Friday, March 31, 2023
પાણીપૂરીનું પોલિટિક્સ
ભારતના વડાપ્રધાને જાપાનના વડાપ્રધાનને પાણીપૂરી ખવડાવી, એટલે પાણીપૂરીને પ્રસાર માધ્યમોમાં સ્થાન મળ્યું. હિંદીભાષીઓ પાણીપૂરીને ગોલગપ્પા કહે છે, પણ વડાપ્રધાન અને ગપ્પા—એ બંને શબ્દો સાથે મુકવાથી દંડાત્મક કાર્યવાહીની પૂરી સંભાવના રહે છે. માટે, તેને પાણીપૂરી કહેવાનું જ ઠીક રહેશે.
પાણીપૂરી અને
વડાપ્રધાન વચ્ચેનો સૌથી મોટો તફાવત એ છે કે પાણીપૂરીને લોકપ્રિયતા મેળવવા માટે
જૂઠું બોલવું પડતું નથી, ધિક્કારના મસાલાની જરૂર પડતી નથી, સામાજિક-અસામાજિક
પ્રસાર માધ્યમોમાં સતત છવાયેલા રહેવું પડતું નથી અને પોતાના જયજયકાર માટે (બીજાના)
લાખો રૂપિયાનો ધુમાડો કરવો પડતો નથી. કદી સાંભળ્યું કે પાણીપૂરીની લોકપ્રિયતા માટે
આખો સાયબર સેલ નિભાવવામાં આવે છે? અને તેની પરથી
વોટ્સએપ પર સતત ગેરમાહિતીનો પ્રવાહ વહેતો કરવામાં આવે છે?
હકીકત એ પણ છે કે
પાણીપૂરીને વડાપ્રધાનપદે બેસાડી શકાતી નથી. એટલે તેને વડાપ્રધાનપદના વિકલ્પ તરીકે
રજૂ કરવાનો કોઈ ઇરાદો નથી. તે જાણીને પાણીપૂરીને પણ હાશ થવી જોઈએ કે તેણે રાજદ્રોહ
કે ત્રાસવાદવિરોધી કાયદા જેવી કોઈ કાર્યવાહીનો ડર રાખવાની જરૂર નથી. વડાપ્રધાનના
વિરોધમાં પોસ્ટર લગાડનારા સામે આકરી કાર્યવાહી થઈ જતી હોય તો તેમના વિકલ્પ તરીકે
રજૂ થનારે કેટલી તૈયારી રાખવી પડે?
પાણીપૂરીનાં
સાંસ્કૃતિક પાસાંની વાત કરીએ તો, સૌપ્રથમ તે ભારતીય સંયુક્ત કુટુંબપ્રથાના
મહિમાનું પ્રતિક છે. નામ તેનું ભલે પાણીપૂરી હોય, પણ તેમાં ચણા, બટાટા, મસાલો,
ખાટી ચટણી, ગળી ચટણી, પાણી વગેરે ભેગાં ન થાય ત્યાં સુધી તેનો સ્વાદ આવતો નથી.
સંયુક્ત કુટુંબની જેમ સંયુક્ત પાણીપૂરીના પ્રશ્નો હોય છે. ચટણી વધારે પડી જાય,
મસાલો ઓછો પડે, ચણા ચડ્યા ન હોય—ટૂંકમાં, સંયુક્ત કુટુંબની જેમ સભ્યો જેટલા વધારે,
એટલી તેમાંથી એકાદના વંકાવાની સંભાવના પણ વધારે. છતાં, માણસ એક વાર ગાંઠ વાળે કે ‘ગમે તે થાય, મને સંયુક્ત કુટુંબ જ ગમે.’ તો બધી મુશ્કેલીઓ ગૌણ થઈ જાય છે. એવું જ પાણીપૂરીનું
પણ છે. તેના ઘટકો ગમે તેટલા આડાઅવળા થાય, પણ છેવટે પાણીપૂરી તો પાણીપૂરી જ રહે છે.
સવાલ સાચા
પ્રેમનો છે. લૈલામજનુ જેવી અનેક પ્રેમકહાનીઓનાં મુખ્ય બે પાત્રો બહુ સુંદર હતાં,
એવું ક્યાંય લખેલું નથી. તે પાત્રો એકબીજાને બહુ સુંદર લાગતાં હતાં. કારણ કે તે
એકબીજાના પ્રેમમાં હતાં. પાણીપૂરી અને તેમના પ્રેમીઓનો પણ એવો જ નાતો હોય છે. બિનપ્રેમીઓને
તે કદી સમજાતું નથી. પ્રેમીઓને ભાવે સારી પાણીપૂરી, પણ ચાલે ગમે તે પાણીપૂરી.
પોતાને ભાવતા સ્વાદ કરતાં સાવ જુદી પાણીપૂરી મળી જાય તો પણ, તે પડ્યું પાનું (કે
પાણી) નિભાવી લેવાની સહિષ્ણુતા-ઉદારતાથી, જેવી મળે તેવી પાણીપૂરીનો આનંદ માણે છે. વચ્ચે
વચ્ચે ‘યું હોતા તો ક્યા હોતા’ એવી ફરિયાદો કરે ખરા,
પણ ટીકા કરતાં કરતાં મોંમાં પાણીપૂરી ઓરવાનું ચાલુ રહે છે.
આધુનિક પાશ્ચાત્ય સભ્યતાએ ભારતીય પરંપરા સામે જે કેટલાક પાયાના પડકાર ઊભા
કર્યા છે, તેમાંનો એક છેઃ પાણીપૂરી ખાવી શી રીતે? ભારતીય
પદ્ધતિમાં ભોજન માટે હાથનો ઉપયોગ થાય છે. પાણીપૂરી ખાવા માટે હાથના પણ વિશિષ્ટ
કૌશલ્યની જરૂર પડે છે. જેમ કે, માણસ જેવો આકાર ધરાવતા યંત્રમાનવને રોટલી કે દાળભાત
ખાતાં શીખવવું ઓછું અઘરું હશે, પણ તેને પાણીપૂરી ખાવાનું શીખવવું ભારે કઠણ નીવડી
શકે છે. પાણી ભરેલી પૂરી પર હાથનું દબાણ એટલું હોવું જોઈએ કે પૂરી છટકે નહીં, પણ
દબાણ એટલું વધારે ન હોય કે પૂરી ફસડાઈ પડે. ડીશમાં પડેલી પૂરીને કયા ખૂણેથી પકડવી,
ત્યાર પછી હાથને કોણીથી કયા ખૂણે વાળવો કે જેથી પૂરીની અંદર રહેલું સત્ત્વ બહાર
પડી ન જાય અને પૂરી મોં સુધી લઈ જતી વખતે હાથનો ખૂણો કેટલો રાખવો—આવા સવાલ
એન્જિનિયરિંગમાં પૂછાતા ન હોય, પછી ભારત રોબોટિક્સમાં ક્યાંથી આગળ આવે?
પૂરીના કદમાપ
વિશે પણ બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ તરફથી કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. એટલે
લોકો મન ફાવે એટલી નાની-મોટી પૂરીઓ બનાવે છે. કેટલીક પૂરીઓ એટલી મોટી અને ફુલેલી
હોય છે કે સીધોસાદો માણસ મહંમદઅલી ઝીણા બનીને વિચારવા માંડે, ‘આના ભાગલા કરવા જોઈશે.’ પણ સૌ જાણે છે કે ભાગલાનું કામ સૈદ્ધાંતિક
રીતે ગમે તેટલું સહેલું લાગે, વ્યવહારમાં તેમાં કકળાટનો પાર નથી હોતો. એટલે, મોટા
ભાગના લોકો, મોં કરતાં પૂરી ગમે તેટલી મોટી હોય તો પણ, પૂરીની એકતા-અખંડિતતાનો ભંગ
કર્યા વિના, તેને મોમાં ઠાંસવાનો પ્રયાસ કરે છે. ઘણાખરા કિસ્સામાં પૂરી અંદર ઘુસી
તો જાય છે, પણ ખાનારનું મોં થોડા સમય પૂરતું બંધ થઈ જાય છે. ક્યારેક પૂરી મોંમાં
જાય તે પહેલાં જ તેનું વિસર્જન થઈ જાય છે. તેની અંદરનું પાણી ડીશમાં રેલાય છે, પણ
ખાનાર હિંમત હાર્યા વિના, પૂરીનો જેટલો હિસ્સો મોંમાં જાય એટલો ઘુસાડવાનો પ્રયાસ
કરીને, તે પૂરીને ખવાયેલી જાહેર કરે છે.
કોચિંગ ક્લાસનો
ધમધમતો ધંધો ધરાવતા ભારતમાં પાણીપૂરી બનાવવાના ક્લાસ ચાલતા હોય તે સંભવ છે, પણ હજુ
સુધી કોઈને પાણીપૂરી કેમ ખાવી તેના ક્લાસ ખોલવાનો વિચાર આવ્યો નથી. બાકી, તેની
જરૂર ફક્ત જાપાનના વડાપ્રધાન જેવા વિદેશીઓને જ નહીં, પૂરીના મોટા કદ અને
ચિત્રવિચિત્ર આકારથી પીડીત ભારતીયોને પણ પડી શકે છે.
Sunday, March 12, 2023
મોહનથાળ કે ચીકી?
ખરેખર, આપણામાંથી ઘણા લોકોને કયો મુદ્દો મહત્ત્વનો, તે સમજાતું નથી. વારે વારે બંધારણીય સંસ્થાઓની સ્વાયતત્તા પર પડેલી તરાપનો કકળાટ કરનારા, સરકાર પર તપાસસંસ્થાઓના દુરુપયોગનો આરોપ મુકનારા, સરકાર જૂઠું બોલે છે એવું કહેનારા—આવા અનેક પ્રકારના લોકો અંબાજીના પ્રસાદમાં મોહનથાળને પદભ્રષ્ટ કરીને ચીક્કીને બેસાડી દીધી, ત્યારે મૌન છે. તેમનું રૂંવાડું પણ નથી ફરકતું. તેમને દંભી બૌદ્ધિકો નહીં તો બીજું શું કહેવાય?
મોહનથાળ-ચીકી વિવાદે ધાર્મિકતાને વિશાળ અને વ્યાપક બનાવવામાં મહત્ત્વનો ફાળો આપ્યો છે. પહેલાં ધાર્મિકતાની વ્યાખ્યામાં ‘મંદિર વહીં બનાયેંગે’ જેવાં સૂત્રોનો સમાવેશ થતો હતો, તે વિસ્તરીને હવે ‘મોહનથાળ વહીં બનાયેંગે’ સુધી પહોંચ્યો છે. તે દર્શાવે છે કે ભક્તો પછાત રહી જવાને બદલે, જમાના સાથે તાલ મિલાવી રહ્યા છે. પહેલાં ‘પરસાદિયા ભગત’ જેવા શબ્દપ્રયોગો કોઈની ટીકા માટે વપરાતા હતા અને ધર્મસ્થાનોમાં પ્રસાદના મહત્ત્વ વિશે ચર્ચા કરનારા ભૂખ્ખડ કે ખાઉધરામાં ખપી જતા હતા. તેને બદલે, અંબાજીમાં પ્રસાદના મુદ્દે ધર્મયુદ્ધનાં મંડાણ જેવો માહોલ ગયા સપ્તાહે સર્જાયો. પ્રસાર માધ્યમોએ પણ પૂરી ગંભીરતાથી, નાગરિક અધિકારોના સંરક્ષણ માટે કટિબદ્ધ થઈને, મોહનથાળ-ચીકી વિવાદમાં ઝંપલાવ્યું. કેટલાકે ઇન્વેસ્ટિગેટિવ જર્નલિઝમ ઉર્ફે ખોજી પત્રકારિતાનો અભરાઈએ ચડાવેલો સંસ્કાર યાદ કરીને પ્રસાદના કોન્ટ્રાક્ટથી માંડીને મોહનથાળના ઇતિહાસ સુધીની શોધખોળ આદરી.
બિનગુજરાતીઓ ભલે ટીકા કરતા કે ગુજરાતીઓને આંદોલન કરતાં નથી આવડતું. હકીકત એ છે કે કયા મુદ્દે આંદોલન થાય, તેની પ્રાથમિકતા ઘણા ગુજરાતીઓમાં સ્પષ્ટ રીતે અંકિત હોય છે. તેમને ખબર છે કે ગુજરાત વિદ્યાપીઠમાં સરકારને અનુકૂળ કુલપતિને બેસાડી દેવાય કે પછી પરીક્ષાનાં પેપર-બેપર ફૂટે તેની બહુ હાયવોય કરવાની ન હોય. બહુ એવું લાગે તો થોડું બૂમરાણ કરીને સરકી જવાનું. પણ મોહનથાળ-ચીકી તો સનાતન ધર્મનો પ્રાણપ્રશ્ન છે. નરેન્દ્રભાઈ કે અમિતભાઈ જ્યાં સુધી કંઈ ન કહે, ત્યાં સુધી એ મુદ્દે ખુલીને વિરોધ કરવો, એ ધાર્મિક ફરજ છે, એવું ઘણાને લાગે છે.
આ લખાતું હતું ત્યાં સુધી સરકાર આખા મુદ્દામાં દાખલ થઈ ન હતી. સરકારને પણ ખબર હોય છે કે લોકશાહી-બંધારણીય સંસ્થાઓ જેવા મુદ્દામાં તો ઉપરવાળો-ઉપરવાળા બેઠા છે. બીબીસી જેવા હજાર આવે તો પણ કશું ઉખડવાનું નથી. પણ મોહનથાળના મુદ્દે એવી ખાતરી નથી. કારણ કે, તે લોકોની ધાર્મિક લાગણીનો સવાલ છે—અને ધાર્મિક લાગણીનો જીન સાથે હોય ત્યાં સુધી જ સારો. તે સામે પડે તો તકલીફ. એ જ કારણથી, આ લેખ તમારા સુધી પહોંચશે ત્યાં સુધીમાં લગભગ ફરી એક વાર પ્રસાદ તરીકે મોહનથાળ શરૂ થઈ ચૂક્યો હશે—અને ચીકીવાળા ભાઈની ભક્તિ ફળશે, તો બંને પ્રસાદ પણ રહી શકે છે.
પ્રસાદવિવાદના ઉકેલ અંગે વિચારતાં કેટલાક વિકલ્પ સૂઝ્યા. જેમ કે, મોહનથાળ હટાવવો જ હોય તો નવો જે કોઈ પ્રસાદ રાખવામાં આવે, તેનું નામ ‘મોદીથાળ’ રાખવું જોઈએ. સરદાર પટેલ સ્ટેડિયમમાંથી સરદાર પટેલનું નામ હટાવીને નરેન્દ્ર મોદીનું નામ મુકી દેવાયા પછી પણ લોકોને વાંધો પડતો નથી, તો સરદાર પટેલની સરખામણીમાં મોહનથાળની શી વિસાત? મૂળ સવાલ ભક્તોને સંતોષવાનો છે. તો ‘મોદીથાળ’ નામ જુદા પ્રકારના પણ એટલા જ વિશાળ એવા ભક્તસમુદાયને સહેલાઈથી પ્રસન્ન કરી શકશે અને બે-ચાર દહાડામાં ઘણાખરા લોકો ભૂલી પણ જશે કે અંબાજીમાં પ્રસાદ તરીકે ક્યારેક મોહનથાળ અપાતો હતો. સોશિયલ મિડીયા ઉપર પણ એવો પ્રચાર શરૂ થઈ જશે કે મોહનથાળનું મૂળ નામ ‘મોદીથાળ’ જ હતું અને અંબાજીના ગબ્બર પર પહેલાં તે જ અપાતો હતો. પછી જવાહરલાલ નેહરુએ ગાંધીજીની યાદમાં તેનું નામ ‘મોહનથાળ’ પાડ્યું. એટલે હવે તેનું નામ ફરી એક વાર ‘મોદીથાળ’ કરવામાં આવે, તો તે ઐતિહાસિક રીતે ઉચિત છે અને કોંગ્રેસે ભ્રષ્ટ કરેલા ઐતિહાસિક ગૌરવની પુનઃસ્થાપના કરવા બરાબર છે.
ઉપરની થિયરી કલ્પનાને બદલે ઐતિહાસિક હકીકત તરીકે વોટ્સએપ પર વાંચવા મળે તો નવાઈ પામવી નહીં, એવી ચેતવણી પણ અહીં આપી દેવી જરૂરી છે. બીજો વિકલ્પ પણ એટલો જ સહેલો અને અસરકારક લાગે છે. વર્તમાન સરકારની સમસ્યાઉકેલની પદ્ધતિને તે બંધબેસતો પણ છે, એટલે તેમાં ઉપર પૂછવું પડે એવો પણ લાગતું નથી. એક સમસ્યાને ઉકેલવા માટે સરકારનું સામાન્ય વલણ બીજા નવા વિવાદ ઉભા કરીને લોકોનું ધ્યાન તે દિશામાં દોરી જવાનું હોય છે. વિચારો કે એક તરફ મોહનથાળ-ચીકીનું ઠેકાણું ન પડ્યું હોય ત્યાં રણછોડરાયના ડાકોરમાં ગોટા મળતા બંધ થઈ જાય તો?
સ્વાભાવિક છે, ડાકોરમાં ગોટા મળતા બંધ થાય તેને કોંગ્રેસનું, ડાબેરીઓનું, માઓવાદીઓનું, હિંદુવિરોધીઓનું કે ચીનનું કાવતરું તો ગણાવી શકાય નહીં. કારણ કે, ગોટા તો બહાર દુકાન પર વેચાતા મળે છે. પણ ગોટા ડાકોરની અને ડાકોરના ઠાકોરની સાથે એટલા અભિન્નપણે જોડાઈ ગયેલા છે કે તેને ધાર્મિક લાગણીનો મુદ્દો ગણાવવામાં કે બનાવવામાં જરાય અતિશયોક્તિ ન લાગે-જરાય તકલીફ ન પડે. મોહનથાળની સાથે ગોટાની પુનઃસ્થાપના જેવા બબ્બે મહાપડકારો સનાતન ધર્મના ભક્તો સામે ખડા થાય, ત્યારે તેમની મુંઝવણનો પાર ન રહે. એક જમાનામાં ગાંધીજીના નમક સત્યાગ્રહમાં લોકો ઠેકઠેકાણે મીઠું પકવતા હતા, તેમ લોકો અંબાજીમાં મોહનથાળ ને ડાકોરમાં ગોટા બનાવવા માંડે...
--અને ચોતરફ
સનાતન ધર્મનો જયજયકાર થઈને સતયુગ વ્યાપી રહે.