હોદ્દો સાર્થક કરી રહ્યો છે—તે પીએ છે.
સભ્ય-૩:
તો આપણે ઘાસ કાપી રહ્યા છીએ?
એ પીએ છે, તો આપણે સભ્ય છીએ.
સભ્ય-૧ :
એ જ તો પ્રોબ્લેમ છે...આપણે સભ્ય છીએ ને લોકો આપણા વિશે કેવું કેવું ધારે છે.
આગેવાનઃ શાંતિ, શાંતિ. લોકો આપણા વિશે કેવું ધારે છે, એ વિચારવા બેસીએ તો રાજકારણમાં રહેવાય જ નહીં.
પી.એ. :
લોકો જે ધારતા હોય તે સાચું હોય તો પણ, તેના વિશે વિચારવું ન જોઈએ. જાહેર જીવન કંઈ
લજામણીના છોડ માટે થોડું છે? થોરિયા
જેવા થવું પડે, સમજ્યા?...મને નવાઈ લાગે છે કે હજુ સુધી કોઈ પક્ષે થોરિયાનું સિમ્બોલ કેમ માગ્યું
નહીં હોય? (આગેવાન તરફ જોઈને) આપણે સાહેબ અલગ
પક્ષ રચવાનો થાય તો એ સિમ્બોલ વિશે વિચારી શકાય. કેમ લાગે છે આઇડીયા?
સભ્ય-૧ :
એટલે આપણે સાહેબ નવો પક્ષ રચવાના?
તો હું એનો ખજાનચી.
આગેવાનઃ હજુ જોતા જાવ. બહુ ખેલ બાકી છે. પણ છેલ્લે જીત
સત્યની જ થશે.
સભ્ય -૧-૨-૩ : હાય હાય... સત્યની જીત થશે,
તો આપણું શું થશે?
તમે આવું અશુભ ન બોલો.
આગેવાનઃ તમે લોકો સમજતા નથી. એ તો એવું જ કહેવાય. કહેવાનું
કે ‘હું ગુનેગાર હોઉં તો મને ચાર રસ્તે
ફાંસીએ લટકાવી દેજો.’
ને પોલીસ માત્ર પૂછપરછ કરવા આવે તો પણ ભાડૂતી લોકોને રસ્તા પર ઉતારીને કકળાટ મચાવી
દેવાનો.
સભ્ય-૧ :
અને સત્ય?
આગેવાનઃ સત્ય એટલે શું? એ તો સાપેક્ષ છે. મારું સત્ય અને તમારું સત્ય, તમારું સત્ય અને તમારા સાથીદારનું સત્ય, આપણું સત્ય અને સ્પીકરનું સત્ય, આપણા જૂના નેતાનું સત્ય ને નવા સાહેબનું સત્ય, રાજ્યપાલનું સત્ય ને મુખ્ય મંત્રીનું સત્ય અલગ અલગ હોઈ શકે છે. એટલે આપણી જીત
થાય તો કહી દેવાનું કે સત્યની જીત થઈ.
સભ્ય-૨ :
અને કોઈ કારણસર આપણા પાસા પોબાર ન પડે તો?
આગેવાનઃ તો કહી દેવાનું કે આખરે સત્યની જ જીત થશે, પણ હજી આખર ક્યાં આવી છે?
(સૌ કપડાં ઉતારીને...ના, ગૃહમાં નહીં...સ્વિમિંગ પુલમાં જાય છે)