Thursday, June 12, 2025

‘ગાંધી પછીનું ભારત’ની પ્રકાશન-કથા (2) : "સાડા ત્રણ મહિનામાં પહેલા ભાગનો અનુવાદ પૂરો થઈ શકે."

'ગાંધી પછીનું ભારત'ની પ્રકાશન કથા (1)

બપોરે રામચંદ્ર ગુહાને મળ્યા પછી રાત્રે ઘરે પહોંચીને તેમને ઇ-મેઇલ લખ્યો. તેમાં મળવાનો આનંદ વ્યક્ત કરવા ઉપરાંત, ઇન્ડિયા આફ્ટર ગાંધીના ગુજરાતી અનુવાદની વાતનો ઉલ્લેખ કર્યો હતો. બીજા દિવસે ગુહાનો મેઇલ આવી ગયો. તેમાં લખ્યું હતું, Go ahead with the Gujarati translation of “India After Gandhi”.  આમ, 20 ઓક્ટોબર 2016થી ઇન્ડિયા આફ્ટર ગાંધીના ગુજરાતી અનુવાદની ઘડિયાળ શરૂ થઈ (જે સમય જતાં ઘડિયાળને બદલે કેલેન્ડર બની જવાની હતી) તે વખતે સાર્થક જલસો-7 (નવેમ્બર 2016)નું કામ ચાલતું હશે, એટલે વચ્ચે ખાડો પડ્યો. પણ 11 ડિસેમ્બર, 2016ના રોજ પુસ્તકનાં પહેલાં ત્રણેક પાનાંનો અનુવાદ કરીને મેં સાર્થકના સાથીદારોને મોકલ્યો. સાથે લખ્યું હતુઃ

આ સાથે ઇન્ડિયા આફ્ટર ગાંધીનાં પહેલાં ત્રણ પાનાંનો અનુવાદ મોકલું છું. અખતરા લેખે આજે મેં કરી જોયો, જેથી સમયનો ખ્યાલ આવે. આટલું કરતાં મને એક કલાક થયો. અનુવાદ વિશે તમારી ટિપ્પણીઓ જણાવશો. આ પુસ્તક આપણે કરવું જોઈએ, એવું મને લાગે છે. અનુવાદ કરનાર કોઈ સરસ મળે અને આપણે [થયેલા અનુવાદ પર] ઓછામાં ઓછી મહેનત કરવી પડે, તો અનુવાદ માટે આપવાની આપણી તૈયારી છે. બાકી, હું અને દીપક કરી લઇએ. બીરેનને રસ અને સમય હોય તો તેને સાંકળી શકીએ... આપણે બે ભાગમાં આ કામ કરવાનું છેઃ ઇન્ડિયા આફ્ટર ગાંધી, ઇન્ડિયા આફ્ટર નેહરુ. પહેલા ભાગનાં 384 પાનાં છે. આપણે બે જણ કરીએ અને રોજનાં બે પાનાં અચૂક કરવાં એવા નિયમ સાથે કરીએ તો એક જણનાં અઠવાડિયાનાં 14 અને મહિનાનાં આશરે 60 પાનાં થાય. એટલે એક જણ ત્રણ મહિનામાં આશરે 180 પાનાં કરે. બે જણ કરે તો 360 પાનાં થાય. આમ સાડા ત્રણ મહિનામાં અનુવાદનું કામ પૂરું થઇ શકે.

કેવું ભવ્ય, આશાવાદી અને વાંચવામાં સારું લાગતું, છતાં ભાગ્યે જ પાર પડે એવું આયોજન 😊 . પરંતુ આપણું ધાર્યું ક્યાં કંઈ થાય છે. છેવટે તો અનુવાદ કરનારા કરે એ જ થાય. દીપક-બીરેનને સમય અને રસરુચિના અભાવે સંકળાવાનું ન બન્યું. યાદ છે ત્યાં સુધી, નીલેશભાઈ (રૂપાપરા)ને પણ પૂછી જોયું હતું. પરંતુ આ કામ એટલું લાંબું હતું કે કોઈને પણ તે હાથમાં લેતાં સ્વાભાવિક ખચકાટ થાય. છેવટે દિલીપભાઈ ગોહિલને અમે વાત કરી. દિલીપભાઈ ગુજરાતી ઇન્ડિયા ટુડેના કોપી એડિટર રહી ચૂક્યા હતા. તેમનો અંગ્રેજીમાંથી ગુજરાતી અનુવાદ બહુ સારો. દિલીપભાઈ જોડેની દોસ્તીમાં ભૂતકાળમાં ચડાવઉતાર રહ્યા હતા, પણ તેમના કામની ગુણવત્તા વિશે બેમત ન હતો. એટલે અમે વ્યાવસાયિક ધોરણે આ કામ આગળ વધારવાનું નક્કી કર્યું. ત્યાં સુધીમાં મે પહેલું પ્રકરણ શરૂ કરી દીધું હતું. એટલે, મૂળ યોજના પ્રમાણે, પહેલા ભાગનાં પ્રકરણ હું કરું ને બાકીના ભાગ (બીજા મિત્રોને બદલે) દિલીપભાઈ કરે એવું ઠર્યું.

દિલીપ ગોહિલઃ સાર્થક જલસો-9ના મિલન મેળાવડામાં (ફોટોઃ ઇશાન કોઠારી)

પુસ્તકના બે ભાગનું નામ અલગ અલગ (ઇન્ડિયા આફ્ટર ગાંધી, ઇન્ડિયા આફ્ટર નેહરુ) રાખવાનો ખ્યાલ હિંદી અનુવાદ પરથી આવ્યો હતો. ગુહા સાથે વાત થઈ ત્યારે તેમને કહ્યું હતું કે ગુજરાતીમાં આટલું દળદાર પુસ્તક (એકાદ હજાર પાનાંનું) ચાલે નહીં. તેના બે ભાગ કરવા પડે. ત્યારે તેમણે કહ્યું હતું કે હિંદી અનુવાદ બે ભાગમાં છે અને તેને બે અલગ નામ પણ આપવામાં આવ્યાં છે. પુસ્તકના ભાગ પણ સહજ રીતે એવા બની આવ્યા છે કે આઝાદીથી નહેરુના શાસનકાળ સુધીનું એક પુસ્તકમાં આવે અને તેમના મૃત્યુ પછીના ગાળાનું બીજું પુસ્તક થાય.

આવી માનસિક તૈયારી સાથે દિલીપભાઈએ અને મેં કામ શરૂ કર્યું. આટલાં વર્ષે મનમાંથી નીકળી ગયું હતું, છતાં આ લખતી વખતે જૂના ઇ-મેઇલ જોઈને થયું કે શરૂઆતમાં કામ બરાબર ચાલતું હતું. ડિસેમ્બર 2016ના મારા એક મેઇલમાં એવો પણ ઉલ્લેખ છે કે અમે માર્ચ 2017 સુધીમાં પહેલા ભાગનું કામ પૂરું કરી દઈશું. ત્યારે એવું પણ વિચાર્યું હતું કે કદાચ પહેલો ભાગ થઈ જાય તો, બીજા ભાગની રાહ જોયા વિના, તેને પ્રગટ કરી શકાય. દરમિયાન, વર્ષ 2017માં રામચંદ્ર ગુહા પુસ્તકની બીજી આવૃત્તિની તૈયારી કરતા હતા. તેમાં તેમણે એક પ્રકરણ અને નવી, લાંબી પ્રસ્તાવના ઉમેર્યાં હતાં. આ વાતની જાણ તેમણે મને પણ કરી અને કહ્યું કે દસ વર્ષ પછી થઈ રહેલી પુસ્તકની આવૃત્તિમાં નવી સામગ્રી આવી રહી છે. ફેબ્રુઆરી 2017માં નવા ઉમેરાની જે વર્ડ ફાઇલ તેમણે તેમના અંગ્રેજી પ્રકાશકોને જે મોકલી હતી, એ જ અમને પણ મોકલી આપી. જોકે, અમારા માટે એ કામ હજુ દૂર હતું. કારણ કે અમે પહેલો ભાગ પૂરો કરવામાં હતા.

સાર્થક જલસો-8નો સંપાદકીય

માર્ચ-એપ્રિલ આવ્યા એટલે સાર્થક જલસોના આઠમા અંકનું કામ શરૂ થયું અને અનુવાદ સહિતનું બીજું કામ બાજુ પર મુકાઈ ગયું. એ જ અરસામાં અશ્વિની ભટ્ટની નવલકથાઓના હકો પણ તેમના પરિવારે સાર્થક પ્રકાશનને આપ્યા. અશ્વિની ભટ્ટની નવલકથાઓના ચાહક અને તેમના અંગત પરિચયમાં આવ્યા પછી તેમના વ્યક્તિત્વના પ્રેમી એવા અમારા માટે એ બહુ મોટી વાત હતી. એટલે સાર્થક જલસો-8ના સંપાદકીયમાં પોતપોતાની રીતે અત્યંત મોટાં ગણાય એવાં બે નામ હવે સાર્થકમાં વાંચવા મળશે, એવા સમાચાર જાહેર કર્યા. એટલેથી ન અટકતાં એવું પણ લખ્યું કે (તેનો) પહેલો ભાગ બે-ત્રણ મહિનામાં અને બીજો ભાગ વર્ષના અંત સુધીમાં વાચકો સમક્ષ મૂકવાનો ખ્યાલ છે. અંકના ઉઘડતા પાને ઇન્ડિયા આફ્ટર ગાંધીના અનુવાદની આખા પાનાની જાહેરાત પણ છપાઈ હતી. તેમાં લખ્યું હતું, તેનો પહેલો ભાગ જુલાઇ 2017 સુધીમાં પ્રગટ થશે.

તો પછી જુલાઇ 2017 લંબાઈને છેક મે 2025 સુધી કેમ પહોંચી?

(ક્રમશ-)


No comments:

Post a Comment