Tuesday, February 03, 2026

પદ્મશ્રી પુરાણ

એક સમયે પદમણી નાર બનવું ઘણી સ્ત્રીઓનું સપનું રહેતું, એવી જ રીતે, છેલ્લા ઘણા સમયથી પદમશ્રી (પદ્મશ્રી) લેખક થવું એ ઘણા લખનારાની મહત્ત્વાકાંક્ષા હોય છે. રવીન્દ્રનાથ ટાગોર પછી બીજા ભારતીય કોઈ સાહિત્યકારને નોબેલ મળ્યો નથી. તે જાણતા ગુજરાતી કવિ-લેખકો એટલા તો વાસ્તવદર્શી છે કે નોબેલની આશા ન રાખે. જો કોઈ મોરારીબાપુ પાસે ચિઠ્ઠી લખાવીને નોબેલ કમિટી પર મોકલાવી ચૂક્યું હોય, તો આ લખનારનું અજ્ઞાન ક્ષમ્ય ગણવું. નોબેલ-સમકક્ષ ગુજરાતી સાહિત્ય પારિતોષિક શરૂ કરવાની દરખાસ્ત મોરારીબાપુ સમક્ષ નહીં મુકાઈ હોય, એવું માની લેવાનું પણ કોઈ કારણ નથી.

આટલું વાંચીને ગુજરાતી કવિ-લેખકોને સાંભળવા ટેવાયેલા લોકોને એવો સવાલ જરાય નહીં થાય કે સાહિત્યની વાતમાં મોરારીબાપુ આટલા બધા કેમ આવે છે. કેમ કે, ઘણા લખનારાને તો ભાષણમાં વારંવાર મોરારીબાપુનું નામ લેવાનું જાણે ડોક્ટરે કહ્યું હોય, એટલી ચુસ્તીથી તે બાપુસ્મરણ કરતા રહે છે. મોરારીબાપુને પૂજ્ય કહેવા કે પ્રિય, એ વિશે ગુજરાતીમાં નિબંધ, કાવ્ય અને વક્તૃત્વની સ્પર્ધા યોજવામાં આવે અને તેના આયોજક મોરારીબાપુ હોય, તો કવિ-લેખકો-વક્તાઓનો ધસારો ખાળવા માટે પોલીસની મદદ લેવી પડે. તેમનો અને બાપુનો પરસ્પર પ્રેમ કોઈની ટીકાટીપ્પણીનો વિષય ન હોઈ શકે, પણ પોતે મોરારીબાપુના કેટલા ખાસ છે તેનું જાહેર પ્રદર્શન કરવા જતાં, તે બીજી પણ કેટલીક બાબતોનું પ્રદર્શન કરી બેસે છે.

એક તરફ એવું લાગે કે ગુજરાતીમાં લખનારામાંથી ઘણાનું જીવનધ્યેય મોરારીબાપુ સાથેની નિકટતા દેખાડવાનું, તેમણે સ્વહસ્તે પીરસેલો કેરીનો રસ આરોગવાનું અને મોરારીબાપુએ કઈ કથામાં, પોતાનાં કેટલા ગ્રામ/કિલો/મણ વખાણ કર્યાં તે લોકોને જણાવતા રહેવાનું હશે. પરંતુ એક સીઝન એવી પણ આવે છે, જ્યારે તેમની નજર મોરારીબાપુથી આગળ વધે છે—અને પદ્મશ્રી પર જઈને ઠરે છે. વર્ષ 2026ની પદ્મશ્રીની યાદીમાં સ્થાન ધરાવતા હાસ્યલેખક રતિલાલ બોરીસાગર જેવા ગુજરાતી લેખકો જૂજ હશે, જેમણે પોતે એ મેળવવા માટે કશો પ્રયત્ન કર્યો કે કરાવ્યો ન હોય. બાકી, ગુજરાતીમાં લખનારા ઘણા લોકો માટે પદ્મશ્રી મેળવવો એ કરતાં જાળ કરોળિયોન્યાયે, હિંમત હાર્યા વિના સતત પ્રયાસ કરતા રહેવાનો મામલો છે. તેના માટે ઉત્તમ સર્જન આવશ્યક પણ નથી ને પર્યાપ્ત તો બિલકુલ નથી.

કયા લખનારને પોતાનું સર્જન ઉત્તમ ન લાગે? મનમાં તો તેમને એવું જ હોય કે આપણે અંગ્રેજીમાં લખ્યું હોત તો કે દીનો નોબેલ ઝાપટી લીધો હોત, પણ નોબેલવાળાને ગુજરાતી આવડે નહીં ને બાપુનું ત્યાં ચાલે નહીં. એટલે આપણે વાસ્તવિકતા સ્વીકારીને, જે મળવાપાત્ર છે તેને વિસરી જઈને, પદ્મશ્રીથી જ હલાવવું (ચલાવવું) પડશે. જેવાં ગુજરાતનાં નસીબ.

આટલા વાસ્તવદર્શન પછી બીજો તબક્કો આબોહવા જમાવવાનો શરૂ થાય છે. તેમાં અનુચરોથી માંડીને વોટ્સએપ ગ્રુપમાં રહેલા લોકો છૂટુંછવાયું ગાન શરૂ કરે છે, જેની ધ્રુવપંક્તિ હોય છે, તેમને તો પદ્મશ્રી મળવો જોઈએ. પછી ગમે તે સ્થિતિસંજોગોમાં આ ધ્રુવપંક્તિ ટપકી પડે છે, જે ધીમે ધીમે સમૂહગાનનું સ્વરૂપ ધારણ કરે છે અને સમયાંતરે ગવાયા કરે છે. બીજી તરફ, પોતાના વિશે આવું માનતા અને તે માન્યતાને સાચી પાડવા માટે કંઈ પણ કરવા તૈયાર લોકો (જો પહેલેથી ન કરતા હોય તો) સરકારની પ્રશંસા શરૂ કરે છે. ઘણા લોકોની પ્રશંસા એકદમ જાડી, બજારુ અને ભદ્દી હોય છે. તેને જોઈને એક કિલોમીટર દૂરથી ખબર પડી જાય કે પદ્મશ્રી લેવા માટેનો કાર્યક્રમ શરૂ થઈ ચૂક્યો છે. તેનો અર્થ એવો નહીં કે ગુજરાતી લખનારા-બોલનારામાંથી શિષ્ટતા, સજ્જતા મરી પરવારી છે. કેટલાક એવા પણ હોય છે, જે ચમચાગીરી ન લાગે એ રીતે (મુગલ-એ-આઝમમાં દિલીપકુમાર મધુબાલાના ચહેરા પર પીંછું ફેરવતા હતા એ રીતે) સરકાર પ્રત્યેનો અનુરાગ પ્રગટ કરે છે.

સરકારને પ્રિય થવા માટેની પહેલી શરત એ છે કે તેને અપ્રિય થવાય એવું ભૂતકાળમાં કંઈ પણ કર્યું હોય—અથવા સરકારને તમારા વિશે એવી શંકા હોય—તો તેના ખુલાસા કરવા અને સેન્ટીમીટરમાં શંકા થઈ હોય તો કિલોમીટરમાં તેનું નિવારણ કરવું. તે પછીનો તબક્કો ભલામણકર્તા શોધવાનો છે. જેનું વજન પડે (અને જેને પોતાને લેવાનો બાકી ન હોય, લેવાની ઇચ્છા ન હોય કે મળવાની સંભાવના ન હોય) એવી વ્યક્તિ પાસેથી ભલામણ લખાવવામાં આવે છે. ભલામણપત્ર અમિત શાહ પાસે લખાવવાનો હોય તો, આ પત્ર લઈને આવનાર મારા માણસ છે. તેમને પદ્મશ્રી આપી દેશો. એટલું જ પૂરતું થઈ પડે, પણ બીજા લોકોએ ઘણું લખવું ને જોડવું પડે છે.

તે બધા સાથેની દરખાસ્ત મોકલાઈ જાય પછી શરૂ થાય છે સૌથી અઘરો, પ્રતીક્ષાનો દૌર. વાહન પર ઘરની બહાર નીકળ્યા પછી, ચાર રસ્તે સિગ્નલ લાલને બદલે લીલો મળે તો પણ એવું લાગે છે કે આ વખતે આપણા પાસા સવળા પડી રહ્યા છે. હવે પદ્મશ્રી મળ્યે જ પાર છે. રાજકીય ઉમેદવારો ચૂંટણીનાં પરિણામ આવતાં પહેલાં ફટાકડા ને મીઠાઈનો જથ્થો ખરીદી રાખે તેમ, કોઈ ઉત્સાહી રાષ્ટ્રપતિભવનમાં જતી વખતે પહેરવાનાં કપડાં પણ સીવડાવી શકે છે. પદ્મશ્રી ફલાણા ઢીકણા—એવું લખવાથી લોકો ક્યાંક એવું તો નહીં સમજે ને કે મારું નામ પદ્મશ્રી છે ને ફલાણા એ મારા પિતાનું નામ છે?’ આવો મોળો વિચાર ફગાવીને તે પોતાના નામ આગળ પદ્મશ્રી લખીને, આખું નામ વાંચીને રોમાંચિત થઈ જુએ છે.

--અને તેને થાય છે કે આપણો પદ્મશ્રી પાકો છે. .

(પદ્મશ્રીપુરાણનો ઉત્તરાર્ધ આવતા સપ્તાહે)