Tuesday, February 10, 2026

શંખ, ચક્ર અને પદ્મ(શ્રી)

પદ્મશ્રીની પસંદગીની પ્રક્રિયા ઘણાને અદૃશ્ય સ્વયંવર જેવી લાગે છે, જેમાં તે પોતાની જાતને ચોસઠ કળામાં જાણકાર, બત્રીસલક્ષણા મુરતિયા તરીકે કલ્પે છે. આ પ્રક્રિયા ચાલુ થયા પછી તેમને એવાં વિઝન આવે છે કે તે રાજસી પોષાકમાં સજ્જ થઈને, લાંબી લાઇનમાં ઊભા રહીને મોરારાબાપુના આશીર્વાદ મેળવ્યા પછી, સ્વયંવરસ્થળે પહોંચે છે. ત્યાં હાથમાં વરમાળા સાથે મરક મરક કરતી પદમણી (પદ્મશ્રી)ની અને તેમની વચ્ચે એક મોટું ધનુષ્ય પડ્યું છે. તેની પર ઝીણા અક્ષરે કેટલાક શબ્દો કોતરેલા છેઃ ચાપલુસી, સંપૂર્ણ શરણાગતિ, નિર્વ્યાજ ભક્તિ, વફાદારી... જોકે, આ શબ્દો દૂરથી વંચાતા નથી. મુરતિયો હોંશે હોંશે એ ધનુષ્ય ઉપાડવા જાય છે અને...

 ...અને વિઝન અચાનક અદૃશ્ય થઈ જાય છે. એટલે ધનુષ્ય ઉપાડવામાં સફળતા મળી કે નહીં, તે સસ્પેન્સ ખુલતું નથી અને અજંપો થાય છે. તે ટાળવા માટે માણસ આત્મનિર્ભર હોય તો જાતે ને વધારે શાણો હોય તો બીજા લોકો દ્વારા પ્રયાસો આદરે છે. પદ્મશ્રી માટેની પોતાની ભડભડતી આકાંક્ષાઓની કાગળની હોડી તે સંસારના આ અફાટ, તોફાની સાગરમાં તરતી મુકે છે કે મુકાવે છે.

કેટલાક પદ્મપીપાસુઓની રીત છાશ લેવા જતી વખતે દોણી સંતાડવાની હોય છે. પોતાના પદ્મશ્રી માટે શી રીતે પ્રચારઝુંબેશ આદરવી તેનું વિગતવાર માર્ગદર્શન ઓનલાઇન અને ઓફલાઇન જૂથોને આપ્યા પછી તે બહાર પડે છે અને માસુમિયતથી કહી શકે છે,પદ્મશ્રી તો એક નામ છે. ખરો સંતોષ તો દેશ માટે-સમાજ માટે કંઈક કરી છૂટ્યાનો છે. હું એવું નહીં કહું કે મારે પદ્મશ્રી નથી જોઈતો. હું એવું પણ નહીં કહું કે મારે પદ્મશ્રી જોઈએ છે. હું ફક્ત એટલું કહીશ કે મને પદ્મશ્રી મળશે તો એ મારું નહીં, મેં જેમના માટે કામ કર્યું છે તે લોકોનું સન્માન હશે અને દેશના લોકોનું સન્માન થાય તે કોને ન ગમે? ટૂંકમાં, મારે પદ્મશ્રી જોઈએ છે, પણ મારા માટે નહીં, મારા રાજ્યના, દેશના લોકો માટે.

છેલ્લા ઘણા સમયથી આવી દોણીસંતાડ પદ્ધતિ આઉટ ઓફ ફેશન છે. મોટા ભાગના લોકોને તે માફક આવતી નથી અને અકસીર પણ લાગતી નથી. છાપરે ચડીને, શરમાયા વિના, બરાડા પાડીને જૂઠું બોલવું જાહેર વ્યવહારનું અનિવાર્ય અંગ બની ચૂક્યું હોય, ત્યાં દોણી સંતાડવાનું તો બાજુ પર રહ્યું, તેનો સૌથી ઊંચો ખડકલો કરો તો કંઈ થાય. એવા લોકો આતી ક્યા ખંડાલા?’ અભિગમના આરાધકો હોય છે. તે કહે છે,છેલ્લા અમુક વર્ષથી આપણો ટ્રાય ચાલુ જ છે. ગાંધીજીએ કહેલું કે જ્યાં સુધી સ્વરાજ નહીં મળે ત્યાં સુધી આશ્રમ પાછો નહીં આવું. આપણું બી એવું જ છેઃ જ્યાં સુધી પદ્મશ્રી નહીં મળે ત્યાં સુધી દિલ્હીના આંટાફેરા નહીં છોડું. આપણે બદ્ધાને કહી રાખ્યું છે કે કોઈ જેક હોય તો કહેજો. સાહેબની ભક્તિ તો વર્ષોથી કરીએ જ છીએ, પણ લાઇન એટલી લાંબી છે કે ફક્ત એટલી લાયકાત પૂરતી નથી. લાગવગો લગાડવી જ પડે. અમિતાભ બચ્ચનથી માંડીને આસારામ સુધી ને મુકેશભાઈ-ગૌતમભાઈથી માંડીને સાહેબનો સુટ ખરીદનારા સુધી ક્યાંય પણ તમારી ઓળખાણ હોય તો કહેજો. આપણને ઇગો-પ્રોબ્લેમ નથી. આપણે સામેથી મળવા જઈશું અને આપણને મળી જશે તો આપણા સન્માન સમારંભમાં તેમને સ્ટેજ પર પણ બેસાડીશું. આપણે કશું એકલા ખાટી લેવું નથી.

જોકે, બધા લોકો આ પદ્મેચ્છુકોનો ઉત્સાહ સમજી શકતા નથી અને તેમને અસ્તિત્વવાદી સવાલો પૂછે છે. જેમ કે, ધારો કે તમને પદ્મશ્રી મળી ગયો, તો પછી તમે શું કરશો?’ આ મતલબના સવાલની પાછળ જિજ્ઞાસા છે કે મજાક, એ નક્કી કરવું ઘણી વાર અઘરું હોય છે, પણ સાચા પદ્માકાંક્ષીઓ એવી લપમાં પડતા નથી. કોઈ વળી ચહેરા પરના હાવભાવ જરાય બદલ્યા વિના કહી શકે છે,કેમ? પછી પદ્મભૂષણ નથી?’ કેટલાક જવાબ આપવાને બદલે, પદ્મશ્રી મળી ગયો, તો?’નાં સપનાંમાં ખોવાઈ જાય છે. તેમને મનમાં પદ્મશ્રી કખગ માર્ગ/ચોક લખેલાં પાટિયાં દેખાય છે. તેમને પૂરા જોશથી કહેવાનું મન થાય છે કે પદ્મશ્રી લટકાવીને હું શાક લેવા જઈશ, પેટ્રોલ પુરાવવા જઈશ, પાન ખાવા જઈશ, અરે...નહાવા ને સુવા પણ જઈશ. મારો પદ્મશ્રી છે. જ્યોતીન્દ્ર દવેને વાંચ્યા હોય તે એવું પણ કહી શકે કે પદ્મશ્રીએ મને આટલાં વર્ષ લટકાવ્યો છે. હવે હું તેને લટકાવી-લટકાવીને ફરીશ. કેટલાક પદ્મવિરહીઓને લાગે છે કે પદ્મશ્રી મળ્યા પછી ટ્રાફિકના સિગ્નલે રોકાવું નહીં પડે, ટોલ બૂથ પર ટોલ નહીં ભરવો પડે, લોકો આપણા સર્જનથી નહીં, તો કમ સે કમ પદ્મથી પ્રભાવિત થઈને આપણને મહાન ગણવા લાગશે.

પદ્મશ્રી અંગ્રેજોના જમાનાનો ખિતાબ નહીં, પણ લોકશાહી દેશનું નાગરિક-સન્માન છે—આવી ટેકનિકલ માહિતી તેમને સ્પર્શતી નથી. એમાં તેમનો એક હદથી વધારે વાંક કઢાય એમ પણ નથી. કારણ કે, અત્યારે ઘણાં સન્માનો બિલકુલ રાજાશાહી અંદાજમાં વહેંચાય છે. પહેલાં રાજાઓ પ્રસન્ન થાય ત્યારે લે, મારો સોનાનો હાર એમ કહીને પોતાના ગળામાંથી હાર ઉતારીને આપી દેતા હતા. હવે લોકશાહી છે. એટલે રાજાએ પોતાના ગળામાંથી કશું ઉતારવાનું હોતું નથી. તેણે ફક્ત પોતાની મહાનતાની વાર્તાઓ લોકોના ગળે ઉતારવાની હોય છે.

અને એક દિવસ પદ્મશ્રીની યાદી જાહેર થઈ જાય છે. તેમાં નામ ન દેખાતાં એક જ આશ્વાસન બાકી રહે છેઃ હું તો પદ્મશ્રીથી આગળ નીકળી ચૂક્યો છું. આ જ્ઞાન ક્ષણિક નથી હોતું. છેક બીજા વર્ષની પસંદગી પસંદગી પ્રક્રિયા શરૂ થાય ત્યાં સુધી તે પદ્મવંચિતનો પથ અજવાળતું રહે છે.

No comments:

Post a Comment