Monday, October 27, 2025
મંત્રીમંડળની બેઠક
સામાન્ય રીતે કકળાટ કાળીચૌદશના દિવસે કાઢવાનો રિવાજ છે, પણ ગુજરાતમાં મંત્રીંમંડળની પુનઃરચના ચૌદશથી પહેલાં થઈ ગઈ. મંત્રીમંડળમાં કોણ આવ્યું ને કોણ ગયું, કોણ પડ્યું ને કોણ ચડ્યું, એવી બધી ચર્ચા (સાદી ભાષામાં, ચૌદશ) બહુ થઈ. નવા મંત્રીમંડળનો ઉત્સાહ મંત્રીઓને હોય એનાં કરતાં વધારે તો મિડીયાને વધારે હતો. ઘરે પ્રસંગ હોય તો પણ ન કરે, એટલી તૈયારી અને દોડધામ કેટલાક મિડીયાવાળા કરી રહ્યા હતા. ક્યાં કેવી તૈયારી ચાલી રહી છે, તેનું મિનીટેમિનીટનું રિપોર્ટિંગ થઈ રહ્યું હતું. તેનું એક કારણ કદાચ એ પણ હોય કે મિડીયાવાળા જાણે છે, એક વાર મંત્રીઓ તેમનું ખાતું સંભાળી લે, ત્યાર પછી મિડીયાવાળાને રિપોર્ટિંગની તક નહીં મળે. ખરેખર તો, મંત્રીને પોતાને કશું કરવાની તક મળશે કે કેમ, તે પણ સવાલ.
મનમાં
નવોઢા જેવી મૂંઝવણો અને લોટરી જીતનારા જેવો રોમાંચ અનુભવતા મંત્રીઓની પહેલી
અનૌપચારિક બેઠક થાય, તો તે કેવી હોય? થોડી કલ્પનાઃ
અધિકારીઃ
નમસ્કાર. નવા મંત્રીમંડળમાં આપ સૌનું સ્વાગત છે.
મંત્રી
1: તમે કોણ? તમારી ઓળખાણ ન પડી. મંત્રી જેવા તો
લાગતા નથી...
મંત્રી
2: એટલે તમે
કહેવા શું માગો છો?
મંત્રીઓ માણસ કરતાં જુદા લાગે?
ખૂણામાંથી
અવાજ: કોને ખબર? બહુ વફાદાર હોય તો કદાચ ગળામાં...
અધિકારીઃ
(વાક્ય કાપીને) મારો હોદ્દો તમારે જાણવાની જરૂર નથી. મારું કામ તમને નવી જગ્યાએ
સારી રીતે ગોઠવી આપવાનું છે.
મંત્રી
3 (મંત્રી 4ને, ગુસપુસ અવાજે) : બોલો, આપણને એમ કે અમિતભાઈ બધું
ગોઠવે છે, પણ અહીં તો આ ભાઈ બધું ગોઠવવાનો દાવો કરે છે. ગાંધીનગરનું પાણી...
મંત્રી
4: (એવા જ સ્વરે)
હજુ તો આપણે આપણી ચેમ્બર પણ જોઈ નથી. એકદમ અસંતુષ્ટ થઈ જવાની જરૂર નથી.
અધિકારીઃ
શાંતિ, શાંતિ. મારી વાત સાંભળીને કોઈ ખરાબ ન લગાડતા...
(બધા,
એકસાથે) : અમને
તો હવે પ્રેક્ટિસ પડી ગઈ છે. અમે મતદારો સિવાય બીજા કોઈની વાતનું ખરાબ લગાડતા નથી.
અધિકારી: વેરી ગુડ. તો તમારું ભવિષ્ય બહુ
ઉજ્જવળ છે. સૌથી પહેલાં તો મારે તમને એ કહેવાનું કે તમને તમારી જગ્યા બતાવી
દેવામાં આવે, ત્યાર પછી ટેવાતાં વાર ન લગાડતા.
મંત્રી
3 (ઉશ્કેરાઈને): જગ્યા
બતાવી દેવામાં આવે એટલે? અમારી
જગ્યા બતાવનાર તમે કોણ?
મંત્રી
4 (મંત્રી 3ને, હાથ દબાવીને, ધીમેથી) : હમણાં શાંતિ રાખો. આ તો ચિઠ્ઠીનો
ચાકર છે. તેના હાથમાં કશું નથી.
મંત્રી
3: તો આપણે પણ
એનાથી ક્યાં જુદા છીએ? આપણા
હાથમાં શું છે?
મંત્રી
1: કેમ વળી? ગાડી, બંગલો, લાલ બત્તી, આર્થિક
લાભો, આર્થિક લાભો મેળવવાની તક...
મંત્રી
3: એ બધું તો
સમજ્યા, પણ માથે લટકતી તલવાર નહીં? અડધી
રાતે દિલ્હીથી ફોન આવે તો નોકરી જતી રહે.
અધિકારી: આપસાહેબોએ આ રીતે વાત ન કરવી જોઈએ.
આપ સૌ પ્રજાના સેવકો છો...
(બધા,
સામુહિક રીતે હસે છે અને હસતાં હસતાં બેવડ વળી જાય છે.)
ખૂણામાંથી
અવાજઃ આ અમિતભાઈનું નામ પ્રજા ક્યારથી થયું?
(અધિકારી
અવાજની દિશામાં જોવા પ્રયાસ કરે છે, પણ કોઈ દેખાતું નથી.)
અધિકારીઃ
આપમાંથી કોઈ ભૂતપ્રેતમાં માનો છો?
(બધા
સમુહસ્વરે) : ના,
અમે તો મોદીસાહેબ અને અમિતભાઈ એ બેમાં જ માનીએ છીએ.
અધિકારી: છોડો એ વાત. હું તમને ખાસ એ કહેવા
માગતો હતો કે તમારી પાસે સમય ઓછો છે, એટલે જલદી ગોઠવાઈ જાવ એવી ઉપરથી ખાસ સૂચના
છે.
મંત્રી
1: તમે ચિંતા ન
કરતા, અમે ક્યાં ક્યાં કેવી રીતે ગોઠવવું એની વેતરણમાં જ છીએ.
અધિકારી: હું ગોઠવી લેવાની નહીં, કામકાજમાં
ગોઠવાઈ જવાની વાત કરું છું. આમ તો તમારા ભાગે ખાસ કંઈ આવશે નહીં...
મંત્રી
2: એટલે?
અધિકારી: જ્યારથી જનરલ નોલેજના પેપરમાં
રાજ્યના મંત્રીઓ વિશે સવાલ પૂછાતા બંધ થઈ ગયા ત્યારથી રાજ્યના મંત્રીમંડળનાં નામ
વિશે કોઈને ખબર હોતી નથી. તમે જ્યાં જાવ ત્યાં તમારે કહેવું પડશે કે હું ફલાણા
ખાતાનો મંત્રી. ત્યારે લોકોને થશે કે તમે અસ્તિત્વ ધરાવો છો.
મંત્રી
3: પણ ખાતાના
અધિકારીઓ?
અધિકારી: તમે તો જાણો જ છો, ગઈ વખતે અધિકારીઓ
મંત્રીઓના ફોન ઉઠાવે એવું કહેવા માટે પરિપત્ર કાઢવો પડ્યો હતો...
મંત્રી
5 (મંત્રી 3ને) : બસ, આ જ સાંભળવું હતું ને તમારે? સાંભળી લીધું ને?
અધિકારી
: એમાં કોઈએ
માઠું લગાડવાની જરૂર નથી. તમારા કોઈ પ્રત્યે સાહેબને અવિશ્વાસ હોત તો તમે અહીં
બેઠા ન હોત. તમારે યાદ એટલું જ રાખવાનું કે તમે કોઈ પણ બાબતમાં ફાઇનલ ઓથોરિટી નથી.
તમે અધિકારીને સૂચના આપવા જાવ, ત્યાર પહેલાં તેમને ઉપરથી સૂચના મળી પણ ગઈ હોય.
મંત્રી
3: તો પછી
મંત્રીપદાને શું કરવાનું?
મંત્રી
5: તમે કહેતા હો
તો ઉપર કહેવડાવી દઉં. બીજા લાઇનમાં તૈયાર જ છે.
અધિકારી: શાંતિ..શાંતિ... સાહેબ, આજે સપરમા
દિવસે કોઈએ માઠું લગાડવાનું નથી. આજે તો મારે તમને બધાને મોં મીઠું કરાવીને,
સાહેબની વફાદારીની કસોટીમાં હેમખેમ પાર ઉતરો એવી શુભેચ્છા સાથે તમારી જગ્યાએ લઈ
જવાના છે. એક વાર તમે તમારી જગ્યાએ પહોંચો. ગુજરાતનું પછી જોઈ લઈશું.
(એ સાથે જ મિટિંગ પૂરી થાય છે અને સૌ એક ખૂણામાં રહેલી મોટી તસવીરને પાયલાગણ માટે લાઇન લગાડે છે.)
Saturday, October 18, 2025
ન જોયેલા વડીલોની સ્મૃતિ
નામઃ કેશવલાલ કીલાભાઈ દેસાઈ. તેમના પુત્ર ચંદુલાલ કેશવલાલ દેસાઈ અને ચંદુલાલનાં પુત્રી સ્મિતા તે મારાં મમ્મી.
નામઃ
ચુનીલાલ ગોરધનદાસ કોઠારી. તેમના પુત્ર ચીમનલાલ ચુનીલાલ કોઠારી. અમારા ઘરે આવેલા
મિત્રોએ ઘરની કેટલીક ચીજવસ્તુઓથી માંડીને ક્રોકરી પર CCK અથવા ચી.ચુ.કો. લખેલું જોયું હશે,
તે ચીમનલાલ કોઠારી અને તેમના પુત્ર અનિલકુમાર તે મારા પપ્પા.
અમારા
બંને ભાઈઓમાં બીરેન છ વર્ષે મોટો. છતાં, તેણે એકેય દાદાને જોયા ન હતા—ચીમનલાલને પણ
નહીં ને ચંદુલાલને પણ નહીં. એટલે પરદાદાઓને જોવાનો તો પ્રશ્ન જ નહીં. પરંતુ એ બંને
પરદાદાઓની સ્થૂળ યાદગીરી ઘરમાં સચવાઈ રહી હતી, જેની તરફ થોડા સમય પહેલાં ધ્યાન
પડ્યું.
અમારાં
બંને ઘરે (મહેમદાવાદ અને વડોદરા) જૂની ચીજવસ્તુઓ બહુ સારી રીતે સચવાઈને રહી હોય.
તેમાં કેટલાંક વાસણ પણ ખરાં. એવાં થોડાં વાસણમાં જર્મન સિલ્વરના ચાર લોટા અમે
રાખ્યા હતા અને દાદાજીના જમાનાના સીસમના બે માળના કબાટની ઉપરની ખાલી જગ્યામાં
તેમને ગોઠવ્યા હતા.
ચારેય લોટાના તળીયે (હા ભઈ, આ ગાંધીનગર-દિલ્હીના નથી. એટલે તળીયાવાળા લોટા છે.) તેની કંપનીનું નામ હતું. તેમાં ત્રણ નામ એકસરખાં, પણ ચોથું અલગ હતું. Lallobhoy Ambaram Parekh. લલ્લુભાઈ અંબારામ પારેખ. મારી એવી છાપ હતી કે bhoy સામાન્ય રીતે વોરાજીઓ લગાડતા હોય, પણ આમાં તો એવું લાગતું નથી. તેમના નામના લોગોની નીચે વંચાય છેઃ Made in Germany.
ચાર
લોટા પાછા સાફ કરીને, પરદાદાઓ સાથે આડકતરી મુલાકાતના આનંદ સાથે પાછા મુક્યા, પણ તેમના તરફ જોવાની દૃષ્ટિ બદલાઈ છે. જેમનો ચહેરો પણ જોયો નથી એવા કેશવલાલ
કીલાભાઈ અને જેમનું ફક્ત ચિતરેલું પોટ્રેટ જોયું છે એવા ચુનીલાલ ગોરધનદાસના અણસાર
હવે તેમાં આવે છે.
Friday, October 17, 2025
બીરેન કોઠારીએ ગઈ કાલે પપ્પા વિશે લખ્યું હતું. કાલે (16 ઓક્ટોબર) પપ્પાનો જન્મદિવસ હતો. અમે બંને આમ તો તારીખટાણાં પાળવામાં બહુ આગ્રહી નહીં. મને તો તારીખો પણ યાદ રહેતી નથી.
![]() |
| પપ્પાઃ અનિલકુમાર કોઠારી, મહેમદાવાદ, જુનિયર ચેમ્બર, 1967 |
![]() |
| પપ્પાઃ અનિલકુમાર કોઠારી, અજાણી વ્યક્તિ સાથે |
Saturday, October 11, 2025
સૂચિત નવા ઉત્સવ
આઠ વર્ષ સુધી આકરો જીએસટી વસૂલ કર્યા પછી, સરકારે કેટલીક ચીજોમાં જીએસટી ઘટાડ્યો અને તેને ‘બચત-ઉત્સવ’ તરીકે ઉજવવાનો પ્રચાર શરૂ કરી દીધો છે. તે ધ્યાનમાં રાખતાં ભવિષ્યમાં સરકાર દ્વારા જાહેર કરી શકાય એવા બીજા કેટલાક ઉત્સવ.
ખાડોત્સવઃ પહેલાં ફક્ત ચોમાસામાં રસ્તા ખરાબ
થતા હતા, પરંતુ ન્યાયપ્રેમી સરકારને લાગ્યું કે ત્રણે ઋતુમાં ફક્ત ચોમાસાની બદનામી
થાય તે ઠીક નહીં. એટલે પછી એવી વ્યવસ્થા ગોઠવાઈ કે બધી ઋતુમાં રસ્તા ખાડાગ્રસ્ત જ
રહે છે. સરકારના પાળેલા અથવા સરકાર દ્વારા પળાવા ઉત્સુક ચિંતકો કહી શકે કે ખાડા એ
તો મનની સ્થિતિ છે. મનમાં ખોટ કે દેશદ્રોહી લાગણીઓ ન હોય તો ખાડા નડતા નથી. તેમને
સહેલાઈથી અવગણી શકાય છે. નાના ખાડા આવે તો વાહનને સહેજ બાજુ પરથી કાઢીને ખાડા ટાળી
શકાય અને મોટા ખાડા આવે તો તેને ખાડા ગણવાને બદલે રસ્તાની ‘ન્યૂ નોર્મલ’ સ્થિતિ તરીકે સ્વીકારીને તેમાં કશી
ફરિયાદ વિના વાહન ચલાવી શકાય.
પરંતુ
આ તો થાય ત્યારે ખરું. તે પહેલાં લોકલાગણી જો ઉશ્કેરાય અને સરકાર પાસે જવાબ માગે,
તો તેને બીજા પાટે ચડાવવા ગામેગામ ખાડોત્સવનો આરંભ કરી શકાય. તેના માટે ‘અખિલ ભારતીય રાષ્ટ્રીય ખાડા સંઘ’ જેવી, ટૂંકમાં ‘ખાડાસંઘ’ તરીકે ઓળખાય એવી સંસ્થા પણ સ્થાપી
શકાય. પેજપ્રમુખો તો ઓલરેડી નીમેલા જ છે અને ચૂંટણી સિવાય તે સામાન્ય રીતે
નિરાંતમાં હોય છે. તેમને ખાડાસંઘના સ્થાનિક પ્રમુખનો નવો હોદ્દો તથા વધારાનો ચાર્જ
આપી શકાય. તેમની જવાબદારી એ કે તેમના વિસ્તારમાં આવેલા ખાડા વિશે લોકોના મનમાં
રહેલો અસંતોષ કે ફરિયાદ દૂર થાય, લોકો ખાડાને રાષ્ટ્રવાદી સરકારની નગણ્ય આડઅસર
તરીકે સ્વીકારતા અને સમય જતાં તેનું ગૌરવ અનુભવતા થાય. તે માટે પહેલાં દર
અઠવાડિયે, પછી દર પખવાડિયે અને પછી દર મહિને ગામેગામ, વિસ્તારવાર ખાડોત્સવ અંતર્ગત
ખાડાપૂજન શરૂ કરે. તે માટે ખાડાસ્તોત્ર રચવામાં આવે, તેને એકાદ સરકારી ગાયક પાસે
ગવડાવીને આખા રાજ્યમાં તેનું વિતરણ કરવામાં આવે અને ખાડાસ્તોત્ર કે ખાડાપૂજનનો
વિરોધ કરનારાને હિંદુવિરોધી, રાષ્ટ્રદ્રોહી, સેક્યુલર જાહેર કરવામાં આવે. એમ
કરવાથી ખાડા પ્રત્યે જોવાનો લોકોનો દૃષ્ટિકોણ બદલાઈ જશે અને કેટલાક તો પોતાના
વિસ્તારમાં ખાડોત્સવ ઉજવી શકાય એટલા ખાડા કેમ નથી, તેની ફરિયાદ કરતા થશે.
પુલોત્સવઃ સાંભળવામાં કોઈને ફૂલોત્સવ કે fool-ઉત્સવ લાગે તો એવી ગેરસમજ આવકાર્ય
છે. આ ઉત્સવ અંતર્ગત રાજ્યભરમાં જેટલા મોટા, નાના, કાચા પુલ હજુ પડી નથી ગયા,
તેમની વસ્તી ગણતરી કરવામાં આવે અને તેના આંકડા જોરશોરથી જાહેર કરવામાં આવે. ત્યાર
પછી પાળેલાં માધ્યમો દ્વારા એવા અહેવાલ કરાવવામાં આવે કે આખા રાજ્યમા કુલ અમુક
હજાર પુલ છે અને તેમાંથી માંડ પાંચ-સાત પુલ તૂટ્યા, તો તેની ટકાવારી કેટલી ઓછી થાય? અને રાજ્યના 99 ટકાથી પણ વધારે પુલો
સલામત હોય ત્યારે ક્યાંક ક્યાંક પુલો તૂટે તો સરકારને માથે માછલાં ધોવાનું કેટલું
યોગ્ય ગણાય? અને
તે વાંકદેખાપણાની તથા સરકારવિરોધી એટલે કે દેશવિરોધી માનસિકતાની નિશાની નથી?
સાજા
રહેલા પુલોની ગણતરી કરીને તેના આંકડા એક વાર બહાર પાડી દીધા પછી શું? પુલો તો વચ્ચે વચ્ચે તૂટતા રહેવાના
અને નાના હોબાળા થતા રહેવાના. તેમને અંકુશમાં રાખવા માટે, પુલોની વસ્તી ગણતરી થતી
હોય તેને સમાંતર જ, સાજાસમા રહેલા પુલોનું પૂજન શરૂ કરાવવું, તેમની સલામતી માટે
હવન કરાવવો અને આખું ગામ જમાડવું. ઉપરાંત, સાજાસમા રહેલા પુલો અને તેના થકી
સ્થાપિત થતી સરકારની કાર્યક્ષમતા વિશે નિશાળોમાં નિબંધસ્પર્ધાઓ યોજવી, કોલેજોમાં
સરકારમાન્ય અને સરકારી કૃપાવાંચ્છુક એવા વક્તાઓનાં ભાષણો ગોઠવવાં, જેમાં તેમણે
દરેક સાજા રહેલા પુલ માટે નરેન્દ્ર મોદીની મહાન નેતાગીરી શી રીતે જવાબદાર છે, તે
વિવિધ દાખલાદલીલો, ઉદાહરણો, વિજ્ઞાન-ઇતિહાસ-ભૂગોળ આદિનાં ઉદાહરણો આપીને સમજાવવું. આવી
પ્રવૃત્તિમાં ભાગ લેનારા વિદ્યાર્થીઓને એકસ્ટ્રા દસ માર્ક આપવા.
શ્વાસોત્વઃ નોટબંધી અને કોરોના જેવા મહામારીઓ છતાં દેશના બહુમતી લોકો હજુ શ્વસી રહ્યા છે-જીવી રહ્યા છે, તે આ સરકારની સંવેદનશીલ નીતિને આભારી છે. સરકારે ધાર્યું હોત તો તે શ્વાસ પર 18 ટકા ને ઉચ્છવાસ પર 12 ટકા જીએસટી નાખી શકી હોત અને આઠ વર્ષ પછી બંનેના જીએસટી દર ઘટાડીને પાંચ ટકા કરવાની જાહેરાત સાથે શ્વાસોત્વની જાહેરાત કરી હોત. તેને બદલે સરકારે શ્વાસ-ઉચ્છવાસ પર કોઈ પણ પ્રકારનો કરવેરો રાખ્યો નથી,
સરકારે
શ્વાસોચ્છવાસનાં વાર્ષિક રીટેર્ન ભરવાની જોગવાઈ ઊભી કરી નથી, એ પણ તેની
નાગરિકવત્સલતાની નિશાની છે. બાકી, સરકાર ધારે તો દર વર્ષે તમે કેટલા શ્વાસ લીધા
અને કેટલા ઉચ્છવાસ, તેનું સરકારમાન્ય હોસ્પિટલમાં સરકારમાન્ય તબીબ પાસેથી
પ્રમાણપત્ર લઈને, તેને સરકારી વેબસાઇટ પર અપલોડ કરવાનો નિયમ કાઢી શકે.
તે
પગલામાં અસરકારતા ઓછી લાગતી હોય અને નાગરિકો પાસે વિચારી શકવાનો સમય બચતો હોય તો,
સરકાર એવું પણ કહી શકે કે શ્વાસ લેતાં પહેલાં હૃદયના ધબકારા ઝીલતું સરકારી યંત્ર
છાતી પર પહેરો, તેની સાથે તમારાં આધાર કાર્ડ-પાન કાર્ડ-મોબાઇલ નંબર લિન્ક કરો અને
દર મહિને તે નવેસરથી લિન્ક કરતા રહો. જે આવું નહીં કરે તેને નાગરિક આરોગ્યનાં
સરકારી પગલાંનો વિરોધ કરવાના ગુનાસર દંડ કરવામાં આવશે.
છ
મહિના પછી આ પગલું પાછું ખેંચીને પણ સરકાર શ્વાસોત્વ ઉજવી શકે.
Friday, October 10, 2025
હોર્ડિંગબાજી અને મસ્કાબાજી
રાજકારણીઓના હોર્ડિંગનો ત્રાસ છેલ્લા ઘણા સમયથી બહુ વધી ગયો છે. હમણાં જગદીશ પંચાલ (વિશ્વકર્મા) નામના એક મંત્રીને ભાજપના પ્રદેશપ્રમુખ બનાવવામાં આવ્યા, ત્યાર પછી તેમને અભિનંદન આપતાં હોર્ડિંગોનું ઘોડાપૂર આવ્યું છે.






