Tuesday, September 09, 2025
દેશદ્રોહી વરસાદ
જૂના રાજમાં કેટલીક વસ્તુઓ બાળપણથી જ એવી ખોટી શીખવવામાં આવતી હતી કે એ ભણેલું બાળક મોટું થયા પછી દેશનું આદર્શ નાગરિક ન બની શકે. જેમ કે, વરસાદનો મહિમા અને વરસાદ વિશેના નિબંધો. વિદ્યાર્થી અવસ્થાથી જ વરસાદ કેટલો ઉપકારક છે અને વરસાદ પડવાથી ધરતી કેલી લીલી ચાદર ઓઢી લે છે ને દેડકા કેવા ડ્રાંઉ ડ્રાંઉ બોલે છે ને નદીઓ કેવી છલકાઈ ઉઠે છે—આવું બધું માથે મારવામાં આવતું હતું. તેમાં દેશનું શું ભલું થાય, એવો સવાલ કોઈ પૂછતું ન હતું. પરિણામે, આવું શીખેલાં બાળકો મોટાં થાય ત્યારે મૂંઝાયઃ કેમ કે, વરસાદની મોસમમાં ગામના રસ્તા પર ખાડા પડે, રસ્તા ધોવાઈ જાય, ઠેર ઠેર પાણી ભરાઈ જાય, રસ્તા પર ટ્રાફિક જામ થતાં લોકો અટવાઈ પડે—આવી બધી વરસાદની દુષ્ટતાઓથી તે અજાણ હોય. એટલે, તે સીધાં વરસાદને બદલે સરકારનો વાંક કાઢવા બેસી જાય. વર્ષ 2014 પછી સરકારનો વાંક કાઢવો એ દેશદ્રોહ છે અને કોઈ પણ મુદ્દે સરકારનો વાંક હોઈ શકે નહીં—આટલી સાદી વાત જૂના કુસંસ્કારોને લીધે લોકોના મનમાં ઘૂસતી નથી.
કોઈ પ્રકૃતિપ્રેમી દલીલ કરશે કે આ બધું થાય તેમાં વરસાદનો શો વાંક? પુલો ને રસ્તા તો વગર વરસાદે પણ તૂટી પડે છે, જાહેર સુવિધાઓ વગર વરસાદે પણ ખોટકાઈ જાય છે...આવી દલીલોથી ભોળવાઈ જવું નહીં અને યાદ રાખવું કે સરકાર ઇચ્છે તે સિવાયનું કંઈ પણ વિચારવું એ પણ દેશદ્રોહનો જ એક પ્રકાર છે. વિચારવું કદાચ થોડો હળવો ગુનો હોઈ શકે, પણ કોઈને વિચારવા માટે પ્રેરવા, એ દુષ્ર્પેરણાનો સૌથી ખરાબ પ્રકાર છે. એટલે, આ બંને ગુનાથી બચીને, સરકારમાન્ય સારા નાગરિક બનવું.
વરસાદનો વાંક કેમ નહી? સો વાર વાંક. સાહેબલોકો કેટલા મોટાં મોટાં વિકાસનાં કામો કરીને અને તેના દ્વારા તેમની અને તેમની ટોળકીની સમૃદ્ધિમાં કેટલો અધધ વધારો કરીને દેશને આગળ લઈ જવાનો પ્રયાસ કરે છે. જરૂર પડ્યે આખા દેશના વિધાનસભ્યો અને સંસદસભ્યોને ખરીદી શકાય એટલું ભંડોળ એકઠું કરવા માટે નાનાંમોટાં વિકાસકાર્યો પૂરાં ન પડે. તેના માટે સતત દેશમાં ઝંડીઓ બતાવતા રહેવું પડે, ઉદ્ઘાટનો કરતાં રહેવું પડે, રોડ શો કરવા પડે, દિવસમાં દસ-પંદર વાર કપડાં બદલવાં પડે અને પચીસ-પચાસ એન્ગલથી ફોટા પડાવવા પડે. આટલી તનતોડ મહેનત દિવસના અઢાર-વીસ કલાક કોઈ કરતું હોય, તો તેની સામે તૂટેલા રોડ ને તૂટેલા પુલ ને ભરાયેલાં પાણી જેવા ફાલતુ મુદ્દાની ફરિયાદ કરવી એ દેશદ્રોહની હદનું નગુણાપણું નથી?
માણસોને એવા નગુણાપણા માટેનું નિમિત્ત વરસાદ પૂરું પાડે છે. એટલે વરસાદને મથાળામાં દેશદ્રોહી કહ્યો છે. હવેના સમયમાં કોઈને દેશદ્રોહી ઠરાવ્યા પછી, તે દેશદ્રોહી નથી તે સામેવાળાએ સાબીત કરવાનું રહે છે. પરંતુ વરસાદ તરફથી હજુ સુધી એવો એક પણ પુરાવો, સોગંદનામા ઉપર કે તે વિના પણ, આપવામાં આવ્યો નથી. આથી, ખાતરીપૂર્વક કહી શકાય કે વરસાદ દેશદ્રોહી છે, એટલું જ નહીં, તે પોતે પણ, જાહેરમાં નહીં તો મનોમન, એવું કબૂલતો લાગે છે. આ વાંચીને જૂના જમાનાના સંવેદનશીલ લોકોને થશે કે વરસાદ વિશે જરા વધારે પડતું આકરું લખી નાખ્યું. પણ ના, વરસાદની દયા ખાવાની બિલકુલ જરૂર નથી. કુદરતી ન્યાયની કે લોકશાહીની કે બંધારણીય મૂલ્યોની કે સાદા વિનયવિવેકની દયા ખાવી દેશદ્રોહ-સમકક્ષ હોય, ત્યાં વરસાદ વળી શું લાવ્યો?
આ સરકારમાં જે પ્રકારની મૌલિકતા ધરાવતા મંત્રીઓ અને બીજા લોકો છે, તે જોતાં હજુ સુધી કોઈએ એવો આરોપ કેમ નહીં કર્યો હોય કે ‘વરસાદ એ વિરોધ પક્ષોનું કાવતરું છે?’ ખરેખર તો, ‘પાકિસ્તાનનું કાવતરું’ એ શબ્દપ્રયોગ વધારે રોમાંચક લાગે છે, પણ હમણાંથી એ બહુ ચલણમાં નથી અને દેશમાં થતી કોઈ પણ ખરાબ બાબત માટે વિરોધ પક્ષોની જવાબદારી ગણતા અને તેમને સવાલો પૂછતા મહાતટસ્થ લોકોનો એક સમુહ ફૂલ્યોફાલ્યો છે, એટલે, વરસાદના અને તેમાં લોકોને પડતી હાલાકીના ગુનેગાર તરીકે વિપક્ષોને દોષી ગણવા-ગણાવવામાં જ ઔચિત્ય છે.
વરસાદ વિશેના આરોપો સરકાર પ્રત્યેના દ્વેષથી પ્રેરિત છે, એ સાવ સહેલાઈથી સાબીત કરી શકાય. હજુ સુધી ક્યારેય સરકારના કોઈ મંત્રી, ખાસ અધિકારી કે હોદ્દેદાર તરફથી ફરિયાદ સાંભળી કે આ વરસાદમાં આપણી માળખાકીય સુવિધાઓની ખાનાખરાબી થઈ ગઈ છે? એ લોકો પણ આ જ રસ્તા પર ફરે છે. છતાં, તેમને કોઈ ફરિયાદ નથી. તેનો અર્થ એ થયો કે તેમની દેશભક્તિ સાબૂત છે અને વરસાદ તેમને દેશદ્રોહ આચરવા માટે માટે ઉશ્કેરી શક્યો નથી. તેમણે વરસાદની, અને વિપક્ષોની ચાલબાજીને ઊંધી પાડીને સરકારના જયજયકારનો વાવટો ફરકતો રાખ્યો છે.
આટલું વાંચ્યા પછી કોઈને સવાલ થાય કે વરસાદ આવો વિલન છે, તો હજુ સુધી તેની ધરપકડ શા માટે થઈ નથી? બાકી, આ સરકાર તો ઇચ્છે તેની, ઇચ્છે તેવા નકલી પુરાવા ઊભા કરીને, ઇચછે તે આરોપસર ધરપકડ કરી શકે છે અને તેને જામીન ન મળે તેવી જ નહીં, તેની જામીનઅરજીની સુનાવણી સુદ્ધાં ન થાય તેવી વ્યવસ્થા પણ કરી શકે છે.
પછી સવાલ પૂછનારને વિચાર આવી શકે છે કે, વરસાદની ભલે ધરપકડ ન થઈ હોય, તેના જેવા બીજા દેશદ્રોહીઓની ખબર તો સરકાર અને તેનાં વાજિંત્રો ખબર લઈ જ રહ્યાં છે. આવશે, કદીક વરસાદનો પણ વારો આવશે.