Tuesday, November 19, 2024
ભૂખના ભેદભરમ
ભૂખ આમ તો હાસ્યનો નહીં, કરુણરસનો વિષય છે. છતાં, હાસ્ય અને કરુણ વચ્ચેનો નિકટનો સંબંધ ધ્યાનમાં રાખતાં, ભૂખ વિશે હળવાશથી વાત કરવામાં ખાસ વાંધો ન આવવો જોઈએ અને ભરેલા પેટે ભૂખ વિશે લખતાં કશી તકલીફ પણ ન પડવી જોઈએ. આમ પણ, ભૂખ અને ગરીબી વિશે થતાં લખાણોમાંથી મોટા ભાગનાં ભરેલા પેટે લખાયાં હોવાનો વણલખ્યો ધારો છે અને તે સમજી શકાય તેવો પણ છે. ભૂખ્યો થયેલો માણસ લખે કે ખાવાનું શોધે?
ભૂખ વિશે લખવું એ ખાવાના ખેલ નથી—શબ્દાર્થમાં તો નથી જ, ધ્વન્યાર્થમાં પણ નહીં. ભૂખ સ્ફોટક વિષય છે. હજુ સુધી ભૂખ વિશે કવિતા લખવા સામે ત્રાસવાદવિરોધી કાયદાની જોગવાઈઓ લાગુ પડી નથી. સરકારને કદાચ તેની જરૂર નહીં લાગતી હોય. તે જાણે છે કે હવેના ઘણાખરા કવિઓ અન્નના ભૂખ્યા ભલે ન હોય, પણ પ્રસિદ્ધિ, સરકારી માન્યતા, સમાજનાં કથિત ઉચ્ચ વર્તુળોમાં આવકાર જેવી બાબતોની ભૂખ ઓછી ખતરનાક નથી હોતી. તે સંતોષવા માટે મનના ખૂણે પડેલું ને મોટે ભાગે વણવપરાયેલું રહેતું સ્વમાન નામનું વાસણ વેચવું પડે તો તેમાં ખચકાટ શાનો?
છતાં, કોઈ અણસમજુ-અરાજકતાવાદી ભૂખ વિશે લખે તો તેને અર્બન નક્સલ, સામ્યવાદી, રાષ્ટ્રવિરોધી તરીકે સહેલાઈથી જાહેર કરી શકાય છે. બીજું બધું તો ઠીક, તેમને ગરીબવિરોધી પણ જાહેર કરવામાં વાંધો નથી. સાંભળવામાં તે ભલે વિચિત્ર કે અતાર્કિક લાગે, પણ સત્તાધીશોનાં પાળેલાં કે તેમની પાસે પળાવા ઉત્સુક બેપગાં પ્રાણીઓ કહી શકે છે, ‘ભૂખની વાત કરવાથી ગરીબોની લાગણી દુભાય છે. ’ ધર્મ અને રાષ્ટ્રવાદનાં ઇન્જેક્શન પર ટકાવી રાખેલા ગરીબો સમક્ષ ભૂખની વાત કરવી, એ રાષ્ટ્રદ્રોહથી ઓછું શી રીતે ગણાય?
આ જગતમાં ભરેલા પેટવાળા કરતાં ભૂખ્યા લોકોની સંખ્યા વધારે છે—આવું ગાંધીજીએ કહ્યું હતું કે નહીં અને યુવાલ નોઆ હરારી લખશે કે નહીં, તેની ખબર નથી, પણ ભૂખ એ જગતની સૌથી મોટી અને પાયાની સમસ્યાઓમાંની એક છે. તે હકીકત ભરપેટ જમીને, હાથ ધોઈને, નેપકિનથી હાથમોં લૂછતો માણસ પણ પહેલી તકે કબૂલશે અને તેમાં કશો વિરોધાભાસ નહીં ગણાય. જેમ યુદ્ધ વિશે લખવા માટે યુદ્ધ કરવું જરૂરી નથી, તેમ ભૂખ વિશે લખવા માટે ભૂખ્યા હોવું જરૂરી નથી. બલ્કે, સ્વસ્થતાપૂર્વક લખવા માટે તો ભૂખ્યા ન હોવું એ ઇચ્છનીય છે.
જગતમાં અસમાનતા વકરે તેમ ભૂખની સમસ્યાના પણ બે ભાગ પડી જાય છેઃ બહુ વિશાળ સમુદાય એવો છે, જેમના માટે ભૂખ લાગવી—અને ન સંતોષાવી—એ સમસ્યા છે, જ્યારે બીજા મર્યાદિત વર્ગ માટે ભૂખ ન લાગવી, એ ડોક્ટરની સલાહ લેવી પડે તેવી ચિંતાજનક આરોગ્યલક્ષી બાબત છે અને આ વાત બીમારીને કારણે ખોરાક ન લઈ શકતા લોકોની નથી. જે બાકીના મામલે તંદુરસ્ત લાગે છે, તેમાંથી પણ કેટલાકને ચિંતા થાય છે કે ભૂખ લાગતી નથી. ભૂખ લાગે તે માટે શું કરવું?
ગુગલ પહેલાં પણ આરોગ્યલક્ષી સવાલ પૂછાય ત્યારે માથાં એટલાં જવાબો આવતા હતા. તેમાં હવે ઇન્ટરનેટ ભળ્યું. એટલે હવે, થોડી અતિશયોક્તિ કરીને કહી શકાય કે, આરોગ્યને લગતા સવાલોના માથાના વાળ એટલા જવાબ ખડકાય છે. તેની સરખામણીમાં, ભૂખ લાગે અને ખાવાની આર્થિક સગવડ ન હોય ત્યારે શું કરવું—એ વૈશ્વિક મામલો બની જાય છે. વિશ્વ આરોગ્ય સંસ્થામાં, સંયુક્ત રાષ્ટ્રમાં કે ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ જેવી સંસ્થામાં તેના વિશે ચર્ચા ન થાય ત્યાં લગી, ગુગલમાં જોઈને તેના ઉકેલ કાઢવાનું શક્ય બનતું નથી.
પર્યાવરણની ચિંતા કરનારા લોકોને હંમેશાં થાય છે કે સૂર્યની આટલી બધી ઊર્જા વેડફાવાને બદલે વાપરી શકાતી હોત તો કેટલી નિરાંત રહેત? એવી જ એક કલ્પના કરી શકાય કે, કાશ, ભૂખને જમા કરી શકાતી હોત. ના, ભૂખ્યાંજનોના જઠરાગ્નિ એટલે કે ભૂખમાંથી ખંડેરોને ભસ્મ કરવાની કલ્પના અત્યારે કરી શકાય એમ નથી. તમામ પ્રકારની ક્રાંતિઓ ભૂતકાળ બની ગઈ છે અને વર્તમાનકાળ ચંદ માલેતુજારોની રમતનું મેદાન બની ગયો છે ત્યારે, ભૂખ જમા કરી શકાતી હોત તો તેની બેન્કો સ્થાપી શકાત. પછી ગરીબીને કારણે ભૂખથી ટળવળતા લોકો તેમની ભૂખ બેન્કમાં જમા કરાવે અને તે ભૂખને અમીરીનાં દરદોને કારણે ભૂખના અભાવથી પીડાતા લોકોને ઊંચા વ્યાજે ધીરી શકાય. ગરીબોની લાચાર-મજબૂર અવસ્થાનો શક્ય એટલો ગેરલાભ લેવાની જરાય નવાઈ નથી, તો પછી તેમની ભૂખને પણ શા માટે એળે જવા દેવી? સ્પષ્ટતા કરવાની જરૂર છે કે ભૂખ-બેન્કમાં ભૂખ જમા કરાવનાર ગરીબોને અત્યારે બેન્કના સેવિંગ ખાતામાં મળે છે, એટલું મામૂલી વ્યાજ મળત અને તેમની જ ભૂખનું ધીરાણ અ-ભૂખથી પીડાતા લોકોને ઊંચા વ્યાજે થતું હોત?
ભૂખ ખરેખર બહુ કિમતી ચીજ છે—ખાસ કરીને બીજાની ભૂખ. કારણ કે, કેવળ નેતાની સત્તાભૂખ સત્તાપરિવર્તન માટે પૂરતી નથી હોતી. બીજા લોકોની વાસ્તવિક ભૂખ સત્તાપલટાની પ્રક્રિયા માટે મહત્ત્વનું બળતણ બની શકે છે. પોતાની ભૂખ પણ હંમેશાં અળખામણી હોય એવું જરૂરી નથી. માણસને પોતાની ભૂખ વહાલી લાગી શકે છે, જો એ ભૂતકાળની હોય. ભૂતકાળમાં પોતે શી રીતે ભોજનમાં વધારે મરચું નાખીને, પાણીના પ્યાલા પર પ્યાલા ઢીંચીને પેટ ભર્યું હતું, તેની વાત ભરેલા પેટે કરવાથી મળતો સંતોષ બત્રીસ પકવાનના કે મલ્ટીકોર્સ ડીનરના સંતોષ કરતાં પણ ચડિયાતો હોય છે.
🍂
ReplyDeleteExcellent!
ReplyDelete