Wednesday, July 14, 2021
વડાપ્રધાનથી જૂઠું બોલાય?
કેટલીક બાબતોમાં વર્તમાન વડાપ્રધાન પર તમને ગમે તેટલો ભરોસો હોય, તો પણ સવાલ વાંચીને દુભાઈ ન જશો. આ તાત્ત્વિક સવાલ છે. આ સવાલ એવો પણ હોઈ શકત કે વડાપ્રધાનથી સાચું બોલાય? ગુજરાતીના ચિંતનલેખો વાંચનારા જાણે છે કે સત્ય-અસત્ય, સચ્ચાઈ-જૂઠાણું આ બધી તાત્ત્વિક બાબતો છે. તેના ઉકેલ માટે લાંબી માથાકૂટ કરવી પડે. પણ લેખકોના સારા અને (સારા વાચકોના ખરાબ) નસીબે, સત્ય-અસત્ય વિશે લખવા માટે તેનો અભ્યાસ કરવાની જરૂર હોતી નથી. યથાયોગ્ય અભ્યાસ કરીને લખવામાં આવતો લેખ માહિતીલેખનો ઉતરતો દરજ્જો પામે છે. ગોળગોળ વાતો કરીને, કાંગારૂની જેમ અહીંતહીં વિષયાંતરના ઠેકડા મારતો લેખ જ છેવટે ગુજરાતી ચિંતનલેખની ઊંચાઈએ પહોંચી શકે છે.
તો ચિંતનીય સવાલ એ છે કે વડાપ્રધાનથી જૂઠું બોલાય કે નહીં? તમામ રાજનેતાઓ પર જૂઠું બોલવાના આરોપ થતા રહે છે. નકટા લેખકોની જેમ એવા જ નેતાઓ તેમની સાચી ટીકાને તેમની લોકપ્રિયતાના પુરાવા તરીકે ખપાવવા પ્રયત્નશીલ રહે છે. એટલે તેમની પર જૂઠું બોલવાનો આરોપ મુકાય ત્યારે તે કહી શકે છે કે ‘જુઓ, સત્યાસત્ય તો દર્શનશાસ્ત્રનો વિષય છે અને હું શાસક છું. હું દર્શનશાસ્ત્રમાં ઊંડો ઉતરવા રહું, તો મારા મુખ્ય શસ્ત્ર એવા પ્રદર્શનશાસ્ત્રનું શું થાય?’
આમ, રાજનેતાઓ પાસે જૂઠું બોલવાનું નક્કર કારણ મોજૂદ છે. પરંતુ ઘણા શાસકો પર, જેમ કે વર્તમાન વડાપ્રધાન પર, પારાવાર જૂઠું બોલવાના આરોપ લાગે છે. પારાવારના પ્રવાસી હોવું એ કવિતામાં સારી બાબત છે, પણ જૂઠું બોલવાના સંદર્ભે તે મુશ્કેલી પ્રેરી શકે છે. લોકોને થાય છે કે ‘વડાપ્રધાન થઈને તમે ઠંડા કલેજે જૂઠાણાં ગબડાવો તો અમારે ભરોસો ક્યાં રાખવો?’ આજકાલ કહેતાં ભારતમાં લોકશાહીને ૭૪ વર્ષ પૂરાં થશે. એટલા સમયમાં ઘણા ‘વી ધ પીપલ ઑફ ઇન્ડિયા’ સમજી ચૂક્યા છે કે રાજનેતા બિચારા જૂઠાણું ન બોલે તો રાજ શી રીતે કરે? આવા ઉદારચરિત નાગરિકોની અપેક્ષા એટલી હોય છે કે ‘તમે જૂઠું બોલવામાં થોડું ધારાધોરણ રાખો. સાવ અમારી સામાન્ય બુદ્ધિનું અપમાન થાય એવાં જૂઠાણાં ન બોલો. નદીમાં જેમ ભયજનક સપાટીના આંકા પાડેલા હોય છે, એવી રીતે તમે જૂઠાણાંમાં કમ સે કમ ભયજનક સપાટી જેવું કંઈક તો રાખો.’ આ સંદર્ભે વર્તમાન વડાપ્રધાન સામે કેટલાક લોકોની એવી ફરિયાદ છે કે તે ગમે ત્યારે, મન થાય ત્યારે, ભયજનક સપાટીને ભયજનક સરળતાથી પાર કરી નાખે છે.
આ તો આરોપ છે. સત્ય વિશેના દાર્શનિક ચિંતનની આ જ મઝા છે. તેમાં કયો આરોપ છે ને કઈ સચ્ચાઈ તે ચર્ચા અનંત રીતે ચલાવી શકાય છે. જૂઠામાં જૂઠો માણસ કોઠાકબાડા કરીને નિર્દોષ સાબીત થયા પછી ‘છેવટે સત્યનો જ વિજય થાય છે’ એવું કહી શકે છે—ટીવી કેમેરા સામે આવું કહેતી વખતે તે હસે, ત્યારે તેના હાસ્યના એકેએક બિંદુમાંથી જૂઠાણું ટપકતું દેખાય તો પણ.
આરોપ ગમે તે હોય--અને તે પુરવાર પણ થઈ જાય તો પણ—‘સત્યનો વિજય થશે’ એવું કોઈ પણ કહી શકે છે. માટે એ દિશામાં ન જતાં, વિચારવાનું એ રહે છે કે વડાપ્રધાનથી જૂઠું બોલાય? પહેલી વાત તો એ છે કે વડાપ્રધાન પણ માણસ છે. (જેમને એ વિશે શંકા હોય તેમણે ધીરજ અને સહિષ્ણુતા રાખવી). માણસમાત્ર જૂઠું બોલવાને પાત્ર હોય છે. એક દાર્શનિક માન્યતા એવી છે (અથવા નહીં હોય તો વડાપ્રધાનના પ્રેમી લેખકો ઊભી કરી દેશે) કે ભારતના બંધારણમાં જીવન જીવવાનો જે મૂળભૂત અધિકાર છે (રાઇટ ટુ લાઇફ) તેમાં આપોઆપ જૂઠું બોલવાના અધિકાર (રાઇટ ટુ લાઇ)નો સમાવેશ થઈ જાય છે. લોકશાહીમાં વડાપ્રધાન ભલે તેમના પોતાના વિશે ગમે તે ધારતા હોય કે લોકો સાથે ગમે તેવો વ્યવહાર કરતા હોય,પણ તે રાજા નથી. તે આગેવાન નાગરિક છે અને નાગરિક તરીકે તેમને મળતો ‘રાઇટ ટુ લાઇ’ કોઈ છીનવી શકે નહીં. આવી દલીલ હજુ સુધી ભારત સરકાર વતી સર્વોચ્ચ અદાલતમાં ભલે નથી થઈ, પણ જાગ્રત નાગરિકોએ માનસિક આઘાતથી બચવા માટે આગોતરી તૈયારી રાખવી જોઈએ.
નાગરિક તરીકેનો અધિકાર સિદ્ધ થયા પછી કોઈને એવો વિચાર આવે કે ‘વડાપ્રધાનથી કેટલું જૂઠું બોલાય?’ આ સવાલ પ્રમાણમાં ઉદાર છે. તેમાં ‘બોલાય કે નહીં?’ એવો ધમકીસૂચક પ્રશ્ન નથી. ‘કેટલું બોલાય? એવો પ્રમાણસૂચક સવાલ છે. તેમાં ‘કીડીને કણ અને હાથીને મણ’વાળો ન્યાય લાગુ પાડી શકાય. દરેકને પોતપોતાના હોદ્દા પ્રમાણે બોલવાની સત્તા હોય છે. જેમ કે, ગામનો સરપંચ રાજ્યના મુખ્ય મંત્રી જેવું ન બોલી શકે. હોદ્દા પ્રમાણે બોલવાની સત્તામાં, બોલવાના પ્રકાર સ્પષ્ટ કરવામાં આવ્યા નથી. એટલે તેમાં આપોઆપ હોદ્દા પ્રમાણે જૂઠું બોલવાની સત્તાનો સમાવેશ થઈ જવો જોઈએ.
‘કેટલું જૂઠું બોલવું?’ તેમાં વળી બે પેટાસવાલ છેઃ ‘કેટલું હળહળતું?’ અને ‘કેટલી વખત?’ આ બંનેમાં પણ હોદ્દાના મોભાનો ખ્યાલ રાખીને જ નક્કી કરી શકાય કે વડાપ્રધાન ઇચ્છે એટલી વખત, ઇચ્છે એટલા વિષયોમાં, ઇચ્છે એટલી હદે જૂઠું બોલી શકે છે. આવી સમજ ખાસ્સા લોકોમાં તો ઉગી ચૂકી છે. બાકીનામાં જે દિવસે તે સમજ આવી જશે, એ દિવસે દેશમાં લોકશાહીનું પૂરેપૂરું ‘કલ્યાણ’ થઈ જશે.
દુનિયાના દરેક દેશમાં આ બીમારી છે. તેમાં રાજનીતિજ્ઞનો,પત્રકારો,
ReplyDeleteજેમને રોજબરોજ લોકોસાથે સંપર્કમાં રહેવાનું આવે છે તેમાં આ
જૂઠું બોલવાની કવાયત ચાલુ રાખવી પડે છે!