Thursday, February 27, 2025

મહાભીડભાડ પછીની મહામિટિંગ

 ભારતમાં જન્મ લેનારને સૌથી ઓછી નવાઈ કોઈ ચીજની હોય તો તે ભીડ અને ગીરદીની. મહાકુંભ નિમિત્તે સર્જાયેલી મહાભીડ અને અનવસ્થાને કારણે તો, ભીડમાં કચરાઈ ગયેલાં લોકોનાં મૃત્યુની પણ જાણે નવાઈ નથી રહી. એકથી વધારે વાર એવા સમાચાર આવ્યા-ન આવ્યા ને હવામાં ઉડી ગયા. ન તેનો કશો ભારે ઊહાપોહ થયો, ન સરકારે સરખા જવાબ આપ્યા. અરે, મૃતકોના આંકડા સુદ્ધાં આપવાની તસ્દી સરકારે ન લીધી. કરુણ ઘટનાઓ પ્રત્યે સરકારની ગુનાઇત બેશરમી અને કાતિલ ઢાંકપિછોડો કરવાનું વલણ જોઈને એવો વિચાર આવ્યો કે આવી કોઈ ઘટના પછી સરકારી અધિકારીઓની મિટિંગ ભરાતી હશે, તો તેમાં કેવા સંવાદ થતા હશે? થોડી કલ્પનાઃ

બધા અધિકારીઓ મિટિંગહોલમાં ગોઠવાઈ ગયા છે. એક ખૂણે ટીવી પર સમાચાર ચાલી રહ્યા છે.
અધિકારી 1: (ખોંખારો ખાઈને) તો શરૂ કરીએ?
અજાણ્યો અવાજઃ બધું પૂરું તો કરી દીધું છે. હવે શું શરૂ કરશો?
અધિકારી 1 (ચમકીને આજુબાજુ જુએ છે. પછી મોટેથી): કોઈ કંઈ બોલ્યું? કે મને ભણકારા થાય છે?
અધિકારી 2: (ચાપલૂસીભર્યા સ્વરે) અરે હોય, તમારી પર તો મુખ્ય મંત્રી પણ મહેરબાન છે અને મુખ્ય મંત્રી પર વડાપ્રધાન. તમને શાના અને કોના ભણકારા થવાના? એ તો મહાપુરુષોને હોય છે એવો અંતરાત્માનો અવાજ હશે.
અજાણ્યો અવાજઃ અંતરાત્મા? અને તમારો? (અટ્ટહાસ્ય)
અધિકારી 1: (અધિકારી 2 તરફ જોઈને) કહો, ન કહો, પણ કંઈક નડતર લાગે છે. મિટિંગ પૂરી થયા પછી એક યજ્ઞ કરાવો આ રૂમની શાંતિ માટે—અને હા, એડવાન્સમાં બહુ જાહેરાત કરતા નહીં. કોને ખબર, કદાચ વડાપ્રધાન પણ તેમાં બેસવા આવી જાય.
અધિકારી 3: જી સર, આપ ચિંતા ન કરો. આપણા વિરોધીઓ કહે છે કે સૌથી મોટું નડતર તો આપણે જ છીએ. આપણને કોણ નડવાનું. હેં હેં હે.
(અધિકારી 2 અધિકારી 3 તરફ જોઈને ડોળા કાઢે છે. એટલે તે ચૂપ થઈ જાય છે.)
અધિકારી 1: આજની મિટિંગનો એજેન્ડા તો તમે સૌ જાણો જ છો. મહાકુંભમાં 50 કરોડ લોકો અત્યાર સુધી આવી ગયા...
બાકીના અધિકારીઓઃ જી સાહેબ, અમે પણ બધાને એમ જ કહીએ છીએ. કાલથી 60 કરોડ કહેવા માંડીએ?
અધિકારી 1: એટલા નાના કામ માટે મિટિંગ બોલાવવાની હોય? એ તો આપણા મિડીયાને કહી દઈએ એટલે સવા સો કરોડ લોકો કુંભમાં ડૂબકી મારી ગયા એવું ચલાવશે. (એમ કહીને એક અધિકારી ઇશારો કરે છે, એટલે તેમનો જુનિયર અધિકારી ખૂણામાં ચાલતા ટીવી પર ચેનલો બદલે છે. દરેક ચેનલ પર મહાકુંભનો અને સરકારનો જયજયકાર થઈ રહ્યો છે.)
અધિકારી 1: પણ (ટીવી તરફ આંગળી ચીંધીને) આ મિડીયા લોકોને મૂરખ બનાવવા માટે છે, આપણને વાસ્તવિકતા ખબર હોવી જોઈએ.
અધિકારી 4: અરે સાહેબ, આ શું બોલ્યા? અમૃતકાળમાં વાસ્તવિકતા જાણીને પછી માણસે જવાનું ક્યાં? અમે તો એવું જ ચલાવીએ છીએ કે આ મહાકુંભ અભૂતપૂર્વ આયોજન છે, તેમાં અભૂતપૂર્વ સંખ્યામાં લોકોએ ભાગ લીધો છે, અભૂતપૂર્વ સંખ્યામાં લોકોએ પવિત્ર ડૂબકી લગાવી છે, તેમના માટે અભૂતપૂર્વ સંખ્યામાં ટ્રેનો ચાલુ કરવામાં આવી છે, તેના માટે અભૂતપૂર્વ કાર્યક્ષમતાથી વહીવટી તંત્ર કામે લાગ્યું છે...
અજાણ્યો અવાજ: અને અભૂતપૂર્વ સંખ્યામાં લોકો સરકારી અવ્યવસ્થાને લીધે મૃત્યુ પામ્યા છે, છતાં, તેમનો મૃત્યુઆંક જાહેર નહીં કરીને સરકારે અભૂતપૂર્વ બેશરમી દાખવી છે, મૃતકોના સ્નેહીઓ વહીવટી તંત્રની અભૂતપૂર્વ અસંવેદનશીલતાના કિસ્સા ગણાવી રહ્યા છે, પણ હિંદુહિતની વાતો કરતી સરકાર અભૂતપૂર્વ રીતે ચૂપ છે...
(બધા અધિકારીઓ મુંઝાઈને એકબીજાની સામે જુએ છે.)
અધિકારી 1: હવે ખબર પડી ને? હું આ અવાજની વાત કરતો હતો.
અધિકારી 2: આ તો ઠીક છે, આપણે આપણે બેઠા છીએ, પણ મુખ્ય મંત્રીશ્રી હાજર હોય તો આપણી શી વલે થાય? આપણાં ઘરબાર પર બુલડોઝર ફરી જાય ને ભલું હોય તો એકાદ ધક્કામુક્કીમાં...
અધિકારી 3: ધક્કામુક્કીમાં નહીં સાહેબ, ધક્કામુક્કી જેવી હોઈ શકતી ઘટનામાં. ઇંગ્લીશમાં કહે છે તેમ, સ્ટેમ્પીડ-લાઇક સિચ્યુએશન.
અધિકારી 4: એ બધું ડહાપણ સમાચાર આપતી વખતે...
અધિકારી 1: ના, એ ખોટી વાત છે. અંદર પ્રેક્ટિસ પાડીએ એવી જ બહાર પ્રેક્ટિસ પડે. અને તમારામાંથી ઘણા તો જૂની પ્રેક્ટિસવાળા હશે ને...
અજાણ્યો અવાજઃ ‘રામ તમારા રામરાજમાં શબવાહિની ગંગા’
(અધિકારી 2 ઊભા થઈને રૂમનું બારણું ખોલીને બહાર ડોકું કાઢી આવે છે. પછી મૂંઝારો અનુભવતા પાછા બેસી જાય છે.)
અધિકારી 1: (ધીમા અવાજે) જાહેરમાં ભલે ન કહીએ, પણ વાત તો એની જ છે. આપણે કોરોનાકાળથી પૂરતી પ્રેક્ટિસ પડી છે—મૃત્યુઆંક છુપાવવાની, મૃતદેહો સગેવગે કરવાની કે તેમને રઝળતા મુકવાની અને છતાં આપણે કોરોનામાં કેવું સરસ આયોજન કર્યું ને કોરોનાને કેવી મહાત આપી—એની જાહેરાતો કરવાની...આપણી એ ભવ્ય પરંપરા અને આપણા એ ભવ્ય સાંસ્કૃતિક વારસાની ગૌરવભરી યાદ સૌને તાજી કરાવવા માટે જ આ મિટિંગ બોલાવી છે. બાબુઓ, તુમ પીછે છુપો. હમ તુમ્હારે સાથ હૈં.
બાકીના અધિકારીઓ: (ગળગળા થઈને) સર, આપની મહાનતા, આપની દીર્ઘદૃષ્ટિ, આપનું શાણપણ, આપની હિંમત, આપના મનોબળને ધન્ય છે.

અજાણ્યો અવાજઃ ધન્ય તો આ પ્રજાની વિસ્મરણશક્તિને અને તેના ધૃતરાષ્ટ્રપણાને છે...
(‘ધન્ય ધૃતરાષ્ટ્ર’, ‘ધન્ય મહાભારત’, ‘ધન્ય સનાતન ધર્મ’, મુખ્ય મંત્રીકી જે, પ્રધાનમંત્રીકી જે—ના પોકારો સાથે મિટિંગ સમાપ્ત થાય છે.)

No comments:

Post a Comment