Sunday, November 10, 2024

ટ્રમ્પ 2.0 પછી થોડો વિચાર

 મિડીયા અને ખાસ તો સોશિયલ મિડીયાએ, આપણને શું સ્પર્શે અને શું નહીં, તેનો હવાલો ઘણી હદે લઈ લીધો છે. તેના કારણે નેરેટીવ બનાવવાનું--અને ખાસ તો, યાદ રાખવા જેવું ભૂલાવી દેવાનું કામ અભૂતપૂર્વ રીતે સહેલું બની ગયું છે.

ટીવી ચેનલો અને આઇટી સેલ ગોબેલ્સને પણ ચાર વસ્તુ શીખવાડી શકે એ સપાટીએ પહોંચી ગયાં છે. આ પ્લેગ રાજકીય હારજીતથી પર બની ગયો છે, તેનું ઉત્તમ ઉદાહરણ પહેલી મુદત પછી ટ્રમ્પની હાર થયા છતાં, આ પરિબળોનું જોર ઘટ્યું નહીં, બલ્કે વધ્યું, તે છે.
ટ્રમ્પ કે મોદી કે એવા પ્રકારના શાસકો જીતે તેમાં વિપક્ષોનો વાંક હોય જ છે. તેમના પક્ષે ગાફેલિયતથી માંડીને કુશાસન જેવા પ્રશ્નો હોય છે. ભારતમાં કોંગ્રેસ કે અમેરિકામાં ડેમોક્રેટો પોતાને ડીફોલ્ટ સેટિંગ ગણીને, મતદારોને ટેકન ફોર ગ્રાન્ટેડ ગણીને ચાલે તેમાં પણ થાપ ખાય છે (એવી માન્યતા કે 'લોકો મોદી/ટ્રમ્પથી કંટાળીને ક્યાં જશે? આપણે ગમે તેટલા લઘરા હોઈએ, તો પણ આપણને જ મત આપશે ને?')
પરંતુ ટ્રમ્પ કે મોદી પ્રકારના નેતાઓ જીતી જાય એટલે, બાકીનાં બધાં પરિબળોની સંપૂર્ણ અવગણના કરીને, તેમણે કેટલું ઝેર ફેલાવ્યું હતું, કેવા કેવા કાંડ કર્યા હતા, શાસનના નામે કેવા ભયંકર ધબડકા વાળ્યા હતા--એ બધું ભૂલાવી દેવામાં આવે છે અને 'લોકોએ તેમને ચૂંટ્યા એટલે તે નવેસરથી પુણ્યશાળી' એવો નેરેટીવ ઊભો કરવામાં આવે છે.
સામાન્ય સમજ પ્રમાણે એવું બનવું જોઈએ કે ટ્રમ્પ કે મોદીને મત આપનાર લોકો તેમની જીત પછી, એ નેતાઓને પણ અઘરા સવાલ પૂછે, અમુક અંશે માપમાં રાખે અને કહે કે તમને તમારા કાંડ માટે કે ઝેર માટે નથી ચૂંટ્યા, સામેવાળાના કુશાસનને કારણે ચૂંટ્યા છે. મતલબ, તમે પણ સખણા રહેજો...
પરંતુ એવું બનતું નથી. કારણ કે, આ પ્રકારના નેતાઓને મત આપનારા લોકોમાં, વિપક્ષી કુશાસનની કંટાળેલા લોકો ઓછા અને તેમના ઝેરના બંધાણીઓનો મોટો જથ્થો હોય છે. એ જથ્થો જળવાઈ રહે અને આઘોપાછો ન થાય એટલા માટે, તેમના લાભાર્થે સતત ઝેર-જૂઠાણાં-કોન્સ્પીરસી થિયરી ઠલવાતાં જ રહે છે. બીજા લોકોને તે ભલે ભયંકર કે હાસ્યાસ્પદ લાગે છે, પણ પેલા બંધાણીઓને તે બધું તેમના નેતા સાથે બાંધી રાખે છે.
સૂત્રો ભલે ગમે તે ચાલતાં હોય, હકીકત એ છે કે તેમણે તે નેતાને સુશાસન માટે- તેની અપેક્ષાએ મત નથી આપ્યા. (આગળ કહ્યું તેમ, કેટલાકે અગાઉના કુશાસનથી કંટાળીને મત આપ્યા છે, પણ બંધાણીઓને) તેમની કુંઠાઓ સંતોષાતી રહે અને કાલ્પનિક દુશ્મનોને કાલ્પનિક મહાત અપાતી રહે, એમાં જ તેમને ઘણીખરી કીક આવી જાય છે. એટલે, એવી રીતે ચૂંટાયેલા નેતાઓ હેડલાઇન મેનેજમેન્ટ અને આઇટી સેલના મેનેજમેન્ટમાં જ રાચે છે.
મોદીના કિસ્સામાં વેપનગ્રેડની આત્મમુગ્ધતા વધારાનું પરિબળ છે. એ આત્મમુગ્ધતા પોષવા માટે તે નોટબંધીથી માંડીને વંદે ભારત સુધીનું કંઈ પણ કરી શકે છે અને ચેનલો તથા આઇટી સેલા આવાં પગલાંના ગુણદોષની સ્વતંત્ર ચર્ચા શક્ય ન બને તેનું ધ્યાન રાખે છે.
એક સમય એવો હતો કે 'વ્યક્તિનું નામ લીધા વિના મુદ્દાની ટીકા કરો'--એવું કહેવાતું હતું, પરંતુ ટ્રમ્પ કે મોદી પ્રકારના શાસકો અને તેમણે અપનાવેલાં સોશિયલ મિડીયા ને ચેનલો જેવાં હથિયાર એ શક્ય બનવા દેતાં નથી. તમે મોદીનો મ પાડ્યા વગર પણ માત્ર ને માત્ર નોટબંધીની તાર્કિક ટીકા કરો, એટલે તમને મોદીના--અને દેશના--વિરોધી જાહેર કરી દેવામાં આવે.
આ વિષચક્રનો બહુ મોટો હિસ્સો સોશિયલ મિડીયાના દુરુપયોગનો છે. એટલે જ, આ વિષચક્ર કેવી રીતે તૂટશે એ કલ્પવું અઘરું પડે છે. કાલે આ નેતાઓ હારી જાય તો પણ, તેમણે જે વિરાટ વિષયંત્ર ચાલુ કર્યું છે, તે એકદમ અટકી જાય એવું લાગતું નથી.
આ વિચારીને નિરાશ થવાનું કારણ નથી. કારણ કે, આપણે તો આપણી સ્થિતિ, સમજ ને પહોંચ પ્રમાણે જેટલું થાય તેટલું કરવાનું છે-કરતા રહેવાનું છે. આજુબાજુ શું ચાલી રહ્યું છે, તે સમજવાની કોશિશ કરવી, એ પણ તેનો જ એક ભાગ છે.