Saturday, May 21, 2022
ફેસબુક-શ્રદ્ધાંજલિ
મૃત્યુ દુઃખદ ઘટના છે, પણ તેની સાથે સંકળાયેલી ઘણી ચીજો (જેમ કે, બેસણું) રમૂજી હોઈ શકે છે. ખાસ કરીને, જેમની વિદાયનો આઘાત ન હોય એવાં જણના બેસણામાં લગ્ન જેવી જ ચહલપહલ જોવા મળશે. તેમાં શરત એટલી હશે કે, ‘જો ભી કહીએ, સુરમેં કહીએ’ની જેમ, જે કંઈ કરો તે સફેદ કપડાં પહેરીને કરવાનું.
કોરોનાકાળમાં બેસણાં ટેલિફોનિક થઈ ગયા પછી, બેસણાંનો વ્યવહાર અને તેનાં વિધિવિધાન નવેસરથી નક્કી થયાં લાગતાં નથી. એટલે, ખરખરા માટે ફોન કરતી વખતે, વિડીયો કોલ ન હોય તો પણ, ફોન કરનારે સફેદ કપડાં પહેરવાં કે નહીં, તેના વિશેની માર્ગદર્શિકા આવી નથી. વધારે આગળ વધવું હોય તો, બેસણાનો ફોન કરતી વખતે મોબાઇલનું કવર સફેદ હોવુ જોઈએ કે નહીં, તે વિશે પણ વિચાર થવો જોઈએ. આ વાંચીને વ્યવહારુ લોકોને કદાચ ન ગમે કે તેમને ખરાબ પણ લાગી શકે. કારણ કે, ઘણા વ્યવહારુઓ બહુ નિયમચુસ્ત હોય છે. તે માને છે કે બેસણામાં ગમ્મત થાય, પણ બેસણાંની ગમ્મત ન થાય.
ફોન-બેસણાં ઓળખીતાંપાળખીતાં માટે હોય છે, પણ ફેસબુક પર કોઈના મૃત્યુની નોંધ મુકવામાં આવે, ત્યારે વિશિષ્ટ સ્થિતિ સર્જાય છે. મૃત્યુના સમાચાર અંગત વર્તુળમાંથી હોય કે જાહેર હસ્તીના, એક વાર ફેસબુક પર તે મુક્યા પછી નીચે બે હાથ જોડેલાં ઇમોજી આવી જાય છે. ત્યાં સુધી તો બરાબર છે. ઓફલાઇન બેસણામાં યજમાનને મળતી વખતે પણ હાથ જોડીને ‘જેશીક્રષ્ણ’ કે ‘જેસ્સામીનારાયણ’ જેવું કંઈક કહેવામાં આવે છે. (ફેસબુકયુગમાં મોટાં થયેલાંને એવું પણ લાગી શકે કે આ રીતે હાથ જોડનારાં લોકો ઇમોજીની કોપી કરી રહ્યાં છે.) પરંતુ જોડેલા હાથથી આગળ વધીને, છેલ્લાં થોડાં વર્ષોમાં ‘આરઆઇપી’ અને ‘ઓમ શાંતિ’નું ચલણ વધી ગયું છે.
‘ઓમ શાંતિ’ ફેસબુક પર આશ્વાસન-વચન તરીકે જેટલું સામાન્ય બન્યું, એટલું વ્યવહારમાં પ્રચલિત ન હતું. કોઈના મૃત્યુના સમાચાર સાંભળીને ‘ઓમ શાંતિ’ બોલનારા અગાઉ ખાસ જોવામાં આવ્યા ન હતા. ઉલટું, ‘ઓમ શાંતિ’ સાંભળીને ચોક્કસ પેઢીના લોકોને તો ઋષિ કપુરનું સુપરહિટ ગીત ‘ઓમ શાંતિ ઓમ’ યાદ આવતું હતું. ફેસબુક પર ‘ઓમ શાંતિ’ ધીમા પગલે આવ્યું અને હવે ખાસ્સું વ્યાપક છે. જોકે, ફેસબુક પર મરણના શિષ્ટાચારમાં સૌથી વધુ વપરાતું હોય તો તે આરઆઇપી.
સૌ જાણે છે કે તેનો અર્થ ‘રેસ્ટ ઇન પીસ’ થાય છે—અને તે એટલું બધું ચીલાચાલુ લાગે છે કે તેમાં મૌલિકતા ઉમેરવા માટે, ‘પીસ’ની જગ્યાએ બીજા શબ્દો ઉમેરવામાં આવે છે. જેમ કે, રેસ્ટ ઇન મ્યુઝિક, રેસ્ટ ઇન ક્રિકેટ...તેનો શો અર્થ થાય, એવો પ્રશ્ન અસ્થાને છે. મૌલિકતાનો મામલો હોય ત્યાં અર્થ શોધવા બેસવાથી વેદિયામાં ખપી જવાય. અને બાળકોનાં નવાં, ફેન્સી નામ પાડતી વખતે અર્થ શોધવાની જરૂર ન લાગતી હોય તો, મરણના મામલામાં ચૂંથ કરવાની શી જરૂર?
ફેસબુક પર નિયમિત રીતે હાજરી ધરાવતા લોકોને ખ્યાલ હશે કે અમુક પ્રકારની પોસ્ટમાં, શરૂઆતના પાંચ-સાત કમેન્ટ કરનારા જ પોસ્ટ વાંચતા હોય છે. ત્યાર પછીના કમેન્ટ કરનારા ઉપરની કમેન્ટ વાંચીને જ કામ ચલાવી લે છે. ઉપર આરઆઇપી લખ્યું હોય, એટલે બીજા લોકો પણ પોસ્ટ વાંચ્યા વિના ખરેખરે આવી જાય છે અને આરઆઇપી ચોંટાડીને આગળ વધી જાય છે. થોડો વખત આવું ચાલે એટલે મરણની પોસ્ટની નીચે આરઆઇપીની એવી લાઇન પડી જાય છે કે પોસ્ટ મુકનાર રેસ્ટલેસ (બેચેન) થઈ જાય.
આરઆઇપી લખનારા લોકોના મનમાં એ ત્રણ અક્ષર ટાઇપ કરવા પૂરતો પણ ગંભીરતાનો ભાવ હોય છે કે નહીં, તે વિશે સમાજશાસ્ત્રીઓએ હજુ સુધી સંશોધન કર્યું લાગતું નથી. ખરેખર તો. એવું સંશોધન બેસણામાં જનારા લોકો વિશે પણ કરવાનું બાકી જ હશે. કેમ કે, બેસણામાં પાંચ મિનિટ માટે ગયેલા લોકો પણ, તેમના કાબૂમાં જે નથી એવા વિષયોની ચિંતા અને ચર્ચા કરતા હોય, તો બિચારા ફેસબુકવાળાનો શો વાંક? તે એક જણના સ્ટેટસ પર આરઆઇપી લખતો હોય, ને બીજે ચાર ઠેકાણે તેણે યુદ્ધમેદાનમાં ઝંપલાવવાનું હોય, પોતાના કિમતી અને પવિત્ર વિચારોની ચકલી ચાલુ કરવાની હોય, (બીજાની) બહેનોની તસવીરો નીચે કયા શબ્દોમાં પ્રશંસા વ્યક્ત કરવી, જેથી બ્લોક ન થવાય—તેનો વિચાર કરવાનો હોય... આવી મલ્ટીટાસ્કિંગની મનોદશા વચ્ચે તે આરઆઇપી લખે, એટલું જ તેની સામાજિકતા અને સંવેદનશીલતા દર્શાવવા માટે પૂરતું નથી?
ફેસબુક મુખ્યત્વે લખવા માટેનું અને ફોટા મુકવા માટેનું માધ્યમ છે. તેમાં વાંચનારા ઓછા જ હોય છે. એટલે ક્યારેક કોઈ વયોવૃદ્ધની વર્ષગાંઠની પોસ્ટ પર પણ, વાંચવાની આળસે અને વ્યવહારુ બનવાનું છોડી નહીં શકવાની મજબૂરીએ, એક જણ આરઆઇપી લખી દે એટલે થયું. ફેસબુક-વ્યવહારુઓની નજર પોસ્ટ કરતાં પહેલાં કમેન્ટ પર જતી હોય છે. એટલે, વર્ષગાંઠ પર એક આરઆઇપી આવ્યા પછી, પાછળ આરઆઇપીની લાઇન પડી શકે છે. તે સ્થિતિ કોઈની વર્ષગાંઠની પાર્ટીમાં સફેદ ઝભ્ભો-લેંઘો કે સફેદ સાડી-ડ્રેસ પહેરીને પહોંચી જવા જેવી છે, પણ પ્રેમમાં, યુદ્ધમાં ને ફેસબુક પર બધું ચાલે—એવું લોકો માને છે. એટલે વાત હસવામાં નીકળી જાય છે. બર્થ ડેની પોસ્ટ પર આરઆઇપીની કમેન્ટની જેમ, આખેઆખું ફેસબુક હસવામાં નીકળી જાય તો વધારે ફાયદો ન થાય?
Wednesday, May 11, 2022
હાથ મિલાવવા વિશે
સામાન્ય રીતે એક કે બંને પક્ષ હાથ મિલાવી લીધા પછી સુયોગ્ય સમયે પોતપોતાનો હાથ પાછો ખેંચવાની શરૂઆત કરી દે છે. તેમાં કોઈને ખરાબ લાગતું નથી અને શિષ્ટાચાર જળવાઈ રહે છે. પણ કોઈ એક પક્ષ સહેલાઈથી હાથ છોડવા તૈયાર ન હોય, ત્યારે જાહેર શિસ્તનો અને ક્યારેક જાહેર શાંતિનો ભંગ થવાની નોબત આવે છે. ત્યાર પછી કેવળ હથેળીઓ જ નહીં, આખેઆખો હાથ અને તેના માલિકોને પણ છૂટા પાડવા પડે છે.
Friday, May 06, 2022
માથું દુઃખે ત્યારે
તમે
ભગવાનમાં માનો છો? જવાબ
ગમે તે હોય, તેનાથી અહીં કશો ફરક નથી પડવાનો. વાત એમ છે કે, જેમ ભગવાનનું અસ્તિત્વ
છે કે નહીં, તે ખાતરીથી પુરવાર કરી શકાતું નથી, એવી જ રીતે, માથાનો દુઃખાવો પણ છે
કે નહીં, તે ચકાસવું અશક્ય છે. ઘણા માટે ભગવાનનું અસ્તિત્વ કે તેનો ઇન્કાર પોતે
માથાના દુઃખાવાનું એક કારણ બની રહે છે, તે અલગ વાત છે.
માથાનો દુઃખાવો આમ તો હળવી બિમારી અથવા બિમારીનું લક્ષણ કહેવાય, પણ ઘણા લોકો તેને સામાજિક પરિબળ કે અહિંસક સામાજિક હથિયાર તરીકે પણ જુએ છે અને વાપરે છે. માથાના દુઃખાવાના મુખ્યત્વે બે પ્રકાર છેઃ આવેલો અને કલ્પેલો. સાદા શબ્દોમાં કહેવું હોય તો, સાચો અને ખોટો. તેમાંથી સાચો દુઃખાવો મેડિકલ સાયન્સનો વિષય હોવાથી, તેની વાત કરીને વાંચનારને માથાનો દુઃખાવો આપવાનો કોઈ ઇરાદો નથી. રસ પડે એવો દુઃખાવો બીજા પ્રકારનો, કાલ્પનિક અથવા નોતરેલો છે.
ડાયાબિટીસ કે બ્લડ પ્રેશર કે હૃદયની બિમારીથી માંડીને મોટા ભાગની બિમારીઓ માપી શકાય એવી હોય છે. ઘરેબેઠાં નહીં તો દવાખાને જઈને પણ તેનું માપ કાઢી શકાય છે સાદી, ઘરગથ્થુ બિમારીની વાત કરીએ તો, તાવ પણ માપી શકાય છે. એટલે જ, ભૂતકાળમાં પરાક્રમી વિદ્યાર્થીઓ શરીરનું તાપમાન વધારવાના જુદા જુદા નુસખા અપનાવીને સ્કૂલમાંથી ગાપચી મારતા હતા.
તે બધાની સરખામણીમાં માથાનો દુઃખાવો જાદુઈ ચિરાગમાંથી નીકળતા જીન જેવો છે. મનનો જીન ઘસીને તેને ગમે ત્યારે સેવામાં હાજર કરી શકાય છે. તેનો સૌથીર મોટો ઉપકાર એ છે કે તેને માપી શકાતો નથી. એટલે તે શ્રદ્ધાનો વિષય બની જાય છે અને કોઈની શ્રદ્ધાનો ભંગ કરવો, એ તેની ધાર્મિક લાગણી દુભાવવા સમકક્ષ બની શકે છે.
માથાનો સાચો દુઃખાવો ભલે પીડા આપતો, પણ હાજર કરાયેલો, ઐચ્છિક માથાનો દુઃખાવો ઘણી વાર અણગમતી પરિસ્થિતિમાંથી રાહત આપે છે. ઓફિસમાં કે અન્યત્ર માણસ માથું પકડીને બેસી જાય અથવા છડેચોક ટેબલ પર માથું ઢાળીને સુઈ જાય, એટલે જોનાર બોસ એટલું તો વિચારશે કે કુછ તો ગડબડ હૈ. બાકી આ રીતે સવિનય કાનુનભંગ કોઈ કરે નહીં.
છતાં, કડપ છોડ્યા વિના, સાવધાની રાખીને, પણ ઠપકાને બદલે પૂછપરછના અવાજે કારણ પુછવામાં આવે ત્યારે માથું પકડીને કે ઢાળીને બેઠેલું જણ દિલીપકુમારના અંદાજમાં ચહેરો ઊંચો કરીને પૂછનાર સામે જુએ છે. પછી કહે છે, ‘માથું, સર...’ તે સાંભળીને સાહેબ ગુંચવાય છે અને સામેવાળાએ કટાક્ષ કર્યો, રોષ વ્યક્ત કર્યો કે કશી માહિતી આપી, તે વિચારવાનો પ્રયાસ કરે છે. એવામાં વધુ સ્પષ્ટતા થાય છે, ‘હેડેક સર...માથું પકડાઈ ગયું છે.’
સાહેબ તેને શબ્દાર્થમાં લઈને કહે છે, ‘પકડાઈ ગયું છે? પણ એ તો તમે પોતે જ બે હાથે પકડ્યું છે. છોડી દો, એટલે છૂટી જશે.’ હવે માથું પકડીને બેઠેલો જણ દિલીપકુમારને બદલે મીનાકુમારીની ટ્રેજેડી ક્વિન અદામાં સાહેબ સામે જુએ છે અને કહે છે, ‘માથું ફાટફાટ થાય છે. સખ્ખત દુઃખે છે. માથામાં કોઈ હથાડો મારતું હોય એવું લાગે છે.’
‘યુ
મીન, હું બોલું ત્યારે?’
‘ના
સાહેબ, એ સિવાય પણ.’
દુઃખાવાગ્રસ્ત જણ સ્પષ્ટતા કરે છે. ‘નાનપણથી-સ્કૂલમાં હતો ત્યારથી પ્રોબ્લેમ છે, સર.’
‘સ્કૂલમાં
તો મને પણ હતો.’ સાહેબ
ચહેરા પર આવતું સ્મિત માંડ અટકાવીને કહે છે, ‘તમારે હજુ એ જ ચાલે છે?’
‘આ તો
સિરીયસ છે, સાહેબ. એક બાબા પાસે ગયો, ત્યારે તેમણે બ્રેઇન કેન્સરની શક્યતા વ્યક્ત
કરેલી અને જાપથી મટાડી દેવાની ગેરન્ટી આપેલી...વચ્ચે તમારી પાસે મેં લોન નહીં
માગેલી?’
સાહેબ
વિચારમાં પડે છે. માથાનો દુખાવો, સ્કૂલ, બ્રેઇન કેન્સર, બાબા—તેમાં પાછી લોન
ક્યાંથી આવી ગઈ? પણ તે
અનુભવી સાહેબ છે. જાણે છે કે બહુ વિચારીએ તો સાહેબ ન બનાય અને સાહેબ બન્યા પછી બહુ
વિચારવાનું ન હોય. એટલે તે તપાસ અધિકારીની માનદ્ ભૂમિકામાંથી તબીબી અધિકારીનો
કામચલાઉ હોદ્દો ધારણ કરે છે અને કહે છે, ‘તમારે બરાબર ધ્યાન રાખવુ જોઈએ. એ કંઈ ઓફિસનું કામ નથી કે તેમાં
લબાડગીરી ચાલી જાય, અન્ડરસ્ટેન્ડ?’
‘યસ સર’ માથું પકડીને બેઠેલું જણ કહે છે, ‘આવું ક્યારેક જ થાય છે.’
‘એમ તો,
હાર્ટ એટેક પણ ક્યારેક જ આવે છે. એટલે એને ગંભીરતાથી નહીં લેવાનો? તમારે ઘેર ઉપડવું હોય તો ઉપડો—અત્યારે
જ. તમારી અડધા દિવસની રજા ગણી લઈશું, બસ? અને ઘરે જતાં પહેલાં હોસ્પિટલે થઈને જજો. કદાચ કંઈક ટ્યુમર-બ્યુમર
નીકળે તો ગભરાતા નહીં. તમારી જગ્યા માટે દસેક અરજીઓ આવેલી, એ મેં રહેવા દીધી છે.
તમારી તબિયત આવી રહી...ગમે ત્યારે સ્ટ્રોક-બ્રોક આવે ને તમને કંઈ થઈ જાય તો? તમારે આરામ જ કરવો જોઈએ.’
દુઃખાવો ધરાવનાર માથાને સલુકાઈથી, ઉદારતાપૂર્વક રવાના કરવાની વ્યૂહરચના કેટલાક બોસને ફાવતી નથી. તે શંકા કરે છે અને કહે છે, ‘તમારા મોં પરથી તો લાગતું નથી કે...’
કર્મચારી
તેમને અટકાવીને કહે છે,’સાહેબ,
મોં નહીં, માથું દુઃખે છે. એવું હોય તો ડોક્ટર પાસે ચેક કરાવી લઈએ.’
તબીબી વિજ્ઞાને આટઆટલી પ્રગતિ કરી, તેમ છતાં માથાનો દુઃખાવો માપવાનું યંત્ર હજુ સુધી કેમ શોધાયું નથી, તેનો ખ્યાલ આવે છે?