Saturday, December 25, 2021
એક લગ્ન અને મૈત્રીકથાનો નવો ખંડ
ઘણાખરા લોકોને પોતપોતાની મૈત્રીકથાઓ હશે. તેમાંથી મોટા ભાગનાને એવું લાગતું હશે કે ‘બીજાં બધાં ગ્રુપ સારાં છે, પણ અમારા ગ્રુપની વાત જ જુદી છે.’ આવું ગૌરવ નિર્દોષ અને બિનહાનિકારક હોય છે. એટલે તેના વિશે કશા વાદવિવાદ કે દલીલ-પ્રતિદલીલ વિના, સૌ પોતપોતાના ગૌરવ સાથે આનંદપૂર્વક જીવે છે. આવાં મિત્રમંડળોમાં અમારા મિત્રમંડળનો પણ સમાવેશ થાય. અમારું એટલે બીરેનનું અને કાળક્રમે મારું મહેમદાવાદનું મિત્રમંડળ.
તેનું નામ ઇન્ટેલિજન્ટ યુથ ક્લબ (IYC) અત્યારે જૂનવાણી અને રમૂજી લાગે. ત્રણ-ચાર દાયકા પહેલાં તે નામકરણ થયું ત્યારે પણ તેમાં કશો ગંભીર દાવો ન હતો. ઔપચારિકતા ખાતર એ નામ પડાયું હતું અને તેનો એક સિક્કો બન્યો-બેન્ક ખાતું ખૂલ્યું, એટલે તે સત્તાવાર બન્યું. સ્કૂલકાળમાં સાથે ભણતા બીરેન અને તેના મિત્રોનું એ જૂથ. સ્કૂલ-કોલેજમાં ભણી રહ્યા પછી, કામધંધે લાગ્યા પછી, પરણીને સામાજિક રીતે સ્થિર થયા પછી, કેટલાક મિત્રો પરદેશ ગયા પછી, મિત્રસંતાનો પરણવાલાયક થયાં અને ગયા અઠવાડિયે વિપુલ રાવલના પુત્ર—અમારા લાડકા ભત્રીજા નીલનું યેશા સાથે લગ્ન થયું ત્યાં સુધી, લગભગ ચાર દાયકાના સમયગાળામાં IYCના મિત્રો સતત એકબીજા સાથે સંકળાયેલા રહ્યા છે.
નીલ અને યેશા,19-12-21, વડોદરા |
નીલનાં લગ્નના આગલા દિવસે વિધિ વખતે વિપુલ-બિંદુ |
આ મિત્રમંડળમાં બે-અઢી દાયકાથી હું જોડાયેલો છું—એ બધાથી છ-સાત વર્ષ નાનો હોવા છતાં. વિપુલ મહેમદાવાદ રહેતા હતા ત્યારે તેમનું 17, નારાયણ સોસાયટીનું ઘર IYCનું બિનસત્તાવાર હેડક્વાર્ટર હતું. રોજ રાત્રે ત્યાં જવાનો નિત્યક્રમ. શિયાળામાં શાલ ઓઢીને, ચોમાસામાં છત્રી લઈને પણ જવાનું ખરું. હું ત્યાં જતો થયો અને ધીમે ધીમે તેમની સાથે-તેમનામાં ભળ્યો. વિપુલની બહેન મનીષા (ટીની) મારાથી ત્રણેક વર્ષે નાની. તે પણ ઘરમાં બધા મિત્રોની અવરજવરને કારણે તેમની સાથે ભળતી. સમય જતાં મહેમદાવાદમાં હું એક જ રહ્યો. અજય પરીખ (ચોક્સી)ની દુકાન મહેમદાવાદમાં. એટલે તે મણિનગરથી અપ-ડાઉન કરે અને દિવસે મહેમદાવાદમાં હોય. તહેવારોમાં બીરેન પરિવાર, વિપુલ પરિવાર, ચોક્સી પરિવાર, મંટુ પરિવાર આ બધા મહેમદાવાદ આવે. સાથે વિપુલના મિત્રમાંથી અમારા એકદમ નિકટના મિત્ર બનેલા પૈલેશ શાહ (પહેલાં ખેડા, પછી નડિયાદ)નો પરિવાર પણ હોય. અમે 17, નારાયણ સોસાયટીના બંગલે મળીએ. સાથે બેસીએ. ત્યારે જ દિવાળી પૂરી થઈ હોય એવું લાગે. વચ્ચે વચ્ચે ક્યારેક કિર્તી-પારુલ પટેલ (અમેરિકા) જેવાં મિત્રો પણ આવી જાય અને તેમના નિમિત્તે શક્ય એટલી મિત્રમંડળીનું મિલન થાય.
દિવાળીના દિવસોમાં 17, નારાયણ સોસાયટીની અંદરનો માહોલઃ શચિએ પાડેલું સેલ્ફી. ફોટોમાં (ડાબેથી) બીરેન, વિપુલ, બિંદુ, ઉર્વીશ, આસ્થા, સોનલ, કામિની, જય, અર્પ, અજય, રશ્મિકા |
...અને બહારનો માહોલઃ (ડાબેથી) રશ્મિકા, ફાલ્ગુની, બિંદુ, સોનલ, શચિ, નીલ, કવન, અર્પ |
બધા મિત્રોના પરિવારોમાં IYC મિત્રમંડળીનો મહિમા સ્વીકારાયેલો. ભૂતકાળમાં પ્રસંગોના આયોજનના કોન્ટ્રાક્ટ અપાતા ન હતા અને હાથ પણ છૂટો ન હોય, ત્યારે બધા મિત્રોએ એકબીજાને ત્યાં દિલથી-મહેનતપૂર્વક, સરસ રીતે આયોજનો પાર પાડ્યાં હોય. એ સિવાય પણ જરૂર પડે ત્યારે આ મિત્રોની હૂંફની હૈયાધારણ મનમાં હોય. તેમાંથી પૈલેશ શાહ જેવા લાગણીગત ઉપરાંત પ્રકૃતિગત રીતે પણ ખાંખતવાળા હોય. એટલે તેમનો લાભ બધાને વધારે પ્રમાણમાં અને સામાન્ય સંજોગોમાં પણ મળે. વર્ષો બલ્કે દાયકાઓ સુધી અજય પરીખ (ચોક્સી)નો એવો લાભ બધાને મળ્યો હોય.
હવે બધા મિત્રો પંચાવન વટાવી ચૂક્યા છે અને ત્રણેક વર્ષમાં સાઠ પાર કરી જશે. ઘણાંખરાં સંતાનો લગ્નવયમાં પ્રવેશી ચૂક્યાં છે અને કેટલાંકનાં લગ્ન થઈ ગયાં છે. તે પ્રસંગોમાં પણ IYCનું સ્થાન અને દરજ્જો પરિવાર જેવાં રહ્યાં છે. લગ્નપ્રસંગોમાં કડાકૂટભર્યાં આયોજનો કરવાનો સમય જમાનાની રીતે અને ઉંમરની રીતે પણ વીતી ચૂક્યો છે. ત્યારે લગ્નોમાં અને બીજા પ્રસંગોમાં IYCના સભ્યોને પછીની પેઢીની સેવાનો લાભ મળવા માંડ્યો છે અને તે બહુ મીઠો લાગે છે.
IYCની દંતકથામિશ્રિત સત્યકથા વિશે વર્ષોથી દાખલા દેવાતા રહ્યા છે અને આદરમાન વ્યક્ત થતાં રહ્યાં છે, પણ આ પોસ્ટનો આશય નવી પેઢી વચ્ચેના મજબૂત જોડાણ વિશે આનંદ અને પોરસ વ્યક્ત કરવાનો છે. તેમને જુનિયર-IYC નહીં કહું. કારણ કે એ તેમની સાવ પ્રાથમિક ઓળખાણ ગણાય. તે બધાંને સાંકળતો મૂળભૂત દોર તેમના પપ્પાઓની દોસ્તીનો અને પછી પારિવારિક સંબંધોનો છે. પણ નવી પેઢી માટે એટલું કદી પૂરતું નથી હોતું. તેમણે પરસ્પર દોસ્તીનાં નવાં સમીકરણ તેમની રીતે નીપજાવ્યાં છે. તે એવાં ઉમળકાસભર, સમજદારીપૂર્વકનાં અને હળવાશભર્યાં છે કે આંખ ઠરે-મનમાં ટાઢક પહોંચે. નીલના લગ્ન નિમિત્તે સાથે રહેવાથી આ અહેસાસ વધારે દૃઢ થયો.
બીરેનની દીકરી શચિ લગ્નમાં આવી શકે તેમ ન હતી. પણ એ અને નીલ પહેલેથી બધાં સાથે સરસ રીતે સંકળાયેલાં રહ્યાં છે. લગ્ન પછી અને નીલના કિસ્સામાં અમેરિકા ગયા પછી પણ તેમણે વડીલો સાથે અને તેમનાથી નાનાં લોકો સાથે નાતો જાળવી રાખ્યો છે. પરંતુ નીલના લગ્નપ્રસંગે બીરેન-કામિનીનો પુત્ર ઇશાન, પૈલેશ-ફાલ્ગુનીના પુત્ર કવન- આકાશ, મંટુ-યત્નાની (પરણીને હૈદરાબાદ સ્થાયી થયેલી) મોટી પુત્રી ઊર્મિ, અજય-રશ્મિકાના પુત્રો (કેનેડાસ્થિત) અર્પ અને જય તથા અમારી (મારી-સોનલની) પુત્રી આસ્થા—આ બધાંએ તેમની વચ્ચેની નવેસરની આત્મીયતાનો પરિચય આપ્યો. ઉંમરનો તફાવત ભૂલાવીને તે જે રીતે સાથે રહ્યાં-આનંદ કર્યો, તેનાથી દોસ્તીનું નવું પ્રકરણ નહીં, તેમની દોસ્તીનો નવો ખંડ શરૂ થયો હોય એવું લાગ્યું. બધાં અઢાર વટાવી ચૂક્યાં હોવાથી અને તેમની વચ્ચે ઉંમરના તફાવત ભૂંસાઈ ગયા હોવાથી. જૂનાં વખતમાં એકમેક સાથે બહુ ફાવતું હોય એવાં પિતરાઈઓ ભેગા થઈને જેવી મઝા કરે, એવી ને એટલી મઝા તેમણે કરી. પુખ્ત વયનાં ને પોતપોતાનાં મિત્રવર્તુળો ધરાવતાં સંતાનો વચ્ચે આવી આત્મીયતા સહજ રીતે નીપજી આવી, તે નીલના લગ્નની (યેશા પછીની) સૌથી મોટી ઉપલબ્ધિ લાગે છે. એ પ્રસંગની અમારા માટે બીજી ઉપલબ્ધિ એટલે મનિષા (ટીની)ના પતિ વિજલભાઈ (ડો. વિજલ કાકા, વડોદરા) સાથેની નવેસરની દોસ્તી અને નિકટતા.
(L to R) કવન, જય, અર્પ, ઊર્મિ, નીલ, ઇશાન, આસ્થા, આકાશ, 19-12-21, વડોદરા |
ઉપરની ગેંગના કેટલાક સભ્યો, 2006માં, અમારા જૂના ઘરેઃ (ડાબેથી) અર્પ, જય, નીલ, આસ્થા, કલ્પ (મયુર પટેલ), દીતિ (નીલેશ પટેલ), ઇશાન, આસ્થા |
નીલના લગ્ન વખતે IYC 1.0ના ફોટા લેતા IYC 2.0 : (ડાબેથી) ડોલી (મુકેશ પટેલ), હર્ષ (પૈલેશનો ભત્રીજો), હર્ષનાં મમ્મી, ઊર્મિ, કવન, અર્પ, જય, ઇશાન, આસ્થા |
અને રહી વાત સ્કૂલકાળથી દોસ્તી નિભાવીને છેક નિવૃત્તિના આરે આવેલા મૂળ IYCની. તે IYC 1.0માંથી અપગ્રેડ થઈને IYC 1.1 વર્ઝન સુધી પહોંચે એ હવે પછીનું લક્ષ્ય રાખવા જેવું છે. લખનાર તરીકે તે શુભેચ્છા છે અને IYC 1.0ના ભાગ તરીકે તે લાગણી પણ છે.
નીલના લગ્નમાં (ડાબેથી): અજય-રશ્મિકા, પિયુષ-ભાવશ્રી, બીરેન-કામિની, મનીષ (મંટુ)-યત્ના, વિપુલ, પૈલેશ-ફાલ્ગુની, ઉર્વીશ-સોનલ, ગીતા મુકેશ પટેલ, કિર્તી-પારૂલ |
Wednesday, December 22, 2021
વરઘોડો એટલે...
કોઈ પણ દુન્યવી ચીજની જેમ વરઘોડાને મુખ્યત્વે બે રીતથી જોઈ શકાયઃ બહારથી અને અંદરથી—અને આ બંને દર્શન સાવ સામા છેડાનાં હોઈ શકે છે.
બહારથી જોનાર માટે વરઘોડો, સારામાં સારું વિશેષણ વાપરીને કહીએ તો ‘જોણું’ હોય છે અને આકરામાં આકરો શબ્દ વાપરીએ તો, ‘ન્યૂસન્સ’. નાનાં ગામ-નગરોમાં વર્ષો સુધી વરઘોડા જોવાની ચીજ ગણાતા હતા. મુખ્ય રસ્તા પર નીકળનારો વરઘોડો જોવા માટે દૂરની પોળોમાં કે સોસાયટીમાં રહેતા લોકો પણ આવી પહોંચતા હતા. વરઘોડાના રસ્તે ઓટલો કે પહેલા માળની અગાસી ધરાવતા લોકોને તેમના મકાનના ભૌગોલિક સ્થાનની રૂએ, ઇચ્છાએ કે અનિચ્છાએ, યજમાનપદ પ્રાપ્ત થતું હતું. દૂરથી ખાસ વરઘોડો જોવા આવેલા લોકોને ચા-શરબતનો વહેવાર ભલે ન કરવો પડે, પણ વરઘોડો જતાં પહેલાં અને તે પસાર થઈ ગયા પછી, થોડાંઘણાં ઓળખીતાં લોકો સાથે હસીને વાત તો કરવી પડે. ઘણી વાર તો એ વાતનો વિષય વર કે તેના પિતાશ્રી કે પરિવારના ‘વિશ્લેષણ’નો હોય, જેને કેટલાક ‘ખોદણી’ કે ‘કુથલી’ જેવાં તુચ્છકારજનક નામે ઓળખાવતા હોય છે.
વર્તમાન સમયમાં ચહીને વરઘોડા જોવા જવાની સંસ્કૃતિ, બીજી ઘણી સાંસ્કૃતિક બાબતોની જેમ, નામશેષ થઈ છે. એટલે લોકોને મુખ્યત્વે સડક પર રહીને વરઘોડા જોવાના થાય છે. માણસ રસ્તા પર વાહન લઈને કે વાહનમાં બેસીને જતો હોય અને આગળ વરઘોડો આવી જાય અથવા સામેથી વરઘોડો પ્રગટ થાય તો? પહેલી વાત તો એ કે, માણસની માનસિકતા ત્યારે વર કે ઘોડો કશું જોવાની હોતી નથી. એટલે વર, ઘોડો અને વરઘોડો એ ત્રણે પર તે મનોમન ખીજાઈ શકે છે. વરઘોડામાં વરનું સ્થાન ભારતના રાષ્ટ્રપતિ જેવું હોય છે. તે વરઘોડાનો ‘પ્રથમ નાગરિક’ ખરો. તેનાં માનપાન સૌથી વધારે. બધું તેના નામે થાય. છતાં, જે કંઈ થઈ રહ્યું છે તેમાં એ કંઈ કરી શકે નહીં અથવા એવું કરવાનું તેને ગમે નહીં. કારણ કે, તેને પણ જે થઈ રહ્યું હોય તે ગમતું હોય.
જૂની અંગ્રેજી વાર્તામાં એક રાજા દરિયાનાં મોજાં રોકે છે એવી વાત આવતી હતી. ઘોડાનશીન ભાઈ ઉર્ફે વરને પણ થોડી વાર માટે એવું લાગી શકે કે જોયું? બાઅદબ, બામુલાહિજા, હોશિયાર...નેકનામદાર, સેનાખાસખેલ, સમશેરબહાદુરની સવારી પસાર થઈ રહી છે અને આખ્ખો ટ્રાફિક તેને કુરનિશ બજાવતો ખડો થઈ ગયો છે. તેમની સરખામણીમાં, શબ્દાર્થમાં ઘોડા પર બેઠા હોવા છતાં, ધ્વન્યાર્થમાં જમીન પર પગ ધરાવતા વરભાઈઓના મનમાં મિશ્ર લાગણી હોયઃ એક તરફ ‘બમુલાહિજા’ વાળું ચાલતું હોય અને બીજી તરફ, દસ દિવસ પહેલાં શોપિંગ કરવા જતી વખતે, આવો જ એક વરઘોડો રસ્તામાં નડ્યો ત્યારે તેણે મનોમન કેવાં સ્વસ્તિવચનો કાઢ્યાં હતાં, એ પણ યાદ આવી શકે. પરંતુ મોં સહેરા પાછળ છુપાયેલું હોય કે સાફામાં અડધું ઢંકાયેલું હોય, એટલે તેની પર રહેલી અવઢવ કળી શકાતી નથી.
વરઘોડાની પાછળ ઉભેલો અને તેના પસાર થવાની રાહ જોનાર જણ મોબાઇલ પર ગેમ રમવાનો પ્રેમી હોય તો તેને વરઘોડામાં આસપાસનું ભાન ભૂલીને નાચતા લોકો, વિડીયો ગેમમાં આવતા અડચણ પેદા કરનારા પદાર્થો જેવા વધારે લાગે. તેને થાય કે તે પણ ગેમના કે સ્ટંટ ફિલ્મના અંદાજમાં દૂરથી વાહન દોડાવતું લાવે અને પછી તેને એવો કૂદકો મરાવે કે આખો વરઘોડો મોં ફાડીને જોયા કરે અને તેનું વાહન વરઘોડો કૂદીને બીજી તરફ નીકળી જાય. પરંતુ એવું શક્ય નથી હોતું. એટલે નાના વાહનના ચાલકો વરઘોડાની સાઇડ પરથી રસ્તો કરીને નીકળવાની વેતરણમાં રહે છે અને મોટા લમણે હાથ દઈને, મનોમન ગણગણાટી કરે છે, જેમાં પોલીસ, કાયદો, સભ્યતા, કોર્ટ, એકેએકને...એવા બધા શબ્દો મુખ્ય હોય છે. આ ક્ષણોમાં ધીરજ, સંયમ, સભ્યતા અને અહિંસા ન ખોનાર કામચલાઉ ધોરણે બુદ્ધ 2.0નો દરજ્જો હાંસલ કરે છે.
વરઘોડામાં રહીને બહારના ટ્રાફિકનું સંચાલન કરતા કેટલાક વરઘોડિયા બુદ્ધ થાઉં થાઉં કરતા લોકોને તેમના સંયમપથ પરથી ચલિત કરવાના ઘણા પ્રયાસ કરે છે. વરઘોડા થકી ગામઆખાનો ટ્રાફિક જામ કર્યા પછી, રાહદારીઓને ટ્રાફિકવિષયક આદેશો આપતા લોકો, લોકશાહીના ઉપદેશ આપતા આપખુદ શાસકો જેવા લાગે છે. પણ બંને કિસ્સામાં બેવડું ધોરણ એટલું ઉઘાડેછોગ હોય છે કે ધ્યાન દોરવાથી કશો ફરક પડતો નથી. ઉલટું, તકરાર થવાની સંભાવના રહે છે. એટલે પ્રગટપણે કજિયાનું અને મનોમન વરઘોડાનું મોં કાળું ગણીને માણસ સુખેદુઃખે વરઘોડો પસાર થઈ જાય તેની રાહ જોતો ઉભો રહે છે.
કદીક સમયનું ચક્ર ફરે અને વરઘોડાપીડિતને વરઘોડામાં જવાનો પ્રસંગ આવે ત્યારે મઝા થાય છે. યુદ્ધ શરૂ થતાં પહેલાં કુરુક્ષેત્રના મેદાનમાં ઉભેલા અર્જુનને જેમ સામે ઉભેલાં સગાંસ્નેહીઓ સાથે યુદ્ધના વિચારથી વિષાદયોગ થયો હતો, તેમ આ ભાઈને પણ વરઘોડાની પાછળ અટવાતાં કે સામેથી આવતાં સમદુઃખીયાં પ્રત્યે અનુકંપા થાય છે. પરંતુ વરઘોડામાં મોટાં અવાજે વાગતાં ગીતો અને તેની પર ઝૂમતા લોકોને લીધે સર્જાયેલા માહોલમાં વિચાર કરવા માટે અનુકૂળ વાતાવરણ હોતું નથી. એટલે પીડિત વરઘોડાની ભીડમાં ક્યાંક ખોવાઈ જવાનું પસંદ કરે છે. અલબત્ત, સમાનુભૂતિની આવી લાગણી ધરાવતા લોકો જૂજ હોય છે. બાકીના માટે તો ડાન્સ કરવાનાં કે ટ્રાફિકનું સંચાલન કરવાનાં કામ તૈયાર હોય છે.
Monday, December 13, 2021
જમવા જવા વિશે
લગ્નની મોસમમાં કેટલાક સળગતા સવાલ ઉભા થાય છે. ના, લગ્ન તેમાંનો એક નથી. કારણ કે તેમાં એ તબક્કો થોડો પછી આવે છે. અહીં તો જેમનાં અથવા જેમના ઘરે લગ્ન નથી, એવા લોકો માટે સર્જાતા સવાલની વાત છે. તેમાંનો એક છેઃ જમવા જવું કે નહીં.
આટલું વાંચીને મોટા ભાગના લોકોને થશે કે ‘એંહ, આ તે કંઈ સમસ્યા છે? આપણે જમવા જઈએ તે સામા માણસ માટે કદાચ સમસ્યા હોઈ શકે, પણ આપણો તો જઈને, બૅટિંગ કરીને પાછા આવવાનું છે. તેમાં ક્યાં કશી મુશ્કેલી છે?’ આવો વિચાર ખોટો નથી અને લાગે છે એટલો સર્વવ્યાપી પણ નથી. અમુક ઉંમર સુધી જમવા જવા વિશે બહુ ઉત્સાહ રહેતો હોય છે. સ્માર્ટ ફોન પહેલાંના યુગના કેટલાક સ્માર્ટ લોકો સીઝનમાં આવેલી કંકોત્રીઓમાં ક્યાં કયા દિવસે, કયા ટંકે (સવારે કે સાંજે) જમવા જવાનું છે, તેની અલગથી યાદી બનાવી રાખતા હતા. તેમની દલીલ હતી, ’યજમાનને ખોટું લાગે ને આપણે ખાધા વગરના રહીએ—એવો ધંધો શું કામ કરવો?’
ત્રણેક દાયકા પહેલાં સુધી બુફે સર્વવ્યાપી બન્યાં ન હતાં, ત્યારે પંગતભોજનનો યુગ હતો. એટલે, ‘હી કેમ, હી સૉ એન્ડ હી કૉન્કર્ડ’ની જેમ, જઈને, જમીને, જોતજોતાંમાં નીકળી જવાનું શક્ય ન હતું. પહોંચીએ ત્યારે પંગત પડી ચૂકી હોય તો પછી અડધો-પોણો કલાક રાહ જોવી પડે. ક્યારેક નિમંત્રીતોની સંખ્યા વધારે હોય તો પંગતમાં દાળ-ભાત પીરસાય, ત્યારે આગામી પંગતમાં જગ્યા રોકવા માટે જમનારની પાછળ જઈને ઊભા પણ રહેવું પડે. છતાં, એ વખતે બહાર હૉટેલમાં કે લારી-ખુમચા પર જમવાના પ્રસંગો જૂજ રહેતા. બહાર જમવું એ પોતે એક ઘટના ગણાતી અને તેનું આકર્ષણ સામાન્ય ગણાતું હતું.
છેલ્લાં થોડાં વર્ષોમાં પોસાય કે ન પોસાય, છતાં સૌ કોઈ જમણવારો રાખતા થઈ ગયા. સાથોસાથ, બહાર ખાવાનું જોર પણ વધ્યું. સ્વીગી-ઝૉમેટોના જમાનામાં ઘરે રહીને બહાર ખાવાનું પણ શરૂ થઈ ગયું. એટલે હવે સામાન્ય જમણવારોમાં જમવા જવા માટે સૌ કોઈ એકસરખા ઉત્સાહી નથી હોતા. યજમાનો જેને લગ્નનું અને મહેમાનો જેને જમણવારનું આમંત્રણ ગણે છે, તે કંકોત્રી આવતાં ઘરમાં નીતિવિષયક ચર્ચાઓ શરૂ થઈ જાય છે. કેટલાંક નિમંત્રણો ચર્ચાથી પર હોય છે. કેમ કે, તે એટલાં નિકટનાં અથવા એટલા સમૃદ્ધ યજમાનોનાં હોય છે કે ત્યાં જવા વિશે કોઈ અવઢવ નથી હોતી. પણ એ સિવાયના નિમંત્રણો મહેમાનોને મૂંઝવણમાં મુકી શકે છે. તેમાં પણ એક ટંકનાં આવાં એકથી વધુ નિમંત્રણ ભેગાં થાય, ત્યારે મહેમાનો અટવાઈ શકે છે. ‘મૈં ઇધર જાઉં યા ઉધર જાઉં?’ એવા વિચારમાં તે લશ્કરી વ્યૂહબાજની જેમ મુદ્દાસર ચર્ચાવિચારણા કરી જુએ છે.
ઘણાંખરાં ઠેકાણાં એવાં હોય છે કે જ્યાં જમવા ન જવાથી યજમાનને ખરાબ લાગવાનો પ્રશ્ન હોતો નથી. પણ ન જઈએ તો પેટને કે સ્વાદરસિકતાને અન્યાય થાય, એ શક્યતા તો ચકાસવાની રહે છે. તેથી સૌ પહેલાં ‘પાર્ટી’ (યજમાન)ની સદ્ધરતા, આયોજનશક્તિ, અગાઉના પ્રસંગોની છાપ જેવાં પરિબળ ધ્યાનમાં લેવાય છે. તેમાંથી એક કે વધુમાં યજમાનનો ટ્રેક રેકોર્ડ નબળો હોય, તો તેમને ત્યાં જમવા જવાની ઇચ્છા મંદ પડે છે. ભૂતકાળમાં એ યજમાનને ત્યાં રસોઈ ખૂટી હોય, બટાટાવડાં ખૂટતાં સમોસા મંગાવાયાં હોય, દાળમાં પાણી કે શાકનો રસો રેડાયાં હોય, ગાજરનો હલવો ખુટતાં દુધીનો હલવો આવ્યો હોય, પાણીપુરીના કાઉન્ટર પર સર્જાયેલી ધક્કામુક્કીમાં બે-ચાર જણ ઘાયલ થયાં હોય...તો એવાં ઠેકાણે જમવા જવાની ઇચ્છા મોળી રહે છે. વડીલોનું વલણ સામાન્ય રીતે સમાધાનકારી હોય છે. તે આશ્વાસન આપતાં કહે છે, ‘આ વખતે તો સાંભળ્યું છે કે ‘એ લોકો પાણીપુરી રાખવાના જ નથી.’ પણ નવી પેઢી વડીલોને જ્ઞાન આપતાં કહે છે,‘એમનો ભત્રીજો મારા ગ્રુપમાં છે. એ કહેતો હતો કે લાઇવ પિત્ઝાનું કાઉન્ટર છે. એટલે બધું એકનું એક જ.’
પાણીપુરી અને લાઇવ પિત્ઝા ધક્કામુક્કીના મામલે એકસરખાં હોઈ શકે, તે જૂની પેઢીને સમજતાં તકલીફ પડી શકે છે. પણ તે સમાધાનકારી રસ્ત કાઢતાં કહી શકે છે, ’હશે. પિત્ઝા તો તું આડેદહાડે ક્યાં નથી ખાતો? એવું હોય તો આપણે લાઇવ કાઉન્ટરોમાં નહીં જવાનું. એ સિવાય પણ બધું હશે તો ખરું ને.’ હા, હોય તો ખરું જ. એક લાલ શાક (પંજાબી), એક લીલું શાક, એક ચાઇનીઝ ફરસાણ, બે-ત્રણ સ્વીટ. કેમ કે, હવેના જમણવારોમાં વાનગીઓની સંખ્યાનો પ્રશ્ન ભાગ્યે જ હોય છે અને એ વાનગીઓના સ્વાદનો પ્રશ્ન ન હોય, એવું ભાગ્યે જ બને છે. યજમાન તો ડીશની સંખ્યાનો ઑર્ડર અને વાનગીઓની યાદી આપીને પરવારી જાય છે. પછી તે કેવું બન્યું, તેના અખતરા મહેમાનોના પર હોય છે. યજમાનો સૌથી છેલ્લા કેમ જમે છે તેનાં કારણો વિશે સંશોધન કરતાં, ઉપરના કારણની પણ આશંકા ગઈ હતી. અલબત્ત, તે આરોપમાં વજૂદ જણાતું નથી. છતાં ભોજનની ગુણવત્તાથી દુઃખી લોકો એવું માનવા પ્રેરાય છે.
આ પ્રકારની વૈચારિક કવાયત અને મૂંઝવણનો અંત લગભગ નક્કી હોય છેઃ અનેક વિચારો કર્યા પછી, ‘મેલ કરવત, મોચીના મોચી’ ન્યાયે જમવા તો જવાનું અને પાછા આવીને, ફરી એવા ઠેકાણે જમવા નહીં જવાની પ્રતિજ્ઞા પણ લેવાની.
Thursday, December 09, 2021
રસ્તો શોધવા વિશે
મોબાઇલ કે ટીવીના સ્ક્રીન વગરના બાળપણમાં રસ્તો શોધવો એ સસલાને ગાજર સુધી કે બાળકને ચોકલેટ સુધી પહોંચાડવાની રમત હતી. એવા અટપટા રસ્તા હોય કે શરૂઆતથી અંત સુધી એક ઘાએ પહોંચાય નહીં. ત્યારે એ રમત બહુ અઘરી લાગતી. મોટપણે સમજાયું કે ઘણા ખરા લોકોને બે ટંકના સારા ભોજન સુધી પહોંચવાનું ને બાકીના થોડાને સુખ સુધી પહોંચવાનું આનાથી પણ ઘણું વધારે અઘરું પડે છે—અને એ તો રમત પણ નથી કે ‘નથી રમતા’ કહીને ઊભા થઈ જવાય.
ગુગલ મેપ્સ પહેલાંના યુગમાં ધારેલા સરનામે પહોંચવાની પ્રક્રિયા ખરેખર અઘરી હતી અને હજુ પણ તે પૂરેપૂરી આસાન થઈ નથી. ઘણા લોકો એવા હોય છે કે તેમને એવરેસ્ટ જવાનું કહીએ તો, ત્યાં પહોંચવાનો રસ્તો શી રીતે શોધીશું, એવો જરાય વિચાર ન કરે. તેમને એવું ન થાય કે એવરેસ્ટ એટલે કંઈ સોસાયટીના નાકે પડ્યું છે? ત્યાં પહોંચાય શી રીતે? એ તો ફિલ્મ જોવા જવાનું હોય એટલી સહેલાઈથી તૈયાર થઈ જાય. બીજી બાજુ કેટલાક આત્માઓ એવા હોય, જેમને એવરેસ્ટ જવાની વાત સાંભળીને સૌથી પહેલો વિચાર એવો આવે કે ‘આપણે કેટલા વાગ્યે નીકળવું પડશે? શું છે કે અમારા ઘરની બહારથી રાત્રે નવથી સવારના સાત સુધી રિક્ષા મળતી નથી.’ ટૂંકમાં, તે જીવોની ચિંતાની શરૂઆત એવરેસ્ટની ઊંચાઈએ કેવી રીતે પહોંચીશું તેનાથી નહીં, પણ ઘરની બહારથી રેલવે કે બસ સ્ટેશને જવા રિક્ષા સુધી શી રીતે પહોંચીશું, તેનાથી શરૂ થાય. તેમને તમે વાસ્તવવાદી કહી શકો કે ચિંતાખોર. પણ મૂળે ભૂગોળ સાથેનો તેમનો સંબંધ સારો નહીં એટલી જ હકીકત.
દરેક તબક્કાના સવાલોના સંતોષકારક જવાબ મળ્યા પછી તેમને આખરી તબક્કાના સવાલો જાગેઃ ‘એવરેસ્ટ તો કેટલું મોટું છે. ત્યાં 360 ડિગ્રીમાંથી કોઈ પણ ડિગ્રીએ જઈ શકાય. તો આપણે કઈ ડિગ્રીએથી ચઢાઈ કરવાની છે, તેની શી રીતે ખબર પડે? એક વાર હિમાલયમાં પહોંચી ગયા પછી, આપણને જે દેખાય છે તે એવરેસ્ટ જ છે અને કાંચનજંઘા શીખર નથી, એની શી ખાતરી? તમને થશે કે આ ખોટી ચૂંથ કરે છે, પણ ભઈ, પૂછી લીધેલું સારું. એક વાર ભૂજ જતી વખતે મેં ટિકીટ સ્વામિનારાયણ ટ્રાવેલની લીધેલી ને બેસી ગયો સહજાનંદમાં. મને એમ કે બધું એકનું એક જ ને? એ તો ઠીક છે, બીજા મુસાફરે આવીને વેળાસર ખબર પાડી. પણ એવરેસ્ટ-કાંચનજંઘા છેવટે તો હિમાલય જ. ત્યાં એવું થાય તો ક્યાં જવું? અને મેં પૂરતો અભ્યાસ કર્યો છે. તેમાં ક્યાંય એવું જોવા મળ્યું નથી કે કાંચનજંઘા કે એવરેસ્ટ પર તેમનાં નામનાં બોર્ડ માર્યાં હોય.’
આવા સવાલો મનમાં ઉઠે તે દર્શાવે છે કે પૂછનારનો કશો વાંક નથી. બસ, તેમના મનમાં ભૂગોળનો સોફ્ટવેર બરાબર લોડ થયેલો નથી. એવા લોકોને એવરેસ્ટ-કાંચનજંઘા તો દૂર, કોઈને મળવા ઑફિસની કૅબિનમાં દાખલ થયાના અડધા કલાક પછી બહાર નીકળતી વખતે કૅબિનનું કાચનું બારણું કઈ તરફ હતું, એ પણ યાદ રહેતું નથી. તેમાં તે નિર્દોષ છે. દોષ તો ભૂગોળનો અને બરાબર લોડ નહીં થયેલા ભૂગોળના સોફ્ટવેરનો છે. એવા લોકો પાછા બીજી બાબતમાં સાવ નૉર્મલ હોય અને કેટલાક તો વળી અભ્યાસી પણ હોય. એટલે, તે જેટલું વધારે જાણે એટલા વધારે ગુંચવાય. તેમને એવું પણ થાય કે ‘એવરેસ્ટ પર પહોંચી તો ગયા, વાવટો-બાવટો ફરકાવી દીધો, પણ પછી પાછા ક્યાંથી ઉતરવાનું? અહીં તો ઑફિસમાં દાખલ થયાના કલાક પછી બહાર નીકળવાનો રસ્તો યાદ રહેતો નથી, તો એવરેસ્ટથી પાછા ઉતરવાના ઘણા રસ્તા હોય. તેમાં આપણો કયો, એ કેમ ખબર પડે?’
આવા લોકોમાંથી કેટલાક પોતાની ભૌગોલિક મર્યાદાનો સ્વીકાર કરીને પ્રામાણિકતાપૂર્વક જાહેર કરી દે છે અને ભૂગોળસજ્જ સાથી હોય તો જ અજાણી જગ્યાએ જાય છે. ખતરનાક પ્રજાતિ એ હોય છે, જેમને ભૂગોળ સાથે સુમેળ ન હોવા છતાં, પોતાને તો રસ્તામાં બરાબર ખબર પડે છે, એવો દેખાવ તે ચાલુ રાખે છે. કોઈ રસ્તે બે-ત્રણ ફાંટા આવે ત્યારે આવા લોકો ખાતરીપૂર્વક જાહેર કરે છે, ’ડાબી બાજુ.’ તેમની વાત પર વિશ્વાસ મુકવો કે નહીં, તે ચાલક વિચારી રહે એ પહેલાં તો વિધાન બદલાય છે, ’જોકે, હું એક વાર આવ્યો ત્યારે પાનનો ગલ્લો ડાબેથી બીજી બાજુના રસ્તે હતો.’ ચાલક વધુ ગુંચવાય છે, ત્યાં ત્રીજું નિવેદન આવે છે, ‘આમ તો જમણી બાજુએ વળીએ તો પણ પહોંચી જવાય.’
ચાલક વિચાર કરે છે કે આટલી ઝડપથી તો વડાપ્રધાન પણ નિવેદનો નથી બદલતા. પછી તે પરિસ્થિતિની નજાકત સમજીને, રાજકીય ચિંતન છોડીને અથડાતા-કૂટાતા, ફરી ફરીને સાચા રસ્તે પહોંચે છે. ત્યારે પેલા જાણકાર બોલી ઉઠે છે, ’મેં નહોતું કહ્યું?’ તેમની વાત ખોટી નથી હોતી. કારણ કે, તેમણે એક પછી એક બધા રસ્તા વિશે કહ્યું જ હોય છે.
આવા લોકો વાહનમાં સવાર હોય, ત્યારે વાહનચાલકના મનમાં કેટલીક વાર ખૂન કે આત્મહત્યા, એ બે જ વિકલ્પ ઉભરતા હોય છે. પણ માણસ કેટલીક બાબતોમાં ગુફાયુગમાંથી આધુનિક યુગમાં પ્રવેશ્યો છે. એટલે તે બંને વિકલ્પ ટાળીને ચૂપચાપ વાહન ચલાવ્યે રાખે છે.