Saturday, May 21, 2022

ફેસબુક-શ્રદ્ધાંજલિ

મૃત્યુ દુઃખદ ઘટના છે, પણ તેની સાથે સંકળાયેલી ઘણી ચીજો (જેમ કે, બેસણું) રમૂજી હોઈ શકે છે. ખાસ કરીને, જેમની વિદાયનો આઘાત ન હોય એવાં જણના બેસણામાં લગ્ન જેવી જ ચહલપહલ જોવા મળશે. તેમાં શરત એટલી હશે કે, જો ભી કહીએ, સુરમેં કહીએની જેમ, જે કંઈ કરો તે સફેદ કપડાં પહેરીને કરવાનું.

કોરોનાકાળમાં બેસણાં ટેલિફોનિક થઈ ગયા પછી, બેસણાંનો વ્યવહાર અને તેનાં વિધિવિધાન નવેસરથી નક્કી થયાં લાગતાં નથી. એટલે, ખરખરા માટે ફોન કરતી વખતે, વિડીયો કોલ ન હોય તો પણ, ફોન કરનારે સફેદ કપડાં પહેરવાં કે નહીં, તેના વિશેની માર્ગદર્શિકા આવી નથી. વધારે આગળ વધવું હોય તો, બેસણાનો ફોન કરતી વખતે મોબાઇલનું કવર સફેદ હોવુ જોઈએ કે નહીં, તે વિશે પણ વિચાર થવો જોઈએ. આ વાંચીને વ્યવહારુ લોકોને કદાચ ન ગમે કે તેમને ખરાબ પણ લાગી શકે. કારણ કે, ઘણા વ્યવહારુઓ બહુ નિયમચુસ્ત હોય છે. તે માને છે કે બેસણામાં ગમ્મત થાય, પણ બેસણાંની ગમ્મત ન થાય.

ફોન-બેસણાં ઓળખીતાંપાળખીતાં માટે હોય છે, પણ ફેસબુક પર કોઈના મૃત્યુની નોંધ મુકવામાં આવે, ત્યારે વિશિષ્ટ સ્થિતિ સર્જાય છે. મૃત્યુના સમાચાર અંગત વર્તુળમાંથી હોય કે જાહેર હસ્તીના, એક વાર ફેસબુક પર તે મુક્યા પછી નીચે બે હાથ જોડેલાં ઇમોજી આવી જાય છે. ત્યાં સુધી તો બરાબર છે. ઓફલાઇન બેસણામાં યજમાનને મળતી વખતે પણ હાથ જોડીને જેશીક્રષ્ણ કે જેસ્સામીનારાયણ જેવું કંઈક કહેવામાં આવે છે. (ફેસબુકયુગમાં મોટાં થયેલાંને એવું પણ લાગી શકે કે આ રીતે હાથ જોડનારાં લોકો ઇમોજીની કોપી કરી રહ્યાં છે.) પરંતુ જોડેલા હાથથી આગળ વધીને, છેલ્લાં થોડાં વર્ષોમાં આરઆઇપી અને ઓમ શાંતિનું ચલણ વધી ગયું છે. 

ઓમ શાંતિ ફેસબુક પર આશ્વાસન-વચન તરીકે જેટલું સામાન્ય બન્યું, એટલું વ્યવહારમાં પ્રચલિત ન હતું. કોઈના મૃત્યુના સમાચાર સાંભળીને ઓમ શાંતિ બોલનારા અગાઉ ખાસ જોવામાં આવ્યા ન હતા. ઉલટું, ઓમ શાંતિ સાંભળીને ચોક્કસ પેઢીના લોકોને તો ઋષિ કપુરનું સુપરહિટ ગીત ઓમ શાંતિ ઓમ યાદ આવતું હતું. ફેસબુક પર ઓમ શાંતિ ધીમા પગલે આવ્યું અને હવે ખાસ્સું વ્યાપક છે. જોકે, ફેસબુક પર મરણના શિષ્ટાચારમાં સૌથી વધુ વપરાતું હોય તો તે આરઆઇપી.

સૌ જાણે છે કે તેનો અર્થ રેસ્ટ ઇન પીસ થાય છે—અને તે એટલું બધું ચીલાચાલુ લાગે છે કે તેમાં મૌલિકતા ઉમેરવા માટે, પીસની જગ્યાએ બીજા શબ્દો ઉમેરવામાં આવે છે. જેમ કે, રેસ્ટ ઇન મ્યુઝિક, રેસ્ટ ઇન ક્રિકેટ...તેનો શો અર્થ થાય, એવો પ્રશ્ન અસ્થાને છે. મૌલિકતાનો મામલો હોય ત્યાં અર્થ શોધવા બેસવાથી વેદિયામાં ખપી જવાય. અને બાળકોનાં નવાં, ફેન્સી નામ પાડતી વખતે અર્થ શોધવાની જરૂર ન લાગતી હોય તો, મરણના મામલામાં ચૂંથ કરવાની શી જરૂર?

ફેસબુક પર નિયમિત રીતે હાજરી ધરાવતા લોકોને ખ્યાલ હશે કે અમુક પ્રકારની પોસ્ટમાં, શરૂઆતના પાંચ-સાત કમેન્ટ કરનારા જ પોસ્ટ વાંચતા હોય છે. ત્યાર પછીના કમેન્ટ કરનારા ઉપરની કમેન્ટ વાંચીને જ કામ ચલાવી લે છે. ઉપર આરઆઇપી લખ્યું હોય, એટલે બીજા લોકો પણ પોસ્ટ વાંચ્યા વિના ખરેખરે આવી જાય છે અને આરઆઇપી ચોંટાડીને આગળ વધી જાય છે. થોડો વખત આવું ચાલે એટલે મરણની પોસ્ટની નીચે આરઆઇપીની એવી લાઇન પડી જાય છે કે પોસ્ટ મુકનાર રેસ્ટલેસ (બેચેન) થઈ જાય.

આરઆઇપી લખનારા લોકોના મનમાં એ ત્રણ અક્ષર ટાઇપ કરવા પૂરતો પણ ગંભીરતાનો ભાવ હોય છે કે નહીં, તે વિશે સમાજશાસ્ત્રીઓએ હજુ સુધી સંશોધન કર્યું લાગતું નથી. ખરેખર તો. એવું સંશોધન બેસણામાં જનારા લોકો વિશે પણ કરવાનું બાકી જ હશે. કેમ કે, બેસણામાં પાંચ મિનિટ માટે ગયેલા લોકો પણ, તેમના કાબૂમાં જે નથી એવા વિષયોની ચિંતા અને ચર્ચા કરતા હોય, તો બિચારા ફેસબુકવાળાનો શો વાંક? તે એક જણના સ્ટેટસ પર આરઆઇપી લખતો હોય, ને બીજે ચાર ઠેકાણે તેણે યુદ્ધમેદાનમાં ઝંપલાવવાનું હોય, પોતાના કિમતી અને પવિત્ર વિચારોની ચકલી ચાલુ કરવાની હોય, (બીજાની) બહેનોની તસવીરો નીચે કયા શબ્દોમાં પ્રશંસા વ્યક્ત કરવી, જેથી બ્લોક ન થવાય—તેનો વિચાર કરવાનો હોય... આવી મલ્ટીટાસ્કિંગની મનોદશા વચ્ચે તે આરઆઇપી લખે, એટલું જ તેની સામાજિકતા અને સંવેદનશીલતા દર્શાવવા માટે પૂરતું નથી?

ફેસબુક મુખ્યત્વે લખવા માટેનું અને ફોટા મુકવા માટેનું માધ્યમ છે. તેમાં વાંચનારા ઓછા જ હોય છે. એટલે ક્યારેક કોઈ વયોવૃદ્ધની વર્ષગાંઠની પોસ્ટ પર પણ, વાંચવાની આળસે અને વ્યવહારુ બનવાનું છોડી નહીં શકવાની મજબૂરીએ, એક જણ આરઆઇપી લખી દે એટલે થયું. ફેસબુક-વ્યવહારુઓની નજર પોસ્ટ કરતાં પહેલાં કમેન્ટ પર જતી હોય છે. એટલે, વર્ષગાંઠ પર એક આરઆઇપી આવ્યા પછી, પાછળ આરઆઇપીની લાઇન પડી શકે છે. તે સ્થિતિ કોઈની વર્ષગાંઠની પાર્ટીમાં સફેદ ઝભ્ભો-લેંઘો કે સફેદ સાડી-ડ્રેસ પહેરીને પહોંચી જવા જેવી છે, પણ પ્રેમમાં, યુદ્ધમાં ને ફેસબુક પર બધું ચાલે—એવું લોકો માને છે. એટલે વાત હસવામાં નીકળી જાય છે. બર્થ ડેની પોસ્ટ પર આરઆઇપીની કમેન્ટની જેમ, આખેઆખું ફેસબુક હસવામાં નીકળી જાય તો વધારે ફાયદો ન થાય?

No comments:

Post a Comment