Saturday, October 26, 2024

તોલ્સ્તોયની 37 વાર્તાઓ, અનુવાદઃ તાન્યા ખત્રી

 
ખરૂં કહું તો મનમાં અવઢવ હતી, કંઈક નકાર પણ હતો કે મુખપૃષ્ઠ અને ડિઝાઇનિંગ ભલે રૂપકડાં હોય, પણ રહેવા દે, નથી કરવાં પારખાં. તોલ્સ્તોયની વાર્તાઓનો અત્યારે થયેલો અનુવાદ કેવો હશે? ભાષાનાં ઠેકાણાં નહીં હોય, તોલ્સ્તોયની છેતરામણી સરળતા પીંખાઈ ગઈ હશે ને અભિવ્યક્તિનાં નકરાં ગુંચળાં વળ્યાં હશે.

છતાં, તોલ્સ્તોયની શરમે પુસ્તક ખોલ્યું અને પહેલું જે પાનું નીકળ્યું, તે વાર્તા પહેલેથી વાંચવાની શરૂ કરી અને વાંચતો ગયો...વાંચતો ગયો...એક ઘાએ વાર્તા પૂરી થઈ ગઈ. ક્યાંક ગાંઠો નહીં, ક્યાંય કાંકરા નહીં, તોલસ્તોયની કથાઓને છાજે એવી સરળતા, અસ્ખલિત પ્રવાહ...

વાર્તા પૂરી થઈ ત્યારે થયું વાહ, ધન્યવાદ છે આ કામ સાથે સંકળાયેલા સૌને. વાર્તાનો ભાવાનુવાદ તાન્યા ખત્રીએ કર્યો છે. તે ફક્ત વીસ વર્ષની છે એના જરાય ગ્રેસ માર્ક આપ્યા વિના કહી શકાય કે અનુવાદ ઉત્તમ થયો છે. આમ પણ ગુણવત્તાની વાત કરતી વખતે નાની કે મોટી ઉંમર ધ્યાનમાં ન લેવી જોઈએ. તેનાથી નાનાં ને મોટાં બન્ને બગડી જવાનો સંભવ રહે છે. 🙂 ભાષાશુદ્ધિમાં માયા સોનીનું અને માર્ગદર્શનમાં સંજીવ શાહનું નામ છે. ડીઝાઇન જોલી માદ્રાની અને સંયોજન અલ્કેશ રાવલનું છે.

ઓએસિસ દ્વારા પ્રકાશિત આ પુસ્તકમાં સાત વિભાગમાં વહેંચાયેલી કુલ 37 વાર્તાઓ છે. તેમાં ટૂંકી વાર્તાનું સ્વરૂપ ન શોધશો. એ તોલ્સ્તોયની બોધકથાઓ છે. તેમાં રહેલો બોધ અત્યંત સીધો સાદો હોવા છતાં અત્યંત પાયાનો છે, જે 'મૂરખરાજ' જેવી કથાઓમાં કે 'ત્યારે કરીશું શું?' જેવા કાતિલ પુસ્તકમાં જોવા મળે છે. એટલે, આ વાર્તાઓ એકસાથે વાંચવી નહીં. એક-એક કરીને વાંચવામાં જ તેને ઘૂંટીને માણી શકાશે. હું પણ એમ જ કરવાનો છું.
પુસ્તકની કિંમત રૂ. એક હજાર છે. એ પુસ્તકના બધા ગુણો ધ્યાનમાં રાખ્યા પછી પણ બધાને ન પોસાય તે સમજી શકાય એવું છે. તો પુસ્તકાલયને મંગાવવાનું કહી શકાય કે ત્રણ-ચાર મિત્રો ભેગા થઈને પણ મંગાવી શકાય. કારણ કે રૂપિયા વધારે લાગે એવા છે, પણ ગુણવત્તાનો પ્રશ્ન નથી. એટલે રૂપિયા વસૂલ પણ લાગી શકે. (ગણતરીપ્રેમી સજ્જનોના લાભાર્થે જણાવવાનું કે એક વાર્તા રૂ. 27માં પડી. 🙂

પુસ્તકમાં અપાયેલો પ્રાપ્તિસ્થાન 'ઓએસિસ પબ્લિકેશન હાઉસ, વડોદરા'નો સંપર્ક છેઃ 97264 04783
'સાર્થક જલસો'ની કિંમત અમે રૂ. 100 એટલા માટે જ રાખીએ છીએ કે જેથી તમારા વાચનબજેટમાં રકમ બાકી રહે અને બીજાં સારાં પુસ્તકો પણ ખરીદી શકાય. 😛

તા.ક.- તોલ્સ્તોયની જીવનલક્ષી કથાઓ--એવું મથાળું હકીકતની રીતે વધારે સાચું ગણાય. કેમ કે, જીવનકથા બાયોગ્રાફી માટે વપરાય છે.

Monday, October 14, 2024

ચૂંટી ચૂંટીને ગલગોટો ચૂંટ્યો?

નવરાત્રિ આનંદઉત્સવનો, નાચગાનનો, ધાંધલધમાલનો, મોડી રાત સુધી હરવાફરવાનો, પ્રેમ અને રોમાન્સનો તહેવાર છે, એવું કહેવાથી લાગણીદુભાઉ વર્ગની લાગણી દુભાય એમ છે, એ તો સૌ જાણે છે, પણ અત્યારે મનાવાતી નવરાત્રિ માતાજીની ઉપાસનાનો તહેવાર છે, એવું જાહેર કરવાથી માતાજીની લાગણીનું શું થશે? તેનો વિચાર પણ કરવા જેવો છે.

પણ એ મુદ્દો બાજુએ રાખીને, હળવા હૈયે થોડી વાત કરીએ. નવરાત્રિના જાણીતા ગરબાની. કોઈને થાય કે ગરબા તે કંઈ વાત કરવાનો વિષય છે?. તે બહુ ગમતા હોય તો ગાવાના-જોવાના ને ન ગમતા હોય તો સહન કરી લેવાના. તે લાગણી છેક ખોટી નથી. છતાં, એ બધું કર્યા વિના પણ ગરબામાંથી કેવી રીતે આનંદ લઈ અને આપી શકાય, તેના એક નમૂના તરીકે અહીં ગરબાક્વિઝ આપી છે. તેનો આનંદ લેવા માટે માટે લાગણી દુભાવાનું બાજુ પર મુકીને, ખુલ્લા મને જોવાની અને હસવાની તૈયારી હોવી જોઈએ.

 1. ગલગોટો મેં ચૂંટીને લીધો—એ પંક્તિ કવિએ કોને ઉદ્દેશીને લખી છે?

(ક) ચૂંટાયેલા ધારાસભ્ય (ખ) ચૂંટાયેલા સાંસદ (ગ) ચૂંટાયેલા વડાપ્રધાન (ઘ) આ ત્રણમાંથી કોઈ નહીં.

 2. ઈંધણાં વીણવા ગઈતી મોરી સહિયર—એ ગીત પર સરકારદ્રોહનો કેસ થઈ શકે. કારણ કે--

(ક) તેમાં સહિયર એલપીજી સિલિન્ડરને વાપરવાને બદલે ઈંધણાં વીણતી અને એ રીતે સરકારની ઉજ્જવલા યોજનાની નિષ્ફળ પુરવાર કરતી આલેખવામાં આવી છે. (ખ) તેમાં સરવાળે જંગલપેદાશો પરના આદિવાસીઓના હકની વાત આવે છે અને લોકોના, ખાસ કરીને આદિવાસીઓના, હકની કોઈ પણ વાત કરવી તે સરકારદ્રોહ છે-નક્સલવાદ છે. (ગ) ઇંધણાં પર જીએસટી લાગતો નથી, જ્યારે એલપીજી પર લાગે છે. એટલે ઇંધણાં વીણનારી સહિયર સરકારની તિજોરીને નુકસાન પહોંચાડે છે. (ઘ) સહિયર સ્કૂલે જવાને બદલે ઇંધણાં વીણે છે, એમ દર્શાવીને, સરકારના પ્રવેશોત્સવો અને કન્યા કેળવણીના દાવા ખોટા હોવાનું આડકતરું સૂચન તેમાં છે.

3. તારા વિના શ્યામ મને સૂનું સૂનું લાગે—એ પંક્તિમાં ગાનાર અને શ્યામનાં પ્રતિકો કોના માટે વપરાયાં છે?

(ક) ભ્રષ્ટ અધિકારી અને કડદાબાજ કોન્ટ્રાક્ટર (ખ) કટકીને બદલે આખેઆખા કટકા આપતા કોન્ટ્રાક્ટરો અને તેના માટે નવા પ્રોજેક્ટ ઊભા કરતા રહેતા નેતાઓ (ગ) પ્રેસ કોન્ફરન્સ અને વડાપ્રધાન (ઘ) કરોડોની લોન ગુપચાવીને નાસી ગયેલા લેણદારો અને તેમને લોન આપનારી બેન્કો

4. પાવલી લઈને હું તો પાવાગઢ ગઈતી—એ પંક્તિનો ગૂઢાર્થ શો છે?

(ક) જેને લઈને પાવાગઢ ગઈતી તે પાવલી હતો. (ખ) પાવલી લઈને પાવાગઢ જઈ શકાય એટલી સોંઘવારી હતી. (ગ) પાવાગઢમાં રોપ વે ચાલુ થયો ન હોવાથી વધારે રૂપિયાની જરૂર ન હતી. (ઘ) જાહેર જીવનમાં ભગવાન પણ દર્શન ન આપે તો તેમની પાસેથી પૈસા પાછા માગી શકાય, એટલા સ્વચ્છ વ્યવહારો અને ઉત્તરદાયિત્વનાં ધોરણ હતા.

5. હું તો ગઈતી મેળે, મન મળી ગયું એની મેળે મેળામાં—એ પંક્તિમાં કવિ વર્ણાનુપ્રાસ સિવાય બીજું શું કહેવા માગે છે?

(ક) આ સાદા મેળાની નહીં, લગ્નમેળાની વાત છે. (ખ) મનને કોઈ જાતની ધાકધમકી, દબાણ, પ્રલોભન કે લાલચ વિના, સદંતર બિનકેફી અવસ્થામાં મળેલું જાહેર કરવામાં આવ્યું છે (ગ) મેળાનું વાતાવરણ—ના, માહોલ--જ એવો હતો કે મન મળી જાય. (ઘ) આપણને અર્થપૂર્ણ વર્ણાનુપ્રાસ ફાવે છે.

6. ચાર બંગડીવાળી ગાડી લઈ દઉં—એ ગરબો--

(ક) મહિલા સશક્તિકરણનો મહિમા કરે છે. કારણ કે તેમાં બહેન ભાઈને ગાડી લાવી આપવાની વાત કરે છે. (ખ) મહિલાવિરોધી છે. તે મહિલાઓને ખરાબ પ્રકાશમાં ચીતરે છે. કારણ કે મહિલા તો ઓડી જેવી મોંઘી ગાડીની વાત પણ બંગડી જેવા સંદર્ભથી જ કરે, એવું તેમાં નિહિત છે. (ગ) સંબંધોના વસ્તુકરણ-ઓબ્જેક્ટિફિકેશનનું સૂચન કરે છે. કારણ કે, બહેનને ભાઈ પ્રત્યેનો તેનો પ્રેમ વ્યક્ત કરવા માટે ચાર બંગડીવાળી ગાડીની યાદ આવે છે અથવા તેની જરૂર લાગે છે. (ઘ) એસ્પિરેશનલ—નવા ભારતની આકાંક્ષાઓનો સૂચક છે. કારણ કે, તેમાં બહેન અમથી અમથી ભાઈને ભેટ આપવાની વાત કરે તેમાં પણ ઓડીથી નીચે ઉતરતી નથી.

7. ગલગોટો મેં ચૂંટીને લીધો—શા માટે રાષ્ટ્રવિરોધી ગરબો છે?

(ક) ગલગોટો પરદેશી ફૂલ છે. થોડી સદી પહેલાં જ ભારતમાં આવ્યું હતું. તેને ચૂંટવાથી આપણી સંસ્કૃતિ અને પરંપરાને ઘસારો પહોંચે છે. (ખ) કમળ ચૂંટાતું હોય ત્યારે ગલગોટો ચૂંટવો એ દેખીતી રીતે જ રાષ્ટ્રવિરોધી છે. (ગ) તેમાંથી એવો ધ્વનિ નીપજે છે કે ચૂંટીને પસંદ કરેલા ગલગોટા જેવા, કશા નક્કર કામના નહીં, ફક્ત શોભાના છે. (ઘ) ગલગોટો પ્રમાણમાં સસ્તું ફૂલ છે, જે ભારતને ગરીબ દેશ તરીકે ચીતરીને વિશ્વમાં તેની છબી ખરાબ કરે છે.

8. મારી મહીસાગરને આરે ઢોલ વાગે છે—એ ગરબો શું સૂચવે છે?

(ક) ઢોલ વગાડવાનું શેરી કે સોસાયટીમાં શક્ય ન હોવાથી મહિસાગરને આરે જવું પડ્યું છે. (ખ) મહીસાગર જિલ્લો અલગ કરવાની પ્રક્રિયાના ઢોલ વાગી રહ્યા છે. (આ ગરબો આવ્યો ત્યારે મહીસાગર અલગ જિલ્લો ન હતો.) (ગ) મહી નદી સાગર જેવી છે. તેનો ઘુઘવાટ એટલો મોટો છે કે છેક તેના આરે ઢોલ વાગતો હોવા છતાં, ઢોલનો અવાજ સંભળાતો નથી. (ઘ) ચોમાસા વખતે વિશ્વામિત્રીમાંથી વડોદરામાં ઘૂસી ગયેલા મગરોને નસાડવા માટે મહીસાગરના આરે ઢોલ વગાડવો પડે છે.

 

Tuesday, October 08, 2024

એલાર્મ અને ઊંઘ

એલાર્મનું કામ શું?’ એવું પૂછીએ તો, કોઈ પણ માણસ કહી દે,આ તે કંઈ સવાલ છે? એલાર્મનું કામ જગાડવાનું. પરંતુ આ સવાલ વિશે શાંતિથી વિચાર કરતાં, એલાર્મ અને ઊંઘના અટપટા સંબંધનાં ઓછાં ચર્ચાયેલાં પાસાં પરથી પડદો ઊંચકાઈ શકે છે.

એલાર્મ અને ઊંઘનો સંબંધ મોબાઇલ પહેલાંના યુગમાં સરળ અને સ્પષ્ટ હતો. પહેલાં ડબ્બાસ્વરૂપ એલાર્મ ક્લોક આવતાં હતાં. તેના ઉપરના ભાગમાં એક બટન હોય અને પાછળના ભાગમાં એલાર્મનો કાંટો ફેરવવાની ચાવી. ચાવીના આંટા ભરીને એલાર્મ મુકી દીધું, એટલે નિશ્ચિત સમયે ડબ્બો ધણધણે અને ઉપરનું બટન દબાવી દેતાં ધણધણાટી બંધ. બંધ એટલે બંધ. પછી તે ફરી ચાલુ ન થાય. તે કારણથી આ લખનાર જેવા ઘણા લોકો ટ્રેનો ચુક્યા હશે. ભૂલથી પણ એલાર્મ પર હાથ વાગી ગયો, એટલે એલાર્મ જાણે માઠું લાગ્યું હોય તેમ, જાવ, હવે નહીં બોલુંની મુદ્રામાં ચૂપ થઈ જાય અને એક વાર તેને બંધ કરવાની ગુસ્તાખી કરનારને પછી ઊંઘવા જ દે. જાણે ખુન્નસ ખાઈને કહેતું હોય,લે બેટા. લેતો જા. હમણાં તે મારી બોલતી બંધ કરી હતી ને. હવે જો તારી મઝા કરું છું. મોટા ભાગના કિસ્સામાં એવું થાય પણ ખરું. સમય વીત્યા પછી અચાનક ઉઠી ગયેલો માણસ ઝબકીને જુએ ત્યારે ખ્યાલ આવે કે સમય વીતી ચૂક્યો છે, તેને ઉઠવામાં મોડું થયું છે અને હવે શું કરવું તે સમજાતું નથી.

અર્ધજાગ્રત અવસ્થામાં સર્જાયેલા ગુંચવાડાથી મગજની ટ્યુબલાઇટ માંડ માંડ ઉપડતી હોય, એટલે તે અવસ્થામાં માણસને સૌથી પહેલાં ગુસ્સો આવે અને પહેલી દાઝ એલાર્મ ઘડિયાળ પર ચડે. તેને થાય કે રૂપિયા ખર્ચીને વસાવેલું આ ડબલું ખરા સમયે કામ ન લાગે તો તેનો શો મતલબ? પછી કોઈ યાદ કરાવે કે એ ડબલું તો બોલ્યું હતું, પણ આ ડબલાએ સાંભળ્યું ન હતું. એટલે આક્રમણનો સઘળો જુસ્સો બચાવ તરફ વાળીને, એલાર્મનો શો મતલબ?’ એવા સવાલને આમ જુઓ તો આ જીવનનો શો મતલબ અને આ સૃષ્ટિનો પણ શો મતલબ—એવો ફિલસૂફીનો રસ્તો લેવો પડે.

એલાર્મ ઘડિયાળના જમાનામાં ઘણી વાર એવો વિચાર આવતો હતો કે લજામણીના છોડ જેવા શરમાળ એલાર્મને બદલે વાયદાબાજ નેતાઓ જેવું નફ્ફટ એલાર્મ શોધાવું જોઈએ. તે એવું હોય કે એક વાર તેનું બટન દાબવાથી ચૂપ થઈને બેસી ન જાય. થોડી વારે ફરી પાછું બોલે ને ધરાર બોલે. તેને સ્નૂઝ કહેવાય એવી ત્યારે ખબર ન હતી.

મોબાઇલ ફોન આવ્યા પછી તે કલ્પના હકીકત બની. એટલે એલાર્મના ડબ્બાથી અસંતુષ્ટ લોકોને થયું કે અચ્છે દિન આવી ગયા. પરંતુ 2014માં એવી ભ્રમણાનો ભોગ બનેલામાંથી પછી જાગેલા લોકો જાણે છે કે અચ્છે દિન એમ આવતા નથી અને ઘણી વાર તો બકરું કાઢતાં ઊંટ ને ભૂત કાઢતાં પલિત પેસે છે. એલાર્મ ઘડિયાળમાં કંઈક એવું જ થયું. અલગ એલાર્મ વસાવવાની ઝંઝટ મટી ગઈ. ફોનમાં જ એલાર્મ આવી ગયાં અને તેમાં માણસ ઉઠે નહીં ત્યાં સુધી થોડી થોડી વારે એલાર્મ વાગ્યા કરે એવી સ્નૂઝની વ્યવસ્થા પણ આવી ગઈ. હા, એલાર્મ મુકતી વખતે એએમ-પીએમનું ધ્યાન રાખવું પડે. ફોનમાં ચોવીસ કલાકનું સેટિંગ રાખ્યું હોય તો 20:00 એટલે દસ નહીં, પણ આઠ વાગ્યા કહેવાય, એનો ખ્યાલ રાખવો પડે. ઘણી વાર એલાર્મ મુક્યા પછી એટલો બધો સંતોષ થઈ જાય—અથવા એટલી ઊંઘ આવતી હોય કે પછી તે ચાલુ કરવાનું બટન દબાવવાનું ભૂલી જવાય અને સવારે ધબડકો.

આટલું વર્ણન વાંચીને કોઈને એવું ધારવાનું મન થાય કે જો આવી નાની બાબતોનું સાધારણ ધ્યાન રાખી લેવામાં આવે, પછી વાંધો નહીં. પરંતુ અનુભવીઓ જાણે છે કે તે ધારણા સાચી નથી. મોબાઇલમાં મળેલી સ્નૂઝની સુવિધા માણસને જગાડવાને બદલે ઉંઘાડવાનું કામ વધારે અસરકારક રીતે કરે છે. તેનો શબ્દાર્થ પણ એવો જ થાય છેઃ નિશ્ચિત કરેલા સમયે ઘંટડી વાગી તો છે, પણ હજુ એકાદ નાનું ઝોકું લઈ લેવું છે? તો લઈ લો. પછી ઉઠજો.

ઉંઘમાંથી માંડ ઉઠનારા માણસને આટલી છૂટ આપવી વ્યવસ્થાઘાતક નીવડી શકે છે. બંધારણીય સંસ્થાઓ કે કાયદાનું પાલન કરાવનારી સંસ્થાઓ નાગરિકોને એવું કહે કે અમે તમને જગાડતા રહીશું, પણ હજુ તમારે ઉંઘવું છે? તો એકાદ નાનકડી ઊંઘ ખેંચી લો. તો લોકશાહીનું શું થાય? એલાર્મ ભલે એટલું ગંભીર નહીં, તો પણ જગાડવાનું કામ તો કરે જ છે. એ કામની ગંભીરતા પારખવાને બદલે, ઘણા લોકોની જેમ તે ફક્ત કરવાખાતર કામ કરી નાખે તો થઈ રહ્યું. જુઓ, મારું કામ બોલવાનું છે-જગાડવાનું છે. એટલે એ હું કરીશ, પણ તમારે એને સાંભળવાનું-ગણકારવાનું જરૂરી નથી. તમતમારે તેને અવગણીને ઊંઘવું હોય તો ઊંઘી જજો. એટલે મને મારી ફરજ અદા કર્યાનો સંતોષ થાય ને તમને તમારી સ્વતંત્રતા ભોગવવાનો.—આવું વલણ યંત્રો અને તંત્રો અપનાવે, તો પછી દેશનું શું થાય? ઊંઘવું એ લોકશાહી અધિકાર છે, પણ જાગવું એ લોકશાહી ફરજ છે. તે ફરજ પ્રેરનારાં એલાર્મ આવું વલણ અપનાવે, ત્યારે આમ ડાહી ડાહી વાતો કરતા, પણ ચુકાદો આપવાનો આવે ત્યારે પાણીમાં બેસી જતા લોકોની યાદ ન આવે?