Wednesday, February 26, 2025
ઊંધિયું, તેલ અને અસ્મિતા
‘ગુજરાતની અસ્મિતા’ની જેમ ‘સુરતની અસ્મિતા’ જેવો પ્રયોગ ચલણમાં હોત તો તેના કેન્દ્રસ્થાને રહેલી ચીજોમાં ઊંધિયાનો સમાવેશ ચોક્કસપણે થતો હોત. છેલ્લા થોડા દાયકાથી જાહેરાતોમાં વપરાતો શબ્દ ‘સુરતી ઊંધિયું’ ખરેખર તો ‘એલિસબ્રિજ પુલ’ જેવો કહેવાય. ‘ઊંધિયું’ લખ્યા પછી ‘સુરતી’ લખવાની જરૂર ન હોય. ઊંધિયું તો સુરતી જ હોય ને. પરંતુ છેલ્લા થોડા દાયકામાં વધેલા ઊંધિયાના વ્યાપને કારણે, અસલી ઊંધિયાની ઓળખ માટે ‘સુરતી’નું લટકણિયું લગાડવામાં આવે છે. જોકે, માર્કેટિંગની પ્રજા દ્વારા વપરાતાં ઘણાંખરાં વિશેષણોની જેમ, આ વિશેષણ પણ ગેરરસ્તે દોરનારું અને મોટે ભાગે સચ્ચાઈથી વેગળું હોય છે.
ઊંધિયાનો પ્રચારપ્રસાર ગુજરાતબહાર
ઓછો છે, બાકી દિલ્હીમાં રચાતી મિશ્ર સરકારો ‘ખીચડી સરકાર’ને બદલે ‘ઊંધિયા સરકાર’ કહેવાતી હોત. કારણ કે, બંનેનો ગુણ
સરખો જ છે. તેમાં એકથી વધુ ચીજોનું સ્વાદિષ્ટ મિશ્રણ હોય છે. જોકે, ખીચડીને
વાનગીનો દરજ્જો આપવા વિશે તીવ્ર મતભેદ હોઈ શકે છે—અને તેને ઊંધિયાની હરોળમાં
મુકવાથી સુરતી સિવાયના સ્વાદપ્રેમીઓની લાગણી પણ દુભાઈ શકે છે. હોંશીલા
ખીચડીપ્રેમીઓ કહેશે કે ખીચડીમાં બહુ વૈવિધ્ય આવે છે—અરે ‘રજવાડી ખીચડી’ પણ આવે છે. તેમને જણાવવાનું કે
ઊંધિયા માટે ‘રજવાડી’ જેવું વિશેષણ અલગથી લગાડવું પડતું
નથી. તેનું બંધારણ મૂળભૂત રીતે ‘રજવાડી’ હોય છે.
ઊંધિયાની સામગ્રી વિશે વાત કરતાં
પહેલાં, એક તાત્ત્વિક સવાલ વિશે ભૂમિકા સ્પષ્ટ કરી દેવી જરૂરી લાગે છેઃ કેટલાક
લોકો કહે છે કે ઊંધિયું એટલે મિશ્ર શાકમાં પૂરતું તેલ હોવું જોઈએ. બીજો વર્ગ
ભારપૂર્વક કહે છે કે ના, ઊંધિયું એટલે તેલમાં પૂરતું શાક હોવું જોઈએ. આ આખી ચર્ચા,
જીવમાં શિવ છે કે શિવમાં જીવ—એ સ્તરની છે. તે ઉચ્ચ આધ્યાત્મિક ભૂમિકાએ રહીને જ,
એટલે કે ઊંધિયું ખાતાં ખાતાં, કરી શકાય.
મામલો ફક્ત મિશ્ર શાકનો નથી.
દિવાળી વખતે ઘણા લોકો પંચરઉ તરીકે ઓળખાતું મિશ્ર શાક બનાવતા હોય છે. ગુજરાતી ભોજન
પર થયેલા પંજાબીના ધુંઆધાર આક્રમણ પછી મિક્સ વેજની સબ્જી ગુજરાતી નથી તે યાદ
રાખવું અઘરું પડે છે. છતાં, ઊંધિયામાં થતું શાકનું મિશ્રણ આ બધાથી જુદું ને તેમનાથી
ઊપર છે. તેમાં રીંગણ નથી આવતાં તેથી રીંગણદ્વેષીઓ હર્ષ પામે છે અને કંદ (રતાળુ)
આવે છે, તેનાથી રતાળુરસિકો હરખાય છે. સુરત સિવાયના પ્રદેશોમાં ઊંધિયા માટે વપરાતા
દાણા વાલોળ-પાપડી-તુવેર જેવા ગમે તે શાકના હોઈ શકે, પણ સુરતના અસલી ઊંધિયામાં ટચલી
આંગળી જેટલું કદ અને અમુક દાણા ધરાવતી પાપડીમાંથી જ દાણા વાપરી શકાય છે. બટાટા અને
શક્કરિયાં માટેના નિયમ એટલા આકરા નથી, પણ તેના ટુકડા કેટલા મોટા રાખવા, એ
ચોક્કસપણે વિચારવાલાયક પ્રશ્ન હોય છે.
દક્ષિણ ગુજરાતમાં જેવાં રતાળુ બીજે
મળતાં નથી—એવું દક્ષિણ ગુજરાતના લોકો જ નહીં, બીજા પણ કેટલાક સ્વાદરસિકો માને છે.
ફક્ત રતાળુ જ શા માટે, તેમને તો લાગે છે કે અસલી ઊંધિયું બનાવવું હોય તો તેમાં
સુરતનું પાણી જ વાપરવું પડે. અમદાવાદની સાબરમતીમાં સરકાર ઘણા વખતથી નર્મદાનું પાણી
ભરે છે, એને બદલે તાપીનું પાણી ભરતી હોત તો કદાચ એ શક્ય બનત. પણ વો દિન કહાં...
અને પ્રખ્યાત ઠેકાણે ચિત્રવિચિત્ર સ્વાદવાળું ઊંધિયું ખાઈને, ફક્ત અઢળક રૂપિયા
ખર્ચીને આનંદ માણી લેતી અમદાવાદની, અને હવે તો સમસ્ત ગુજરાતી, પ્રજાને તેનાથી કશો
ફરક પડે કે કેમ એ પણ સવાલ.
ઊંધિયાને મિશ્ર શાક કરતાં ઊંચો
દરજ્જો આપવામાં કારણભૂત કેટલીક બાબતોમાં એક છે તળેલાં મુઠિયાં. તે એક સ્વતંત્ર
વાનગી તરીકે ચાલી શકવાની ક્ષમતા ધરાવે છે—અને ઘણા લોકો તેનો એ રીતે ઉપભોગ કરતા હોય
છે. છતાં, તેની ખરી સાર્થકતા ઊંધિયામાં બીજાં શાક સાથે ભળી જવાની છે. બીજાં શાક
સાથે તેની એકરૂપતા જોઈને ઘણી વાર એવું લાગે કે ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ તરીકે ખરેખર તો ઊંધિયાનું એક
શિલ્પ તૈયાર કરવું જોઈએ. કેમ કે, તેમાં દરેક શાક ને મુઠિયું સુદ્ધાં પોતાની આગવી
ઓળખ અને આગવો સ્વાદ ગુમાવ્યા વિના, એકબીજાને કચડીને ‘સમરસ’ કર્યા વિના, સ્વાદિષ્ટ સહઅસ્તિત્વ ધરાવે છે.
ઘણા સ્વાદપ્રેમીઓને નારાજ કરવાનું
જોખમ વહોરીને પણ કહેવું જોઈએ કે ઊંધિયા સાથે જલેબીની જોડી મારીમચડીને બનાવેલી હોય
એવી લાગે છે. સંસારી જીવનની પરિભાષામાં તેને કજોડું કહેવામાં ખાસ અતિશયોક્તિ નથી.
એ જોડીના આશકો કહે છે કે તે ગળ્યા અને તીખાનું સરસ સંયોજન છે. એવી રીતે વિચારતાં
ઊંધિયા સાથે મોહનથાળ કે બીજી કોઈ પણ ગરમ મીઠાઈ ખાઈ શકાય. પણ ઊંધિયા સાથે બીજા
કશાની જરૂર પડે છે અથવા જલેબી જેવી સાથી વિના ઊંધિયું લાગે, એ વાત જ વાંધાજનક છે.
હા, ચટણીઓ કે સેવની વાત અલગ છે. તેમનું અસ્તિત્વ ઊંધિયામાં સમાઈ જાય છે. તે
જલેબીની જેમ ઊંધિયાની સમાંતરે અલગ ચોકો ઊભો કરતાં નથી.
સવાલ જલેબીપ્રેમનો નથી. ધારો કે આ લેખ જલેબી વિશેનો હોત તો તેમાં જલેબીની સાથે ઊંધિયાને ઠઠાડી દેવામાં આવ્યું છે, તે વિશે વાંધો પ્રગટ કરવામાં આવ્યો હોત. જેવી જલેબી, એવું ઊંધિયું. કેટલાંક સ્ત્રીપુરુષોની જેમ તે બંને પોતપોતાની રીતે સરસ છે, પણ એટલા માટે તેમને ધરાર ભેગાં કરવાનો લોભ ટાળવા જેવો હોય છે. પરંતુ તેલમાં તરતા ઊંધિયામાં આવા કંઈક મહત્ત્વના બોધપાઠ ડૂબી જાય છે એ ઊંધિયાની નહીં, માણસોની કઠણાઈ છે.
No comments:
Post a Comment