Wednesday, August 10, 2022

1700મી પોસ્ટ : 'મારી પત્રકારત્વ-લેખનની સફર'ની પ્રક્રિયા અને પ્રકાશન-જલસો-1

વર્ષ 2008થી શરૂ થયેલી બ્લોગની સફરને જૂન, 2022માં પંદર વર્ષ પૂરાં થયાં અને આ તેની 1,700મી પોસ્ટ છે. આટલાં વર્ષ પછી હવે આંકડાનો મહિમા પહેલાં જેટલો નથી લાગતો. બ્લોગમાં લેખોની સંખ્યા ઘટી છે. તેના માટે ખાસ લખવાનું ખાસ્સું ઘટી ગયું છે. છતાં પંદર વર્ષમાં કદી એવો વિચાર નથી આવ્યો કે બ્લોગિંગ હવે અપ્રસ્તુત બની ગયું છે. માટે બંધ કરી દઉં. નિરાંતે અને મલ્ટીમિડીયા સામગ્રી સાથે, મને ગમે તે રીતે અને હું ઇચ્છું તે રીતે  વ્યક્ત થવા માટે બ્લોગનો વિકલ્પ જડ્યો નથી. વેબસાઇટ બનાવવાનું વચ્ચે વિચાર્યું હતું. પણ તેના ડિઝાઇનિંગથી માંડીને બીજી બાબતોમાં રૂપિયા ખર્ચવાનું વસૂલ ન લાગ્યું. એટલે, અત્યારે તો, 'અભિયાન'ના આર્ટ ડિરેક્ટર મનસુખ ઘાડિયાના યાદગાર શબ્દોમાં કહું તો, 'જે છે, તે આ જ છે.'  

***

બ્લોગની 1700મી પોસ્ટ નિમિત્તે જેનો લસરકા-અહેવાલ લખવાનો છે, તે કાર્યક્રમ એટલે મારા પુસ્તકનો પ્રકાશન સમારંભ. 'મારી પત્રકારત્વ-લેખનની સફર'--એ પુસ્તકનાં પ્રકરણો, જરા જુદા સ્વરૂપે, પહેલાં બ્લોગ પર લખાયાં. એ અર્થમાં કહી શકાય કે બ્લોગ મારા એક અત્યંત મહત્ત્વના અને ગુજરાતી પત્રકારત્વ-લેખન વિશેના વિશિષ્ટ પુસ્તકની સામગ્રીનો પહેલો ઝીલણહાર બન્યો. બ્લોગ પર મેં 'મારી પત્રકારત્વની સફર' એ નામે શ્રેણી શરૂ કરી ત્યારે જરાય ખ્યાલ ન હતો કે એક અત્યંત મહત્ત્વના પુસ્તકનું બીજ રોપાઈ રહ્યું છે. પરંતુ 49 ભાગની એ શ્રેણી પૂરી થઈ ત્યારે સમજાઈ ગયું કે હું ધારું છું એવું પુસ્તક થશે, તો તે ગુજરાતી પુસ્તકોની દુનિયામાં અને પત્રકારત્વ-લેખનનાં પુસ્તકોની દુનિયામાં સાવ જુદા પ્રકારનું અને અભૂતપૂર્વ બની રહેશે. 

કોઈને થશે કે પોતાના પુસ્તકનાં જાતે ને જાતે આટલાં વખાણ સારાં નહીં. સામાન્ય સંજોગોમાં હું પણ તે વાતમાં હોંશથી સંમત થાઉં, પણ 'મારી પત્રકારત્વ-લેખનની સફર'--પ્રકારનું કોઈ પુસ્તક ગુજરાતીમાં અગાઉ મારા જોવામાં આવ્યું નથી. 'સંભારણાં અને દસ્તાવેજીકરણના સંપૂર્ણ સંગમ જેવા તે પુસ્તકમાં  આશરે 95 હજારથી પણ વધારે શબ્દો હતા અને  આશરે 450-500 જેટલા વિઝ્યુઅલ્સ. (ગણ્યાં નથી), તેમની સાથે શી રીતે પનારો પાડવો, તે પડકાર હતો. એવું પુસ્તક શી રીતે તૈયાર થાય, તેમાં વિઝ્યુઅલ સામગ્રી કેવી રીતે મુકાય, તેનો લે-આઉટ કેવો હોય--એ બધું જાતે શીખવા-સમજવાનું હતું.  કેમ કે, અગાઉ ગુજરાતીમાં એવું કોઈ મોડેલ મારી સામે ન હતું. તે વિગતમાં જતાં પહેલાં, થોડી વાત બ્લોગની શ્રેણીના લખાણમાં થયેલા ઉમેરા અને ફેરગોઠવણો વિશે. 

બ્લોગ પર શ્રેણી પૂરી થયાના થોડા મહિના પછી, પુસ્તકની કામગીરી શરૂ કરી. ત્યારે સૌથી પહેલાં તો, શ્રેણીમાં જે લખ્યાં ન હતાં, તે 'અભિયાન' વિશેનાં પ્રકરણો લખવાનું શરૂ કર્યું. લખભૂંસ આરંભી. ચારસો-પાંચસો-છસો શબ્દો લખું. બીજા દિવસે ફરી વાંચું. કાપકૂપ કરું, જુદી રીતે લખું, વિગત ઘટાડું કે વધારું. એ લખતી વખતે સાથે 'અભિયાન'ના સમયગાળામાં બીરેનને લખેલા પત્રોનો જથ્થો, તે સમયની રિપોર્ટિંગની નોટબુક અને તે સમયના 'અભિયાન'ના બધા અંક સાથે રાખતો હતો. કશાક સંદર્ભ માટે એક પત્ર શોધવા માટે બીજા પણ પત્રો ફેંદવાના થાય. ક્યારેક થાય કે 'હમણાં તો એ બે લીટી જોઈ હતી ને હવે ક્યાં ગુમ થઈ ગઈ?'

મુંબઈથી ઘરે લખેલા અને કાર્યપદ્ધતિનો ખ્યાલ આપતા એક પત્રનો અંશ

'મારી હકીકત' નાટક જોયા પછી, તેના વિશેના લખાણની સાથે બીરેનને ખ્યાલ આપવા માટે પત્રમાં દોરેલું સ્ટેજની ગોઠવણનું ચિત્ર. આ પત્ર પણ પુસ્તકમાં સમાવ્યો નથી.

એકથી વધારે વાર બધા પત્રો વાંચ્યા પછી તેમાંથી લઈ શકાય એવી વિગતો તારવી હોય. તેમાંથી પણ લખતી વખતે અમુક પડતી મુકવી પડે, અમુક વાર આખું અવતરણ ઉતારવાને બદલે એકાદ લીટી ઉતારીને બાકીની વાત ટૂંકમાં કરવી પડે. શ્રેણી લખવાનું શરૂ કર્યું ત્યારે સ્પષ્ટતા ન હતી, પણ 49 ભાગ પૂરા થયા ત્યારે તેની લખાવટ અને તેનો ટોન (સૂર) ખાસ્સાં નક્કી થયાં હતાં. એટલે 'અભિયાન' વિશેનાં નવાં લખેલાં પ્રકરણોમાં એ ટોન જળવાઈ રહે તે જરૂરી હતું. એવું થાય છે કે નહીં, તે તપાસવા માટે નવાં લખેલાં પ્રકરણ દીપક સોલિયાને અને બીરેન કોઠારીને વાંચવા મોકલતો હતો.  

1996ના દીવાળી અંક માટે દીપક સોલિયાએ મુંબઈથી કરેલો ફેક્સ. (ફોટો પર ક્લિક કરીને વાંચી શકાશે) તે પણ પુસ્તકમાં લઈ શકાયો નથી.

તે વખતે એવો ખ્યાલ હતો કે પછીનાં પ્રકરણોમાં તો બહુ એડિટ નહીં કરવું પડે. પણ 'અભિયાન' પછીનાં પ્રકરણ જેમ જેમ હાથમાં લેતો ગયો અને ઝીણવટથી તપાસતો ગયો, તેમ નાનુંમોટું નકશીપ્રકારનું ઘણું એડિટિંગ કરવાનું થયું. ઉપરાંત, કેટલાંક પ્રકરણ ટૂંકાં હતાં, કેટલીક ઘટનાઓને યોગ્ય ક્રમમાં ગોઠવવાની હતી. તેના કારણે ઘણાં પ્રકરણ ભાંગવાં પડ્યાં. પરિણામે, જૂનાં 49 પ્રકરણોમાં નવાં પાંચ પ્રકરણ ઉમેરવા છતાં, ફેરગોઠવણીને લીધે પુસ્તકમાં આખરે 47 પ્રકરણ થયાં. 

બીજું મહત્ત્વનું કામ એ કરવાનું હતું કે બ્લોગ પરની શ્રેણીમાં દરેક ભાગના અંતે હું એક તાંતણો લટકતો રાખતો હતો, જેનું અનુસંધાન પછીના ભાગમાં પહેલા ચાર-પાંચ ફકરા પછી આવતું હતું. આવું ઘણાં પ્રકરણોમાં હતું. બ્લોગ પર વચ્ચે વચ્ચે બ્રેક સાથે પ્રકરણો વાંચવાનાં હોય તો તે રીત ચાલી જાય, પણ પુસ્તકમાં સળંગ વાચન વખતે, એક પ્રકરણના અંતે લટકતો તાંતણે બીજા પ્રકરણના આરંભે આવે નહીં, તો રસભંગ થાય . તે બાબતનું દીપકે દોર્યું. એટલે એ રીતે પણ બ્લોગ પરના લખાણમાં-તેના ક્રમ અને ગોઠવણમાં ફેરફારો કરવાના થયા. એમ કરતાં, છેવટે 47 પ્રકરણમાં પુસ્તક પૂરું થયું. ત્યાર પછી બ્લોગમાં લખેલો દસ્તાવેજીકરણ વિશેનો ભાગ પુસ્તકમાં ન લીધો. પરિશિષ્ટમાં એક ટૂંકો લેખ હું પત્રકારત્વમાં શી રીતે આવ્યો, તેનો મુક્યો. પુસ્તકનાં પ્રકરણોમાં 2006 સુધીની વાત હતી. એટલે, બીજું અને મહત્ત્વનું તેમ જ માથાકૂટિયું કામ 2006થી 2022 સુધીના મારા પત્રકારત્વ-લેખન વિશેના કામની ઝલક આપવાનું હતું. તે તૈયાર કરતાં ઘણી વાર લાગી. સાથોસાથ, ઘણું એવું પણ યાદ આવ્યું, જે મનમાંથી સાવ નીકળી ગયું હતું. 

પરિશિષ્ટોનું કામ તો સાવ છેલ્લે રાખ્યું હતું. કારણ કે પુસ્તકમાં પાનાંની સંખ્યાના મેળ  પ્રમાણે પરિશિષ્ટ લેવાનાં કે બાકાત રાખવાનાં હતાં. તે સિવાયનાં પ્રકરણો એડિટ થઈને ફાઇનલ તૈયાર થયાં, એટલે હાશકારો થયો. ત્યાર પછી શરૂ થયું તેના માટેની વિઝ્યુઅલ સામગ્રી શોધવાનું કામ. બ્લોગ પર શ્રેણી લખતી વખતે તેમાં વિઝ્યુઅલ સામગ્રી મુકી જ હતી. છતાં, પુસ્તકમાં છાપવા માટે હાઇ રેઝોલ્યુશન ફોટા જોઈએ. કેટલીક વસ્તુઓના ફોટા પાડીને મુકી દીધા હોય. તેનું સ્કેનિંગ કરવું પડે. નીલેશ રૂપાપરા, જગદીશ પાટડિયા, હિમાંશુ કીકાણી, વિક્રમભાઈ વકીલ, મનીષા જોષી જેવાં એ સમયનાં સાથીઓના તે અરસાના ફોટા ન હતા. એ તેમની પાસેથી આગ્રહપૂર્વક મંગાવ્યા. વિલક્ષણ પત્રકાર સંજય ઠાકોર ('ભમરડો' અને 'પ્રહાર' જેવાં સામયિકોના તંત્રી)નો ફોટો છાપવાની મારી બહુ ઇચ્છા હતી. ઠેકઠેકાણે તપાસ કર્યા પછી, જાણીતા પત્રકાર અને વડીલ મિત્ર મુકુંદ પંડ્યાએ મને સંજયભાઈનો એક જૂનો, પણ છાપી શકાય એવો ફોટો મેળવી આપ્યો. પુસ્તક મારી આત્મકથાનું હોત તો આ બધી કડાકૂટની જરૂર ન હતી. પણ મારા મનમાં બહુ સ્પષ્ટ હતું કે પુસ્તકનો મુખ્ય સૂર દસ્તાવેજીકરણનો હોવો જોઈએ.  હું તેમાં નાયક તરીકે નહીં, ઘટનાક્રમમાં ભાગ લેતા છતાં, તેને દૂરથી જોઈ શકતા કથનકાર-નેરેટર તરીકે આવી શકું, તો મારો પ્રયાસ સફળ થયો ગણાય.  

મુકુંદભાઈ પંડ્યાએ મેળવી આપેલો, પણ ઓછા રેઝોલ્યુશનને કારણે પુસ્તકમાં નહીં વાપરેલો સંજય ઠાકોરનો ફોટો

ફોટા શોધવાના કામમાં થોડા દિવસ સુધી રાતના બે-ત્રણ વગાડ્યા, પણ એ કામ કરતી વખતે એ સમયમાં પાછા જવાનો આનંદ અવર્ણનીય હતો. તેમાં ઉજાગરો વસૂલ લાગતો હતો. ઉપરાંત, એમ કરવાથી ધારેલી ડેડલાઇનમાં છતાં આનંદપૂર્વક કામ થઈ રહ્યું હતું, તેનાથી સારું લાગતું હતું. પ્રકરણો અને તેમાં સમાવવાની વિઝ્યુઅલ સામગ્રીના ફોટા ફાઇનલ થઈ ગયા, એટલે લે-આઉટ વિશે નક્કી કરવાનો વખત આવ્યો. 

કેટલાંક ગમતાં અંગ્રેજી પુસ્તકો જોતાં જોતાં લે-આઉટનો પ્રાથમિક વિચાર મનમાં આવ્યો. પરમ મિત્ર અને કાયમી સલાહકાર અપૂર્વ આશર સાથે વાતચીત થઈ. બીરેને પણ કેટલાંક સરસ સૂચનો આપ્યાં. તે બધું મનમાં રાખવા છતાં, પ્રિય મિત્ર અને ડીઝાઇનર મણિલાલ રાજપૂતની ઓફિસે પહેલી વાર પહોંચ્યો, ત્યારે મનમાં અવઢવનો પાર ન હતો. પરંતુ 'સાર્થક જલસો'નું ઉત્તમ રીતે ડીઝાઇનિંગ કરતા ભાઈ રણજિતની સાથે પહેલી વાર બેઠો અને દોઢ-બે કલાક પછી ઊભો થયો, ત્યારે પાંચ પ્રકરણનો લે-આઉટ થઈ ચૂક્યો હતો અને આગળની દિશા સ્પષ્ટતાપૂર્વક દેખાવા લાગી હતી. મણિલાલની ઓફિસના વાતાવરણમાં, રણજિત સાથે કામ કરવાની મઝા અને નિરાંત બહુ જુદાં હોય છે. એટલા પ્રેમથી અને એટલી લાગણીથી રણજિત લે-આઉટ કરે અને એકેેએક સૂચન-વિકલ્પો-ફેરબદલીનો એટલી ઝડપથી અમલ કરી બતાવે કે જરાય ટેન્શન ન થાય. ઉલટાનું, ટેન્શન હોય તો પણ તે ધીમે ધીમે દૂર થવા લાગે. 

એક વાર લે-આઉટની સ્પષ્ટતા થઈ અને તે મનમાં ધારેલી રીતે ગોઠવાવા લાગ્યો, એટલે કામ ઝડપભેર આગળ ચાલવા લાગ્યું. વચ્ચે વચ્ચે રણજિતને અનુકૂળતા ન હોય ત્યારે ખાડો પડે, પણ જરાય ચિંતા ન થાય. બાકી, લે-આઉટનું કામ શરૂ થયું, તે પહેલાં ઊંધી ગણતરી કરીને જુલાઇ 16 માટે અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશનનો હોલ બુક કરાવી લીધો હતો. એટલે, મનમાં ઘડિયાળની ટીક ટીક તો ચાલુ થઈ ચૂકી હતી. 

280ની બેઠકક્ષમતા ધરાવતો એચ.ટી.પારેખ હોલ

મિત્ર જિતેન્દ્ર મેકવાને જેમનો પરિચય કરાવ્યો હતો તે અજિતભાઈ મકવાણા ઝડપભેર છતાં ચોક્સાઈથી પ્રૂફ વાંચી રહ્યા હતા. એટલે એક તરફ પ્રકરણોનો લે-આઉટ થતો હતો, સાથોસાથ પછીનાં પ્રકરણોનાં પ્રૂફ પણ ચાલુ હતાં. થોડાં પ્રકરણોના ફોટા શોધવાનું કામ સમાંતરે ચાલતું હતું. એટલે લે-આઉટના કામમાં વચ્ચે ખાડો પડે ત્યારે, પછીના દિવસોમાં કરવાનાં કામની સામગ્રી ભેગી કરવામાં અને અગાઉ થયેલા લે-આઉટ તપાસીને, તેમાં જરૂરી ફેરફારની નોંધ કરવામાં સમય જતો હતો. 

એમ કરતાં, ધાર્યા સમયમાં તમામ 47 પ્રકરણોના લે-આઉટનું કામ પૂરું થયું. ટુકડે ટુકડે બધાં પ્રકરણ ફરી જોયાં હતાં. પણ તે થઈ ગયાં પછી, ફરી એક વાર સળંગ તપાસી ગયો. મુખ્યત્વે લે-આઉટ અને ફોટોલાઇનની રીતે. પછી બાકી રહ્યાં બે પરિશિષ્ટ, પુસ્તકનાં આગળનાં પાનાં અને ટાઇટલ-બેક ટાઇટલ. સૌથી મોટો પ્રશ્ન હતો ટાઇટલનો. તેમાં શું કરવું તેનો વિચાર મહિનાઓથી મનમાં ચાલતો હતો. થોડી કાચીપાકી ડીઝાઇન બનાવી રાખી હતી. પણ ગુંચવાડો મટતો ન હતો. એક રાત્રે રાબેતા મુજબ બીરેન સાથે ફોન પરની વાતચીતમાં તેણે એક સૂચન કર્યું અને આગળનો રસ્તો મળી ગયો. 

(ટાઇટલ-બેક ટાઇટલ, આગળનાં પાનાં અને પુસ્તકના પ્રકાશન સમારંભ વિશે હવે પછી)

 

1 comment:

  1. Anonymous9:18:00 AM

    1700 પોસ્ટ! મતલબ કે સાડા ચાર વર્ષ સુધી રોજની એક પોસ્ટ મૂકવા જેટલું થાય. જબરું સાતત્ય. અભિનંદન.

    આ પોસ્ટની સામગ્રી પણ તારા પુસ્તકનો
    (નવી આવૃત્તિનો) ભાગ બની શકે તેમ છે, કારણ કે આમાં પણ લેખન-સફરની વાત છે.

    ReplyDelete